શ્રી હતી ઍક્ટિંગની દેવી

શ્રીદેવી સાથે કામ કરી ચૂકેલા કે પછી તેની સાથે સંપર્કમાં આવેલા ગુજરાતીઓ કહે છે આ વાત. વાંચો તેમની આ વાતો તેમના જ શબ્દોમાં

sri

રશ્મિન શાહ

મનોજ દેસાઈ (‘ખુદા ગવાહ’ના પ્રોડ્યુસર)


હું તેને દીદી કહેતો અને તે નાના ભાઈની જેમ જ મારી સાથે બિહેવ કરે. વર્ષો સુધી શ્રીદીદીએ મને રાખડી બાંધી છે અને મેં તેને વીરપસલીના દિવસે જમવા પણ બોલાવી છે. ‘ખુદા ગવાહ’ પહેલાંની અમારી ઓળખાણ, પણ એ ફિલ્મ મેં પ્રોડ્યુસર તરીકે શરૂ કરી એટલે અમારી વચ્ચે રિલેશનશિપ વધારે ગાઢ બની જે ત્યાર પછી લગભગ દસેક વર્ષ સુધી અકબંધ રહી. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની એકમાત્ર આ ઍક્ટ્રેસ એવી છે જેણે અમિતાભ બચ્ચનની વાઇફનું કૅરૅક્ટર પણ કર્યું હોય અને તેમની દીકરીનું કૅરૅક્ટર પણ કર્યું હોય અનેઑડિયન્સે એ બન્ને કૅરૅક્ટરમાં તેને સ્વીકારી પણ હોય. આ ફિલ્મ એટલે ‘ખુદા ગવાહ’.

શરૂઆતના સમયમાં શ્રીદેવીએ આ ફિલ્મ નકારી દીધી હતી. હમ્બલ રિક્વેસ્ટ સાથે કે અમિતાભ બચ્ચનની સાથે તેમની ઍક્ટ્રેસ તરીકે ફિલ્મ કરવામાં કંઈ મળતું નથી. આ તેમનો પર્સનલ એક્સ્પીરિયન્સ હતો અને એમાં તે જરા પણ ખોટી નહોતી. ‘ઇન્કિલાબ’ અને ‘આખરી રાસ્તા’ એ બે ફિલ્મ તેણે કરી હતી. બન્ને ફિલ્મનાં ગીતો પણ અમિતાભ બચ્ચનને લીધે જ હિટ થયાં હતાં અને લોકોએ પણ આ બન્ને ફિલ્મોને અમિતાભની ફિલ્મ તરીકે જ યાદ રાખી હતી. ડિરેક્ટર મુકુલ આંનદે શ્રીદેવીનો કૉન્ટૅક્ટ કર્યો ત્યારે જ તેણે સ્ટારકાસ્ટ પૂછીને ફિલ્મ વિશે આગળ વાત કરવાની ના પાડીને ‘ખુદા ગવાહ’ રિજેક્ટ કરી દીધી. ઓરિજિનલ સ્ટોરી જ એ પ્રકારની હતી જેમાં લીડ ફીમેલ જ ડબલ રોલ કરે અને એ ડબલ રોલને લીધે જ સ્ટોરીમાં ટર્ન આવતો હતો. હવે કરવું શું એની મૂંઝવણ વચ્ચે મુકુલ આનંદે તો મારી સામે વાત મૂકી દીધી. મેં નક્કી કર્યું કે હું શ્રીદેવીને મળીશ અને તેને વાત કરીશ.

હું રૂબરૂ મળવા ગયો અને મળીને મેં તેના હાથમાં બાઉન્ડ-સ્ક્રિપ્ટ મૂકી દીધી. કહ્યું કે આમાં જે લખ્યું છે એ બધું જ તમને સ્ક્રીન પર જોવા મળશે અને એ ફાઇનલ છે. એડિટ-ટેબલ પર આમાંથી કંઈ નહીં કપાય એની ગૅરન્ટી હું તમને આપું છું એટલે તમે એવા કોઈ કારણસર ફિલ્મની ના ન પાડો; હા, તમને સ્ટોરી ન ગમે તો હું કંઈ નહીં કહું. તેણે સ્ક્રિપ્ટ લઈ લીધી અને વાંચવાનું પ્રૉમિસ આપ્યું.

મેં આ જ વાત અમિતસરને પણ કહી એટલે તેમણે સામેથી પૉઝિટિવિટી દેખાડીને શ્રીદેવીને ફોન કર્યો અને કહ્યું, ‘મેં સ્ક્રિપ્ટ વાંચી છે અને સાંભળી પણ છે. જેન્યુઇનલી બહુ જ સરસ સ્ક્રિપ્ટ છે. ના પાડવાનું જો એ જ કારણ હોય કે કંઈ કામ કરવા નથી મળતું તો ટેન્શન ન લે. આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં છે એ બધું જ અકબંધ રહેશે એની જવાબદારી મારી પણ ગણાશે.’

અમે શ્રીદેવીના જવાબની રાહ જોવા માંડ્યા અને એક દિવસ તેને ત્યાંથી ફોન આવ્યો કે શ્રીમૅમ ઇઝ રેડી ટુ ડૂ ધ ફિલ્મ.

અમે બાકીની પ્રોસેસ પૂરી કરી અને ફિલ્મનું શેડ્યુલ નક્કી થવા માંડ્યું. ‘ખુદા ગવાહ’ એક બહુ મોટા કૅન્વસની ફિલ્મ હતી. આઉટડોરનાં કુલ ૧૪ શેડ્યુલ હતાં. મુંબઈ તો જુદું એટલે સ્વાભાવિક રીતે તેની સાથે રહેવાનો ખૂબબધો મોકો મળ્યો, જે બધી વાતો હવે યાદગીરી બનીને રહેવાની છે. અફઘાનિસ્તાનથી શરૂ થઈને નેપાલ, તિબેટ, જયપુર, ઉદયપુર, કાશ્મીર અને એ સિવાયનાં પણ અનેક લોકેશન પર શૂટિંગ કરવામાં આવ્યું. એ દરમ્યાન અમારે સાથે રહેવાનું થયું અને અમારી રિલેશનશિપ વધારે સ્ટ્રૉન્ગ થઈ. હું કહીશ કે શ્રીદેવીનાં બે રૂપ હતાં. એક ઑફ-કૅમેરા અને બીજું ઑન-કૅમેરા. આ બન્નેમાં તે બિલકુલ ડિફરન્ટ હતી. ઑફ-કૅમેરાની વાત કરું તમને. જો તમે તેને રૂટીનમાં મળો તો તમને તે એટલી શરમાળ અને સામાન્ય લાગે કે તમે માની જ ન શકો કે સ્ક્રીન પર જે જુઓ છો એ શ્રીદેવી આ જ છે કે પછી આ તેની કોઈ જુડવા છે. કૅમેરા સામે આવે ત્યારે તેની એનર્જી સાવ જ બદલાઈ જાય. તેનામાં બધા જ શેડ્સ ઉમેરાઈ જાય.

મને અત્યારે એક કિસ્સો યાદ આવે છે. અમે અફઘાનિસ્તાન શૂટિંગ પર હતાં ત્યારે અફઘાનિસ્તાનના પ્રેસિડન્ટ મોહમ્મદ નજીબુલ્લાએ અમને લોકોને ડિનર પર બોલાવ્યા. પ્રેસિડન્ટ અમિતાભ બચ્ચનના ખૂબ મોટા ફૅન અને એ દિવસે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ હતો. બધા તૈયાર થઈ ગયા, પણ શ્રીદેવી ક્યાંય દેખાય નહીં. જઈને મેં તપાસ કરી તો ખબર પડી કે તે તૈયાર જ નહોતી. તેની વાત બહુ ક્લિયર હતી કે આવવામાં મને જરાય વાંધો નથી; પણ મારે વાતો કરવા બેસવું નથી, મારે બીજા દિવસના શૂટિંગના સીનનું રિહર્સલ કરવું છે. આટલું તેનું પર્ફેક્શન હતું અને આ પર્ફેક્શન રૅર લોકોમાં હોય છે. ખાસ કરીને બોલીવુડમાં અને આ લેવલ પર પહોંચ્યા પછી. આઇ મસ્ટ સે કે એ સમયે અમિતાભ બચ્ચન અને શ્રીદેવી બન્ને લગભગ એકસમાન સ્તર પર હતાં અને એની સભાનતા તેમને હતી. આ જ કારણે તે પોતાના કૅરૅક્ટરને ખૂબ જ ગંભીરતાથી લેતી હતી. તમને જો યાદ હોય તો ફિલ્મમાં અમિતાભ બચ્ચનની દીકરીવાળું જે કૅરૅક્ટર હતું એ કૅરૅક્ટર માટેના ડાયલૉગ્સની સ્ટાઇલ ડિટ્ટો અમિતાભ બચ્ચન બોલતા એ પ્રકારની પઠાણી સ્ટાઇલ હતી. આ સ્ટાઇલ ખુદ શ્રીદેવીએ ડેવલપ કરી હતી અને એ ડેવલપ કરીને કૅરૅક્ટરને બેટર બનાવવાની આ જે રીત છે એ જ આર્ટિસ્ટને મહાન બનાવવાનું કામ કરે છે.

સંજય છેલ (‘હમારી બહૂ માલિની અય્યર’ના રાઇટર-ડિરેક્ટર)


સહારા ટીવી માટે બોની કપૂરે એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો જેના માટે બહુ લાંબા ટાઇમથી કામ ચાલતું હતું. એ દરમ્યાન ‘હમારી બહૂ માલિની અય્યર’નો કન્સેપ્ટ ડિઝાઇન થયો અને એ કૅરૅક્ટર મેં તેને સંભળાવ્યું. શ્રીદેવીને બહુ મજા આવી. કામ આગળ વધતું ગયું. કૅરૅક્ટર પાસ થયું એટલે એપિસોડ તૈયાર થયા, એના ડાયલૉગ્સ લખાયા. એ બધું પણ શ્રીદેવીએ સાંભળ્યું અને તેને મજા આવી. ચૅનલે આ કૉમેડી કન્સેપ્ટ ફાઇનલ કર્યો અને સિરિયલ ઑન-ઍર થઈ. વીકમાં બે દિવસ આ સિરિયલ આવતી જેને લીધે ઑલમોસ્ટ ચાર દિવસ શૂટિંગ થતું અને એ શૂટિંગમાં શ્રીદેવીને કામ કરતી જોવાની તક મળી. શ્રીદેવીની ખાસિયત કહું તમને. તેનામાં ચાર્લી ચૅપ્લિન જેવી જ બધી ક્વૉલિટી હતી અને એ ક્વૉલિટીને લીધે જ દુનિયા તેને યાદ રાખશે એ નક્કી છે.

કૉમેડી કરવા માટે ખરેખર રિસ્ક લેવું પડે. એ માટે તમારે એક્સપ્રેશન આપવા પડે અને એ માટે તમારે ખરાબ દેખાવાની પણ પૂરી તૈયારી રાખવી પડે. ચહેરો બનાવવો પડે. નસકોરાં ફુલાય, આંખો વાંકીચૂકી થાય. કપાળ નાનું-મોટું કરવાનું હોય, હોઠ ત્રાંસા થાય અને એવું તો ઘણું થાય. જોકે એ માટે તમારે ખરાબ દેખાવાની તૈયારી રાખવી પડે. મોટા ભાગે આ જ કારણ હોય છે કે આપણે ત્યાં સ્ટાર ઍક્ટ્રેસ કૉમેડી માટે તૈયાર નથી થતી અને કાં તો એ કરતી નથી. જોકે શ્રીદેવી એમાંથી બાકાત હતી. તે આ પ્રકારની હિંમત કરતી અને કૅરૅક્ટરને વફાદાર રહેતી. આ જ કારણે શ્રીદેવી કૉમેડી પણ બેસ્ટ રીતે કરી શકતી અને એનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ આવતું.

‘હમારી બહૂ માલિની અય્યર’માં એવું કૅરૅક્ટર હતું જે સાઉથનું હતું અને નૉર્થના પરિવારમાં એ મૅરેજ કરે છે. પછી જે તકલીફો શરૂ થાય છે એમાંથી કૉમેડી જનરેટ થાય છે. મારે કેટલાક એપિસોડ ડિરેક્ટ કરવાના આવ્યા એટલે મને આ બધી વાતો ખૂબ જ સારી રીતે યાદ રહી ગઈ છે. શ્રીદેવી એમાં નાકમાંથી બોલતી અને એને લીધે કૉમેડીમાં ઉમેરો થતો, પણ મને પાકું ખબર છે કે એવા ઉચ્ચારોને લીધે પણ જરાય ખરાબ ન લાગે એનું તે ધ્યાન રાખે.

શ્રીદેવી જેટલું હાર્ડ વર્ક કરતા મેં ભાગ્યે જ કોઈને જોયા છે. સેટ પર જઈને સીધા શૂટિંગ કરતા સ્ટાર્સને પણ મેં જોયા છે અને આગલા દિવસે સ્ક્રિપ્ટ મળી જાય એનો આગ્રહ રાખતી શ્રીદેવી પણ મેં જોઈ છે. આગલે દિવસે સ્ક્રિપ્ટ મળી જાય એટલે તે રાતે જ તૈયારી શરૂ કરી દે. તમે માનશો નહીં પણ શ્રીદેવી સેટ પર આવે ત્યારે મોટા ભાગે પૂરી તૈયારી સાથે જ આવે અને ડાયલૉગ્સ પણ તેણે મોઢે કરી લીધા હોય. કોઈ શબ્દ તેને સમજાય નહીં તો તે જાતે એનો અર્થ પણ શોધી લે, ઑપ્શન પણ શોધે અને પછી રાઇટર તરીકે મને કન્સલ્ટ પણ કરે કે આને બદલે હું આ વર્ડ બોલું તો ચાલે?

શ્રીદેવીની બેસ્ટ વાત જો કોઈ હોય તો એ કે તેને કોઈ કામ નાનું લાગતું નહીં. બૉલીવુડની સુપરસ્ટાર અને ત્રણસો ફિલ્મનો ટ્રૅક-રેકૉર્ડ. આટલું હોવા છતાં શ્રીદેવીએ ક્યારેય સિરિયલના શૂટિંગમાં દેખાડ્યું નથી કે તેને બધું આવડે છે અને તેને શીખવવાની જરૂર નથી. તે શીખવા માટે તૈયાર હોય અને શીખ્યા પછી તરત જ અમલમાં મૂકવા પણ તૈયાર હોય. શ્રીદેવી લેજન્ડ પુરવાર થવા માટે જ પેદા થઈ હશે એવું હું કહી શકું. નાનામાં નાના કામમાં પણ તેની ચીવટ બહુ મોટી હોય અને એ ચીવટમાં પણ દમ હોય. સીન શૂટ થઈ ગયા પછી જો તેને લાગે કે સાઉન્ડમાં જરાસરખો પ્રૉબ્લેમ છે તો તે તરત જ ડબ કરવા માટે સામેથી કહે અને ડબ કરવા માટે પહોંચી જાય. તમે માનશો? શ્રીદેવી માટે યુનિટે ક્યારેય રાહ નથી જોવી પડી. શ્રીદેવી ઇનટાઇમ હોય એવું કહેવાને બદલે હું કહીશ કે તે બિફોર ટાઇમ હોય. પોતાના હસબન્ડનું જ હોમ-પ્રોડક્શન, પોતે લીડ સ્ટાર, ચૅનલના માલિકો ખાસ ફ્રેન્ડ અને એ પછી પણ બિફોર ટાઇમ પહોંચે એ વ્યક્તિ ખરેખર તો કામની કદર કરનારી હોય અને એ કદર જ સૌથી વધારે મહત્વની હોય છે.

શ્રીદેવી અને પૂરા યુનિટ સાથે અમે કૅનેડા પણ ગયા છીએ અને કૅનેડામાં અમે શૂટિંગ પણ કર્યું છે. શૂટિંગ પછી કૅનેડામાં અમે ખૂબ ફર્યા પછી છીએ. પોતે બધું જોયું છે એવું દેખાડવાને બદલે તેણે યુનિટના નાનામાં નાના મેમ્બરની સાથે કૅનેડાની ટ્રિપ ઍન્જોય કરી છે જે મેં બીજા કોઈ સ્ટારમાં જોયું નથી. તે આ પ્રકારના આઉટડોર વખતે કાં તો પોતાની રીતે ફરે અને કાં તો રૂમમાં ભરાઈ રહે; પણ ના, શ્રીદેવીએ ક્યારેય કોઈ શેડ્યુલ બગાડવાનું કે પછી એને ડિસ્ટર્બ કરવાનું કામ નથી કર્યું. આ પ્રકારના સ્ટાર્સ રૅરલી મળે છે અને શ્રીદેવી પણ એવી જ હતી. તેનો જન્મ મારી નજરે ખરેખર તો બૉલીવુડ પર ભગવાને કરેલો ઉપકાર હતો અને એ માટે આપણે સૌએ ભગવાનને થૅન્ક્સ કહેવા સિવાય છૂટકો પણ નથી.

જે. ડી. મજીઠિયા (ઍક્ટર-પ્રોડ્યુસર)

શ્રીદેવી એટલે ઉમદા કલાકાર.

આપણે બધા તેને કલાકાર તરીકે જ ઓળખીએ છીએ, કારણ તેણે આખી જિંદગી કલાકાર તરીકે જ જીવી છે. ચાર વર્ષની ઉંમરથી લઈને અંતિમ શ્વાસ સુધી, ૫૪ વર્ષની કરીઅરમાં કોઈ કળાક્ષેત્રે જોડાયેલું હોય એવું ભાગ્યે જ બન્યું હશે અને મને તો લાગે છે કે એવું બન્યું જ નહીં હોય. શ્રીદેવી જગતની એકમાત્ર એવી કલાકાર હશે જેણે દરેક ઉંમરે અલગ-અલગ ક્ષેત્રની ફિલ્મોમાં કામ કરીને અવૉર્ડ લીધા. હમણાં જ એક ક્લિપિંગ જોઈ, જેમાં તેણે NTR સાથે એક પિકચરમાં શું અભિનય કર્યો છે. ઓહોહો. અદ્ભુત. આપણને સામાન્ય રીતે સાઉથ ઇન્ડિયન ફિલ્મો જોવાનો મોકો બહુ ઓછો મળતો અને હવે તો ટીવી પર આવે છે એટલે મળી જાય છે, પણ પહેલાં એવું નહોતું. શ્રીદેવીના દેહાંત સમયે ટીવી-ચૅનલ પર તેણે કરીઅર શરૂ કરી ત્યારથી લઈને છેક છેલ્લા દિવસોમાં તેનું નિધન થયું ત્યાં સુધીની ક્લિપિંગ બતાવે છે. તમે જુઓ કેટકેટલા પ્રકારના તેના લુક છે, કેટકેટલા પ્રકારનો તેનો અભિનય છે. તમે તેનું નૃત્ય જુઓ, તેની કળા જુઓ. ઇમોશનલ સીન હોય કે પછી કૉમેડી સીન હોય કે ડ્રામૅટિક સીન હોય કે પછી કોઈ પણ પ્રકારનો સીન હોય; તે અદ્ભુત ઍક્ટિંગ કરે. જોકે આ ઍક્ટિંગ હવે ભૂતકાળ છે. મેં હંમેશાં મૃત્યુને એક રીતે વર્ણવ્યું છે. મૃત્યુ ભલે કોઈ પણ ઉંમરે થાય, એમ જ કહેવામાં આવવું જોઈએ કે તેમણે તેમનાં સો વર્ષ પૂરાં કર્યાં.

તમારું આખું આયુષ્ય તમે અભિનય જ કર્યો હોય, સુંદર ઉમદા અભિનય કર્યો હોય, અલગ-અલગ એજ-ગ્રુપમાં અભિનય કર્યો હોય, અલગ-અલગ કલાકારો સાથે કર્યો હોય, લેજન્ડ સાથે કર્યો હોય અને ઉમદા લેખકો અને દિગ્દર્શકો સાથે અભિનય આપ્યો હોય. આવું જવલ્લે જ જોવા મળે. જોકે શ્રીદેવીમાં એ બન્યું છે. શ્રીદેવીની સ્પેસિફિક વાત કરીએ તો નૃત્ય અને અભિનય તેના માટે એક સિક્કાની બે બાજુ હતી. મિત્રો, લોકો શ્રીદેવીને તેના ડાન્સ માટે જોવા જતા.

મને યાદ છે કે એ દિવસોમાં ટીવીનો આટલો પ્રભાવ નહોતો.  ટ્રેલર અને પ્રમોશન તમને ખાલી સિનેમામાં જોવા મળતું. હું ઇન્ટરવલમાં સિનેમામાં ખાસ જતો, કારણ કે એમાં ‘હિમ્મતવાલા’નું ટ્રેલર અને ગીત જોવા મળતું. ‘મવાલી’નું ગીત દેખાડતા. મારા ઘરની સામે મિલાપ સિનેમા હતું. ત્યાં હું ઇન્ટરવલમાં ઘૂસી જઉં અને ટ્રેલર જોઈને બહાર નીકળી જઉં. અદ્ભુત એટલે નિર્વિવાદ અદ્ભુત. હું નામ લઈશ તો અત્યારે યોગ્ય નહીં ગણાય, પણ ફિલ્મના એક કે બે હીરોનો અપવાદ છોડતાં શ્રીદેવી બીજા બધા હીરો કરતાં હંમેશાં સક્ષમ રોલ કરતી અને તેના સીન વધારે મનોરંજક રહ્યા છે. ભાઈ, એમ ને એમ તે કંઈ ફર્સ્ટ ફીમેલ સુપરસ્ટાર નથી કહેવાઈ.

મેં રજનીકાંતનું એક સ્ટેટમેન્ટ તેના વિશે સાંભળ્યું હતું કે શ્રીદેવી શૉટ પહેલાં બેઠી હોય અને શૉટમાં આવે તો આખું ટ્રાન્સફૉર્મેશન થઈ જાય અને જેવો શૉટ પતે એટલે પછી ફરી હતી એવી શાંત શ્રીદેવી બની જાય. મિત્રો, આવું અદ્ભુત ટ્રાન્સફૉર્મેશન મેં ક્યારેય મારી લાઇફમાં જોયું નથી.

બે-ત્રણ વખત મારે તેને મળવાનું થયું છે. એ બે-ત્રણમાંથી એક પ્રસંગ અત્યારે અહીં યાદ આવે છે. જોકે એ પ્રસંગની વાત કરતી વખતે મને કહેવાનું મન પણ થાય છે કે અમારી ‘ખિચડી’ સિરિયલ પાછી આવે છે ત્યારે અમે અમારાં બહુ જ ઇમ્પોર્ટન્ટ એવાં ફૅન શ્રીમૅમને મિસ કરીશું. આ વાતની અમને બે વર્ષ પહેલાં ત્યારે ખબર પડી જ્યારે હું અને આતિશ કાપડિયા એક ફિલ્મનું નરેશન આપવા ગયા હતા.

અમે એક ફિલ્મ બનાવતા હતા જેના એક કૅરૅક્ટર માટે પરેશ રાવલને મળવાનું થયું. પરેશભાઈને સ્ક્રિપ્ટ સંભળાવીને અમે એમ જ વાતો કરતા હતા અને પરેશભાઈએ વાતો કરતાં-કરતાં બોની કપૂરને ફોન લગાડ્યો કે સુંદર સ્ક્રિપ્ટ છે, કામ કરવાની મજા આવે એવું છે. બોની કપૂરે અમને મળવા બોલાવ્યા અને પહેલાં તેમણે આખી સ્ક્રિપ્ટ સાંભળી. સામાન્ય રીતે તેઓ સ્ક્રિપ્ટ ક્યારેય સાંભળતા નથી, પણ પરેશભાઈએ ખૂબ વખાણ કર્યાં હતાં એટલે તેમણે એ સાંભળી. તેમને બહુ મજા આવી અને ચાર દિવસ પછી શ્રીદેવી સાથે અમારી મીટિંગ ફાઇનલ થઈ.

શ્રીમૅમને મળવાનો દિવસ આવી ગયો અને અમે મળવા ગયા. અમને જોઈને તેમના ફેસ પર એક જ રીઍક્શન આવી ગયું હતું, ‘અરે, ખિચડી પીપલ?!’

- એ પછી અમને ખબર પડી કે તેને અમારી સિરિયલ ખૂબ ગમતી અને તેને મજા પણ આવતી. થોડી આડીઅવળી વાતો પછી કામની વાતો શરૂ થઈ અને તે એકદમ શાંતચિત્તે બેઠી. અમારી આખી સ્ક્રિપ્ટ તેણે ખૂબ ધ્યાનથી સાંભળી. તમે જરા વિચાર કરો કે તમે જેના ફૅન હો, જેની પાછળ તમે પાગલ હો અને તે તમારી સ્ક્રિપ્ટ સાંભળતી હોય. એ સબ્જેક્ટમાં પરેશ રાવલને જે રોલ ઑફર કર્યો હતો એ સ્ટ્રૉન્ગ હતો અને થોડો મોટો હતો એની અમને પણ ખબર હતી. આખી સ્ક્રિપ્ટ પૂરી થયા પછી તેણે કહ્યું કે ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ પછી હું કેન્દ્રમાં હોઉં એવા રોલ કરવા માગું છું, એવી કોઈ સ્ટોરી હોય તો કહેજો. વાત ન બની, પણ અમારા મનમાં આ વાત સ્ટોર થઈ ગઈ હતી એટલે અમે એવો સબ્જેક્ટ શોધતા હતા અને અમને મળી પણ ગયો. જોકે ‘ખિચડી’નું કામ ચાલુ હતું એટલે અમે એમાંથી થોડા પરવારીને શ્રીમૅમને મળવા જવાના હતા, પણ અફસોસ હવે અમે તેને ક્યારેય મળી શકીશું નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK