જીવનનું વૃક્ષ - વિશ્વધરોહર શહેર અમદાવાદનું ચિહ્ન

અતિ સુંદર! અતુલ્ય! અજોડ! : કદાચ જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેના મુખમાંથી પણ તેમની માતૃભાષામાં આવા જ ઉદ્ગારો સરી પડ્યા હશે

tree1

અતુલ્ય ભારત - ચંદ્રહાસ હાલાઈ

આશિષ, મને અહીં લઈ આવવા બદલ તારો ખૂબ આભાર, થૅન્ક્સ, યાર!

ગયા માર્ચ મહિનામાં વ્યાવસાયિક કાર્ય માટે હું અમદાવાદ ગયો હતો ત્યારે એક બપોરે મારા કૉલેજકાળનો અમદાવાદમાં સ્થાયી થયેલો પ્રિય મિત્ર આશિષ શર્મા મને અહીંની વિશ્વવિખ્યાત સીદી સૈયદ મસ્જિદની સૅન્ડ સ્ટોન પથ્થરોને (ભૂકરિયો પથ્થર, દબાયેલી રેતીનો બનેલો અડદિયો પથ્થર, ધોળો કે રાતા રંગનો રેતિયો પથ્થર) ખૂબ બારીકાઈથી કોતરીને બનાવેલી જાળીઓ દેખાડવા લઈ ગયો હતો. અહીંની અતિસુંદર જાળીઓ જોઈને હું ચકિત થઈ ગયો હતો.

અમદાવાદ શહેરના ત્રણ દરવાજા પાસે એક ગીચ મુખ્ય માર્ગ પર આ મસ્જિદ છે. અમે જ્યારે અહીં પહોંચ્યા ત્યારે બહાર ધોમધખતો તડકો અને ગરમી હતી. આવતાં-જતાં વાહનોનો ઘોંઘાટ હતો, પણ મસ્જિદ પરિસરમાં શાંતિ હતી. મસ્જિદની અંદર જાળીઓમાંથી ચળાઈને આવતાં સૂર્યકિરણો અને હવા અમને ઠંડકનો અહેસાસ કરાવતાં હતાં.

સીદી સૈયદ મસ્જિદનું વાસ્તુ આમ તો ખૂબ સાદું છે. મસ્જિદની બન્ને બાજુએ પાતળી મિનારો હતી જે હવે તૂટી ગઈ છે. એની પાછળ અને બાજુની દીવાલો પર પથ્થરની આરપાર બારીકાઈથી કોતરેલી જે જાળીઓ છે એ બેનમૂન છે. આખા વિશ્વમાં એનો કોઈ જોટો નથી. એ મધ્યકાલીન ગુજરાતના કારીગરોની કુશળતાનું ઉત્કૃક્ટ ઉદાહરણ છે. આ બધી જાળીઓમાં અચરજ પમાડે એવી એક જાળી છે જેમાં એકબીજામાં વીંટળાયેલાં વૃક્ષો અને પાંદડાંઓ છે. આ જાળીને જીવનનું વૃક્ષ નામ આપવામાં આવ્યું છે. અમદાવાદની પ્રતિષ્ઠિત ત્ત્પ્ સંસ્થાનું ચિહ્ન આનાથી પ્રેરિત થઈને બનાવાયેલું. અમદાવાદ શહેરને હાલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘે જે વિશ્વધરોહર શહેરનું સ્થાન આપ્યું છે એ મેળવવામાં આ જાળીઓનું મોટું યોગદાન છે. એક રીતે જીવનનું વૃક્ષ જાળી એ અમદાવાદ શહેરનું બિનસત્તાવાર ચિહ્ન છે.

tree

એટલે જ જ્યારે જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે બુલેટ ટ્રેનનું શિલાન્યાસ કરવા અમદાવાદ આવ્યા ત્યારે આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને આ મસ્જિદ દેખાડવા લઈ ગયા હતા.

આ કલાકૃતિઓ જોઈને મારા મનમાં એનો ઇતિહાસ જાણવાની ઉત્કંઠા જાગી.

આ મસ્જિદનું નિર્માણ ૧૫૭૨માં યમનથી આવેલા સીદી સૈયદ નામના એબીસિનિયન (ઉત્તર-પૂર્વ આફ્રિકા/ઇથિયોપિયાનો વંશજ)એ શરૂ કરાવ્યું હતું. સીદી સૈયદ ગુજરાત સલ્તનતના છેલ્લા સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા (રાજ્યકાળ ૧૫૬૧થી ૧૫૭૩ અને ૧૫૮૩)ના પ્રસિદ્ધ એબીસિનિયન સેનાપતિ બિલાલ ઝાઝર ખાનના અંગત રસાલામાં હતા. કહેવાય છે કે સીદી સૈયદ ૪૫ કુશળ કારીગરોની ટુકડી લઈને આ મસ્જિદ બંધાવતા હતા. ૧૫૭૩માં મુઘલ બાદશાહ અકબરે અમદાવાદ પર હુમલો કરીને એને કબજે કરી લીધી હતી એટલે છેલ્લે આ મસ્જિદનું નિર્માણ ઉતાવળે પૂરું કરવામાં આવ્યું હતું. પાછળની દીવાલની મધ્ય કમાનમાં જાળીની જગ્યાને પથ્થરથી પૂરી દેવામાં આવી હતી. મધ્ય કમાન કદાચ સૌથી શ્રેષ્ઠ જાળી માટે આરક્ષિત કરી હશે.

સીદી સૈયદ ગરીબોના મદદગાર દરિયાદિલ ઇન્સાન હતા. તેઓ ખૂબ વિદ્વાન હતા અને તેમની પાસે કીમતી પુસ્તકાલય હતું. ૧૫૭૬માં જ્યારે સીદી સૈયદ મૃત્યુ પામ્યા ત્યારે તેમને અહીં જ મસ્જિદના પ્રાંગણમાં દફનાવવામાં આવ્યા હતા.

અંગ્રેજોના રાજમાં આ મસ્જિદનો સરકારી કચેરી તરીકે ઉપયોગ થતો હતો. હવે અહીં નિયમિત નમાઝ અદા થાય છે.

૧૮૮૦માં જીવનના વૃક્ષ જાળીનાં કાગળનાં બીબાં તૈયાર કરી એની મદદથી લાકડાની બે પ્રતિકૃતિ તૈયાર કરીને એને અમેરિકામાં કેનઝિંગ્ટન અને ન્યુ યૉર્ક સંગ્રહાલયમાં મૂકવામાં આવી હતી.

હવે આ જાળીઓ ફક્ત ગુજરાત અને ભારત નહીં, આખા વિશ્વની સાંસ્કૃતિક વિરાસત છે. અમદાવાદ જાઓ ત્યારે આ મસ્જિદની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.

- તસવીરો : ચંદ્રહાસ હાલાઈ


(આ વિભાગ દર ૧૫ દિવસે પ્રગટ થાય છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK