ચન્દ્રબાબુ નાયડુ મોકો જોઈને નાક દબાવી રહ્યા છે. હજી સુધી TDPએ NDA સાથે છેડો ફાડ્યો નથી એનું કારણ BJPના આક્રમણથી બચવાનું છે

જે માણસ દેશમાં કૉમ્પિટિટિવ ફેડરલિઝમનો જનક હોય અને જે માણસ રાજ્યોની કેન્દ્ર પરની નિર્ભરતા ઓછી કરવાની હિમાયત કરતો હોય એ માણસ અત્યારે કેન્દ્ર સરકાર પાસે ખાસ રાજ્યનો દરજ્જો શા માટે માગી રહ્યો છે? આનું કારણ મતનું રાજકારણ છે, વિકાસનું નહીં.

modi

નો નૉન્સેન્સ - રમેશ ઓઝા

કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીની વાત સાચી છે કે દેશના દરેક રાજ્યને ખાસ રાજ્યનો દરજ્જો ન આપી શકાય. જે રાજ્યો દાયકાઓથી નહીં પરંતુ સદીઓથી અવિકસિત છે એવાં રાજ્યોને જ ખાસ રાજ્ય તરીકેનો દરજ્જો આપવાની જોગવાઈ છે. એવાં રાજ્યોમાં ઈશાન ભારતનાં અને પહાડી રાજ્યોનો સમાવેશ થાય છે. આમ છતાં ખાસ રાજ્યનો દરજ્જો માગવામાં આવે છે. ખાસ કરીને કેન્દ્ર સરકાર સંખ્યાના કારણે નિર્બળ હોય અથવા નિર્ણાયક ચૂંટણી નજીક હોય ત્યારે રાજ્યો આવી અવ્યવહારુ અને બિનબંધારણીય માગણી કરે છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચન્દ્રબાબુ નાયડુ આવી માગણી કરતા હતા અને જ્યારે કેન્દ્ર સરકારે એ માગણી ઠુકરાવી દીધી ત્યારે તેમણે કેન્દ્ર સરકારમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે. તેલગુ દેસમ પાર્ટીના બન્ને પ્રધાનોએ નરેન્દ્ર મોદીની NDA સરકારમાંથી રાજીનામાં આપી દીધાં છે. યાદ રહે કે TDPએ સરકાર સાથે છેડો ફાડ્યો છે, NDA મોરચા સાથે નહીં. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાને સ્પષ્ટતા કરી છે કે અત્યારે તેમનો પક્ષ ફ્Dખ્ની સાથે છે.

અરુણ જેટલીએ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાનને સમજાવવાની કોશિશ કરી હતી કે ખાસ દરજ્જો ધરાવતાં રાજ્યોને જે પ્રમાણમાં આર્થિક સહયોગ આપવામાં આવે છે એના જેટલો જ આર્થિક સહયોગ આંધ્ર પ્રદેશને આપવા કેન્દ્ર સરકાર તૈયાર છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન નહોતા માન્યા. તેમણે પોતાના પક્ષના કેન્દ્રીય પ્રધાનોને રાજીનામાં આપવાનો આદેશ આપ્યો એ પછી વડા પ્રધાને પોતે ચન્દ્રબાબુ નાયડુ સાથે દસ મિનિટ ફોન પર વાતચીત કરી હતી, પરંતુ તેઓ નહોતા માન્યા.

આનો અર્થ એવો નથી કે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાનને બંધારણીય જોગવાઈ શું છે એની જાણ નથી. આનો અર્થ એવો પણ નથી કે એન. ચન્દ્રબાબુ નાયડુને દેશમાં ખરેખર અવિકસિત રાજ્યો કયાં છે અને એમાં આંધ્ર પ્રદેશનો સમાવેશ ન થઈ શકે એની જાણ નથી. આનો અર્થ એવો પણ નથી કે જે રાજ્યો ખરેખર અવિકસિત છે અને ખાસ રાજ્યનો દરજ્જો ધરાવે છે એમ છતાં કેન્દ્ર સરકાર ખરેખર ખાસ કંઈ આપતી નથી અને છેતરપિંડી કરે છે એની એન. ચન્દ્રબાબુ નાયડુને જાણ નથી. ઊલટું એન. ચન્દ્રબાબુ નાયડુ દેશના પહેલા મુખ્ય પ્રધાન છે જેમણે કૉમ્પિટિટિવ ફેડરલિઝમની અર્થાત્ રાજ્યો વચ્ચે વિકાસ માટેની ફરીફાઈની હિમાયત કરી હતી અને આંધ્ર પ્રદેશમાં એની શરુઆત કરી હતી. રાજ્યો કેન્દ્ર સરકારને વચ્ચે લાવ્યા વિના બારોબાર વિદેશી રોકાણ મેળવવા માટે પ્રયત્નો કરે, એ માટેની અનુકૂળ જોગવાઈ કરે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરે એ બધું એન. ચન્દ્રબાબુ નાયડુએ શરૂ કર્યું હતું.

આ બધી એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદીને પક્ષે ગુજરાતવટો આપ્યો હતો અને પંજાબમાં ધકેલી દીધા હતા. બીજા દરેક માણસનું શ્રેય આંચકી જવાની તેઓ કુનેહ ધરાવે છે એટલે ઇમેજ એવી પેદા કરવામાં આવી કે દેશમાં કૉમ્પિટિટિવ ફેડરલિઝમ તેમણે દાખલ કર્યું હતું. બિકાઉ પત્રકારો હોય અને ખિસ્સામાં રૂપિયા ખખડતા હોય તો આ યુગમાં કોઈનું પણ શ્રેય આંચકી શકાય છે. એન. ચન્દ્રબાબુ નાયડુએ દેશમાં કૉમ્પિટિટિવ ફેડરલિઝમ દાખલ કર્યું હતું એનું પ્રમાણ જોઈતું હોય તો અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટનની ૨૦૦૦ની સાલની ભારતની મુલાકાત છે. તેઓ આંધ્ર પ્રદેશની ગ્રોથ-સ્ટોરીને સમજવા અને વિકાસશીલ દેશોમાં કૉમ્પિટિટિવ ફેડરલિઝમ કઈ રીતે સફળ નીવડી શકે એ સમજવા ખાસ હૈદરાબાદ ગયા હતા. આનાં અસંખ્ય વિડિયો-ફુટેજ યુટuુબ પર ઉપલબ્ધ છે. દુર્ભાગ્યે ભક્તોને પ્રમાણ આપવાં જરૂરી છે.

જે માણસ દેશમાં કૉમ્પિટિટિવ ફેડરલિઝમનો જનક હોય અને જે માણસ રાજ્યોની કેન્દ્ર પરની નિર્ભરતા ઓછી કરવાની હિમાયત કરતો હોય એ માણસ અત્યારે કેન્દ્ર સરકાર પાસે ખાસ રાજ્યનો દરજ્જો શા માટે માગી રહ્યો છે? આનું કારણ મતનું રાજકારણ છે, વિકાસનું નહીં. વિકાસ કેમ કરાય એ તો કદાચ ચન્દ્રબાબુ નાયડુ નરેન્દ્ર મોદીને અને અરુણ જેટલીને શીખવી શકે એમ છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની જેમ એન. ચન્દ્રબાબુ નાયડુને સમજાઈ ગયું છે કે ૨૦૧૯માં ૨૦૧૪નું પુનરાવર્તન થવાનું નથી. વાવાઝોડાં વારંવાર આવતાં નથી. બીજું, પોતાને સંકટમાં વિકલ્પ તરીકે રજૂ કરીને અને એ રીતે લોકપ્રિયતાનાં પેદા કરવામાં આવેલાં મોજાં પર સવાર થઈને સત્તા સુધી તો પહોંચી શકાય છે, પરંતુ સત્તામાં પહોંચ્યા પછી મોજાં ઓસરી જતાં હોય છે, સિવાય કે વિકલ્પના દાવેદારે નક્કર કામગીરી કરી હોય. નરેન્દ્ર મોદીનું કામગીરીનું રિપોર્ટ-કાર્ડ બિલો ઍવરેજ છે.

ચન્દ્રબાબુ નાયડુ મોકો જોઈને નાક દબાવી રહ્યા છે. હજી સુધી TDPએ NDA સાથે છેડો ફાડ્યો નથી એનું કારણ BJPના આક્રમણથી બચવાનું છે. જ્યાં સુધી સત્તાવાર રીતે ભાગીદાર છીએ ત્યાં સુધી અમિત શાહ ખુલ્લેઆમ તેમની કૂટનીતિ લઈને આંધ્ર પ્રદેશમાં નહીં આવી શકે. જ્યારે ચૂંટણી નજીક આવશે ત્યારે BJPની હાલત કેવી છે એ જોઈને તેઓ ભાગીદારી અને ભાગીદારીના પ્રમાણ વિશે નિર્ણય લેશે.

BJPનો ત્રિપુરામાં ભવ્ય વિજય થયો છે તો મધ્ય પ્રદેશમાંની પેટાચૂંટણીમાં પરાજય થયો છે અને રાજસ્થાનમાં તો ભૂંડો પરાજય થયો છે. હવે રાજસ્થાનમાં યોજાયેલી પંચાયતોની પેટાચૂંટણીનાં પરિણામો આવ્યાં છે જેમાં BJPનો સાર્વત્રિક પરાજય થયો છે. રાજસ્થાનના કુલ ૨૧ જિલ્લાઓમાં જિલ્લાપરિષદોની, પંચાયત સમિતિઓની અને નગરપાલિકાઓ તથા નગરપરિષદોની પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં કૉન્ગ્રેસે વિજય મેળવ્યો છે. નગરપરિષદોની ચાર બેઠકો કૉન્ગ્રેસને મળી છે અને બે BJPને. જિલ્લાપરિષદોની ચાર બેઠકો કૉન્ગ્રેસને મળી છે તો એક BJPને, પંચાયત સમિતિમાં ૨૧ બેઠકો કૉન્ગ્રેસને મળી છે તો BJPને આઠ. આ સિવાય ગુજરાતમાંનો હાંફી જનારો વિજય નજીકનો ભૂતકાળ છે. હવે પછી ઉત્તર પ્રદેશમાં બે બેઠક માટે લોકસભાની પેટાચૂંટણી અને કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આ સ્થિતિમાં ચન્દ્રબાબુ નાયડુ વેઇટ ઍન્ડ વૉચની નીતિ અપનાવી રહ્યા છે.

chandrababu

ચન્દ્રબાબુ નાયડુ મોઢું ફેરવી રહ્યા છે એનું બીજું કારણ BJPની સાથી પક્ષો સાથેની નીતિ છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સાડાત્રણ દાયકા જૂની યુતિ તોડી નાખી હતી અને પછી સરકાર રચવા માટે યુતિ કરી હતી. નાગાલૅન્ડમાં નાગા પીપલ્સ ફ્રન્ટ સાથેની ૧૫ વરસ જૂની યુતિ છેક છેલ્લી ઘડીએ તોડી નાખી હતી. તામિલનાડુમાં અન્નાDMKની જગ્યા હડપી જવા ફિલ્મ-અભિનેતા રજનીકાંતને ઊભા કર્યા છે. ઉત્તર કર્ણાટકમાં કોમી દાવાનળ પેદા કર્યો છે જેના વિશે બિકાઉ મીડિયા આંખ આડા કાન કરી રહ્યાં છે. કેરળમાં સામાજિક વિભાજનો પેદા કરવામાં આવ્યાં છે. ત્રિપુરા અને તામિલનાડુમાં અનુક્રમે લેનિન અને પેરિયારની મૂર્તિઓ તોડવામાં આવી રહી છે. આમ વિશ્વાસઘાત અને સામાજિક વિભાજન એ BJPની નીતિ છે જેમાં ભાગીદાર રહેવામાં ચન્દ્રબાબુ નાયડુને ભય નજરે પડી રહ્યો છે.

એક કારણ થર્ડ ફ્રન્ટ કે રીજનલ ફ્રન્ટ પણ હોઈ શકે છે. શિવસેનાએ જ્યારે જાહેરાત કરી કે એ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી BJP સાથે મળીને નહીં લડે ત્યારે ચન્દ્રબાબુ નાયડુએ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હતી. તામિલનાડુમાં કમલ હાસને પક્ષની રચના કરી ત્યારે ચન્દ્રબાબુ નાયડુએ તેમને ફોન કરીને અભિનંદન આપ્યાં હતાં. આ ઉપરાંત તેઓ કેજરીવાલ, નવીન પટનાઈક, મમતા બૅનરજી સાથે સતત સંપર્કમાં રહે છે. અહીં વળી એક યાદ અપાવવી જરૂરી છે કે ૧૯૯૬માં નૅશનલ ફ્રન્ટની રચના થઈ હતી અને દેવ ગૌડા તેમ જ ઇન્દર ગુજરાલની સરકારો રચાઈ હતી એ ફ્રન્ટના આર્કિટેક્ટ ચન્દ્રબાબુ નાયડુ હતા.

જુઓ આગળ-આગળ શું થાય છે. એટલું નક્કી કે નરેન્દ્ર મોદીનું ભવિષ્ય આ વરસમાં નક્કી થઈ જશે અને આવતું વરસ તો એનું માત્ર રી-રન હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK