એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિશ્વાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૨૪

જાહ્નવી પોલીસ-વૅનમાં આવીને ગોઠવાઈ ગઈ. તેણે ડોકું ધુણાવીને શરણ શ્રીવાસ્તવ સામે કંઈક ઇશારો કર્યો.

નવલકથા - કાજલ ઓઝા વૈદ્ય

શરણ જાહ્નવીની હાજરીથી સહેજ રિલૅક્સ થઈ ગયો. તેણે વૅનની બૉડી પર માથું ઢાળીને આંખો મીંચી દીધી. તેના મનમાં સેંકડો સવાલ ઘૂમરાઈ રહ્યા હતા. જાહ્નવી સમજે કે નહીં, શરણ બરાબર સમજતો હતો કે વીરબાળા મજીઠિયાના ખૂનનો આ કેસ એવી જગ્યાએ આવીને ઊભો હતો જ્યાંથી લગભગ તમામ રસ્તા જાહ્નવીને ગુનેગાર ઠરાવવાની દિશામાં જઈ રહ્યા હતા.

અત્યારે, પાછળ જીપમાં આવવાને બદલે દર્શન પટેલ પણ વૅનમાં જ બેસી ગયો. કોર્ટના પ્રાંગણમાં એકઠાં થયેલાં મીડિયા અને આ કેસમાં આવી રહેલા વળાંકોને જોતાં હવે દર્શન માટે જાહ્નવી કરતાં શરણ વધુ મહત્વનો આરોપી બની ગયો હતો. દર્શનને તેની છઠ્ઠી ઇન્દ્રિય વારંવાર ચેતવણી આપી રહી હતી. શરણનો જીવ જોખમમાં છે એવું દર્શનને સતત લાગતું હતું. જાહ્નવી બહારથી આવીને દર્શનની બાજુમાં ગોઠવાઈ ગઈ. શરણ સામે બેઠો હતો. બન્ને જણ વચ્ચે આંખોથી થયેલી વાતચીત દર્શને નોંધી, પણ તે કંઈ બોલ્યો નહીં.

શરણની આંખો હવે મીંચાયેલી હતી. તે અત્યંત ઊંડા વિચારમાં હતો એવું તેના ચહેરા પરથી દેખાતું હતું. એક બમ્પને કારણે વૅન ધીમી પડી. શરણે આંખ ખોલીને સામે બેઠેલા દર્શન તરફ જોયું.

‘કયા વિચારમાં ગરકાવ થઈ ગયા છો?’ દર્શને પૂછ્યું, ‘હું તમને એક જ સલાહ આપું, હવે કોઈ પણ ગોઠવણ કરવાને બદલે સીધી અને સ્પક્ટ માહિતી આપી દેશો તો...’

‘આ વાત તમે પહેલા દિવસથી કહો છો.’ શરણે કહ્યું, ‘અને હું પણ પહેલા દિવસથી એક જ વાત કહી રહ્યો છું... હું તમને બધી માહિતી સાચી આપી રહ્યો છું. મેં કંઈ નથી છુપાવ્યું.’ શરણ સહેજ ઉશ્કેરાઈ ગયો, ‘એકની એક વાત કેટલી વાર કહેવી પડે? તમે સમજતા કેમ નથી?’ શરણનો અવાજ ઊંચો થઈ ગયો. એનાથી જાહ્નવી સામે જોવાઈ ગયું. જાહ્નવીએ આંખો નમાવીને તેને શાંત રહેવાનો ઇશારો કર્યો, પણ શરણે તેના પર ધ્યાન જ ન આપ્યું. તેણે ફરી દર્શન સામે જોઈને જોરથી કહ્યું, ‘સત્ય તો એ છે કે તમારે સીધી, સ્પક્ટ કે સાચી માહિતી નથી જોઈતી... તમારે તો મારી પાસે કબૂલાત કરાવવી છે જે તમારા મનમાં ગોઠવાઈ ગઈ છે. એ પ્રમાણેની કડીઓ હું પણ ગોઠવી આપું એવું જોઈએ છે તમારે... જાહ્નવી પણ એ જ બધું કહે જે તમે તમારા મનમાં ધાર્યું છે એટલો જ પ્રયત્ન છે તમારો.

તમારા આ બધા ધમપછાડા ફક્ત એટલા જ માટે છે.’

‘પહેલાં અવાજ નીચો રાખો,’ દર્શને કહ્યું. તેના રૂક્ષ ચહેરા પર તોછડું સ્મિત આવી ગયું. તેની જાડી મૂછો નીચે તેના હોઠ વંકાયા, ‘હવે તો તમે મારી કસ્ટડીમાં છો.’ દર્શને કહ્યું, ‘ગમે એટલું ઉશ્કેરાઓ... તમારે એક અઠવાડિયું તો મારા સવાલોના જવાબ આપવા જ પડશે. હું એકના એક સવાલ ૧૦૦ વાર પૂછીશ. જુદી-જુદી રીતે પૂછીશ... પૂછ્યા જ કરીશ, શું કરશો તમે?’

‘જ્યાં સુધી હું તમારે જે કહેવડાવવું છે એ ન કહું ત્યાં સુધી પૂછશો, રાઇટ?’ શરણે અવાજ નીચો કર્યા વિના હિંમતપૂર્વક દર્શનનો સામનો કર્યો.

‘મારે સત્ય જોઈએ.’ દર્શનનો ચહેરો લાલ થવા માંડ્યો. તેની આંખોમાં પોલીસ હોવાનો પાવર અને ચહેરા પર એક સત્તાની ઝલક દેખાઈ, ‘એ સત્ય જે તમે અત્યાર સુધી છુપાવતાં રહ્યાં છો.’

‘કયું સત્ય?’ હવે જાહ્નવી પણ ચિડાઈ ગઈ, ‘દર્શનભાઈ...’

‘ઇન્સ્પેક્ટરસાહેબ કહેવાનું.’ દર્શને કહ્યું, ‘હું તમારી માસીનો દીકરો નથી, અને હું તમને જાહ્નવીબહેન કહીને સંબોધું છું એ સ્ત્રીસન્માન છે. બાકી ખૂનના આરોપીને માનથી બોલાવવાના કોઈ કાયદા નથી.’ તેણે શરણ તરફ જોયું, ‘મર્ડર અને કૉન્સ્પીરસીમાં, મર્ડરમાં મદદ કરવાના ચાર્જમાં ધારું ત્યારે ફિટ કરી શકું એમ છું. હજીયે સત્ય કહી દેશો તો બચી જશો.’

‘આનાથી વધારે કોઈ સત્ય નથી મારી પાસે.’ કહીને શરણે ઊંડો શ્વાસ લીધો. તેણે પોતાની સામે બેઠેલી જાહ્નવીને કહ્યું, ‘આ માણસની સામે જ કહું છું તને, ડરતી નહીં કે ઝૂકતી નહીં. તે કહે એમ સ્વીકારતી નહીં. તું નિર્દોષ છે.’ પછી ઉમેર્યું, ‘કદાચ હું ન રહું તો...’ શરણનું વાક્ય સાંભળીને દર્શનના હોઠ ફરી સ્મિતમાં વંકાયા. શરણે કહ્યું, ‘આ મારું ડાઇંગ ડેક્લેરેશન હોત તો પણ હું તમને કહેત કે જાહ્નવી નિર્દોષ છે. કોઈક બીજું જ તેને આ કેસમાં ફ્રેમ કરી રહ્યું છે.’ તેણે દર્શનને કહ્યું, ‘આઇ વિશ કે હું મરી જાઉં... તો જ તમને વિશ્વાસ આવશે મારી વાત પર...’

જાહ્નવીએ અકળાઈને તેની સામે જોયું, ‘શું કામ આવું બોલતો હોઈશ?’ તે આગળ વધીને શરણનો હાથ પકડવા માગતી હતી. આગળ બોલ્યા વગર તેણે આંખોથી જ શરણને સધિયારો આપવાનો પ્રયત્ન કર્યો. શરણે ફરી આંખો મીંચી દીધી.

મીંચેલી આંખે પણ શરણ સાંભળે છે એવી દર્શનને ખબર હતી, ‘મારી કસ્ટડીમાં મારી ઇચ્છા કે મરજી વિરુદ્ધ કોઈ મરી પણ ન શકે.’ શરણ કંઈ બોલ્યો નહીં, તેણે આંખ પણ ખોલી નહીં. ‘તમારી ઇન્ફર્મેશન માટે કહી રાખું કે પોલીસ-કસ્ટડીમાં જેને અમે રિમાન્ડ કહીએ છીએ એમાં થર્ડ ડિગ્રી સુધી જવાની મારી આવડત છે.’

‘જાણું છું.’ શરણે મીંચેલી આંખે કહ્યું, ‘તમારે જે કરવું હોય એ કરી શકો છો.’

આ બન્ને જણની વાત સાંભળીને દર્શનના મનમાં પણ કન્ફ્યુઝન વધવા લાગ્યું હતું. આટલો ડર બતાવ્યા પછી, ધમકાવ્યા પછી કે થર્ડ ડિગ્રીનો ભય નજર સામે હોવા છતાં આ બન્નેનું રૂંવાડુંય નથી ફરકતું. તેને વિચાર આવ્યો, ‘કાં તો આ બન્ને જણ ઠંડા કલેજે અપરાધ કરીને શાંતિથી બેઠાં છે અને કાં તો સાચાં છે એટલે તેમને મારી વાતોનો ડર નથી લાગતો.’

વૅન પોલીસ-સ્ટેશન તરફ આગળ વધી રહી હતી. પાછળ જીપમાં બેઠેલા દર્શન પટેલના મનમાં તેને મળેલી બધી માહિતી ધીમે-ધીમે કોઈ ફાઇલમાં ગોઠવાઈ રહેલાં પેપર્સની જેમ ગોઠવાતી જતી હતી.

તેણે એક પછી એક પાત્રોને હાથમાં ઊંચકીને કોઈ ફોટોગ્રાફમાં જોતો હોય એમ તપાસવાનું શરૂ કર્યું. વીરબાળાબહેન મજીઠિયા, જેનું ખૂન થયું છે તે. બહાદુર, સમજદાર અને બાહોશ સ્ત્રી. તેનું લગ્નજીવન સુખી હતું. દીકરો તેને ખૂબ વહાલો હતો, પણ તેના જીવનમાં કંઈક એવું હતું જે રહસ્યમય હતું! તેમના દિયર જિગીશભાઈના કહેવા મુજબ સાસુ-વહુ વચ્ચે આ રહસ્યમય બાબતને કારણે નાનકડો ખટરાગ હતો. બીજો એક મુદ્દો એ હતો કે શરણના જાહ્નવી સાથેના સંબંધો વિશે વીરબાળાબહેનને નાનો કે મોટો વાંધો હતો એટલું નક્કી. તેમણે જાહ્નવીને આ સંદર્ભે ટોકવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેમના ફોનમાંથી મળેલી માહિતી મુજબ તેમણે દીકરાને બદલે સોહમને ફોન કરીને પોતાના પર તોળાઈ રહેલા ભય અને જાહ્નવીના શરણ સાથેના સંબંધો વિશે વાત કરી હતી, પણ તેમણે પોતાના દીકરાને ન કહ્યું... આ નવાઈની વાત છે. મા-દીકરા વચ્ચે ખૂબ પ્રેમ હતો એટલે બે શક્યતાઓ છે; એક, તેમણે ડૉક્ટર પ્રણવને કહ્યું હોય, પણ પ્રણવે એને હસી નાખ્યું હોય અથવા બે, પ્રણવ પત્નીના પ્રેમમાં એટલો પાગલ હોય કે તેણે માને આ બાબતમાં નહીં પડવાની તાકીદ કરી હોય. જે ફાઇલની વાત થયા કરે છે એ ફાઇલ ઘરમાં તો નથી જ. કબાટની ચાવી જાહ્નવી પાસે છે જે વાત જાહ્નવી પોતે સ્વીકારે છે... ફાઇલ જાહ્નવી પાસે છે કે નહીં એ મહત્વનો સવાલ છે. ઇન્ટરોગેશન અને રિમાન્ડ દરમ્યાન આ ફાઇલ વિશેની માહિતી કઢાવવી પડશે. વીરબાળાબહેનનું ખૂન થવાનાં કારણ ત્રણ હોઈ શકે; એક, જે સૌથી પહેલો શક છે તે એ કે પુત્રવધૂને તેના પ્રેમી સાથે જોઈને તેમણે દીકરાને કહી દેવાની ધમકી આપી હોય. બીજું, તેમનું કબાટ ખુલ્લું હતું જે કબાટ વીરબાળાબહેન સતત બંધ રાખતાં. ચાવી પોતાની પાસે જ રાખતાં એવું તેમનો દીકરો અને પુત્રવધૂ બન્ને કહે છે એટલે એ કબાટમાંથી કોઈ કીમતી દસ્તાવેજ, ફાઇલ કે કાગળ લેવા આવેલા માણસે તેમને મારી નાખ્યાં હોય અને ત્રીજું, તદ્દન અજાણ્યો અનાયાસ ચોરી કરવા આવેલો માણસ વીરબાળાબહેનની નજરે ચડી જાય, તેમને મારી નાખે અને અજાણતાં જ કબાટ ખોલે પણ તેને એમાંથી કંઈ ન મળે એટલે તે ભાગી જાય.

તેના મનમાં બીજો એક મુદ્દો એ પણ ઝબક્યો કે તે માણસ ઘરમાં દાખલ થયો ત્યારે જાહ્નવીએ બેલ સાંભળી નથી. એનો અર્થ એ થયો કે માણસે મોબાઇલ કરીને વીરબાળાબહેનને દરવાજો ખોલવાનું કહ્યું હોય અથવા તે આવવાનો છે એવી વીરબાળાબહેનને ખબર હોય એટલે તેમણે નિશ્ચિત થયેલા સમયે દરવાજો ખોલીને તેને અંદર આવવાની વ્યવસ્થા કરી હોય. વીરબાળાબહેન જાહ્નવીથી ઘણું છુપાવતાં હતાં એટલે આ માણસની મુલાકાત પણ તેઓ છાની રાખવા માગતાં હોય એમ બને. તેના મગજે તર્ક કર્યો, પણ જો એમ હોય તો જાહ્નવી બહાર ગઈ ત્યારે જ વીરબાળાબહેન એ માણસને મળવા બોલાવી શક્યાં હોત... એક પછી એક પાનાં ગોઠવતા દર્શનને બીજો એક વિચાર આવ્યો, પૂરી શક્યતા છે કે જાહ્નવી અને શરણ જ્યારે ઘેર પાછાં ફર્યાં ત્યારે એ માણસ ઑલરેડી ઘરમાં હોય. વીરબાળાબહેન તેને ન કહેવા માગતાં હોય માટે તેમણે જાહ્નવીને આ વાતનો ખ્યાલ ન આવે એવો પ્રયાસ કર્યો હોય.

કોણ હોઈ શકે એ માણસ?  દર્શનને આ સવાલ ઇલેક્ટ્રિક શૉકની જેમ હચમચાવતો રહ્યો.

તેણે આગળ વિચારવાનું છોડ્યું નહીં; પહેલી સસ્પેક્ટ, આરોપી જાહ્નવી મજીઠિયા. તે પણ પરિવારનાં રહસ્યો નહીં જાણતી હોવાનો દાવો કરે છે. પતિને બદલે પ્રેમીની સાથે આ રહસ્યની કે સમસ્યાની ચર્ચા કરે છે. તે પોતે જ સ્વીકારે છે કે જ્યારે ખૂન થયું ત્યારે શરણ તેના ઘરમાં તેના બેડરૂમમાં હતો! એટલે પૂરી શક્યતા છે કે તેના પ્રેમી સાથે કૉમ્પ્રોમાઇઝિંગ પોઝિશનમાં તેની સાસુએ પકડી હોય એટલે તેણે અને પ્રેમીએ મળીને સાસુને મારી નાખ્યાં હોય. ઘરમાં પ્રૉપર્ટીનો ડિસ્પ્યુટ હોય એટલે સાસુ પાસેથી કાગળો મેળવવા કે સહી કરાવવા પ્રેમીનો સાથ લઈને મારી નાખ્યાં હોય અને ત્રીજી જે શક્યતા નહીંવત્ છે છતાંય સાસુ-વહુના ઝઘડામાં ગુસ્સા કે આવેશમાં ખૂન થઈ ગયું હોય. ડૉક્ટર પ્રણવ પોતાની પત્નીને ખૂબ ચાહે છે. તેની બેવફાઈ માફ કરી શકે, કોર્ટમાં બધું જાણ્યા પછી પણ તેની બાજુમાં ઊભો રહી શકે એટલો પ્રેમ કરે છે તે... જો અત્યારે જાહ્નવીને એવો વિશ્વાસ છે કે પ્રણવ તેના વિશે સત્ય જાણ્યા પછી પણ તેને માફ કરી દેશે, તો કદાચ વીરબાળાબહેને તેમને પકડ્યાં હોય એ પછી પણ ખૂન કરવા સુધી જવાની જાહ્નવીને જરૂર નથી. પ્રૉપર્ટીમાં તેને ઝાઝો રસ હોય એવી તે લાગતી નથી.

તેણે જાહ્નવીની લાક્ષણિકતાઓ તપાસવા માંડી. એક પ્રેમી છે, એક પતિ છે. તે બન્નેને ચાહે છે, કદાચ. પતિ ખૂબ સારો છે એટલે તેને દુખી કરવા નથી માગતી, પણ પ્રેમીથી છૂટી નથી શકતી. નોકરી કરતી, કમાતી, સ્વતંત્ર રહી ચૂકેલી છોકરી છે. બે વાર વિવાહ તૂટ્યા છે એટલે જિંદગી પણ જોઈ છે. બે ભાઈઓની બહેન છે, ખાધેપીધે સુખી છે, સંપન્ન ઘરની દીકરી છે એટલે પૈસા કે પ્રૉપર્ટી માટે ખૂન કરે એવી શક્યતા ઓછી છે. પ્રેમી રાત્રે ઘરમાં હતો એ વાત પતિને કહી શકે એટલી પ્રામાણિક તો છે. જો અત્યારે એ વાત પોતાના પતિને કહી શકે છે તો એ વાત માટે ખૂન કરવાની જરૂર નહીં હોય...

દર્શનનું મગજ બરાબર કામે લાગ્યું હતું. તેણે શરણ શ્રીવાસ્તવનો વિચાર કર્યો. મિનિસ્ટરનો દીકરો છે છતાં મગજમાં રાઈ નથી. સહજ, સરળ અને પ્રમાણમાં સાચો દેખાય છે. જાહ્નવીને દિલોજાનથી ચાહે છે. ભાગી જવાને બદલે તેની મદદ કરવા ઊભો રહ્યો છે એનો અર્થ એ છે કે તેને સમાજ, દુનિયા, પ્રતિષ્ઠા કે બીજી કોઈ ચીજની પરવાહ નથી. આવો માણસ કોઈની સાથે પથારીમાં પકડાય તો ખૂન કરે પણ નહીં અને કરવા દે પણ નહીં એટલું નક્કી... પિતાની પોઝિશનને જરાક પણ વાપર્યા વગર આ માણસ હિંમતથી તેની દોસ્ત કે પ્રેમિકાની મદદ કરવા ઊભો રહ્યો છે. તેણે ઇચ્છ્યું હોત તો ભાગી શક્યો હોત, પણ ભાગવાને બદલે આરોપી તરીકે ફસાવાનું પસંદ કર્યું છે તેણે... એટલે જાહ્નવીને નુકસાન થાય એવું કંઈ આ માણસ ન જ કરે, ઍટલીસ્ટ અત્યારે લાગે છે કે ન કરે!

એ પછીનાં પાત્રોમાં સુજાતા, જિગીશકાકા, માલતીકાકી, સોહમની સાથે-સાથે એક નવું નામ પણ હતું. જિગીશકાકાએ આપેલું આ નામ કેટલું સાચું અને કેટલું ખોટું એની ખાતરી કરવાની હજી બાકી હતી. દર્શને એક વાતની નોંધ લીધી હતી કે જિગીશકાકાને પ્રણવના પરિવાર સાથે કંઈક વાંધો હતો. તેણે જેટલી વાર જિગીશકાકાની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો એ દરેક વખતે જિગીશકાકાએ તપાસને એવી રીતે વળાંક આપ્યો કે દર્શનના મનમાં ગુનેગાર તરીકે જાહ્નવીના નામ નીચે લીટી વધુ ને વધુ ઘાટી બનતી જાય. તેમણે પહેલાં સાસુ-વહુ વચ્ચે અણબનાવ હોવાનો સંકેત આપ્યો, પછી જયેશભાઈના લગ્નેતર સંબંધની વાત કરી. તેમને એક દીકરો હતો એવી વિગતો પણ તેમણે વગરપૂછ્યે દર્શનના મગજમાં નાખવાનો પ્રયાસ કર્યો.

દર્શન વિચારતો હતો ત્યારે તેને સમજાયું કે જિગીશકાકાને કોઈક કારણસર ડૉ. પ્રણવ મજીઠિયાના પરિવારની બરબાદીમાં રસ હતો! પરિવારના વડીલ તરીકે તેમણે ડૉ. પ્રણવ અને જાહ્નવીના પડખે ઊભા રહેવું જોઈએ એને બદલે તેઓ તો પોતાની ભત્રીજાવહુ તરફ જ આંગળી ચીંધી રહ્યા હતા. બીજી આંગળી તેમણે ચીંધી હતી જયેશભાઈના લગ્નેતર સંબંધ વિશે. બૅન્ગલોરમાં રહેતો એક માણસ, છોકરો, નામે પ્રસાદ... જિગીશકાકાના કહેવા મુજબ ડૉ. પ્રણવ મજીઠિયાનો સાવકો ભાઈ હતો. જયેશભાઈ મૃત્યુ પામતાં પહેલાં એ માણસના નામે કોઈ પ્રૉપર્ટી, જમીન કે રોકડ રકમ કરી ગયા હોવા જોઈએ એવું જિગીશભાઈનું કહેવું હતું અને એ સીધી રીતે તેને આપવાને બદલે વીરબાળાબહેન અને પ્રણવ એ માણસને રખડાવતાં હોય એવું પણ બને. જો એમ હોય તો એ માણસ અકળાઈને, ચિડાઈને, ભુરાયો થઈને વીરબાળાબહેનને મારી નાખે એવી શક્યતા છે. પોતાનો હક મેળવવા માટે એ માણસે ખૂન કર્યું હોવાની શક્યતાને નકારી શકાય એમ તો નથી જ...

એ વાત સાથે દર્શનને યાદ આવ્યું કે જાહ્નવીએ તેને વીરબાળાબહેન પર આવેલા એક ફોનકૉલની વિગત આપી હતી જેમાં તેઓ સામેના માણસને કહી રહ્યાં હતાં કે ‘મારી એક વાત સાંભળી લો... મારે કોઈ કાગળ સંતાડીને રાખવાની જરૂર નથી, કારણ કે જયેશે એવું કોઈ કામ કર્યું નથી જેને કારણે અમારે જિંદગીમાં ક્યારેય બીવું પડ્યું હોય. હા, તમારા બધાના માથે હાથ ફેરવતી વખતે જો તેમણે ભૂલથી કંઈ શીખવાડી દીધું હોય તો મને હેરાન કરવાનું બંધ કર...’ વીરબાળાબહેનને આવી રીતે વાત કરતાં જોઈને જાહ્નવી ઉપર જ અટકી ગઈ હતી. પોતાને જોઈને કદાચ વીરબાળાબહેન વાત કરવાનું બંધ કરી દે એમ માનીને તેણે કુતૂહલથી તેમની વાત સાંભળી હતી એ વાત દર્શનને યાદ આવી ગઈ. જાહ્નવીએ કહ્યું હતું એના શબ્દેશબ્દ તેને યાદ હતા. વીરબાળાબહેનના ફોનમાંથી આ રેકૉર્ડિંગ પણ મળ્યું હતું તેને. વીરબાળાબહેન ઊંચા અવાજે કોઈકને ધમકાવી રહ્યાં હતાં, ‘એ હિસાબનાં કાગળો તેમણે ક્યારનાં ફાડી નાખ્યાં છે. તું તેમના પર આક્ષેપ કરે છે? જેણે તને પિતાની જેમ સ્નેહ કર્યો? તેઓ તારા ખરાબ સમયમાં ઊભા રહ્યા છે એ તું સાવ ભૂલી ગયો?’

એક અવાજ સામેથી કહી રહ્યો હતો, ‘ઉપકાર નથી કર્યો. અમે પણ તેમનું રહસ્ય હજી સુધી બંધ મુઠ્ઠીમાં રાખ્યું છે. ઇજ્જત ઉછાળવી હોત તો...’

વીરબાળાબહેને વચ્ચે જ કહ્યું હતું, ‘તારી માના ગયા પછી જો તેમણે મદદ ન કરી હોત તો તને જેટલું મળ્યું છે એ પણ ન મળ્યું હોત. તું તેમનો આભાર માનવાને બદલે તેમની નિયત પર શંકા કરે છે? શરમ આવવી જોઈએ તને...’

એ દલીલો અને ઝઘડો દર્શને બરાબર સાંભYયાં હતાં. તેને જિગીશભાઈએ આપેલો નંબર હજી તેના ખિસ્સામાં હતો. વીરબાળાબહેનને મોબાઇલમાં જે નંબર પરથી ફોન આવ્યો હતો એ નંબર સાથે આ નંબર સરખાવી જોવાનો આઇડિયા તેને હજી હમણાં જ આવ્યો. દર્શનની કારર્કિદીનો પ્રમાણમાં ઘણો અઘરો કેસ હતો. અહીં દરેક માણસ ગુનેગાર હતો અથવા કોઈ ગુનેગાર નહોતું.

છેલ્લા નામ તરીકે તેણે સુજાતાનો વિચાર કર્યો. આમ તો એ રાત્રે સુજાતા ગેરહાજર હતી. દર અઠવાડિયે રજા લઈને જતી એ વાત સાચી, પણ જે રાત્રે ખૂન થયું એ રાત્રે સુજાતા રજા લઈને ગઈ કે પછી તેને સમજીવિચારીને રજા આપવામાં આવી હતી! સુજાતા, ઘરની બાઈ... દેખાતી હતી તો સાદી અને સરળ. વીરબાળાબહેનની બહુ વિશ્વાસુ હતી. દર્શને પોતાની આ પોલીસની નોકરીમાં જોયું હતું કે જેના પર સૌથી વધારે વિશ્વાસ કરવામાં આવે એ જ સૌપ્રથમ સસ્પેક્ટ હોય છે. તેને પોતાની ટ્રેઇનિંગ દરમ્યાન શીખેલું યાદ આવ્યું, ‘દગો એ જ દઈ શકે જેના પર વિશ્વાસ કરવામાં આવે. જેના પર શક હોય તે કેવી રીતે દગો દઈ શકે?’

આ વાક્ય યાદ આવ્યું એની સાથે જ દર્શનના મગજમાં ઝબકારો થયો, ‘દગો એ જ દઈ શકે જેના પર વિશ્વાસ કરવામાં આવે. જેના પર શક હોય તે કેવી રીતે દગો દઈ શકે?’ તેણે પોતાની સામે આંખો મીંચીને બેઠેલા શરણ શ્રીવાસ્તવ તરફ જોયું. દર્શનના રૂક્ષ ચહેરા પર ફરીથી સ્મિત આવી ગયું. તેના હોઠ વંકાયા. તેણે પોતાના બન્ને હાથ ઊંચા કરીને હથેળીઓ એકમેકમાં પરોવી. હાથને ઉપરની તરફ ખેંચ્યા અને શરીરને નીચેની તરફ ધકેલીને મોટી આળસ ખાધી. ત્રણ દિવસ ને ત્રણ રાતના ઉજાગરા પછી આજે, આ ક્ષણે પહેલી વાર તેણે રાહતનો શ્વાસ લીધો. આ આખીયે માનસિક કસરત પછી તેના મનમાં ઘણું સ્પક્ટ ચિત્ર ઊભું થવા લાગ્યું. તેને ઘણું સમજાઈ ગયું. તેના મગજમાં વેરવિખેર થઈ ગયેલાં પાનાં હવે ધીમે-ધીમે એકમેક સાથે ગોઠવાવા લાગ્યાં હતાં.

બસ, એક મર્ડર-વેપન મળતું નહોતું... ક્યાં હોઈ શકે? દર્શને વિચારવા માંડ્યું. તેના મનમાં ડૉ. પ્રણવ મજીઠિયાનો બંગલો, તેનો બગીચો, બારી અને વીરબાળાબહેનના રૂમનો નકશો ફરી એક વાર ચીતરાયો... બારીમાંથી કૂદેલો માણસ કઈ તરફ ભાગે? તેણે પોતાને જ પૂછ્યું. આખો સીન રીક્રીએટ કરવો જોઈએ, તેણે વિચાર્યું...

જાહ્નવીની રિમાન્ડ માગતાં પહેલાં દર્શને પૂરી તપાસ કરી હતી. ફૉરેન્સિક રિપોર્ટ અને પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ એકમેક સાથે સરખાવી જોયા હતા. વીરબાળાબહેનના નખમાંથી મળેલા ખૂનીની ચામડી અને વાળનો નમૂનો ઘરની કોઈ વ્યક્તિ સાથે મૅચ થતાં નહોતાં. તેણે ફિંગરપ્રિન્ટ્સના રિપોર્ટ પણ જોયા હતા. કબાટ પર ત્રણ જણની ફિંગરપ્રિન્ટ્સ હતી. એક, જાહ્નવીના જે અત્યંત સ્વાભાવિક અને ગળે ઊતરે એવી બાબત હતી, કારણ કે તેણે પોતે જ કબાટ ખોલ્યાનું કબૂલ્યું હતું. શરણની ફિંગરપ્રિન્ટ્સ કબાટ પર નહોતી. વીરબાળાબહેનની રૂમમાં પણ શરણની ફિંગરપ્રિન્ટ્સ નહોતી મળી... એ રૂમમાં લગભગ દરેક જગ્યાએ કોઈક સ્પર્શ્યુ હતું. જાણે કોઈ કંઈક શોધવા આવ્યું હોય એવી રીતે, ઉતાવળી, અછડતી ફિંગરપ્રિન્ટ્સ વીરબાળાબહેનની રૂમમાં મળી હતી. આ ફિંગરપ્રિન્ટ્સ કોઈ ત્રીજી વ્યક્તિની હતી. કોણ હતી આ ત્રીજી વ્યક્તિ? પ્રસાદ? તેણે પોતાને જ પૂછ્યું.

બારીના સ્લાઇડિંગ ડોર પર પણ એક ત્રીજી વ્યક્તિની ફિંગરપ્રિન્ટ્સ હતી. સુજાતા નહોતી... શરણ નહોતો, જાહ્નવી નહોતી અને પ્રણવ તો ન જ હોય એ સ્વાભાવિક હતું. તો પછી કોણ હતી આ ત્રીજી વ્યક્તિ, જે લગભગ આખા ઘરમાં ફરી વળી હતી અને જેણે ઘરના લગભગ દરેક ખૂણાને તપાસ્યો હતો.

દર્શનનું મગજ કોઈ કમ્પ્યુટરની જેમ સડસડાટ ડેટા પ્રોસેસ કરી રહ્યું હતું...

જેની નજર સામે બેઠેલો શરણ હજીયે આંખો મીંચીને નિરાંતે બેઠો હતો. જાહ્નવી ઘડીકમાં દર્શન સામે, ઘડીકમાં શરણ સામે જોતી. થોડી ચિંતિંત, થોડી ગૂંચવાયેલી અને થોડી ગભરાયેલી પણ હતી.

બરાબર એ જ વખતે વૅન આવીને પોલીસ-સ્ટેશનમાં ઊભી રહી. દર્શને તેની સામે જોઈને સ્મિત કર્યું. જાહ્નવી કંઈ સમજી નહીં. તેણે પણ સામે સ્મિત કરી દીધું.

દર્શન સૌથી પહેલાં નીચે ઊતર્યો, ‘આવો મૅડમ!’ તેણે કહ્યું, ‘વેલકમ ટુ માય લિટલ કિંગ્ડમ.’ તેણે હાથ આપીને જાહ્નવીને નીચે ઉતારી. જાહ્નવી ધીમેકથી નીચે ઊતરી. દર્શને જોરથી કહ્યું, ‘બાકીની પબ્લિકને ઉતારો.’ પછી તેણે શરણ તરફ ફરીને કહ્યું, સાહેબ, ‘તમને અલગથી કહેવું પડશે કે?’ શરણે આંખો ખોલી. તે ધીમેથી નીચે ઊતર્યો.

જાહ્નવી, શરણ અને દર્શન મુખ્ય રસ્તા પરથી પોલીસ-સ્ટેશનના ગેટમાં દાખલ થતાં હતાં ત્યારે અચાનક જ સામેથી દોડતા આવેલા પોલીસ-કૉન્સ્ટેબલે શરણને ધક્કો મારી દીધો. શરણ નીચે પડ્યો, તેનો ધક્કો વાગવાથી જાહ્નવી પણ પડી. જાહ્નવીની બાજુમાં ચાલી રહેલા દર્શનનો આધાર લેવા ગયેલી જાહ્નવીએ તેને નીચો નમાવી દીધો. કોઈ કશું સમજે એ પહેલાં એક બુલેટ સન્ન્ન્ અવાજ કરતી સામે પોલીસ-સ્ટેશનના મકાનના દરવાજાની જાળીમાં જઈને અથડાઈ. તણખા ઝર્યા, બુલેટનું પિત્તળનું કેસ ખણણણ કરતું પોલીસ-સ્ટેશનના પગથિયા પર પછડાયું.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK