આખી જિંદગી સગપણ

ખલીલ ધનતેજવીના બે નવા ગઝલસંગ્રહ ‘સગપણ’ અને ‘સાંવરિયો’ની લોકાર્પણયાત્રા ગુજરાતનાં વિવિધ શહેરોમાં ચાલી રહી છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા


આજે વડોદરામાં એનું લોકાર્પણ થવાનું છે ત્યારે ૮૩ વરસે અડીખમ આ શાયરને તેમના ગઝલસર્જન બદલ નવાજીએ. ગુજરાતી અને ઉદૂર્માં  મુશાયરાઓ ગજાવતા આ લિવિંગ લેજન્ડના સંગ્રહ ‘સગપણ’માંથી થોડી સંવેદના વહેતી કરીએ...

આજ પાછો રવિવાર આવી ગયો

પાછો મળવાનો તહેવાર આવી ગયો

જો ખલીલ એની ચાહતની તાસીર જો

જિંદગીમાં ભલીવાર આવી ગયો


રવિવાર એટલે વિરામ. સોમથી શનિની ભાગદોડ પછી રવિવારનો બ્રેક આવશ્યક છે. ઘર સાથે સમય ગાળવા અને વહાલનો વિસ્તાર કરવા નિરાંત તો જોઈએ. જિંદગીમાં ભલીવાર કોઈ પ્રિયજનને કારણે આવે છે. અન્યથા જીવન ટુકડાઓમાં વિખેરાયેલું લાગે. શહેરના માણસ માટે તો વિખરાવું જિંદગીનો એક હિસ્સો બની જાય છે...

ફ્લૅટમાં ઓસરીને શોધું છું

ઓટલા ઓટલીને શોધું છું

હું તને તો અનેક ચ્હેરામાં

પાંપણો પાથરીને શોધું છું


ગામની મોકળાશ શહેર પાસે નથી. શહેર ઊંચાઈ વધારી શકે, પણ બાહુપાશ ફેલાવવામાં ફસાઈ જાય. મુંબઈ જેવા શહેરની મોટા ભાગની વસ્તી માટે સાંકડી જગ્યા કુંડળીમાં લખાઈને જ આવી હોય છે. ચાલમાં ને ઝૂંપડપટ્ટીમાં રહેતા લાખો માણસો માટે ડ્રૉઇંગરૂમ, બેડરૂમ, કિચન એવા વિભાગ હોતા નથી. એ બધા માનસિક રીતે કેળવવા પડે. ગામના ઓટલાની નિરાંતને અહીં સ્થાન નથી. શાયર સ્વજનને અને વતનને યાદ કરે છે...

સાવ અધ્ધરતાલ ના દઈએ વચન જોવું પડે

માતૃઘર જોવું પડે પિતૃસદન જોવું પડે

ઈદ કે દિવાળી જેવા વારતહેવારે કદી

બાર મહિને બાપદાદાનું વતન જોવું પડે!


શહેરની આબોહવામાં જ આયુષ્ય પાર પાડવાનું હોય ત્યારે ઘણા લોકો માટે વતન જાણે પરદેશ બની જાય છે. અંગત સ્વજન ન હોય તો વેકેશનમાં પણ વતન જવાનું પ્રલોભન રહેતું નથી. શહેરમાં જગ્યા ઓછી પડતી હોય અને ગામમાં જગ્યા એમ ને એમ પડી હોય. આમાં કોઈ કટ-પેસ્ટ ટેક્નિક કામ લાગતી નથી. જેમ બીજા ગ્રુપનું બ્લડ ઉફરું પડે એમ શહેરની હવાને ગામમાં સોરવે નહીં અને ગામ તો શહેરની હાડમારી જોઈને હેબતાઈ જાય. પરાણે આવું કશું કરવાનો પ્રયત્ન કરીએ તો કદાચ આવો પ્રત્યાઘાત આવી શકે...

કાળજે ભોંકાશે કાચી ઊંઘના ટુકડા તને

ખૂબ સુંદર સ્વપ્નામાં અધવચ્ચે તું જાગી તો જો


કાચી ઊંઘ પાસે કળતરની પીડા હોય છે. વાસ્તવિકતામાં સારું બનતું જ ન હોય અને સપનામાં બની રહ્યું હોય ત્યારે ઊંઘનું બટકવું બૅટરી ઊતરેલા મોબાઇલની જેમ લાચાર બનાવી દે. પીડા અને ચિંતા બે સખીઓ છે. આપણને ખબર ન પડે એમ એમનું ગઠબંધન અર્ધજાગૃત મનમાં પણ સામ્રાજ્ય જમાવતું હોય છે... 

પાંદડું, પરપોટો, ઝાકળ, અશ્રુઓ અથવા હ્રદય

કોણે સૌના તૂટવાની પીડા જાણી છે કદી


કેટલીક પીડા પાસે તો સણકા પણ હોતા નથી. જિંદગી કોઈ એવા વળાંકે મૂકી દે કે સ્તબ્ધતા સિવાય કોઈ સંપર્ક બચે નહીં. શાયર એક એવી સમસ્યાની વાત કરે છે જે સમાજ માટે કલંકરૂપ બની ચૂકી છે...

દીકરાએ તો ધકેલી માને ઘરડાઘર ભણી

તોય એ મા દીકરા માટે દુવા કાયમ કરે


ઈશ્વરે સ્ત્રીને આપેલી સૌથી સુંદર ભેટ એટલે માતૃત્વ. મા પાસે વાત્સલ્યની મૂડી હોય છે. નદી કદાચ સુકાઈ જાય, પણ માનું વાત્સલ્ય કદી ખૂટતું નથી. એને આઘાત લાગે તો પણ આંસુઓમાં છુપાઈ જાય. આઘાતને તે આક્રોશમાં પલટાવતી નથી. તેના દિલમાંથી તો સંતાન માટે કાયમ દુઆ જ નીકળે છે. પોતાના પિંડ માટે તે કોઈને ગણકારતી નથી...

લો તમારી સૂઝ પરખાવો મને

આંસુઓનો રંગ સમજાવો મને

મોતનું જોખમ મેં ગણકાર્યું નથી

મોતના નામે ન બીવડાવો મને


મૃત્યુ પાસે ફુલ પૉઇન્ટ નામની એક તલવાર હોય છે. પૂર્ણવિરામ એક નાનું ટપકું છે છતાં એની ધાક પ્રલંબ લયના ગીતની જેમ વિસ્તરે છે. કેટલાક લોકોને પણ આવી ધાક જમાવવાની આદત હોય છે. તેઓ પોતાની વગ, સત્તા, પહોંચનો ઉપયોગ કરીને નાના માણસોને દબડાવવાનું ચૂકતા નથી. અત્યાચાર તેમના માટે ગુનો નહીં, ગૌરવ હોય છે. બીજાને વશમાં રાખતા આવા લોકોને શાયર શીખ આપે છે...

રાખવા ચાહે છે તું આખા નગરને ધાકમાં

ખુદ તને પોતાનો તારો ડર હશે તો શું થશે!


આયનાને જવાબ આપવા સહેલા નથી. જે સિદ્ધાંત, નિયમ, વિચારધારાને આધારે તમે હઠપૂર્વક ચાલ્યા હો એ પચાસ વર્ષ પછી તમને નિરર્થક પણ લાગી શકે. એ વખતે અરીસો એવી લપડાક મારે કે અવાજ પણ ન થાય, કશું તૂટે પણ નહીં છતાં સોંસરો જખમ થાય. ત્યારે આવું કોઈ તારણ અટ્ટહાસ્ય કરતું સામે ધસી આવે...

તીખું તમતમતું અજવાળું શું કામનું

આંખ છોલી ગયા રોશનીના જખમ


કેટલાક જખમને ચીસ નથી હોતી. ફાંસની જેમ ધીમું-ધીમું ખૂંચ્યા કરે. રાડ પાડી જવાય એવું દુ:ખ ન હોય છતાં એક કસક એવી હોય જે ચૂભ્યા કરે. બે અંગત મિત્રોની જિંદગીને સરખાવો તો એક ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોય અને એક ત્યાંનો ત્યાં રહી ગયો હોય. પુરુષાર્થ બન્નેએ કર્યો હોય છતાં જે જુદું વિચારે છે એ બીબામાંથી છટકી શકે છે...

પરસેવો પાડે બધા પણ યશ ફક્ત એને મળે

કામ એ જે કંઈ કરે, નોખું કરે ધરખમ કરે


નોખાં કામ કરવામાં દુનિયા સાથે પનારો પાડવાનો છે. પ્રેમના કામમાં તો એક જણ કાફી છે. એક જણ હોવા છતાં આખી કાયનાત એની સામે ટૂંકી પડે. અબજોનું સામ્રાજ્ય, હજારો કર્મચારીઓ, મોટા-મોટા ડેલિગેટ્સ સાથે મીટિંગ, અનેક પ્રકારના બિઝનેસ, આફ્રિકાથી અમેરિકા સુધી ફેલાયેલો કારોબાર ધરાવતો ઉદ્યોગપતિ જ્યારે ઘરે આવે છે ત્યારે તેને આવી જ કોઈ અનુભૂતિ થતી હશે..

આખી દુનિયા મેં જોઈ નાખી છે

મારે તો તું જ મારી દુનિયા છે

સામ્રાજ્ય સામે સગપણ જીતે એ હર્ષનો વિષય છે.

સગા સૌ દોસ્તો મારા ને મારે દોસ્તી સગપણ

અદબથી જાળવી રાખીશ આખી જિંદગી સગપણ

છલોછલ રાખજો ઘરમાં નિખાલસતાનું અજવાળું

હંમેશાં આપશે સૂરજની તાજી રોશની સગપણ


ક્યા બાત હૈ


જિંદગી હું ધારું છું

એ રીતે ગુજારું છું

તમને ક્યાં મઠારું છું

હું મને સુધારું છું

હું દુવાઓ માટે પણ

હાથ ક્યાં પસારું છું

એ મને ભૂલી બેઠાં

હું હજી વિચારું છું

ક્યાં ડરું છું આંધીથી

આરતી ઉતારું છું

મારા ચાહકોમાં સૌ

તમને પણ હું ધારું છું

તું સમયને શોધે છે

હું સમય ગુજારું છું

હું ખલીલ ચાહતમાં

વેઠ ક્યાં ઉતારું છું

- ખલીલ ધનતેજવી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK