અપવિત્ર ધન જતી વખતે સમસ્યાઓ સર્જીને જાય છે

સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિના અર્થે કોઈ મનુષ્યની હિંસા કોઈ પણ પ્રકારે ક્યારેય ન કરવી એવું સ્વામીનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીના શ્લોક-ક્રમાંક ૧૩માં કહેવામાં આવ્યું છે.


લક્ષ્મી ચંચળ છે કે આપણે? - ગૌરવ મશરૂવાળા

આપણે ધનની વાતો કરી રહ્યા છીએ અને આ શ્લોકમાં ધનનો ઉલ્લેખ છે. ધન પ્રાપ્ત કરવા માટે હિંસાનો સહારો લેવો નહીં એ ઘણી જ મહત્વની વાત આ શ્લોકમાં કરવામાં આવી છે. અહિંસા પણ મન, વચન અને કર્મની હોવી જોઈએ. વળી અહિંસા માત્ર મનુષ્યો માટે નહીં, તમામ જીવો માટે હોવી જોઈએ.

આપણે સૌથી પહેલાં કર્મની અહિંસા વિશે વાત કરીએ. એક બોધકથા મુજબ જંગલમાંથી પસાર થતા એક માણસને ડાકુઓ લૂંટી લેવા માટે આંતરે છે અને કટારીથી મારી નાખે છે. એ જ વખતે એક હૉસ્પિટલમાં કોઈ અસાધારણ બીમારી ધરાવતા દરદી પર ઓપરેશન ચાલી રહ્યું હોય છે. દરદી જીવતો રહેવાની શક્યતા સાવ ઓછી હોય છે. બધાએ આશા છોડી દીધી હોય છે, પરંતુ ડૉક્ટરોના નિયમ પ્રમાણે છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન છોડવામાં આવતા નથી. ડૉક્ટર દરદીના પેટ પર કાપો મૂકે છે અને દરદીનું મોત થાય છે.

આમાંથી કઈ ઘટનામાં હિંસા થઈ કહેવાય? શ્લોકમાં કહેવાયું છે કે ધન કમાવા માટે હિંસાનો સહારો લેવો નહીં. ડાકુઓના કિસ્સામાં ધન પ્રાપ્ત કરવાનો ઇરાદો હતો અને ડૉક્ટરના કિસ્સામાં જીવ બચાવવાનો પ્રયાસ હતો.

જો જીવજંતુઓને લીધે રોગચાળો ફેલાતો હોય તો એમને દૂર કરવાની જરૂર પડે છે. રોગચાળો મનુષ્યને, ઊભા પાકને કે અન્ય જીવને લાગુ પડી શકે છે. આવા સમયે જીવ હણવાને કદાચ હિંસા ન કહેવાય. જો જીવજંતુઓ કે અન્ય જીવને મારીને એમાંથી ખાદ્ય પદાર્થ બનાવીને કે વસ્ત્રો તૈયાર કરીને પૈસા રળવાનો ઉદ્દેશ હોય તો એ હિંસા કહેવાય.

આમ હિંસા-અહિંસા વચ્ચે ઘણી પાતળી ભેદરેખા હોય છે. શું આપણે મત્સ્યોદ્યોગને કે માછીમારને હિંસાવાદી કહી શકીએ? આ પ્રશ્ન ગહન ચર્ચા માગી લેનારો છે. ક્યારેય કોઈની ટીકા કરવી નહીં, કારણ કે એ પણ હિંસા છે. એ હિંસા મનથી થયેલી હિંસા છે.

ઘણી વખત હિંસા અનિવાર્ય હોય છે. જ્યારે પણ ઘર, ઑફિસ, ફૅક્ટરી, રસ્તા, રેલવે, બંધનું બાંધકામ થતું હોય કે બીજું કોઈ ડેવલપમેન્ટ થતું હોય ત્યારે મોટા પાયે જીવહિંસા થતી હોય છે. તો શું એ બાંધકામ કરવું નહીં? શું એ હિંસા ટાળી શકાય છે? શું આપણે ભટકતી જાતિની જેમ જંગલમાં રહેવું?

શું આપણે રસ્તા, પુલ, બંધ, રેલવે વગેરે વગર જીવી શકીએ છીએ? આ બધી વસ્તુઓ આખરે તો મનુષ્યોના લાભાર્થે કે કોઈની આવક માટે જ બંધાતી હોય છે.

પ્રાણીસંગ્રહાલયનું, પશુઓના રક્ષણ માટેના કેન્દ્રનું કે દવાખાનાનું કે હૉસ્પિટલનું બાંધકામ થતું હોય ત્યારે શું થાય છે?

પ્રાણીઓ માટેની જગ્યાઓ બંધાય એ પણ બાંધકામ છે. બાંધકામને લગતા આ સવાલ માટે મારી પાસે સ્પક્ટ જવાબ નથી. આમ છતાં ઉક્ત શ્લોકને લક્ષમાં રાખીને વિચાર કરવો જરૂરી છે. એ વખતે કઈ બાબત ધ્યાનમાં લેવી? શું ફક્ત પૈસા કમાવા માટે હિંસાનો આશરો લેવાયો છે? શું મૂળભૂત જરૂરિયાત પૂરી કરવા માટે હિંસા કરવામાં આવી છે કે પછી મોજશોખની વસ્તુઓ લેવા માટે કરવામાં આવી છે? શું એનાથી જીવોનું કલ્યાણ થવાનું છે? શું એ હિંસા કરવાથી મન શાંત થાય છે કે મનની શાંતિ ડહોળાય છે?

મન અને વચનથી હિંસા કરવાનું પણ સ્વીકાર્ય નથી. કોઈને ઘર ખાલી કરવા માટે ધમકાવવું, પરાણે પૈસા પડાવવા, ઉદ્ધત વર્તન કરવું એ બધા પણ હિંસાના પ્રકાર છે. કોઈની પરિસ્થિતિનો કે નબળાઈનો ગેરલાભ લેવાનું પણ ખોટું છે. કોઈ ડૉક્ટર સર્જરી પહેલાં કે સર્જરી દરમ્યાન દરદીના પરિવાર પાસેથી વધારે પૈસા માગે એ પણ હિંસાનું જ સ્વરૂપ છે.

કોઈની સંપત્તિ વિશે ખરાબ ભાવના રાખવી એ પણ હિંસા છે. બધા જ શ્રીમંતો ગરીબોનું શોષણ કરીને ધનવાન બન્યા છે, સરકાર હંમેશાં પૈસાદારોને લાભ થાય એવા જ નિયમો ઘડે છે, એણે આટલા બધા પૈસા ખોટા રસ્તે જ કમાયા હશે વગેરે જેવા વિચારો હિંસા દર્શાવે છે. એમાં માણસની ઈર્ષ્યા પણ ઝળકે છે. ઈર્ષ્યાને લીધે લોભ, ચિંતા, ઘમંડ, લઘુતાગ્રંથિ જેવી લાગણીઓ પેદા થાય છે.

હિંસા કોઈ પણ સ્વરૂપે હોય, એ અપવિત્ર છે. અપવિત્ર ધનને લક્ષ્મી ન કહેવાય. લક્ષ્મી ન કહી શકાય એવું ધન લાંબું ટકતું નથી. ઊલટાનું એ જતી વખતે સમસ્યાઓ સર્જીને જાય છે.

(લેખક વિખ્યાત ફાઇનૅન્શિયલ પ્લાનર છે અને તેમણે ‘યોગિક વેલ્થ’ નામનું પુસ્તક પણ લખ્યું છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK