સ્મિતાએ એક વાર વાત-વાતમાં પોતાના દિયરને કહેલું કે પોતે ૩૨ વરસથી વધારે નહીં જીવી શકે

સ્મિતાએ કહ્યું કે પોતાને ત્યાં દીકરીનો જન્મ થાય તો તેનું નામ પોતે પૃથ્વી પાડવાનું નક્કી કર્યું હતું!

smita

કિનારે-કિનારે - સલિલ દલાલ

સ્મિતાએ કહ્યું કે પોતાને ત્યાં દીકરીનો જન્મ થાય તો તેનું નામ પોતે પૃથ્વી પાડવાનું નક્કી કર્યું હતું! એ જ મુલાકાતમાં, ‘માધુરી’ના મિથિલેશ સિંહાને રાજ બબ્બરે મજાકમાં કહ્યું કે જો આ બાળકનો જન્મ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની હડતાળ દરમ્યાન થયો હોત તો તેનું નામ મોરચા બબ્બર પાડવું બરાબર રહ્યું હોત. જેમ અમિતાભ બચ્ચનનું નામ તેમના પિતાજી હરિવંશરાયજીએ એ બાળક ૧૯૪૨માં આઝાદીની લડતના સમયે જન્મવાને કારણે પોતે તો ઇન્કિલાબ રાખ્યું હતું. પછી મહાકવિ નિરાલાજીએ અમિતાભ એવું નામકરણ કર્યું હતું એમ જ. રાજ બબ્બર જે હડતાળનો ઉલ્લેખ કરતા હતા તે સ્મિતા પાટીલની ગર્ભાવસ્થાના દિવસોમાં ચાલેલી સરકાર સામેની હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ઇતિહાસની સૌથી લાંબી લડત હતી.

સરકારના એ વખતના ૧૭૭ ટકા ટૅક્સ અને વિડિયો-પાઇરસી સામે અપૂરતાં પગલાં ઉપરાંત નવા શરૂ થનારા ચાર ટકા સેલ્સ-ટૅક્સ સામે સિનેમા-ઉદ્યોગની તમામ કાર્યવાહી ૧૯૮૬ની ૯ ઑક્ટોબરથી બંધ કરી દેવામાં આવી હતી. એનો અંત છેવટે ૩૧ દિવસ પછી કૉન્ગ્રેસના સંસદસભ્યો અમિતાભ બચ્ચન અને સુનીલ દત્ત તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીને દિલ્હીમાં મળ્યા પછી આવ્યો હતો. એ અનુસાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કમિટી નીમવા જેવો વચગાળાનો ઉકેલ કર્યો અને હડતાળ પાછી ખેંચાઈ હતી. એ સમાધાનથી બધા ખુશ નહોતા. એ કૉમ્પ્રોમાઇઝ સામે નારાજગી વ્યક્ત કરવા, વાટાઘાટોમાં હાજર રહેલા રામરાજ નાહટાએ પ્રોડ્યુસરોની સંસ્થા ઇમ્પાના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું, પરંતુ લડત ચાલી એ દિવસોમાં સરઘસ અને મોરચા જેવાં પગલાં લેવામાં આવ્યાં હતાં.

એવા એક મોરચામાં સ્મિતાજી પ્રેગ્નન્સીની હાલતમાં વાનખેડે સ્ટેડિયમ સુધી ગયાં હતાં. તેમના જેવા સૌ કલાકાર-કસબીઓને ચિંતા હતી કામદારોની. એક મહિનાથી સિનેમા-થિયેટરોમાં ફિલ્મો દેખાડવાનું તેમ જ સ્ટુડિયોમાં શૂટિંગ, ડબિંગ કે અન્ય તમામ પ્રવૃત્તિઓ બંધ હોવાથી દૈનિક પેમેન્ટ પર જીવનારા કામદારોની હાલત કફોડી હતી. તેમને વિવિધ સંગઠનો આર્થિક મદદ કરતાં હતાં, છતાં એક કાયમી ફન્ડ ઊભું કરવા ‘હોપ ૮૬’ નામનો કાર્યક્રમ યોજવાનું નક્કી થયું હતું (બાય ધ વે ‘હોપ ૮૬’ની એક યાદગાર મલ્ટિ-સ્ટાર નાઇટ કલકત્તામાં યોજાઈ ત્યારે કિશોરકુમાર એક પછી એક ગીત રજૂ કરે જ જતા હતા અને સ્ટેજ પાછળ રહેલા કેટલાકને લાગ્યું કે આ કિશોરકુમાર નાઇટ તો નહીં થઈ જાયને? ત્યારે કિશોરદાએ કહ્યું હતું કે આજે ગાવા દોને? ફરી કલકત્તા આવતાં અગાઉ હું આ દુનિયામાં ન પણ રહું. એ કાર્યક્રમ હતો ૩૧ ડિસેમ્બરે અને ૧૯૮૭નું વરસ પૂરું થતાં અગાઉ ૧૩ ઑક્ટોબરે ખરેખર જ કિશોરકુમારનું નિધન થઈ ગયું હતું). સ્મિતાજીની ડિલિવરી પછી પૂનમ ઢિલ્લને જ્યારે અભિનંદન આપવા ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે પોતે ‘હોપ ૮૬’ કાર્યક્રમમાં આવવા માગે છે, પણ રાજ (બબ્બર) કહે છે કે મારી તબિયત ઠીક નથી; શું હું ગરમ કપડાં પહેરીને ન આવી શકું?  પણ એ ક્યાં શક્ય બનવાનું હતું?

હજી ૨૮ નવેમ્બરે થયેલા પુત્રજન્મનો આનંદ પરિવારજનો અને મિત્રો પૂરો માણી રહે એ પહેલાં સ્મિતાજીને તાવ આવવા માંડ્યો. તેમની ડિલિવરી થઈ એ દિવસોમાં તેમની ખાસ સખી લલિતા તામ્હણે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના તેમના બિછાને અદ્ભુત અભિનેત્રી નૂતનજીને લઈ ગયાં હતાં. બન્ને મહારાષ્ટ્રિયન અને બેઉ નૅચરલ ઍક્ટિંગમાં નિપુણ, પરંતુ રૂબરૂ મળવાનું કદી બન્યું નહોતું. દીકરાના જન્મની વધાઈ આપ્યા પછી નૂતને કહ્યું કે તેમની પાસે એક સ્ક્રિપ્ટ છે, જેનું દિગ્દર્શન તે પોતે કરવા માગે છે અને સ્મિતા એમાં કામ કરે એ ઇચ્છા હતી. આમ પ્રસૂતિ પછી દવાખાનામાં જેટલો સમય રહેવાનું થયું આનંદથી રહ્યાં હતાં. ડૉક્ટરે રાબેતા મુજબ ફ્લુ માટે લોહી-પેશાબની લૅબ-તપાસ કરાવી. એમાં રિઝલ્ટ નેગેટિવ આવ્યા છતાં ડૉક્ટરે ફ્લુની જ સારવાર ચાલુ રાખીને ભૂલ કરી હોવાનું સ્મિતાજીના પિતાએ પોતાની દીકરીના અવસાન પછીની વાતચીતમાં કહ્યું હતું. કારણ ગમે એ હોય તાવ ઊતરવાનું નામ નહોતો લેતો. દવાખાનામાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, પણ એક તબક્કે સ્મિતાજી પોતાના નવજાત શિશુને ઘરે મૂકીને હૉસ્પિટલમાં નહીં જવા જીદ કરતાં હતાં. હકીકતમાં તેમને વાઇરલ એન્સેફલાઇટિસ થઈ ગયો હતો, જેમાં કોઈ ઇન્ફેક્શનને લીધે મગજમાં સોજો આવી જતો હોય છે, પરંતુ ૧૨ ડિસેમ્બરે હાલત વધુ બગડી રહી હોવાથી જસલોક હૉસ્પિટલમાં દાખલ કરવા લઈ જવામાં આવ્યાં. ત્યાં તે બેહોશ થઈ ગયાં. એક અહેવાલ એમ પણ કહે છે કે દવાખાને લાવવામાં આવ્યાં ત્યારે તે બેભાન હાલતમાં જ હતાં.

તાત્કાલિક ટેસ્ટ થઈ અને મગજમાં તકલીફ થઈ હોવાનું નિદાન થયું. આ બાજુ સ્થિતિ દર મિનિટે બગડી રહી હતી. ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં દાખલ કરવામાં આવેલાં સ્મિતાજીના નાક, મોં અને આંખો વાટે લોહી નીકળવા માંડ્યું હતું. લોહીના બાટલા ચડાવવામાં આવ્યા. ડૉ. વાડિયાની આગેવાની હેઠળની ૧૫ ડૉક્ટરોની ટીમ દેશની એક શ્રેષ્ઠ અભિનેત્રીનો જીવ બચાવવામાં લાગી હતી. લોહીની આવશ્યકતા વધારે પડવા માંડી, કેમ કે જેટલું પણ લોહી ચડાવાતું એ વહી જતું. સ્મિતાજીનું બ્લડ-ગ્રુપ O-પૉઝિટિવ હતું. એથી બ્લડ-બૅન્કની સાથે સાથે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંથી પણ એ ગ્રુપના કલાકારો આગળ આવ્યા. તેમાંના રણધીર કપૂર, રેખા, સંજય દત્ત અને આલોક નાથનું લોહી લઈ શકાય એમ હતું અને તે સૌએ પણ પોતાની સાથીકલાકાર માટે રક્તદાન કર્યું. મુંબઈમાં સ્મિતા પાટીલની ગંભીર તબિયતના સમાચાર જંગલની આગની માફક ફેલાઈ રહ્યા હતા. એક સાંધ્ય અખબારે O-પૉઝિટિવ ગ્રુપના રક્તદાતાઓને જસલોક પહોંચવા અપીલ પણ કરી હતી.

લોહી ત્યાં સુધી ચડાવ્યા કરવાનું હતું જ્યાં સુધી બ્રિટનના વિખ્યાત બ્રેઇન-એક્સપર્ટ ડૉક્ટર બેટ્સ મુંબઈ આવી ન જાય. ડૉક્ટર બેટ્સ મસ્તિષ્ક વિશેષજ્ઞોના સેમિનારમાં ભાગ લેવા દિલ્હી આવ્યા હતા. તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીનો સંપર્ક કરીને એ સ્પેશ્યલિસ્ટને મુંબઈ મોકલવાની અર્જન્ટ વ્યવસ્થા કરવામાં આવી. સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં અને દેશભરમાં સ્મિતાજીની ફિલ્મ ‘સુબહ’ની પ્રાર્થના ‘તુમ આશા વિશ્વાસ હમારે, તુમ ધરતી આકાશ હમારે...’ જેવી વિનવણીઓ ભગવાનને કરવામાં આવી રહી હતી. શરૂઆતના અખબારી અહેવાલો અનુસાર ૧૬ અને છેવટે બધું મળીને બાવીસ બૉટલ લોહી ચડાવવામાં આવ્યું. સાંજ પડતાં સુધીમાં તો મુંબઈમાં એ અફવા જોરશોરથી વહેતી થઈ હતી કે સ્મિતા પાટીલનો દેહાંત થઈ ગયો છે. હકીકતમાં તો ત્યારે પણ ડૉક્ટરો તેમને બચાવવાની કોશિશો કરી રહ્યા હતા. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બધાને આશ્ચર્ય એ વાતનું હતું કે પ્રેગ્નન્સી અથવા ડિલિવરી બેમાંથી કોઈ પણ સમયે સ્મિતાજીની તબિયત ચિંતાજનક તો દૂર જરાપણ બગડી હોય એવો અણસાર પણ નહોતો આવ્યો અને અચાનક વાત આટલી ગંભીર કેવી રીતે થઈ ગઈ?

નૅચરલી, ઇન્ડસ્ટ્રીના સૌ જસલોક પર આવી ગયા હતા. રાજ કપૂર, રાજેશ ખન્ïના, જયા બચ્ચન, પ્રકાશ મેહરા, મનમોહન દેસાઈ, બી. આર. ચોપડા, મહેશ ભટ્ટ, સોની રાઝદાન, રેખા, શબાના આઝમી, પૂનમ ઢિલ્લન, પદ્મિની કોલ્હાપુરે, રામેશ્વરી, સંજય દત્ત, અનીતા કંવર, આલોક નાથ, ફારાહ, જાવેદ અખ્તર, યશ જોહર, સૂરજ સનીમ, રાજ ગ્રોવર અને રવિ શાસ્ત્રી સાથે સજોડે અમ્રિતા સિંહ સહિત જે કોઈ એ દિવસે મુંબઈમાં હતાં એ બધાં ખબર કાઢવા હૉસ્પિટલમાં આવી ગયાં હતાં. જેમને પણ ઇન્ટેન્સિવ કૅર સુધી જવાની પરવાનગી મળી એ સૌ, આખા શરીરે વિવિધ પ્રકારની ટ્યુબો અને દાક્તરી સારવારનાં અન્ય સાધનોથી ઘેરાયેલી, પોતાની સાથીદારને જોઈને પોતાનાં આંસુ નહોતાં રોકી શકતાં. જાણે કે ‘આજ’ ફિલ્મમાં જગજિત સિંહની અમર રચના ‘વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની...’ ગાતા કુમાર ગૌરવની સામે હૉસ્પિટલના બેડમાં અંતિમ ઘડીઓ ગણી રહેલાં સ્મિતા પાટીલ!

ફરક માત્ર એટલો હતો કે એ સૌ જે જોઈને આવી રહ્યા હતા એ કોઈ પિક્ચરનો સેટ નહોતો, એ સાચેસાચી જિંદગીનું એક એવું કરુણ દૃશ્ય હતું જે ભલભલાને હચમચાવી રહ્યું હતું. તેમનાં અંગત સહેલી અને મરાઠીમાં ‘સ્મિતા, સ્મિત આણિ મી’ જેવું પુસ્તક આપનાર લલિતા તામ્હણેએ ‘ફિલ્મફેર’માં જણાવ્યા મુજબ તો તેમની એ ઍક્ટ્રેસ દોસ્તને કોઈ પણ સંજોગોમાં ૩૦ વરસની ઉંમર થતાં સુધીમાં માતા બનવું હતું. પોતે મા નહીં બની શકે એ વિચારને કારણે પ્રેગ્નન્ટ થવા અગાઉ એક વાર સ્મિતાજીએ આપઘાત કરવાનો પણ વિચાર કર્યો હતો. ત્યારે તે કલકત્તા ગયેલાં હતાં અને હોટેલના રૂમમાં ઊંઘની ગોળીઓની બૉટલ હાથમાં લઈને લાંબો સમય બેસી રહ્યાં હતાં. પછી એ વિચાર પડતો મૂક્યો. એ વાત કલકત્તાથી આવીને લલિતાજીને કહી હતી. તો રાજ બબ્બરના નાના ભાઈ વિનોદને એક અમંગળ વાત યાદ આવતી હતી. એક વાર વાત-વાતમાં જ સ્મિતાજીએ પોતાના એ દિયરને કહ્યું હતું કે પોતે ૩૨ વરસથી વધારે નહીં જીવી શકે! હજી ઑક્ટોબરમાં જ ૩૧ વર્ષ પૂરાં કરીને તેમનાં સ્મિતાભાભીએ બત્રીસમા વર્ષમાં પ્રવેશ જ કર્યો હતો. અમંગળની બીક તેમને વધુ લાગતી હતી, છતાં સૌને ચાર જ વર્ષ પહેલાં ૧૯૮૨માં સમયસરની અને પ્રલંબ તબીબી સારવારને લીધે અમિતાભ બચ્ચનનો થયેલો ચમત્કારિક બચાવ યાદ હતો. એથી ડૉક્ટરો કાંઈ પણ કરી શકશે એમ પૉઝિટિવ વિચારનારા પણ એટલા જ હતા. વળી દિલ્હીથી અર્જન્ટ આવી રહેલા બ્રિટિશ ડૉક્ટર બેટ્સ પર સૌને વિશેષ આશા હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK