લોકોને સગવડો આપવામાં તો જપાનીઓને કોઈ ન પહોંચે

ગયા વખતના લેખમાં આપણે ટોક્યો સ્ટેશનની મુલાકાત લીધી.

japan


ઑફબીટ ટ્રાવેલર - કવિતા વખારિયા-થાવાણી

પ્રવાસના પ્રારંભિક દિવસોમાં ટોક્યોમાં ફરનારો માણસ કેવો અભિભૂત થઈ જાય છે એનો અંદાજ એ વર્ણન પરથી આવી જ ગયો હશે. જોકે આ શહેરમાં કહો કે જપાનમાં કહો, અમુક ટિપ્સની મદદથી આપણો પ્રવાસ આસાન બની શકે છે. સુઇકા અને પૅઝ્મો કાડ્ર્સ વિશે તમે વાંચી ગયા છો, આ રહી બીજી ટિપ્સ...

લગેજ-ફૉર્વર્ડિંગ અને કૉઇન-લૉકર

જપાનમાં પર્યટકોની સુવિધા માટે સૂઝબૂઝથી અનેક સગવડ કરવામાં આવી છે. તમે એકલા હો કે પરિવારજનો સાથે, તમારી પાસે એક ખભાથેલો હોય કે પછી ત્રણ સૂટકેસ ભરેલો સામાન હોય; તમે બે શહેર ફરવાના હો કે ચાર, તમને જપાનમાં ઠેર-ઠેર પર્યટકો માટેની આ બન્ને સગવડ મળી રહેશે.

લગેજ-ફૉર્વર્ડિંગને તમે તમારા સામાન માટેની કુરિયર-સર્વિસ પણ કહી શકો. જો તમે બજેટ બરાબર તૈયાર કર્યું હોય તો લગેજ-ફૉર્વર્ડિંગ મોંઘું નથી પડતું. આ એક એવી સુવિધા છે જેની મદદથી તમે આખું જપાન મોજથી હરી-ફરી શકો. તમે નક્કી કર્યું હોય એ લગેજ ઍરપોર્ટ, હોટેલ, ફરવાનાં સ્થળો વગેરે જગ્યાએ તમારા માટે પહોંચાડવામાં આવે છે. તમે હાથ હલાવતા-હલાવતા જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમારો સામાન નજીવા ખર્ચે તમારા ઇચ્છિત સ્થળે પહોંચાડી દેવામાં આવે છે.

અમે આખો દિવસ ભટકવાનું થાય એવા ઍલ્પેન રૂટ પર બે દિવસ માટે ફરવા ગયા હતા. ત્યાં અમારે ભારેખમ ઊનનાં વસ્ત્રો તથા બીજી અનેક ચીજો લઈ જવી પડે એમ હતું. આવા સમયે અમે લગેજ-ફૉર્વર્ડિંગની સર્વિસનો ઉપયોગ કર્યો. આટલીબધી રઝળપાટ કરવાની હોય ત્યારે સામાન ખરેખર બોજ લાગે, પરંતુ આ સગવડ અમારા માટે આર્શીવાદરૂપ બની ગઈ હતી.

કૉઇન-લૉકરનું પણ આવું જ છે. તમે કોઈ મોટા શહેર કે ઍરપોર્ટ અથવા રેલવે-સ્ટેશન પર જાઓ ત્યાં જ નહીં; સ્થાનિક નાનાં સ્ટેશનો, બસ-સ્ટેશનો, ફરવાની જગ્યા વગેરે અનેક સ્થળે પૂરતા પ્રમાણમાં કૉઇન-લૉકર ઉપલબ્ધ હોય છે. એનો ભાવ પણ વાજબી રાખવામાં આવ્યો છે.

લૉકર નાનાં, મધ્યમ અને મોટાં એમ ત્રણ જાતનાં હોય છે. એમાં શૉપિંગ-બૅગથી લઈને ટ્રાવેલિંગ-સૂટકેસ સુધીની બધી વસ્તુઓ સમાઈ જાય. અમે ક્યોટો, તાકાયામા, તોયામા, કાનાઝાવા વગેરે સ્થળોએ ફરવા ગયા ત્યારે દરેક જગ્યાએ કૉઇન-લૉકરનો છૂટથી ઉપયોગ કર્યો હતો.

japan1

વેન્ડિંગ મશીન

વેન્ડિંગ મશીન પણ જપાનમાં તમે જ્યાં જાઓ ત્યાં મળી રહે છે. વિશ્વમાં બીજે ક્યાંય મેં આટલાંબધાં વેન્ડિંગ મશીન જોયાં નથી. ત્યાં દરેક વિસ્તારમાં નહીં, દરેક નાકા પર અને દરેક ફુટપાથ પર વેન્ડિંગ મશીન રખાયેલાં હોય છે અને એ પણ એક નહીં, બે નહીં, ક્યાંક તો ડઝનથી વધારે મશીન કતારબંધ ગોઠવાયેલાં જોઈ શકાય.

મજાકમાં એમ પણ કહી શકાય કે આ જ ગતિએ જો વેન્ડિંગ મશીનની સંખ્યા વધતી જશે તો જપાનની મનુષ્યોની વસ્તી કરતાં મશીનની વધી જશે. મેં ક્યાંક વાંચ્યું હતું કે જપાનના ટૂરિસ્ટ-બોર્ડે જાહેર કરેલા આંકડા મુજબ એ દેશમાં ૫૫.૨ લાખ વેન્ડિંગ મશીન છે.

આ મશીનોમાંથી શું-શું મળી શકે? ચા-કૉફી, કેક, ચૉકલેટ, બિઅર...બસ? ના, એમાંથી તમને ફ્રૂટ્સ, ઈંડાં, છત્રી, ઍર-માસ્ક, ફ્રોઝન કોકા કોલા, સેલ્ફી ફોટોની નકલ, હૅમ્બર્ગર પણ મળે એટલું જ નહીં, પાળવા માટેનાં નાનાં પ્રાણીઓ પણ એમાંથી મળી શકે! ખુરસી પરથી ડગી તો નથી ગયાને!

સિક્કા નાખીને જાતજાતની વસ્તુઓ આપતાં વેન્ડિંગ મશીનોનું મારી ડૉટર જિયાને તો એટલું ઘેલું લાગ્યું હતું કે તેનાથી અવારનવાર મશીનમાં સિક્કો નાખીને કંઈક લીધા વગર રહેવાતું જ નહોતું. એ અલગ વાત છે કે અમારા માટે આ વેન્ડિંગ મશીન ખર્ચાળ સાબિત થયાં. જોકે અહીં મુખ્ય મુદ્દો એ છે કે લોકો માટે આ ખરેખર સારી સુવિધા છે. જો તમે નાસ્તો કર્યા વગર જ હોટેલમાંથી નીકળી ગયા હો તો રસ્તામાં ક્યાંક થોભીને વેન્ડિંગ મશીનમાંથી પૅનકેક ખરીદી શકો છો!

કન્વીનિયન્સ સ્ટોર્સ


જપાનમાં કન્વીનિયન્સ સ્ટોર્સ એટલા સારા છે કે બહારનો માણસ થોડી વારમાં જ જપાનનો અંદરનો માણસ બની જાય છે.

સેવન-ઇલેવન, ફૅમિલીમાર્ટ અને લૉસન એ ત્રણ મુખ્ય સ્ટોર્સ ૨૪X૭ ખુલ્લા રહે છે અને મોટા ભાગનાં શહેરોમાં દરેક નાકા પર એ મળી રહે છે. એમાં રોજિંદી જરૂરિયાતની વસ્તુઓથી માંડીને ગરમ ખાવાનું, કૉફી, વાઇન, ચૉકલેટ્સ, વગેરે બધું જ મળે. કન્વીનિયન્સ સ્ટોર્સ ખરેખર નામને સાર્થક કરે છે.

japan2

પ્લાસ્ટિક ફૂડ

જપાનના ફૂડ-આઇટમ વેચતા સ્ટોર્સમાં ઉપલબ્ધ દરેક વાનગીની સિલિકૉનની બનેલી પ્રતિકૃતિઓ મૂકવામાં આવે છે. એ જાણે સાચી હોય એવું જ લાગે અને અનાયાસ જ આપણો હાથ એ લેવા લંબાઈ જાય એવું પણ બને.

જપાનીઓએ પોતાનું પર્ફેક્શન આમાં ખરેખર બતાવી આપ્યું છે. જોકે તમને કદાચ સવાલ થશે કે આવી પ્રતિકૃતિઓ બનાવીને રાખવાનો મતલબ શું? જપાનમાં ભાષાનો પ્રૉબ્લેમ મોટો છે. તેમની ભાષા આપણને અને આપણી ભાષા તેમને સમજાય નહીં. હવે જો તમે મેનુમાં શું આઇટમ છે એ જાણવા માગતા હો તો શું પૂછો? આ સવાલ પૂછવાનો વારો જ ન આવે એ માટે તમારે સામે જે દેખાતી હોય એ જ વસ્તુ જોઈને નક્કી કરવાનું અને ઑર્ડર આપવાનો.

લોકોને સુવિધા આપવામાં જપાનીઓને કોઈ ન પહોંચે. તેમણે મેનુની દરેક વાનગીની સાથે સાથે એમાં વપરાયેલી વસ્તુઓની યાદી પણ લખેલી હોય છે. શાકાહારીઓને એનો ઘણો ફાયદો થાય છે. રાંધવામાં ફિશ-ઑઇલ વપરાયું છે કે પીત્ઝાનો લોટ બાંધતી વખતે ઈંડાં વપરાયાં છે એ બધું તો મેનુ જોઈને જ ખબર પડી જાય.

આપણે બેઝિક વાતો તો કરી લીધી, આવતી વખતે ખરી મજાની વાતો કરીશું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK