એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિfવાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૨૧

‘વિલ યુ મૅરી મી જાહ્નવી?’

નવલકથા - કાજલ ઓઝા વૈદ્ય   

તાજ માનસિંઘના એક ટેબલ પર બેઠેલાં પ્રણવ અને જાહ્નવી એકબીજા સામે જોઈ રહ્યાં હતાં. જાહ્નવીએ કોઈ દિવસ ધાર્યું નહોતું કે પ્રણવ આટલી ઝડપથી આ સવાલ પૂછી નાખશે. હજી તો એ લોકો ચોથી વાર મળ્યાં હતાં. પહેલી વાર એક લગ્નમાં, બીજી વાર અકસ્માતે, ત્રીજી વાર પ્રણવે ફોન કરીને પોતે દિલ્હીમાં હોવાનું કહ્યું હતું અને જાહ્નવીને લંચ પર ઇન્વાઇટ કરી હતી... આજે ચોથી વાર!

‘આ બધું થોડું જલદી નથી થઈ રહ્યું?’ જાહ્નવીએ અચકાઈને પ્રણવને પૂછેલું. બે વાર વિવાહ તૂટી ચૂક્યા હતા એટલે જાહ્નવી સહેજ ફૂંકી-ફૂંકીને પગ મૂકતી હતી. તે ગયા વખતે પ્રણવને લંચ પર મળી ત્યારે પણ તેના મનમાં ક્યાંય પ્રણવને પોટેન્શ્યલ બૉયફ્રેન્ડ તરીકે કે એલિજિબલ બૅચલર તરીકે માપી જોવાનો વિચાર પણ નહોતો આવ્યો. જાહ્નવીએ પોતાની જિંદગી લગભગ ગોઠવી લીધી હતી. હવે કોઈ પુરુષ આવશે, પોતાનાં લગ્ન થશે એવા બધા વિચારોને તે સમય સમયાંતરે ખંખેરી કાઢતી.

‘જલદી?’ શ્યામવર્ણના દેખાવડા પ્રણવના ચહેરા પરથી નજર હટાવવી સહેલી નહોતી. એની લાંબી પાંપણો, ભાવવાહી આંખો અને ગાલમાં પડતાં ખંજન પ્રણવને મોહક બનાવતાં, ‘મને તો રહી-રહીને એક જ વિચાર આવે છે કે તું મને આટલી મોડી કેમ મળી?’ પ્રણવે પૂછ્યું હતું.

‘ડૉ. પ્રણવ...’ જાહ્નવી ગૂંચવાઈ, શું કહેવું તેને સમજાયું નહીં. તેને પ્રણવ નહોતો ગમતો એવું નહોતું. દેખાવડો તો હતો જ, ભણેલો-ડૉક્ટર હતો. સારા ઘરમાં ઊછર્યો હતો, એકનો એક દીકરો હતો. તેની શાલીનતા, સેન્સ ઑફ હ્યુમર અને નાની-નાની વાતોમાં કાળજી લેવાની તેની સહજ આદતથી જાહ્નવી ખાસ્સી પ્રભાવિત થઈ હતી, ‘પ્રણવ...’ તે બોલી ન શકી.

‘તું મારું નામ બોલે છે ત્યારે એનો અર્થ સમજાય છે મને’ કહીને પ્રણવ હસ્યો હતો, ‘હા પાડી દે.’ તેણે કહ્યું હતું, ‘ના પાડવા માટે એકેય કારણ જ નથી તારી પાસે.’

‘તમે જાણતા નથી...’ જાહ્નવી સહેજ ગંભીર થઈ ગઈ હતી. તેણે એ દિવસે પ્રણવને કેટલીક હકીકતો જણાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ જાહ્નવીના પ્રેમમાં ઊંધેકાંધ પડેલો પ્રણવ કશું સાંભળવા તૈયાર નહોતો, ‘મારી જિંદગી...’

‘મને મળતાં પહેલાંની જિંદગી વિશે મારે કંઈ નથી જાણવું.’ એ દિવસે પ્રણવે કહેલું, ‘આજથી તારી એક નવી જિંદગી અથવા જિંદગીનો એક નવો અધ્યાય શરૂ થાય છે. જસ્ટ ફર્ગેટ ધ પાસ્ટ. હવે આવી રહેલા દિવસો તારે માટે ખૂબ પ્રેમ, ખૂબ સુખ અને ખૂબ બધી સરપ્રાઇઝિસ લઈને આવવાના છે.’ જાહ્નવીને વચન આપેલું પ્રણવે. કોઈને કંઈ સમજાય એ પહેલાં પ્રણવે એ દિવસે જાહ્નવી પાસે હા પડાવી દીધી હતી. એ લોકો જમીને ઊભાં થયાં ત્યારે પ્રણવે કહેલું, ‘હું અત્યારે જ તારા ઘરે આવું છું.’

‘અત્યારે?’ જાહ્નવીએ ઘડિયાળ જોયેલી. રાતે પોણાબાર થયા હતા.

‘સવારે તારું મન ફરી જાય એ પહેલાં મારે તારાં મમ્મી-પપ્પા સાથે વાત કરી લેવી છે.’ જાહ્નવીનો હાથ પોતાના હાથમાં લઈને પ્રણવે તેને પાંચ કૅરેટ પ્રિન્સેસ કટની વીંટી પહેરાવી દીધેલી.

‘વીંટી તમારી પાસે જ હતી?’ જાહ્નવીની આંખો પહોળી થઈ ગઈ હતી.

‘છેલ્લા પંદર દિવસથી આ વીંટી ખિસ્સામાં જ રાખી છે. કોણ જાણે ક્યારે એ ક્ષણ આવી જાય એમ વિચારીને...’ પ્રણવના શ્યામ ચહેરા પર શરમાળ સ્મિત જોઈને જાહ્નવીને તેના પર વહાલ આવી ગયેલું.

€ € €

કોર્ટરૂમના બિલ્ડિંગમાં ઊભા રહીને જાહ્નવીની રાહ જોઈ રહેલા પ્રણવ અને સોહમ પોતપોતાના વિચારોમાં ગૂંથાયેલા હતા. પ્રણવની નજર સામે જાણે જાહ્નવી સાથે જીવાયેલાં ત્રણ વર્ષ ફિલ્મની પટ્ટીની જેમ પસાર થઈ રહ્યાં હતાં, તો સોહમનું મગજ કાનૂની દાવપેચને ગોઠવવામાં અટવાયેલું હતું.

‘હજી કેમ નહીં પહોંચ્યા હોય?’ પ્રણવે ઘડિયાળમાં જોયું, અગિયાર વાગવા આવ્યા હતા.

‘આવશે.’ સોહમે કહ્યું.

બરાબર એ જ સમયે અભિષેક ઝવેરી પોતાની ગાડીમાંથી ઊતર્યો. તેની પાછળ તેના બે જુનિયર્સ દોડી તેની નજીક આવી ગયા. એ લોકો અભિષેકની આવવાની રાહ જોઈને બિલ્ડિંગ પાસે જ ઊભા હતા. તેમના હાથમાં જાહ્નવી મજીઠિયા અને શરણ શ્રીવાસ્તવ વિરુદ્ધ ગુજરાત પોલીસની બ્રીફ હતી. બીજા જુનિયરના હાથમાં કેટલાંક પુસ્તકો હતાં. અભિષેક

કોર્ટ-બિલ્ડિંગની બહાર ગાડીમાંથી નીચે ઊતર્યો ત્યારે તેના ફોન પર રિંગ વાગી. કાળા

રંગના કોટના ખિસ્સામાં હાથ નાખીને તેણે iphone -૧૦ બહાર કાઢ્યો.

‘યસ!’ અજાણ્યો નંબર જોઈને અભિષેકે પૂછ્યું. તેની રાહ જોઈને ઊભેલા તેના જુનિયર્સને તેણે ડોકું ધુણાવીને અંદર જવાની સૂચના આપી. તે પણ બિલ્ડિંગનાં પગથિયાં ચડવા જતો હતો ત્યાં જ અટકી ગયો.

‘ઓ વકીલ!’ સામેથી એક અવાજ સંભળાયો, ‘તારે કોઈ પણ સંજોગોમાં જાહ્નવીની રિમાન્ડ નથી લેવાની.’

‘સૉરી?’ અભિષેકને સમજાયું નહીં.

‘જો જાહ્નવીની રિમાન્ડ મંજૂર થઈ જશે તો સાચે જ તારે સૉરી થવું પડશે.’ પુરુષના અંગ્રેજી ઉચ્ચાર એકદમ સૉફિસ્ટિકેટેડ અને ચોખ્ખા હતા. તેની ભાષા સાફ હતી. શબ્દો પર વજન આપવાની તેની શૈલી પણ તેના આત્મવિશ્વાસ અને ચાલાકીને પ્રગટ કરતી હતી, ‘તેની કસ્ટડી પોલીસને નહીં, તેના વરને સોંપાવી જોઈએ. જાહ્નવી બહાર રહેવી જોઈએ.’

‘કોણ છો તમે? અને આ શું નૉનસેન્સ બકવાસ છે?’ અભિષેકે પૂછ્યું. તે હજી મકાનની બહાર જ ઊભો હતો. આટલે દૂરથી તેના બદલાઈ રહેલા હાવભાવ સોહમને દેખાતા હતા. તેણે કોણી મારીને વિચારોમાં ગૂંથાયેલા પ્રણવને દૂર ઊભેલા અભિષેક તરફ જોવાનું કહ્યું. પ્રણવે એ તરફ જોયું. અભિષેકનો ચહેરો તંગ થઈ ગયો હતો. ભવાં સંકોચાઈ ગયાં હતાં, ‘તમે છો કોણ?’ તેણે પૂછ્યું.

‘એ જાણવાની જરૂર નથી. જાહ્નવી પોલીસ પાસે નહીં, તેના વર પાસે રહેવી જોઈએ.’ ફોન પર વાત કરી રહેલા પુરુષે કહ્યું, ‘તેના રિમાન્ડ મંજૂર થઈ ગયા તો તું પસ્તાઈશ.’

‘રબ્બિશ!’ અભિષેક ઝવેરી ફોન ડિસ્કનેક્ટ કરવા જતો હતો, પણ તેને સામેથી અટ્ટહાસ્ય સંભળાયું.

‘મને લાઇટ્લી લેવાની ભૂલ નહીં કરતો. તારા ઘેર એક ફોન કરી જો.’ આટલું સાંભળતાં જ અભિષેકનો ચહેરો બદલાઈ ગયો. સામેવાળાને કદાચ અંદાજ હશે કે આ સાંભળતાં જ અભિષેકનો મિજાજ પલટી ખાશે એટલે તેણે તરત જ કહી નાખ્યું, ‘તારી પત્ની અત્યારે એનરિચ સૅલોંમાં બેઠી છે. દીકરો ડીપીએસ સ્કૂલમાં બેઠો છે...’ તે માણસે હસીને ઉમેર્યું, ‘ને મારા બે માણસો બહાર બેઠા છે, તેમની ચોકી કરવા.’

‘શું ઇચ્છો છો?’ અભિષેકથી પુછાઈ ગયું.

‘જાહ્નવી બહાર રહેવી જોઈએ. પોલીસ-કસ્ટડીમાં જશે તો...’ એ માણસ આગળના શબ્દો ગળી ગયો.

‘પણ તમારે જાહ્નવી પાસેથી શું જોઈએ છે?’ અભિષેકે પૂછ્યું.

‘જે અમારે વીરબાળા પાસેથી જોઈતું હતું.’ એ માણસે અંગ્રેજીમાં કહ્યું, પછી સહેજ અટકીને તેણે ઉમેર્યું, ‘તું અમારી ચિંતા છોડ અને તારાં બૈરાં-છોકરાંની ચિંતા કર. તારી દલીલો સહેજ ઢીલી છોડી દેજે, બાકીનું સોહમ મહેતા કરી લેશે.’ સામેથી કહેવાયું.

‘આ કેસમાં માત્ર જાહ્નવી જ નથી, હવે શરણ પણ છે.’ અભિષેકે કહ્યું, ‘એનું શું?’

‘ભાડમાં ગયો શરણ,’ સામેથી કહેવાયું, ‘તેનું તારે જે કરવું હોય એ કર. મૂરખનો સરદાર! ફસાવા માટે જ ગયો ત્યાં. અમારો પ્લાન ચોપટ કરી નાખ્યો.’ તે માણસે ઉમેર્યું, ‘તેને તો તેનો બાપ જ પતાવી દેશે.’ અભિષેકને ફરી એ માણસનું હાસ્ય સંભળાયું, ‘બાપ નહીં પતાવે તો તેજસ્વિની તેનો હિસાબ કરશે. આઇ ડોન્ટ કૅર. યુ ગેટ મી જાહ્નવી ઍન્ડ આઇ ગેટ યુ વૉટેવર યુ વૉન્ટ...’ ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. ડઘાયેલો, ગૂંચવાયેલો અભિષેક ત્યાં જ ઊભો રહી ગયો.

અભિષેક માટે આ કોઈ નવી પરિસ્થિતિ નહોતી. તેણે કંઈકેટલાય ક્રિમિનલ્સને સાફ બહાર કાઢી લીધા હતા. અભિષેક ઝવેરી બ્રીફ હાથમાં લે એટલે કેસ પૂરો એવું માનવામાં આવતું. તેને આવી ધમકીઓ સાંભળવાની ટેવ પડી ગઈ હતી, પણ અંતે તો તેય માણસ હતો એટલે તેને સ્વસ્થ થતાં બે-પાંચ ક્ષણ લાગી. તેણે માથું હલાવીને વિચારોને ખંખેરી કાઢ્યા, હસીને કોર્ટના બિલ્ડિંગનાં પગથિયાં ચડી ગયો.

કૉરિડોરમાં ચાલતો અભિષેક કોર્ટરૂમના દરવાજે ઊભેલા પ્રણવ અને સોહમ પાસે આવ્યો, ‘ગુડ ડે!’ તેણે માથું ઝુકાવીને કહ્યું, ‘ઍન્ડ ગુડ લક મિસ્ટર મહેતા.’

‘તમને પણ,’ સોહમે કહ્યું, ‘ગુડ લક ટુ યુ.’

‘તમને કોઈ ધમકીનો ફોન આવ્યો હતો?’ અભિષેકે કોઈ નોટિસ આપ્યા વગર હુમલો કર્યો. પ્રણવ અને સોહમ બન્ને આર્યચકિત થઈ ગયા, ‘મને હમણાં જ, અહીં બહાર હતો ત્યારે ધમકીનો ફોન આવ્યો.’ અભિષેકે હસીને કહ્યું, ‘ફોન કરનારે કહ્યું કે મારે જાહ્નવીબહેનના રિમાન્ડ માટે બહુ પ્રયત્ન નહીં કરવાનો.’ તેણે વારાફરતી પહેલાં સોહમ અને પછી પ્રણવની આંખમાં જોયું. તેની અનુભવી દૃષ્ટિને સમજાઈ ગયું કે આ બે જણમાંથી કોઈ ફોન કરાવે એવા નથી. તે હસી પડ્યો, ‘કોઈક ઇચ્છે છે કે જાહ્નવીબહેન બહાર રહે... પોલીસ-કસ્ટડીમાં તે વધુ સલામત છે એવી ફોન કરનારને ખબર છે. કોઈક તેને છૂટી અને અનસેફ હાલતમાં રાખવા માગે છે.’ તેણે સોહમ સામે જોઈને સહેજ ડોકું નમાવ્યું, ‘આઇ હોપ, યુ અન્ડરસ્ટૅન્ડ.’

સોહમ નવાઈથી અભિષેક સામે જોઈ રહ્યો. પ્રણવે કહ્યું, ‘ફોન આવ્યો હતો અમને. એક ફાઇલ જોઈએ છે તેમને.’

‘હંઅઅઅ...’ અભિષેકે ડોકું ધુણાવ્યું, ‘મને પણ એવું જ કહેવામાં આવ્યું.’

‘તો?’ સોહમે ખભા ઉલાળીને પૂછ્યું.

‘તો?!’ અભિષેકની આંખોમાં તેના અનુભવનું જ્ઞાન અને ચહેરા પર સહેજ તોછડાઈ, સહેજ અહંકાર તરવરી રહ્યો, ‘તો હું તમને સલાહ આપીશ...’ તેણે ઉમેર્યું, ‘વગરમાગ્યે કે જાહ્નવીબહેનને પોલીસ-કસ્ટડીમાં જ રહેવા દેવાં જોઈએ. હું તો મારો પ્રયત્ન કરીશ જ. તમે તમારા પ્રયત્નમાં બહુ જોર ન લગાડતા એવી સલાહ છે તમને મારી.’

‘ને હું આ સલાહ શું કામ માનું?’ સોહમે પૂછ્યું, ‘શી ખાતરી કે તમારા પર ફોન...’

‘કોઈ ખાતરી નહીં.’ અભિષેકે ડોકું ધુણાવ્યું. પોતાના બન્ને હાથ કોટના ખિસ્સામાં નાખી દીધા, ‘નહીં માનતા. મારી સલાહ નહીં માનતા. ઓકે?’ કહીને તે ત્યાંથી ચાલી ગયો.

‘શું લાગે છે?’ પ્રણવે સહેજ ડર સાથે સોહમને પૂછ્યું, ‘આ સાચું બોલતો હશે?’

‘એ સાચું બોલતો હોય કે ખોટું... વકીલનો ધંધો ડૉક્ટર જેવો છે. પેશન્ટનો શ્વાસ ઝીરો ન થઈ જાય ત્યાં સુધી ડૉક્ટર પોતાનો પ્રયત્ન છોડે નહીં અને અસીલને સુપ્રીમ કોર્ટ ગુનેગાર ન ઠરાવે ત્યાં સુધી વકીલે પણ આશા છોડવી ન જોઈએ.’

‘પણ આ તો કહે છે કે જાહ્નવી પોલીસ-કસ્ટડીમાં વધુ સેફ છે.’ પ્રણવે પૂછ્યું, ‘તે કહેતો હોય તો આપણે જાહ્નવીને હમણાં...’

‘ડરાવે છે આપણને.’ સોહમે કહ્યું, ‘ચલ, અંદર જઈએ.’ તેણે પ્રણવનો હાથ પકડ્યો, પ્રણવે હાથ છોડાવીને મુખ્ય ગેટ તરફ જોવા માંડ્યું... તેને જાહ્નવીની પ્રતીક્ષા હતી.

€ € €

કોર્ટરૂમની બહાર મીડિયા અને લોકોની ભીડ જામી ગઈ છે એ સાંભળીને દર્શન પટેલે તેના બન્ને આરોપી જાહ્નવી અને શરણને કેદીઓની વૅનમાંથી ઉતારીને પોતાની જીપમાં બેસાડી દીધાં. દર્શન પોતે જીપ ડ્રાઇવ કરી રહ્યો હતો. સવારે જાહ્નવી સાથે બનેલો પ્રસંગ તેની નજર સામે ભજવાઈ રહ્યો હતો ત્યાં અચાનક તેણે રસ્તો ક્રૉસ કરી રહેલા એક માણસને જોઈને બ્રેક મારી. તેના વિચારોમાં ચાલી રહેલો ફ્લૅશબૅક પણ તૂટ્યો.

ત્યાં સુધીમાં જીપ નેહરુબ્રિજ ક્રૉસ કરી ચૂકી હતી. ત્યાંથી આગળ વધી રહેલી જીપના સ્ટિઅરિંગ પર બેઠેલો દર્શન એકદમ સજાગ થઈ ગયો. લોકો ઘેરી વળે અને મીડિયા તસવીરો લેવા માંડે એ પહેલાં તેણે જાહ્નવીને અંદર લઈ જવાની હતી. શરણ શ્રીવાસ્તવ સાથે કંઈ આડુંતેડું ન થાય એ માટે પણ તેણે સાવધ રહેવાનું હતું. દર્શને પોતાના બેલ્ટની ખલેચીમાં ભરાવેલી રિવૉલ્વર પર એક વાર હાથ ફેરવી લીધો. રઘુવીરથી આ તેની હિલચાલ છાની ન રહી.

રઘુવીરે ધીમેકથી કહ્યું, ‘કોઈ ઉતાવળિયું કે ઇમ્પલ્સિવ પગલું નહીં લેતો. વગરકારણે આપણે જવાબ આપવો પડશે.’

‘હંઅઅઅ...’ દર્શને ડોકું ધુણાવ્યું. તેણે પાછળ ફરીને શરણને કહ્યું, ‘તમને સહેજ પણ શંકા જેવું લાગે તો તરત શેલ્ટર લેજો.’ એ સાંભળીને શરણ હસી પડ્યો.

‘મારા પર ફાયર થશે એવું લાગે છે તમને?’ શરણે પૂછ્યું. શરણનો આ સવાલ સાંભળીને જાહ્નવી ચોંકી. તેણે શરણ સામે જોયું, શરણે ડોકું ધુણાવ્યું, ‘આટલો જલદી ખતમ નહીં કરે મને.’ શરણ બોલ્યો. તેને જાણે તેજસ્વિની કૌલ અને પોતાના પિતાની નસેનસની ખબર હોય એમ તેણે કહ્યું, ‘હજી મને ધમકી આપશે. તાવી જોશે. નાણી જોશે... ઑફર આપશે.’ દેખાવડા અને સુદૃઢ શરીર ધરાવતા શરણની આંખો અનાયાસ આકર્ષણ થઈ જાય એવી નિર્દોષ હતી. તેણે સ્મિત સાથે ઉમેર્યું, ‘ડરાવશે મને, પણ... આજે ફાયર થાય તો એ જીવલેણ નહીં હોય. તમે ચિંતા ન કરતા. આજે તો નિશાન ચૂકી જવાના પૈસા આપશે તેજસ્વિની!’

‘તમને...’ રઘુવીર તેની સામે જોઈ રહ્યો. તે આગળ પૂછી શક્યો નહીં, પણ તેનો સવાલ આંખોમાં વંચાયો શરણને.

‘મને ડર નથી લાગતો? એવું જ પૂછવું છેને તમારે?’ શરણે કહ્યું.

‘જોકે તમારા બાબુજી પણ તમને બચાવવા માટે પ્રયત્ન તો કરશે એટલે તેજસ્વિનીના માણસો સાથે કોર્ટરૂમમાં તમારા બાબુજીના માણસો હશેને?’ રઘુવીરે વાત બદલી.

 ‘બાબુજી?’ શરણ હસી પડ્યો, ‘તે તો ઇચ્છે જ છે કે હું...’ તેણે નિ:શ્વાસ નાખીને ડોકું ધુણાવ્યું, ‘એ ડરને ક્યારનો ક્રૉસ કરી આવ્યો છું હું. સાવ નાનકડો હતોને ત્યારે મારા બાબુજી પટ્ટો લઈને મારતા મને.’ રઘુવીર તેની સામે જોઈ રહ્યો, ‘હનુમાન ચાલીસા મોઢે ન આવડે એ માટે માર પડતો... આરતી વખતે હું ભાગી જાઉં ત્યારે પકડી લાવીને મને મંદિર સામે મૂકેલી ખુરસી પર બાંધીને બેસાડતા... મોટો થયો...’ શરણ શ્રીવાસ્તવની જિંદગીનાં પાછલાં પાનાં હવાના કોઈ ઝોંકાથી ઊડતાં હોય એમ ફરફરાટ ઊડી રહ્યાં હતાં. શરણ પોતાની જિંદગીની વાત સાવ સ્વાભાવિકતાથી કહી રહ્યો હતો, ‘મોટો થયા પછી હાથ નહોતા ઉપાડતા, પણ ઘરમાં આવેલા મહેમાનો સામે મારું અપમાન કરવાની એક તક છોડતા નહીં. તેમને માટે હું રાજકીય વારસદાર ન હોઉં તો કોઈ કામનો જ નથી. સત્તા-સંપત્તિ અને સ્ત્રી એ સિવાય કોઈ ચીજમાં રસ નથી તેમને. સંતાનમાં તો જરાય નહીં. તેજસ્વિનીની દીકરીને પરણવાની ના પાડી એ દિવસથી હું ટેક્નિકલી તો તેમને માટે મરી ગયો છું. PMના વેવાઈ થવાની તક તેમણે મારે લીધે ગુમાવી છે... PMની દીકરી આપણા ઘરમાં હોય અને તેમનું નાક સમયાંતરે પકડી શકાય, ઇચ્છીએ ત્યારે મોઢું ખોલાવી શકાય એવું મારા બાબુજીનું મહાન સપનું મારે લીધે રોળાઈ ગયું.’ તે હસ્યો. રઘુવીર અને જાહ્નવીએ નવાઈથી શરણ સામે જોયું. શરણે કહ્યું, ‘મારા બાબુજીના માણસો મને મારવાનો પ્રયત્ન કરે એવું બને અને તેજસ્વિની મને બચાવવાનો પ્રયત્ન કરે જેથી હું તેના ઑબ્લિગેશનમાં આવું.’

આ વાતો ચાલતી હતી ત્યાં સુધીમાં દર્શનની જીપ ઘીકાંટા કોર્ટના દરવાજે આવી પહોંચી હતી. ત્યાં ઊભેલી ભીડ જોઈને દર્શન ડઘાઈ ગયો. તેણે ધાર્યું જ હતું કે ઘણા બધા લોકો હશે, વીસ-પચીસ મીડિયાના માણસો હશે, પણ અહીં એકઠા થયેલા ટોળાનો તેને અંદાજ નહોતો. અહીં તો સેંકડો લોકોની ભીડ હતી. માત્ર ગુજરાતના જ નહીં, નૅશનલ ન્યુઝમાંથી પણ આવી પહોંચેલા કેટલાક લોકોને જોઈને દર્શન આર્યચકિત થઈ ગયો. તેણે ઍક્સિલરેટર પર પગ દબાવ્યો. ટોળે વળેલા લોકોને પૂરપાટ આવતી જીપ જોઈને ખસી જવાની ફરજ પડી. ટોળું બે વિભાગમાં વહેંચાઈ ગયું. વચ્ચેથી દર્શને પોતાની જીપ કાઢી લીધી. મીડિયાના લોકો જીપની પાછળ દોડવા લાગ્યા. કૅમેરાના ફલૅશ થવા લાગ્યા. જાહ્નવીએ બે હાથે પોતાનું મોઢું છુપાવવાનો પ્રયત્ન કર્યો, પણ શરણ આરામથી, સ્થિર બેઠો હતો.

જીપ જેવી મકાનના દરવાજે પહોંચી કે તરત દર્શને સૂચના આપી, ‘ઝડપથી ઉતારીને આ લોકોને અંદર લઈ જા.’ દર્શનનો કૉન્સ્ટેબલ આ સ્થિતિ માટે તૈયાર જ હોય એમ તે દર્શનની બાજુમાંથી નીચે ઊતર્યો. તેણે જિપ્સીની પાછળ બંધ કરેલો અડધો દરવાજો ખોલી નાખ્યો. શરણ સ્ફૂર્તિથી નીચે ઊતરી ગયો, તેણે હાથ લંબાવીને જાહ્નવીને ઉતારી. કોઈ કશું સમજે એ પહેલાં મીડિયાનું ટોળું થઈ ગયું. હાથમાં માઇક અને કૅમેરા સાથે એ લોકો એવી રીતે ઘેરાઈ વળ્યા કે શરણ અને જાહ્નવીનું બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું.

દર્શને નજીક આવીને મીડિયાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

‘જાહ્નવીબહેન, તમે આ આરોપ સ્વીકારો છો?’ મીડિયાના ટોળામાંથી સવાલનો મારો શરૂ થઈ ગયો હતો, ‘તમારા પતિ તમારો સાથ આપશે?’ એક જણે પૂછ્યું, ‘શરણ શ્રીવાસ્તવ સાથે તમારા શું સંબંધ છે?’ બીજો સવાલ, શરણને પૂછ્યું, ‘તમારા પિતાએ રાજીનામું આપવું પડશે?’ એક વધુ સવાલ... ફટાફટ થઈ રહેલા લાઇટના ફ્લૅશ, ફુટેજ માટે ઓન થઈ ગયેલા વિડિયો-કૅમેરા અને જાહ્નવીબહેનને જોવા માટે આવેલા ઑડિયન્સના મોબાઇલની ફ્લૅશ લાઇટ્સ અને વિડિયો જોઈને જાહ્નવી સાચે ડરી ગઈ હતી. તે બન્ને હાથે દર્શનને પકડીને તેની પાછળ છુપાવાનો પ્રયત્ન કરવા લાગી. દર્શને પણ બન્ને હાથ પહોળા કરીને લોકોને જાહ્નવી સુધી જતા રોક્યા. પાછા પગે કોર્ટના મકાનનાં પગથિયાં ચડી રહેલા દર્શને કહ્યું, ‘તમે મકાનમાં દાખલ થવા માંડો.’

જાહ્નવી પણ પાછળ અને આગળ જોતી, પોતાનું બૅલૅન્સ જાળવતી પાછા પગે ઉપર ચડવા લાગી. શરણે મીડિયાને અને ટોળાને ધક્કામુક્કી કરીને ખસેડ્યું. એક કૅમેરામૅનને ધક્કો મારવા જતાં તેનો કૅમેરા પડી ગયો. ટોળું શરણ પર ચાર્જ થઈ ગયું. જાહ્નવી હાથમાંથી નીકળી ગઈ એટલે હવે ફોકસ શરણ તરફ વળ્યું. કૉન્સ્ટેબલ તેની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ આટલા બધા માણસો સામે બે કૉન્સ્ટેબલ્સ પહોંચી વળે એમ નહોતા. શરણે કોણીથી, હાથથી ધક્કા મારતો પોતાનો રસ્તો કરવા માંડ્યો.

શરણ અને જાહ્નવી બન્ને કોર્ટના મકાનમાં દાખલ થઈ ગયાં છે એ વાતની ખાતરી કરીને દર્શને રાડ પાડી, ‘દરવાજો બંધ કરી દો. અંદર કોઈ આવે નહીં...’

આમ પણ કોર્ટરૂમમાં કૅમેરા કે વિડિયો માટે પ્રવેશબંધી છે એટલે કૅમેરા સાથે આવેલા રિપોર્ટર્સ અને ફોટોગ્રાફર બહાર જ ઊભા રહ્યા. તેઓમાંના થોડા જે રિપોર્ટિંગ કરવા આવ્યા હતા તેમને ભીતર આવતાં રોકી શકાય એમ નહોતા. તો પણ ખાસ્સું એવું ટોળું મકાનમાં દાખલ થઈ ગયું.

જાહ્નવી ધ્રૂજવા લાગી. દર્શને કહ્યું, ‘આ તો શરૂઆત છે. ટેવ પાડી લો, મૅડમ. તમારી જિંદગીનો તમાશો બનાવી દેશે આ બધા.’ જાહ્નવી કંઈ બોલી નહીં. તે ધીમા પગલે ચૂપચાપ ચાલતી રહી.

કોર્ટરૂમમાં દાખલ થતાં પહેલાં બહાર ઊભેલા પ્રણવને જોઈને જાહ્નવી દોડી. મહિલા કૉન્સ્ટેબલ પણ તેની પાછળ દોડી. દીવાલને અઢેલીને ઊભેલા પ્રણવને જોઈને જાહ્નવીનું ડૂસકું છૂટી ગયું. તે પ્રણવને ભેટી પડી. પ્રણવે બન્ને હાથ જાહ્નવીની આસપાસ લપેટી દીધા. ત્યાં ઊભેલા એક-બે જણે પોતાના મોબાઇલમાં આ દૃશ્ય કેદ કરી લીધું. જાહ્નવી રડતી રહી. તેની પાછળ આવી પહોંચેલો શરણ શ્રીવાસ્તવ અદબ વાળીને બન્નેથી થોડે દૂર ઊભો રહ્યો. પ્રણવ અને શરણની નજર મળી! અત્યાર સુધી જે લાગણી શરણને થઈ જ નહોતી એવી અપરાધની, પસ્તાવાની લાગણી શરણને ઘેરી વળી. પ્રણવની આંખોમાં કોણ જાણે શું હતું કે શરણથી એ આંખોનો સામનો થઈ શક્યો નહીં. આજે પહેલી વાર પ્રણવ સામે જોઈને શરણની આંખો ઝૂકી ગઈ. જાહ્નવીની પીઠ પર હાથ ફેરવી રહેલા પ્રણવની નજર પોતાનાથી થોડે દૂર ઊભેલા શરણના ચહેરા અને શરીર પર ફરતી રહી. પ્રણવના મનમાં એક સવાલ ઊઠuો, પણ તરત તેણે માથું ખંખેરીને એ સવાલને પોતાના મનમાંથી કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો, ‘મારા આટલા પ્રેમ અને સ્વીકાર પછી પણ એવું શું ખૂટ્યું હશે જાહ્નવીને જે તેને શરણ સુધી...’ તેનો આ સવાલ સમજી ગયો હોય એમ શરણે દૂરથી જ બે હાથ જોડીને પ્રણવને પ્રણામ કર્યા. તેની આંખોમાં ક્ષમાની પ્રાર્થના હતી, કદાચ! થોડી સેકન્ડ જાહ્નવીને રડી લેવા દીધા પછી મહિલા કૉન્સ્ટેબલે કહ્યું, ‘મૅડમ, ચલો.’ જાહ્નવી છૂટી પડે એ પહેલાં લૉબીમાં જોરથી તેનું નામ પોકારવામાં આવ્યું. તેના નામની સાથે શરણ શ્રીવાસ્તવના નામની બૂમ પણ પડી. એ સાંભળીને જાહ્નવી પરાણે છૂટી પડી.

તેણે પ્રણવ સામે જોયું, ‘ડોન્ટ વરી’ પ્રણવે કહ્યું તો ખરું, પણ તેનો અવાજ નિષ્પþાણ હતો.

બકરીને કસાઈવાડે લઈ જવાતી હોય એમ જાહ્નવીનો હાથ ખેંચીને મહિલા કૉન્સ્ટેબલ તેને પ્રણવથી દૂર લઈ જઈ રહી હતી. શરણ પોતાના જીન્સના ફ્રન્ટ પૉકેટમાં હાથ નાખીને ધીમા પણ મક્કમ પગલે કોર્ટરૂમમાં દાખલ થયો.

હકડેઠઠ ભીડ જમા હતી. પ્રેસ રિપોર્ટર્સથી શરૂ કરીને કેસ સાંભળવા આવેલા કુતૂહલવશ માણસો બેન્ચ પર બેઠા હતા. નાનકડી કોર્ટરૂમની દીવાલને અઢેલીને ટોળેટોળાં ઊભાં હતાં.

ટેબલ પર એક તરફ અભિષેક તેના બે જુનિયર્સ સાથે બેઠો હતો. પ્રણવ અને સોહમ આવીને બીજી તરફ મૂકેલા ટેબલ પર ગોઠવાયા...

અભિષેકે ફરી કહ્યું, ‘જાહ્નવીબહેનની કસ્ટડી પોલીસને સોંપવામાં તેમની સલામતી છે. રિમાન્ડ મંજૂર કરાવવા દો મને...’

‘તમારી દલીલોમાં વિશ્વાસ નથી તમને?’ સોહમે પૂછ્યું, ‘મને વિનંતી કેમ કરો છો? હારી જવાનો ડર અત્યારથી લાગવા માંડ્યો કે શું?’ સોહમના ચહેરા પર સહેજ ચીડ દેખાઈ અભિષેકને, ‘અમને ડરાવવાનો કોઈ ફાયદો નથી. અમે જાહ્નવીને લઈને જ ઘેર જવાના છીએ.’

અભિષેકે આટલું સાંભળીને નિરાશાથી ડોકું ધુણાવ્યું. તેણે મનોમન કહ્યું, આ ગધેડો નહીં માને! વિનાશકાળે વિપરીત બુદ્ધિ... જાહ્નવી મરશે ત્યારે ભૂલ સમજાશે આ લોકોને.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK