લોકોને યાદ કરીને રડવું પડે એના બદલે લોકોની સાથે જિંદગી માણી શકાય તો એનાથી વિશેષ બીજું કંઈ નથી

વ્યાવસાયિક રંગભૂમિની સાથે જુદા વિષયો પર રાજેશભાઈએ INT તરફથી ઝવેચંદ મેઘાણીની શતાબ્દી વખતે ‘કસુંબીનો રંગ’ નાટક દિગ્દર્શિત કર્યું.

rajesh

જીવન ડાયરી - રાજેશ જોશી રાઇટર, ડિરેક્ટર, ઍક્ટર

સેજલ પોન્દા - પ્રકરણ 6

વ્યાવસાયિક રંગભૂમિની સાથે જુદા વિષયો પર રાજેશભાઈએ INT તરફથી ઝવેચંદ મેઘાણીની શતાબ્દી વખતે ‘કસુંબીનો રંગ’ નાટક દિગ્દર્શિત કર્યું. એ સિવાય ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટે તેમના દાદા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની શતાબ્દી વખતે રાજેશભાઈને નાટક દિગ્દર્શિત કરવાની જવાબદારી સોંપી હતી. ઇમેજ પબ્લિકેશન્સ તરફથી હરીન્દ્ર દવેની વાર્તા ‘મુખવટો’ પરથી રાજેશભાઈને નાટ્ય-દિગ્દર્શનની એક અલગ જર્ની માણવા મળી.

સ્પિન અ ટેલ એન્ટરટેઇનમેન્ટ

રાઇટિંગની સાથે રાજેશભાઈએ રાજેશ પવિત્રન અને ચિન્મય પુરોહિત સાથે મળી ÒSpin A Tale EntertainmentÓ નામની કંપની શરૂ કરી. રાજેશભાઈ કહે છે, ‘સુરાલી આ કંપનીમાં ક્રીએટિવ પાર્ટનર તરીકે જોડાઈ. અમારા જૉઇન્ટ પ્રોડક્શનની પહેલી હિન્દી સિરિયલ એટલે ‘સંસ્કાર લક્ષ્મી’. આ જ વર્ષમાં અમે એક મરાઠી સિરિયલ ‘તુઝં નિ માઝં ઘર શ્રીમંતાંચં’ પ્રોડ્યુસ કરી જે ૩૦૦ એપિસોડ ચાલી. ગુજરાતીમાં ‘રીત રિવાજ’ અને ‘આદિ અને અંત એક જ તું’ નામની સિરિયલ પ્રોડ્યુસ કરી. ‘સંસ્કાર લક્ષ્મી’ સિરિયલ આઠ મહિના ચાલ્યા પછી બંધ થઈ ગઈ. મેં કૅલ્ક્યુલેશન કર્યું ત્યારે રિયલાઇઝ થયું કે પ્રોડ્યુસર તરીકે મારી મહેનત રાઇટર કરતાં દસ ગણી વધારે અને વળતર રાઇટર કરતાં ઘણું ઓછું. એટલે મને પ્રૅક્ટિકલી એવું લાગ્યું કે હું મારી રાઇટર તરીકેની જર્ની જ કન્ટિન્યુ કરું. એ પછી મેં સિરિયલ પ્રોડ્યુસ કરવાનો વિચાર માંડી વાળ્યો.’

કુછ તુમ કહો કુછ હમ કહેં

રાજેશભાઈ કહે છે, ‘અમારું ગુજરાતી નાટક ‘તારે મન હું મારે મન તું’નું હિન્દી વર્ઝન ‘કુછ તુમ કહો કુછ હમ કહેં’ લઈને અમે ૨૦૦૫માં લંડન ગયા. તુષાર ત્યારે લંડનમાં વીણાબહેન રાજુભાઈ પંડ્યાને ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. આ કપલ સાથે એટલો ઘરોબો કેળવાઈ ગયો હતો કે તુષાર તેમનો નાનો ભાઈ જ બની ગયો હતો. લંડનમાં નાટકની ટૂર બાદ વીણાબહેને ખાસ મને અને સુરાલીને તેમને ત્યાં રહેવાનો આગ્રહ કર્યો અને અમને લંડન ફેરવ્યાં. ફરી એક વાર સાવ અજાણ્યો સંબંધ જીવનભર માટે પોતીકો બની ગયો.’

rajesh1

સરપ્રાઇઝ

જીવનમાં ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી આવે એટલે સૌથી નજીકની વ્યક્તિ માટે એને ગમતી ક્ષણને ઉત્સવ બનાવવાનો વિચાર આવે. રાજેશભાઈ કહે છે, ‘ઘણા સમયથી મેં સુરાલીને કોઈ સરપ્રાઇઝ નહોતી આપી. સુરાલીને ડાન્સનો ગજબનો શોખ. એટલે સુરાલીના બર્થ-ડે પર મેં તેના માટે સરપ્રાઇઝ પાર્ટીનો પ્લાન કર્યો. સુરાલીના જૂના ફ્રેન્ડસર્કલનો કૉન્ટૅક્ટ કરી મેં તેના ૭૫ ફ્રેન્ડ્સને બોલાવ્યા. આ સરપ્રાઇઝ પાર્ટીથી સુરાલીની ખુશીનો પાર નહોતો. મેં સુરાલીને કહ્યું કે જોયું, તારી જાણબહાર મેં તારા ૭૫ ફ્રેન્ડ્સને એકઠા કર્યા! આને કહેવાય બિગ સરપ્રાઇઝ. કોણ જાણે કેમ સુરાલીને આ વાત મનમાં રહી ગઈ. તેના મનમાં કોઈક પ્લાન આકાર લેવા માંડ્યો.’

૭૫+૭૫+૭૫ = ૨૨૫

રાજેશભાઈ કહે છે, ‘સુરાલીને મનમાં રહી ગયેલી વાતનું તેણે મારી પચાસમી વરસગાંઠે સાટું વાળી લીધું. મેં સુરાલીની સરપ્રાઇઝ બર્થ-ડે પાર્ટીમાં ૭૫ મહેમાનોની સરપ્રાઇઝ આપી હતી. સુરાલીએ મહેમાનોનું લિસ્ટ ત્રણગણું કરી મને ૨૨૫ મહેમાનોની મોટી સરપ્રાઇઝ આપી. મારા જ ફોનમાંથી બધા નંબર લઈ વિપુલ મહેતા સાથે મળી મારા જૂના મિત્રો, થિયેટર અને સિરિયલના મિત્રોને ઇન્વાઇટ કર્યા. મારા આખા પરિવારે મને સહેજ પણ અણસાર આવવા ન દીધો. મારા જન્મદિવસના બીજા દિવસે પાર્ટી પ્લાન કરી. વિપુલની વાઇફ તેજલની પાર્ટી છે એમ કહી મને વેન્યુ પર લઈ જવામાં આવ્યો. એન્ટર થતાંની સાથે જ ફૂલો અને શુભેચ્છાની ભરમાર મળતાં હું ગળગળો થઈ ગયો. સરપ્રાઇઝ પાર્ટીમાં બીજી મોટી સરપ્રાઇઝ એટલે સુરાલીના ઇન્વિટેશનથી એકતા કપૂર મારા સેલિબ્રેશનમાં સામેલ થઈ. સુરાલીએ મનમાં વાળેલી સરપ્રાઇઝની ગાંઠ મારી પચાસમી વરસગાંઠની બેસ્ટ ગિફ્ટ હતી.’

નિહાર કા કરિશ્મા

રાજેશભાઈ કહે છે, ‘નિહારે પ્રેમની બાબતમાં મારો અને સુરાલીનો વારસો જાળવ્યો. અમને આવીને કહ્યું કે એક ક્રિશ્ચિયન છોકરી છે કરિશ્મા, અમે બન્ને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમારે તો રાજાને ગમે તે રાણી. મેં અને સુરાલીએ ૩૫૦ રૂપિયામાં મૅરેજ કર્યાં હતાં. એટલે નિહાર અને કરિશ્માનાં લગ્ન અલગ રીતે કરાવવાની ઇચ્છા હતી. અમે પ્લાન કર્યો ડેસ્ટિનેશન વેડિંગનો. સંગીતસંધ્યા માટે અમે નાશિકથી કોરિયોગ્રાફર બોલાવ્યો હતો. અમે સહપરિવાર ડાન્સમાં સામેલ થઈ આખી મોમેન્ટ યાદગાર બનાવી.’

ના કુછ લેના, ના કુછ દેના


લગ્નપ્રસંગે આપણે વ્યવહાર કરવાની સિસ્ટમ બનાવીએ તો સામેવાળાને ખેંચાવું પડે. લગ્ન કોઈ વ્યવહાર નહીં પણ લાગણીનું બંધન છે. આ વિચારને વહેતો કરતાં રાજેશભાઈ કહે છે, ‘કરિશ્માના પરિવારને ગુજરાતી ટ્રેડિશનની જાણ નહોતી એટલે કરિશ્માનાં લગ્નની તૈયારીની જવાબદારી પણ અમે લીધી. લગ્નમાં મહેમાનો માટે અમે સિસ્ટમ રાખી કે કોઈ વસ્તુ લેવી નહીં અને કોઈ વસ્તુ દેવી નહીં. કરિશ્મારૂપે બીજી દીકરી ઘરને મહેકાવવા આવી અને અમારી ખુશી બમણી થઈ ગઈ. કરિશ્માના આવ્યા બાદ અમે ઘરમાં સહપરિવાર ધામધૂમથી ક્રિસમસ સેલિબ્રેટ કરીએ છીએ અને કરિશ્મા અમારા દરેક ટ્રેડિશનને દિલથી ઊજવે છે. કરિશ્માની લાગણી સતત અમારા પર વરસ્યા કરે આ કરિશ્માનો જાદુ જ કહેવાય.’

‘CODE ‘મંત્ર’’

રાજેશભાઈએ ‘પપ્પા પધરાવો સાવધાન’ નાટક ડિરેક્ટ કર્યા પછી સિરિયલોની વ્યસ્તતાને લીધે નાટકો કરવાનાં છોડી દીધાં હતાં. રંગભૂમિ પર નવા હટકે કન્સેપ્ટ ડિરેક્ટ કરવાની ઇચ્છા મનમાં હતી ત્યારે ત્યાં જ પ્રોડ્યુસર ભરત ઠક્કર અને લેખિકા સ્નેહા દેસાઈએ તેમને એક સબજેક્ટ સંભળાવ્યો. રાજેશભાઈ કહે છે, ‘સ્નેહાનો સબ્જેક્ટ મને ખૂબ ગમ્યો. ગુજરાતી સ્ટેજ માટે લશ્કરની વાત નવી હતી. દિગ્દર્શનના પૉઇન્ટ ઑફ વ્યુ બાદ સ્ક્રિપ્ટનાં આઠ વર્ઝન પછી નાટક રેડી થયું. નાટકમાં ૩૫ કલાકારોનો કાફલો ઊભો કર્યો જેમાં ૧૬ રિયલ NCC કૅડેટ્સને ઇન્વૉલ્વ કર્યા અને ગુજરાતી રંગભૂમિ પર ક્યારેય ન બનેલું નાટક ‘CODE ‘મંત્ર’’ આકાર પામ્યું. નાટક ઓપન થવાને ૧૪ દિવસ બાકી હતા ત્યારે લીડ રોલમાં પ્રતાપ સચદેવ એન્ટર થયા. ૬૫ વર્ષની વયે કોઈ માણસ કોરી પાટી થઈ ડિરેક્ટરને ફૉલો કરે તો એ માણસ લાઇફટાઇમ થિયેટર જીવી શકે. પ્રતાપભાઈ એવા જ એક કલાકાર. પ્રોડ્યુસર તરીકે ભરત ઠક્કરની હિંમતને પણ દાદ આપવી પડે. આ હટકે નાટકને ગુજરાતી રંગભૂમિ પર એટલો સારો પ્રતિસાદ મળ્યો કે આ નાટકે ૨૦૦ શો પૂરા કર્યા તેમ જ મરાઠી રંગભૂમિ ઉપર પણ ‘CODE ‘મંત્ર’’ નાટકે ધૂમ મચાવી.’

‘યુગપુરુષ’

‘યુગપુરુષ’ ઇન્ટરનૅશનલ સ્તરનું એક એવું આધ્યાત્મિક નાટક છે જે ગુજરાતી ભાષાની સાથે બીજી સાત ભાષામાં ભજવાયું. દિગ્દર્શક તરીકે ‘યુગપુરુષ’ નાટકની જર્ની રાજેશભાઈ શૅર કરે છે, ‘ધર્મેશ મહેતા જ્યારે મારી પાસે આ નાટક લઈને આવ્યા ત્યારે મેં તેમને કહ્યું કે મને શ્રીમદ રાજચંદ્ર વિશે કંઈ જ ખબર નથી, જ્યાં સુધી હું વ્યક્તિ વિશે ન જાણું ત્યાં સુધી તેમના વિશે નાટક કેવી રીતે કરી શકું? મારા મનનું સમાધાન કરતાં

ધર્મેશ મહેતાએ મને શ્રીમદ રાજચંદ્ર


મિશન-ધરમપુર, ગુરુદેવ શ્રી રાકેશભાઈ અને શ્રીમદ રાજચંદ્ર વિશે વિગતે વાત કરી. સ્ક્રિપ્ટની સાથે-સાથે મેં શ્રીમદ રાજચંદ્ર વિશેનાં પુસ્તકો, કટિંગ્સ, ઝીણામાં ઝીણી વિગતો મગાવીને વાંચવાનું શરૂ કર્યું. જેમ-જેમ હું વાંચતો ગયો શ્રીમદ રાજચંદ્રનું જીવન મારી આંખ સામે ઊઘડતું ગયું. અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે મારો દીકરો નિહાર પણ જોડાયો અને નિહારે નાટક માટે ખૂબ બારીકાઈથી રિસર્ચ કર્યું. મારે આ આધ્યાત્મિક નાટકને યંગ છોકરા-છોકરીઓનો રસ જળવાય એવું લોકભોગ્ય બનાવવું હતું. એટલે મેં વિચાર્યું નાટકમાં બ્લૅક આઉટ જ નથી રાખવા. નાટકમાં ઊભી કરવામાં આવેલી શિપ, રોટેટિંગ સેટ અને ઘણી વિઝ્યુઅલ ઇફેક્ટ્સને લીધે જુદા સ્તરનું નાટક બન્યું. આ સાથે જ ૨૦૦ કલાકારના કાફલા સાથે ‘યુગપુરુષ’ મહોત્સવમાં મેં અને નિહારે મળી ‘અહો! રાજચંદ્રદેવ - એક ચૈતન્ય મહાસાગર’ નામનું નાટક ડિરેક્ટ કર્યું.’

બહુ જ દૂર મારી બદલી થઈ છે

કલાકારે રંગમંચ પરથી ક્યારે એક્ઝિટ લેવી એ દિગ્દર્શક નક્કી કરે અને જીવનના રંગમંચની એક્ઝિટ ઈશ્વરના હાથમાં હોય. એક અણધારી એક્ઝિટની વાત રાજેશભાઈ શૅર કરે છે, ‘રાજેશ સોની ઍક્ટર તરીકે અને વ્યક્તિ તરીકે મને બહુ વહાલો. તેણે મારા નાટક ‘ચાલ, રિવર્સમાં જઈએ’માં કામ કર્યું હતું. ‘CODE ‘મંત્ર’’ માટે મેં સૌથી પહેલાં રાજેશને જ સિલેક્ટ કર્યો હતો. ‘CODE ‘મંત્ર’’ના ૨૦૦મા શો માટે રાજેશ સોનીએ એક સ્પીચ તૈયાર કરી. રવિવારે શો પછી અમે ‘CODE ‘મંત્ર’’ની સક્સેસ સેલિબ્રેટ કરી. સોમવારે સોશ્યલ મીડિયા પર રાજેશ સોનીની વિડિયો-સ્પીચ વહેતી મૂકી. ઘણાબધાની શુભેચ્છા આવવા લાગી. બે દિવસ પછી હાર્ટ-અટૅકને લીધે બુધવારની સવારે રાજેશે હંમેશ માટે વિદાય લીધી. અમારા બધા માટે આ શૉકિંગ ન્યુઝ હતા. ‘CODE ‘મંત્ર’’નો ડાયલૉગ છે કે ‘બહુ દૂર મારી બદલી થઈ છે એમ સમજી મને યાદ કરી લેજો.’ રાજેશ જાણે આવું જ કહીને ચાલ્યો ગયો. તાબૂતને સલામી આપીએ એમ ચિતા બળતાં પહેલાં અમે રાજેશ સોનીને સલામી આપી. અમારા બધા માટે એ ક્ષણ અસહ્ય હતી, પણ મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે.’

લાગણીનું અજવાળું


રાજેશભાઈ કહે છે, ‘મારી જર્નીમાં મને સાથ આપનાર અમુક સંબંધો આજે હયાત નથી, પણ એમની હયાતી મારી ભીતર ધબકે છે. મારાં માતા-પિતા, મારા મોટા ભાઈ શરદ, રશ્મિકાન્ત વ્યાસ (લાલો), શરદ જરીવાલા, વિદ્યામાસી, વિપુલમાસા, ભાઉસાહેબ, દિનુ ત્રિવેદી, નારાયણ રાજગોર, રાજેશ મહેતા, અનિલ ઉપાધ્યાય, મારાં સાસુ જયોત્સ્નાબહેન, મુકેશ રાવલ તથા રાજેશ સોની. તેમને યાદ કરી હું આ લેખ દ્વારા ટ્રિબ્યુટ આપવા માગું છું. આ દરેક સાથે હું ખૂબ જીવ્યો છું. લોકોને યાદ કરી તેમની સાથે જિંદગી ન માણ્યાનો અફસોસ રહે એના બદલે લોકો સાથે જિંદગી માણી શકાય તો એનાથી વિશેષ બીજું કંઈ નથી.’

 (સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK