મનોરંજનથી મનોમંથનની દાયકાની જાત્રા કોશિશથી કામિયાબી સુધીની વાર્તા

૯૫૪માં ઠાકરપરિવારમાં ટપકી પડેલું અદ્ભુત મૉડલ.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

સુભાષ ઠાકર. ૧ શરીરનો વિકાસ થયો ને પાંચમા ધોરણમાં મને ભવ્ય ભેંકડા સાથેની ટિંગાટોળી કરી સ્કૂલમાં લઈ ગયા, પણ એ જ સ્કૂલવાળા થોડી વારમાં તો એવી જ ટિંગાટોળી કરી પાછા મૂકી ગયા ને બાપુજીને દાદાગીરીથી કીધું, ‘ખબરદાર, જો બીજી વાર તમારા કુટુંબમાંથી કોઈ પણ નબીરાને સ્કૂલની આજુબાજુ પણ ટાંટિયો મૂકેલો જોયો તો માકસમ આખી બૉડી ટાંટિયા વગરની બનાવી દઈશું, સમજ્યા?’

‘કેમ? કેમ? કેમ? કેમ?’

‘અરે એમ ચાર વાર કેમ પૂછી મગજની નસ ન ખેંચો. તમારા પ્રોડક્શનને જ પૂછો.’

‘સુભાષ બેટા, સ્કૂલમાં તંે એવા તે કેવાં પરાક્રમ કર્યાં કે આવતાં-જતાં બે વખત ટિંગાટોળી...’

‘અરે માય ડિયર ફાધર, એ લોકોએ પૂછ્યું બાટલો અને બાટલીમાં શો ફેર? ને મેં માત્ર એટલું કીધું કે બાટલો ચડાવવો પડે ને બાટલી ચડી જાય. આટલો જવાબ. એ બધા મારા પર ચડી ગયા. ખબર ન પડી સાલું ક્યાં બફાયું ને તરત જ...’

‘ટિંગાટોળી કરી પાછા મૂકી ગયા એમ જને?’

‘ના બાપુ ના, મૂળ કારણ તો એ લોકોએ મને તરત જ પૂછ્યું, મોટો થઈને શું બનીશ? પાંચ મિનિટ સુધી સ્મશાનવત શાંતિ છવાઈ એટલે ફરીથી પુછાયું, બોલ, ભવિષ્યમાં શું બનીશ? પાંચ સેકન્ડના મનોમંથન કરી જવાબ આપ્યો, આળસુ. બધા ચમક્યા, આïળસુ? અરે તો પાંચ મિનિટ સુધી બોલ્યો કેમ નઈ? હું બોલવા જ જતો હતો, પણ પછી આળસ આવી. મને એમ કે બોલાય છે, શું ઉતાવળ છે? બસ, મારા આ જવાબથી ભડક્યા અને ટિંગાટોળી કરી મૂકી ગયા.

‘પણ તારે કંઈક બોલવું જોઈએને? આળસુ બોલાય?’

‘શું બોલું ડિયર બાપુ. હું કેટલો નાનકો. મન અને બુદ્ધિ વચ્ચે હજી મિત્રતા બંધાઈ નહોતી. ને યુ નો મન તો ડફોળ છે. એને તો કંઈ પણ બનવાના ધખારા ઊપડે. પણ બુદ્ધિએ પાછળથી કીધું, સ્ટૅચ્યુ. સ્ટૉપ ઇટ. કંઈ પણ બનવું હોય તો સંભાળીને બનજે. ફસાવાનું તો છે જ. બાપુ, આ ઈશ્વરે પેટ લઈને મોકલ્યા છે એટલે કંઈક બનવું તો પડશેને? ને કોઈને બનાવવા પણ પડશે. ડિયર બાપુ, શું બનીએ તો સારું એનું જ્ઞાન ક્યાં હતું. રોગ મટાડે તે ડૉક્ટર, ઝઘડા મિટાવે તે વકીલ, કર બચાવી આપે તે CA. કપડાં સીવે તે દરજી. અનાજ ઉગાડે તે ખેડૂત ને એ અનાજ પેટ સુધી પહોંચાડે તે વેપારી. આ બધી ખબર, પણ આમાંથી શું બનવું એ તો ખબર પડવી જોઈએને?’

‘પણ તારે કહેવું જોઈએ કે ડૉક્ટર અથવા વકીલ કે વેપારી.’

‘બાપાનો માલ છે? રોજના તમારા ચાર મહેમાન પૂછે કે કેમ આવા ગળી ગયેલા કેળા જેવો થઈ ગયો? તબિયત બરાબર છેને! ને હું ડૉક્ટર બનુંïïïïïï? અરે કોઈ નાની ટપલી મારે હું નીચે પડી જઉં, તો ઝઘડા તંબૂરામાંથી મટાડું? અરે બાપુ, હું જમતો હોઉં ત્યારે જે ખેતરમાંથી અનાજ આવ્યું એ ખેડૂતના ઘરનાને પેટ ભરવા જેટલું અનાજ તો મળતું હશેને એવા વિચાર આવે. તો હું વેપારી કેમ બનું? ડૉક્ટર બનું તો લોકો વધુ બીમાર પડે એવું ઇચ્છું ને વકીલ બનું તો વધુ ઝઘડે એવી ઈશ્વરને પ્રાર્થના કરું. હું સમજું છું કે આવા ગંદા વિચાર મને ન શોભે, પણ મજબૂરી. એ તો સારું છે બાપુ કે મગજમાં પ્રગટ થયેલા વિચારો બહાર વાંચી શકાતા નથી. નઇતર લોકો મને મારી-મારી અધમૂઓ કરી નાખે. બાપુ, હું હાસ્ય-કલાકાર...’

‘ચૂપ બિલકુલ ચૂપ. તારા ટ્રાયલ બેઝ પર દરેક જોક પછી કહેવું પડતું, અહીં જોક પૂરો થયો, હવે બધા હસો. છતાં કોઈના ચહેરા પર રૂપિયાના નાના સિક્કા જેટલું સ્માઇલ આવતું નહોતું ને ઉપરથી ક્રોધિત મુદ્રા ધારણ કરતા ને આપણે સામેથી પુરસ્કાર આપવો પડતો. યાદ કર કેટલીક સંસ્થાઓ તો ખીસામાંથી કાઢી લેતી. મહેરબાની કરી...’

એટલામાં મારો મોબાઇલ રણક્યો. ‘મિડ-ડે’માંથી રાજેશ થાવાણી - જરા મળી જશો?

ભાવભીના આમંત્રણથી હું ભાવવિભોર બની ગયો. ‘તમે ‘મિડ-ડે’માં કૉલમ લખશો?’

‘અરે હું હાસ્યકલાકાર છું, પણ હાસ્યલેખક નથી. પ્લીઝ.’

‘ઠાકર, તમારા મગજમાં શું ચાલે છે એની તમને ખબર હશે, પણ હૈયાના વૈભવની અમને ખબર છે. મિડ-ડે તક આપે છે. એ તક તકદીર બદલી નાખે.’

પૈસો ને પ્રતિષ્ઠા કોને વહાલાં નથી હોતાં? હૈયાનો હરખ અને મનની મૂંઝવણ સાથે બાપુજીને કહી દીધું, ‘હું હાસ્યલેખક બનીશ. મોટા હાસ્યલેખકોમાં મારી ગણતરી થશે.’

‘બેટા, તું ચેક પર સહી પણ બરાબર નથી કરી શકતો તો તને હાસ્યલેખક માનશે કોણ?’

‘બાપુ, હજી તમે મારા લેખકના જ્ઞાન વિશે અજ્ઞાન છો. આ તો હું મોડો જન્મ્યો, બાકી તુલસીદાસની જગ્યાએ મેં ત્રણ રામાયણ લખ્યાં હોત. મિની, મીડિયમ, ફુલ સાઇઝ. મિનીમાં એક વર્ષમાં જ રામ જંગલમાંથી બધા સાથે પાછા આવી ગયા હોત. મીડિયમમાં મેં રામ-લક્ષ્મણ-સીતાની સાથે ઊર્મિલાને પણ વનમાં મોકલી હોત. ને લક્ષ્મણ ક્રોધિત હોવાથી યુદ્ધ બહુ લાંબું ચાલ્યું ન હોત. પાંચ વર્ષમાં વાવટો વીંટી લીધો હોત ને ફુલ સાઇઝમાં રાવણ સાથે યુદ્ધ, હનુમાનજીની એન્ટ્રી, સીતા બચાવ આંદોલન, લંકાદહન, સીતાનું ધરતીમાં સમાવું બધું હોત.’

‘આવાં પુસ્તકો ઊંચકાય નઈ, લોકો આપણને ઊંચકી સ્મશાને પહોંચાડે સમજ્યો?’

‘અરે, તમે તો કમાલના બાપ છો. દીકરાને પ્રોત્સાહન આપવાને બદલે પીછેહઠ કરાવો તો મને આપઘાત કરવાનું મન થાય એવો આઘાત લાગે કે નઈ? (તમે તો હા પાડવાના, કારણ કે મરવાનું મારે છે.) જુઓ બાપુ, જેમ ટૂથપેસ્ટમાંથી નીકળેલી પેસ્ટ પાછી જતી નથી એમ હવે હું પાછી પાની નઈ કરું. કવિ નર્મદે પણ કીધું છે કે ડગલું ભર્યું કે ના હટવું. એટલે લેખક...’

‘અરે ડોબા, નર્મદ તો કહે. તે કંઈ તારી માસીનો દીકરો નથી, તારા દાદા નથી. તે જો જીવતો હોત તો બધાં ડગલાં પાછાં ખેંચી લીધાં હોત અને દર અઠવાડિયે કયા તગારામાંથી લેખ કાઢશો?’

‘મગજના તગારામાંથી. બાપુ મહાન લેખકોની યાદીમાં મારું નામ ઉમેરાય એવું ઇચ્છતા જ નથી. એક લેખ લખી તો જુઓ, લખવા માટે અહીં તો સમયને રેડવો પડે. મગજને વલોવી, માખણ કાઢી, એનું ઘી બનાવી કાગળ પર મઠારી ઢાળવું પડે ત્યારે માંડ-માંડ એક રચના કાગળ પર લખાય. પણ જવા દો બાપુ, ખિસકોલી શું જાણે સાકરનો સ્વાદ. મિત્રો, આ બધું હું મનમાં બોલ્યો નઈતર બાપુજી જોડે છત્રીસનો આંકડો બોતેરમાં પલટાઈ જાય ને કહેવત પલટાઈ જાય કે માવતર કમાવતર થાય, પણ છોરુ કછોરુ ન થાય.’

મિત્રો, તા. ૯-૨-૨૦૦૮થી ૧૧-૨-૨૦૧૮ સુધીની આ સફળ યાત્રાનો યશ આપ સૌને જાય છે. મનોરંજનથી મનોમંથનની આ યાત્રાની માતા ‘મિડ-ડે’ છે ને પિતા આપ સૌ વાચકો છો. એ બાળકનું આપે જતન કરી દસમા વર્ષ સુધી પહોંચાડ્યું એ બદલ આપ સૌનો આભાર. આજે ચોક્કસ કહીશ મનોરંજનથી મનોમંથનની દાયકાની યાત્રા. કોશિશથી કામિયાબી સુધીની વારતા. ને વહાલા, એમાં ભૂલો પણ થવાની. ઈશ્વરનાં પણ બધાં સર્જન ક્યાં મજાનાં હોય છે?

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK