એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિfવાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૨૫

રાહત તેની મમ્મીની રૂમમાંથી બહાર નીકળી ત્યારે તેને એવું લાગ્યું કે તેજસ્વિની કૌલ કોઈ પણ પરિસ્થિતિમાં શરણ શ્રીવાસ્તવને માફ નહીં કરે.

નવલકથા - કાજલ ઓઝા વૈદ્ય


તેણે પોતાના તરફથી ઇલેક્શનનું ગાજર પણ માની નજર સામે લટકાવી દીધું છતાં તે પોતાની માને ઓળખતી હતી એ રીતે તેને ખાતરી હતી કે તેની માએ એક વાર મનમાં નક્કી કરી લીધું છે એટલે હવે

તે શરણ શ્રીવાસ્તવને પોતાની દીકરીને રિજેક્ટ કર્યા બદલ અને તેજસ્વિની કૌલનો હુકમ અવગણવા બદલ સજા કર્યા વગર રહેશે નહીં.

તેણે બહાર નીકળીને લીલાધર શ્રીવાસ્તવના દોસ્ત, રહસ્યમંત્રી, પાર્ટી-વર્કર એવા રઘુનાથ શર્માને ફોન કર્યો. રિંગ વાગતાં જ સામેથી રઘુનાથ શર્માનો jૌણ અવાજ સંભળાયો, ‘કહો બિટિયા, ક્યા હુઆ?’

રાહતે કહ્યું, ‘મેં મારાથી થાય એટલું કર્યું અને કહેવાય તે કહી દીધું છે.’ સામેથી રઘુનાથ શર્માએ જવાબ આપ્યો એ સાંભળીને રાહતે ફરી કહ્યું, ‘મને નથી ખબર મૉમ શું કરશે, પણ... તમે કંઈ પણ જાણવા મળે તો મને ઇન્ફૉર્મ કરજો, પ્લીઝ.’

‘સચ બતાઉં?’ રઘુનાથ શર્માનો અવાજ તો સ્ત્રી જેવો હતો જ, પણ તેનો લહેકોય થોડો ઋણ હતો. તેણે કાલાં કાઢતાં કહ્યું, ‘તુમ્હારી મમ્મી તો કુછ કરેગી યા નહીં, લેકિન યહાં સમસ્યા તૈયાર હૈ.’

‘મતલબ?’ રાહતે પૂછ્યું, ‘લીલાધર અંકલ...’

‘તુમ્હારે અંકલ તો અપને હી બેટે કે દુશ્મન હો ગએ હૈં.’ રઘુનાથ શર્માએ લહેકા સાથે કહ્યું, ‘બહુત સમઝાયા, કિ સરકાર જાને દીજિએ, બચ્ચા હૈ...’

રઘુનાથનું વાક્ય પૂરું થાય એ પહેલાં રાહતે કહ્યું, ‘તમે શરણને સાવચેત કર્યો

કે નહીં?’

‘તેને શું કહું?’ રઘુનાથે છણકો કર્યો, ‘બાપ-બેટા સામસામે ઊભા છે. અત્યારે કોર્ટમાં પેશી હતી. રિમાન્ડ મંજૂર થઈ ગયા છે તેના.’

‘હંઅઅઅ.’ રાહતે ડોકું ધુણાવ્યું, ‘પોલીસ-કસ્ટડીમાં છે એટલે સેફ રહેશે.’

‘ત્યાં જ અનસેફ છે. દેશની પ્રાઇમ મિનિસ્ટર અને દેશનો ફૉરેન અર્ફેસ મિનિસ્ટર જેનો જીવ લેવા માગે છે તે પોલીસ-કસ્ટડીમાં સેફ હોઈ શકે?’ રઘુનાથે સીધું જ પૂછ્યું, ‘ને એ પણ આ દેશમાં? કોઈને કોઈની પડી જ નથી. જિંદગીની તો કોઈ કિંમત જ નથી જાણે.’ રઘુનાથ બડબડ કરતો રહ્યો, પણ રાહતે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો હતો. રઘુનાથને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે તેણે મનોમન રાહતને પણ એક-બે ગાળ ભાંડીને ફોન ખિસ્સામાં મૂકી દીધો.

રઘુનાથ શર્મા ગામથી આવ્યો ત્યારે માત્ર મિત્રતાના દાવે લીલાધરની મદદ કરતો હતો. લીલાધરે તેને પાર્ટી-વર્કર બનાવ્યો હતો. ધીમે-ધીમે તે લીલાધરનો જમણો હાથ બની ગયો હતો. તેના ભલા-બૂરા કામમાં રઘુનાથે તેમને સાથ આપ્યો હતો. લીલાધરના

સારા-ખરાબ સમયમાં તે સતત તેની જોડે ઊભો રહ્યો હતો. આમ લીલાધર તેને બહુ માનતો, પણ જ્યારે મહત્વનો નિર્ણય કરવાનો આવે ત્યારે લીલાધર તેમના મિત્ર રઘુનાથની વાત બહુ સાંભળતા નહીં. રઘુનાથ અત્યંત વિશ્વાસુ હતો, તેને લીલાધર માટે લાગણી પણ બહુ હતી, પરંતુ પ્રૉબ્લેમ એ હતો કે લીલાધરની સાથે રહી-રહીને રઘુનાથ શર્મા પણ પોતાની જાતને પાવરફુલ માનવા લાગ્યો હતો. તેને લાગતું હતું કે લીલાધર જેકંઈ છે એમાં પોતાનો સિંહફાળો છે... લીલાધર શ્રીવાસ્તવ માનતા હતા કે રઘુનાથ જૈસે આતે હૈં ઔર ચલે જાતે હૈં. લીલાધર શ્રીવાસ્તવ એક હી હૈ જો સદિયોં મેં એક બાર આતા હૈ...

એક તરફ રાહત કૌલ અને રઘુનાથ શર્મા મળીને શરણને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં તો બીજી તરફ લીલાધર શ્રીવાસ્તવ બેચેન થઈને પોતાના નાનકડા ઑફિસ જેવા કમરામાં ઊંચા અવાજે બરાડી રહ્યા હતા, ‘ઐસી ઔલાદ સે તો બેઔલાદ હી બેહતર થે... આ દિવસ માટે ભગવાન પાસે માગ્યો હતો મેં? બાધા-આખડીઓ રાખીને મારી જ બરબાદીનો સામાન ભેગો કર્યો, બીજું શું!’ લીલાધર શ્રીવાસ્તવ સુધી શરણના રિમાન્ડના સમાચાર પહોંચી ગયા હતા. તેમના ગુસ્સાએ માઝા મૂકી હતી. ઇલેક્શન માથા પર હતું અને આ છોકરો તેમના કર્યા-કારવ્યા પ્રયાસોને માટીમાં મેળવવા તૈયાર હતો... લીલાધર શ્રીવાસ્તવને દીકરા માટે પ્રેમ હતો એ સાચું, પણ હવે જે પરિસ્થિતિ સર્જા‍ઈ હતી એમાં તેમની સામે બે જ રસ્તા ખુલ્લા હતા; પહેલો, શરણ તેમના શરણે આવે અને બીજો, પોતાના જ બળવાખોર લોહીને ડામી દેવું... તેમણે બીજો વિકલ્પ પસંદ કરી લીધો હતો, કારણ કે તેમને ખબર હતી કે તેમનો દીકરો તેમનું કહ્યું માનશે નહીં...

‘હમ કા કહ રહે હૈં, તુમ્હારી સમઝ મેં આ રહા હૈ કિ નહીં?’ તેઓ ફોન પર બરાડી રહ્યા હતા, ‘બુઢબખ્ત કી તરાહ હું-હું મત કરો. સીધે જાઓ અમદાબાદ, ઔર ઉસ નાકારે લૌન્ડે કો ઉડા દો.’

‘સરકાર, છોટા મુંહ બડી બાત, લેકિન...’ સામેથી કોઈકે કહ્યું.

‘લેકિન, કિન્તુ, પરંતુ કે લિએ જગહ નાહી અબ. ઇલેક્શન સર પર હૈ, મીડિયાવાલે કાફી ઉછાલ ચુકે હૈં. રિમાન્ડ મિલ ગયા હૈ, પુલીસ-કસ્ટડી મેં ઉસને કુછ ઇધર-ઉધર બક દિયા તો હમારા પૅક-અપ હો જાએગા. ઇસલિયે હમ જો કહ રહે હૈં, કરો.’

‘બહુત અચ્છા સરકાર. પૈર છુકર પ્રણામ.’ સામેથી કોઈકે કહ્યું.

‘ખુશ રહો.’ લીલાધરે કહ્યું. ફોન ડિસકનેક્ટ કરીને લીલાધર ઊંધા ફર્યા કે પાછળ ઊભેલી પત્નીને જોઈને તેમના ચહેરા પરનો રંગ ઊડી ગયો. તેમણે ધાર્યું નહોતું કે તેઓ આવી રીતે સગા દીકરાના મોતની સૂચના આપતાં પકડાઈ જશે. સીમાએ જે રીતે તેમની સામે જોયું એ નજરનો સામનો લીલાધર શ્રીવાસ્તવ કરી શક્યા નહીં.

‘ઝિંદગી મેં કભી કુછ નહીં માંગા આપસે.’ સીમાએ જે રીતે કહ્યું એ એક જ વાક્યમાં બધું આવી જતું હતું. તેણે લીલાધર સામે જોઈને બે હાથ જોડ્યા. માની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. લીલાધર સામે સાચે જ ધર્મસંકટ ઊભું થઈ ગયું. તેમણે પોતાના બન્ને હાથ લંબાવીને પત્નીના જોડાયેલા હાથ પકડી લીધા. થોડી ક્ષણ સુધી તેઓ પત્ની સામે જોઈ રહ્યા. તેઓ કંઈ બોલ્યા નહીં એટલે સીમાએ કહ્યું, ‘મૈં આપકે ઘર મેં, બિસ્તર મેં, રસોઈ મેં કટતી-પિસતી-ખટતી રહી હૂં. મેરે બચ્ચે કો કુછ હો ગયા તો મૈં આપકો નહીં છોડૂંગી.’ તેના અવાજમાં દુર્ગાના ત્રિશૂળનો ખણખણાટ સંભળાયો લીલાધરને.

‘અરે કુછ નહીં હોગા.’ તેમણે કહેવાનો પ્રયત્ન કર્યો, પણ પત્ની તેમની વાત સાંભળી ચૂકી હતી એટલે હવે તે લીલાધરના

ઝાંસામાં આવે એમ નહોતી. તે કશું બોલ્યા વગર બહાર ચાલી ગઈ. સામાન્ય રીતે રડતી-કરગરતી પત્ની જે રીતે એક વાક્યમાં ચેતવણી આપી ગઈ એ સાંભળ્યા પછી લીલાધર પણ ભીતરથી થોડા હચમચી ગયા હતા.

તેમણે પોતાના થોડા ટાલિયા અને થોડા વાળવાળા માથા પર હાથ ફેરવવા માંડ્યો. શું કરવું એ તેમને સમજાતું નહોતું... તેઓ ફરી પાછા પોતાના ઑફિસ જેવા નાનકડા ઓરડામાં આંટા મારવા માંડ્યા.

€ € €

કોર્ટથી નીકળેલી વૅનમાં આંખો બંધ કરીને બેઠેલા શરણ શ્રીવાસ્તવ સુધી પહોંચવાનો પ્રયાસ એકસાથે ત્રણ જણ કરી રહ્યા હતા.

પહેલી હતી રાહત કૌલ, જે તેને સાવચેત કરવા માગતી હતી. તે શરણને સમજાવવા માગતી હતી કે તે તેના પિતાની વાત માની લે અને આ આખી ચર્ચામાંથી બહાર નીકળી જાય. એક રીતે જોવા જાઓ તો તેજસ્વિની કૌલ ખોટી નહોતી. તેની દીકરીના મનમાં રહેલો શરણ શ્રીવાસ્તવ માટેનો સૉફ્ટ કૉર્નર તેજસ્વિની સમજતી હતી.

બીજો હતો રઘુનાથ શર્મા, જેણે શરણને પોતાની નજર સામે ઊછરતો જોયો હતો. તેને માટે શરણ દીકરાથી ઓછો નહોતો. નાની ઉંમરે પોતાના દોસ્ત લીલાધરને મદદ કરવા માટે મુંબઈ આવી ગયેલા રઘુનાથ શર્માએ પછી લગ્ન કર્યાં જ નહીં એટલે તેનું પિતૃત્વ, વાત્સલ્ય, સ્નેહ કે સમણાં બધું શરણમાં જ ઠલવાયું હતું. તે પોતાના દોસ્તને બરાબર જાણતો હતો. રાહત સાથે વાત થયા પછી તેણે પણ શરણને સાવચેત કરવા અને સમજાવવા માટે તેના સુધી પહોંચવાના પ્રયત્ન શરૂ કર્યા હતા.

આ બે જણ પછી ત્રીજી વ્યક્તિ જોડાઈ હતી સીમા. તેને સમજાયું નહીં કે દીકરા સુધી કેવી રીતે પહોંચવું એટલે અમદાવાદમાં લીલાધરનો જે માણસ શરણને રાજપથ ક્લબ મળવા ગયો હતો તેને ફોન લગાડીને સીમાએ શરણ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. એ માણસે પોતાના ગુરુ અથવા મેન્ટરની પત્નીનો ફોન આવ્યો એટલે સૌજન્યથી વાત કરી ખરી, પરંતુ રોકડો જવાબ તો આપી જ દીધો, ‘માતાજી, ઐસા હૈ કિ હમ કુછ કર નહીં સકતે. જબ તક બાબુજી ન કહેં...’

સીમા સમજી ગઈ. તેણે ફોન કાપી નાખ્યો. ઘડીકમાં મંદિર પાસે, ઘડીકમાં પલંગ પાસે, ઘડીકમાં કિચનમાં તો ઘડીકમાં ગૅલરીમાં આંટા મારતી સીમા અંતે

કંટાળી-અકળાઈને લીલાધરની ઑફિસરૂમમાં દાખલ થઈ ગઈ. લીલાધર હાથ પાછળ બાંધીને આંટા મારી રહ્યા હતા. પત્નીને પાછી આવેલી જોઈને તેમણે કહ્યું, ‘દેખો, હમ...’

‘હમ અહમદાબાદ જાના ચાહતે હૈં.’ સીમાએ બીજી કોઈ આડીઅવળી ચર્ચા કર્યા વગર સીધું જ કહી દીધું.

‘ક્યું બખેડા ખડા કર રહી હૈ? કમ રાયતા ફૈલાયા હૈ તુમ્હારે બેટેને? હવે તું ત્યાં જઈશ એટલે મીડિયાને મસાલો મળી જશે. પગે લાગું તને. જે થોડીઘણી ઇજ્જત બચી છે એના ધજાગરા ન ઉડાડ તો સારું.’ તેમણે કહ્યું તો ખરું, પણ સીમાના ચહેરા પર એક રેખાય બદલાઈ નહીં.

‘ટિકિટ તમે કરાવશો કે હું રઘુનાથભૈયાને કહીને કરાવી લઉં?’ તેણે પૂછ્યું.

લીલાધર શ્રીવાસ્તવનું ચાલ્યું હોત તો તેમણે પત્નીને ઢોરમાર માર્યો હોત, પણ અત્યારના સંજોગોમાં બગડેલી બાજીને વધુ નહીં બગાડવાનું નક્કી કરીને તેણે રઘુનાથને ફોન કર્યો, ‘હાં, સરકાર,’ રઘુનાથે હંમેશની જેમ ફોન ઉપાડ્યો તો ખરો, પણ લીલાધર શું હુકમ કરશે એવા વિચારે તેનું કાળજું કંપતું હતું.

‘ભાભી અહમદાબાદ જાના ચાહ રહી હૈ,’ કહીને તેમણે દાંત ભીંસ્યા, ‘ભેજ દો.’

‘હમ સાથ જાએંગે.’ રઘુનાથે ડરતાં-ડરતાં કહી નાખ્યું.

‘તો તુમ ભી મરો.’ લીલાધરે બરાડો પાડ્યો, ‘મરો સબ કે સબ’ કહીને તેમણે ફોન ડિસકનેક્ટ કરતાં પહેલાં પત્ની તરફ જોયું, ‘દો બેવકૂફોં કી બારાત જાએગી અબ. લગન છે ને તારા છોકરાનાં. બૅન્ડવાજાંવાળાને લઈને જજે...’ કહીને તેમણે પોતાના હાથે જ માથામાં ટપલીઓ મારી, ‘કોણ જાણે કયા મુરતમાં તારી સાથે પરણ્યો અને કયા મુરતમાં આ ગધેડો મારા ïઘરે જન્મ્યો...’ પોતાના બન્ને હાથ માથા પર મૂકીને તેઓ ખુરસીમાં ફસડાઈ પડ્યા.

આજે પહેલી વાર સીમાએ પતિની તકલીફમાં તેમની સાથે રહેવાને બદલે તેમને એકલા છોડીને અમદાવાદ જવાની તૈયારી કરવા માટે પોતાની રૂમ તરફ ચાલવા માંડ્યું.

€ € €

પોલીસ-વૅન જ્યારે પોલીસ-સ્ટેશનની બહાર આવીને ઊભી રહી ત્યારે દર્શન પટેલે જાહ્નવી અને શરણને નીચે ઉતાર્યાં. દર્શન આગળ જઈ રહેલા બન્ને આરોપીઓની પાછળ પોલીસ-સ્ટેશન તરફ ચાલવા માંડ્યો.

સામે પોલીસ-સ્ટેશનના મકાનના ઓટલા પર ઊભેલા કૉન્સ્ટેબલે તેને સલામ મારી. દર્શને ડોકું હલાવીને તેનું અભિવાદન ઝીલ્યું. તેના ચહેરા પર એક સ્મિત હતું. આ બન્ને જણને એક અઠવાડિયામાં તો પોપટની જેમ બોલતાં કરી દેશે એવા આત્મવિશ્વાસ સાથે એ પોલીસ-સ્ટેશનના મકાન તરફ જઈ રહ્યો હતો ત્યાં જ તેણે સામે ઊભેલા કૉન્સ્ટેબલની આંખ બદલાતી જોઈ.

દર્શન એકદમ શાર્પ હતો. કોઈ કશું સમજે એ પહેલાં તે દોડ્યો. દર્શન આરામથી ચાલી રહ્યો હતો, જ્યારે શરણ અને જાહ્નવી થોડાં ઝડપથી ચાલીને લગભગ પોલીસ-સ્ટેશનના મકાન સુધી પહોંચી ગયાં હતાં. દર્શને એક ક્ષણમાં જ નિર્ણય લેવાનો હતો એવું તેને સમજાઈ ગયું. બૂમ પાડવાથી કંઈ નહીં થાય એવું અનુભવે તેને શીખવ્યું હતું. કોઈ પણ માણસને બૂમ પાડો એટલે તે બૂમ પાડનાર તરફ ફરે એ સ્વાભાવિક છે. સામે ઊભેલા કૉન્સ્ટેબલની આંખમાં જે ભયની લકીર દર્શને જોઈ એ પછી તેને સમજાયું હતું કે જોખમ પાછળની તરફ હતું. શરણ કે જાહ્નવીને બૂમ પાડવામાં આવે તો બંને જણ ઊંધાં ફરશે, પાછળથી હુમલો કરનાર માણસને તેમની પીઠને બદલે છાતી હાથ લાગી જશે... દર્શન કમ્પ્યુટર કરતાં પણ વધુ ઝડપથી વિચારી રહ્યો હતો.

સામે ઊભેલો કૉન્સ્ટેબલ દર્શન કરતાં વધુ ઝડપથી વિચારતો હશે, કારણ કે તેણે દોડવા માંડ્યું. સામેથી આવી રહેલા કૉન્સ્ટેબલે શરણને એવી રીતે ધક્કો માર્યો કે તે જાહ્નવીને અથડાય. બે જણને જુદા-જુદા બચાવવાને બદલે કૉન્સ્ટેબલે જે રીતે ધક્કો માર્યો એનાથી શરણનું બૅલૅન્સ ગયું, તે જાહ્નવીને અથડાયો. બન્ને પડ્યાં.

કૉન્સ્ટેબલ પણ નીચો નમી ગયો. નમતી વખતે તેણે જોરથી બૂમ પાડી, ‘સર...’

આથી વધુ દર્શનને કંઈ કહેવું પડે એમ નહોતું. તે દોડ્યો. નીચે પડી રહેલી જાહ્નવી પોતાનું બૅલૅન્સ જાળવવા નજીક આવી ગયેલા દર્શનનો આધાર લેવા ગઈ. દર્શન પર આવેલા જાહ્નવીના વજને તેને પણ નીચો નમાવી દીધો.

કોઈ કશું સમજે એ પહેલાં એક બુલેટ સન્ન કરતી આવીને પોલીસ-સ્ટેશનના દરવાજાની લોખંડની જાળીમાં અથડાઈ. તણખા ઝર્યા. બુલેટનું પિત્તળનું કેસ પોલીસ-સ્ટેશનના પગથિયા પર પછડાયું. ખણણણ અવાજ કરતું એ કેસ પગથિયાં પર અથડાતું-કુટાતું જમીન પર પડ્યું.

કૉન્સ્ટેબલના ધક્કાથી પછડાયેલો દર્શન, તેના ધક્કાથી જમીન પર પડેલી જાહ્નવી અને જાહ્ન્વીના વજનને કારણે નીચો નમી ગયેલો દર્શન ત્રણે જણ એ ગોળીથી બચી તો ગયાં, પણ જાહ્નવીએ જોરથી ચીસ પાડીને રડવા માંડ્યું. શરણ જમીન પર જ પડ્યો રહ્યો. તેને કદાચ અંદાજ હતો કે આ હુમલો એક બુલેટથી પૂરો નહીં થાય. તેણે ઊભી થઈ રહેલી જાહ્નવીને હાથ પકડીને નીચે નમાવી અને જોરથી કહ્યું, ‘ઊભી નહીં થા.’

‘તું ઠીક છે?’ જાહ્નવીએ પૂછ્યું.

‘યસ.’ શરણે કહ્યું. તેણે પોતાના બન્ને હાથ જાહ્નવીના શરીર પર ઢાંક્યા અને એવી રીતે ગોઠવાઈ ગયો કે તેનું આખું શરીર જાહ્નવીને કવર કરી લે. માળામાં છુપાયેલા કોઈ પંખીના બચ્ચાની જેમ જાહ્નવી થરથર ધ્રૂજતી હતી. દર્શનને આર્ય થયું, પણ શરણ અત્યંત સ્વસ્થ હતો, ‘આર યુ ઓકે ઇન્સ્પેક્ટર?’ તેણે દર્શનની પણ કાળજી લીધી.

‘એની માને...’ નીચો નમી ગયેલો દર્શન ઊભો થયો. તેણે નીચે પડેલા શરણને કૉલરમાંથી પકડીને ઊભો કર્યો. કોઈ જાનવરને ઢસડે એ રીતે તે આંખના પલકારામાં શરણને ઢસડતો પોલીસ-સ્ટેશનના મકાનમાં દાખલ થઈ ગયો. જે કૉન્સ્ટેબલે ધક્કો મારીને દર્શનને પાડી નાખેલો તેણે નીચે પડેલી જાહ્નવીને ઊભી કરી, તેને સાચવીને પોલીસ-સ્ટેશનના મકાનમાં દાખલ કરવાનો કૉન્સ્ટેબલ પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે બીજી બુલેટ આવી... એ પણ પોલીસ-સ્ટેશનના મકાનની દીવાલમાં પેસી ગઈ. જાહ્નવી સાંગોપાંગ બચી ગઈ...

મા-બહેનની ગાળો ભાંડતો દર્શન ખુલ્લી છાતીએ બહાર નીકળ્યો. તેણે આસપાસ આવેલા મકાનોના ધાબે, બારીઓમાં કૅમેરા જેવી નજરથી જોયું. એક પણ બારીમાં કે ધાબે તેને કોઈ દેખાયું નહીં. આવતો-જતો વાહનવ્યવહાર લગભગ નૉર્મલ હતો. જમેને ખ્યાલ આવ્યો કે શૂટઆઉટ થયું છે તેઓમાંના એક-બે જણ કુતૂહલથી ઊભા રહી ગયા અને થોડા ડરથી ટોળે વળ્યા. પોલીસ-સ્ટેશનની બહાર ગોઠવેલા ઘ્ઘ્વ્સ્ કૅમેરાનાં ફુટેજ ચેક કરવાની સૂચના આપીને દર્શન મુખ્ય ગેટ સુધી બહાર આવ્યો. તેણે ફરી આસપાસનાં મકાનોને, દુકાનોને અને ઑફિસોની બારીઓને ધ્યાનથી જોયાં. કશું શંકાસ્પદ નહોતું. દર્શને પોતાની ડાબા હાથની હથેળીમાં મુઠ્ઠી પછાડી, તે ફરી ગાળ બોલ્યો. તેણે જોરથી બૂમ પાડી, ‘તમાશો છે?’ દર્શનનો કરડો ચહેરો અને બૂમ સાંભળીને ઊભેલું નાનકડું ટોળું વેરવિખેર થઈ ગયું.

થોડી મિનિટ સુધી આમતેમ જોઈને દર્શન પાછો પોલીસ-સ્ટેશનમાં દાખલ થયો.

ટેબલની સામે મૂકેલી ખુરસીમાં બેઠેલા શરણ તરફ જોઈને કહ્યું, ‘સમજાય છેને? પોલીસ-કસ્ટડીમાં તમે સેફ છો. બહાર હોત તો પૂરાં થઈ ગયાં હોત.’ તેણે જાહ્નવી તરફ જોયું, ‘એમ નહીં માનતા મૅડમ કે આ હુમલો ફક્ત શરણ શ્રીવાસ્તવ પર કરવામાં આવ્યો હતો.’

‘પણ મને કોઈ શું કામ મારે?’ જાહ્નવીએ પૂછ્યું. તે ડરી ગઈ હતી. તેના આખા ચહેરા પર પરસેવાનાં ઝીણાં-ઝીણાં બૂંદ જામી ગયાં હતાં. તેની આંખો વિસ્ફારિત હતી.

‘તમને?’ દર્શન હસ્યો, ‘તમને નહીં મારે... ડરાવે છે.’

‘કોણ?’ જાહ્નવીએ પૂછ્યું.

‘એની મને નથી ખબર’ દર્શને કહ્યું. તેણે બન્ને તરફ વારાફરતી જોયું. થોડી ક્ષણોનો પોઝ લીધો અને પછી કહી નાખ્યું, ‘આ એ માણસ છે જેને ખબર છે કે તમારાં સાસુ ગુજરી ગયાં એ પછી કબાટ ખોલીને ફાઇલ તમે કાઢી લીધી છે. તેને ફાઇલની તલાશ છે... જ્યાં સુધી એ ફાઇલ તમારી પાસે છે મિસિસ જાહ્નવી મજીઠિયા, ત્યાં સુધી તમે સલામત છો.’ તેણે શરણ સામે જોયું, ‘તમને મારે કહેવાની જરૂર નથી કે તમારું મોત બે જણ ઇચ્છે છે; એક, તમારા પિતા... ને બીજી, તેજસ્વિની કૌલ.’ તેણે સ્મિત કરીને ઉમેર્યું, ‘તમને કસ્ટડીમાં ખતમ કરી નાખવાની સૂચના આવે તો પણ મને નવાઈ નહીં લાગે.’

‘મને મારી નાખવાથી જાહ્નવીને ફાયદો થતો હોય તો...’ શરણ કહેવા ગયો.

તેને વચ્ચેથી જ કાપી નાખીને દર્શને કહ્યું, ‘હવે એક બરબાદ આશિક, દેવદાસ, મજનૂનો રોલ પૂરો થયો.’ તે ઊભો થયો. શરણની નજીક જઈને પોતાના બન્ને હાથ શરણના ખભે મૂકીને તે અડધો ફુટ ઝૂક્યો, શરણની આંખમાં આંખ નાખીને તેણે કહ્યું, ‘ભારતીય યુદ્ધોનો ઇતિહાસ કહે છે કે હારી ગયેલા રાજાઓના કિલ્લા અંદરથી ખૂલ્યા છે, પછી બહારથી તૂટ્યા છે.’ તેણે હસીને કહ્યું, ‘સમજ્યા?’

‘ના.’ શરણે ડોકું ધુણાવ્યું.

‘ઘર કા ભેદી લંકા ઢાયે’ કહેવત તો સાંભળી હશે.’ દર્શને ધીમેથી જાહ્નવી તરફ જોયું, ‘મૅડમ, આ ખૂન જો તમે નથી કર્યું તો...’ તે સીધો થયો, તેણે શરણના ખભેથી હાથ ઉઠાવી લીધા અને પછી કહ્યું, ‘તો આ ખૂન કોઈ એવા માણસે કર્યું છે જે એકસાથે તમને બન્નેને ફસાવી દેવા માગે છે.’ તેણે વારાફરતી બન્ને સામે જોઈને પૂછ્યું, ‘જેને આ ફાઇલની જરૂર છે, જેને વીરબાળાબહેન ઓળખતાં હતાં, જેને પ્રણવ પણ ઓળખે છે.’ તેણે પૂછ્યું, ‘યાદ આવે છે એવો કોઈ માણસ?’

જાહ્નવી અને શરણે એકમેક સામે જોયું. તેમની આંખોમાં કોઈક વાત, સંદેશ કે વિચારની આપ-લે થઈ. જાહ્નવીએ આંખો ઝુકાવી દીધી અને શરણે નજર ફેરવી લીધી. દર્શને આ નોંધ્યું, પણ કંઈ બોલ્યો નહીં. તેણે કહ્યું, ‘તમે કંઈક ખાઈ લો. સવારથી કશું ખાધું નહીં હોય.’ તેણે પોતાના ટેબલ પર પડેલો ઇન્ટરકૉમ ઉપાડીને બહાર બેઠેલા કૉન્સ્ટેબલને પૂછ્યું, ‘જાહ્નવીબહેનના ઘરેથી ટિફિન આવ્યું છે?’

‘ના સાહેબ.’ કૉન્સ્ટેબલે કહ્યું.

‘ઓકે.’ કહીને દર્શને ફોન મૂક્યો. તેણે શરણ સામે જોઈને પૂછ્યું, ‘શું ખાશો? કહો.’

‘આ મહેમાનગતિનું કોઈ કારણ?’ શરણે સીધું જ પૂછ્યું.

‘કારણ?’ દર્શન હસ્યો, તેની જાડી મૂછો નીચે તેના હોઠ વંકાયા, ‘બકરાને હલાલ કરતાં પહેલાં ખવડાવી-પીવડાવીને તાજો કરવામાં આવે છેને? કંઈક એવું જ સમજી લો.’ તેણે કહ્યું, પછી ઉમેર્યું, ‘સાંજ પડવા આવી છે. આજે હું પણ થાક્યો છું. ત્રણ રાત ને ત્રણ દિવસના ઉજાગરા છે મને. આજનો દિવસ તમે પણ આરામ કરી લો.’ પછી જરાક વ્યંગમાં ઉમેર્યું, ‘શરીરથી આરામ કરજો, મગજ પાસે થોડી કસરત કરાવો. વિચારી લો કે મને કેટલી અને કઈ વિગતો આપવાની બાકી છે.’ તેણે ફરી હસીને કહ્યું, ‘આમ તો મહેમાન છો તમે મારા. સરકારી મહેમાન, ખરું કે નહીં? જમાડવા તો પડેને?’

‘ભૂખ તો મને પણ લાગી જ છે.’ શરણે કહ્યું. જાહ્નવીએ નવાઈથી તેની સામે જોયું. શરણે હસીને ઉમેર્યું, ‘ગુજરાતી થાળી જમવી છે. અહીંથી બહાર જઈ શકાય?’ દર્શન પણ નવાઈથી તેની સામે જોઈ રહ્યો.

‘પાંચ મિનિટ પહેલાં જે થયું એનાથી સંતોષ નથી થયો તમને? હજી વધારે ફટાકડા ફોડવા છે?’ તેનાથી પૂછuા વગર ન રહેવાયું, ‘તમને કંઈ સમજાય છે મિસ્ટર? એક ગોળી જો આરપાર નીકળી હોતને તો અત્યારે પોલીસ-સ્ટેશનના આંગણે લોહીથી લથપથ લાશ પડી હોત તમારી.’ કહીને તેણે પૂછ્યું, ‘ડર નથી લાગતો?’

‘ડર?’ શરણે કહ્યું, ‘મોતનો ડર નથી લાગતો.’ તેણે ઉમેર્યું, ‘મારી લાશ પડી હોત તો કદાચ એક ક્ષણ માટે પણ અફસોસ ન થયો હોત, પરંતુ મારા પર થયેલા હુમલામાં જો જાહ્નવીને એક ઉઝરડોય પડ્યો હોતને તો મેં મારા બાપની છાતીમાં ૬ ગોળી ઉતારી દીધી હોત.’ શરણની આંખોના ખૂણા લાલ થઈ ગયા હતા, નાકના ફણા ફૂલી ગયા હતા, જડબાં તંગ થઈ ગયાં હતાં. દર્શનને સમજાઈ ગયું કે શરણ જે કહી રહ્યો હતો એ કરવાની તાકાત અને હિંમત બન્ને હતાં તેનામાં.

‘તો તમને શું લાગે છે? તમારા પિતાજીએ કરાવ્યો આ હુમલો?’ દર્શને પૂછી નાખ્યું.

‘ખબર નથી...’ શરણે હાથ ઊંચા કરીને આળસ મરડી, ‘મારા મૃત્યુમાં બે જણને રસ છે, પણ તેજસ્વિની કૌલ પાસે મને મારી નાખવાનું કારણ નથી હજી.’

‘આ હુમલો તમારા પર નહીં, જાહ્નવી પર થયો હતો.’ દર્શને કહ્યું.

શરણનો ચહેરો બદલાઈ ગયો, તેણે આ રીતે વિચાર્યું જ નહોતું. જાહ્નવી ધ્રૂજી ગઈ... દર્શન પટેલની કૅબિનમાં શ્વાસનો પણ અવાજ સંભળાય એવો સન્નાટો છવાઈ ગયો.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK