બાવાઓ, ધર્મગુરુઓ અને જ્યોતિષીઓ: આ દુનિયા આટલી દુ:ખી કેમ?

કોઈ પણ દિવસે સવારના સાડાછ-સાત વાગ્યે ટીવી શરૂ કરો તો તમને અડધો ડઝન ચૅનલો પર કથાકાર બાવાઓ ચોંટેલા જોવા મળશે.

મેરા ભારત મહાન! મગર કભી કભી - ભગવાનજી રૈયાણી


મારા-તમારા કરતાં તેઓ ઘણા વધુ વાક્પટુ હોય છે. ભગવાન, ધર્મ, કર્મ, નીતિમત્તા, માનવસેવા, પાપ, પાખંડ, પૂજા, કર્મકાંડ, દેવ, દાનવ અને સ્વર્ગ-નરકની ભેળસેળિયા ભાષામાં પૌરાણિક કથાઓને તેઓ ટુચકાઓના મરીમસાલા દ્વારા એવી રસાળ શૈલીમાં રજૂ કરે છે કે ભલભલા બૌદ્ધિકોને ‘ભક્તિરસ’ના નશામાં ડોલાવી દે.

એક સાંજે એક ચૅનલ પર એક કથાકાર હજારો શ્રોતાઓને પોતાની ‘અમૃતવાણી’માં રસતરબોળ કરી રહ્યા હતા. ઑડિયન્સ લંડનનું લાગ્યું. થોડુંક આવું સંભળાયું.

‘ભક્તજનો, તાંડવ કરતા શિવના ખરી પડેલા એક વાળમાંથી પૃથ્વી પરના ઐશ્વર્ય (સુખ-સમૃદ્ધિ)નો આવિષ્કાર થયો છે. મંદિરમાં પાઠપૂજા કરીને કથાશ્રવણ કરનારનાં દુ:ખો ભગવાન દૂર કરે છે અને એને આ લોકનાં અને પરલોકનાં તમામ સુખોની પ્રાપ્તિ થાય છે.’ વગેરે વગેરે.

ત્યાં ઑડિયન્સમાંથી એક ચિઠ્ઠી આવે છે. મહારાજ વાંચે છે:

‘મહારાજ, લંડનમાં મંદિર બાંધવામાં કરોડો રૂપિયા વાપરવાને બદલે એ રકમ ગુજરાતનાં ગરીબગુરબાંઓના લાભાર્થે કે હૉસ્પિટલો કે સ્કૂલો-કૉલેજો બાંધવામાં કે એવાં જ વિકાસકામોમાં વાપરીએ તો કેમ?’

‘ચિઠ્ઠી લખનાર ભાઈની ઇચ્છા મુજબ તો દાતાઓના ધનનો સદુપયોગ થઈ જ રહ્યો છે; પણ અહીં બંધાનારા મંદિરમાં ઈશ્વરપૂજા, ભજન, ર્કીતન અને સત્સંગ ઉપરાંત ભક્તજનોના કૌટુંબિક, સામાજિક અને અન્ય પ્રશ્નો પણ ઉકેલાશે એટલે મંદિરનું બાંધકામ તો અનિવાર્ય છે.’ મહારાજ ઉવાચ અને તાળીઓ.

પ્રો. અશ્વિન કારીઆ તેમના પુસ્તક ‘તમને અવકાશી ગ્રહો નહીં, પૂર્વગ્રહો નડે છે’માં લખે છે : ‘કથા, સપ્તાહો કે પારાયણોએ તો આ દેશમાં આડો આંક વાળી દીધો છે. છેલ્લાં ઘણાં વર્ષથી ગુજરાતમાં જે રીતે ઉપરાછાપરી કથાઓ, સપ્તાહો યોજાવા લાગ્યાં છે એ જ ધ્યાનમાં લઈએ તો ગુજરાતના તમામ લોકો નીતિમાન, સદાચારી, કામગરા અને દેશપ્રેમી તેમ જ માનવતાવાદી જ હોવા જોઈએ; પરંતુ એને બદલે આપણે વધુમાં વધુ કામચોર, દંભી, ઈર્ષાખોર અને સ્વાર્થી બનતા જઈએ છીએ.’

સ્વાતંત્ર્યસૈનિક અને ગુજરાતના પ્રખર સમાજસુધારક ઈશ્વર પટેલ તેમના ‘ઈશ્વરનો ઇનકાર’ નામના પુસ્તકમાં લખે છે : મનુષ્યને ક્લોરોફૉર્મ કે તેના કોઈ અંગને કોકેન વડે મૂર્છિત-જડ કરી મૂકીને વૈદ્ય તેના પર શસ્ત્રક્રિયા બહુ સુખેથી કરી શકે. તે મનુષ્ય બિલકુલ વિરોધ ઉઠાવે નહીં, કેવળ જડ-શાંત રહે. માનવીને શ્રદ્ધાધર્મના નશાથી મૂર્છિત-જડ કરી મૂકીને ધર્મગુરુ પોતાને સુખેથી વશ રાખી શકે. ક્લોરોફૉર્મ કે નશો ઊતરે ત્યારે માનવીને સાચું ભાન આવે, પણ શ્રદ્ધાનશો ભાગ્યે જ ઊતરે.’

તેઓ ગઝનવી, અલ્લાઉદ્દીન ખિલજી અને ઔરંગઝેબ જેવા મૂર્તિ-મંદિરભંજકોના દાખલા સાથે કહે છે કે એ વખતે કાપુરુષો ઘરમાં ભરાઈ ગયા. મંદિર-મૂર્તિની અંદર બેઠેલા ઈશ્વર પણ આત્મરક્ષણ ન કરી શક્યા? અંધશ્રદ્ધા અને ઈશ્વરના અસ્તિત્વ સામેનો બળવો બહુ પુરાણો છે. એ ભ્રમજાળ તોડવા માટે બૃહસ્પતિ, ચાર્વાક, આજીવક, ગોશાલ, બુદ્ધ અને મહાવીરે ઉઠાવેલાં બંડોનો ઈશ્વરભાઈ નિર્દેશ કરે છે. બે વર્ષની બાળકી અને સાત વર્ષની પુત્રી પર બળાત્કાર કરતા નરાધમોના સમાચારો તાજેતરમાં જ વાંચવા મળ્યા. આપણે બધા જ ઈશ્વરનાં સંતાનો હોઈએ તો

માણસ-માણસ વચ્ચે ઈશ્વર ભેદભાવ શા માટે કરે છે? કોઈને ઝૂંપડીમાં અને કોઈને મહેલમાં જન્મ અપાવે? શ્રદ્ધાળુ કહેશે કે એ તો કર્મનાં ફળ છે, પણ ઈશ્વરપિતા કોઈ સંતાન પાસે ખોટાં કામ કરાવે જ શા માટે? સામાન્ય માનવી પણ પોતાના કોઈ સંતાનને ખોટાં કામ કરવા પ્રેરશે નહીં. આ ગણિત પ્રમાણે તો માનવીને ઈશ્વર (જો હોય તો) કરતાં મહાન ગણવો જોઈએ. પોતાનાં જ સંતાનોને દુ:ખી કરવા માટે કોઈ બાપ યુદ્ધ, ત્રાસ, દમન, દુષ્કાળ અને વાવાઝોડાં કરાવે? આ ઉત્પાતોમાં દુ:ખો ભોગવનાર અને મરનાર માનવો, પશુઓ, પંખીઓ અને વૃક્ષો બધાં જ પાપીઓ અને તેમને ઈશ્વરપિતાની આ સામૂહિક શિક્ષા? આ તો કેવો નર્દિય બાપ?

પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતામાં જ્ઞાનત્રિવેણી એની સોળે કળાએ ખીલી. વેદો, રામાયણ, મહાભારત, ભગવદ્ગીતાનાં સર્જનોની તોલે આવે એવાં સાહિત્યો ત્યાર પછી વિશ્વમાં ક્યાંય સર્જાયાં નથી. એ પછી હજારેક વર્ષ બાદ અવતરેલા મધ્યયુગીન ભારતીય સાહિત્યકારો જેવા કે કાલિદાસ, શૂદ્રક, ભાસ, ભારવિ, ભવભૂતિ, બાણ, માઘ વગેરેએ રચેલું સાહિત્ય પણ અદ્ભુત રહ્યું છે. આ મહાબ્રાહ્મણો ખરા અર્થમાં અકિંચન સાહિત્યકારો હતા. તેમને પોતાનાં રાજ્યોમાં વસાવવા સાહિત્ય અને સંસ્કારના જતન માટે હંમશાં સતર્ક રહેતા રાજાઓ વચ્ચે હોડ ચાલતી. જોકે આર્યાવર્તમાં વસેલા હજારો-લાખો બ્રાહ્મણોમાંથી આવા ગજાના કેટલા? તેમને શારીરિક શ્રમ તો કરવો નહોતો. તેઓ ભણતા પણ વિદ્વાન નહોતા થઈ શકતા. તેમણે ઊપજાવી ઈશ્વરની એક ગળચટ્ટી કલ્પના અને સાથે-સાથે મંદિરો, મૂર્તિઓ, કથા, વાર્તા, સેવાપૂજા, પાપ, પ્રાયિત્ત, સ્વર્ગ-નરકની ભ્રમણા, ભૂતપ્રેત, ગ્રહનડતર વગેરે ધતિંગો ચલાવ્યાં. અંધશ્રદ્ધાળુઓને આવા નશાને રવાડે ચડાવી દીધા. એક વાર એક લગ્નમાં એક ધનિક સદ્ગૃહસ્થ મળી ગયા. સાંતાક્રુઝમાં થનારી ભાગવત સપ્તાહમાં તેઓ એકલા જ દસ-વીસ લાખ (અલબત્ત બે નંબરના) ખર્ચવાના હતા. કથાનું પ્રયોજન શું એમ પૂછતાં કહે કે પંદર કરોડ રામનામ લખવાનાં છે, બાર કરોડ તો લખાઈ ગયાં છે. બીજું કંઈ સામાજિક કામ થશે? તો કહે કે છ અંધબધિર યુગલોને પરણાવવાનાં છે અને ડઝન વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ અપાશે. અગિયારસો બ્રાહ્મણો અને અગિયારસો દંપતીઓની પોથીઓ (એક પોથીનો ભાવ દસ-વીસ હજાર હોઈ શકે) નોંધાઈ ગઈ છે. કરોડનો ધુમાડો કર્યા પછી લાખનું દાન કરી દેવાનું એ છે આપણો ધરમ.

હોનારતો વખતે કેટલા બાવા-બાપુ, સાધુ-સંતો, મઠાધીશો, જગદ્ગુરુઓ અને ધર્મપ્રચારકો મદદે આવે છે? મંદિરના ભંડારોમાં સડતા અબજો રૂપિયા કોને કામ લાગ્યા? અત્યારે તો ચાલાક અને લુચ્ચા ધર્મોપદેશકો ભક્તગણો વધારવાની હોડમાં લાગી ગયા છે. ધર્મગુરુઓ એક્સપોર્ટ કરવાનો આંતરરાષ્ટ્રીય બિઝનેસ જોરમાં છે. દેશ હોય કે પરદેશ, તેમનું પાંડિત્ય પોતપોતાને ભગવાન તરીકે સ્થાપિત કરવા સુધી પણ પહોંચી શકે છે. તેમનું સમગ્ર સામ્રાજ્ય અંધશ્રદ્ધાના વિચલિત પાયા પર બેરોકટોક સમૃદ્ધ થઈ રહ્યું છે. તેઓ વિશ્વશાંતિ માટે યજ્ઞો અને પદયાત્રાઓ કરે છે, પણ ક્યાં છે શાંતિ?

ચાર્વાક ઋષિના પુરાણકાળથી અંધશ્રદ્ધા વિરુદ્ધની લડતનાં મંડાણ મંડાઈ ચૂક્યાં છે. એના લડવૈયાઓ સમગ્ર દેશમાં રહીને યથાશક્તિ લડત આજે પણ આપી રહ્યા છે. તેમની પાસે જોમ અને જુસ્સો છે, પણ નાણાં નથી; જ્યારે અંધશ્રદ્ધાળુઓની જબરદસ્ત જમાત પાસે બેસુમાર નાણાં છે. પરિણામે લડવૈયાઓ હારતા અને શહીદ થતા આવ્યા છે, પણ તેમણે હથિયાર હેઠાં મૂક્યાં નથી. તેઓ છૂટાંછવાયાં વતુર્ળો છે, બહુ સંગઠિત થયાં નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK