વિજ્ઞાન મહિલા માટે નથી એમ?

આજે ઇન્ટરનૅશનલ ડે ઑફ ગર્લ્સ ઍન્ડ વિમેન ઇન સાયન્સ છે ત્યારે વિજ્ઞાનના ક્ષેત્રમાં મહિલાઓ ક્યાં પહોંચી છે અને શું કામ આ ક્ષેત્રમાં મહિલાઓનું ચલણ ઓછું છે એ દિશામાં થોડીક ચર્ચા કરીએ

science

રુચિતા શાહ

બ્રિટિશ બાયોકેમિસ્ટ અને મૉલેક્યુલર ફિઝિયોલૉજિસ્ટ ટીમ હન્ટના એક સ્ટેટમેન્ટે વષોર્ પહેલાં આખી દુનિયામાં ભારે ચકચાર મચાવી હતી. કોષોનું વિભાજન અટકાવી શકવાની ક્ષમતા ધરાવતા પ્રોટીન મૉલેક્યુલ્સની શોધ કરવા બદલ ૨૦૦૧માં નોબેલ પુરસ્કાર મેળવનારા આ વૈજ્ઞાનિકનું કહેવું હતું કે ‘જ્યારે કોઈ મહિલા લૅબોરેટરીમાં હોય ત્યારે ત્રણ જ બાબત બનતી હોય છે. કાં તો તમે તેના પ્રેમમાં પડો કાં તે તમારા પ્રેમમાં પડે અથવા તમે તેમની ટીકા કરો ત્યારે તેઓ રડી પડે.’

આ સ્ટેટમેન્ટ પછી ટીમ હન્ટે યુનિવર્સિટી કૉલેજ લંડનમાં પોતાની પોઝિશન પરથી રાજીનામું આપવું પડેલું. આ વિધાને એવો જુવાળ જગાવ્યો કે વિજ્ઞાનના ક્ષેત્રમાં મહિલાઓ સાથે થતા વ્યવહાર વિશેની ચર્ચા વર્લ્ડ કૉન્ફરન્સ ઑફ સાયન્સમાં પણ થઈ. અત્યારે વિશ્વભરમાં સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ અને મૅથેમૅટિક્સમાં મહિલાઓના ઓછા ફાળા વિશે પારાવાર ગ્લોબલ ડિબેટો ચાલી રહી છે. આજનો આ દિવસ પણ એ જ ડિબેટના પરિણામનો એક હિસ્સો છે. ૨૦૧૫ની આ વાત છે. યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક ઇન્ફર્મેશનની માન્યતા પ્રાપ્ત સામાજિક સંસ્થા ‘રૉયલ ઍકૅડેમી ઑૅફ સાયન્સ ઇન્ટરનૅશનલ ટ્રસ્ટ’ દ્વારા એક વિશેષ ફોરમનું આયોજન થયું. આ સંસ્થા વૈશ્વિક સ્તરે મહિલાઓને રોજગાર અને માન્યતા અપાવીને વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધારવાના પ્રયાસ છેક ૧૯૬૮થી કરી રહી હતી. પોતાના સ્કૉલરશિપ પ્રોગ્રામ અંતગર્ત વિજ્ઞાન શાખામાં કેટલાક વિકાસશીલ દેશોની ૧૦,૫૦૦ મહિલાઓને તાલીમ આપીને ઇન્ટરનૅશનલ લીગ ફૉર વિમેનની સ્થાપના કરી હતી. યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઑફ ઇકૉનૉમિક ઍન્ડ સોશ્યલ અર્ફેસ અને ‘રૉયલ ઍકૅડેમી ઑૅફ સાયન્સ ઇન્ટરનૅશનલ ટ્રસ્ટ’ દ્વારા ૨૦૧૫ની ૧૦ અને ૧૧ ફેબ્રુઆરીએ યુનાસટેડ નેશન્સના હેડક્વૉર્ટર્સમાં પહેલી વાર ‘વર્લ્ડ વિમેન્સ હેલ્થ ઍન્ડ ડેવલપમેન્ટ ફોરમ’ ભરાયું. આ ફોરમમાં યુનેસ્કો, UN-Women, WHO, UNRWA,, યુનિસેફ, UN-Women, WHO, UNRWA, જેવી વિશ્વની અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર હતા. દરેક પ્રતિનિધિના મોઢે એક જ વાત હતી કે મહિલાઓને વિજ્ઞાનના ક્ષેત્રમાં કઈ રીતે વધુ ને વધુ સક્ષમ બનાવવી. આ સહિયારા ચર્ચાસત્રના ભાગરૂપે UNની જનરલ એસેમ્બલીએ ૧૧ ફેબ્રુઆરીને ઇન્ટરનૅશનલ ડે ફૉર વિમેન ઇન સાયન્સ તરીકે જાહેર કર્યો છે. વિશ્વના લગભગ ૬૮ દેશોએ આ દિવસ માટે પોતાનો સહયોગ દર્શાવ્યો અને ગ્લોબલ લેવલ પર શૈક્ષણિક તકોની બાબતમાં પ્રવર્તી રહેલા લિંગભેદને નાબૂદ કરવાની દિશામાં સૌ એકજુટ થયા. સહેજ ટેક્નિકલ લાગતી આ વાતને હવે થોડાક સરળ શબ્દો સમજવાના પ્રયત્ન કરીએ.

છેલ્લાં પંદર વર્ષમાં મહિલાઓને સાયન્સમાં રસ લેતી કરવા માટે આખી દુનિયાના તમામ લોકો મચી પડ્યા છે, પરંતુ ધાર્યું પરિણામ મળ્યું નથી. શું કામ? ૧૪ દેશોમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ વિજ્ઞાનમાં ગ્રૅજ્યુએટ થતી મહિલાઓની સંખ્યા ૧૮ ટકા છે, જ્યારે પુરુષોની સંખ્યા ૩૭ ટકા છે. વિજ્ઞાનમાં પોસ્ટ-ગ્રૅજયુએટ થતી મહિલાઓનો અંદાજિત રેશિયો ૮ ટકા છે તો પુરુષોનો ૧૮ ટકા છે અને વિજ્ઞાનના કોઈ વિષય સાથે ડૉક્ટરેટનો અભ્યાસ કરતી સરેરાશ મહિલાઓ બે ટકા છે, જ્યારે પુરુષો ૬ ટકા છે. ઇતિહાસ ગવાહ છે કે સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ અને મૅથેમૅટિક્સ (જે STEM fields તરીકે પ્રચલિત છે) આ ચાર ક્ષેત્રો પર પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે. છેલ્લાં ઘણાં વષોર્થી દુનિયાના દિગ્ગજો અને પૉલિસી મેકર્સને આ વાત પજવી રહી છે. એક તરફ જ્યાં વિજ્ઞાન શાખામાં મહિલાઓ અભ્યાસ માટે જ આગળ નથી આવતી ત્યાં બીજી બાજુ મહિલાઓ આ ક્ષેત્રમાં અભ્યાસ તો કરી લે છે, પણ એમાં કારર્કિદી બનાવવા માટે સક્રિય ભૂમિકા નથી ભજવતી. સ્કૉટલૅન્ડનો જ દાખલો લઈ લો. સ્ટેમ ફીલ્ડમાં અભ્યાસ કરનારી મહિલાઓનો રેશિયો અહીં ઊંચો છે, પણ આ મહિલાઓએ પોતાના અભ્યાસ મુજબની કારર્કિદી નથી બનાવી અને એટલે સ્કૉટલૅન્ડની રાષ્ટ્રીય આવકમાં લગભગ ૧૭ અબજ યુરોનું નુકસાન થયાના આંકડા ત્યાંની રાષ્ટ્રીય સંસ્થા જાહેર કરેલા છે. ૨૦૧૫માં યુનેસ્કોએ એક ફૅક્ટ-શીટ પબ્લિશ કરી, જેમાં વિશ્વના ઘણા દેશોના ગ્રાઉન્ડ લેવલ પર અભ્યાસ કર્યા પછી જે વાસ્તવિક ચિત્ર તેમને મળ્યું એમાં ખબર પડી કે આખા વિશ્વમાં કાર્યરત એવા કુલ સંશોધકોમાં ૭૦ ટકા પુરુષો છે અને માત્ર ૩૦ ટકા જ મહિલા સંશોધકો છે. 

હવે પ્રશ્ન ઊઠે છે કે શું જરૂર મહિલાઓની વિજ્ઞાનમાં? શોધ-સંશોધનનો વિષય મહિલાઓ પોતાની મરજીથી નથી ભણતી કે તેમને એ પ્રકારની તક નથી મળતી? જ્યાંથી આપણે વાતની શરૂઆત કરી એ મુજબ મહિલાઓ પ્રત્યેના પુરુષોના વિચિત્ર દૃષ્ટિકોણને કારણે મહિલાઓ વિજ્ઞાનના અભ્યાસથી વંચિત થઈ રહી છે કે મહિલાઓનો જ રસ એ દિશામાં ઓછો છે? સાથે જ વિશ્વમાં જે અવસ્થા છે એ આપણે ત્યાં પણ છે કે કેમ?

આજથી લગભગ સાડાઆઠસો વર્ષ પહેલાં ભાસ્કરાચાર્ય નામના ગણિતશાસ્ત્રીએ પોતાની દીકરીને ગણિત શીખવવા માટે એક નાનકડા ગ્રંથની રચના કરેલી. ‘લીલાવતી’ નામનો કાવ્યસંગ્રહરૂપી આ ગ્રંથ ગણિતનું જ્ઞાન આપવા એક પિતાએ પુત્રી માટે રચવાની ઘટના ભારતમાં જ બની. એ જ ભારત, જ્યાં અત્યારે મહિલાઓ જો ટેક્નૉલૉજી કે વિજ્ઞાન શાખામાં આગળ વધતી દેખાય તો સાથે ભણતા પુરુષ સહવિદ્યાર્થી અકળામણથી પડી ભાંગે છે. યસ, આ કોઈ કપોળકલ્પિત વાત નથી, પણ બૅન્ગલોરનાં વિજ્ઞાનના પ્રોફેસર અને રિસર્ચર હેમા રામચંદ્રન પોતાનો અનુભવ વ્યક્ત કરતાં કહે છે, ‘જ્યારે મારા એક પુરુષ મિત્રને ખબર પડી કે મને મુંબઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાં ઍડ્મિશન મળી ગયું છે ત્યારે તેણે અકળાઈને કહેલું કે તેં એક પુરુષની કારર્કિદી બરબાદ કરી નાખી. શું કામ તમારા જેવી મહિલાઓને IITમાં કામ કરવું છે જ્યારે તમે એમાં કરીઅર નથી બનાવવાનાં. શું કામ તમે પુરુષોને મળી શકનારી સીટ હડપી નાખો છો?’

વિજ્ઞાન, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ અને ગણિતની વાત આવે ત્યારે મોટા ભાગની મહિલાઓએ સમાજની આ પ્રકારની માનસિકતામાંથી પસાર થવાની તૈયાર રાખવી પડે છે. મોટા ભાગની મહિલાઓએ આ ચાર ક્ષેત્રમાં હજી પણ પુરુષોના પક્ષપાતી વલણનો સામનો કરવો જ પડે છે. તેમની દૃષ્ટિએ મહિલાઓ આ ક્ષેત્ર માટે ઉપયુક્ત કૅન્ડિડેટ છે જ નહીં. મહિલાઓએ પણ પુરુષપ્રધાન આ ક્ષેત્રો માટે અનેક મોરચે લડવાની તૈયારી રાખવી જ પડે છે. મહિલા વૈજ્ઞાનિક અને ચેન્નઈની કૉલેજમાં પ્રોફેસર ડૉ. અરુણા ધથાત્રેયનનો અનુભવ આ વિશે જાણવા જેવો છે. તેઓ કહે છે, ‘બીજા વિકાસશીલ દેશોની તુલનાએ ભારતમાં વિજ્ઞાન શાખામાં જનારી મહિલાઓ વધારે છે, પરંતુ કારર્કિદી બનાવવા સુધી તેઓ પહોંચતી નથી. ૧૯૭૪માં ફિઝિક્સમાં અન્ડર ગ્રૅજ્યુએટ ડિગ્રી લેતી વખતે ચેન્નઈની મહિલા કૉલેજમાં મારી સાથે બીજી ૧૪ મહિલાઓ હતી. એ પછી પોસ્ટ-ગ્રૅજ્યુએશનમાં એ સંખ્યા ઘટીને ચાર પર પહોંચી હતી. જોકે ભણવાનું ચાલુ હતું એ દરમ્યાન જ ચારમાંથી એક જણે અધવચ્ચે ભણવાનું છોડીને લગ્ન કરવા પડ્યાં. એ પછી ડૉક્ટરેટ માટે તો એકલી હું જ રહી હતી.’

૧૯૮૪માં જ્યારે તેમણે ડૉક્ટરેટ કર્યું એ સમયે તો ખરેખર દેશની મહિલાઓ માટે  વિજ્ઞાનમાં અને એ પણ શોધ સંશોધન સાથે કારર્કિદીમાં આગળ વધવાની વાત લગભગ અશક્ય જેવી હતી. ડૉ. અરુણાના ડૉક્ટરેટને હવે ત્રણ દાયકાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ એ પછીયે આ ચિત્રમાં કોઈ ખાસ બદલાવ નથી આવ્યો. આગળ કહ્યું એમ મહિલાઓ વિજ્ઞાન શાખામાં પ્રવેશ કરે છે, પરંતુ એમાં કારર્કિદી ઘડવામાં તેઓ પીછેહઠ કરી જાય છે. એનું મહત્વનું કારણ એ છે કે ડૉક્ટરેટ કરવા સુધીમાં મહિલાઓ ઉંમરના એ તબક્કા પર પહોંચી જાય છે, જેમાં તેમણે લગ્ન કરવાં કે નહીં અથવા બાળકો કરવાં કે નહીં એ નિર્ણય લઈ લેવો પડે છે. મહિલા તરીકે જો લગ્ન કર્યાં હોય તો માતા બનવાનો નિર્ણય તેઓ ઠેલી શકતી નથી અને એ જ કારણ છે કે સ્ટેમ ક્ષેત્રમાં કારર્કિદીનો મહત્વનો નિર્ણય લેવાનો સમય હોય ત્યારે જ જિંદગીના પણ આ મહત્વના પ્રશ્ન આવીને ઊભા રહી જાય. બાળકને જન્મ આપવા સુધીનો છ મહિનાનો બ્રેક પણ તેમના રિસર્ચ વર્કમાં તેમને ખૂબ પાછળ મૂકી દે છે, જેને કારણે મોટા ભાગની મહિલા સાયન્ટિસ્ટો વચ્ચેથી જ પોતાનું કાર્ય આટોપીને ફૅમિલી લાઇફમાં બિઝી થઈ જાય છે. ઘણાં મહિલા વૈજ્ઞાનિકો એ વાત સ્વીકારી ચૂક્યાં છે કે સમાજનો અપ્રોચ જ એવો છે કે મહિલાઓ અમુક જ પ્રોફેશનમાં જાય એ સમાજને સ્વીકાર્ય છે. મહિલાઓ જો અમુક રોલમાંથી પાછી હટે તો એ પણ સમાજને માફક આવે એવી બાબત નથી.

આ વાતને પુષ્ટિ આપતા કેટલાક મહત્વના આંકડાની પણ વાત કરી લઈએ. ઇન્ડિયન ઍકૅડેમી ઑફ સાયન્સ ઍન્ડ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ ઍડ્વાન્સ્ડ સ્ટડીઝનો અભ્યાસ કહે છે કે વિજ્ઞાનના રિસર્ચમાં જે મહિલાઓ સામેલ થઈ છે એમાંની ૧૪.૧ ટકા મહિલાઓએ ક્યારેય લગ્ન જ નથી કર્યાં. આ બાબતમાં પુરુષોનો રેશિયો ૨.૫ ટકા છે. કાર્યક્ષમતાની વાત કરીએ ૪૬.૮ ટકા મહિલા વૈજ્ઞાનિકો અઠવાડિયાના લગભગ ૪૦થી ૬૦ કલાક કામ કરતી હોય છે, જ્યારે ૬૬.૫ ટકા પુરુષોએ આના કરતાં ઓછા કલાકો કામ કર્યું હતું. તમને એ પણ જણાવી દઈએ કે વૈજ્ઞાનિકો અને સંશોધકોને પ્રોત્સાહન આપવા છેક ૧૯૫૮માં શરૂ થયેલો ‘શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર’ અત્યાર સુધીમાં માત્ર ૧૬ જ મહિલાઓને મળ્યો છે.     

મહિલાઓને ‘ટુ બૉડી પ્રૉબ્લેમ’નો શિકાર પણ બનવું પડે છે, જેમાં ઘણી વૈજ્ઞાનિક સંસ્થાઓ પતિ-પત્ની બન્નેને એક જ સ્થળે જૉબ પર રાખવા તૈયાર નથી. તમને નવાઈ લાગશે કે દર વર્ષે લગભગ ૩૬ ટકા મહિલાઓ વિજ્ઞાનને લગતા વિષયોમાં ડૉક્ટરેટની પદવી મેળવે છે, પરંતુ એમાંથી માત્ર ૧૫ ટકા મહિલાઓ માટે જ જૉબ ઉપલબ્ધ છે. ૨૦૧૪ની ૨૪ સપ્ટેમ્બરે ભારતીય સ્પેસ રિસર્ચરોએ આખા વિશ્વમાં દેકારો બોલાવી દીધો. ભારતીયો સ્પેસ રિસર્ચરોએ ‘માર્સ ઑર્બિટર મિશન’ પાર પાડ્યું. ૩૦૦ દિવસના આ સ્પેસ મિશનમાં મંગળ ગ્રહની ભ્રમણરેખા નજીક ઉપગ્રહ મોકલવામાં મળેલી સફળતા દરમ્યાન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના બૅન્ગલોર ખાતેના હેડક્વૉર્ટર્સનાં મહિલા કર્મચારીઓની ખુશાલીને વ્યક્ત કરતી તસવીર વાઇરલ થઈ હતી. મહિલા વૈજ્ઞાનિકો એકબીજાને ભેટીને મંગળ મિશનની સફળતાનો આનંદ મનાવી રહ્યાં હતાં. જોકે તમને જાણીને સો ટકા આર્ય થશે કે ૧૯૬૩માં શરૂ થયેલા દેશના આ સૌથી મોટા સ્પેસ રિસર્ચ સેન્ટરમાં લગભગ ૧૪,૨૪૬ લોકોનો સ્ટાફ છે, જેમાં માત્ર વીસ ટકા મહિલાઓ છે.

મહિલાને અમુક સેક્ટરમાં જોવાની બાળપણથી જ ટેવ નથી પાડવામાં આવી એનું જ એ પરિણામ છે કે રિસર્ચર કે સાયન્ટિસ્ટ તરીકે પણ મહિલાઓ આગળ હોઈ શકે એ વાત હજીયે સામાજિક ઢાંચાને માફક નથી આવી રહી. સ્ત્રી તરીકે, પત્ની તરીકે, માતા તરીકે, પુત્રવધૂ તરીકે અને પુત્રી તરીકે મલ્ટિપલ રોલ નિભાવી રહેલી મહિલાઓ લગભગ દરેકે દરેક ક્ષેત્રમાં પુરુષો કરતાં પણ વધુ સક્ષમતા અને નિષ્ઠા સાથે કાર્ય કરી શકે છે એ વાત તેણે હજારો વાર સાબિત કરી છે. એ પછી પણ આ ક્ષેત્રોમાં તેને ઓછામાં ઓછું પ્રાધાન્ય મળી રહ્યું છે એ બાબતમાં હવે સમાજે આંખો ઉઘાડવાનો સમય પાકી ગયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK