જે પળે કપડાંની શોધ થઈ, એ જ પળે નાગાઈની પણ શરૂઆત થઈ

આ સૃષ્ટિનો સર્જનહાર ખરો છે યાર. બધાનાં પૂતળાં બનાવવા કેવડો મોટો ચાકરડો લઈને બેઠો છે.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

ભૈ જો, સૃષ્ટિ ભલે એણે બનાવી, પણ એને કેમ જોવી એ દૃષ્ટિ આપણને આપી. એટલે સાલુ મને તો એ ટપ્પી જ નથી પડતી કે એ ઈશ્વરને આલિંગન આપીને ભેટવું કે એને દૂર રાખવો? પ્રેમ કરવો કે નફરત કરવી? સ્વીકારવો કે ધિક્કારવો? ડોન્ટ ફીલ બૅડ, પણ આશરે ર્ચોયાસી લાખના આ ચક્કરમાં ક્યારેય મંદિર, મસ્જિદ, દેરાસર કે ચર્ચમાં રૂબરૂ મળ્યો નથી કે જોયો નથી. બાકી જો દેખાયો તો કોઈના ડર વગર ચોખ્ખું ને ચટ પૂછી લઉં કે બોલ પ્રભુ, માર દિયા જાએ કિ છોડ દિયા જાએ, બોલ તેરે સાથ ક્યા સલૂક કિયા જાએ? મને ખબર છે કે મારા આ ગુસ્સા પર તમે ગુસ્સો કરવાના કે ‘ઠાકરિયા, ઈશ્વર માટે સાલા આવું વિચારાય? બોલાય?’

તો તું પણ જાણી લે માય ડિયર રીડર કે આકાશમાં આવડો મોટો સૂરજ નામનો જગતનો સૌથી ઝગમગાટવાળો મક્યુર્રી મૂક્યો તો પણ મારે મુકેશનું ગીત પેલા પંકજ કક્કડ, પાલા કે પરેશ બદાણીની જેમ ગાવા મંડી પડવાનું કે જો તુમકો હો પસંદ વોહી બાત કહેંગે; તુમ દિનકો અગર રાત કહો, રાત કહેંગે.

કેમ ભૈ ભગવાન, અમારી ડાગળી ચસકી ગઈ છે કે તું દહાડાને રાત કહે ને અમારે હાએ હા કરવાની? તો અમારી ઇચ્છાઓને ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી દેવાની? અરે ભગુભાઈ, આ બધું તારી ઇચ્છા પ્રમાણે થાય છે એનો જ તો લોચો છે. અરે, જે ઍમ્બ્યુલન્સ ઘાયલને લઈ જાય એ જ ઍમ્બ્યુલન્સ પાછળથી ઠોકીને મને જ ઘાયલ બનાવે તો મારી અને પરિવારની ખચકે કે નઈ? એમાં વળી હૉસ્પિટલમાં પેલા ડૉ. કેતન પંચમિયા મને કહે, ‘મિસ્ટર ઠાકર, તમને થાપામાં બેઠો માર વાગ્યો છે એટલે થોડો વખત વૉકરનો સહારો લેવો પડશે.’

‘સર...’ મેં કહ્યું, ‘જૉની વૉકરનો સહારો ચાલે?’

‘કમાલ છે તમારી. આવી પરિસ્થિતિને પણ મજાકમાં લઈ શકો છો. મેં દારૂની...’

‘અરે સર, દરદીઓના સહારે જ તમારું ઘર ચાલે તો હું વૉકરના સહારાની મજાક ન કરું.’

‘ચિંતા ન કરો, ઈશ્વર બધું સારું કરશે...’ ડૉ. અશોક પટેલ બોલ્યા.

‘શું તંબૂરો સારું કરશે. સારું જ કરવું હોય તો ખરાબ જ ન કરેને? અરે, તમે જાણો છો ડૉક્ટર, ઈશ્વર પોતે જ એકલો રહી શકતો નથી એટલે થોડાકને મોકલે અને થોડાકને લઈ લે. આપણી ïઆવનજાવન ચાલુ, પણ પોતે ત્યાંનો ત્યાં. એટલે એણે હમણાં આગમાં લપેટીને ૧૪ લોકોને એકસામટા લઈ લીધા. તેમનો શું દોષ? આગ પોતે જ ચિતા બની ગઈ. સૉરી પ્રભુ, એ તો જેના પર વીતે તેને જ ખબર પડે. ઘાયલ કી ગત ઘાયલ જાને.... એ માટે તારે પણ લાગણીઓવાળા માણસ બનવું પડે. ખાલી માણસ ઘડવાથી ન ચાલે, બરાબર? હું ગમે એવો લટૂડોપટૂડો થઈ ઈશ્વરને ખોટો મસ્કો મારીને હાએ હા નઈ કરું. નઈ એટલે નઈ. અરે, આવી ઘટના બને તોય અમારે કહેવાનું કે ઈશ્વરને ગમ્યું એ ખરું. ઈશ્વર, તને આવું ગમે એ તારી ક્રૂર મજાક છે. અન્ડરસ્ટૅન્ડ?’

પૉઇન્ટ ટુ બી નોટેડ એ છે કે મિલૉર્ડ એ જગતનો સૌથી મોટો આર્કિટેક્ટ છે એટલે કે એણે જંગલ, ડુંગર, વનસ્પતિ, પાણી બધું બનાવી મૂકી દીધું... પછી પશુ-પંખી અને જીવજંતુનું સર્જન કર્યું. પછી એ નવરોધૂપ પ્રભુ કંટાળ્યો હશે એટલે ઘડ્યો માણસને અને વન બાય વન ઘડતરમાં ટપકી પડ્યા આપણે. પછી એણે ચાકરડો કર્યો બંધ અને મૂકી દીધાં હથિયાર હેઠે. હવે નો મોર પ્રોડક્શન. કેમ? કેમ કે માણસને બનાવ્યા પછી માણસ એને જ બનાવવા માંડ્યો અને આપણે લાચાર કે સાલુ જેનામાં માણસાઈનો છાંટો નથી છતાં માણસ કહેવો પડે છે. પછી તે ભડકે કે નઈ? એ ભગવાન છે, ખચકી ન જાય? હવે ચતુર કરો વિચાર કે જે ગાય-ભેંસ-બિલાડા-કૂતરા-પોપટ-કબૂતર (હવે તમે ગણો) બધા જીવ આડા બનાવ્યા, પણ ઈશ્વરે માત્ર માણસને ઊભો બનાવ્યો. શું કામ? એ એને જ ખબર. જોકે બાપુ આર્ય એ છે કે જેને આડા બનાવ્યા એ સીધા ચાલે છે અને જેને સીધો બનાવ્યો એ આડો ચાલે છે... કેમ એમ? જુઓ નમૂનો.

અરે યાર, ગુજરાતમાં સત્તા મળ્યા પછી પેલા પ્રધાનકાકા રિસાયેલી વહુની જેમ એવા આડા ફાટ્યા કે ‘મા મા મને છમવડું’ની જેમ મા મને નાણાં ખા-તું કિધા પછી નાણાખાતું કેમ ન આપ્યું? બિચારો BJP નામનો બાહુબલી નમી પડ્યો : લે આપ્યું, કજિયાનું મોં કાળું. જોકે અમને બોલ્યા કે મને સત્તાની નઈ, આત્મસન્માનની પડી છે. પણ યુ નો? એ ભૂલી ગયા કે માગીને મેળવેલું માન એક પ્રકારનું અપમાન જ છે. જાતિવાદ આપણને જબરો નડે છે.

હમણાં એક મંદિરનો જીર્ણોદ્ધાર હતો. કામ શરૂ થયું ને મંદિરમાં આશરો લેતાં કબૂતરો ગભરાયાં. હાલત ખરાબ. સાંભળો, વડીલ કબૂતર બોલ્યું, ‘આ જૂના મંદિરના જીર્ણોદ્ધાર માટે લોકો આપણા નવા માળાને વિખેરી કાઢશે એટલે આપણને બાજુની મસ્જિદમાં આશરો મળવાનો છે. આપણે ત્યાં જઈશું.’ 

મસ્જિદમાં કબૂતરોનો આખો પરિવાર ગયો, પણ મહેમાન બનેલાં કબૂતરો કેટલા દિવસ રોકાય? ત્યાં તો ચર્ચમાંથી એક કબૂતર આવીને બોલ્યું, ચાલો બધા થોડા દિવસ અમારા ઘરની મહેમાનગતિ જાણો... અને પાછું ટોળું પહોંચ્યું ચર્ચમાં... થોડા વખતમાં દેરાસરમાંથી નોતરું આવ્યું કે અરે, ત્યાં ચર્ચમાં તકલીફ પડતી હોય તો દેરાસરના માળાના દરવાજા ખુલ્લા જ છે, પધારો. વળી પાછું ટોળું પહોંચ્યું દેરાસરમાં. છેવટે મંદિરનો જીર્ણોદ્ધાર પૂરો થયો ને પાછાં બધાં કબૂતરો આવી ગયાં મંદિરમાં. ત્યાં કબૂતરનું બચ્ચું બોલ્યું, ‘દાદા, આપણે મંદિર-મસ્જિદ, ચર્ચ-દેરાસર બધે ગયાં અને રહ્યાં તો પણ કબૂતરનાં કબૂતર જ રહ્યાં તો આ માણસો મંદિરમાં ગયા તો હિન્દુ, મસ્જિદમાં ગયા તો મુસ્લિમ, ચર્ચમાં ગયા તો ઈસાઈ અને દેરાસરમાં ગયા તો જૈન તરીકે ઓળખાયા. એવું કેમ?’

‘જો બકા, તું મારી હટાવ નઈ. આપણે પંખી કહેવાઈએ એટલે આપણામાં બુદ્ધિ ન હોય. એ માણસની જાત છે. એ બુદ્ધિશાળી કહેવાય એટલે...’

‘બુદ્ધિશાળી? અરે, બુદ્ધિશાળી નઈ બુદ્ધુ છે. તે મંદિરમાં જીર્ણોદ્ધાર કરે છે, પણ વિચારોનો જીર્ણોદ્ધાર ક્યારે કરશે? તેને સત્તા જોઈએ છે, પણ સેવા વગરની. તેના તન પરનાં કપડાં ભલે સ્વચ્છ હોય, પણ તે મનનો મેલો છે અને એ તેનો થેલો છે. તમે દાદા છો એટલે મારાથી વધુ ન બોલાય, પણ હિંમતથી એટલું કહીશ કે જે પળે કપડાંની શોધ થઈ એ જ પળથી નાગાઈની શરૂઆત થઈ. આપણે એ માથાકૂટમાંથી બચી ગયાં...’

હે ખંધા રાજકારણીઓ, આ કબૂતર પાસેથી તો કંઈ શીખો.

મિત્રો, કબૂતરે એના દાદાને સાચું કહ્યું કે ખોટું? તમે બોલો...

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK