ઊડવું છે આસમાનમાં

આજે ઉતરાણ-મકરસંક્રાન્તિ છે.અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય આ દિવસે મકર રાશિમાં પ્રવેશે છે અને એની ગતિ ઉત્તર તરફની બને છે. આજે આસમાન રંગબેરંગી પહેરવેશ ધારણ કરશે. અવનવી પતંગોનો વૈભવ એને રળિયાત કરશે. પતંગને કનકવો કે પડાઈ પણ કહેવામાં આવે છે. સૂર્યના પુત્ર અશ્વિનીકુમારનું નામ પતંગસુત હતું. તીડ માટે પતંગમ શબ્દ વપરાય છે. ગરુડ માટે પતંગેન્દ્ર શબ્દ છે. આશ્લેષ ત્રિવેદીના શેર સાથે મહેફિલની શરૂઆત કરીએ...

કોઈ ગહન છે મર્મ એના સંવિધાનમાં

રાખે જમીન પર ને રહે આસમાનમાં


પતંગ ચગાવનાર જમીન પર હોય અને પતંગ આસમાનમાં. પતંગ અને આંગળીઓ વચ્ચે વિસ્તરતો માંજો આ બન્નેનું અનુસંધાન જાળવી રાખે છે. કેટલીક વાર ભારે પતંગને અંકુશમાં લેવી અઘરી પડે. પવન પુરબહારમાં હોય ત્યારે આંગળી પર પવનના કાપા પડે. ઘણી વાર પતંગ પોતાના પતંગબાજનું કહ્યું માનતી નથી. એમાં વાંક કોનો છે એ ચગાવનારની આવડત અને પતંગની ગુણવત્તાને આધીન હોય છે. રાકેશ ઠક્કર ઓછી ઊંચાઈએ જ વળગી પડતા અફસોસની વાત કરે છે...

એમ ખુશીને સજાવી છે

કંઈક ઇચ્છાઓ છુપાવી છે

તોય મારે હાથ ના રહે દોર

ખૂબ ઊંચે ક્યાં ચગાવી છે


પતંગના અનેક પ્રકાર છે. ખંભાતી, અમદાવાદી, રામપુરી, જોધપુરી અને જયપુરી મુખ્ય ગણાય છે. દરેકની આગવી ખાસિયત છે. ફુદ્દી, ચીલ, ચાંદેદાર કે ચાંદરાજ, પટ્ટો, અઠ્ઠો વગેરે કૅટેગરીમાં પતંગનું વર્ગીકરણ થાય છે. પતંગમાં સીધી સળીને ઢઢ્ઢો અને અર્ધવળેલી સળીને કમાન કે કાંપ કહેવાય. મોટા પતંગને તુક્કલ કહેવાય. કિશોર મોદી આ શબ્દને વ્યવહાર સાથે વણી લે છે...  

રોજ જુદી જુદી કહાની હોય

કાંકરીની જલે છલંગ લાગે છે

નકલી મલકાટમાં છે બહુ ઉસ્તાદ

વાહ! તુક્કલ પતંગ લાગે છે


પતંગ જેટલી જ મહત્વની ફીરકી હોય છે. સામાન્ય રીતે ભાઈ પોતાની બહેનને અને પતિ પોતાની પત્નીને આ કામ સોંપી દે છે. પુરુષપ્રધાન અભિગમ પતંગમાં પણ વર્તાય છે. જોકે એમાં સ્ત્રીએ જરાય ખોટું લગાડવા જેવું નથી. પતંગનું સંતુલન રાખવા કરતાં સંસારનું સંતુલન રાખવાનું અઘરું કાર્ય નિભાવવામાં તેનું સ્થાન અવ્વલ જ રહેવાનું. ડાહીડમરી થઈને સહેલ ખાતી પત્નીને જોઈને પતિ બે ક્ષણ માટે પોતાની જાત પર મુસ્તાક થઈ જાય. આ આનંદ બે ક્ષણનો હોય છતાં એને ગમે. પ્રવીણ શાહ એક કપરી જવાબદારી સોંપે છે...

આ સમયના તરંગને પકડી

રાખ સાતેય રંગને પકડી

ઊડવું તો સ્વભાવ છે એનો

રાખજે મન-પતંગને પકડી


દોર કપાય ત્યારે અનુસંધાન પણ કપાય. કેટલીક વાર ફીરકીમાં જ એવી ગાંઠ બંધાઈ હોય કે ઢીલ મુશ્કેટાટ થઈને બેઠી રહે. ક્યારેક ભૂતકાળની કોઈ ગાંઠ આકાશમાં પોતાનું ગઠબંધન ગુમાવી દે અને અધવચ્ચે છૂટી પડી જાય. એક આંકડા માટે એક લાખની લૉટરી ગઈ હોય એવી સ્થિતિમાં પતંગબાજ હક્કોબક્કો થાય. વાત હાથમાંથી જાય ત્યારે શું કરવું એની શીખ જયવદન વશી આપે છે...

તૂટતી તો બંધાતી પાછી

સ્નેહ તણે દોરે ગૂંથાતી

રોજ નવા એ રંગો સજતી

તારી વાતો મારી વાતો


કેટલીયે વાર દોર અને પતંગને બનતું ન હોય ત્યારે સંતુલન જળવાતું નથી. ક્યાંક પતંગની બનાવટમાં વાંધો હોય તો ક્યાંક દોર કાચી હોય. કેટલીક પતંગ અળવીતરી હોય. આમથી તેમ ગોથાં ખાયા કરે. સ્થિર રહેવાનું એમના જીન્સમાં જ નથી હોતું. એમની કમાન જ ચંચળતામાંથી બની હોય. તો કેટલાક પતંગ સ્થિર રહેવામાં પાવરધા હોય. પવનને કારણે ડામાડોળ થાય તોય તરત પોતાનું સ્થાન તો જાળવી જ રાખે. જિંદગીમાં પૈસેટકે, ઘરમાં, સંસારમાં, સમાજમાં સેટ થઈ ગયા હોઈએ ત્યારે આવી અનુભૂતિ થાય. સેટ થતાં પહેલાં અપસેટ થવાના આઘાત તો નિભાવવા જ પડે. હેમંત પુણેકર સંબંધના સંદર્ભે વાત છેડે છે...

એમ થોડો લગાવ રાખે છે

સ્વપ્નમાં આવજા રાખે છે

ક્યાં એ આપે છે છુટ્ટો દોર કદી

હલકો હલકો તનાવ રાખે છે


હલકો તનાવ ભારી તાણમાં પલટાય નહીં ત્યાં સુધી વાંધો આવતો નથી. કેટલીક વાર આપણું ભોળપણ કે સજજનતા જ પ્રગતિમાં આડે આવતી હોય. હજી તો પતંગ ચગાવી જ હોય ત્યાં પેચ લગાવતા લોકો ટાંપીને બેઠા હોય. પરાઈ અગાસીમાંથી દાવપેચ ખેલાય એ તો સમજ્યા, પણ પોતાની અગાસીમાંથી જ આપણી ફીરકીને કટ્ટી લાગે ત્યારે આઘાત લાગે. વિનોદ નગદિયા આનંદ અવળી બાજુને આલેખે છે...

શિખર પર જવાની સજા ભોગવું છું

હું કાતિલ હવાની સજા ભોગવું છું

પતંગ જેમ મુજને ચગાવે છે લોકો

હળવા થવાની સજા ભોગવું છું


દરેકે પોતાની પતંગને આવડે એ રીતે ચગાવવાનો હોય છે. કોઈની આવડત ઝાઝી તો કોઈની ઓછી. કેટલીક વાર આ જિજીવિષાની લડાઈ પુનરાવર્તન પામ્યા જ કરતી હોય એવું લાગે. વીરેન મહેતા એક દાર્શનિક આંચકી આપે છે... 

બાથમાં લેવા ગગન ઊડી પતંગ

પ્હોંચશે માંજો આ કાચો ક્યાં સુધી?

વસ્ત્રથી ઝાઝાં હવે છે થીગડાં

એ જ દોરો, સોય, ઢાંચો ક્યાં સુધી?

ક્યા બાત હૈ


પતંગનો ઓચ્છવ

એ બીજું કંઈ નથી, પણ

મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ!

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા

નભની ભડભડતી એકલતા ભૂંસવા

જુઓ, મનુષ્યો-

ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી

પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં

ઉજ્જડ નભને નમણું નજરાણું

ઉર્ફે આ પતંગ!

હરેક જણના પતંગ પર

લખિયો છે આ સંદેશો કે

હે નભ! તું નીચે આવ!

આવ નીચે ને જરાક હળવું થા

માર નગારે ઘા

ગમગીનીનો ગોટો વાળી

જલદી કૂદ કછોટો વાળી

ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા!

આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા

આભ, તને

આ પતંગરૂપે છે નિમંત્રણ-

નીચે આવી ચાખ ઉમળકો

ચાખ જુવાની, ચાખ લાગણી

ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ

આભ, તું જરાક નીચે આવ

        - રમેશ પારેખ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK