એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિશ્વાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૧૬

‘જાહ્નવી સાથે શું સંબંધ છે?’

નવલકથા - કાજલ ઓઝા વૈદ્ય

દર્શને ગોળ-ગોળ ફેરવ્યા વગર શરણને સીધો સવાલ પૂછ્યો.

‘આઇ લવ હર...’ શરણે આંખનો પલકારો પણ પાડ્યા વગર કહ્યું.

‘એટલે?’ દર્શને સહેજ નવાઈથી પૂછ્યું.

‘એટલે...’ શરણ સહેજ હસ્યો, ‘ગુજરાતીમાં અનુવાદ કરું કે વિસ્તારથી સમજાવું?’ શરણની હિન્દી એકદમ શુદ્ધ હતી. તેની આંખોમાં આ કહેતી વખતે કોઈ સંકોચ, શેહ કે શરમ નહોતાં, ‘એક છોકરો એક છોકરીને પ્રેમ કરે એમાં સમજવાનું છે કંઈ?’

શરણે સ્કાય બ્લુ રંગનું લિનનનું રવિ બજાજનું શર્ટ કોણી સુધી બાંય વાળીને પહેર્યું હતું. નીચે ડીઝલનું ડાર્ક બ્લુ જીન્સ. તેની આટલે દૂર બેઠેલા દર્શનની તીવ્ર ઘ્રાણેન્દ્રિય ડેવિડ હૉફનું ‘કૂલ વૉટર’ પરફ્યુમ ઓળખી શકી. ફ્રેશ શૅમ્પૂ કરેલા શરણના વાળ આછા તડકામાં ચમકતા હતા. દર્શનની કૅબિનની બારીના કાચમાંથી આવી રહેલા ગોલ્ડન તડકામાં શરણની તગતગતી ત્વચા અને કથ્થાઈ આંખો જોતાં જ દર્શનને વિચાર આવ્યો, ‘હરામખોર! છે તો હૅન્ડસમ અને હૉટ...’ સાથે જ દર્શનના મનમાં સવાલ થયો, ‘આ મિનિસ્ટરનો દીકરો છે. પાવર, પૈસા, પોઝિશન બધું છે આની પાસે. તો પણ જાહ્નવી આને કેમ નહીં પરણી હોય?’

આ સવાલ તેણે સીધેસીધો શરણને પૂછવાને બદલે શરૂઆત જરા જુદી રીતે કરી હતી. દર્શને ધાર્યું હતું કે શરણ તેના અને જાહ્નવીના સંબંધ વિશે જરા ઘુમાવીને જવાબ આપશે, પરંતુ શરણના આ સીધા જવાબથી દર્શન જરા ઝંખવાઈ ગયો. જોકે હવે દર્શન સમજી ગયો હતો એટલે તેણે પણ સીધા જ સવાલો પૂછવાનું શરૂ કર્યું. આમ તો શરણને સત્તાવાર રીતે પ્રશ્નો પૂછવા માટે બોલાવવામાં આવ્યો હતો. ખૂનનો સમય પુરવાર થઈ ચૂક્યો હતો અને એ સમયે કે એ સમયની થોડીક જ મિનિટો પહેલાં પોતે જાહ્નવીના ઘરમાં હતો એ વાત શરણે સ્વીકારી લીધી હતી. જાહ્નવીની સત્તાવાર ધરપકડ પછી હવે સૌથી પહેલાં શકમંદ શરણની પૂછપરછ શરૂ થઈ ત્યારે દર્શને ધાર્યું હતું કે શરણ બહુ કો-ઑપરેટ નહીં કરે. એને બદલે શરણ સાવ સ્વાભાવિકતાથી દર્શનના કહ્યા મુજબ પોલીસ-સ્ટેશન આવીને તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો. જ્યારે જાહ્નવીની ધરપકડ કરીને દર્શન પોલીસ-સ્ટેશન પહોંચ્યો ત્યારે શરણને ત્યાં બેઠેલો જોઈને દર્શનને થોડી નવાઈ લાગી ને બીજી તરફ તેની શંકા થોડી વધુ દૃઢ થઈ ગઈ.

દર્શનની આટલાં વર્ષની પોલીસ ખાતાની કારર્કિદીએ તેને શીખવ્યું હતું કે જે સૌથી આસાન અને સરળ લાગતા હોય એ જ મોટા ભાગે સૌથી ગૂંચવણભરેલું વ્યક્તિત્વ ધરાવતા માણસો હોય છે. તેણે અત્યાર સુધી એવા કિસ્સા જોયા હતા જેમાં ફરિયાદી પોતે જ ગુનેગાર પુરવાર થયા હોય. શરણ શ્રીવાસ્તવ મિનિસ્ટરનો દીકરો છે એટલે તે પોતાની તમામ ઓળખાણો અને પાવર વાપર્યા વગર રહેશે નહીં એવી પણ દર્શનને ખાતરી હતી. એને બદલે શરણ તો સાવ સ્વાભાવિકતાથી જવાબો આપવા તૈયાર બેઠો હતો.

દર્શનને તેની માનસિકતા સમજાતી નહોતી. આ જવાબો આપીને શરણ પોતાની જ મિત્ર જાહ્નવીને ફસાવવા માગતો હતો કે બચાવવા માગતો હતો એ દર્શન નક્કી કરી શકતો નહોતો. સામાન્ય રીતે અંત્યત સ્પષ્ટતા સાથે સામેની વ્યક્તિને આરપાર જોઈ શકે એવી વેધક દૃષ્ટિ ધરાવતો દર્શન શરણની આરપાર જોઈ શકતો નહોતો.

બન્ને જણ દર્શનની કૅબિનમાં બેઠા હતા. બન્નેની સામે મૂકેલા ચાના કપ ઠંડા થઈ ગયા. એના પર મલાઈનો પાતળો, ડાર્ક થર બાઝી ગયો હતો; પણ બેમાંથી એકેય ચાના એ કપને અડ્યા નહોતા. દર્શનને એવું લાગતું હતું કે પ્રશ્નોત્તરી શરૂ થશે ત્યારે શરણ જુઠ્ઠું બોલશે, વાત છુપાવશે અને ગોળ-ગોળ ઘુમાવશે. એને બદલે આણે તો એક-એક પાનું ખુલ્લું કરીને બાવનેબાવન પત્તાં ટેબલ પર ગોઠવી દીધાં. હવે દર્શનની પરિસ્થિતિ ગૂંચવાઈ. સીધેસીધા અને સ્પષ્ટ જવાબો મેળવવાની તેને ટેવ જ નહોતી.

‘પણ તે પરણેલી છે...’ દર્શન સહેજ આગળ વયો, ‘એ પછી પણ તમે તેને પ્રેમ કરો છો?’

‘આપ બડે પુરાને ખયાલાત કે હૈં...’ કહીને શરણ હસી પડ્યો, ‘તેનાં લગ્ન સાથે મારા પ્રેમને શું સંબંધ? કોઈ લડકી અગર શાહરુખ સે પ્યાર કરતી હૈ તો ઉસમેં શાહરુખ કી શાદી બીચ મેં કહાં આતી હૈ?’

‘શાહરુખ સ્ટાર છે.’ દર્શનને આ માણસની વાતો સાંભળીને ખૂબ જ નવાઈ લાગતી હતી, ‘શાહરુખને ચાહનારી અનેક છોકરીઓ હશે,

પણ જાહ્નવી...’

દર્શનનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ શરણે કહ્યું, ‘જાહ્નવીને ચાહનારા પણ બહુ હતા.’ સહેજ અટકીને તેણે ઉમેર્યું, ‘છે!’

‘છે એટલે?’ દર્શને પૂછ્યું, ‘કોણ-કોણ છે?’

‘નામ જાણીને તમારે શું કરવું છે? જાહ્નવી છે જ એવી. કેટલી સુંદર છે એ તો તમે જોઈ જ લીધું. તેની સરળતા અને સંવેદનશીલતા પણ જોઈ તમે. એવું કોણ છે જે તેના પ્રેમમાં ન પડે?’ પૂછીને શરણે ઉમેર્યું, ‘આમ તો તમે પણ તેના પ્રેમમાં પડી શકો.’ કહીને તે હસ્યો, ‘મૅરિડ છો સાહેબ?’ તેણે પૂછ્યું.

‘ફાલતુ વાત નહીં જોઈએ.’ હવે દર્શન ચિડાયો, ‘હું જે પૂછું એના મુદ્દાસર જવાબ આપ.’

‘મેં તો પરીક્ષામાં પણ મુદ્દાસર જવાબો નથી લખ્યા સાહેબ.’ શરણ એકદમ આરામથી અને નિરાંતે બેઠો હતો. તેના આખા વ્યક્તિત્વમાં ક્યાંય ઉચાટ કે ઉદ્વેગ નહોતા.

દર્શન મરણિયો થઈ ગયો, ‘તો પછી આ જાહ્નવીના પ્રેમ માટે તમે ખૂન કર્યું એમ માની લઉં?’

‘માની લેવાથી શું થશે સાહેબ?’ શરણ હજીયે સાવ સ્વસ્થ હતો એ જોઈને દર્શનને ખૂબ નવાઈ લાગી, ‘માનીને તમને સારું લાગતું હોય તો મને વાંધો નથી.’ તેણે ફરી સ્મિત કર્યું. તેની કથ્થાઈ આંખોમાં રમતિયાળ રંગ ભળ્યો, ‘જાહ્નવીના પ્રેમ માટે હું કંઈ પણ કરી શકું એ પણ એટલું જ સાચું સાહેબ.’ કહીને તે આંખનો પલકારો માર્યા વગર દર્શન તરફ જોઈ રહ્યો. દર્શન કશું બોલ્યો નહીં એટલે તેણે ઉમેર્યું, ‘કંઈ પણ એટલે કંઈ પણ...’ આ કહેતી વખતે શરણનો ચહેરો અચાનક વિચિત્ર પ્રકારની દૃઢતાથી સખત થઈ ગયો, ‘હું જાહ્નવીને ચાહું છું એનો અર્થ એવો નથી કે તેને પામવાનો પ્રયત્ન કરું.’ કહીને તે ચૂપ થઈ ગયો.

દર્શન પણ થોડી વાર માટે વિચાર કરવા લાગ્યો. આમ તો શરણ શ્રીવાસ્તવની વાત સાચી હતી. તેણે શરણ સામે જોઈને પૂછ્યું, ‘તો પછી અવારનવાર અમદાવાદ શું કામ આવતો હતો? તને ખબર નહોતી કે તે પરણી ગઈ છે. તેના વર સાથે સુખી છે. તો પછી તેની જિંદગીમાં ડિસ્ટર્બન્સ ઊભું કરવાનું...’

ફરી એક વાર દર્શનનું વાક્ય પૂરું થાય એ પહેલાં શરણ વચ્ચે જ બોલ્યો, ‘કોણે કહ્યું મારા આવવાથી ડિસ્ટર્બન્સ થતું હતું? જાહ્નવીએ?’ તેણે સહેજ વેધકતાથી પૂછ્યું, ‘કે પછી પ્રણવે કહ્યું તમને?’ શરણ સાચે જ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે દર્શનની સામે જોઈને ઉમેર્યું, ‘આપણે બધા એવું ધારી લેવા માટે ટેવાયેલા છીએ કે કોઈ એક વ્યક્તિ બીજીને પ્રેમ કરે...’ તે સહેજ અટક્યો અને પછી વિચારીને તેણે ઉમેર્યું, ‘ખાસ કરીને એક છોકરો એક છોકરીને પ્રેમ કરતો હોય ત્યારે...’ દર્શન સાંભળતો રહ્યો. તેને વચ્ચે બોલવું યોગ્ય ન લાગ્યું. વળી અત્યાર સુધી શાંત અને સ્વસ્થતાથી જવાબ આપી રહેલો શરણ હવે ઉશ્કેરાયો હતો એટલે દર્શનને પણ લાગ્યું કે ધીમે-ધીમે વાત પાટે ચડાવી શકાશે. શરણે કહ્યું, ‘એક છોકરી પરણી જાય એટલે તેને પ્રેમ ન કરવો એવું કયા શાત્રમાં, કયા લૉમાં લખ્યું છે સાહેબ?’ તે બોલતો રહ્યો, ‘જાહ્નવીએ મારી અને પ્રણવ વચ્ચે પસંદગી નથી કરી. મને તો તેણે ક્યારની ના પાડી દીધી હતી. તેણે ના પાડ્યા પછી મેં તેના માટે નોકરી શોધી, તેને પગભર કરી. તેને જ્યારે-જ્યારે જરૂર પડી ત્યારે દરેક વખતે તેની પાસે આવીને તેની સાથોસાથ ઊભો રહ્યો છું હું.’ સામે પડેલી ઠંડી ચા ઉપાડીને શરણ એકશ્વાસે પી ગયો. પછી તેણે કહ્યું, ‘બદલામાં કંઈ નથી માગ્યું.’

‘તો આ વખતે કઈ મુશ્કેલીમાં મદદ કરવા આવ્યા હતા તમે?’ દર્શને પૂછ્યું.

‘એ વાત ન થઈ શકી.’ શરણ સહેજ શાંત પડ્યો હતો. તેના ચહેરા પર છવાઈ ગયેલો ઉન્માદ ધીમે-ધીમે ઓછો થવા લાગ્યો, ‘તેણે મને બોલાવ્યો હતો, ફોન કરીને...’ સહેજ વિચારીને તેણે ઉમેર્યું, ‘પ્રણવ ન હોય ત્યારે આવવાનું કહ્યું હતું તેણે. હું મારી જાતે નહોતો આવ્યો.’ પછી કહ્યું, ‘ડિસ્ટર્બન્સ ઊભું કરવા નહોતો આવ્યો.’

‘વાત ન થઈ શકી? પણ તમે ડિનર પર ગયાં હતાં.’ દર્શન હવે ધીમે-ધીમે શરણને ખોતરવા લાગ્યો હતો. તેને શરણની દુ:ખતી રગ જડી ગઈ એ વાતનો આનંદ હતો. તેને સમજાયું કે ધીમે-ધીમે તે પોતાને જોઈતી માહિતીની નજીક જઈ રહ્યો હતો. દર્શને પૂછ્યું, ‘ડિનર પર કોઈ વાત ન થઈ?’ તેણે સહેજ વ્યંગ સાથે ઉમેર્યું, ‘એટલે ઘરે બોલાવ્યા તમને? અડધી રાતે?’

‘શું કહેવા માગો છો?’ શરણે પૂછ્યું, ‘અડધી રાતે હું તેના ઘરમાં તેની સાથે સૂવા માટે નહોતો ગયો, ઓકે?’ તેણે કહ્યું, ‘તે મને કશુંક બતાવવા માગતી હતી. સમ પેપર્સ.’

‘તો? જોયાં તમે?’ હવે દર્શને ઝડપથી આગળ વધવા માંડ્યું, ‘શેનાં પેપર્સ હતાં? પ્રૉપર્ટીનાં? પ્રેમપત્રો?’ તે ફરી એવા જ વ્યંગથી હસ્યો.

‘અમારે તેનાં સાસુ સૂઈ જાય ત્યાં સુધી પ્રતીક્ષા કરવાની હતી.’ શરણે કહ્યું ત્યારે દર્શનની આંખો પહોળી થઈ ગઈ. તેણે આવી કોઈ માહિતીની આશા નહોતી રાખી.

શરણના જવાબની સાથે-સાથે તેના મનમાં એક પૅરૅલલ વિચારોનો પ્રવાહ શરૂ થયો. ‘શરણ જે કંઈ કહી રહ્યો છે એ કેટલું સ્ફોટક છે એ વાત શરણને તો સમજાતી જ હશે... તે જાણીજોઈને આ વાતને સ્ફોટક બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હશે? કે પછી ખરેખર આ વાતચીતમાંથી એવું કશુંક નીકળશે જે આખા કેસને એક નવી જ દિશામાં લઈ જશે!’ તે થોડી ક્ષણ ચૂપ રહ્યો.

શરણે આગળ કહ્યું, ‘જાહ્નવીને અવારનવાર ધમકીના ફોન આવતા હતા. તેની સાસુના કબાટમાં કોઈક પેપર હતું જે આપી દેવા માટે તેના પર દબાણ કરી રહ્યું હતું કોઈ.’

‘ઓહ!’ દર્શને ખિસ્સામાં હાથ નાખીને ખભા ઉલાળ્યા, ‘કોથળામાંથી બિલાડું કાઢ્યું તમે તો!’ કહીને તે ખિસ્સામાં હાથ નાખેલી સ્થિતિમાં જ આગળ ઝૂકીને શરણની એકદમ નજીક આવી ગયો. તેણે શરણની આંખોમાં આંખો નાખીને કહ્યું, ‘તેની સાસુનો કબાટ ખુલ્લો હતો અને છતાં કશું મૂલ્યવાન ગયું નથી...’ તેણે સહેજ વાંકું હસીને ઉમેર્યું, ‘આ વાત તો ન્યુઝપેપર્સમાં છપાઈ ચૂકી છે. તમે એ જ સ્ટોરીનો તાંતણો પકડીને વાર્તા આગળ વધારો છો? ડોન્ટ ગિવ મી ક્રૅપ. કચરો નહીં જોઈએ મારે. મને ભટકાવવાનો પ્રયત્ન ન કરો. સફળ નહીં થાઓ.’

‘પોલીસવાળાનો આ જ પ્રૉબ્લેમ છે.’ આ બધું સાંભળ્યા પછી પણ શરણના ચહેરા પર ઝાઝો ફેરફાર થયો નહીં. તે પકડાયો હોય, ઝંખવાયો હોય એવા કોઈ હાવભાવ નહોતા. તેણે પ્રમાણમાં ઘણી સ્વસ્થતાથી કહ્યું, ‘તેમણે જે ધાર્યું હોય એ સિવાયનું કંઈ પણ સાંભળવું પોલીસવાળાને ગમે નહીં. તમે જે રસ્તે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છો મારે એ જ રસ્તે આગળ ચાલવું એવું જરૂરી નથી. જે સત્ય છે એ કહી રહ્યો છું.’ તેણે પણ એવી જ રીતે દર્શનની આંખમાં આંખ નાખીને કહ્યું, ‘માનવું હોય તો માનો.’ તે દર્શનની આંખમાં અપલક જોઈ રહ્યો, પછી તેણે ઉમેર્યું, ‘બૉસ! વધુમાં વધુ શું કરશો? મને ખૂની ઠરાવશો? ફાંસી થશે...’ તેણે પણ ખભા ઉલાળ્યા, ‘હું ડરતો નથી. મારા માટે તો નહીં જ.’ તેનો ચહેરો અચાનક મૃદુ થઈ ગયો. આંખોમાં ઝળઝળિયાં આવ્યાં કે પછી દર્શનને એવો વહેમ પડ્યો, પણ શરણનો અવાજ ચોક્કસ ભીનો થયો. તેણે ધીમેથી કહ્યું, ‘જાહ્નવી નિર્દોષ છે. તે કોઈનું ખૂન કરી શકે નહીં. તમારે આ વાત સ્વીકારીને પછી જ તપાસ કરવી જોઈએ.’ એ પછી તેણે જરા દૃઢતાથી કહ્યું, ‘આવું હું માનું છું.’ દર્શન કશું બોલ્યો નહીં એટલે તેણે આગળ કહ્યું, ‘જાહ્નવીને ગુનેગાર માનીને તપાસ કરશો તો કદાચ પુરવાર કરી પણ શકો, પણ ખોટી વ્યક્તિને સજા થઈ જશે એટલું ચોક્કસ કહી શકું તમને.’ તેણે પૂર્ણવિરામની જેમ કહ્યું, ‘બાકી તો તમારા પર આધાર છે. જે કરવું હોય એ કરી જ શકશો.’

‘એ તો મને પણ ખબર છે.’ દર્શને કહ્યું. તેનો ચહેરો સખત થઈ ગયો, ‘હું શું કરી શકું છું એ મને કહેવાની જરૂર નથી...’ તેણે શરણ સામે જોઈને કહ્યું, ‘સાચું બોલશો તો હું મદદ કરીશ અને સાચું નહીં બોલો તો કોઈ તમારી મદદ નહીં કરી શકે.’

‘હું શું કામ ખોટું બોલું?’ શરણે સાવ સહજતાથી પૂછ્યું, ‘મારી પાસે છુપાવવા જેવું કશું છે જ નહીં.’ હવે તેણે પણ સહેજ દૃઢતાથી કહ્યું, ‘જો ખરેખર મારે તમને જવાબ ન આપવા હોત તો હું આરામથી ભાગી ગયો હોત. એક વાર દિલ્હી પહોંચ્યા પછી તમે તો શું ગુજરાતનું આખું હોમ ડિપાર્ટમેન્ટ પણ મને હાથ ન લગાડી શકે એની તમને પણ ખબર જ છેને ?’ કહીને શરણે જરાક અપમાનજનક રીતે ઉમેર્યું, ‘અત્યારે મિનિસ્ટરના દીકરાની જેમ વાત નથી કરતો તમારી સાથે. જાહ્નવીના મિત્ર તરીકે વાત કરું છું.’ દર્શન ઇરિટેટ થયો, પણ તેણે જીભ પર સંયમ રાખ્યો, ‘જો મિનિસ્ટરના દીકરા તરીકે વાત કરું તો...’ શરણે વાક્ય અધૂરું છોડ્યું, પણ દર્શનને એનો અર્થ સમજાયા વગર રહ્યો નહીં.

‘ટૂંકમાં શું બન્યું એ રાત્રે ?’ દર્શને મુખ્ય સવાલ પૂછ્યો.

‘રાઇટ. આ સવાલ તમારે ક્યારનો પૂછવો જોઈતો હતો.’ શરણે કહ્યું, ‘હું જાહ્નવીનો કેટલો અંગત મિત્ર છંક કે પછી તેના વરને અમારા દોસ્તી સામે વાંધો છે કે નહીં એ બધી પંચાતમાં પડ્યા વગર તમારે મારી પાસેથી જે વિગતો જાણવી છેને એ માગવી જોઈએ.’

‘ઑલ રાઇટ...’ દર્શને બન્ને ખભા ઉલાળ્યા, ‘ચાલો, એ જ કહી દઉં. શું બન્યું એ રાત્રે ?’ કહીને દર્શને ફરી એક વાર તાકીદ કરી, ‘આઇ હોપ તમે મને તદ્દન સાચું કહેશો.’

‘અફર્કોસ...’ શરણે કહ્યું. હવે તે ઊભો થયો. તેણે આરામથી પોતાના જીન્સના પૉકેટમાં હાથ નાખ્યો અને દર્શનની નાની કૅબિનમાં આંટા મારવા લાગ્યો. બારીમાંથી ચળાઈને આવતો તડકો દર્શનની કૅબિનના ફ્લોરિંગ પર એક ડિઝાઇન બનાવતો હતો. એ ડિઝાઇન પર પોતાનાં કોલ્હાપુરી ચંપલથી પગ ઘુમાવતો શરણ કહેવા લાગ્યો, ‘અમે જ્યારે ડિનર પર ગયાં ત્યારે વીરબાળાબહેન હીંચકા પર બેઠાં હતાં. મારે તેમને હેલો કહેવા ઊતરવું જોઈતું હતું, પણ હું ઑલરેડી મોડો હતો.’ દર્શનને સવાલ પૂછવાની ઇચ્છા થઈ, પણ તે વચ્ચે બોલ્યો નહીં. શરણ કહેતો રહ્યો, ‘જાહ્નવીને સામાન્ય રીતે વેઇટ કરવું જરાય ગમતું નથી. એ દિવસે મને બહુ મોડું થઈ ગયું હતું. મને લાગ્યું કે અત્યારે હું વીરબાળાબહેનને હેલો કહેવા ઊતરીશ તો જાહ્નવી ગુસ્સે થશે.’ તેના ચહેરા પર મધુર સ્મિત આવી ગયું. તેના ચોખ્ખા દાંત એકદમ ડાઘ વગરની અને શ્યામ ત્વચા તરફ દર્શન જોઈ રહ્યો, ‘મેં વિચાર્યું કે પાછા આવતાં વીરબાળાબહેનને મળી લઈશ. જાહ્નવી દોડીને ગાડીમાં બેઠી.’

‘હં...’ દર્શને ડોકું ધુણાવ્યું.

‘અમે જાહ્નવીની ફેવરિટ રેસ્ટોરાંમાં જમવા ગયાં. લ્ઞ્ હાઇવેની પેલી બાજુ મૅન્ગોઝ જાહ્નવીની ફેવરિટ જગ્યા છે... અમે જ્યારે ડિનર કરતાં હતાં ત્યારે મેં બે-ચાર વાર જાહ્નવીને પૂછ્યું ખરું કે તેણે મને આવી રીતે અર્જન્ટ્લી શું કામ બોલાવી. જાહ્નવીએ જવાબ ન આપ્યો, બલ્કે બે વાર તેણે વાત ટાળી.’ શરણ થોડી વાર વિચારતો રહ્યો. દર્શને ચૂપ રહીને તેને વિચારવા દીધો, ‘જાહ્ન્વી ડરેલી હતી.’

‘શેનાથી?’ દર્શને પૂછ્યું.

‘એ જ ન સમજાયું મને.’ મેં વારંવાર પૂછ્યું, પણ તેણે કહ્યું, ‘અહીં જાહેરમાં ચર્ચા નથી કરવી.’ શરણે સહેજ ગંભીરતાથી કહ્યું, ‘તેણે માત્ર એક જ વાત કહી જેનાથી મને વધુ ચિંતા થઈ. તેણે કહ્યું, મમ્મી અથવા પ્રણવ...’ શરણ ચૂપ થઈ ગયો.

‘વૉટ?’ દર્શન ઉશ્કેરાઈ ગયો, ‘જાહ્નવીને ખબર હતી કે વીરબાળાબહેનનો જીવ જોખમમાં છે.’

‘આઇ થિન્ક સો.’ શરણે કહ્યું.

દર્શન માટે આ બહુ મોટી ક્લુ હતી. જો જાહ્નવીને આ વાતની ખબર હતી તો એને માટે તેની પાસે યોગ્ય કારણો પણ હોવાં જ જોઈએ. તેણે વિચાર્યું. તે બોલ્યો નહીં.

‘જાહ્નવીએ મને કહ્યું કે મમ્મી સૂઈ જાય પછી મારે તને થોડાક કાગળો બતાવવા છે.’ શરણ સાચું બોલતો હતો એવું તેના ચહેરા પરથી દર્શનને લાગ્યું. શરણે કહ્યું, ‘કદાચ તેના ફાધર ઇન લૉના વિલનાં પેપર્સ હતાં. તેમણે તેમના વિલમાં કંઈ એવું લખ્યું હતું જેને કારણે પારિવારિક સમસ્યાઓ ઊભી થઈ હશે...’

‘એેવું શું હોઈ શકે?’ દર્શને પૂછ્યું. તેનું મગજ પણ કામે લાગ્યું.

‘હું ઑનેસ્ટ્લી કહું છું, મને ખરેખર ખબર નથી.’ શરણે કહ્યું, ‘મને ખબર હોત તો મેં તેની મદદ કરી હોત એવું નથી લાગતું તમને. વાત આટલી ગૂંચવાઈ જ ન હોત.’ શરણની વાત એ પળ માટે દર્શનને સાચી લાગી.

શરણના ખભે હાથ મૂકીને દર્શને કહ્યું, ‘તમે બેસો આરામથી, હું જરા જાહ્નવીબહેન સાથે વાત કરીને આવું...’ દર્શન બહાર નીકળી રહ્યો હતો ત્યારે શરણ તરફ જોઈને તેણે ઉમેર્યું, ‘આઇ હોપ, જાહ્નવીબહેન પણ તમારી જેમ સરળતાથી સાચી વિગતો આપે.’ દર્શન કૅબિનનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. ઑટોમૅટિક ડોર ક્લોઝવાળો દરવાજો ધીમે-ધીમે બંધ થઈ રહ્યો હતો. એની સામે એક નજરે જોઈ રહેલા શરણના મનમાં પણ કેટલાય વિચારો ઊઘડતા અને બંધ થતા ગયા.

૦ ૦ ૦

દર્શન કૅબિનની બહાર નીકળીને સીધો ગાડીમાં બેઠો. તેણે જાહ્નવીને છેલ્લે ઇન્ટરોગેટ કરવાનું નક્કી કર્યું હતું. તેના મગજમાં અત્યારે સ્મશાનમાં જિગીશકાકાએ કહેલી વાતો ઘૂમરડી ખાઈ રહી હતી. તે ગાડી લઈને સીધો જિગીશકાકાના ઘરે પહોંચ્યો. તેને અચાનક આવેલો જોઈને જિગીશભાઈ જરા ગૂંચવાઈ ગયા. તેમણે ધાર્યું નહોતું કે દર્શન પટેલ આવી રીતે સીધો તેમના ઘરે આવી પહોંચશે.

‘જાહ્નવીને પકડીને લઈ ગયા?’ જિગીશકાકા પોતાના ઘરના ડ્રૉઇંગરૂમના હીંચકા પર બેસીને નિરાંતે કૉફી પી રહ્યા હતા. સાંજ ઢળી રહી હતી, ‘બચવાના ચાન્સ નથી?’ આ કહેતી વખતે જિગીશકાકાના ચહેરા પર ચિંતા કે સ્ટ્રેસ હોવાં જોઈએ એને બદલે ક્યાંક આછો આનંદ દેખાયો દર્શનને.

‘તમારી પાસે કોઈ પણ વિગત હોય તો એની મારે જરૂર છે. જયેશભાઈના મૃત્યુ વિશે કંઈ પણ જાણતા હો તો પ્લીઝ કહો મને...’ દર્શન અત્યારે જિગીશકાકાને ખાસ મળવા આવ્યો હતો.

પ્રણવ અને જિગીશકાકા વચ્ચે છેલ્લાં કેટલાંય વર્ષોથી એક ન સમજાય એવું ઠંડું યુદ્ધ ચાલતું રહ્યું હતું. પિતાએ સરખા ભાગ આપીને છૂટા કર્યા પછી જયેશભાઈએ કરોડો રૂપિયા બનાવ્યા હતા, જ્યારે જિગીશભાઈ એવા પૈસા ભેગા કરી શક્યા નહોતા. જયેશભાઈએ પોતાની ખાસ્સી નામના અને સુહાસ ઊભી કરી હતી એ પણ જિગીશભાઈને મળી નહોતી. જિગીશભાઈને બે દીકરીઓ હતી... જયેશભાઈને દીકરો... આ બધી જ બાબતોએ જિગીશભાઈને લાગતું હતું કે નસીબે તેમની સાથે અન્યાય કર્યો છે. અજાણતાં જ તે પોતાના મોટા ભાઈને ધિક્કારતા હતા. તેમના વિશે ખરાબ બોલવાની એક પણ તક જિગીશભાઈ છોડતા નહીં.

સમાજમાંથી, મિત્રોમાંથી જયેશભાઈને આવા ઘસાતી વાતોના સમાચાર મળતા રહેતા, પણ તેમણે કોઈ દિવસ જિગીશભાઈ સાથે આ વિશે ખૂલીને ચર્ચા કરી નહોતી. તેમની એક બહેન મુંબઈ રહેતી. જયેશભાઈ હતા ત્યાં સુધી આખો પરિવાર એક વાર સાથે વેકેશન કરે એ પરંપરાને તેમણે જાળવી રાખી હતી, પરંતુ જયેશભાઈના ગયા પછી પ્રણવે આ પરંપરા જાળવવાની ચોખ્ખી ના પાડીને સાથે વેકેશન ગાળવાનો વિરોધ કર્યો હતો.

બહુ મોટી ઉંમર સુધી પ્રણવ પરણ્યો નહીં ત્યારે પણ જિગીશભાઈએ અને માલતીકાકીએ પ્રણવ વિશે જાતજાતની વાતો ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. એ વખતે વીરબાળાબહેને ખુલ્લંખુલ્લા જિગીશભાઈ સાથે આ વિશે ઝઘડો કરી નાખ્યો હતો.

ટૂંકમાં, બન્ને પરિવારો વચ્ચે હવે મનમેળ નહોતો. સમાજને દેખાડવા કે સાદી રીતરસમ નિભાવવા માટે આ પરિવાર એકબીજા સાથે હળતો મળતો, પણ ભીતર તો એટલા બધા વિરોધો હતા કે તેમનું ચાલે તો એકબીજાનાં મોઢાં પણ ન જુએ.

‘જાહ્નવી પરણી તો પ્રણવને, પણ તેનું રિમોટ કન્ટ્રોલ દિલ્હીમાં જ ભૂલી આવી.’ જિગીશકાકાએ સ્મશાનમાં કહ્યું હતું. તેમણે અહીં એ વાતને આગળ વધારી, ‘સાહેબ! તે પરણી તો પ્રણવ સાથે, પણ તે છોકરીનું લફરું પૂરું નહોતું થયું જેની ભાભીને ખબર હતી.’

‘ભાભીની વાત છોડો, તમને શું ખબર હતી એ કહો મને.’ દર્શન ખુરસી ખેંચીને ગોઠવાઈ ગયો, ‘મારે તમને એક સાદો સવાલ પૂછવો છે એનો જવાબ જો સીધો-સીધો નહીં મળે તો જાહ્નવીની જગ્યાએ તમારી ધરપકડ થઈ શકે છે.’ દર્શનના અવાજમાં પોલીસ-ઇન્સ્પેક્ટરની કડકાઈ સાંભળી શક્યા જિગીશકાકા.

તેમણે જરા નરમ પડી જતાં કહ્યું, ‘બોલોને ભાઈ... ખબર હશે તો જરૂર કહીશ.’

‘એવું શું હતું વીરબાળાબહેનના કબાટમાં?’ આ સવાલ સાંભળતાં જ જિગીશકાકાનો ચહેરો કાળો ધબ પડી ગયો. તે કશું બોલી ન શક્યા, ‘વિલનાં પેપર્સ હતાં એવું અમે શોધી કાઢ્યું છે. કયાં પેપર્સ હતાં એ? કોઈ પ્રૉપર્ટી હતી? જેનો તમારી અને તમારા બ્રધર વચ્ચે ઝઘડો હતો? તમારે કોઈ પ્રૉપર્ટી જોઈતી હતી જે જયેશભાઈ નહોતા આપતા? સાચું કહી દો સાહેબ, બાકી કારણ વગર...’

‘સાચું? સાંભળી શકશો?’ જિગીશભાઈ ઉશ્કેરાઈ ગયા. દર્શન આ પળની જ રાહ જોતો હતો, ‘સાચું એ છે કે પ્રણવે જ પોતાની માને મરાવી હોઈ શકે. જાહ્નવીએ આ કામ પ્રણવની ગેરહાજરીમાં કર્યું હોય... આપણા ભાઈ...’ જિગીશકાકાએ નામ ભૂલવાનો અભિનય કરીને ઉમેર્યું, ‘પેલા શરણ શ્રીવાસ્તવની મદદથી.’

‘અને કારણ શું?’ દર્શને પૂછ્યું.

‘તેના બાપને એક બીજું લફરું હતું. એનાથી છોકરો પણ હતો. તેની બૈરીને પણ ખબર હતી. તે છોકરાના નામે કરેલી પ્રૉપર્ટી ભાભી સોંપતાં નહોતાં. તે છોકરાએ એક વાર મને પણ મળવાનો પ્રયત્ન કરેલો, પણ મેં તો કહી દીધું કે મને જ મારો ભાગ નથી મળ્યો તો વળી તારું...’ જિગીશકાકા ખિસિયાણું હસ્યા, ‘પ્રણવને બધી જ ખબર છે સાહેબ. જાહ્નવીને પણ બધી ખબર છે. જે કાગળ ખોવાયા છે એ કયા હતા એની પણ પ્રણવને ખબર છે. તમને ઘુમાવે છે બધા મળીને. એક વાર જાહ્નવીના રિમાન્ડ લઈ લો. બે-ચાર લાફા ઠોકાવો મહિલા પોલીસ પાસે...’ જિગીશકાકાએ આંખ મારી, ‘પોપટની જેમ બોલશે બધું.’

દર્શન ખુરસી પરથી ઊભો થયો, ‘તમને ખાતરી છે કે જયેશભાઈને બીજું સંતાન છે?’

‘ફોન-નંબર આપી દઉં સાહેબ.’ જિગીશભાઈએ આત્મવિશ્વાસથી કહ્યું, ‘પ્રસાદ નામ છે છોકરાનું. બૅન્ગલોરમાં રહે છે. તેની મા મરી ગઈ. જયેશે આખી જિંદગી તેને હૉસ્ટેલમાં રાખીને ભણાવ્યો છે. એન્જિનિયર છે. ઍમેઝૉનમાં કામ કરે છે. હોશિયાર છે... ટેક્નૉલૉજીમાં માસ્ટર છે.’ જિગીશભાઈએ કહ્યું. બોલતાં-બોલતાં તેમણે ફોન-નંબર શોધી કાઢ્યો. પોતાનો ફોન દર્શન તરફ લંબાવીને તેમણે કહ્યું, ‘લો, આ રહ્યો નંબર.’

ફોન હાથમાં લઈને દર્શન એ નંબર સામે જોઈ રહ્યો. ‘પ્રસાદ જયેશ’ લખેલા એ નંબરમાંથી હજી કેટલાંય રહસ્યો બહાર આવવાનાં હતાં... જિગીશ કેટલો સાચો ને કેટલો ખોટો એ પણ સવાલ હતો... પણ જો સાચો હોય તો શું એ મહત્વનો સવાલ હતો...

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK