જીવન ડાયરી - મા-બાપ જે સપનું અધૂરું છોડીને જાય છે એ તેમના આર્શીવાદરૂપે પૂર્ણ થાય જ છે

ટીવીની એક એવી સિરીઝ જેણે ઘર-ઘરમાં ઘેલું લગાડ્યું હતું.

rajesh

રાજેશ જોશી - રાઇટર, ડિરેક્ટર, ઍક્ટર

સેજલ પોન્દા - પ્રકરણ ૫


રાજેશભાઈને બાળપણમાં જનોઈની વિધિ દરમ્યાન ત્યાં મૂકેલી ચાર-પાંચ વસ્તુમાંથી કોઈ એક વસ્તુ લેવાનું કહેવામાં આવ્યું અને રાજેશભાઈએ પોતાના હાથમાં કલમ ઉપાડી. એ સમયે તેમને ખ્યાલ નહોતો કે ભવિષ્યમાં કલમથી તેઓ શબ્દોને પોંખશે. દિગ્દર્શક રાજેશ જોશીનો લેખક તરીકે શાનદાર શુભારંભ થયો.

પવિત્ર બંધનમ


પ્રોફેશનલ રાઇટર તરીકે મારી કારર્કિદીમાં વિપુલ મહેતાનો મહત્વનો ફાળો રહ્યો છે એમ જણાવીને મિત્ર વિપુલ મહેતા સાથેની મૈત્રીની વાત કરતાં રાજેશભાઈ કહે છે, ‘વિપુલ મહેતા અને ભાવિન જોશી એકતા કપૂરની ‘કૅપ્ટન હાઉસ’ સિરિયલ લખતા હતા. વિપુલે ત્યારે મને કહ્યું કે આપણે સાથે મળીને કંઈક નવું લખીએ અને મારો જવાબ હતો : રાઇટિંગ ઇઝ નૉટ માય કપ ઑફ ટી. જોકે વિપુલના આગ્રહથી એક સબ્જેક્ટ લઈને હું વિપુલ સાથે એકતા કપૂરને મળવા ગયો. એકતાને અમારા કસેપ્ટમાં ડિફરન્ટ ટ્રૅક્સ જોઈતા હતા. ચાર દિવસ પછી હું અને વિપુલ ડિફરન્ટ ટ્રૅક સાથેની પંચાવન પેજની સ્ક્રિપ્ટ સાથે રેડી હતા. એકતાને એ બહુ પસંદ આવ્યા અને મારી પહેલી સિરિયલ ‘પવિત્ર બંધનમ’ તામિલ ભાષામાં શરૂ થઈ. અમે હિન્દી સ્ક્રિપ્ટ આપીએ જે ત્યાં તામિલમાં ટ્રાન્સલેટ થાય. તામિલમાં ૮૦ એપિસોડ બાદ એ સિરિયલ એકતાએ હિન્દીમાં ‘કોશિશ એક આશા’ નામે લૉન્ચ કરી જેને અનુરાગ બાસુએ ડિરેક્ટ કરી. એ મારી પ્રથમ હિન્દી સિરિયલ જે મેં વિપુલ મહેતા સાથે લખી.’

ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી

એ સિરીઝની વાત શૅર કરતાં રાજેશભાઈ કહે છે, ‘એકતાને ફૅમિલી-ડ્રામાવાળી નવી સિરીઝ જોઈતી હતી. મેં અને વિપુલે સાથે મળીને નવી સ્ટોરીનું આખું માળખું બનાવ્યું. એકતાને જ્યારે અમે કન્સેપ્ટ સંભળાવ્યો ત્યારે તેને લાંબું વિઝન દેખાયું. અહીંથી એક બેસ્ટ ટીવી-સિરીઝનાં બીજ રોપાયાં. એ સિરિયલ એટલે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’. ‘ક્યોંકિ...’નાં બધાં પાત્રો સામાન્યમાં સામાન્ય ઘરમાં પણ પ્રખ્યાત થઈ ગયાં. ‘ક્યોંકિ...’એ એવી ધૂમ મચાવી કે આ સિરિયલની સફળતા બાદ એકતા કપૂર ‘ક્યોંકિ...’ની આખી ટીમને તિરુપતિ દર્શન કરવા લઈ ગઈ.’

ક્યોંકિ રાઇટર સોતા નહીં.

આમ મારા જીવનનો નવો અણધાર્યો તબક્કો શરૂ થઈ ગયો એક જણાવીને રાજેશભાઈ કહે છે, ‘સિરિયલમાં તમારે એકધારું લખવાનું હોય. મારો થિયેટરનો અનુભવ પણ અહીં કામ લાગ્યો. લોકોને શું જોઈએ છે, કઈ વસ્તુ પર ઇન્ટરેસ્ટ હોલ્ડ કરી શકાય એની સમજ તો હતી જ. ‘ક્યોંકિ...’ વખતે હું દિવસના ચાર કલાક સૂતો. સવારના ચાર વાગ્યે સૂઈને આઠ વાગ્યે ઊઠી જતો. એપિસોડ લેવા બાલાજીમાંથી માણસ આવે. જેમ-જેમ વ્યસ્તતા વધતી ગઈ એમ મીટિંગમાં નરેશન માટે સમય ઓછો પડતો. એટલે મેં અસિસ્ટન્ટ તરીકે મિતેશ શાહને અપૉઇન્ટ કર્યો. મિતેશ સાથે મારે સારો રેપો બંધાઈ ગયો. મારી પ્રોફેશનલ જર્નીના ટર્નિંગ પૉઇન્ટ પર મળેલા વિપુલના સાથે મને વિપુલ સફળતા અપાવી.’ 

એક ઇમોશનલ વિદાય


મારી નવી દિશા અને મારા પ્રોગ્રેસે પપ્પાને અનહદ આનંદ આપ્યો, પણ ૨૦૦૦ની ૨૬ નવેમ્બરે પપ્પાએ અમારી વચ્ચેથી વિદાય લીધી એમ જણાવીને રાજેશભાઈ કહે છે, ‘મનમાં ગોઠવાઈ ગયેલી વ્યક્તિ છબિમાં ગોઠવાઈ જાય ત્યારે મન ભાંગી પડે. INT સંસ્થા સાથે પપ્પા મનસુખ જોશીની જર્ની પંચાવન વર્ષની રહી છે. પપ્પાને પ્રમોદ મહાજનના હસ્તે બેસ્ટ રિસર્ચવર્ક ઇન ડ્રામા માટે અવૉર્ડ મળ્યો હતો. રાષ્ટ્રપતિ આર. વેન્કટરામનના હસ્તે પણ પપ્પાનું રાષ્ટ્રીય સ્તરે સન્માન થયું હતું. પપ્પાનો કલાવારસો મારા અને તુષારમાં ઊતર્યો હતો જે એક છોડની જેમ ઉછેરાતો ગયો. જેમ મમ્મીનું સપનું ફ્લૅટ લેવાનું હતું એમ પપ્પાનું સપનું જીપ લેવાનું હતું. આ બન્ને અધૂરાં સપનાં તેમની વિદાય બાદ પૂરાં થયાં. આ વાતનું ભીતર દુ:ખ છે, પણ બન્નેના આર્શીવાદ અમને ફળ્યા. માબાપના આર્શીવાદનો જાદુ જે સમજે છે તેમને ખબર જ હશે કે માબાપ જે સપનું અધૂરું મૂકી જાય છે એ તેમના આર્શીવાદરૂપે પૂરું થાય જ છે’.

ક્રિષ્ના કૉટેજ

બાલાજી ટેલિફિલ્મ્સ સાથે રાજેશભાઈને સારો રેપો બંધાઈ ગયો હતો. સિરિયલની વ્યસ્તતા વચ્ચે એકતા કપૂરે રાજેશભાઈને ફિલ્મ લખવાની ઑફર મૂકી. રાજેશભાઈ કહે છે, ‘મને ફિલ્મ લખવાનો અનુભવ નહોતો. એકતાએ મારી અભિજ્ઞાન ઝા સાથે ઓળખાણ કરાવી. અમે કન્સેપ્ટ ડિસ્કસ કરી રહ્યા હતા ત્યારે મેં મારા મિત્ર નીરવ વૈદ્યને પણ ઇન્વૉલ્વ કર્યો અને અમે ત્રણેએ મળી એકતાની ફિલ્મ ‘ક્રિષ્ના કૉટેજ’ લખી’.

પિંકુ ખત્રી

ટીવીના પડદા પાછળ પોતાની કલમથી જુદાં-જુદાં પાત્રોને ઉજાગર કરતા રાજેશભાઈએ ઑન-સ્ક્રીન એક રોલ ભજવ્યો. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’માં પિંકુ ખત્રીનું પાત્ર આજેય બધાને યાદ છે. રોલ નાનો હતો છતાં એવો દમદાર હતો કે લીડ ઍક્ટર્સની જેમ જ લોકોના દિલમાં વસી ગયો. પિંકુ ખત્રીનો રોલ નિભાવનાર રાજેશભાઈ કહે છે, ‘જ્યારે તમે કૅમેરાની સામે હો છો ત્યારે ઓળખાઓ છો; પણ લેખક, દિગ્દર્શક જેવા કૅમેરાની પાછળના પિલર્સ છુપાયેલા રહે છે. જે દેખાય એને જ લોકો પ્રેમ કરે છે. ‘ક્યોંકિ...’ના રાઇટર તરીકે કદાચ સામાન્ય લોકો મને ન ઓળખે, પણ ‘ક્યોંકિ...’માં પિંકુ ખત્રી તરીકે મારો ચહેરો જાણીતો બન્યો હતો. એક વાર હું માસીને ત્યાં ગયો હતો ત્યારે પિંકુ ખત્રીને એટલે કે મને જોવા આખી સ્ટ્રીટ જમા થઈ ગઈ. આવા અનુભવ જ્યાં જઉં ત્યાં થતા. ઑન-સ્ક્રીન તમારી હાજરી એક અલગ ઓળખ અપાવે એ હકીકત છે.’

મતભેદ, પણ મનભેદ નહીં


‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ના ૭૮૧ એપિસોડ લખ્યા બાદ એકતા સાથે મતભેદ થતાં મેં એ સિરિયલ છોડી લીધી એમ જણાવીને રાજેશભાઈ કહે છે, ‘મારી લાઇફનું એ બહુ મોટું ડિસિઝન હતું. બાલાજીમાંથી નીકળ્યા બાદ હવે પછી શું એ પ્રશ્ન હતો. જોકે એક તબક્કે તમારે વિચારવું પડે કે તમે બીજા થકી છો કે તમારા સ્વબળે છો. ત્યાં જ મને સ્ટાર પ્લસ જૉઇન કરવાની ઑફર આવી, પણ મેં ફ્રી-લાન્સિંગ રાઇટર તરીકે કામ કરવાની ઇચ્છા દર્શાવી અને અસિતકુમાર મોદી નિર્મિત ‘સારથિ’ સિરિયલમાં હું રાઇટર તરીકે જોડાયો. મિત્ર પ્રકાશ કાપડિયાએ પોતાના વન-ઍક્ટ ‘કર્માધીન’ પરથી આખો કન્સેપ્ટ તૈયાર કર્યો હતો. આમ મારી અને પ્રકાશની થિયેટરની મૈત્રીનો સિલસિલો સિરિયલ સુધી પહોંચ્યો.’

સિલસિલા સિરિયલ કા


મેં યુટીવી માટે ‘સ્મૃતિ’ અને ‘શહનાઈ’ સિરિયલ લખી, ઝીટીવી માટે હેમલ ઠક્કરની ‘તીન બહુરાનિયાં’ લખી, જે. ડી. મજીઠિયાની ‘બહનેં’ લખી અને એ પછી ‘શોર’, ‘રહે તેરા આર્શીવાદ’ અને ‘સોલહ સિંગાર’ લખી એમ જણાવીને રાજેશભાઈ કહે છે, ‘મારો કૉન્ફિડન્સ વધતો ગયો કે હું સ્વતંત્ર રીતે પણ કામ કરી શકું છું. આમ ૨૦૦૪થી ૨૦૦૮ સુધી બાલાજી પ્રોડક્શનની બહારની સિરિયલો લખવાનો સિલસિલો અવિરત ચાલતો રહ્યો.’

joshi

બાલાજીનું ઋણ

પ્રોફેશનલ લાઇફમાં સાથે કામ કરતી વખતે મતભેદ થયા કરે અને અમુક અવકાશ બાદ ફરી જોડાવાની ઑફર મળે તો? રાજેશભાઈ કહે છે, ‘સિરિયલ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ એના છેલ્લા પડાવમાં હતી ત્યારે મને બાલાજીમાંથી ફોન આવ્યો કે તમે છેલ્લા એપિસોડ લખશો? ‘ક્યોંકિ...’ની શરૂઆત મેં અને વિપુલે કરી હતી એટલે છેલ્લા તબક્કા માટે મેં હા પાડી અને હું ફરી બાલાજી સાથે જોડાયો. ‘ક્યોંકિ...’ની પૂર્ણાહુતિના છેલ્લા પાંચ એપિસોડ મેં લખ્યા. બાલાજી સાથે મારું એક ઋણ હતું જે મેં પૂરું કર્યું.’

લક્ષ્મી, સરિતા, કાવ્યા

રાજેશભાઈના ચાર જણના પરિવારમાં બીજી ત્રણ ખાસ વ્યક્તિનો ઉમેરો થવાથી સંબંધના સરવાળા થતા રહ્યા. જૂના જમાનાની એક તાસીર એવી હતી કે ઘરમાં કામ કરતા નોકરો કે બહેનો સાથે ઘર જેવો ઘરોબો જળવાઈ જાય અને એ સંબંધ કાયમ માટે પોતીકો બની જાય. રાજેશભાઈ કહે છે, ‘લક્ષ્મીમાસી અને સરિતાબહેનનો અમારા જીવનમાં બહુ મોટો ફાળો રહ્યો છે. લક્ષ્મીમાસી તો C.P. ટૅન્કમાં મારાં મમ્મીના વખતથી અમારા ઘરમાં કામ કરતાં અને એક ફૅમિલી-મેમ્બર તરીકે જોડાઈ ગયાં. એ પછી સરિતાબહેન પણ અમારા ઘરે આવ્યાં. સરિતાબહેને ૨૦૦૮ની ૨૬ ઑગસ્ટે દીકરીને જન્મ આપ્યો અને તેમના પતિ તેમને છોડી જતા રહ્યા. સગાં મા-દીકરીને જુદાં ન પડાય એવી ભાવના સાથે અમે સરિતાબહેનની દીકરી કાવ્યાને દત્તક લીધી. ઘરમાં દીકરીનો જે અવકાશ હતો એ પુરાઈ ગયો. કાવ્યા તેની સગી મા સરિતાબહેનને આઈ કહી સંબોધે. કાવ્યા મને પપ્પા અને સુરાલીને મમ્મી કહે. નિહાર અને હર્ષિત તેના મોટા ભાઈ. લક્ષ્મીમાસી, સરિતાબહેન અને કાવ્યા નામનો ટહુકો અમારા પરિવારના અને અમારા જીવનના લાગણીભર્યા સંબંધોમાંનો એક છે.’

સેકન્ડ ઇનિંગ્સ

૨૦૦૯માં એકતા તરફથી સિરિયલ લખવાની ફરી ઑફર મળી અને બાલાજી સાથે મારી સેકન્ડ ઇનિંગ્સ શરૂ થઈ એમ જણાવીને રાજેશભાઈ કહે છે, ‘મેં NDTV ઇમૅજિન માટે એકતા કપૂરની ‘બંદિની’ સિરિયલ લખવાની શરૂઆત કરી. આ દરમ્યાન જ એકતા એક તામિલ સિરિયલ ‘થિરુમથી સેલ્વમ’ પરથી હિન્દી સિરિયલ બનાવવાનો પ્લાન કરી રહી હતી. એમાં હું રાઇટર તરીકે જોડાયો અને જન્મ થયો સિરિયલ ‘પવિત્ર રિશ્તા’નો. એકતાની સિરિયલ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’, ‘કસૌટી ઝિંદગી કી’, ‘પવિત્ર રિશ્તા’, ‘કુમકુમ’, ‘કુસુમ’, ‘કોઈ અપના સા’ વગેરે સિરિયલોએ હજારથી વધુ એપિસોડ કર્યા અને રાઇટર તરીકે હું આ દરેક સિરિયલનો હિસ્સો બની શક્યો એનો મને આનંદ છે.’

જીવનની ગાડી પૂરપાટ વેગે દોડતી હોય એમાં અનેક લોકોનો ફાળો હોય અને ઈશ્વર પણ એમાં તથાસ્તુનો તાલ ઉમેરે ત્યારે જીવન-ડાયરીમાંથી કેવું સંગીત નીકળે એ માણીએ આવતા રવિવારે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK