અધર્મમાં જેટલો વધારે લાભ મળે એટલી જ વધારે શિક્ષા પણ મળતી હોય છે

કોઈ કર્મ ઘણું ફળ આપનારું ભલે હોય, પણ જો એમાં ધર્મ ન હોય તો એનું આચરણ કરવું નહીં.


લક્ષ્મી ચંચળ છે કે આપણે? - ગૌરવ મશરૂવાળા

ધર્મ હોય ત્યાં જ પુરુષાર્થ છે એટલે કોઈ ફળના લોભે ધર્મનો ત્યાગ કરવો નહીં. શિક્ષાપત્રીના શ્લોક ૭૩નો આ ભાવાર્થ છે.

સ્વામીનારાયણ પંથની શિક્ષાપત્રીના આ શ્લોક પરથી મને હિન્દી ફિલ્મોની એક વાત યાદ આવે છે. ફિલ્મોમાં વિલન ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતો જોવા મળે છે. તે સોનાની દાણચોરી અને ડ્રગ્સનો ધંધો કે શસ્ત્રોનો વેપાર જેવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરતો હોય છે. અજિત (મૂળ નામ હમીદ ખાન) નામનો પ્રખ્યાત કલાકાર સોનાના દાણચોરની ભૂમિકા ભજવતો હતો. દેશના કાયદાનો ભંગ કરીને થતી કરચોરીનો આ પ્રકાર છે. ફિલ્મોમાં અલગ-અલગ વિલનોએ કરેલી અલગ-અલગ ગેરકાનૂની પ્રવૃત્તિઓ ધર્મરહિત અથવા તો અધર્મી પ્રવૃત્તિઓ હતી. છેવટે તેમને સજા મળતી. જ્યારે પણ કોઈ માણસ કર ટાળવા માટેનું પગલું ભરે છે ત્યારે તેનું કાર્ય વિલન જેવું હોય છે એમ કહી શકાય. તેનો અંત પણ વિલન જેવો જ આવતો હોય છે.

આપણે રાવણ વિશે પણ સાંભળ્યું છે કે તે શિવનો ભક્ત હતો. આમ છતાં તેણે આ જગતના નિયમોનો ભંગ કરીને સીતાના અપહરણની ગેરકાનૂની કે અધર્મી પ્રવૃત્તિ કરી. છેવટે એ એક પગલાએ તેનો વિનાશ સરજ્યો. આ જ વાત બીજા અસુરોના કિસ્સામાં પણ જોવા મળી છે. આપણે અગાઉ આ કટારમાં ભગવદ્ગીતાના શ્લોક-ક્રમાંક ૧૬.૧૨ અને ૧૬.૧૩નો સંદર્ભ જોયો હતો. એમાં પણ સંપત્તિ રળવા માટે કરવામાં આવતી અસુરી પ્રવૃત્તિઓની વાત હતી.

શાસ્ત્રોનાં અને હિન્દી ફિલ્મોનાં ઉદાહરણો પરથી આપણે અધર્મી પ્રવૃત્તિઓનાં ઉદાહરણો જોયાં. હવે આપણી આસપાસ રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓમાં એનું પ્રતિબિંબ જોઈએ. કોઈ બિઝનેસમૅન સામાન વેચતી વખતે વજનમાં ગરબડ કરે કે હલકી ગુણવત્તાનો માલ આપે, કોઈ વ્યવસાયી ગ્રાહકને છેતરે, કોઈ વકીલ વધુ ફી કમાવા માટે કેસને લંબાવ્યે રાખે, કોઈ ડૉક્ટર સર્જરીની જરૂર ન હોવા છતાં એની ભલામણ કરે, કોઈ માણસ દારૂ પર પ્રતિબંધ ધરાવતા વિસ્તારમાં ઍમ્બ્યુલન્સની મદદથી દારૂ ઘુસાડે વગેરે સંખ્યાબંધ ગેરકાનૂની, અનૈતિક અને અધર્મી પ્રવૃત્તિઓ બનતી હોવાના દાખલા આપણી આસપાસ મોજૂદ છે.

આવી પ્રવૃત્તિઓ કરનારા લોકોની ગતિ પણ હિન્દી ફિલ્મોના વિલન જેવી જ થવાની. બહારથી આપણને એવા લોકોનું જીવન ઘણું સારું દેખાતું હોઈ શકે છે, પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી. તેમના પરિવારજનો કોઈ શારીરિક કે માનસિક સમસ્યાથી પીડાતા હશે, જેની બહારના માણસ તરીકે આપણને ખબર જ નહીં હોય.

બીજું, આપણે કુદરતનો ક્રમ સમજી લેવાની જરૂર છે. જ્યાં પણ આ પૃથ્વીના કે બ્રહ્માંડના નિયમો કે સિદ્ધાંતોનો ભંગ થાય છે ત્યાં એનું પરિણામ ગંભીર જ આવતું હોય છે. કરચોરી દ્વારા દેશના કાયદાનો ભંગ કરીએ તો દંડ ભરવો પડે છે. આ જ રીતે જો આપણે બીજા અમુક કાયદા તોડીએ તો દંડની સાથે-સાથે કેદ પણ થઈ શકે છે. વળી ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરનારા લોકો સમાજમાં કલંકિત થઈ જાય છે. જો આપણે કોઈ કાયદો તોડીએ નહીં અથવા તો કાયદાનું અચૂકપણે પાલન કરીએ તો પણ કોઈ વિશેષ પુરસ્કાર કે લાભ આપવામાં આવતો નથી, કારણ કે એમ કરવામાં આપણે કોઈ મોટું કામ કરતા નથી. એવું તો કરવાનું જ હોય છે, એ જ તો ધર્મ છે.

જોકે આપણે કુદરતના નિયમોનું પાલન કરીએ કે ધર્મનું કાર્ય કરીએ તો એનો આપણને શિરપાવ મળે છે. દાખલા તરીકે જો આપણે વાસી ખોરાક ખાઈએ તો માંદા પડીએ છીએ, પણ જો આરોગ્યપૂર્ણ ખોરાક લઈએ તો શારીરિક અને માનસિક આરોગ્ય સારું રહે છે. એ જ રીતે વનનો નાશ કરવાથી હવામાનમાં પલટો આવે છે અને ગ્લોબલ વૉર્મિંગ, દુષ્કાળ કે અતિવૃષ્ટિ જેવી આપદાઓ આવે છે. એનાથી વિપરીત જો વન્યસંપદા ટકાવી રાખીએ તો ઠંડી-ગરમી-વરસાદ યોગ્ય પ્રમાણમાં આવે છે. પરિણામે ખોરાક-પાણીની દૃષ્ટિએ મનુષ્યને કોઈ તકલીફ પડતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો કુદરતે આપેલો એ શિરપાવ કે આર્શીવાદ છે. ધર્મ દંડિત પણ કરે છે અને ધર્મ આશિષ પણ આપે છે.

ફરી એક વાર શિક્ષાપત્રીના શ્લોક-ક્રમાંક ૭૩ પર નજર કરીએ. ભલે ગમે એટલો લાભ દેખાતો હોય, અધર્મ થાય એવી કોઈ પ્રવૃત્તિ ન કરવાનું એમાં કહેવાયું છે. અધર્મમાં જેટલો વધારે લાભ મળે એટલી જ વધારે શિક્ષા પણ મળતી હોય છે એ વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.

(લેખક વિખ્યાત ફાઇનૅન્શિયલ પ્લાનર છે અને તેમણે ‘યોગિક વેલ્થ’ નામનું પુસ્તક પણ લખ્યું છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK