આજ સુધી વિચાર આવતો, કાપ-કાપ-કાપ આજ વિચાર બદલાયો, હવે આપ-આપ-આપ

મિત્રો, આજે મને બત્તી થઈ કે સાલું મગજના ચોકઠામાં યાદશક્તિનું ખાનું હોવા છતાં એ કેમ ભૂલી ગયો કે આ શરીર ઓરિજિનલી તો સ્મશાનની મિલકત છે. એના પર ગમે તેટલો દાવો કરશો કે કેસ કરશો,

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

મિત્રો, આજે મને બત્તી થઈ કે સાલું મગજના ચોકઠામાં યાદશક્તિનું ખાનું હોવા છતાં એ કેમ ભૂલી ગયો કે આ શરીર ઓરિજિનલી તો સ્મશાનની મિલકત છે. એના પર ગમે તેટલો દાવો કરશો કે કેસ કરશો, પણ હારવાની ગૅરન્ટી. અચાનક તું ગાતો હોઈશ હમ તો જાતે અપને ગાંવ અપની રામ-રામ-રામ ને તારા રામ રમી જશે. ને તને નઈ સંભળાય તોયે તારા કાનમાં પેલા ટોપાઓ રામ બોલો ભાઈ રામના નારા લગાવી સ્મશાને પહોંચાડશે. જિંદગીમાં ક્યારેય ટેકો નઈ આપ્યો હોય તોય તારી બૉડીને ખભાનો ટેકો આપવા પડાપડી કરશે. અરે તું બોલી પણ નઈ શકે કે જાણે ખભો નઈ આપે તો ચાલશે ટોપા, પણ વર્ષ પહેલાં ૫૦૦૦ રૂપિયા ઉછીના લઈ ગયેલો એ મારા પરિવારને આપી દેજે... તેમને બિચારાને મારા કારજમાં ઉપયોગી થશે. તો પછી વહાલા, આ સ્મશાનની મિલકતને શણગારવી કેટલી?

કોઈ ટોપાશંકરે મંડપ-કોરેશનની જેમ સ્મશાનમાં ચિતા-કોરેશન કર્યું નથી. ને કોઈ માઇનો લાલ બોલ્યો નથી કે સ્મશાનયાત્રમાં આવેલા તમામ ડાકુઓ... સૉરી ડાઘુઓનું હું પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. સ્વજનની યાદદાસ્ત આમ તો અંતરમાં જ વસતી હોય છે, પણ આવા રૂડા પ્રસંગે આપતી હાજરીની હૂંફ વાતાવરણને પવિત્ર અને પ્રફુલ્લિત બનાવે છે. બાપુજીની બીમારીમાં અને મરણમાં જેને સહકાર આપ્યો એ તમામ ડૉક્ટરોનો, સગાંસંબંધીઓનો અને મિત્રોનો હું આભાર ન માનું તો નગુણો કહેવાઉં. ઉપરાંત બાપુજીની દોણી, કફન અને ઍમ્બ્યુલન્સ, માટલી સ્પૉન્સર કરનારનું હું હૃદયપૂર્વકનું ઋણ સ્વીકારું છું. હવે આપ સૌ સ્નેહીજનોની હાજરીમાં બાપુજીને દીપ પ્રગટાવી... સૉરી ચિતા પ્રગટાવી કાયમ માટે મરણ પામેલા જાહેર કરું છું. જય હિન્દ, જય ભારત, જય મહાભારત. અગત્યની જાહેરાત, બાપુજી હવે કોઈના બેસણા કે ઉઠમણામાં આવી શકવાના નથી એટલે એ પ્રથા બંધ રાખી છે. દરેકે પોતાના ઘરે જાતે જ બેસણાં-ઉઠમણાં કરી લેવાં અને બાપુજીની પૂરી ચિતા સળગી ગયા પછી અહીં સ્મશાનમાં જ DJ અને ગરબાની રમઝટ બોલાશે. ભાગ લેવા  સર્વેને આમંત્રણ...

અલ્યા ભૈ વાચકો, હું જરા વધુપડતો ભાવુક બની ગયો, પણ આ બધું આપણે જાણતા હોવા છતાં ચહેરા પર રોજ કેટલા રંગરોગાન કરીએ છીએ. અને રાતે દૂધમાં મેળવણ નાખી દૂધ પર વિશ્વાસ રાખી સવારે દહીં થઈ જ જશે એટલો વિશ્વાસ જાત પર રાખતા નથી ને સાલું દર્પણમાં પ્રતિબિંબ ડાઉનલોડ થઈ શકતું નથી એટલે હંમેશાં બીજાને જ પૂછવું પડે છે કે ‘હું કેવો લાગું છું?’ સ્મરણ રહે ગમેતેટલા ધમપછાડા કર્યા પછી વધતી જતી ઉંમરને રોકી શકતા નથી. ને બીજાને ‘કેવો લાગીશ’ એ ફિકરમાં જ જિંદગીનું અચ્યુતમ્ કેશવમ્ થઈ જતું હોય છે. જેના માથા પર ખેતરના ઘાસ જેવા વાïળ ધોળા થયા તો કલપ લગાડવા મંડ્યો ને ટાલ પડી તો વિગ પહેરવા માંડ્યો. હું પણ બાકાત નથી. હું પહેલાં વિગ પહેરતો, પણ એક વાર સ્વિમિંગ-પૂલમાં ડાઇવ મારી તો હું પાણીની અંદર ને વિગ પાણી ઉપર સ્વિમિંગ કરવા લાગી. મારી જુવાન દેખાવાની પોલ પકડાઈ ગઈ. બસ, એ દિવસથી મેં વિગ સાથે છૂટાછેડા લઈ લીધા. મારી સનમાઇકા જેવી ટાલમાં એક જમાનામાં વાળની વસંત પુરબહારમાં ખીલી હતી. એ વાળ વન બાય વન અચ્છા તો હમ ચલતે હૈં ગાતાં-ગાતાં હવામાં ચાલી ગયા ને વાળની વસંત પાનખરમાં પલટાઈ ગઈ. પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિની જેમ મારાથી ભૂલથી વાઇફને પુછાઈ ગયું, ‘હું કેવો લાગું છું?’

બાય ગૉડ! આ સવાલથી તેનો ચહેરો જયપુર-બાંદરા પકડવાને બદલે સૌરાષ્ટ્ર મેલ પકડાઈ ગયો હોય એવો થઈ ગયો ને હું લોકલ ટ્રેન ૮.૫૮ની ૮.૫૭ને રાહ જોતો હોઉં એમ તેના જવાબની રાહ જોવા લાગ્યો. મને આશા હતી કે હમણાં જિતેન્દ્ર, ધર્મેન્દ્ર કે રાજેન્દ્રમાંથી કોઈ એક ઇન્દ્રનું નામ લેશે, પણ કાગડાના મોઢામાં... સૉરી કાગડીના મોઢામાંથી ગંગાજળ નીકળે? બોલી, ‘ડોન્ટ ફીલ બૅડ, પણ તમે ફાટેલા મોજામાંથી અંગૂઠો બહાર નીકળ્યો હોય એવા દેખાઓ છો.’

માકસમ બૉસ, તેના જવાબથી મારું હૃદય એક ધબકાર ચૂકી ગયું. જો આમ બેચાર ધબકાર ચૂકી જાય તો ઢબી જવાય. આ માત્ર મારું જ નઈ, પણ મારા અંગૂઠાનું અને મારા ફાટેલા મોજાનું ઘોર અપમાન હતું. એ કેમ સહન થાય? ને દુ:ખ તો એ બાબતનું હતું મેં આખી જિંદગી ચંપલ-સ્લિપરમાં કાઢી તો તેણે અંગૂઠો કોનો જોયો? શું કામ જોયો? ક્યારે જોયો? મારી આંખમાં બોર જેવડાં નઈ, પણ તરબૂચ જેવડાં આંસુ ટપકવા લાગ્યાં. અમેરિકામાં જેણે નાયગરા ધોધ નથી જોયો તે મારી આંખોમાં જોઈ લે. પણ તે સત્યવાદી હરીશ્ચંદ્રની તારામતી હતી. જેમ દર્પણ જૂઠ ન બોલે એમ તે જૂઠું તો નહોતી જ બોલી... મેં મારા અંતરાત્માને ઢંઢોળ્યો. જાતને પૂછ્યું. વાંક મારો જ હતો. જે શરીરે ૬૪ વર્ષ પૂરાં કર્યાં એ શરીર એ. કે. હંગલની બૉડીમાં સલમાન ખાનનાં સપનાં ન જોવાય. જેવો છું એવો દેખાઈ ન જઉં એની સતત કાળજી રાખી તોયે ચંપકલાલે મને પૂછ્યું, ‘ઠાકર, હું તને ગુંડો, મવાલી, બેવકૂફ, લુચ્ચો, લફંગો લાગું છું?’

‘નઈ કેમ?’

‘તો પછી પેલો ચંબુડો એમ કેમ બોલ્યો કે મારું મોઢું તારા જેવું છે.’

મને ધ્રાસકો પડ્યો, આટલા બધા મારામાં ક્યારે પ્રવેશ્યા? હું કદાચ આવો હોઉં પણ ખરો. એવું બન્યું કે રૂપને ઓખળવાની ગડમથલમાં સ્વરૂપને ઓળખવાનું રહી ગયું ને પતંગ એટલે પદ, પૈસો, પ્રતિષ્ઠા, પોઝિશન ને પાવર. આ પાંચ કલરની પતંગ જીવનભર તંગ કરે છે. એને ઉપર હવામાં ઉડાડવાનું જ ભૂલી ગયો ને આ પાંચને પકડવામાં પરમાત્માનો ‘પ’ પકડવાનું હું ભૂલી ગયો...

ઍન્ડ યુ નો ડિયર કે ભારત નામની આ પતંગની દુકાનમાં BJP, કૉન્ગ્રેસ, શિવસેના, AAP... એવી કેટલીયે પતંગ એકસાથે એકબીજામાં સમાઈને બેઠી હતી, પણ કોણ જાણે જરા ઉપર ચગ્યા તો એકબીજાને કાપવાની તૈયારી કરે છે. ભૂલી ગયા કે આપણે એક દુકાનમાં કેવી જોડાઈને લટકતી હતી. એવું વિચાર્યું જ નઈ કે એકબીજાને કાપીએ એના કરતાં એકબીજાને ગળે મળીએ. એ લોકો એ ભૂલી ગયા કે ગમેતેટલા ઉપર ચગશો તોય દોર નીચે પ્રજાના હાથમાં છે, તે ક્યારે ઉતારી દેશે ને ક્યારે ઢઢ્ઢો મરડી કાઢશે એ ખબર જ ન પડે... ભલે જે થયું એ. આજ સુધી ભલે વિચાર આવ્યો કે કાપ, કાપ ને કાપ, પણ હવે વિચાર બદલો - બહુ કાપ્યું, હવે આપ, આપ ને આપ.

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK