તુમ મગર અંધેરોં મેં ના છોડના મેરા સાથ

ક્યારેક એવું બને કે તમને તમારી જાત સિવાય આખી દુનિયા ખોટી લાગે.

lord

ભગવાનને પત્ર - રુચિતા શાહ

વહાલા ભગવાન,

ક્યારેક એવું બને કે એક-એક શ્વાસ માટે મારવા પડતાં વલખાં વચ્ચે જિંદગીની કિંમત સમજાતી જાય અને હાથમાંથી સરકતી જિંદગીનો વસવસો ડોકાયા કરે. ક્યારેક એવું બને કે તમે જેમને ખૂબ પોતીકા ગણતા હો એ જ લોકો તમારી અપેક્ષાઓને તહસનહસ કરી દે. ક્યારેક એવું પણ બને કે તમારા જીવનનો આધાર ગણીને તમે જેને સમર્પિત હો એ વ્યક્તિ સાવ સામાન્ય બાબતમાં તમારી કિંમત કોડીની કરી મૂકે. ક્યારેક એવું પણ બને કે ગેરસમજોનો દોર એટલો લંબાય કે તમે નિર્દોષ હોવા છતાં તમને તમારી પોતાની જ નજરોમાં પાડી દેવાની રમતો રમાય. ક્યારેક એવું પણ બને કે જે કાર્ય અથવા ફરજ માટે તમે તમારો જીવ રેડીને મચ્યા હો અને બાકી બધાની અવગણના કરી હોય એ જ કાર્યના પ્રણેતા તમને હડધૂત કરી દે. ક્યારેક એવું પણ બનવાનું જેમાં તમારા સમર્પણનો પડઘો તમારી આસપાસનું વર્તુળ સ્વાર્થથી જ આપે અને ક્યારેક એવું પણ બનવાનું જેમાં તમારી સહજતાને ખોટી રીતે પ્રદર્શિત કરીને તમારા કહેવાતા મિત્રો પોતાનો અંગત લાભ લઈ લે. ક્યારેક સાવ અચાનક એવી મુસીબતો પહાડ બનીને તૂટી પડે કે શ્વાસ લેવા પૂરતી પણ હોશ ન રહે. ક્યારેક સાવ અચાનક એવા સંજોગો ઊભા થાય જેમાં શરીરની તમામ નસો ફાટ-ફાટ થાય એ રીતે મનમાં અપમાન ને ક્રોધનો દાવાનળ સળગાવી દે.

જુઓ ભગવાન, એક વાત સ્વીકારું છું કે સમયનો સ્વભાવ બદલાવાનો છે અને એ બદલાયા કરશે જ. જોકે આવા સંજોગોમાં શું કરવું એ ન સમજાય ત્યારે ઈશ્વર, તું મને મદદરૂપ થઈશ? એ વાત પણ ખબર છે કે કુદરતને વ્યક્તિગત હિતને બદલે સાર્વત્રિક સંતુલનના નિયમમાં વિશેષ રસ છે અને એ પણ ખબર છે કે જીવનમાં બનતી તમામ બાબતો આપણી પોતાની જ જમા પૂંજીનું પરિણામ છે, પણ એ પછીયે નિર્બળ મન ક્યારેક સાવ અસહાય બની જાય છે અને એ અવસ્થામાં માત્ર તું જ યાદ આવે.

જી ઈશ્વર, જે સંસાર અમારી આસપાસ રચાયો છે અને જે સંસારનો હિસ્સો હોવાનો ભ્રમ લઈને અમે ફરી રહ્યા છીએ એમાં આવું બધું ક્યારેક નહીં પણ અવારનવાર બનતું રહ્યું છે અને એ બનતું જ રહેવાનું એય અમને જ્ઞાત છે. જેમ અમારી સાથે ક્યારેક અન્યાય થયો છે એમ અમે પણ અન્યાય કરી બેઠા છીએ. અનેક વાર જાણતાં, અજાણતાં, ટૂંકા લાભની લાલચમાં કે આંધળા અહંકારમાં લોકોને સમજવામાં, લોકોની અમારા પ્રત્યેની લાગણીનો ગેરલાભ લેવામાં, લોકો પાસે પોતાના સ્વાર્થ સધાવવામાં અનેક હદ વટાવી ચૂક્યા છીએ. અમે પણ ક્યારેક અમારા પોતાના અહંકારને કારણે લોકોના નબળા અને પડતીના સમયને વધુ દુષ્કર બનાવવાનું પાપ કર્યું જ છે. એ પછીયે એ હકીકત છે કે પોતે બીજા સાથે કરેલો દુર્વ્યવહાર જ્યારે અમારી સાથે થયો છે ત્યારે અમને અઢળક તકલીફ થઈ છે. ઈશ્વર, આજે પક્ષપાતનો કોઈ અવકાશ નથી. જેટલી પ્રામાણિકતા વિશ્વ માટે રાખવી છે એટલી જ જાત માટે પણ રાખવી છે. પોતાને છાવરીને અન્યોને ખરાબ કહેવાની રીત ક્યાંય પહોંચાડતી નથી. એક વસ્તુ સતત સમજાઈ રહી છે કે જીવન વર્તુળ છે. જે બિંદુથી શરૂઆત કરી એ જ બિંદુ પર ફરતા-ફરતા આવવાનું છે. એટલે પ્રત્યેકે પોતાના બિંદુના પરિઘ પર પ્રદક્ષિણા આપતી વખતે શું કરવું અને શું નહીં એનું ધ્યાન જાતે પોતે રાખવાનું છે. ઈશ્વર, ફિલોસૉફી જેવી લાગતી જીવનની આ નક્કર વાસ્તવિકતાઓનો સામનો આજે કરવો છે. અમારી આટલી નબળાઈઓ અને અવગુણો પછી પણ તમે અમારા કેટલા બધા ગુના માફ કરીને પણ તમારાં હૂંફ અને છાંયડાને અકબંધ રાખો છો. એવી ઉદારતા અમને પણ આપોને. અમે પણ મોટું મન રાખી શકીએ, અમે પણ સંજોગો પ્રમાણે જાતને વેંઢારવાને બદલે જે યોગ્ય છે એ વાસ્તવિકતાને વધુ નિકટતાથી સમજવાની કોશિશ કરીએ.    

ઈશ્વર, અમને ખબર છે અને પૂરતો વિશ્વાસ પણ છે કે આખું જગત આડું ચાલતું હશે અને આખા વિશ્વમાં ક્યાંય પણ ક્ષણમાત્રની શાંતિ નહીં મળતી હોય એ સમયે પણ તું મારો રાહબર બનીને ઊભો હોઈશ. મારા વર્તુળમાં પણ કેટલાક એવા લોકો છે જેમને મારા પર અપાર શ્રદ્ધા છે, જેઓ મને આધીન થઈને જીવતા હોય છે. ભગવાન, મને શક્તિ આપજો કે ક્યારેક એ લોકો ભૂલ કરી બેસે ત્યારે હું પણ તમારી જેમ એ જતું કરીને તેમને હૂંફપૂર્ણ સહવાસ આપી શકું. હું ક્યારેય તેમને નોધારા મૂકીને માત્ર મારો જ વિચાર કરીને ચાલતી ન પકડું એટલું સાહસ અને એટલી સંવેદનશીલતા મને આપજે, પ્લીઝ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK