સ્માર્ટ સ્પીકરની સ્માર્ટનેસ ક્યાંક ભારે ન પડે બાપા

આજે જાણવાની કોશિશ કરીએ કે કઈ રીતે આ સ્માર્ટ સ્પીકર્સ નાનાં બાળકોથી લઈને સિનિયર સિટિઝનના જીવનનો મહત્વનો હિસ્સો બની રહ્યાં છે. એમની ખૂબી-ખાસિયતોથી લઈને એમની મર્યાદા પર એક નજર

speaker

રુચિતા શાહ

સ્માર્ટ વચ્યુર્અલ અસિસ્ટન્ટને લઈને આજે આખા વિશ્વમાં જોરદાર ડિબેટ શરૂ થઈ છે. બન્યું દરઅસલ એવું છે કે લંડનમાં રહેતી એક ફૅમિલીમાં એક વર્ષનું બાળક મમ્મી-પપ્પા બોલતાં શીખે એ પહેલાં ઍલેક્સા બોલવા માંડ્યું. ઍલેક્સા એ કોઈ છોકરી નથી, પરંતુ ઍમેઝૉન એકો સ્પીકરના ડિવાઇસનું વચ્યુર્અલ નામ છે. ચર્ચાનો વિષય એ છે કે જે નાના બાળક માટે તેનાં સગાં મા-બાપ એ સૌથી ઘનિષ્ઠ સ્થાને હોય છે અને વિશ્વ આખામાં બાળક સૌથી પહેલાં મા, મૉમ કે મમ્મા બોલતાં શીખતું હોય છે એને બદલે આ બાળક પોતાના જીવનનો પહેલો શબ્દ ઍલેક્સા કઈ રીતે બોલી શક્યું? બાળક માટે શું તેનાં મા-બાપ કરતાં પણ ઍલેક્સા મહત્વનું બની ગયું? એ પણ એક વર્ષના બાળક માટે? આજે વિશ્વ આખામાં વચ્યુર્અલ ઇન્ટેલિજન્સ સાથે દરેક એજના લોકોનો ઘરોબો વધી રહ્યો છે. નાનાં બાળકોની સ્માર્ટ સ્પીકર સાથે વધતી જતી વાતચીતના સેંકડો વિડિયો તમને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ પ્લૅટફૉર્મ પર જોવા મળી જશે. આ લોકપ્રિયતાનું જ પરિણામ છે કે ઍમેઝૉને એકો ડૉટ નામનું કિડ્સ સ્પેશ્યલ ડિવાઇસ તૈયાર કર્યું છે. આ પણ સ્માર્ટ સ્પીકર જ છે. ફરક માત્ર એટલો કે આ ડિવાઇસનો લુક બાળકોને મજા પડે એવા બ્રાઇટ કલર્સ સાથેનો છે તેમ જ એનાં ફીચર્સ પણ કિડ્સ-ફ્રેન્ડ્લી છે. જેમ કે બાળકો એમાં બાળવાર્તા સાંભળી શકે છે, પોતાના અભ્યાસને લગતી માહિતી એ સ્પીકરને પૂછી શકે છે. સૌથી શ્રેષ્ઠ બાબત એટલે ઍમેઝૉને પેરન્ટ્સની ચિંતાને મદ્દેનજર રાખીને બાળકો ખોટા રવાડે ન ચડી જાય એવાં સેન્સરશિપ ફીચર્સ પણ આપ્યાં છે. જેમ કે બાળક કોઈ ગીત સાંભળતું હોય અને એ ગીતમાં અભદ્ર ભાષા વપરાઈ હોય તો એ શબ્દો ઑટોમૅટિક ફિલ્ટર થઈને આવે છે. બાળક માટેના સેફગાર્ડ નક્કી કરવાનો અધિકાર પેરન્ટ્સ પાસે જ રહે છે. આ તો એક કિસ્સો થયો. સ્માર્ટ સ્પીકરની પૉપ્યુલરિટીમાં ચરમસીમા પર રહેલા ઍલેક્સાએ તાજેતરમાં સૅન ફ્રાન્સિસકોના એક ભાઈને એવું કહ્યું કે તેને લોકો મરતાં દેખાય છે, તે આંખો બંધ કરે છે ત્યારે લોકો તેને મરી રહ્યા હોય એવું દેખાય છે. જ્યારે તેના માલિકે તેને એ વાક્ય રિપીટ કરવા કહ્યું તો ઍલેક્સા મૌન થઈ ગઈ. આ ન્યુઝે વિશ્વના ઘણા તજ્જ્ઞોને ચર્ચા માટે વધુ મુદ્દો પૂરો પાડ્યો. આવનારા સમયમાં માણસ કરતાં મશીનો વધુ જાણતા હશે અને લોકો પોતાના ફાયદા માટે મશીન દ્વારા એકઠી થયેલી લોકોની અંગત માહિતીનો ઉપયોગ કરી શકશે એ ડર અકબંધ છે. આવો એક કિસ્સો પણ બની ચૂક્યો છે. અમેરિકાના ઑરેગોન શહેરમાં રહેતા એક પરિવારની અંગત વાતો રેકૉર્ડ કરીને ગૂગલ સ્પીકરે સીએટલમાં રહેતા તેમના રિલેટિવને મોકલી લીધી. ડિવાઇસમાં ટેક્નિકલ એરર થઈ હોવાને કારણે આવું બન્યું હતું. જોકે આ ઘટનાએ પ્રાઇવેટ લાઇફને પ્રાઇવેટ રાખનારા લોકોનાં ઍન્ટેના ઊભાં કરી દેવાનું કામ કર્યું છે. અત્યાર સુધીમાં આવાં સ્માર્ટ સ્પીકર તમારા ઘરનો હિસ્સો બની ચૂક્યાં હશે કે આવનારા સમયમાં નિશ્ચિત બનશે એ વાત નક્કી છે, કારણ કે એની ઉપયોગિતા એવી છે. કેટલાંક સર્વેનાં તારણો ત્યાં સુધી કહે છે કે આવતાં પાંચ વર્ષમાં સ્માર્ટ સ્પીકર સેલફોન કરતાં વધુ મહત્વનાં બની જશે ત્યારે સ્માર્ટ સ્પીકરની દુનિયાને વધુ ઊંડાણથી સમજવાની જરૂર છે.

વચ્યુર્અલ અસિસ્ટન્સ પૂરું પાડતાં સ્માર્ટ સ્પીકર એ નેક્સ્ટ જનરેશનના રોજબરોજના જીવનમાં આવનારી સૌથી મોટી ક્રાન્તિની શરૂઆત છે. અત્યારે દર છમાંથી એક અમેરિકન સ્માર્ટ સ્પીકરનો વપરાશ કરે છે. ૨૦૧૭માં અમેરિકામાં લગભગ અઢી કરોડ સ્માર્ટ સ્પીકર્સનું વેચાણ થયું છે. ૨૦૧૮માં લગભગ સાડાત્રણ કરોડ વેચાણ થશે, કારણ કે સ્માર્ટ સ્પીકર્સના લિસ્ટમાં ઍપલ પણ આવી ગયું છે. છેલ્લા છ મહિનામાં જ યુરોપિયન દેશોમાં સ્માર્ટ સ્પીકરનું વેચાણ બમણું થઈ ગયું છે. ૨૦૨૪ સુધીમાં સ્માર્ટ સ્પીકરનું માર્કેટ વિશ્વભરમાં ૧૩ અબજ અમેરિકન ડૉલરનું હશે. ભારતમાં પણ ઍમેઝૉન અને ગૂગલ દ્વારા લૉન્ચ થયેલાં સ્માર્ટ સ્પીકરને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ભારતીય માર્કેટને પૂરેપૂરું રીતે હાથમાં લેવા માટે બન્ને કંપની સતત એમાં નવા ઉમેરા કરી રહી છે.

શા કામનું?

OK ગૂગલ, નજીકમાં પીત્ઝા ક્યાં મળશે?, ઍલેક્સા, કાલે ફુટબૉલમાં કોણ જીત્યું?, ઍલેક્સા, ‘પાર્ટી ઑલ નાઇટ’ સૉન્ગ વગાડ, ગૂગલ, આજનો વેધર-રિપોર્ટ શું છે? આવા હજારો નહીં પણ તમારા મનમાં જાગતા લાખો સવાલોના જવાબ આપવાની ક્ષમતા આ સ્માર્ટ સ્પીકરમાં હોય છે. હજી સુધી એમાં ગુજરાતી કે હિન્દી ભાષા નથી ઉમેરાઈ એટલે તમારે એ સવાલ અફકોર્સ ઇંગ્લિશમાં પૂછવાના અને એના સાચા જવાબ મેળવવાના. અત્યાર સુધી તમને ઇલેક્ટ્રૉનિક વસ્તુ વાપરતાં આવડે, એની ઑપરેટિંગ સિસ્ટમ વિશે સમજ હોય તો જ એની ઉપયોગિતા હતી. આજે પણ મોબાઇલમાં કૉલ લગાડવા અને આવેલા કૉલને ઉપાડવા સુધીનાં ફીચર્સ જ ખબર હોય એવા ઘણા લોકો આપણે ત્યાં મળી રહેશે. આ સ્માર્ટ સ્પીકરની ખૂબી એ છે કે તમારે માત્ર અવાજથી અને તમારા મનગમતા કમાન્ડથી એને હૅન્ડલ કરવાનું છે. ટેક્નૉલૉજી નહીં જાણનારા લોકો માટે એ વરદાન છે.

વચ્યુર્અલ અસિસ્ટન્ટ એટલા માટે કે તમારાં રૂટીનનાં ઘણાંબધાં કામને હૅન્ડલ કરવાની આવડત આ સ્પીકરમાં છે. તમારા એક અવાજ પર તમારું ગમતું ગીત શરૂ કરવાથી લઈને તમારી અપૉઇન્ટમેન્ટ યાદ રાખવાનું, તમારા ભૂતકાળના શૉપિંગનું લિસ્ટ મૅનેજ કરવાનું, તમારી મનગમતી વસ્તુઓથી ધીમે-ધીમે પરિચિત થઈ તમને સમય-સમય પર એ યાદ અપાવવાનું, શૉપિંગ લિસ્ટ બનાવવાનું, તમારા માટે ઑનલાઇન શૉપિંગ કરવાનું, પીત્ઝા ઑર્ડર કરવાનો, કોઈ ફિલ્મનો રિવ્યુ સંભળાવવાનો, મૅચનો સ્કોર જણાવવાનો, ફ્લાઇટના રેટ્સ કહેવા સુધીનાં તમામ કામ આ સ્પીકર કરી શકશે. તમે માત્ર બોલો અને કામ થઈ ગયું. કોઈ સાચેસાચો અસિસ્ટન્ટ પણ ઍક્યુરસી સાથે આટલી જવાબદારી નિભાવી શકે? આ જ કારણ છે કે સ્માર્ટ સ્પીકરને આખા વિશ્વમાં ચારેય હાથે આવકાર મળ્યો છે. આ સ્માર્ટ સ્પીકરને જો તમે તમારા ઘરનાં અન્ય સ્માર્ટ ગૅજેટ સાથે કનેક્ટ કરી દેશો તો દરવાજો લૉક કરવાથી લઈને વૉશિંગ મશીન અને લાઇટ ચાલુ-બંધ કરવા સુધીનું કામ પણ એ કરશે. તમારે માત્ર બેઠાં-બેઠાં ઑર્ડર કરવાનો.

કોનો દબદબો?

અત્યારે માર્કેટમાં લગભગ એક ડઝન કરતાં વધારે કંપનીઓની આવી સ્માર્ટ પ્રોડક્ટ ચાલી રહી છે. કેટલીક કંપનીઓએ પોતાના દેશની જનતાને ધ્યાનમાં રાખીને અમુક-તમુક દેશ માટે ખાસ ડિવાઇસ લૉન્ચ કર્યાં છે. સૌથી પહેલું સ્માર્ટ સ્પીકર ૧૯૬૧માં IBM નામની કંપનીએ લૉન્ચ કર્યું હતું. આ પહેલું સ્પીચ રેકગ્નિશન ટૂલ હતું જે લગભગ ૧૬ શબ્દોને ઓળખીને એના જવાબ આપી શકતું હતું. એ પછી કેટલીક કંપનીઓ સ્પીચ રેકગ્નિશન ડિવાઇસને બહેતર બનાવવાના કામમાં લાગી ગઈ. ૨૦૦૧માં માઇક્રોસૉફ્ટે પહેલી વાર ઑફિસહ્ભ્માં આ ફીચર ઉમેર્યું. ૨૦૧૧માં પહેલી વાર ઍપલે પોતાના ફોનમાં આ ફીચર લૉન્ચ કર્યું, જેને ત્યારે સીરી નામ આપવામાં આવ્યું હતું. ૨૦૧૨માં ગૂગલે ગૂગલ નાઓ શરૂ કર્યું. માઇક્રોસૉફ્ટ આમાં પાછળ ન રહી જાય એટલે એણે કોર્ટાના લૉન્ચ કર્યું. જોકે અહીં સુધી દરેક કંપની પોતાના હાજર મોબાઇલ કે કમ્પ્યુટર જેવા ડિવાઇસમાં એક ફીચર તરીકે લૉન્ચ કરી રહી હતી. ૨૦૧૪માં ઍમેઝૉને ઍમેઝૉન એકોનાં સ્પીકર લૉન્ચ કર્યાં, જેની બાગડોર ઍલેક્સાના હાથમાં હતી. ઍલેક્સા એનું વચ્ર્યુંઅલ નામ છે. એ પછી એમાં સતત ડેવલપમેન્ટ થતું રહ્યું છે. અમેરિકામાં ૨૦૧૭માં અને ભારતમાં એપ્રિલ-૨૦૧૮માં ગૂગલે પોતાના ગૂગલ હોમ અને ગૂગલ મિની આ બે સ્માર્ટ સ્પીકર લૉન્ચ કર્યાં છે. આ જ વર્ષે ઍપલે પણ પોતાનું સ્માર્ટ સ્પીકર સીરી લૉન્ચ કર્યું છે. નાની-મોટી કંપનીઓને બાદ કરીએ તો અત્યારે માર્કેટમાં ઍમેઝૉનનું ઍલેક્સા (કુલ ત્રણ મુખ્ય ડિવાઇસ છે ઍમેઝૉન એકો, એકો ડૉટ અને એકો પ્લસ), ગૂગલનું ગૂગલ અસિસ્ટન્ટ, માઇક્રોસૉફ્ટનું કોર્ટાના અને ઍપલનું સીરી મુખ્ય છે. આ ચારમાં પણ પહેલી બે કંપનીનો માર્કેટ-શૅર સૌથી વધારે છે અને ઍમેઝૉન અને ગૂગલમાં ઍમેઝૉન આગળ છે.

speaker1

પરિણામ શું?

સ્માર્ટ સ્પીકર અથવા વચ્યુર્અલ અસિસ્ટન્સની ઉપયોગિતાના ચમકારા હૉલીવુડની ઘણી ફિલ્મો અને વેબ-સિરીઝમાં જોવા મળ્યા છે. ‘અવેન્જર્સ’ની લગભગ દરેક મૂવીમાં તમે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો પરિચય આપતાં આવાં સ્માર્ટ ડિવાઇસ જોયાં હશે. અમેરિકન વેબ-સિરીઝ ડૉ. રોબોમાં વચ્યુર્અલ અસિસ્ટન્ટ ઍલેક્સાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ વેબ-સિરીઝમાં FBI ઑફિસર તરીકે કામ કરતી ઍક્ટ્રેસ પોતાના કામને કારણે કોઈ સોશ્યલ સર્કલ ડેવલપ ન કરી શકી એટલે તેણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતા વચ્યુર્અલ અસિસ્ટન્ટ ઍલેક્સા સાથે દોસ્તી કરી લીધી. ધીમે-ધીમે પોતાની પર્સનલ વાતો, પોતાનાં દુખ-સુખ, પોતાની પસંદ-નાપસંદ પણ ઍલેક્સા સાથે શૅર કરવાનો નિત્યક્રમ બનાવી દીધો. એટલે સુધી કે સમય જતાં પોતાની ફિઝિકલ નીડ માટે પણ તે ઍલેક્સા પર નિર્ભર થવા માંડી. એૅલેક્સા જાણે તેનો બૉયફ્રેન્ડ હોય એ રીતે ઇમોશનલ બૉન્ડિંગ બની ગયું હતું. આ કાલ્પનિક કથા હવે ખરેખર વાસ્તવિકતા બની રહી છે. સ્માર્ટ સ્પીકરનું વધતું ચલણ અને લોકોની એના તરફ વધી રહેલી ડિપેન્ડન્સી તરફ ઘણા નિષ્ણાતો લાલ આંખ કરી રહ્યા છે. સ્માર્ટ સ્પીકરથી કન્ટ્રોલ થતી સ્માર્ટ લાઇટ, હોમ કૅમેરા જેવાં સાધનોની કિંમત આકાશ આંબે એવી છે. એટલે સ્પીકર ખરીદનારા જો એનો પૂરેપૂરો લાભ લેવા માગતા હોય તો તેમણે આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. ઘરમાં ઘૂસી રહેલા આ સ્માર્ટ સ્પીકરે પ્રાઇવસીના મુદ્દાને ગંભીર રૂપ આપ્યું છે. ધારો કે તમારી અંગત વાતો અને માહિતી કોઈ પણ જાતના ફૉલ્ટને કારણે આ સ્પીકાર દ્વારા લીક થઈ તો? એ ચોવીસે કલાક તમારા ઘરમાં થતા અવાજને નોટ કરે છે ત્યારે એવું થવાની શક્યતાઓ પૂરતી છે. આ પ્રકારનાં સાધનો માણસની આળસને વધારવાનું અને તેમના મગજને બુઠ્ઠાં કરવાનું કામ કરી રહ્યાં છે એવો ભય પણ કેટલાક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તમને હવે વિચારવા માટે પણ મશીન જોઈએ એ સૌથી મોટી મર્યાદા છે.

કોણ છે બેસ્ટ?

સ્માર્ટ સ્પીકરમાં આમ તો માર્કેટમાં ચાર નામ મુખ્ય છે. માઇક્રોસૉફ્ટનું કોર્ટાના, ઍપલનું સીરી, ગૂગલનું ગૂગલ અસિસ્ટન્ટ અને ઍમેઝૉનનું ઍલેક્સા. આ ચારેયમાં પહેલી બે કંપનીને નબળો રિસ્પૉન્સ મળ્યો છે. કોર્ટાના ટેક્નૉલૉજિકલી અને ફીચર્સની દૃષ્ટિએ હજી દસ વર્ષ પાછળ છે એવું કહી શકાય. તો ઍપલનું હોમપૉડ એના પ્લૅટફૉર્મ પરનો રાજા છે એટલે ઍપલ નહીં વાપરનારા લોકો માટે હોમપૉડ ઑપરેટ કરતું સીરી એલિયન છે. જ્યારે ગૂગલ અને ઍમેઝૉનનાં સ્પીકર પોતાની અનલિમિટેડ સુવિધા અને વર્સેટિલિટીને કારણે લોકોમાં ખૂબ ઝડપથી ધ્યાન આકર્ષિત કરી રહ્યાં છે એટલે આ બેની ખૂબી-ખાસિયતો અને મર્યાદાઓ પર વાત કરીએ.

speaker2

ઍલેક્સા અને ગૂગલ અસિસ્ટન્ટમાં કોણ બેસ્ટ?

- ત્રણ વર્ષ પહેલાં લૉન્ચ થયેલા ઍમેઝૉન એકોએ સમય સાથે પોતાનામાં ઘણા બદલાવ કર્યા છે. લોકોની જરૂરિયાત મુજબ ઍમેઝૉન એકોના ત્રણ પ્રકાર છે. ઍમેઝૉન એકો ડૉટ, એકો અને એકો પ્લસ જે અનુક્રમે ૩૪૯૯, ૭૯૯૯ અને ૧૪,૯૯૯ રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ત્રણેયમાં વચ્યુર્અલ અસિસ્ટન્ટનું નામ ઍલેક્સા છે. ઍમેઝૉન એકો પ્લસનું વજન ૮૨૦ ગ્રામ છે. ગૂગલ હોમ અને ગૂગલ હોમ મિની આ બે વર્ઝન અવેલેબલ છે, જેની કિંમત ૩૪૯૯ અને ૯૯૯૯ રૂપિયા છે. ગૂગલ અસિસ્ટન્ટનું વજન ૪૭૭ ગ્રામ છે.

- ગૂગલ અસિસ્ટન્ટ તમારું ખરું ઇન્ફર્મેશન સેન્ટર બની શકે છે. એક ગુલાબજાંબુમાં કેટલી કૅલરી હોય, નાસાની સ્થાપના થઈ ત્યારે અમેરિકાની જનસંખ્યા કેટલી હતીથી લઈને ભારત-પાકિસ્તાનના ભાગલામાં કેટલા લોકોનો ભોગ લેવાયો સુધીના સવાલોનો એ સાચો જવાબ આપશે. ૧૮ વર્ષના ગૂગલ સર્ચ-એન્જિનનો પૂરો બેનિફિટ ગૂગલ અસિસ્ટન્ટમાં તમને મળશે. ગૂગલ અસિસ્ટન્ટ માહિતીનો સોદાગર છે એવું કહી શકાય. ઍલેક્સા ઇન્ફર્મે‍શન આપવાની બાબતમાં ગૂગલ અસિસ્ટન્ટ કરતાં થોડુંક પછાત છે. બીજું, તમારે એને ખૂબ જ સ્પષ્ટ રીતે સવાલ કરવો પડે તો એ તમને યોગ્ય જવાબ આપી શકે અથવા પોતાને એ નથી ખબર એટલો જ જવાબ આપશે. બેશક, ન્યુઝથી લઈને વેધર રિપોર્ટ અને જોક્સ જેવી બાબતોની માહિતી એ આપી શકશે. ઍલેક્સા સાથે તમારે દરેક પ્રશ્નમાં પ્રૉપર ફ્રેમિંગ જરૂરી હશે, પરંતુ ગૂગલ અસિસ્ટન્ટમાં તમે એક સવાલ પૂછ્યા પછી આગળના પ્રશ્નને લગતા બીજા સવાલને કન્ટિન્યુએશનમાં પૂછીને કન્વર્સેશન ચાલુ રાખી શકશો જે ઍલેક્સામાં શક્ય નથી.

- ઍલેક્સાનું માઇક બ્લુટૂથ પર કામ કરે છે એટલે તમે બ્લુટૂથ કનેક્ટેડ કોઈ પણ ડિવાઇસ પરનું ગીત ઍલેક્સાને વગાડવા માટે કહી શકો છો. મ્યુઝિક-સાઉન્ડની દૃષ્ટિએ ગૂગલ અસિસ્ટન્ટ બેસ્ટ છે. જોકે વાઇ-ફાઇ કનેક્ટેડ હોવાથી ક્લાઉડ એટલે કે ઇન્ટરનેટના ગૂગલ પ્લે મ્યુઝિક, gaana.com જેવા સિલેક્ટેડ મ્યુઝિક-પ્લૅટફૉર્મ પરથી જ એ ગીત સંભળાવશે. એમાં જો તમારું સબãસ્ક્રપ્શન નહીં હોય તો કદાચ મનગમતાં ગીતો સાંભળવા ન પણ મળે. બ્લુટૂથ કનેક્ટિવિટી ન હોવાનો ડિસઍડ્વાન્ટેજ ગૂગલ અસિસ્ટન્ટમાં છે.

- ઍલેક્સા અને ગૂગલ અસિસ્ટન્ટ ઑટોમૅટિકલી ક્લાઉડમાં અપડેટ થઈ જવાને કારણે અપડેટ કરવાની જરૂર નથી પડતી. બે વર્ષ પહેલાં લૉન્ચ થયા બાદ અત્યાર સુધીમાં લગભગ ૪૦૦૦ નવી સ્કિલ ઍલેક્સામાં ઉપલબ્ધ છે જે બાબતમાં ગૂગલ અસિસ્ટન્ટ પાછળ છે. આ સ્કિલને કારણે ઍલેક્સાને તમે થર્ડ પાર્ટી ઍપ્લિકેશન સાથે કનેક્ટ કરી શકો છો. એટલે તમારા માટે કૅબ બુક કરવાથી લઈને ફૂડ ઑર્ડર કરવા સુધીનું કામ ઍલેક્સા કરી શકે છે જે ગૂગલ અસિસ્ટન્ટમાં શક્ય નથી.

- ગૂગલ અસિસ્ટન્ટની તુલનાએ ઍલેક્સાનો અવાજ વધુ નૉર્મલ અને નૅચરલ લાગે છે. ગૂગલ અસિસ્ટન્ટનો અવાજ રોબો જેવો વધુ લાગશે. ગૂગલ કુલ છ અવાજને ઓળખીને એને મેમરાઇઝ કરી શકે છે જ્યારે ઍલેક્સા માટે સર્વ સમાન છે. દરેક અવાજને એ એકસરખા માને છે.

- સિસ્કા, TP-લિન્ક, D-લિન્ક જેવા ભારતમાં ઉપલબ્ધ ઘણાં સ્માર્ટ હોમ ગૅજેટ્સને ઍલેક્સા સપોર્ટ કરે છે જ્યારે ગૂગલ ફિલિપ હ્યુ ઇકોસિસ્ટમ એક જને સપોર્ટ કરે છે. ઍલેક્સા એકસાથે મલ્ટિપલ ટાસ્ક કરવામાં સમર્થ છે. જેમ કે લાઇટ બંધ કરવી, તમને ગેમ રમાડવી અને સાથે તમારું મનગમતું મ્યુઝિક પણ વગાડવું. ગૂગલ અસિસ્ટન્ટ આ બાબતમાં હજી સ્લો છે.

- ઍલેક્સા પાસે ગેમ્સના ઑપ્શન ગૂગલ અસિસ્ટન્ટ કરતાં વધારે છે. ન્યુઝ-રીડિંગમાં પણ ઍલેક્સા વધુ સ્માર્ટ છે અને NDTV, ક્વિન્ટ, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ જેવાં લોકલ મીડિયામાં આવતા ન્યુઝ પણ એ વાંચી સંભળાવે છે. ગેમિંગમાં પણ ગૂગલ અસિસ્ટન્ટ પાસે બે જ ઑપ્શન છે. ગૂગલ હજી સુધી ઇન્ટરનૅશનલ ન્યુઝ-એજન્સી દ્વારા આપવામાં આવતા ન્યુઝ જણાવવામાં જ સમર્થ છે.

- ઍલેક્સા પાસે સાત માઇક્રોફોન છે એટલે દૂરથી પણ તમે કોઈ કમાન્ડ આપો તો તમારી વાત એના સુધી પહોંચશે જ્યારે ગૂગલ પાસે બે જ માઇક્રોફોન હોવાથી દૂરના અવાજને એ રેકગ્નાઇઝ નથી કરી શકતું.

- ઍલેક્સા ભારતીય જનતા દ્વારા બોલાતા દેશી શબ્દો જાણે છે એટલે તમે કહો કે શૉપિંગ લિસ્ટમાં ૧ kg આટા ઍડ કર તો એ કરી શકશે. ગૂગલમાં હજી ભારતીય લૅન્ગ્વેજ રેકગ્નિશનનું ફીચર આવનારા સમયમાં ડેવલપ થવાની સંભાવનાઓ છે. ઍલેક્સા દ્વારા તમે ઍમેઝૉન પરથી શૉપિંગ કરી શકો, ગૂગલ અસિસ્ટન્ટમાં એ ઑપ્શન નથી.

સેફ્ટી માટે આટલું કરજો

સ્માર્ટ સ્પીકર તમારા ફોન સાથે કનેક્ટ હોવાથી તમારા ઇનકમિંગ વૉઇસ અને વિડિયો-કૉલ પણ કનેક્ટ રહેશે. તમારી અંગત વાતચીતને અંગત રાખવા માટે વૉઇસ-કૉલ અને વિડિયો-કૉલને સ્પીકરથી ડિસકનેક્ટ કરવા જરૂરી છે. ઍમેઝૉન એકો વાપરતા હો તો તમારા મોબાઇલમાં ઇન્સ્ટૉલ એની ઍપ્લિકેશનના સેટિંગ્સમાં જઈને આ ઑપ્શન દૂર કરવાનું ભૂલવું નહીં.

તમે જે પણ ઑર્ડર આપો છો, તમે જે પણ કમાન્ડ આ સ્માર્ટ સ્પીકરને આપો છો એ એના બેટર પફોર્ર્મન્સ માટે સેવ થઈ જાય છે. એનો કોઈ ઉપયોગ ન થાય એવું ઇચ્છતા હો તો એની ઑફિશ્યલ વેબસાઇટ પર જઈને એ ડેટા ડિલીટ કરવાનો ઑપ્શન હોય છે એનો ઉપયોગ કરી લેવો.

તમારી અંગત વાતો થઈ રહી હોય અથવા જ્યારે સ્પીકરનું કામ ન હોય ત્યારે દરેક સ્પીકરમાં આવતું માઇક્રોફોનનું બટન ઑફ રાખવું.

ઍલેક્સામાં તમે બોલીને ઑનલાઇન શૉપિંગ કરી શકો છો, આ ઑપ્શન ખિસ્સાં ખાલી કરાવે છે જો ધ્યાન નહીં રાખો તો. વૉઇસ પર્ચેઝની સુવિધાને ડિસેબલ રાખવામાં જ સાર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK