ઓળખો ઓપ્રાને

સાવ ગરીબ પરિવારમાં જન્મેલી અને શારીરિક શોષણની કારમી પીડામાંથી ગુજરેલી ઓપ્રા વિન્ફ્રીએ અમેરિકાની પહેલી આફ્રિકન-અમેરિકન બિલ્યનેર મહિલા સુધીની ઊંચાઈ વષોર્ પહેલાં હાંસલ કરી લીધી છે. હવે ફરી એક વાર તેના કિસ્મતનું પાંદડું કરવટ લે અને તે અમેરિકાના સવોર્ચ્ચ પદ સુધી પહોંચે એ શક્યતાને સાવ નકારી શકાય એમ તો નથી જ ત્યારે આ સંભાવનાઓ સાથે ઓપ્રાની જીવનયાત્રાની એક ઝલક માણીએ

oprah

રુચિતા શાહ

#Oprahforpresident #Oprah2020.  આ હૅશટૅગ સાથેનાં હજારો ટ્વીટનો ટ્વિટર પર વરસાદ થઈ ગયો છે. ઘટના જે બની હતી એમાં લોકોનો પ્રતિભાવ સામાન્ય નહોતો, પરંતુ અમેરિકામાં જે પ્રકારની રાષ્ટ્રીય ગતિવિધિઓ આકાર લઈ રહી છે એમાં લોકોમાં જોવા મળેલો ઉમળકો સ્વાભાવિક હતો. આફ્રિકન-અમેરિકન ટીવી-હોસ્ટ, ઍક્ટ્રેસ, પ્રોડ્યુસર અને એક મૅગેઝિન તથા ટીવી-નેટવર્કિંગની માલિકણ ઓપ્રા વિન્ફ્રી મોસ્ટ પાવરફુલ પર્સનાલિટીના લિસ્ટમાં ઘણી વાર સન્માનિત થઈ ચૂકી છે; પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની મોસ્ટ પાવરફુલ પોઝિશન માટે પહેલી વાર તેને લોકોએ કાબેલ ઉમેદવાર તરીકે જાહેર કરી છે. ગયા અઠવાડિયે ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ દરમ્યાન લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ સ્વીકારતી વખતે ઓપ્રાએ આપેલી ધમાકેદાર સ્પીચની આ કમાલ છે. અમેરિકનો ઓપ્રાની સ્પીચથી એટલા પ્રભાવિત થયા કે તેમને તેનામાં તેમનાં ફ્યુચર પ્રેસિડન્ટ દેખાયાં. આમ પણ ઓવરઑલ અમેરિકાની રાજનીતિની વાત કરીએ તો જનતા ટ્રમ્પ સરકારથી બહુ ખુશ હોય એવું જણાતું નથી. એક સર્વેક્ષણ મુજબ એક જ વર્ષના કાર્યકાળમાં અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ કામગીરીની બાબતમાં સૌથી ઓછા લોકપ્રિય પ્રેસિડન્ટ પુરવાર થયા છે, જેની તુલનાએ ઓપ્રા છેલ્લાં ૩૦ વર્ષની ઝળહળતી કારર્કિદી અને જાજરમાન પ્રતિભાને કારણે અનેક લોકો માટે રોલ-મૉડલ સમાન છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૮ની અમેરિકાની ચૂંટણી દરમ્યાન ઓપ્રા વિન્ફ્રીએ બરાક ઓબામાને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો હતો એટલું જ નહીં, તે ઓબામાના ચૂંટણી પ્રચાર માટે બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર પણ રહેલી. ઓપ્રાનો પ્રભાવ એટલો જોરદાર રહ્યો કે ઓબામાને મળેલા કુલ વોટમાંથી લગભગ દસ લાખ વોટ ઓપ્રાને કારણે મળ્યા હોવાનો ખુલાસો યુનિવર્સિટી ઑફ મૅરિલેન્ડે પોતાના સર્વે દ્વારા કર્યો હતો.

આ વખતે ઓપ્રાને જ પ્રેસિડન્ટશિપની દાવેદાર બનાવવા માટે જનતાની મનશા કેટલી યોગ્ય છે એ વિશે પણ થોડીક વાત કરી લઈએ. અમેરિકાની અગ્રણી હસ્તીઓ પણ આ વાત સ્વીકારી ચૂકી છે કે લોકોને ઓપ્રાની વાતોમાં આશાવાદ દેખાય છે. લોકો સાથેનો તેનો ઘરોબો અને લોકોને બહેતર બનાવવા માટે તે સતત જે ધોરણે પ્રયાસ કરી રહી છે એ જ અમેરિકાની જનતા પોતાના લીડરમાં શોધી રહી છે. ઓપ્રા વિન્ફ્રી શું કામ અમેરિકાની પ્રેસિડન્ટ બનવા યોગ્ય છે એની ડિબેટમાં કેટલાક લોકો એ કબૂલી ચૂક્યા છે કે અમેરિકાની જનતા પૉલિટિક્સમાં પોતાના દૃષ્ટિકોણમાં ઘણા બદલાવ લાવી છે. ભૂતકાળમાં પણ ઓપ્રાને અમેરિકન પ્રમુખપદ માટે ઉમેદવાર ઠરાવતી ચર્ચાઓ થઈ જ છે. જોકે ૨૦૧૬ના ડિસેમ્બર મહિનામાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ઓપ્રાએ આ વાતને પોતાને આ બાબતનો કોઈ અનુભવ નહીં હોવાનું કારણ દર્શાવીને ફગાવી દીધી હતી. બેશક, આ વખતે તેણે કરેલાં કેટલાંક ટ્વીટમાં લોકોને આશાવાદ દેખાઈ રહ્યો છે. એ વાત અલગ છે કે ઓપ્રાની પ્રમુખપદની ઉમેદવારી વિશે શરૂ થયેલી ચર્ચામાં ડોનલ્ડ ટ્રમ્પે પણ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે જેમાં તેઓ કહે છે, ‘આ તો ખરેખર આનંદની બાબત છે. તેના શોની લાસ્ટ સીઝનમાં હું પણ ગયો હતો. મને ઓપ્રા ગમે છે, પરંતુ મને નથી લાગતું કે તે આમાં ઝંપલાવશે.’

ઓપ્રા અમેરિકાની ઉદાર આન્ટ તરીકે યુવાવર્ગને આકર્ષે છે. સામે પક્ષે ટ્રમ્પ અમેરિકાનો ક્રેઝી અંકલ તરીકે પંકાઈ રહ્યો છે. ટ્રમ્પ અને ઓપ્રા બન્ને આર્થિક રીતે સમૃદ્ધ છે. ફરક માત્ર એટલો છે કે ત્રણ અબજ ડૉલરથી વધુ સંપત્તિની માલિકણ ઓપ્રા આ સમૃદ્ધિ પોતાના દમ પર કમાઈ છે અને એ પણ નિર્વિવાદ રહીને. પ્રેસિડન્ટ થયા વિના પણ તે વિશ્વમાં ગ્રેટ રોલ-મૉડલ છે અને લોકો તેના જેવા બનવાનાં સપનાં જોઈ રહ્યા છે અને ટ્રમ્પ કરતા તેનું ફૅન-ફૉલોઇંગ અનેકગણું વધારે છે. ઓપ્રાના પ્રશંસકો અને અમેરિકાના રાજકીય વિશ્લેષકોએ ઓપ્રાને ઍમ્બૅસૅડર ઑફ એમ્પથી તરીકે ઓળખાવી છે, જે એમ્પથી એટલે કે કરુણાભાવની અમેરિકનોને અત્યારે સૌથી વધુ જરૂર છે. એટલે એ દૃષ્ટિએ પણ ઓપ્રા ચાલશે. ઓપ્રાએ લગ્ન નથી કર્યાં, પરંતુ ૧૯૮૬થી સ્ટેડમૅન ગ્રેહામ સાથે તે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. લગ્ન કર્યા વિના પોતાના બળ પર પ્રગતિનાં નવાં શિખરો સર કરવામાં સફળ રહેનારી આફ્રિકન-અમેરિકન બ્લૅક મહિલા તરીકે પણ ઓપ્રાની ખાસ્સી લોકપ્રિયતા છે.

પોતાના ટૉક-શો દ્વારા દર્શકોમાં મોટિવેશન અને સેલ્ફ-હેલ્પનો અનોખો ડોઝ પૂરો પાડનારી ઓપ્રા વિન્ફ્રીની પાછલી જિંદગીનો ટ્રૅક-રેકૉર્ડ પણ પ્રેરણાની ખાણ સમાન છે.

પીડાદાયી બાળપણ


અમેરિકાની મિસિસિપી નદી પાસે આવેલા એક નાનકડા ગામમાં અનિચ્છનીય સંજોગોમાં ઓપ્રાનો જન્મ થયો. યસ, અનિચ્છનીય એટલા માટે કે ઓપ્રાની મમ્મી વેર્નિતા લી એ વખતે પોતે ટીનેજ અને અપરિણીત હતી. ઘરનાં કામ કરીને ગુજારો કરનારી વેર્નિતા માટે ઓપ્રાનો ઉછેર માથે આભ ફાટ્યા જેવી બાબત હતી. અહીં એક વાત જણાવી દઈએ કે ઓપ્રાનું સાચું નામ ‘ઓરપા’ છે, જે બાઇબલના એક પાત્ર પરથી પાડવામાં આવેલું. જોકે પરિવારના સભ્યો જ તેને ઓરપાને બદલે ઓપ્રા કહીને બોલવતા એટલે નામ બદલાઈ ગયું. ઓપ્રાના જન્મ પછી જ તેનાં અપરિણીત મમ્મી-પપ્પાનું બ્રેકઅપ થઈ ગયું. તેના પિતા એક ખાણમાં મજૂર તરીકે કામ કરતા હતા, એ પછી નાઈ તરીકે કામ કર્યું અને છેલ્લે આર્મીમાં જોડાયા હતા. ઓપ્રાનો ઉછેર તેની મમ્મીથી દૂર તેની નાની પાસે થયો હોવાનું તે જણાવે છે. એક યુનિવર્સિટીમાં આપેલાં લેક્ચર્સ દરમ્યાન ઓપ્રા કહે છે, ‘નાની દ્વારા મને નિયમિત માર મારવામાં આવતો.’

એક વાર તે કૂવામાંથી પાણી લઈને પાછી આવી રહી હતી ત્યારે એ પાણીના વાસણમાં આંગળી નાખી દીધી હતી એ બદલ નાનીએ નારાજ થઈને તેની ધુલાઈ કરી હતી. ચાબુક દ્વારા પડેલા એ માર દરમ્યાન ઓપ્રાના વાંસા પર લોહીનો ટશરો ફૂટી ગઈ હતી. તેનાં કપડાં પર પણ લોહીના ડાઘા પડી ગયા હતા, જેમાં તેને રવિવારે પહેરવા મળતાં એકમાત્ર નવાં કપડાં પણ ખરાબ થઈ ગયાં હતાં. બાળપણમાં ઓપ્રાની આર્થિક સ્થિતિ એટલી ખરાબ તી કે કપડાં પહેરવા માટે પણ પૈસા નહોતા એટલે તેનાં નાની બટાટા ભરવાના કોથળાને કાપીને તેના માટે ડ્રેસ બનાવતાં અને પછી તેની બહેનપણી તેની મજાક પણ ઉડાડતી. આ જ ઇન્ટરવ્યુમાં તે કહે છે કે તે ત્રણ વર્ષની થાય એ પહેલાં જ તેને તેની નાનીએ બોલતાં-વાંચતાં શીખવી દીધું હતું. તે ત્રણ વર્ષની થઈ એ પહેલાંથી જ બાઇબલના અધ્યાયના નાના-નાના ફકરા ચર્ચમાં જઈને વાંચતી. આ એક બાબતે તેને ત્યાંના લોકો પાસેથી થોડોક સ્વીકાર અપાવડાવ્યો હતો.

નાનીને કારણે નાની ઉંમરમાં બાઇબલ વાંચતી થયેલી ઓપ્રાનું નાનપણમાં હુલામણું નામ ‘ધ પ્રીચર’ પડી ગયું હતું. ઓપ્રા એ પણ કબૂલે છે કે તેની નાનીને કારણે પબ્લિક સ્પીકિંગની સ્કિલ તેનામાં વિકસી હતી. જાત માટે પૉઝિટિવ થવા માટે નાની વયમાં મળેલી ટ્રેઇનિંગને તે ખૂબ મહત્વપૂર્ણ ગણે છે. છ વર્ષની ઉંમર સુધી નાની સાથે રહ્યા પછી ફરી તેણે તેની મમ્મી સાથે રહેવાનું શરૂ કર્યું. એ દરમ્યાન તેની મમ્મીએ બીજાં બે બાળકોને જન્મ આપી દીધો હતો. એ દરમ્યાન તેના જ કઝિન ભાઈએ, અંકલે એટલે સુધી કે તેની મમ્મીના બૉયફ્રેન્ડે પણ ઓપ્રાનું શારીરિક શોષણ અને બળાત્કારો કર્યા હતા. નવ વર્ષની ઉંમરથી લઈને ૧૩ વર્ષ સુધી પરિવારના પુરુષ સભ્યો દ્વારા થયેલા શારીરિક શોષણે ઓપ્રાના બાળપણને પૂરેપૂરું ચૂંથી નાખ્યું હતું અને આ બધા સામે બળવો કરવા તે ઘરેથી ભાગી. તેણે તેના પિતા સાથે રહેવાનું શરૂ કર્યું. જોકે તેના પિતા ભણવાની બાબતમાં ખૂબ કડક હતા, જે વાત ઓપ્રા માટે આર્શીવાદ બની. એક ઇન્ટવ્યુમાં ઓપ્રા કહે છે, ‘ઘરેથી ભાગી ત્યારે પ્રેગ્નન્ટ હતી અને બાળકને જન્મ આપ્યો. એ સમય ખૂબ જ પીડાદાયી હતો. ૧૪ વર્ષની છોકરી બાળકને કઈ રીતે સાચવી શકે? આજે પણ યાદ કરું છું તો ધ્રૂજી જાઉં છું. બાળક જીવ્યું જ નહીં. પણ જો તે જીવ્યું હોત તો હું આજે હયાત ન હોત, કારણ કે ૧૪ વર્ષની ઉંમરે એક બાળક સાથે કઈ રીતે સર્વાઇવ થવાય એની મને ખબર જ નહોતી. એ અવસ્થામાંથી બહાર આવ્યા પછી હું પિતા સાથે રહેવા લાગી, જેણે જિંદગીને એક નવો મોડ આપ્યો.’

સ્કૂલિંગનો આ પિરિયડ એવો હતો જેણે ઓપ્રાનું ઘડતર શરૂ કરી દીધું. સ્કૂલમાં તે લોકપ્રિય બની. સ્કૂલની વિવિધ ઍક્ટિવિટીમાં તેનું અગ્રેસર રહેવું, ભણવામાં સ્કૉલરશિપ મળવી જેવી બાબતોએ ઓપ્રાને જીવવા માટેની નવી દિશાઓ આપવાનું શરૂ કર્યું હતું. ૧૭ વર્ષની ઉંમરે તે બ્યુટી-કૉન્ટેસ્ટમાં વિજેતા રહી, જ્યાં તેના પર ત્યાંના લોકલ આફ્રિકન-અમેરિકન રેડિયો-સ્ટેશન સાથે સંકળાયેલી એક વ્યક્તિનું ધ્યાન ગયું. તેમણે ઓપ્રાને પાર્ટટાઇમ ન્યુઝરીડર તરીકેની જૉબ ઑફર કરી. એ પછી શરૂ થયેલી તેની યાત્રા લાગલાગટ સાતત્ય સાથે ઊંચાઈનાં એક પછી એક શિખરો સર કરતી ગઈ છે.

સફળ કારર્કિદી


ઓપ્રાનું જીવન જોઈએ તો એ એક્સ્ટ્રીમિટીઝથી ભરપૂર છે. તેના જીવનમાં બધું જ અતિના ધોરણે છે. હકારાત્મકતાથી આ વાતને લેવી હોય તો કહેવું પડે કે ઓપ્રા એક્સ્ટ્રીમલી સક્સેસફુલ છે, એક્સ્ટ્રીમલી પાવરફુલ છે, પોતાના કામ માટે એક્સ્ટ્રીમલી પૅશનેટ છે. ઇન ફૅક્ટ, તેના જીવનમાં જે સંઘષોર્ આવ્યા છે એ પણ એક્સ્ટ્રીમ સ્તરના જ હતા. ૧૯૭૬માં ન્યુઝ કો-ઍન્કર બની ત્યારે તેણે વર્ણભેદનો પણ ચિક્કાર સામનો કર્યો છે. પોતાના કેટલાક ઇન્ટવ્યુમાં તેણે કબૂલ્યું પણ છે કે રેસિઝમને કારણે તેને પાડવા, ઉખેડવા અને ઊથલાવવા માટે અઢળક પ્રયાસો થયા છે; પરંતુ તેણે ક્યાંય હાર નથી માની. તે પોતાના પ્રયત્નો કરતી રહી અને આજે પરિણામ તમારી સામે છે. એક કિસ્સો યાદ કરતાં તે કહે છે, ‘ન્યુઝ-ઍન્કર તરીકે મારું કામ લોકોને પસંદ નહોતું પડી રહ્યું. એ સમયે કેટલાક લોકોએ મને કહ્યું હતું કે માઇનોરિટીમાં તને કામ મળ્યું છે અને લોકોની દયાને કારણે તું અહીં છે. ત્યારે સહેજ ખરાબ લાગેલું. એ પછી મને ત્યાંથી બરતરફ પણ કરવામાં આવી, કારણ કે ન્યુઝ-ઍન્કરિંગ દરમ્યાન હું ઇમોશનલ થઈ જતી હતી. જોકે એ પછી મને સમજાયું કે મને ખરેખર શું ગમે છે. લોકો સાથે વાત કરીને તેમના જીવન સાથેની વાતચીત કરવાની બાબત મારા માટે ખૂબ સહજ હતી. શ્વાસ લેવા જેટલી જ સામાન્ય રીતે હું એ કામ કરી શકતી હતી.’

ઓપ્રાનું આ સેલ્ફ-રિયલાઇઝેશન તેની લાઇફનો સૌથી મોટો બદલાવ લઈને આવ્યું. ૧૯૮૪માં તે એ. એમ. શિકાગો નામના શોમાં કો-ઍન્કર તરીકે જોડાઈ. આ શોમાં ઓપ્રા એ હદે છવાઈ ગઈ કે બીજા જ વર્ષે આ શોનું નામ બદલીને ‘ધ ઓપ્રા વિન્ફ્રી શો’ કરી દેવામાં આવ્યું. ૧૯૮૫થી લઈને છેક ૨૦૧૧ સુધી આ શોની ૨૫ સીઝન આવી. માત્ર અમેરિકાના નહીં, વિશ્વના ઇતિહાસમાં એકેય શો આટલો લાંબો નથી ચાલ્યો જેના લગભગ સાડાચાર હજાર એપિસોડ ટેલિકાસ્ટ થયા. આ શોની સાથે ઓપ્રાનું ફૅન- ફૉલોઇંગ પણ અકલ્પનીય સ્તર પર વધતું ગયું. આ શોમાં તેણે બુક્સ-રીડિંગની એક ક્લબ શરૂ કરી, જેમાં તે બુક્સ રેકમન્ડ પણ કરતી અને એની ચર્ચા પણ થતી. ઓપ્રા દ્વારા સજેસ્ટ થયેલી ઘણી બુક્સ આગળ જતાં બેસ્ટસેલર બુક્સ બની. આ પણ ઓપ્રાનો કરિશ્મા જ હતો. પોતાના શો દરમ્યાન ઑડિયન્સને નિતનવી ભેટ આપવી, નિતનવા અનુભવ કરાવવા એ ઓપ્રાની વધુ એક ખૂબી હતી. ઓપ્રાના ટૉક-શોની ૧૯મી સીઝનમાં તેણે સ્ટુડિયોમાં ઑડિયન્સ તરીકે હાજર ૨૭૬ લોકોને કાર ગિફ્ટ કરી હતી. ઓપ્રાની સંવેદનશીલતા, વાત કરવાની ઢબ, એનર્જેટિક બિહેવિયર અને લોકો સાથે કનેક્ટ થવાની ક્ષમતાને કારણે વિશ્વની અનેક સેલિબ્રિટીએ પોતાનાં સીક્રેટ્સ અને મનની વાત શો દરમ્યાનની વાતચીતમાં નૅશનલ ટેલિવિઝન પર કબૂલી છે. ઓપ્રાના શોમાં આવવું એ લોકો માટે સ્ટેટસ-સિમ્બૉલ બની ગયું હતું. આપણે ત્યાં જનરલી સેલિબ્રિટી રિયલિટી શોને હોસ્ટ કરતા હોય, પરંતુ ઓપ્રાના કેસમાં ઊંધું બન્યું. ટૉક-શોને હોસ્ટ કરનારી વ્યક્તિ જ પ્રસિદ્ધિની ચરમસીમા પર પહોંચી ગઈ. ટૉક-શો ઉપરાંત ઓપ્રાએ ફિલ્મોમાં ઍક્ટિંગ કરી છે, તેણે ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી છે. ૧૯૮૮માં તેણે પોતાના નામને ઊંધું કરીને બનતા શબ્દથી ‘હાર્પો’ નામની એક પ્રોડક્શન કંપની શરૂ કરી. ઓપ્રાના જીવનની સૌથી મોટી સિદ્ધિ એટલે તેણે પોતાના ટૉક-શોમાં કબૂલ કરેલી ચાઇલ્ડ અબ્યુઝની વાતોને કારણે અમેરિકામાં એક નવું બિલ પાસ થયું. ૧૯૯૩ની વીસ ડિસેમ્બરે એ સમયના અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટને ચાઇલ્ડ અબ્યુઝર પર કાર્યવાહી કરતો એક કાયદો પસાર કર્યો. એ બિલ આજેય ઓપ્રા બિલ તરીકે ઓળખાય છે. ૨૦૦૦ની સાલમાં તેણે એક મૅગેઝિન શરૂ કર્યું છે, જેનું નામ છે ‘ઓ’. આ મૅગેઝિનના કવરપેજ પર દર મહિને માત્ર ઓપ્રાનો જ ફોટો છાપવાની પરંપરા તેણે જાળવી રાખી છે. ઓપ્રા’સ એન્જલ નેટવર્ક નામની તેની સામાજિક સંસ્થા ચાલે છે. યંગ ગલ્ર્સને ગાઇડન્સ અને સપોર્ટ મળે એટલે તેણે લીડરશિપ ઍકૅડેમી શરૂ કરી છે. ૨૦૦૮માં તેણે પોતાની બ્ષ્ફ્ નામની ચૅનલ શરૂ કરી છે. ૨૦૧૧ની ૧૨ નવેમ્બરે ઓપ્રાને ઑસ્કર અવૉર્ડ પણ મળ્યો છે. કુકબુક અને ફૂડ-બ્રૅન્ડમાં પણ ઓપ્રા વિન્ફ્રી પાર્ટનર તરીકે સક્રિય છે. પોતાની લગભગ ૪૦ વર્ષની કારર્કિદીમાં ઓપ્રા વિન્ફ્રીએ અઢળક સાહસો સાથે પાર વગરના અવૉર્ડ્સ મેળવી લીધા છે. સૌથી મોટી ઉપલબ્ધિ જો તેની કોઈ હોય તો એ છે તેણે દર્શકોનાં દિલમાં જગ્યા બનાવી છે. પોતાના કાર્યમાં માનવતા ઉમેરી લોકોને ડાયરેક્ટ્લી કે ઇનડાયરેક્ટ્લી મોટિવેટ કરવાનું કામ કર્યું છે. એ જ દર્શાવે છે કે ઓપ્રા વિન્ફ્રી જો ડેમોક્રેટિક પાર્ટી વતી અમેરિકાના ઇલેક્શનમાં ઉમેદવારી નોંધાવે તો અમેરિકાની જનતા તેને બે હાથે વધાવી લે એવી પૂરી સંભાવના છે. આ દિશામાં હવે આગળ શું થાય છે એ જાણવા હવે રાહ જોવી રહી.

oprah1

તમને ખબર છે?

૫૯૦ દર મહિને ગૂગલ પર સરેરાશ આટલા લોકો  ‘ઓપ્રા વિન્ફ્રી ઍકમ્પ્લિશમેન્ટ’ સર્ચ કરે છે.

ઓપ્રાનાં જાણીતાં ક્વોટેશન્સ


૧- તમે બધું જ પામી શકો છો, પણ બધું એકસાથે નહીં.

૨- તમારી પાસે જે પણ સારું છે એની કદર કરો. એનાથી તમારી પાસે જે છે એમાં ઉમેરો થશે. તમારી પાસે શું નથી એના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારો અભાવ ક્યારેય પૂરો નહીં થાય.

૩- સાચી માફી ત્યારે આપી ગણાય જ્યારે તમે કહી શકો, ‘આવો અનુભવ આપવા માટે તમારો આભાર.’

૪- તમારી સાથે પૉશ ગાડીમાં બેસનારા ઘણા મળશે, પરંતુ તમને એવી વ્યક્તિની જરૂર છે જે તમારી ગાડી ક્રૅશ થઈ ગઈ હોય ત્યારે તમારી સાથે બસમાં પ્રવાસ કરવા પણ તત્પર હોય.

૫- તમે તમારા જીવનની જેટલી કદર કરશો અને જેટલું ઊજવશો, તમારા જીવનમાં એટલાં જ વધુ સેલિબ્રેશનનાં કારણો વધતાં જશે.

૬-તમારી જાતને એવા જ લોકોથી ઘેરો જેમની પાસે તમને ઊંચાઈ તરફ લઈ જવાની ક્ષમતા છે.

૭- જીવન પાસેથી તમને એ જ મળશે જે પામવાની તમારી પોતાની તાકાત હોય.

૮-જ્યારે કોઈ મિત્ર વારંવાર તમને નિરાશ કરે ત્યારે વાંક તમારો છે. પહેલી જ વાર જ્યારે કોઈએ તમને પોતે સેલ્ફ-સેન્ટર્ડ હોવાની ટેન્ડન્સી દેખાડી દીધી હોય તો તમને એ ત્યારે જ સમજાઈ જવું જોઈએ અને તમારે જાતને એ મુજબ તૈયાર કરવી જોઈએ. તમે ઇચ્છો છો એટલે લોકો પોતાને નહીં બદલે.

૯-જીવનની સૌથી કપરી બાબત કોઈ હોય તો એ સમજવું કે કયા બ્રિજ ક્રૉસ કરવા માટે છે અને કયા બ્રિજ બાળી નાખવા જેવા છે.

૧૦- પડકારો આપણા માટે ગિફ્ટ સમાન છે, જે આપણને ગ્રેવિટીના નવાં કેન્દ્રો શોધવા માટે મજબૂર કરે છે. એની સામે લડવાની જરૂર નથી, પણ એની સામે ટકવાના નવા રસ્તાઓ શોધી લો.

૧૧- તમારી શ્વાસ લેવાની પ્રક્રિયા જેટલું સરળ હોય છે તમારું પૅશન. એકદમ સહજ, જેમાં કાર્યનો કોઈ ભાર જ ન લાગે.

૧૨-એક રાણીની જેમ વિચારો. રાણી ક્યારેય નિષ્ફળતાથી ડરે નહીં. નિષ્ફળતા તેના માટે આગળ વધવાનું એક નવું પગથિયું હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK