અમે બધા વચન આપીએ છીએ કે અમારી સંપત્તિનો અડધાથી વધુ હિસ્સો દાનમાં વાપરીશું

એ અંતર્ગત લગભગ ૪૫૦ અબજ ડૉલરનું તોતિંગ ફન્ડ સમાજકલ્યાણ માટે મુક્ત થયું છે. તાજેતરમાં ઇન્ફોસિસના સહસંસ્થાપક નંદન નીલેકણી અને તેમનાં પત્ની રોહિણી ‘ધ ગિવિંગ પ્લેજ’માં સભ્યપદ નોંધાવનારા ચોથા ભારતીય છે. સમાજમાંથી મેળવેલું સમાજને પાછું આપવાની આ અનોખી યાત્રા કેવી રીતે શરૂ થઈ છે અને એની રૂપરેખા શું છે એની વિગતવાર ચર્ચા કરીએરુચિતા શાહ

૨૦૦૯ના મે મહિનામાં એવું બન્યું કે ન્યુ યૉર્ક શહેરમાં અમેરિકાના અબજોપતિઓની એક ગુપ્ત મીટિંગ બોલાવવામાં આવી. બિલ ગેટ્સ, તેમનાં પત્ની મેલિન્ડા ગેટ્સ તથા વૉરન બફેટ એના મુખ્ય સૂત્રધાર હતાં. અમેરિકાના પહેલવહેલા અબજપતિના વંશજ ડેવિડ રૉકફેલર આ ગુપ્ત મીટિંગના યજમાન હતા. એ સમયના અમેરિકાના મેયર અને અગ્રણી ઉદ્યોગપતિ માઇકલ બ્લૂમબર્ગ અને ફેમસ ટીવી-પર્સનાલિટી ઓપ્રા વિન્ફ્રે પણ આ મીટિંગમાં હાજર હતાં. આ મીટિંગ મીડિયાથી ગુપ્ત રાખવામાં આવી હતી, પણ છાનું રે છપનું કંઈ થાય નહીંવાળું અહીં પણ થયું. યેનકેન પ્રકારેણ મીડિયાના કાન સુધી આ સમાચાર પહોંચી ગયા. ન્યુ યૉર્કમાં અડધોઅડધ અમેરિકન જેટલી સંપત્તિ ધરાવતા આ અબજોપતિઓ શું કામ ભેગા થયા છે એની શોધખોળ શરૂ થઈ. ગેટ્સ દંપતીને પૂછવામાં આવ્યું તો તેમણે કંઈ પણ કહેવાની ના ફરમાવી દીધી. એમ છતાં ત્યાંનાં ઇલેક્ટ્રૉનિક અને પ્રિન્ટ મીડિયામાં આ ભેદી મીટિંગની કેટલીક ખોટી અફવાઓ જાહેર કરવામાં આવી. અખબારો અને ચૅનલોમાં પરોપકારની મકસદ સાથે યોજાયેલી મીટિંગ વિશે એલફેલ ભાષામાં આવેલા રિપોર્ટને રદિયો આપવા માટે છેલ્લે બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રહી ચૂકેલા પેટી સ્ટોનેસિફરે ખુલાસો કરવો પડ્યો. ખોટી અફવાઓને કારણે લોકો ગેરમાર્ગે ન દોરાય એટલે પેટીએ ‘સીએટલ ટાઇમ્સ’ને એક વિશેષ ઇન્ટરવ્યુ આપીને જણાવ્યું કે આ મીટિંગ નજીકના મિત્રો અને કલીગો વચ્ચેની હતી જેની મકસદ માત્ર દાન કરવા માટેના નવતર પ્રયોગો અને એને લગતા આઇડિયાઝનું ડિસ્કશન કરવાની હતી.

ઇતિહાસ રચાયો

લગભગ આઠ વર્ષ પહેલાં બનેલી આ એક ઘટનામાંથી એક અનોખા ઇતિહાસનું સર્જન થયું છે જે આજે આપણી સામે છે. જાતે, પોતે દાનમાં એક પણ રૂપિયો લીધા વિના પણ દાન આપવા માટે લોકોને પ્રેરિત કરવા માટે, એ પણ પોતાના દેશના અબજોપતિને આ દિશામાં વાળવા માટે અમેરિકાના રિચેસ્ટ પર્સન બિલ ગેટ્સ, તેમનાં પત્ની અને વૉરન બફેટે એક સાવ જુદા જ આઇડિયાને જન્મ આપ્યો જે ઑગસ્ટ-૨૦૧૦માં ‘ધ ગિવિંગ પ્લેજ’ તરીકે અસ્તિત્વમાં આવ્યો. વ્યક્તિ પોતે જ સમાજના ઉત્થાન માટે ઉત્સુક થાય અને બીજાને પણ ઉત્સુક કરે એવી એક વિશિષ્ટ પરંપરા ત્રણ વ્યક્તિઓએ એક જુદા અંદાજ દ્વારા પ્રગટ કરી હતી. પહેલી વાર કોઈ એવી ક્બલ બનવા જઈ રહી હતી જેમાં પૈસા નહોતા આપવાના છતાં પૈસા પ્રાઇમ હતા, જેમાં ડાયરેક્ટ દાન લેવાનું નહોતું છતાં દાન આપવા માટેનું કમિટમેન્ટ પ્રાઇમ હતું. અત્યાર સુધી પાર્ટીઓ અને પોતાની સિદ્ધિઓના પ્રદર્શન માટે મળતા અબજોપતિ પહેલી વાર પોતાના સમાજ માટેના કર્તવ્યને પ્રમુખમાં રાખીને મળ્યા હતા, કોઈ પણ જાતના સ્વાર્થ વિના સેવા આપવાની નેમ સાથે એકઠા થયા હતા. એ મીટિંગ સફળ રહી અને એકસાથે ૪૦ અમેરિકન અબજોપતિઓએ પોતાની અડધી અથવા અડધાથી વધુ સંપત્તિ સમાજ માટે વાપરવાના શપથ લીધા. ગેટ્સ દંપતીએ ત્યારે પોતાની ૯૫ ટકા સંપત્તિ દાનમાં આપવાની જાહેરાત કરી, જ્યારે વૉરન બફેટે પોતાની ૯૯ ટકા સંપત્તિનું દાન કરવાની સહમતી દર્શાવી હતી. શરૂઆતમાં માત્ર અમેરિકનોને જ આ અભિયાનમાં સામેલ કરવાના હતા, પરંતુ પછી આ કન્સેપ્ટ વિશ્વભરમાં આવકારાયો અને ૨૦૧૩થી આ એક ગ્લોબલ અભિયાનમાં પરિવર્તિત થયું છે. આ આખા અભિયાનમાં માત્ર અબજોપતિઓને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને તેમને આ ક્લબમાં જોડાવા માટેનું ઓપન ઇન્વિટેશન આપવામાં આવ્યું છે, કારણ કે ગરીબ અને તવંગર વચ્ચેનું અંતર ઘટે એ માટે શ્રીમંત લોકોએ પહેલાં આગળ આવવું પડે એવું ગેટ્સ દંપતી અને વૉરન બફેટના ચર્ચાસત્રમાંથી ફલિત થયું હતું. ‘ધ ગિવિંગ પ્લેજ’ દ્વારા વિશ્વના અબજોપતિઓ વર્ષે એક વાર કોઈ શ્રેષ્ઠતમ રિસૉર્ટમાં ભેગા થાય છે અને ત્યાં સાથે મળીને દાન આપવા માટેની રકમ વાપરવા માટે પણ ઊભા થતા પડકારો, સફળતાઓ, નિષ્ફળતાઓની ચર્ચા કરવામાં આવે છે. વર્ષે એક વાર દુનિયાનાં સૌથી ઊંચી કક્ષા પર બેસેલાં ગ્રેટ માઇન્ડ્સ સાથે બેસવાની, સમય પસાર કરવાની અને તેમની પાસેથી કંઈક નવું શીખવાની તક પણ ‘ધ ગિવિંગ પ્લેજ’ને કારણે શ્રીમંત લોકોને મળી રહે છે. જોકે તેમની વાતચીતનું ધ્યેય કૉમન હોય છે કે કઈ રીતે તેમની પાસે રહેલા ફન્ડનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને વધુમાં વધુ લોકો સુધી એનો લાભ પહોંચાડી શકાય. આ પ્લેજને પબ્લિક પ્લૅટફૉર્મ પર રાખવાનો આશય પણ એ જ હતો કે વધુમાં વધુ લોકોને એની જાણ થાય અને વધુ ને વધુ લોકોને પ્રેરણા મળે.

ચાર ભારતીયો

આ જ અભિયાનમાં તાજેતરમાં ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણી અને તેમનાં પત્ની રોહિણી પણ જોડાઈ ગયાં છે. તેમણે પોતાની અડધાથી વધુ સંપત્તિ ડોનેટ કરવાની જાહેરાત કરીને ગિવિંગ પ્લેજમાં નામ નોંધાવી દીધું છે. આ પહેલાં વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી, બાયોકૉનનાં ચૅરમૅન કિરણ મઝુમદાર-શૉ અને શોભા ડેવલપર્સના ચૅરમૅન પી. એન. સી. મેનન પણ ગિવિંગ પ્લેજ સાથે જોડાઈ ગયાં છે. નીલેકણી દંપતી આ અભિયાનમાં સહમતી આપનારા ચોથા ભારતીય છે. અત્યાર સુધીમાં વિશ્વના બાવીસ દેશોના ૧૭૩ ધનવાનોએ પોતાની અડધાથી વધુ સંપત્તિ દાનમાં આપી દેવાની જાહેરાત કરીને ગિવિંગ પ્લેજમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

શ્રીમંતોનું સ્ટેટસ સિમ્બોલ

દાન-ધર્મ એ કોઈ પહેલી વાર થનારી ઘટના નહોતી. સંપન્ન લોકો દ્વારા સદીઓથી જરૂરિયાતમંદ લોકોને પોતાની ક્ષમતા મુજબ મદદ થતી રહી છે. જોકે પોતાની રીતે દાન આપવું એને બદલે દાન આપવા માટે વિશ્વના ધનવાનો પાસે કમિટમેન્ટ લેવું એ સાવ જુદો અને નવતર પ્રયોગ હતો અને છે. ‘ધ ગિવિંગ પ્લેજ’ કોઈ સંસ્થા નથી; એક પ્રયત્ન છે, એક પ્રયોગ છે, એક પ્રતિબદ્ધતા છે. ડોનેશનનું વચન આપતા લોકો પાસેથી ગિવિંગ પ્લેજ પૈસા લેતી નથી, માત્ર વચન લે છે. એ પણ અડધાથી વધુ સંપત્તિ ડોનેટ કરવાની તેમની દાનત હોય તો જ. વચન આપનારા ઉદ્યોગપતિ, આર્ટિસ્ટ, પ્રોફેશનલ વ્યક્તિએ ‘ધ ગિવિંગ પ્લેજ’ના નામે એક પત્ર લખવાનો હોય છે જેમાં તે પોતે પોતાના જીવતેજીવ અથવા મૃત્યુ પછી પોતાના વિલમાં પોતાની અડધી અથવા એનાથી વધુ સંપત્તિ દાનમાં આપવાની જાહેરાત કરતી હોય. સાથે જ એ પત્રમાં તે પોતે ક્યાં દાન કરશે, કેવી રીતે કરશે અને સમાજનાં કયાં કાયોર્માં આગળ વધશે એની પણ માહિતી આપેલી હોય. ‘ધ ગિવિંગ પ્લેજ’ એ પત્રને પોતાની વેબસાઇટ પર જાહેર કરે અને તેમને આ કાર્યર્ બદલ અભિનંદન પણ આપે. આજે શ્રીમંત પરિવારો માટે ‘ધ ગિવિંગ પ્લેજ’ એક ખૂબ મોટું સ્ટેટસ સિમ્બોલ બની ચૂક્યું છે. અલબત્ત, આમાંની એક પણ બાબતમાં કોઈ લીગલિટીનો સમાવેશ થતો નથી. આ બધું જ તમારી મૉરલ રિસ્પૉન્સિબિલિટી પર અને ભરોસા પર સ્વીકારવામાં આવે છે. એટલે તમે અડધાથી વધુ સંપત્તિ દાનમાં આપશો એવું જાહેર કર્યા પછી તમે ‘ધ ગિવિંગ પ્લેજ’ના મેમ્બર તો બની જાઓ, પણ પછી તમે આપેલું વચન ન પાળો તો તમારી વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહી થતી નથી. તમે ક્યાંય કાયદાકીય રીતે બંધાયેલા નથી. તમે દાન આપ્યુ કે નહીં એનું કોઈ ક્રૉસ ચેકિંગ પણ થતું નથી. એટલે ઘણા લોકોએ આ મુદ્દાને વિવાદાસ્પદ બનાવવાની કોશિશ કરી હતી. જોકે આ અભિયાનના મુખ્ય સૂત્રધારો આ બાબતને ગૌણ માને છે. તેમના મતે વિશ્વને બહેતર બનાવવા માટે વ્યક્તિનું સેલ્ફ-કમિટમેન્ટ હશે તો તે પોતાની જાતની સાક્ષીએ લીધેલા વચનને પાળશે જ.

એક નાનકડો વિચાર કેટલું વિશાળ પરિણામ લાવી શકે છે એનું જીવંત એક્ઝામ્પલ ‘ધ ગિવિંગ પ્લેજ’ના માધ્યમથી વિશ્વને મળ્યું છે.

માત્ર બે જ શરત

‘ધ ગિવિંગ પ્લેજ’માં મેમ્બરશિપ માટે માત્ર બે જ શરતો છે. પહેલી, તમારે અબજપતિ હોવું જોઈએ અને બીજી, તમે જીવતેજીવ અથવા વસિયતમાં તમારી કમસે કમ અડધી અથવા એથી વધુ સંપત્તિ દાનમાં આપશો એવી પ્રતિજ્ઞા લેવી પડે. આ પ્રતિજ્ઞા લીધા પછી તમે નિર્ધારિત કરેલી રકમ તમારી ઇચ્છા મુજબની સંસ્થામાં અને તમારી ઇચ્છા મુજબના સામાજિક કાર્યમાં વાપરી શકો છો. ‘ધ ગિવિંગ પ્લેજ’ સાથે સંકળાયેલા ૧૭૩ ધનવાનો પાસેથી લગભગ સાડાચારસો અબજ ડૉલર જેટલી તોતિંગ રકમ સમાજકલ્યાણમાં વાપરવામાં આવશે. એનો ઉપયોગ વિશ્વની ગરીબીને દૂર કરવા, શિક્ષણની ગુણવત્તા વધારવા, હેલ્થકૅરના રિસર્ચ માટે, બદલાઈ રહેલા વાતાવરણ અને પર્યાવરણના ઉત્થાન માટે કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના સૌથી શ્રીમંતોમાં જેમની ગણના થાય છે એવા વૉરન બફેટે પોતાની મોટા ભાગની સંપત્તિ બિલ ગેટ્સના ફાઉન્ડેશનને આપી છે. બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અત્યારે અમેરિકાના અર્લી એજ્યુકેશનને બહેતર બનાવવા તથા આફ્રિકન દેશોમાં બીમારીઓના ઇલાજમાં પોતાની પાસે રહેલા મહત્તમ ફન્ડનો ઉપયોગ કરી રહ્યું છે.

આ બાવીસ દેશોના અબજોપતિઓ આપશે પોતાની અડધી સંપત્તિ દાનમાં

ઑસ્ટ્રેલિયા

બ્રાઝિલ

કૅનેડા

ચીન

સાયપ્રસ

જર્મની

ભારત

ઇન્ડોનેશિયા

ઇઝરાયલ

મલેશિયા

મૉનેકો

નૉર્વે

રશિયા

સાઉદી અરેબિયા

સ્લોવેનિયા

સાઉથ આફ્રિકા

ટાન્ઝાનિયા

ટર્કી

યુક્રેન

યુનાઇટે આરબ એમિરેટ્સ

યુનાઇટેડ કિંગ્ડમ

યુનાઇટેડ સ્ટેટ્સ

ક્વોટ


આ એક પ્રયાસ છે દાન અને પરોપકારની એક બહેતરીન પરંપરા શરૂ કરવાનો. જે એકંદરે વિશ્વને એક શ્રેષ્ઠ જીવવાલાયક સ્થાન બનાવી શકે.

pledge

- બિલ ગેટ્સ, ‘ધ ગિવિંગ પ્લેજ’ના અને માઇક્રોસૉફ્ટના સ્થાપક

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK