સંવેદનનો એક્સ-રે

હિંમતનગરમાં રહેતા કવિ રમેશ પટેલ વ્યવસાયે ઍડ્વોકટ છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા


તેમણે ૧૧૧૧ શેરની ર્દીઘ ગઝલ -તો પણ ગમે લખી છે. કવિતા ઉપરાંત અખબારની કટાર, લઘુનવલ, નાટક, હાસ્ય સાહિત્યમાં તેમની કલમ વિહરતી રહી છે. તેમના ગઝલસંગ્રહ ક્ષ કિરણમાંથી થોડાક એક્સ-રે રિપોર્ટ સમજવાનો પ્રયાસ કરીએ. 

પરિચય ક્યાં કશો છે કોઈને તારા નગરમાં પણ

નિહાળું પ્રેમપૂર્વક તો મને સહુ પર્સનલ લાગે

જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. કેટલીક નજર પ્રત્યેક ચીજમાંથી પોરા કાઢવાની ટેવ ધરાવે છે તો કેટલીક નજર સારપને માથે ચડાવે છે. ખામીઓ દર્શાવવામાં મોટા ભાગે નિસબત કરતાં અહંકાર ઉપરવટ થઈ જતો હોય છે. 

અહીં વિખવાદ ને વિભાજનો માણસ કરે કેવાં!

ગણતરી ભેદભાવોની ફરિશ્તામાં નથી હોતી


આપણે ધર્મના આધારે છૂટા પડ્યા. નાતજાત ને જ્ઞાતિને કારણે છૂટા પડ્યા. આપણે પ્રદેશ અને ભાષાને કારણે જુદા પડ્યા. છૂટા પડવું અને જુદા પડવું એ બન્નેમાં ફરક છે. આપણે એક ક્યારે થઈશું એવી વાત કોઈ પૂછે તો માથું શરમથી ઝૂકી જાય.

જાગીને જોઉં બધે તો કંઈ પણ દીસે નહીં

હું નરી આંખે નિહાળું ને છતાં સૂરદાસ છું


આંખ આડા કાન કરવા પડે એવી અનેક ઘટનાઓ બની રહી છે. ઘરેલુ શોષણ હોય કે સામાજિક દૂષણ, સાંપ્રદાયિક વાડાબંધી હોય કે રાજકીય ચડસાચડસી, નબળા વર્ગને દબાવવાની માનસિકતા હોય કે ફરજ પ્રત્યેની લાપરવાહી; આ બધા કિસ્સાઓ હોલસેલના ભાવે બની રહ્યા છે. એમાં પણ નારી સન્માનને ઠેસ પહોંચાડી તેમને શારીરિક કે માનસિક રીતે ખતમ કરી નાખતી ક્રૂર ઘટનાઓ ભયજનક છે. કેટલાક કિસ્સામાં તો પોલીસ સ્વયં એને ટાળવાની કોશિશ કરે છે.

દ્રૌપદીની લાજ લુંટાતી રહે

કૃષ્ણ પણ જોયા કરે એવું બને


ઉત્તર પ્રદેશ સરકારે છેલ્લા એક વર્ષમાં સપાટો બોલાવ્યો. અસામાજિક તત્વો પ્રત્યે કરડી નજર કરીને જ્યાં જરૂર લાગી ત્યાં તેમને રામશરણ કરી દીધા. શિક્ષણ માફિયાના કરોડોના ધંધામાં સોપો પડી ગયો. કોઈ કરાટે ચૅમ્પિયન ઈંટોની થપ્પીને તોડે એમ પેપર સેટિંગ, પ્રશ્નપત્રની ચોરી, ઉત્તરવહીની તપાસણી, માર્કની ગણતરી, પરિણામ, સર્ટિફિકેટ સુધીની મિલીભગતને તોડવામાં આવી. સત્તા પાસે સંકલ્પશક્તિ હોય તો ઘણંા કરી શકે. પ્રજાને એવો રાજા જોઈએ, જે બે હાથે ઉસેટવાને બદલે બે હાથથી રક્ષણ કરે.     

ડુબાડો કે પછી તારો તમારા હાથમાં છે એ

તમે થાઓ સુકાની તો અમે સાગર તરી જઈશું


ભારતની જનતાએ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને વિજેતા બનાવ્યા. ત્યાર પછી ભ્રક્ટાચારની ભેંસ ખૂંટે બંધાઈ અને દર અઠવાડિયે બહાર પડતાં કરોડોનાં કૌભાંડોને બ્રેક લાગી. જો પ્રજા ૨૦૧૯માં રાહુલ ગાંધીને ભૂલેચૂકે પણ ચૂંટશે તો તોતિંગ ભ્રક્ટાચાર પર મૂકાયેલી બ્રેક પરથી પગ સીધો ઍક્સેલરેટર પર જ જવાનો. ખણખણતી ખાયકી ઉપરાંત અનિર્ણાયકતા, વિલંબિત કાર્યવાહી, અધૂરી ધગશ, ખંડિત વિઝન, પાંગળું આયોજન, લઘુમતી પંપાળ, સત્તા વગરની સેના, માનવાધિકારની માથાકૂટનો ઇતિહાસ પાછો આપણા લમણે વાગશે. દરેક પ્રજા પોતાનું ભાગ્ય પોતે જ ઘડતી હોય છે. કપાળે ઢીમચું જોઈએ છે કે લેપ એની પસંદગી આપણે જ કરવાની છે. દેશને મોહપુરુષની નહીં, લોહપુરુષની જરૂર છે.

લે ખડકી દે તું ક્રૂર થઈને આજ વ્યથાઓના ડુંગર

હું છપ્પનની છાતી લઈને અલમસ્ત થઈને બેઠો છું


દરેકનો એક દાયકો હોય. એમાં શ્રેષ્ઠ દેખાવ કરી સામર્થ્ય પુરવાર કરવાનું હોય. જો આ સમય માત્ર ને માત્ર વિસંવાદી ચર્ચાઓમાં જ વીતી જાય તો કશું નક્કર પરિણામ મળે નહીં. આક્રમક ચર્ચાઓના અંતે સાર ન નીકળે તો એ માત્ર ચૂંથણાં બનીને રહી જાય. કેટલીક વાતો ખરેખર કષ્ટદાયક હોય છે.   

સતત આ કૂંપળો ને પાંદડાં ખરતાં રહે છોને

અહીં લીલપ ખરે છે એ જ કેવળ કષ્ટદાયક છે

હજારો માનવી છોને મરણ પામ્યા કરે જગમાં

અહીં ઈશ્વર મરે છે એ જ કેવળ કષ્ટદાયક છે


કાશ્મીરમાં પ્રકૃતિ સ્વરૂપે વ્યાપ્ત ઈશ્વર કદાચ ત્ઘ્શ્માં કણસી રહ્યો છે. ડૉક્ટર બદલાતા જાય છે, પણ રોગ મટતો નથી. જન્નતને જહન્નમ બનાવવામાં પાકિસ્તાન, અલગાવવાદીઓ અને દેશદ્રોહીઓ ગળાડૂબ છે. કલાપી જ્યારે કાશ્મીર ગયા હતા એ કાશ્મીર કેવું હશે એની તો માત્ર કલ્પના જ કરવી રહી. શાયર કહે છે તેમ કદાચ આવું હોઈ શકે...

જુઓ પ્રકૃતિની અજબ મોજ-મસ્તી

ઢળે સાંજ હરદમ ગુલાબી ગુલાબી

નગર શ્રીનગર આ અતિભવ્ય લાગે

મળે કોઈ હરદમ ગુલાબી ગુલાબી


શ્રીનગરનો ગુલાબી રંગ લાલ બની ગયો છે. માનવતાવાદના કટ્ટર વિરોધી અને ધર્મવાદ-સામ્રાજ્યવાદનો પ્રખર હિમાયતી એવા આતંકવાદનું અટ્ટહાસ્ય વધતું જાય છે. એક પ્યાદું મરે તો બીજું ખપવા તૈયાર જ હોય. વજીર અને રાજાને સુપેરે ખબર છે કે જ્યાં સુધી પ્યાદાં રમતાં હશે ત્યાં સુધી તેમને કોઈ વાંધો નહીં આવે. એક વ્યાવસાયિક ઇન્ડસ્ટ્રીની જેમ ચાલતો આતંકવાદ એકવીસમી સદીને લાગેલું ધર્મ-ગ્રહણ છે.

આમલીના વૃક્ષ પરનું ભૂત પણ

માનવીની વાતથી ડરી ગયું


મંદિર તૂટી પડે તો ઇમારત ઊભી થઈ શકે, શ્રદ્ધા તૂટી જાય તો એને સાંધવા સદીઓ પણ ઓછી પડે. માનવતા પરથી શ્રદ્ધા ઊઠી જાય એવા ગમખ્વાર સમયમાં પણ જિંદગી તો આગળ વધવી જ જોઈએ. હતાશા ઘેરી વળે એ પહેલાં આશાના તાંતણે આપણે શ્વાસના મિનારાને ટકાવવો તો પડશે જ.

શક્ય છે સૂરજ સવારે ના ઊગે છતાં

રાત્રિ તણા કેવળ વિચારોથી ડરો નહીં


રામરાજ્ય તો શું, રામરાજ્યની કલ્પના પણ દૂર છે. છતાં પરમનિયંતા પાસે સતયુગી ચૈતન્ય માગી લઈએ. 

જો મને વરદાન દેવું હોય તો દે એટલું

જે સમય ચાલી ગયો છે એ હવે પાછો વળે

કયા બાત હૈ


પ્રીતનો સંદર્ભ કંઈ ઓછો નથી

એમનો સંપર્ક કંઈ ઓછો નથી

પથ્થરોને ચેતના આપી શકે

એ નજીવો સ્પર્શ કંઈ ઓછો નથી

હું પીડાનો વૈભવી સમ્રાટ છું

આટલો ઉત્કર્ષ કંઈ ઓછો નથી

આંખ ભીની થાય છે કારણ વગર

આ ક્ષણોમાં હર્ષ કંઈ ઓછો નથી

જાતથી લડતો રહું આઠે પ્રહર

ભીતરે સંઘર્ષ કંઈ ઓછો નથી

જે યુગોના મૌનને તોડી શકે

એક એવો શબ્દ કંઈ ઓછો નથી

હું તને ચાહું - ન ચાહે તું મને

આપણામાં ફર્ક કંઈ ઓછો નથી

છે નિરર્થક હર અભિવ્યક્તિ છતાં

જિંદગીનો અર્થ કંઈ ઓછો નથી

આંખ સામે મોત નાચે છે ભલે

શ્વાસથી સંબંધ કંઈ ઓછો નથી

- રમેશ પટેલ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK