સ્મિતાએ બાળકના જન્મ પછી રાજ બબ્બરથી અલગ થવાનું નક્કી કરેલું?

સ્મિતાજીએ સઈદ મિર્ઝાને પત્ર લખીને એક પ્રશ્ન પૂછuો હતો કે શું ભવિષ્યમાં પણ તે પૅરેલલ સિનેમા માટે આટલી કટિબદ્ધતા રાખી શકશે?

smnita

કિનારે-કિનારે - સલિલ દલાલ

સમાજના આર્થિક રીતે મધ્યમ તથા નિમ્ન વર્ગની વાતો એ જ કમિટમેન્ટ સાથે અને ફૉર્મ્યુલાના ચક્કરમાં ફસાયા વગર આગવી રીતે કરવાનું તે ચાલુ રાખશે? સઈદભાઈ સૌ જાણે છે એમ પોતાની ફિલ્મોનાં નામ લાંબાં રાખનાર (આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યૂં આતા હૈ?, અરવિંદ દેસાઈ કી અજીબ કહાની, સલીમ લંગડે પે મત રો, મોહન જોશી હાઝિર હો!) અને સામાન્ય પ્રવાહથી અલગ પ્રકારની ફિલ્મો બનાવનાર સર્જક છે. તેમના પિતાજી અખ્તર મિર્ઝા રાજકુમારને અમર કરી દેનાર ‘વક્ત’ના ડાયલૉગ-રાઇટર! (રાજા કે ગમ કો કિરાએ કે રોનેવાલોં કી ઝરૂરત કભી નહીં પડેગી, ચિનોય શેઠ... જિનકે અપને ઘર શીશે કે હોં, વો દૂસરોં કે ઘર પર પત્થર નહીં ફેંકા કરતે!) સઈદ મિર્ઝાએ ટૂંકા નામવાળી  ટીવી-સિરીઝ ‘નુક્કડ’ પણ બનાવી હતી, જેમાં પણ તેમની ફિલ્મોની માફક મધ્યમ વર્ગની રોજબરોજની સમસ્યાઓને વાચા અપાતી હતી; પણ હળવી રીતે (તેમના ભાઈ અઝીઝ મિર્ઝાની બનાવેલી ‘સર્કસ’ સિરિયલ એ શાહરુખની કરીઅરની શરૂઆતની શ્રેણી). સઈદજીએ એક ટૂંકા નામવાળી ફિલ્મ વર્ષો પછી બનાવી અને એ ‘નસીમ’ને બે નૅશનલ અવૉર્ડ મળ્યા હતા! તેમને પડદા પર જોવાની તક અમિતાભ બચ્ચનની ‘દીવાર’ ફિલ્મમાં મળી હતી.

‘દીવાર’માંનો પેલો ફેમસ કૅન્ટીન-સીન જ્યારે અમિતાભ બચ્ચન આંખોમાં દૃઢ નિર્ધાર સાથે રહીમચાચાને કહે છે, જો પચીસ બરસ મેં નહીં હુઆ વો અબ હોગા.. અગલે હફ્તે એક ઔર કૂલી ઇન મવાલિયોં કો પૈસે દેને સે ઇન્કાર કરનેવાલા હૈ! અમિતાભ જે કૂલીની મારપીટ અને મોત પર અકળાય છે એ કૂલીનો નાનકડો રોલ સઈદ મિર્ઝાએ કર્યો હતો. યાદ છેને? એ કૂલી હપ્તાના બે રૂપિયા આપવાનો ઇનકાર કરતાં વારંવાર કહે છે, મૈં નહીં દૂંગા પૈસે, મૈં ક્યૂં દૂંગા?... એ સઈદભાઈને સ્મિતાએ પોતાના પત્રમાં પૂછેલો સવાલ કે સમાંતર સિનેમામાં તે ટકી શકશેને? એ કદાચ પોતાની જાતને પણ પૂછતાં હશે! કેમ કે એ દિવસોમાં જ ‘સ્પર્શ’ની દુર્ઘટના બની હતી. એવી સરસ ફિલ્મ પોતાના હાથમાંથી એ કારણસર જતી રહી હતી કે કમર્શિયલ સિનેમાની ભાષામાં તેઓ કહેવાતાં સ્ટાર નહોતાં. સ્મિતાનાં બહેનપણી અને લેખિકા લલિતા તામ્હણેના કહેવા મુજબ તો ‘સ્પર્શ’ના એ કમનસીબ બનાવ પછી સ્મિતા સળંગ આઠ દિવસ શોકભવનમાં રહ્યાં. એ પછી કોપભવનમાં આવી ગયાં અને ત્યારે બતાવી દેવાના મૂડમાં એક જ દિવસમાં સ્મિતાજીના પોતાના જ શબ્દોમાં બે સ્ટુપિડ-મોસ્ટ ફિલ્મો સાઇન કરી હતી!

એ દિવસોમાં સમાંતર સિનેમાને સમાંતર દોડતી કમર્શિયલ સિનેમાની પટરી પર શરૂ થયેલી સફર (?)માં અકબર ખાનની ‘હાદસા’નો પણ વાંધો નહોતો કે નહોતો મલ્ટિસ્ટારર ‘બદલે કી આગ’નો કે પછી રાજ બબ્બર સાથેની ‘તજુર્બા’નો અને ‘ભીગી પલકેં’નો પણ! રાજ બબ્બરે એક જમાનામાં ગૉસિપ-કૉલમોમાં આવતી વાતને ઠેઠ હમણાં ૨૦૧૬માં રજત શર્માની આપ કી અદાલતમાં શરમાતાં-શરમાતાં કબૂલ કરી હતી કે સ્મિતા પાટીલ સાથેની ફિલ્મોમાં તે પોતાની ફી અડધી કરી દેતા હતા. સ્મિતાજીને બૉક્સ-ઑફિસ પર સફળતા મેળવવાની ધૂનમાં એકાદ ઍક્ટર સાથે પોતાની જોડી જમાવવાની વ્યાવસાયિક ફૉર્મ્યુલાની આવશ્યકતા હોય (રાજ-નર્ગિસ કે ધર્મેન્દ્ર-હેમા માલિનીના દાખલા કાયમ ઉપલબ્ધ જ હોય છે). વધારામાં એ હીરોએ પોતાની ફીમાં કરેલા પચાસ ટકા ડિસ્કાઉન્ટનું પણ એ પરિણામ હોઈ શકે કે સ્મિતા-રાજની ફિલ્મોની યાદી આવડી લાંબી છે : તજુર્બા તથા ભીગી પલકેં ઉપરાંત શપથ, પેટ પ્યાર ઔર પાપ, કાનૂન મેરી મુઠ્ઠી મેં, આનંદ ઔર આનંદ, આજ કી આવાઝ, જવાબ, હમ દો હમારે દો, મેરા ઘર મેરે બચ્ચે, અંગારે, તીસરા કિનારા, દહલીઝ, ઇન્સાનિયત કે દુશ્મન, મર્ચિ મસાલા, અવામ, આકર્ષણ અને વારિસ.         

સ્મિતાજીના રાજ બબ્બર સાથેના સંબંધોથી ઘરનાં મોટા ભાગનાં રાજી નહોતાં એ હકીકતની જુબાનીઓ પણ હવે તો યુટ્યુબ પર ઉપલબ્ધ છે. સ્મિતાજીનાં મમ્મી અને પપ્પા તથા તેમની બહેનો સૌએ અલગ-અલગ ઇન્ટરવ્યુમાં એ સ્પષ્ટ કહેલું છે કે એક પરિણીત પુરુષ સાથે તેમના જોડાયેલા સંબંધનો સ્વીકાર કરવામાં કુટુંબને વાંધો નહોતો, પણ એ બધાં સ્મિતાજીને એક જ વાત સમજાવતાં હતાં કે એ વ્યક્તિ (રાજ બબ્બર) પોતાનાં પ્રથમ લગ્નમાંથી પહેલાં મુક્ત થાય, છૂટાછેડા લે પછી તેમની સાથે ઘરસંસાર માંડે તો આઈ-વડીલ સહિતના કોઈને પ્રૉબ્લેમ નહોતો. પરંતુ રાજ બબ્બરનું પ્રથમ લગ્ન પણ લવ-મૅરેજ જ હતું અને રાજ-નાદિરાની સ્ટોરી જાણીએ તો સમજાય કે એમાંથી અલગ થવું રાજ બબ્બર માટે સરળ નહોતું. એ સમયે આખા પ્રકરણમાં તેમનાં પત્ની નાદિરાજીએ મીડિયાના આર્ય વચ્ચે પોતાના પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધ વિશે કોઈ ઊહાપોહ પણ નહોતો કર્યો!  

નાદિરા બબ્બરે સંજોગો સામે પોતે જ શરણાગતિ સ્વીકારી હતી. તેમનો મત બહુ સ્પષ્ટ હતો (મારા માટે મારાં બાળકો અને પરિવાર મારી જાત કરતાં વધારે મહત્વનાં છે). એને લીધે ઇંગ્લિશ મૅગેઝિનોએ તેમને પગલુછણિયા (ડોરમૅટ) જેવું ઉપનામ આપ્યું. મતલબ કે પતિના લગ્નેતર સંબંધોના સંજોગોમાં મૉડર્ન જમાનાની એક એજ્યુકેટેડ વુમનની માફક હસબન્ડને છોડીને અલગ રહેવાને બદલે તે પગલુછણિયાની માફક ઘરમાં પડી રહે છે, જેના પર પગ મૂકીને પતિ મન ફાવે ત્યાં અને ત્યારે આવે ને જાય છે! નાદિરાએ રાજ બબ્બર સાથે લગ્ન કર્યાં ત્યારે રાજ નાટકોના એક સ્ટ્રગ્લર હતા, જ્યારે નાદિરાજી એક માક્ર્સવાદી અને રંગકર્મી સજ્જાદ ઝહીરનાં પુત્રી હતાં. સજ્જાદજી ઑક્સફર્ડમાં લૉ ભણી આવ્યા હતા. છતાં વકીલાત કરવાને બદલે મુંબઈમાં ડાબેરીઓના કર્મસ્થાન સમા પ્રોગ્રેસિવ રાઇટર્સ અસોસિએશનની શાખા લખનઉમાં શરૂ કરી હતી. તેમને ત્યાં વઝીર મંઝિલમાં  કૈફી આઝમી અને ઇસ્મત ચુગતાઇ જેવાં લેફ્ટિસ્ટ કર્મશીલોની આવનજાવન સામાન્ય હતી. જ્યારે ઝહીરપરિવાર દિલ્હી શિફ્ટ થયો ત્યારે નાદિરા નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં દાખલ થયાં.

NSDમાં એ સમયે તખ્તાના મોટા ભાગના કલાકારોના આદરણીય ગુરુ એવા ઇબ્રાહિમ અલકાઝીના નિર્દેશનમાં મળેલી ટ્રેઇનિંગને યંગ નાદિરાએ એવી તો આત્મસાત કરી કે તાલીમના અંતે ૧૯૭૧માં તેમને શ્રેષ્ઠ વિદ્યાર્થિનીનો ગોલ્ડ મેડલ મળ્યો અને એને લીધે જર્મની જવાની સ્કૉલરશિપ પણ મેળવી. એ જ NSDમાં આગરાથી ગ્રૅજ્યુએટ થઈને આવેલા અને પોતાનાથી ચાર વર્ષ નાના એવા ઍક્ટર રાજ બબ્બરના પરિચયમાં તે ૧૯૭૫માં આવ્યાં. તે બન્નેએ એક નાટક ભજવ્યું જસમા ઓડણ. એના કારણે થયેલી ગાઢ દોસ્તીને પગલે પાંચ જ મહિનાના સંવનન પછી બન્ને પરણ્યાં. સાચી વાત તો એ હતી કે એ વખતે દિલ્હીના એક VIP ઘરની છોકરી સાથે રાજ જેવા સંઘર્ષશીલ કલાકારનાં લગ્ન થયાં હતાં. એ પછીના દિવસોમાં રાજે તેમનાં સાસુને મળેલા એક સરકારી મકાનમાં રહીને પોતાનું લગ્નજીવન શરૂ કર્યું હતું અને ૭૬માં તો પ્રથમ સંતાન એવી પુત્રી જુહીનો દિલ્હીમાં જન્મ.

સ્મિતા પાટીલ વિશે લખતી વખતે નાદિરાજીને અન્યાય ન થઈ જાય એ આશયથી તેમના વિશેનો આ અછડતો પરિચય. તેમના દામ્પત્યજીવનમાં સ્મિતાજીના આડકતરા આગમનથી થયેલી ઊથલપાથલ પણ નજર બહાર ન રહેવી જોઈએ. હકીકતમાં તો જ્યારે સ્મિતા પાટીલ અને રાજ બબ્બરના સંબંધોની વાતો ૮૦ના દાયકાની શરૂઆતમાં મીડિયામાં આવવી શરૂ થઈ ત્યારે નાદિરા તો પોતાના પતિને સાથ આપવા મુંબઈ આવ્યા પછી ૧૯૮૧માં જન્મેલા પોતાના બીજા સંતાન (પુત્ર-આર્ય)ના પ્રારંભિક લાલનપાલનમાં લાગેલાં હશે. એ જ વર્ષે રાજ બબ્બરના આર્થિક રોકાણ સાથે પોતાની નાટ્યસંસ્થા એકજુટની સ્થાપના પણ નાદિરાજીએ કરી. એનો પણ યોગ્ય ઉછેર કરવાનો હતો. એ દિવસોમાં એ સંસ્થા એકજુટમાં કામ કરનારા કલાકારોમાં અનુપમ ખેર, સતીશ કૌશિક, કિરણ ખેર, અનીતા કંવર વગેરે પણ હતાં; જે સૌ NSDમાંથી પાસ થયા પછી મુંબઈમાં પગ જમાવવાની કોશિશ કરતાં હતાં. એ સંજોગોમાં જ્યારે સ્મિતા પાટીલ સાથેના રાજ બબ્બરના લગ્નેતર સંબંધની ચર્ચાઓ મૅગેઝિનોમાં આવતી હશે ત્યારે નાટકો તૈયાર કરતી એક જાહેર સંસ્થા એકજુટના વડા તરીકે પણ પોતાના આર્ટિસ્ટો સામે નાદિરાજીની હાલત કેવી મૂંઝવણભરી (એમ્બૅરેસિંગ) થતી હશે?

એ મૂંઝવણનો અંદાજ સ્મિતાજીને પણ આવ્યો હશે જ, કેમ કે રાજ બે નાવમાં સફર કરી નહીં શકે અને પ્રથમ હોડી છોડી નહીં શકે એ સ્પષ્ટ થતું હતું. સ્મિતા-રાજનાં લગ્નની કોઈ ઑફિશ્યલ જાહેરાત વગર સ્મિતાજીની સગર્ભાવસ્થાની સ્થિતિ બહાર આવી એ બરાબર શ્યામ બેનેગલની ‘ભૂમિકા’ ફિલ્મના સીનનું વાસ્તવિક જીવનમાં ઉતરાણ હતું. (‘ભૂમિકા’માં વનરાજ ભાટિયાના સંગીતનો અને કમ સે કમ એક કરતાં વધુ વખત આવતી ક્લાસિકલ રચના મોન્દર બાજો રે...નો ઉલ્લેખ કર્યા વિના આગળ ન વધી શકાય). સ્મિતા પાટીલ માટે પડદા પરની વાર્તાનો એક હિસ્સો અસલી જિંદગીમાં અનુભવવાનો થતો હોય એવા એ સંજોગો હશે. ‘ભૂમિકા’માં પણ એક અભિનેત્રીની જ વાર્તા છે. એ ફિલ્મ મરાઠી સિનેમાનાં એક જમાનાનાં સ્ટાર હંસા વાડકરની આત્મકથા ‘સાંગતે અઇકા’ પર આધારિત હતી. એમાં એક તબક્કે ઉષા (સ્મિતા પાટીલ)ને તેમનાં મમ્મી (સુલભા દેશપાંડે) કહે છે કે મેરે જીતે જી તૂ કેશવ (અમોલ પાલેકર) સે શાદી નહીં કર સકેગી ત્યારે સ્મિતાજીનો જવાબ હોય છે, તો મેરે પેટ કા બચ્ચા બિન બાપ કા કહલાએગા! શું ‘ભૂમિકા’ના એ સીન જેવી કોઈ સ્થિતિ પાટીલપરિવારમાં થઈ હશે? અને સમાધાન તરીકે એક એવો ઇલાજ શોધાયો હશે જેને લીધે માતાના અબોલા તૂટ્યા હશે? કારણ કે એક જાણીતાં મહિલા નિર્દેશકના  કહેવા પ્રમાણે તો સ્મિતાએ બાળકના જન્મ પછી રાજ બબ્બરથી અલગ થઈ જવાનું નક્કી કર્યું હતું!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK