તમને ક્યારેય માઠું લાગે? કોઈક વાર?

એક સવાલ પૂછવો છે તમને. તમે ક્યારેય હર્ટ થાઓ? તમને ક્યારેય માઠું લાગે? ક્યારેક તો થતું જ હશેને. કોઈક વાર.

anushka

ભગવાનને પત્ર - રુચિતા શાહ

મારા વહાલા પ્રભુ,

એક સવાલ પૂછવો છે તમને. તમે ક્યારેય હર્ટ થાઓ? તમને ક્યારેય માઠું લાગે? ક્યારેક તો થતું જ હશેને. કોઈક વાર.

કોઈક વાર તો કોઈક તમારી અપેક્ષાઓને તોડતું જ હશેને. ખાસ કરીને ત્યારે જ્યારે અમારા જેવા ભક્ત તમારી સાથે સ્વાર્થી વ્યવહાર કરે? એવું તો તમારી સાથે પણ બન્યું જ હશેને કે પોતાનાં દુ:ખ અને સંકટોને દૂર કરવાની યાચનાઓ લઈને આવતા તમારા ભક્તોની પ્રાર્થના સાંભળીને તમે એ સંકટો દૂર કરો અને જેવાં દુ:ખો ગયાં એમ પેલા ભક્તો પણ રફુચક્કર થઈ ગયા હોય. એવું તો તમારી સાથે પણ થયું જ હશેને કે પોતાની મંઝિલ પર પહોંચવા માટે રોજેરોજ માનતાઓનો રસથાળ ધરતા ભક્તોએ મંઝિલ મળતાં જ ‘તમે કોણ અને હું કોણ’વાળી નીતિથી ચાલતી પકડી હોય. એવું તો તમારી સાથે સો ટકા થયું જ હશે જેમાં ‘તું પ્રભુ મારો હું પ્રભુ તારો’ કહેનારો ભક્ત નગદનારાયણ દેખાતાં જ તમારો વેપાર કરી બેઠો હશે.

આઇ ઍમ વેરી મચ શ્યૉર કે આવું તમારી સાથે પણ થયું જ હશે. સાચું કહેજો, જ્યારે-જ્યારે આવું બન્યું છે ત્યારે તમનેય હર્ટ થયું હશેને? આવું જ્યારે પણ થયું હશે ત્યારે ભક્તજાત પ્રત્યે તમને પણ નફરત જાગી જ હશેને? આવું જ્યારે પણ થયું હશે ત્યારે તમને પણ ક્યારેક મંદિરમાં હાથ જોડીને ઊભા રહેતા તે ભક્તની બત્રીસી તોડીને તેના હાથમાં આપી દેવાનું મન થયું જ હશેને? તમને પણ ક્યારેક અકળામણમાં એમ લાગ્યું જ હશેને કે આ બધા સાથે હવે કોઈ નાતો જ નથી રાખવો. તમને પણ ક્યારેક મનોમન ભક્તોથી અંતર કેળવીને મંદિર, મસ્જિદ, ચર્ચ જેવાં દેવાલયોને તાળાં મરાવી દેવાનું મન થયું જ હશેને? પ્લીઝ ક્યોને, તમને ક્યારેય આવું થયું છે? તમને ક્યારેય કૈલાસ પર પાછા જઈને ફરીથી ધ્યાનમગ્ન થવાનું મન થયું છે? તમને ક્યારેય ફરી જંગલોમાં જઈને માનવોથી છુટકારો મેળવવાનું મન થયું છે? તમને ક્યારેય અમારી મતલબી માનસિકતાથી ત્રાસ છૂટ્યો છે? આખો દિવસ બસ, માગ્યા કરવાની અમારી વૃત્તિથી અકળામણ જાગી છે? માત્ર સ્વાર્થ સાથે સંબંધ જોડતા લોકોથી અંતર કેળવવાનું મન તમને પણ થયું છે?

આજે મારે તમારી સાઇડ જાણવી છે. ખરેખર એ સમજવું છે કે અમારા ભગવાનની પણ કોઈક તો અપેક્ષાઓ હશેને અમારી પાસે. અમે એક કરોડનો કૉન્ટ્રૅક્ટ પાસ કરવાની પ્રાર્થના સાથે જઈએ છીએ અને બદલામાં એક નારિયેળ ચડાવીએ છીએ એ બાબત અમારા ભગવાનને કેવી ફીલ આપે છે? અમારે એ જાણવું છે કે જ્યારે અમે મતલબી બનીને માત્ર સ્વકેન્દ્રી માગણીઓ જ કરતા રહીએ છીએ ત્યારે અમારા ભગવાન શું વિચારતા હોય છે? અમે જ્યારે પ્રાર્થનાના નામે ભિખારી બનીને ઊભા રહી જતા હોઈએ છીએ ત્યારે અમારા ભગવાનને અમારા પર દયા આવે છે કે દુ:ખ થાય છે?

ના, ના. સહેજ પણ ફિલોસૉફિકલ જવાબ નહીં ચાલે. માત્ર ને માત્ર વાસ્તવિક જવાબ જ. લાગણીથી છલોછલ હોય એવા લોકોને દુ:ખ વધુ થતું હોય છે એવું કહેવાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે પ્રિયજનો અપેક્ષાઓ તોડે અથવા તો સ્વાર્થ સાથે સંબંધોને જોડે. અમારી સાથે તો આવું જ થાય છે, જેના માટે સંપૂર્ણ સમર્પણભાવ રાખ્યો હોય અથવા જેને જીવનની સૌથી મહત્વની વ્યક્તિ ગણી હોય એવી વ્યક્તિઓ પણ ક્યારેક વિશ્વાસઘાત સાથે વર્તી જાય ત્યારે હૃદય સંપૂર્ણ વિંધાઈ જાય છે. દોસ્તીના નામે સંબંધ બાંધનારા જ્યારે સ્વાર્થ સમાપ્ત થતાં સામું પણ ન જુએ ત્યારે પારાવાર દ્વેષ જાગતો હોય છે. એ સમયે દાંત તોડી દેવાનું મન પણ થાય છે. આમાં પાપ છે કે આને આદર્શ કહેવાય કે નહીં એ તો નથી ખબર. બસ, એટલી ખબર છે કે આવું તીવ્રપણે મનોમન થતું હોય છે. અમે અમારી સાથેનો અન્યાય સહન નથી કરી શકતા. એની ફરિયાદ પણ તમારી પાસે આવીને જ કરીએ છીએ. જોકે ભક્ત તરીકે તમારી સાથે અમે આવું જ વર્તી લઈએ છીએ. અમે જે કરીએ છીએ એમાંનું દસ ટકા પણ જો કોઈ અમારી સાથે બિહેવ કરે તો અમે આકુળવ્યાકુળ થઈ જઈએ છીએ, પણ તમને કંઈ નથી થતું. તમને નારાજી પણ નથી થતી. તમે એ જ સ્મિત, કરુણા અને આંખોમાં સ્નેહ સાથે અભિવાદન કરતા રહો છો. આટલાબધા લાગણીઓથી તરબતર છો, સ્નેહસભર છો, કોમળતાના ઉચ્ચ સ્તર પર છો છતાં તમને નારાજી નથી આવતી. અમારા મતલબી વ્યવહારથી તમને કોઈ ફરક નથી પડતો. શું કામ? આટલા નિર્લેપ અને છતાં એટલા જ કૅરિંગ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK