નારીસંવેદનાની સફર

૧૯૧૦થી આંતરરાષ્ટ્રીય મહિલા દિન ૮ માર્ચે ઊજવાય છે. આ ઉજવણીનો ઉદેશ નારીના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

એકવીસમી સદીમાં પણ સ્ત્રીસાક્ષરતાનો દર ઓછો છે. ગ્રામીણ વિસ્તારોમાં છોકરીને જલદી પરણાવી ઠરીઠામ કરી નાખવાની માનસિકતા હજી ગઈ નથી. એક તરફ વિકસિત દેશોમાં સ્ત્રી અવકાશ સુધી પહોંચી ગઈ છે તો બીજી તરફ કટ્ટર દેશોમાં સ્ત્રી બુરખામાં બંધાયેલી છે.

આજે વિવિધ કવયિત્રીઓના ભાવસંવેદનની સફર કરીએ. ભાવનગરનાં જિજ્ઞા ત્રિવેદી કહે એ અભિગમને કારણે ઘણી કુપ્રથાઓ તૂટી રહી છે. 

છું સમાંતર, એટલે તો હું લગોલગ થઈ ગઈ

હું સમયની ધાર સાથે પણ અડોઅડ થઈ ગઈ

જે ગળે લટકી રહી, ફાંસી તણા ફંદા સમી

એ પ્રથાને તોડવા, હું એ સમોવડ થઈ ગઈ


સતી, દૂધપીતી જેવી પ્રથાઓ પરનો અંકુશ જરૂરી હતો. વિધવાને એક ખૂંટે બાંધી સાડલા સાથે સપનાંઓને પણ રંગવિહોણાં કરી નાખવાનો મતલબ શો? ઘણી બદીઓ ગઈ છે, તો ઘણી હજી વેઇટિંગ લિસ્ટમાં છે. 

નાઇજીરિયામાં કાયદાના સેક્શન પંચાવન હેઠળ પતિ પોતાની પત્નીને સુધારવા માટે ફટકારી શકે છે. અમેરિકાના નૉર્થ કૅરોલિનામાં સ્ત્રીની ‘ના’નો અર્થ ના નથી. ઇઝરાયલમાં પત્નીએ છૂટાછેડા લેવા હોય તો પતિની કન્સેન્ટ જરૂરી છે. વિશ્વના ૩૨ દેશોમાં પાસપોર્ટની અરજી કરવા પત્નીએ પતિની પરવાનગી લેવી જરૂરી છે. સાઉદી અરેબિયામાં સ્ત્રી ડ્રાઇવિંગ નથી કરી શકતી. ભારતનાં કેટલાંક મંદિરોમાં સ્ત્રીને પ્રવેશ નથી. સુરતનાં પ્રજ્ઞા વશી અંતરની વેદના વ્યક્ત કરે છે...

આ સાત ફેરાની કડી ઝંજીર જો બને

હસતી રહી નિભાવે, કાં મન મારતી રહે?

ભીતરથી ક્યાં હજી ભલા મંજાઈ છે કે તું

આ ખોળિયું તારું હજી શણગારતી રહે


ઍડ્જસ્ટ થવાની ફરજ સ્ત્રીને ભાગે વધારે હોય છે. આ તેની આવડત છે, પણ આવડત લાચારી ક્યારે બની જાય છે એની તેને પણ ખબર નથી રહેતી.  તેને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવાનો અભિગમ સદીઓથી ચાલ્યો આવે છે.

દીકરી ઉંમરમાં આવે એટલે મા-બાપની ચિંતા શરૂ થઈ જાય. એના સ્ત્રીત્વને ઉઝરડા ન પડે એની ઝીણી-ઝીણી કાળજી લેવી પડે. સમાજમાં બનતા અત્યાચારના કિસ્સાઓ જિંદગીને તબાહ ને તરફડતી કરી નાખે. અમરેલીનાં પારુલ ખખ્ખર સાવચેતીનો સૂર છેડે છે...

જવું છે, તો વિચારો બે ઘડી સર્પો વિશે

આ અંગેઅંગમાં ચંદન લઈને ક્યાં જશો? 

વળાંકો ભયજનક, પથરાળ રસ્તા છે બધે

તમારું કાચનું વાહન લઈને ક્યાં જશો? 


દેહના દાયિત્વને જાળવી સગપણના સથવારાને ટકાવવાનો હોય છે. પ્રત્યેક સાયુજ્ય આખરે તો સુખ અને સંતોષ માટે હોય અને હોવું જોઈએ. મનનો માણિગર મળે તો માળામાં મોતી પરોવાય અને ન મળે તો સૂકાં પાંદડાંની ખરખર રંજાડતી રહે. સાંસારિક જવાબદારી બોજ નહીં, પણ ખોજ બને ત્યારે જિંદગીને તૃપ્તિનો અર્થ સાંપડે. ગોધરાનાં ગાયત્રી ભટ્ટ રૂટીન દૃશ્ય સાથે અનેક સંકેતોને જોડે છે... 

સગપણો શીખી લઉં છું પાણિયારે

આખું ઘર સીંચી લઉં છું પાણિયારે

આ ઘડામાં જળ નથી પણ જીવ છે, જો! 

જીવતર ઝીલી લઉં છું પાણિયારે


જીવતરનો ખરો અર્થ સમજવા એકમાંથી બે અને બેમાંથી ત્રણ બનવું પડે. અનેક આપદાઓ હોય છતાં વાત્સલ્યનું જગત આરાધનાથી ઓછું નથી. બારડોલીનાં સંધ્યા ભટ્ટ સ્ત્રીસહજ વિરોધાભાસને બે પંક્તિમાં મૂકે છે... 

શક્યતાઓ ગર્ભથી અવતારવાને

હા, જીવન માટે તો સ્ત્રી મરતી રહી છે


પ્રેમ મળે તો સ્ત્રી મરવા માટે પણ તૈયાર થઈ જાય. સ્નેહ અને સલામતી હોય ત્યાં શ્વાસને એક અર્થ મળે. સ્વાર્થ અને ભય હોય ત્યાં શ્વાસ રૂંધાયા કરે. સ્ત્રીને આખરે શું જોઈએ છે એ પુરુષ સમજી નથી શકતો. સ્ત્રીમાં આવતા બદલાવ તેની સમજની પરે છે. એક જ પરિસ્થિતિમાં અલગ-અલગ  સમયે અલગ-અલગ તરફેણ કરતી સ્ત્રીને જોઈને પુરુષ સ્તબ્ધ થઈ જાય છે. પહેલા ધોરણ સુધીમાં એકડો-બગડો શીખી જઈએ એટલી સહજતાથી નારીસંવેદના સમજાતી નથી. સ્ત્રીને આખરે શું જોઈએ છે એ વાત કદાચ એક સ્ત્રી જ સારી રીતે કહી શકે. સ્નેહા પટેલની વાત સમજવાનો પ્રારંભિક પ્રયાસ કરીએ...  

પ્રીત શબ્દનો જ ખુદનો ધર્મ છે, પણ

મારે એનું મૌન નક્કર જોઈએ છે

મેં બરફનું ઘર બનાવેલું છે જેને

રક્ષનારો કોઈ જબ્બર જોઈએ છે

ક્યા બાત હે


બોન્સાઇ

તેં મને રોપીતી

તારા જતનથી હું ઊછરતી ગઈ

મને યાદ છે

મારા પહેલા પાંદડે

તું કેવો લીલોછમ થયોતો

ને દિવસો સુધી ઝૂમ્યોતો

પછી મારી ખીલતી વિસ્તરતામાં

તારી ખુશી સંકોચાતી ગઈ

હવે તું રોજ મારાં પાંદડાં કાપે છે

ડાળીઓ તોડે છે

ને મૂળિયાં કાતરે છે

મારે ઊગવાનું માપમાં

મારે ખીલવાનું માપમાં

મારા તાંતણે તાંતણે

આકાશનો શ્વાસ પડછાય છે

મારાં પાંદડે પાંદડે

વાયુનો વ્યાપ વમળાય છે

હું તને કેમ સમજાવું?

મારાં મૂળિયાં કેટલાં સજ્જડ પથરાયાં છે

મારે જીવવું છે

ને મારે ખીલવુંય છે...

- લતા હીરાણી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK