નાનપણમાં સ્મિતાએ મમ્મીને શું શ્રાપ આપેલો?

વિદ્યાજીએ તત્કાળ રિક્ષા પકડી અને સરસ્વતી લક્ષ્મી મૅટરનિટી હોમ પર પહોંચી ગયાં.

smita

કિનારે-કિનારે - સલિલ દલાલ

નસીબજોગે ત્યાં એ જ ડૉક્ટર હાજર હતા જેમના હાથ નીચે પણ તેમણે નર્સની તાલીમ લેવાની થઈ હતી. ત્યાં સાંજના પાંચ વાગ્યે બાળકીનો જન્મ થયો. સ્મિતાજીની જીવનકથા આ લેખકે લખ્યા મુજબ તો અધૂરા માસે જન્મેલી હોવા છતાં બાળકીનો ચહેરો હસમુખ હતો અને એ જોઈને નામ પડાયું સ્મિતા! જોકે રડવાનું શરૂઆતમાં નહોતું એ ખરું, પરંતુ કાયમ એવું ક્યાં રહેવાનું હતું? વિદ્યાતાઈ હવે તો નર્સ હતાં. તેમને હૉસ્પિટલના કૅમ્પસમાં જ ક્વૉર્ટર મળતાં માથે છાપરાની ચિંતા તો જાણે ટળી ગઈ. પરંતુ ફરજ એવી કે આખા દિવસની કે આખી રાતની ડ્યુટી આવે. એને લીધે એ બાળકી માત્ર બે મહિનાની થઈ અને માતાએ પોતાના દૂધથી વંચિત રાખવાની ફરજ પડી. પોતાના નવજાત શિશુનું ધાવણ  સમય કરતાં આટલુંબધું વહેલું છોડાવવાથી વધારે પીડાકારક સ્થિતિ કોઈ માતા માટે (અને એ સંતાન માટે પણ) હશે ખરી?

તેથી સાવ નાની વયે પણ બાળકી સ્મિતાને સમજ પડતી હતી કે મમ્મી નર્સનો સફેદ યુનિફૉર્મ પહેરશે એટલે પોતાનાથી કલાકો માટે દૂર થઈ જવાની. માનો પાલવ પકડીને ચોધાર આંસુએ રડતી બાળ સ્મિતાને સતત રડતી મૂકીને જતાં માતાનું હૈયું ચિરાઈ જતું, પરંતુ કોઈ પણ વસાહતી ક્વૉર્ટરમાં બનતું એમ આડોશીઓ-પાડોશીઓ અને મોટી બહેન અનીતાની દેખરેખ હેઠળ સ્મિતાનું બાળપણ દવાખાનાના એ કમ્પાઉન્ડમાં વીત્યું. બાળકી સમજણી થઈ અને સ્કૂલ જતી થઈ ત્યારે તો શ્રાપ પણ આપતી હતી! કેમ કે સ્મિતા પાટીલના અવસાનનાં વર્ષો પછીના એક શ્રદ્ધાંજલિ-કાર્યક્રમ વખતે વિદ્યાતાઈએ કહ્યું હતું કે રાત્રે આઠ વાગ્યાની પાળીમાં હૉસ્પિટલ જવા હું તૈયાર થાઉં અને તે (સ્મિતા) મારા પગ પકડી લે અને કહેશે - મા, ન જઈશને રાતે કામ પર. અને એક વાર તો અકળાઈને બોલી ઊઠી, તારું દવાખાનું જમીનદોસ્ત થઈ જાય અને મારી સ્કૂલ પણ પડી જાય!

પણ સંજોગોની એ કેવી વિચિત્રતા કે બચપણમાં જે માતાનો કદી પાલવ નહોતો છોડવો એ જ આઈ સાથે જિંદગીના સૌથી મોટા મતભેદ થયા જ્યારે ૮૦ના દાયકામાં રાજ બબ્બર સરખા પરિણીત અને બચરવાળ પુરુષ સાથેના સંબંધોને લીધે તેમના અંગત જીવનમાં એક આંધી આવી હતી. પરિણામે પોતાની જિંદગીનો એ મહત્વનો ફેંસલો પોતાની રીતે કરવા જતાં તેમને માતાના અબોલાનું જોખમ પણ લેવું પડ્યું હતું. પાટીલપરિવારમાં ઇતિહાસ જાણે પુનરાવર્તન પામી રહ્યો હતો. વિદ્યાતાઈ અને શિવાજીરાવે પણ માતા-પિતાનું ક્યાં માન્યું હતું? વળી સામાજિક રીતે ૮૦નો એ દાયકો પુરુષ-સ્ત્રીના સંબંધોમાં બદલાવની એવી આગ લઈને આવ્યો હતો કે એની ઝાળ ભલભલાને લાગી હતી અને લગ્નસંસ્થાનું અસ્તિત્વ નામશેષ થઈ જશે એવી ભીતિ સમાજશાસ્ત્રીઓ દર્શાવતા હતા. સિનેમા જેવા ગ્લૅમરના માધ્યમમાં સ્ટાર્સના લગ્નેતર સંબંધો મૅગેઝિનોને મસાલો તો પૂરો પાડતાં જ અને સાથે -સાથે અધર વુમનને યોગ્ય ઠરાવવાની દલીલો પણ!

જેમ કે પરિણીત ધર્મેન્દ્ર સાથે હેમા માલિનીનાં લગ્નની સ્કૂપ-સ્ટોરી એક સામયિકે ૧૯૭૯માં ફોડી એ દિવસોમાં અન્ય એક મૅગેઝિનમાં આવા વિષય પર વિવિધ સ્ટાર્સનો અભિપ્રાય પુછાયો હતો - જ્યારે કોઈની સાથે પ્રેમ થાય ત્યારે શું એ જોવું જોઈએ કે સામી વ્યક્તિ પરણેલી છે કે કુંવારી? ધરમ-હેમાનાં લગ્નની એ ચિનગારીએ પછી તો ફિલ્મઉદ્યોગમાં દાવાનળ ફેલાવ્યો અને કેટલા બધા સ્ટાર્સનાં દાંપત્યજીવન લગ્નેતર સંબંધોની ઝપટમાં આવ્યાં એ જાણીતો ઇતિહાસ છે. લગ્નોને છેદનારા એવા અણીદાર ત્રિકોણોમાં કેવાં-કેવાં લોકપ્રિય નામો હતાં...  સારિકા-કમલ હાસન-વાણી, શબાના-જાવેદ-હની, શ્રીદેવી-બોની કપૂર-મોના, સોની રાઝદાન-મહેશ ભટ્ટ-કિરણ, ઝીનત-મઝહર ખાન-રુબૈના. એમાં પણ પરિણીત મહેશ ભટ્ટે તો પરવીન બાબી જેવી આઝાદ ખયાલ છોકરી સાથેના પોતાના સંબંધોમાંથી વાર્તાતત્વ લઈને ‘અર્થ’ જેવી ફિલ્મ પણ બનાવી હતી.

‘અર્થ’ની ગમ્મત તો એવી હતી કે એની બેઉ મુખ્ય અભિનેત્રીઓ શબાના અને સ્મિતા પરિણીત પુરુષ સાથે સંકળાયેલી (કે સંડોવાયેલી - ઇન્વૉલ્વ્ડ) હતી અને વાર્તાનો વિષય હતો લગ્નેતર સંબંધ! એ દિવસોમાં મૅગેઝિનોમાં એક હળવી કમેન્ટ એવી થઈ હતી કે એમાં પત્ની તરીકે શબાનાનો અભિનય વધારે મહેનત માગી લેનારો હતો, કારણ કે તે પોતે કોઈના (એટલે કે જાવેદ અખ્તર અને હની ઈરાનીના) લગ્નજીવનમાં પ્રવેશેલાં મહિલા હતાં અને અભિનય કરવાનો હતો લગ્નજીવન બચાવવા માગતી પત્નીનો! જ્યારે સ્મિતા પાટીલને તો પડદા પર પણ એ જ સ્થિતિમાંથી ગુજરવાનું હતું જે તનાવ તે અસલ જિંદગીમાં અનુભવતાં હતાં. એક અસુરક્ષિત સ્ત્રી, જેને સતત એ ભય સતાવ્યા કરતો રહેતો હોય કે કોણ જાણે ક્યારે પોતાને સપનાં દેખાડનારો પરિણીત પુરુષ તેની મૂળ પત્ની પાસે જતો રહેશે. સ્મિતાએ કવિતા સંન્યાલની એ ભૂમિકા પ્રેક્ષકોમાં પોતાની નેગેટિવ ઇમેજ ઊભી થવાની શક્યતા છતાં એક ચૅલેન્જ તરીકે સ્વીકારી હતી. બાકી મહેશ ભટ્ટે ‘અર્થ’ની દરખાસ્ત કરી ત્યારે ક્યાં એ રોલ ઑફર જ કર્યો હતો?

મહેશ ભટ્ટે તો ‘અર્થ’માં સ્મિતાને શબાનાની કામવાળી બાઈની ભૂમિકા કરવાની ઑફર કરી હતી, જે પછીથી રોહિણી હટંગડીએ કરી. પરંતુ સ્મિતાએ ગ્લૅમર-ગર્લ કવિતા સંન્યાલ બનવાનો આગ્રહ રાખ્યો. શું સ્મિતાને પોતાની એક લેબરર (મજૂરણ)ની ઇમેજમાંથી બહાર આવવાની ઇચ્છા હશે કે પછી શબાનાને પૅરૅલલ રોલ લેવાની સ્પર્ધાત્મક માનસિકતા હશે? એક અંદાજ એવો પણ મૂકી શકાય કે એ જ દિવસોમાં શ્યામ બેનેગલની ‘મંડી’ ફિલ્મમાં બન્ને સાથે કામ કરતાં હતાં અને એમાં પણ શબાનાની છત્રછાયામાં રહેવાનો સેકન્ડરી રોલ હતો. તેથી વધુ એક પિક્ચરમાં શબાનાની જ ઘરકામ કરનારી નોકરાણી બનવા કરતાં સામસામી પટ્ટાબાજી કરવા મળે એવી તંદુરસ્ત હરીફાઈ કરવાની ગણતરી પણ હોઈ શકે. મજા એ થઈ કે એ વર્ષે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીના ફિલ્મફેર અવૉર્ડમાં એક જ ફિલ્મ ‘અર્થ’ની બબ્બે અભિનેત્રીઓ (સ્મિતા પાટીલ અને રોહિણી હટંગડી) નૉમિનેટ થઈ. રિઝલ્ટ ચોંકાવનારું અને એક રીતે જોઈએ તો સ્મિતાને અફસોસ કરાવે એવું આવ્યું.

પરિણામ આવ્યું ત્યારે સ્મિતા પાટીલ અંતિમ પાંચ સુધી જ પહોંચી શક્યાં હતાં, જ્યારે પુરસ્કાર કામવાળી બાઈ રોહિણીને મળ્યો હતો! રોહિણીની ભૂમિકા ઑડિયન્સને અને અવૉર્ડની જ્યુરીને સંવેદનામાં ઝબોળે એવી હતી અને વધારામાં તેમનો પણ પાવરફુલ અભિનય, જ્યારે સ્મિતાના રોલમાં એ સમયના સામાજિક માળખાની રીતે કહીએ તો નકારાત્મક પાસાં હાવી હતાં. એટલે શબાનાને પૂજાના (ઑથર-બૅક્ડ) સૉલિડ રોલ માટે જ્યારે ફિલ્મફેર ઉપરાંત નૅશનલ અવૉર્ડમાં પણ બેસ્ટ ઍક્ટ્રેસનો પુરસ્કાર મળ્યો ત્યારે સૌકોઈના મનમાં ‘અર્થ’માં શબાનાએ કરેલો પેલો હાઇલાઇટ પાર્ટી સીન હશે. એ દૃશ્યમાં યાદ હોય તો પાર્ટીમાં બધાની વચ્ચે પત્ની પૂજા અધર વુમન કવિતા બનેલી સ્મિતાને કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી, ભોજયેષુ માતા... એ શ્લોકના હિન્દી અનુવાદ જેવા સંવાદમાં છેલ્લે શયનેષુ રંભાનું ભાષાંતર... ઔર બિસ્તર મેં રંડી એમ કહીને ખખડાવી નાખે છે. એ સીનમાં પોતે કશોક જવાબ આપે એવી દલીલ સ્મિતાએ શૂટિંગ વખતે કરી, પણ ડિરેક્ટરે સમજાવટથી કામ લીધું. તેમણે કબૂલ્યું કે સ્મિતાના પાત્ર માટે એ ભારે અપમાનભરી સ્થિતિ હતી. સાથે-સાથે એક સર્જકના દૃષ્ટિકોણથી જોવા પણ આગ્રહ કર્યો. ફિલ્મ માટે આવશ્યક એવું એ એક અત્યંત નાટ્યાત્મક દૃશ્ય હતું. સ્મિતાએ એ રોલ પોતે જ માગીને લીધો હોઈ આગ્રહ રાખવાનો અર્થ નહોતો. મહેશ ભટ્ટે યાદ કરાવ્યું કે સ્ક્રિપ્ટમાં સ્મિતાને પણ એક દૃશ્ય મળે છે જેમાં કવિતાએ પૂજાને ખખડાવવાની છે અને શબાનાએ મૂક રહેવાનું છે. પણ તફાવત એ હતો કે સ્મિતાને મળેલો એ સીન તેની કથળતી જતી માનસિક સ્થિતિને દર્શાવવા માટેનો હતો. બહુ જ સરસ રીતે ભજવાયેલા એ દૃશ્યમાં સ્મિતા શબાનાને કહે છે કે રોજ રાતે કોઈના બિસ્તરમાં આવીને બે જણની વચ્ચે સૂઈ જતાં તને શરમ નથી આવતી? તારા મંગલસૂત્રના ઝીણા-ઝીણા દાણા આખા ઘરમાં વેરાયેલા હોય છે, મને એ રોજ પગમાં વાગે છે... વગેરે-વગેરે. એ સીનમાં શબાનાને બોલવાનું નહોતું, પણ અગેઇન તેણે એ બિચારી કવિતાની દયા જ ખાવાની હતી. છતાં બન્ને હરીફોના સીન બૅલૅન્સ થશે એ સધિયારાના ભરોસે આખું શૂટિંગ પત્યું. પણ ફિલ્મ રિલીઝ થયા પછી સ્મિતાને આંચકો લાગ્યો. મહેશ ભટ્ટ પાસે પોતાની નારાજગી વ્યક્ત કરી, કેમ કે શબાનાનો એક સીન તેની (સ્મિતાની) જાણ બહાર છેલ્લી ઘડીએ શૂટ કરીને ફિલ્મમાં મુકાયો હતો, જેનાથી કવિતાની ઇમેજ કઠોર સ્ત્રીની અને પૂજાની (એટલે કે શબાનાની) છબી નમþ મહિલાની ઊપસતી હતી! શબાનાને અવૉર્ડ અપાવવામાં બહુ મોટો ફાળો આપનારો એ સીન કયો હતો જેને લીધે મહેશ ભટ્ટે સ્મિતાની ખફગી વહોરી હતી? 

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK