એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિશ્વાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૧૭

‘વૉટ આર યુ ટૉકિંગ?’નવલકથા - કાજલ ઓઝા વૈદ્ય

જાહ્નવીની આંખો પહોળી થઈ ગઈ. તેણે નવાઈથી દર્શન પટેલ સામે જોઈને પૂછ્યું, ‘શું બોલો છો તમે? પપ્પાને કોઈની સાથે...’

તે એક ક્ષણ અચકાઈ, ‘હું માની નથી શકતી. પપ્પા અને મમ્મી વચ્ચે બહુ મનમેળ હતો. ધે લવ્ડ ઈચ અધર...’ જાહ્નવીએ કહ્યું.

‘જિગીશકાકા ઘુમાવે છે તમને’ કહીને તેણે દર્શન પટેલની સામે જોયું.

દર્શન સહેજ અકળાઈ ગયો, ‘એટલો જ પ્રેમ હતો તો આ છોકરો ક્યાંથી આવ્યો? જિગીશભાઈએ નંબર આપ્યો છે મને એ છોકરાનો.’

‘તો?’ જાહ્નવીએ ખભા ઉલાળ્યા. ‘મેં છાપામાં નોકરી કરી છે. આવા સત્તર છોકરા પેદા થઈ જાય તો પણ તેઓ સાચા છે એવું કોણ નક્કી કરે? એવું કંઈ હોય તો પપ્પાજી અમને કહ્યા વગર રહે જ નહીં. મમ્મીને ખબર ન હોય એવું બને જ નહીં.’

તેનો આત્મવિશ્વાસ જોઈને દર્શન સહેજ વિચારમાં પડ્યો. તેને માટે આ કેસ ધીમે-ધીમે વધુ ને વધુ ગૂંચવણભર્યો થતો જતો હતો. દરેક વ્યક્તિ જુદી વિગતો આપતી હતી અને આર્યની વાત એ હતી કે દર્શનને લગભગ બધી જ વિગતો સાચી લાગતી હતી. આટલાં વર્ષની કારર્કિદીમાં દર્શને આટલો ગૂંચવાયેલો કેસ ક્યારેય જોયો નહોતો. ફૅમિલીની પ્રૉપર્ટીના ઝઘડા હોય, હોઈ જ શકે; પણ એમાં આટલીબધી આંટીઘૂંટી દર્શને પહેલી વાર જોઈ હતી.

‘પ્રણવને એટલે જ તેમની સાથે નથી ફાવતું. તે દરેક વાતને વધારીને અથવા ઉપજાવીને કહે છે.’ જાહ્નવીએ કહ્યું, ‘જિગીશકાકાનું તો કામ જ છે ઘુમાવવાનું.’

‘જિગીશભાઈ મને શું કામ ઘુમાવે?’ દર્શને પૂછ્યું. ‘વિલનાં પેપર્સની વાત તો સાચી છેને? કબાટમાંથી જે ગુમ થયાં એ વિલનાં પેપર્સ જ હતાંને?’

તેણે સહેજ અટકીને જાહ્નવીના હાવભાવ જોયા, ‘તમે તો એવું કહ્યું કે તમને ખબર નથી કબાટમાંથી શું ચોરાયું એ...’ શરણ પાસેથી મળેલી વિગતો દર્શને હથિયાર તરીકે વાપરીને જાહ્નવીને પૂછ્યું, ‘વિલ વિશે ડિસ્કસ કરવા તમે શરણને છેક દિલ્હીથી પ્રણવની ગેરહાજરીમાં બોલાવ્યો... સાચું કે ખોટું?’

‘હા!’ જાહ્નવીએ સાવ સ્વાભાવિકતાથી હા પાડી, ‘સાચી વાત છે.’

સહેજ અટકીને તેણે ઉમેર્યું, ‘પ્રણવ સાથે વાત કરતાં પહેલાં મારે એક વાર શરણ સાથે વાત કરવી હતી. પ્રૉપર્ટીનાં પેપર્સમાં મને રસ નહોતો, પણ...’

‘પણ...’ દર્શનના ચહેરા પર સ્મિત આવ્યું, ‘પણ આ પ્રસાદ કોણ છે એ વાતે તમારું મન ચકરાવે ચડ્યું. ખરી વાત?’

‘હું કોઈ પ્રસાદને ઓળખતી જ નથી. વિલમાં પણ પ્રસાદની કોઈ વાત જ નહોતી.’

જાહ્નવીએ કહ્યું.

‘એનો અર્થ એમ થાય કે તમે વિલનાં પેપર્સ જોયેલાં.’ દર્શને કહ્યું. તેને એક કડી જડી હોય એવું લાગ્યું. ‘શું લખ્યું હતું એ પેપર્સમાં?’

‘એ જ મારે સમજવું હતું.’ જાહ્નવીએ કહ્યું. તેનો ચહેરો પ્રમાણમાં નિર્દોષ હતો. કંઈ છુપાવતી હોય, રમત રમતી હોય એવા લુચ્ચાઈના કે છેતરપિંડીના હાવભાવ નહોતા. તેણે ધીમેકથી કહ્યું, ‘એમાં પ્રસાદનું નામ જ નહોતું.’ તેણે બીજી વાર કહ્યું. દર્શન ચૂપ રહ્યો. જાહ્નવીએ આગળ કહ્યું, ‘વિલમાં એક એવી વાત હતી જેને માટે મારે શરણની સલાહ જોઈતી હતી.’

‘વિલનાં-પ્રૉપર્ટીનાં પેપર્સ હતાં તો તમારે સોહમને બતાવવાં જોઈએને? તે વકીલ તો છે. શરણ તમારી શું મદદ કરી શકવાનો?’ દર્શને પૂછ્યું, ‘શું વાત હતી એ જે પ્રણવ સાથે નહીં અને શરણ સાથે ડિસ્કસ કરવી પડે... વકીલ સાથે નહીં, પણ બૉયફ્રેન્ડ સાથે ડિસ્કસ કરવી પડે એવી શું વાત હતી?’

જાહ્નવી ફરી સહેજ અચકાઈ, ‘સોહમને બતાવવા જાઉં તો કદાચ પ્રણવ જોડે વાત થાય. હું ઇચ્છતી હતી કે પ્રણવ સાથે વાત થાય એ પહેલાં હું મારા તરફથી કેટલીક ચોકસાઈ કરી લઉં.’

તેણે દર્શન સામે જોઈને કહ્યું, ‘મમ્મી અને પ્રણવ મને કશું જ કહેતાં નહોતાં. પપ્પાજીનું ખૂન થયું હતું એ વાતની ખબર પણ મને તો લગ્ન પછી પડી. પ્રણવના પપ્પા નથી એવું તેમણે કહ્યું હતું, પણ તેમનું મર્ડર થયું એ વાત તો મને છેક લગ્નના ત્રણ મહિના પછી...’

તે ચૂપ થઈ ગઈ. દર્શનના આર્યમાં વધારો થતો જતો હતો. જેમ એક-એક રહસ્યનું પડ ખૂલતું જતું હતું તેમ-તેમ તેને સમજાતું જતું હતું કે આ કિસ્સામાં દરેક પાસે જિગ્સૉનો એક એક ટુકડો છે, જેમ-જેમ જિગ્સૉના ટુકડા જોડાતા જશે તેમ-તેમ એક આખું ચિત્ર બનતું જશે; પણ દરેક માણસ પોતાનો ટુકડો પોતાની રીતે આપતો હતો અને દર્શન પાસે આ ટુકડા કેવી રીતે જોડવા એનો એક બહુ મોટો પ્રશ્ન ઊભો થયો હતો.

‘તમે એમ કહેવા માગો છો કે તમને જયેશભાઈના ખૂનની ખબર જ નહોતી?’ દર્શને પૂછ્યું. જાહ્નવીએ ડોકું ધુણાવીને ના પાડી.

દર્શને આગળ પૂછ્યું, ‘તમને ખબર પડી પછી તમે શું કર્યું?’

જાહ્નવીની નજર સામે એ સાંજ તાદૃશ્ય થઈ ગઈ જે દિવસે તેણે પ્રણવને તેના પિતાના ખૂન વિશે પ્રશ્ન પૂછ્યો... જાહ્નવી કંઈ બોલે એ પહેલાં દર્શને પૂછ્યું, ‘પહેલાં તો એ કહો કે તમને ખબર કેવી રીતે પડી? કોણે કહ્યું તમને?’

‘મને સુજાતાએ કહ્યું...’ જાહ્નવીએ કહ્યું. દર્શનના મગજમાં ઘંટી વાગી ગઈ. તેના હોઠ ગોળ થઈ ગયા. તેને સિસોટી વગાડવાની ઇચ્છા થઈ, પણ તેણે જાતને રોકી લીધી.

‘સુજાતાને મેં પૂછ્યું નહોતું, પણ એક દિવસ મમ્મીના રૂમમાંથી બૂમાબૂમ કરવાનો અવાજ આવ્યો. સામાન્ય રીતે અત્યંત શાંત અને સ્વસ્થ રહેતાં મમ્મી ફોન પર કોઈકની સાથે ચીસાચીસ કરીને વાત કરતાં હતાં.’ જાહ્નવીએ કહેવા માંડ્યું, ‘મમ્મી કહેતાં હતાં... તેં જયેશનો જીવ લીધો એથી ધરપત નથી થઈ? મને પણ મારી નાખ... તારે જે કરવું હોય એ કર, પણ હું તારી ધમકીને વશ થવાની નથી; મને કોઈની બીક નથી લાગતી, જે વાતથી તું મને બીવડાવે છે એ વાત ઇતિહાસ થઈ ગઈ છે... જયેશ જ નથી રહ્યા.’

જાહ્નવી કહેતી હતી, દર્શન એકદમ ધ્યાનથી તેના શબ્દેશબ્દને સાંભળી રહ્યો હતો. સાથે- સાથે તેના મનમાં આવો ફોન કોણ કરી શકે અને શેના માટે કરે એવા સવાલ પણ ફેણ ઊંચકી રહ્યા હતા. જાહ્નવીએ આગળ કહ્યું, ‘મમ્મીની એક વાત સાંભળીને મને બહુ નવાઈ લાગી. તેમણે ફોન પર કહ્યું કે જયેશને મારી નાખીને તમે બહુ મોટી ભૂલ કરી, તે હતા ત્યાં સુધી તો તમારું બધું બરાબર ચાલતું હતું, હવે તે જ નથી રહ્યા તો મારે કોના માટે સાચવવાનું?’

‘હંઅઅઅ.’ દર્શને માથું ધુણાવ્યું, ‘પછી?’

તેણે પૂછ્યું.

‘મેં મમ્મીને પૂછ્યું, કોનો ફોન હતો? પણ તેમણે ટાળ્યું...’ જાહ્નવીએ જવાબ આપ્યો.

‘ટાળ્યું એટલે?’ દર્શને પૂછ્યું.

‘એટલે...’ જાહ્નવીએ સહેજ યાદ કરીને કહ્યું, ‘તેમણે કહ્યું કે એક સગાનો ફોન છે... જયેશ હતા ત્યાં સુધી તેમને આર્થિક મદદ કરતા હતા, પણ હવે મારે મદદ નથી કરવી; એ લોકો વારંવાર ફોન કરીને મને ઇમોશનલી બ્લૅકમેઇલ કરે છે...’ જાહ્નવી સહેજ ચૂપ રહી, પછી તેણે કહ્યું, ‘જોકે મને આ જવાબ ગળે ઊતર્યો નહોતો. મારું મગજ પ્રશ્નો પૂછી રહ્યું હતું, પણ મમ્મીને પૂછવાનો અર્થ નહોતો, કારણ કે મમ્મી બહુ જ ઓછું બોલતાં. એમ છતાં એ દિવસે તેમને પૂછ્યું, કોણ સગા છે?’ તે ફરી સહેજ ચૂપ રહી. પછી તેણે કહ્યું, ‘મમ્મી અચાનક જ ચિડાઈ ગયાં. તેમણે મને આટલાં વર્ષમાં કોઈ દિવસ ઊંચા અવાજે કંઈ જ નથી કહ્યું. અમારા સંબંધો હંમેશાં સારા હતા. એ દિવસે પહેલી વાર તેમણે મને ખખડાવી નાખી...’ જાહ્નવીને અત્યારે પણ જાણે એ પળ યાદ આવી હોય એમ તેનો ચહેરો તંગ થઈ ગયો, આંખો લાલ થઈ ગઈ. તેણે ધીમેકથી કહ્યું, ‘મમ્મીએ મને પૂછ્યું, તું આપણાં બધાં સગાંને ઓળખે છે? શું જોઈને સવાલ પૂછે છે? શું જાણવું છે તારે? બહુ ક્યુરિયોસિટી સારી નહીં, જા તારા રૂમમાં ને તારું કામ કર...’ કહેતાં જાહ્નવીની આંખો સહેજ ભીની થઈ ગઈ, ‘મને બહુ અપમાન લાગેલું.’ જાહ્નવી જે કહી રહી હતી એમાં સચ્ચાઈ હતી એટલું તો દર્શન અનુભવી જ શક્યો. તેણે જાહ્નવીને ડિસ્ટર્બ ન કરી અને જાહ્નવી પણ પોતાની વાત કહેવાના ફ્લોમાં આવી ગયેલી એટલે તે પણ કહેતી રહી, ‘મમ્મી મારાથી શું કામ છુપાવે એવું મને પણ લાગેલું.’ જાહ્નવી ચૂપ થઈ ગઈ. તે કંઈક ઊંડા વિચારમાં પડી ગઈ.

‘પછી?’ દર્શને જરા ધક્કો માર્યો.

જાહ્નવીના વિચારો વિખરાઈ ગયા હોય એમ તેણે ચોંકીને કહ્યું, ‘સ્વાભાવિક છે કે મારું કુતૂહલ મને આ બાબત વિશે વધુ જાણવા મજબૂર કરે... મેં સુજાતાને પૂછ્યું, પહેલાં તો સુજાતાએ કંઈ કહ્યું નહીં, પણ પછી તેણે પપ્પાજીના મૃત્યુ વિશે કહ્યું. મને બહુ આઘાત લાગેલો...’ જાહ્નવીએ કહ્યું, ‘આવડી મોટી વાત મારાથી છુપાવી? મમ્મીએ છુપાવી ને પ્રણવે પણ છુપાવી...’

‘પછી તમે પ્રણવને પૂછ્યું નહીં?’ દર્શનને નવાઈ લાગી, ‘જે વાત છાપામાં છપાઈ ગઈ છે અને આખી દુનિયા જાણે છે એ તમારાથી શું કામ છુપાવે?’

‘મેં પ્રણવને એ જ પૂછ્યું.’ જાહ્નવીએ કહ્યું, ‘પ્રણવે પણ મમ્મી જેવું જ રીઍક્ટ કર્યું. એકદમ મગજ ગુમાવીને મારા પર ગુસ્સે થઈ ગયો. બૂમો પાડવા માંડ્યો. મને કહે, પ્લીઝ, તારું કામ કર... મેં તને બહુ વાર કહ્યું છે... આ ઘરની કેટલીક બાબતોમાં તારે માથું નહીં મારવાનું.’

દર્શને આ વાક્ય પકડી લીધું, ‘કેટલીક? એટલે કઈ બાબત જાહ્નવીબહેન?’ દર્શને પૂછ્યું, ‘બીજી કઈ-કઈ બાબતોમાં તમને બોલવાની ના પાડી હતી?’ જાહ્નવી ચૂપ રહી. દર્શને થોડી સેકન્ડ જવા દીધી, પછી જાહ્નવીને ફરી પૂછ્યું, ‘હું તમને પૂછું છું. આઇ હોપ, તમે આ સવાલ-જવાબની ગંભીરતા સમજો છો. આ કોઈ સાદા ક્યુરિયોસિટીના સવાલ નથી. આ સવાલના જવાબ તમને બચાવી શકે અથવા ફસાવી શકે એટલું તો સમજો છોને તમે?’ દર્શન અચાનક ઊભો થયો. તેણે ખિસ્સામાં હાથ નાખીને એક-બે આંટા માર્યા, પછી જાહ્નવી પાસે આવીને કહ્યું, ‘આ પોલીસ-ઇન્ટરોગેશન છે. જેટલું કો-ઑપરેટ કરશો એટલો તમારો ફાયદો છે.’ દર્શનની આંખો બદલાઈ ગઈ, ‘આવતી કાલે સવારે મને રિમાન્ડ મળશે જ એવી મને ખાતરી છે. એક વાર રિમાન્ડ મળે પછી મારે તમારી સાથે કડક થવું પડે એના કરતાં...’ દર્શન બન્ને હાથ ટેબલ પર મૂકીને જાહ્નવી તરફ ઝૂક્યો. જાહ્નવીને તેની આંખો જોઈને બીક લાગી. તે સહેજ પાછી હટી ગઈ, ‘કો-ઑપરેટ કરે એવા ગુનેગારોની પણ મેં મદદ કરી છે...’ દર્શને મૂછો પર હાથ ફેરવ્યો, ‘અને આડા ચાલે એવા દોઢડાહ્યા લોકોને નિર્દોષ હોય તો પણ સપડાવી દેતાં આવડે છે મને.’ કહીને દર્શન ઊભો થયો. તેણે જાહ્નવીની સામે સ્મિત કર્યું અને પછી ઉમેર્યું, ‘મારે રિમાન્ડની રાહ નથી જોવી. તમે ભણેલાં-ગણેલાં છો’ કહીને તેણે જરા વિચિત્ર રીતે ઉમેર્યું, ‘નાજુક પણ છો, પોલીસની જેમ ન પૂછવું પડે તો સારું...’

‘હું બધું જ સાચું કહું છું.’ જાહ્નવીએ કહ્યું, ‘તમે વિશ્વાસ નહીં કરો તો...’

‘એની માને...’ દર્શને ટેબલ પર હાથ પછાડ્યો, ‘બધું જ સાચું કહો છો તો પણ ક્યાંક કશુંક મિસિંગ છે. શું મિસિંગ છે? એવી કઈ વાત છે જે તમે છુપાવો છો મારાથી? કહી નાખો મિસિસ જાહ્નવી મજીઠિયા, બાકી ઈશ્વર પણ નહીં બચાવી શકે તમને.’ દર્શને મોટા અવાજે બે-ચાર ગાળ દઈ નાખી ને પછી કહ્યું, ‘સમજાય છે તમને? જનમટીપ થશે. બહાર નીકળશો ત્યારે હાડકાં ગળી ગયાં હશે, વાળ ધોળા થઈ ગયા હશે અને જેલના દિવસોએ મનથી તોડી નાખ્યાં હશે...’

‘તો શું કરું હું?’ જાહ્નવીએ પણ સામે બૂમો પાડી.

‘સાચું બોલો.’ દર્શન ફરીથી સ્વસ્થ અને સંયત થઈ ગયો. આ તેની સ્ટાઇલ હતી. આરોપીને ડરાવવો, ઉશ્કેરવો, વળી સહેજ સહાનુભૂતિ બતાવીને ઉંદરની જેમ ફૂંકી-ફૂંકીને કરડવાની દર્શનની આદત સૌ જાણતા હતા. તેણે જાહ્નવીની સામેના ટેબલ પર ફરી હાથ પછાડ્યો, બૂમ પાડીને કહ્યું, ‘મૅડમ, દર્શન પટેલ હજી તમારી સાથે માણસની જેમ વર્તે છે, જે ક્ષણે મારી અંદર સજ્જનતાનો ડૂચો વળી જશેને એ મિનિટે તમને કોઈ નહીં બચાવી શકે.’ તેણે રાડ પાડીને કહ્યું, ‘તમારો સોહમ પણ બહાર નહીં કાઢી શકે તમને... આખી જિંદગી સળિયા ગણાવીશ એટલું યાદ રાખજે.’ દર્શને પહેલી વાર જાહ્નવીને તુંકારો કર્યો.

તેનું આ સ્વરૂપ જોઈને જાહ્નવી સહેજ ડઘાઈ ગઈ, પણ પછી તેણે પોતાની જાતને તરત જ કન્ટ્રોલમાં લઈને દર્શનને કહ્યું, ‘મને આ બધી ખબર છે. જાણું છું તમારા વિશે... પણ તમે મારા વિશે એટલું સમજી લો કે મેં ખૂન નથી કર્યું એ સત્ય છે. હવે એની આજુબાજુ તમારે જે કથા ગૂંથવી હોય એ તમે ગૂંથી શકો છો, મને ફસાવી પણ શકો છો. જનમટીપ શું કામ ફાંસી કરાવો.’ જાહ્નવીનું રૂપ અચાનક બદલાઈ ગયું હતું જે જોઈને દર્શન પણ સહેજ પાછો પડ્યો. જાહ્નવીએ ધીમેથી ઉમેર્યું, ‘મને ફસાવી દેવાથી, જનમટીપ કરાવવાથી તમે સાચા ખૂની સુધી નહીં પહોંચી શકો, બસ. તમારો કેસ સૉલ્વ થઈ જશે, ફાઇલ બંધ થઈ જશે. પ્રમોશન પણ મળશે કદાચ.’ હવે જાહ્નવી ઊભી થઈ. તેણે દર્શનની આંખમાં જોઈને કહ્યું, ‘હું જેકંઈ કહી રહી છું એ મારી માહિતી અને જાણકારી પ્રમાણે તદ્દન સાચું છે... ધૅટ્સ ઑલ.’

‘ઓકે.’ દર્શને ખભા ઉલાળ્યા. જાહ્નવીનું આ હિંમતભર્યું રૂપ જોઈને તે સહેજ ઝંખવાયો હતો. જોકે તેણે જાહ્નવીને આ જણાવા નહોતું દીધું, પણ તેણે આગળ પૂછ્યું, ‘સારું. મને એક વાતનો જવાબ આપો. તમે શરણને કહેલું કે તમને ધમકીભર્યા ફોન આવતા હતા...’

જાહ્નવીએ તેની વાત અડધેથી જ કાપી નાખી, ‘યસ. પ્રણવ જે દિવસે અમેરિકા જવા નીકળ્યો એના બીજા દિવસે સવારે પહેલો ફોન આવેલો.’ દર્શન આગળ પૂછે એ પહેલાં જાહ્નવીએ કહ્યું, ‘તે માણસે ફોન પર મને કહ્યું હતું, તારા સસરાને તો પતાવી દીધા... તારી સાસુને બચાવવી છે?’

દર્શને બેઝિક સવાલ પૂછ્યો, ‘તમે પ્રણવને વાત કરેલી આ ફોન વિશે?’ જાહ્નવીએ ડોકું ધુણાવીને ના પાડી, ‘શરણને કહેલું?’ દર્શને પૂછ્યું, જાહ્નવીએ ડોકું ધુણાવીને હા પાડી. દર્શન હસ્યો, ‘એ નંબર છે તમારી પાસે?’

‘એ પ્રાઇવેટ નંબર હતો. મેં મારા તરફથી પૂરી તપાસ કરી, પણ હું એ નંબર શોધી ન શકી.’ જાહ્નવીએ કહ્યું. દર્શન જોરથી હસ્યો. ‘તમને લાગે છે હું વાર્તા કહું છું?’

‘મને શું? કોઈને પણ એવું જ લાગે.’ દર્શને ખભા ઉલાળ્યા, ‘મને તો તમારું ફૅમિલી જ સમજાતું નથી. પતિ પત્નીથી છુપાવે, પત્ની પતિથી છુપાવે... મા દીકરાથી...  દીકરો માથી છુપાવે... કોઈ અગાથા ક્રિસ્ટીની કે શેરલૉક હોમ્સની નૉવેલ વાંચતો હોઉં એમાંય આટલા ગોટાળા નથી હોતા.’

‘તે માણસે મને મળવા બોલાવી હતી.’ જાહ્નવીએ કહ્યું. દર્શન ગંભીર થઈ ગયો, ‘હું ગઈ નહીં. તેણે ફરી ફોન કર્યો હતો. એ વખતે તેણે મને કહેલું, તારાં સાસુના કબાટમાં એક ભૂરા રંગની ફાઇલ છે, ફાઇલ આપી દે તો હું તમને બધાને છોડી દઈશ, ફાઇલ નહીં મળે તો એક-એક કરીને બધાને મારી નાખીશ. સૌથી પહેલું ટોકન તારાં સાસુનું નીકળ્યું છે...’

‘તમે માની લીધું?’ દર્શને પૂછ્યું, ‘તમારી સાસુને પણ ન કીધું?’ દર્શનના ચહેરા પર ફરી વ્યંગપૂર્ણ સ્મિત આવ્યું, ‘પછી તમે શું કર્યું? સાસુની ગેરહાજરીમાં કબાટ ખોલીને કાગળિયાં જોયાં? ચાવી... ચાવી કેવી રીતે મળી તમને?’ દર્શને પૂછ્યું. જાહ્નવીના ચહેરા પર સહેજ અપરાધભાવ આવ્યો. તે નીચું જોઈ ગઈ, નખ ખોતરવા લાગી. દર્શને કહ્યું, ‘મેં પૂછ્યું એ સંભળાય છે, ચાવી કેવી રીતે મળી તમને?’

‘મમ્મી બહાર ગયાં ત્યારે ચાવીવાળાને ઘેર બોલાવીને કબાટ ખોલાવ્યું મેં.’ આટલું સાંભળતાં જ દર્શનના હોઠ ગોળ થઈ ગયા, તેણે સિસોટી વગાડવાની ઇચ્છા પર માંડ-માંડ કાબૂ મેળવ્યો, ‘તો એ ચાવી ક્યાં છે?’

‘મારી પાસે છે.’ જાહ્નવીએ કહ્યું.

‘વન્ડરફુલ...’ દર્શને બે હાથે તાળી વગાડી, ‘હવે હું ઇચ્છું કે નહીં, પબ્લિક પ્રોસિક્યુટર તમારો કેસ જે રીતે બનાવશે એ તમને સમજાય છે?’ તે ઉશ્કેરાઈ ગયો, ‘તમે તમારાં સાસુને મારી નાખ્યાં, ચાવીથી કબાટ ખોલ્યું, કાગળિયાં અસ્તવ્યસ્ત કર્યાં. જરૂરી પેપર કાઢી લીધાં અને...’ તેનો ચહેરો તંગ થઈ ગયો, ‘ઓહ માય ગૉડ. જો તમે નિર્દોષ હો તો તમને ખબર જ નથી કે તમે કેવડા મોટા મેસમાં ફસાયાં છો...’

‘મને બચાવી લો.’ જાહ્નવી રડી પડી, ‘હું સાચે જ નિર્દોષ છું.’

‘મૅડમ, એક છેલ્લા સવાલનો જવાબ આપો.’ દર્શને ઊભેલી જાહ્નવીને ખભેથી પકડી, તેની આંખોમાં આંખો નાખી, ‘એ રાતે જ્યારે શરણ તમારે ઘરે આવ્યો ત્યારે...’ દર્શને એક ક્ષણ માટે ચૂપ રહીને શબ્દો ગોઠવ્યા, ‘ડિડ યુ સ્લીપ વિથ હિમ?’

‘આ કઈ જાતનો સવાલ છે?’ જાહ્નવી ઉશ્કેરાઈ ગઈ.

‘યસ ઑર નો?’ દર્શને જાહ્નવીને ખભેથી હચમચાવી.

‘હું આ સવાલનો જવાબ નહીં આપું.’ જાહ્નવીએ ઝટકો મારીને ખભા છોડાવ્યા. અદબ વાળીને ઊભી રહી ગઈ, ‘એ સવાલનો આ વાત સાથે કોઈ સંબંધ નથી.’

‘યસ ઑર નો?’ દર્શને ફરીથી તેના ખભા પકડ્યા. દર્શને જે મજબૂતીથી તેના ખભા પકડ્યા હતા એનાથી દર્શનના આંગળાં જાહ્નવીના ખભામાં લગભગ ખૂંપી ગયાં હતાં. જાહ્નવીએ પોતાની જાતને છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ વખતે દર્શનની પકડ અત્યંત મજબૂત હતી, ‘યસ ઑર નો?’ તેણે ફરી પૂછ્યું, જોરથી.

‘યસ.’ પોતાને પણ સાંભળતાં તકલીફ પડે એવા અવાજે જાહ્નવીએ સાવ ધીમેથી કહ્યું. એ નીચું જોઈ ગઈ. હવે આંખ ઊંચી કરીને દર્શન સામે જોવાની તેની હિંમત ન હોય એ રીતે શરીર સંકોચીને તે ખુરશીમાં ફસડાઈ પડી. તેણે બન્ને હાથે પોતાનો ચહેરો ઢાંકી દીધો. કશું બોલી નહીં. ચહેરો ઢાંકીને રડતી રહી...

‘એનો અર્થ એ થયો કે હું જેકંઈ કહી રહ્યો છું એ બધું જ સાચું છે. રાઇટ?’ દર્શને પૂછ્યું. હવે તેના અવાજમાં ગુસ્સો કે ઉશ્કેરાટ નહોતા. આઘાત સ્પષ્ટ સંભળાયો, ‘તમે શરણ સાથે પથારીમાં હતાં... તમારાં સાસુએ જોયું...’

‘નો...’ જાહ્નવીએ ઢાંકેલા ચહેરે જ જોરથી કહ્યું, ‘તેમને કશી ખબર નથી.’

‘તો?’ દર્શને પૂછ્યું, ‘મૅડમ! તમે મને મદદ કરી રહ્યાં છો, કો-ઑપરેટ કરી રહ્યાં છો, સાચા જવાબ આપી રહ્યાં છો કે મને વધુ ગૂંચવી રહ્યાં છો?’ દર્શને હાથ ઊંચા કરીને આળસ ખાધી, ‘મારી શંકા સાચી હતી... આમાં પ્રૉપર્ટી તો મિસગાઇડ કરવાનો પ્રયત્ન છે. મૂળ તો તમારી લફરાબાજીમાં જીવ ગયો તમારાં સાસુનો...’ તેણે જાણે ન્યાય કરતો હોય એમ કહી નાખ્યું, ‘બૅડ! વેરી બૅડ!’

‘તમે સમજતા કેમ નથી? ઇટ વૉઝ ધ મોમેન્ટ... એક ક્ષણ હતી નબળાઈની. હું વહી ગઈ... મારાથી... બસ...’ જાહ્નવીને સૂઝ્યું નહીં કે તેણે શું કહેવું. તે ચૂપ રહી. તેણે હજી ચહેરા પરથી હાથ હટાવ્યો નહોતો.

‘મૅડમ! તમે તમારી મરજીથી પરણ્યાં. તમારો વર સારો છે, સાસુ સારી હતી... મને તો એ નથી સમજાતું કે તમે...’ દર્શને આંખો ઝીણી કરીને નીચેનો હોઠ લાંબો કરી ‘હોપલેસ’ જેવા હાવભાવ સાથે ડોકું ધુણાવ્યું, ‘એક ફાલતુ જેવા શારીરિક સંબંધ માટે તમે બધું જ ખોયું.’

‘હું અને શરણ...’ જાહ્નવી સહેજ અચકાઈ, પછી તેણે ચહેરા પરથી હાથ હટાવ્યો. તેની આંખો નીચી જ હતી... તેણે ધીમેથી કહ્યું, ‘શરણ અને હું પહેલી વાર આવી રીતે વીક થઈ ગયાં. આવું કોઈ દિવસ નથી થયું. નેવર બિફોર... અમારી પાસે એવી ઘણી તક હતી. હું પ્રણવને નહોતી મળી ત્યારે પણ... કોણ જાણે કેમ એ દિવસે રાત્રે...’

‘આવું તમે મને કહેશો તો હું કદાચ માનીયે લઉં. કોર્ટ નહીં માને. પબ્લિક પ્રોસિક્યુટર નહીં માને.’ દર્શને ફરીથી બન્ને હાથ ટેબલ પર મૂકીને જાહ્નવી તરફ ઝૂકીને કહ્યું, ‘બધા માને તોય તમારો વર માનશે?’

‘પ્રણવ...’ ધીમેથી આંખો ઊંચી કરીને જાહ્નવીએ ભીની આંખે દર્શન તરફ જોયું, ‘બીજું કોઈ માને કે નહીં, પ્રણવ ચોક્કસ માનશે.’ તેણે મક્કમતાથી કહ્યું, ‘તે કદાચ જાણે છે આ વાત.’

‘વૉટ?’ દર્શનથી લગભગ રાડ પડાઈ ગઈ.

‘તે બોલ્યો નથી, પણ હું માનું છું ત્યાં સુધી પ્રણવ મને પર્ફેક્ટ્લી ઓળખે છે. મારી ભીતર કે બહાર નાનકડો પણ ફેરફાર થાય અને પ્રણવને ન સમજાય એવું આજ સુધી નથી બન્યું.’ જાહ્નવીની ભીની આંખોમાં અજબ જેવી શ્રદ્ધા પ્રજ્વલિત હતી. તેણે આંખ ઉઠાવીને દર્શનની આંખમાં આંખ પરોવી, ‘પ્રણવ કદાચ નહીં જાણતો હોય તો પણ હું કહીશ તેને. પતિ-પત્ની એકબીજાની નબળાઈ એકબીજાની સામે સ્વીકારી ન શકે તેને લગ્ન નહીં, છેતરપિંડી કહેવાય,’ તેણે કહ્યું. દર્શન નવાઈથી તેની સામે જોઈ રહ્યો. આ વળી જાહ્નવીનું એક જુદું જ રૂપ હતું. જાહ્નવીએ ખૂબ સ્વસ્થતાથી કહ્યું, ‘ભૂલ હતી, સ્વીકારું છું... પણ જો પ્રણવને છેતરું તો મારી બીજી ભૂલ પુરવાર થશે. હું નહીં કરું એવું.’

‘અને તમને લાગે છે કે આ જાણ્યા પછી પ્રણવ તમારી સાથે ઊભો રહેશે? તમને બચાવવાનો પ્રયત્ન કરશે?’ દર્શનના અવાજમાં અનહદ આર્ય હતું, ‘તે એક બેવફા પત્નીને પોતાની માના ખૂનનો જેના પર આરોપ છે એવી સ્ત્રીને મદદ કરશે એવું લાગે છે તમને?’ તેણે પૂછ્યું.

‘તે મદદ કરે કે નહીં, હું તેને સત્ય કહેવાની જ છું.’ દર્શન દિગ્મૂઢ થઈ ગયો હતો, ‘તે મદદ કરે એટલા માટે હું તેનાથી સત્ય છુપાવું? હું સત્ય કહું એ પછી આવી બાબત માટે તે અમારી વચ્ચેના મજબૂત સંબંધને ભૂલી જાય?’ જાહ્નવી કહી રહી હતી, ‘મારી સમજણ પ્રમાણે લગ્ન આવાં નાનાં-મોટાં સ્ખલનોથી ઘણો મોટો અને ઘણો ઊંડો સંબંધ છે. અમે એકબીજા સાથે રહેવાનું વચન આપ્યું છે. સુખમાં અને દુ:ખમાં... અમે સુખનો સમય વિતાવ્યો છે, હવે દુ:ખનો શરૂ થયો છે.’ જાહ્નવીએ કહ્યું, ‘હું મારી પ્રામાણિકતા નહીં છોડું. તે તેનો નિર્ણય કરી શકે છે. હું તેના પર કોઈ દબાણ નહીં કરું, કોઈ અપેક્ષા નહીં રાખું, પણ મારો વિશ્વાસ અને મારી શ્રદ્ધા એમ કહે છે કે પ્રણવ કાચી માટીનો માણસ નથી.’

જાહ્નવીએ કહેવાનું પૂરું કર્યું ત્યાં સુધીમાં તો દર્શનની આંખોમાં પણ હળવાં ઝળઝળિયાં આવી ગયાં હતાં, ‘તો...’ દર્શને લગભગ પરાણે બોલતો હોય એમ પૂછ્યું, ‘શરણ સાથે જે થયું એ વખતે લગ્ન યાદ નહોતાં આવ્યાં?’

‘એ ભૂલ હતી. નબળાઈ... દરેક માણસની હોય છે.’ જાહ્નવીના અવાજમાં હવે વરસાદ પડી ગયા પછીના સ્વચ્છ આકાશની નિખાલસતા હતી, ‘કોઈ એક ભૂલ કરે, એને યાદ રાખવાની ભૂલ બીજાએ ન કરવી જોઈએ.’ જાહ્નવીએ કહ્યું, ‘લગ્નના સંબંધમાં એકબીજાને અપાયેલાં સપ્તપદીનાં વચન કરતાં પણ વધુ મહત્વનું આઠમું વચન છે, જે માણસ પોતાની જાતને આપે છે. આ વચનમાંથી જેકોઈ ડગે તેણે પોતાની જાતને જાતે જ સંભાળવાની હોય છે... હું મારી જાતને સંભાળીશ, પ્રણવ પોતાની જાતને સંભાળી લેશે એવો મને વિશ્વાસ છે.’

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK