દોષનો ટોપલો

આગોતરી દયા આવે છે EVM મશીનની.અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

આવતી કાલે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થશે ત્યારે હારનાર પક્ષ મશીન પર અચૂક આક્ષેપો કરશે. અગાઉ જાહેર ચૅલેન્જમાં જીતી જવા છતાં EVM મશીને પ્રત્યેક ચૂંટણીમાં પોતાની ગુડવિલ દાવ પર લગાવવી પડે છે. એના પૂર્જા‍ઓને સાંત્વન આપવા મુકુલ ચોકસીની પંક્તિ ઉધાર લઈ મશીનને સમજાવીએ કે ભાઈ... 

જગતના સ્નેહીઓ પણ સ્વાર્થમય વ્યવહાર રાખે છે

ભીતરમાં ભાવનાનો ભેદ ભારોભાર રાખે છે

મહોબ્બત જોઈ ના લંબાવજે તું હાથ મૈત્રીનો

કે અહીંયા તો ઘણા ફૂલછાબમાંયે ખાર રાખે છે


માણસ જેવા માણસને રાજકારણીઓ છોડતા નથી તો આ તો બિચારું મશીન છે. પહેલાંના સમયમાં બૂથ-કૅપ્ચરિંગ ચૂંટણી સાથે જોડાયેલો કારસો હતો. ગુંડાઓ બૅલટ પેપર પર મરજી મુજબ બલ્લે-બલ્લે રમતા. એ જમાનો બંધ થયો એનો હાશકારો ગણવાને બદલે EVM પર થતું દોષારોપણ એ કથળેલી માનસિકતાનું પ્રતીક છે. 

ટેલી પ્રોગ્રામથી થતું મસમોટું અકાઉન્ટિંગ છોડી હાથેથી લાલ ચોપડામાં હિસાબો ચીતરવા જેવી આ વાત થઈ. ગૅસનો ચૂલો છોડી કેરોસીનના સ્ટવ પર રાંધવા જેવી આ વાત થઈ. મોબાઇલ ફોન છોડી લૅન્ડલાઇનના જમાનામાં પાછા ફરવા જેવી આ વાત થઈ. નિશાનચૂક માફ નહીં માફ નીચું નિશાન. મશીનની સર્કિટ ખોલીને હારનાર પક્ષ જુએ તો શક્ય છે પંકજ વખારિયાના શબ્દોમાં એને આવી કોઈ વાસ્તવિક સલાહ બિપ-બિપ કરતી મળી આવે... 

કેક્ટસની કાઢ કુંડળી કંઈ જોષ જોઈએ

પુષ્પિત થવામાં શો નડે છે દોષ જોઈએ


દરેક ચૂંટણીમાં કંઈ ને કંઈ ગોટાળા તો થવાના. જોવાનું એ છે કે એ કૂવા જેવડા છે કે દરિયા જેવડા. દરિયા જેટલો વિશાળ ભ્રષ્ટાચાર આદરી ચૂકેલો પક્ષ જ્યારે કૂવાને દબડાવે ત્યારે થાય કે અંતરાત્મા નામની કોઈ ચીજ હશે કે નહીં. રાજેશ બ્રહ્મભટ્ટ ‘રાજ’ પરિણામો જાહેર થયા પછી આવશ્યક એવા મનોમંથનની વાત કરે છે...

શબ્દને સૌ મ્યાનમાં રાખો જરા

મૌનને પણ તક હવે આપો જરા

દોષ બીજાનો જુએ છે દોસ્ત કાં? 

ભીતરે ખુદની પ્રથમ ઝાંખો જરા

રાજકારણ અંદરના અવાજને દાબી દે છે. હૈયું સમજતું કંઈક હોય ને હોઠ બોલતા કંઈક હોય. એક્ઝિટ પોલની જાહેરાતથી BJP મોજમાં છે અને કૉન્ગ્રેસ મૂંઝવણમાં છે. ગમે એટલાં બહાનાં હોય, અંતે હાર સ્વીકારવી બહુ અઘરી ચીજ છે. એમાં પણ ઉપરથી નીચે પછડાયા પછીય સામા પક્ષનો વિજય થાય ત્યારે હૈયે બોફોર્સ વાગે. વિજયી થયેલો પક્ષ પરાજિત થયેલા પક્ષ સાથે ચા પીને મનહર ગોહેલ ‘સુમન’ના શબ્દોમાં ટકોર કરે તો ખોટું ન લાગવું જોઈએ...

જમાનાએ હવે દિલ તોડવાની રીત બદલી છે

તમે ખંજર ભલે બદલ્યાં અમે ક્યાં પીઠ બદલી છે? 

બિચારા આયનાને દોષ દેવાનું હવે છોડો

તમારાથી કરી નફરત કદી ક્યાં ભીંત બદલી છે?

ભારતની લોકશાહી માટે સબળ વિરોધ પક્ષ હોવો અનિવાર્ય છે. મહત્વના કાયદાઓ પસાર થતાં પહેલાં ચર્ચાની ચાસણીમાં ઘોળાવા જોઈએ. કોઈ પણ વિરોધ પક્ષના DNAમાં વિરોધ વણાયેલો જ હોય. અફસોસ ત્યારે થાય જ્યારે વિરોધ દેહપરિવર્તન કરી અવરોધ બને અને વિકાસનાં કામો સ્ટૅચ્યુ થઈ જાય. પરિણામો જાહેર થવાની ઉત્તેજના વાતાવરણમાં વિખરાયેલી છે ત્યારે પરાજિત પક્ષના પ્રવક્તાને કામ લાગે એવા બરકત વિરાણી ‘બેફામ’ના બે શેર છે...

નથી એ દોષ તારો કે મળ્યાં છે ઝાંઝવાં, સાકી!

પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી

ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે

એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી


કોઈની હાર પર હસવું ન જોઈએ, પણ કેટલાંક દેશવિરોધી તત્વોની હાર પર હાશકારો જરૂર અનુભવવો જોઈએ. આ દેશને પાંચ આંગળ આગળ જતો જોવો છે, પાંચ દાયકા પાછળ નહીં. હજી બે દિવસ પહેલાં જ કૉન્ગ્રેસના પ્રમુખ તરીકે હોદ્દો ગ્રહણ કરનાર રાહુલ ગાંધીને ભાગે જો હાર આવે તો વિરોધ પક્ષનું જોમ ઓછું થઈ જશે. પરિણામો પછીના આક્ષેપ-પ્રતિઆક્ષેપ ઓસર્યા પછી પક્ષપ્રમુખ ચિંતન કરવા બેસશે તો શક્ય છે ઉર્વીશ વસાવડા લખે છે એવું મંથન આંખો સામે તરી આવે... 

વર્ષો વીતી ગયાં છતાં ન ઓળખી શક્યો

એવું ફરે છે કોણ આ મારા લિબાસમાં ?

અન્યોને દોષ આપવા કેવી રીતે પછી,

મારો જ હાથ હોય જ્યાં મારા રકાસમાં


પક્ષ કોઈ પણ હોય, નેતા કોઈ પણ હોય, જેના હૈયે દેશનું હિત પહેલાં હોય એવો શાસક પ્રજા માટે હિતાવહ છે.

ક્યા બાત હૈ


ખાતમો કર દોષીઓનો તો તને ઈશ્વર ગણું

ફોડ ભાંડો ઢોંગીઓનો તો તને ઈશ્વર ગણું

ભોગ છપ્પન ભોગવે જે સાદગીના નામ પર

કર સફાયો ભોગીઓનો તો તને ઈશ્વર ગણું

ધર્મના નામે ધતિંગો ચાલવાનાં ક્યાં લગી?

આપ ઉત્તર મોભીઓનો તો તને ઈશ્વર ગણું

થાય ખુલ્લેઆમ ઐયાશી અને તું ચૂપ કાં?! 

વાળ બદલો ગોપીઓનો તો તને ઈશ્વર ગણું

આ મનોરોગી ઠગારા વાસનામાં વ્યસ્ત છે

અંત કર આ રોગીઓનો તો તને ઈશ્વર ગણું

 - રતિલાલ સોલંકી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK