શિવાજી પાર્કની પસંદગી સ્મિતા પાટીલના અંતિમ સંસ્કાર માટે કેમ કરવામાં આવેલી?

સ્મિતા પાટીલ માટે પણ ૧૩નો આંકડો કમનસીબી લઈને જ આવ્યો.

smita

કિનારે-કિનારે - સલિલ દલાલ

૧૩ ડિસેમ્બરની રાત્રે ઇંગ્લિશ ડૉક્ટર બેટ્સનું ઍર ઇન્ડિયાનું પ્લેન દિલ્હીથી ધાર્યા કરતાં મોડું ઊપડ્યું અને જેમના પર ડૉક્ટરો સહિતના સૌ આશા રાખીને બેઠા હતા તે જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે સ્મિતા પાટીલે દેહ છોડી દીધો હતો! રાતના બાર અને ચાલીસ મિનિટે જ્યારે સિમ્પલ કાપડિયા જસલોક હૉસ્પિટલના ૧૯મા મજલે આવેલા ઇન્ટેન્સિવ કૅર યુનિટમાંથી નીચે ઊતર્યાં ત્યારે તેમની રડતી આંખોથી એ વખતે હાજર શબાના આઝમી, જાવેદ અખ્તર, પ્રાણ, નસીરુદ્દીન શાહ, દીપ્તિ નવલ, એ. કે. હંગલ, રામેશ્વરી, રોહિણી હટંગડી જેવા સૌને એ મનહૂસ સમાચારની પુષ્ટિ મળી ગઈ કે તેમની જોડીદાર એવી અભિનેત્રી સ્મિતાનું દેહાવસાન થયું હતું! આખી ઇન્ડસ્ટ્રી માટે એ ધરતીકંપ સરખો હચમચાવી દેનારો આઘાત હતો. બીજો દિવસ એટલે કે ૧૪ ડિસેમ્બર ફિલ્મઉદ્યોગ જેમને પાપાજીના લાડકા નામથી ઓળખતો હતો એવા રાજ કપૂરનો જન્મદિન હતો અને આર. કે. સ્ટુડિયોમાં મોટો જલસો થવાનો હતો. સ્વાભાવિક રીતે જ એ રદ કરી દેવાયો. એને બદલે સૌ કાર્ટર રોડ પર આવેલા વસંત ફ્લૅટ પર પહોંચી રહ્યા હતા.

વસંત આમ તો સ્મિતાજીના પિતાનો ફ્લૅટ હતો, પરંતુ સ્મિતા અને રાજ બબ્બર છેલ્લે ત્યાં રહેતાં હતાં. વસંતમાં રહેવા જવા વિશે રાજ બબ્બરે સ્મિતા પાટીલના અવસાન પછીના કોઈ સમયમાં ‘સ્ટારડસ્ટ’નાં પ્રોચી બાદશાહને આપેલી એક મુલાકાતમાં જે કહ્યું હતું એ સાંભળવા જેવું છે (આ એ સમય હતો જ્યારે ‘સ્ટારડસ્ટ’ની ગુજરાતી નકલ પણ આવતી હતી અને આ લિમિટેડ ક્વોટ્સ એમાંથી છે). રાજે ત્યારે કહ્યું હતું કે ‘૧૯૮૫ના માર્ચમાં મેં મારો જુહુનો ફ્લૅટ છોડીને સ્મિતા સાથે રહેવાનું શરૂ કર્યું. એ વખતે મારી પાસે જે કંઈ હતું એ મેં નાદિરા અને બાળકોના નામે કરી દીધું હતું અને સ્મિતા સાથે નવેસરથી જિંદગી શરૂ કરી હતી. અમે બન્નેએ બાંદરાના રૉકક્લિફમાં ફ્લૅટ બુક કરાવ્યો હતો અને જ્યાં સુધી એ તૈયાર ન થાય ત્યાં સુધી વસંતમાં રહેવાનાં હતાં.’

એ જ મુલાકાતમાં એક તબક્કે રાજ એવી વાત કરે છે, જેનાથી બન્ને પરિવારો વચ્ચેના સંબંધોની કડવાશ સ્પષ્ટ સંભળાય છે.

રાજે કહ્યું હતું કે ‘હવે લોકો એમ બોલશે કે આ ફ્લૅટ તો સ્મિતાના પૈસે ખરીદાયો હતો અને સજાવાયો હતો, રાજે તો જે કંઈ હતું એ નાદિરાને આપી દીધું હતું. અને મને એમ લાગે છે કે કોણ જાણે સ્મિતાના પેરન્ટ્સ પણ એમ માને છે. મારી પાસે કામ હતું. મેં સાઇન કરેલી ફિલ્મો હતી જેને માટે મને પૈસા મળ્યા હતા. મારા તરફ ચિંધાતી આંગળીઓ સહન કરી શકીશ નહીં. તેથી જ મેં એ ફ્લૅટ પ્રતીકના નામે કરી દીધો છે અને એને બંધ રાખ્યો છે.’

રાજે વસંત છોડીને પોતાની ઑફિસમાં રહેવાનું શરૂ કર્યું હતું એ કહ્યા પછી રાજ એનાં કારણો કહે છે એ પણ બે પરિવારો વચ્ચેની એ સમયની તિરાડ બતાવે છે : ‘હું હવે વસંતમાં રહેતો નથી, કારણ કે મારાથી ટેન્શન સહન થતું નથી. મને લાગતું નથી કે સ્મિતાનાં પેરન્ટ્સે મને ક્યારેય જમાઈ તરીકે સ્વીકાર્યો હોય!’

પ્રોચીએ પૂછ્યું કે તેમણે તમારાં મૅરેજ અટેન્ડ કર્યાં હતાં?

જવાબમાં રાજે કહ્યું, ‘નો. અમે તેમને બોલાવ્યાં હતાં. સ્મિતા રિયલી ઇચ્છતી હતી કે તેઓ હાજરી આપે, પણ તેઓ આવ્યાં નહોતાં. અમારા બે વર્ષના સહવસવાટ દરમ્યાન એક પણ ખુશીના મોકા પર કે પ્રસંગે સ્મિતાનાં માબાપે હાજરી નહોતી આપી.’

એ ઇન્ટરવ્યુમાં આવી ઘણી અંતરંગ વાતો કહેવાઈ છે, પરંતુ આજના સંદર્ભે એ વાતચીતનો છેલ્લો ભાગ ઉલ્લેખવો યોગ્ય લાગે છે.      

છેલ્લે પ્રોચી લખે છે, ‘મેં અત્યંત સાવધ રહીને પૂછ્યું કે તારી પ્રથમ પત્ની સાથે ફરી એકત્ર થવાના કોઈ ચાન્સ છે કે કેમ?’

સંતાપથી અકળાયેલા રાજે પૂછ્યું, ‘તું મને કેવા પ્રકારનો પુરુષ માને છે? સ્મિતા મૃત્યુ પામી એનો અર્થ એ નથી થતો કે હું નાદિરા પાસે દોડી જાઉં અને તેના ખોળામાં માથું મૂકીને મોટેથી રડું. ઓહ ભગવાન, હું આમ ન જ કરી શકું.’

એ ઇન્ટરવ્યુ પછી સમયનાં વહેણ કેટલાં અને કેવાં વહી ચૂક્યાં છે એ આપણે જાણીએ જ છીએ. આજે રાજ પોતાની મૂળ પત્ની નાદિરા સાથે છે. નાદિરાજી વિશે સ્મિતા પાટીલના દેહાંત પછીના ૧૫ જાન્યુઆરી, ૧૯૮૭ના ‘માધુરી’ના પેલા અહેવાલમાં આમ લખાયું છે, ‘નાદિરા બબ્બર કા રોતે રોતે બુરા હાલ થા. ઉનકો સાંત્વના દે રહે થે રાજ કે પિતા કુશલ બબ્બર, જો સ્મિતા કે નવજાત પુત્ર કો દેખને હાલ હી મેં આગરા સે બમ્બઈ આએ થે...’

સ્મિતાના મૃતદેહને નાયર હૉસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો, કેમ કે તેમની બન્ને બહેનો ગીતા અને અનીતા અમેરિકાથી આવવાની હતી.  સ્મિતાજીની બહેન ગીતાનાં લગ્ન રામ જેઠમલાણીના દીકરા જનક સાથે થયાં હતાં અને પ્રતીકના નામે સ્થપાયેલા ટ્રસ્ટના એ સમયે જે ત્રણ ટ્રસ્ટી નક્કી થયા હતા એમાં રામ જેઠમલાણી પણ હતા (ગીતા અને જનક પછીનાં વર્ષોમાં અલગ થઈ ગયાં હતાં એટલું રેકૉર્ડ પૂરતું).

સ્મિતા પાટીલની સ્મશાનયાત્રા ૧૫ ડિસેમ્બરે નીકળે એ અગાઉ તેમના કાયમના મેકઅપ આર્ટિસ્ટ દીપક સાવંત દ્વારા તેમને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યાં. સ્મિતાજીએ પોતાની પૂર્વાશંકા દીપક સાથે પણ શૅર કરી હતી અને વારંવાર એ સૂચના આપી હતી કે જો તેમને કશું અમંગળ થઈ જાય તો તેમને સેંથીમાં સિંદૂર સહિત એક નવોઢાની માફક સજાવવાં. દીપક ઠેઠ ‘ભીગી પલકેં’ના સમયથી સ્મિતા સાથે જોડાયેલા કલાકાર હતા (એ વખતે તેમને અમિતાભ બચ્ચન સાથે થયેલી ગેરસમજને કારણે બિગ બીથી છૂટા થવું પડ્યું હતું. પછી તો સાવંત પાછા બચ્ચનસાહેબ સાથે આવી ગયા હતા અને તેમની બનાવેલી ભોજપુરી ફિલ્મોમાં અમિતાભ અને જયા બચ્ચને ફ્રીમાં કામ કર્યું છે). દીપકને જ નહીં, સ્મિતાજીએ દુલ્હનના શણગારની સૂચના દીપકનાં મમ્મીને પણ એક કરતાં વધુ વખત આપી હતી. ૧૫મીની સવારે નાયર હોસ્પિટલના કોલ્ડરૂમમાંથી ઘેર લવાયા પછી નિષ્પ્રાણ સ્મિતાજીને સેંથીમાં સિંદૂર અને સોનાનો ટીકો, કપાળે સુહાગનનો ચાંદલો અને લાલ રંગના પાનેતર સાથે સજાવાયાં. ફૂલોથી સજાવેલા વાહન પર તેમના પાર્થિવ દેહને લઈને સેંકડો ગાડીઓનો કાફલો શિવાજી પાર્ક તરફ રવાના થયો અને સ્મિતા પાટીલ અમર રહોના નારા ગૂંજી ઊઠ્યા.

શિવાજી પાર્ક ખાતે અગ્નિસંસ્કાર કરવાનો નિર્ણય મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવાર અને મુંબઈના એ સમયના મેયર દત્તા નલાવડેના સૂચન પછી લેવાયો હતો. અગાઉ પરિવારે સાંતાક્રુઝ સ્મશાન લઈ જવાનું વિચાર્યું હતું. પરંતુ મહારાષ્ટ્રની આટલી ખમતીધર પ્રતિભા અને પદ્મશ્રીથી વિભૂષિત અભિનેત્રીને સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપવા શિવાજી પાર્કની પસંદગી કરવામાં આવી હતી. ત્યાં તેમના પ્રશંસકો યોગ્ય રીતે અંતિમ દર્શન કરી શકે એ માટે તેમના પાર્થિવ દેહને શિવાજી મહારાજના પૂતળા નીચે મૂકવામાં આવ્યો હતો. આ એ જ સ્થળ હતું જ્યાંથી હજી બે મહિના પહેલાં ૨૧ ઑક્ટોબરે આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ સરકાર સામે મોરચો કાઢ્યો હતો. એમાં સગર્ભાવસ્થામાં પણ સ્મિતાજીએ ભાગ લીધો હતો અને હેમા માલિનીએ ટકોર્યાં પણ હતાં કે પ્રેગ્નન્સીના આ સ્ટેજ પર સાચવવાની જરૂર હોય છે. એ જ સ્થળે આખો ફિલ્મઉદ્યોગ તેમની એ બહાદુર સાથીને કાયમી વિદાય આપવા એકત્ર થયો હતો.

સ્મિતા પાટીલના પાર્થિવ દેહને જ્યારે અગનજ્વાળાઓએ લપેટમાં લીધો ત્યારે એક એવી પ્રતિભા પંચમહાભૂતમાં ભળી ગઈ જેણે એકત્રીસ વર્ષની નાની જિંદગીમાં એ હાંસલ કરી બતાવ્યું હતું જે કેટલાય સિત્તેર-એંસી વર્ષની ઉંમરમાં પણ પ્રાપ્ત કરી શકતા નથી. સ્મિતાજી જાણે કે ‘આનંદ’ના રાજેશ ખન્નાના સંવાદનું મૂર્તિમંત સ્વરૂપ થયાં હતાં... ઝિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં... બાબુ મોશાય! સ્મિતાજી માટે અથવા તો સિનેમામાં અભિનય કરી ગયેલા કોઈને પણ માટે અમે વર્ષોથી કહીએ છીએ કે સ્વર્ગસ્થ લખવાનું ન હોય. જ્યારથી ફિલ્મની પટ્ટી શોધાઈ અને હાલતીચાલતી તસ્વીરો ઉપલબ્ધ થઈ ત્યારથી મનુષ્યે જાણે કે મૃત્યુ પર વિજય મેળવી લીધો છે. સિનેમાના કલાકારો પડદા પર કાયમ માટે અમર થઈ જાય છે. હવે વિડિયોની શોધ અને સવલત ઉપલબ્ધ થયા પછી તો દરેક સામાન્ય વ્યક્તિને પણ એનો લાભ મળી શકે છે. એટલે અમે તો કદી સ્મિતા પાટીલ કે ફૉર ધૅટ મૅટર, કોઈ પણ અદાકારને મૃત્યુ પામેલા ગણતા જ નથી.

સ્મિતા પાટીલ આજે પણ પડદા પર હમને સનમ કો ખત લિખા... (‘શક્તિ’) કે જનમ જનમ કા સાથ હૈ હમારા તુમ્હારા... (‘ભીગી પલકેં’) કે પછી આજ રપટ જાએં... (‘નમક હલાલ’) આનંદથી ગાતાં રહેવાનાં જ છે. તે પ્રૌઢાવસ્થામાં કેવાં લાગત એ કલ્પના કરવાની જરૂર નથી. તેમને ‘અમ્રિત’માં જોઈ જ શકાય છેને? તેમનો પ્રેમ, તેમનાં નૃત્યો, તેમનો ગુસ્સો, તેમનાં આંસુ, તેમનો એકાધિકાર, તેમની કરુણા, તેમનું માતૃત્વ બધું જ તો સિનેમાના પડદે આપણી પાસે અકબંધ છે. હવે તો એ સઘળું જ્યારે ઇચ્છા થાય ત્યારે જોવાની-માણવાની સગવડ પણ છે જ. તેમ છતાંય દિલમાં એક ટીસ જરૂર રહી જાય છે.  તેમની માફક સમાજના દબાયેલા, કચડાયેલા, ગ્રામીણ અને મધ્યમ વર્ગની મહિલાઓને પ્રસ્તુત કરવાની કટિબદ્ધતા સાથે કામ કરતા કલાકારોનો આજકાલ લગભગ લોપ થયેલો અનુભવાય ત્યારે કોઈ મોડી રાત્રે સજળ નયને તેમની ‘ગમન’ ફિલ્મની પંક્તિઓ ગણગણવાનું મન જરૂર થાય છે : આપકી યાદ આતી રહી, રાતભર... આપકી યાદ આતી રહી!  

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK