ગુજરાતીની માનીતી મૂળ દેવી, ભૂલચૂક લેવી દેવી અમારે તો દેવી જ નહોતી, છતાં છીનવી લીધી અમારી શ્રીદેવી

પારલા સ્ટેશને ઊતરીને રિક્ષાવાળાને પૂછ્યું, ‘ભાઈ ભાઈદાસનું શું લઈશ?’

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

‘હમણાં વેચવાનો નથી.’

હું ચમક્યો. ભાઈદાસનો માલિક રિક્ષાનો ડ્રાઇવર. આવી કફોડી દશા. તેના જવાબથી મારી ખોપરીમાં રહેલા મગજે સળગતી ભોંયચકરડીની જેમ અંદર ચાર-પાંચ ચક્કર માર્યાં. મેં કીધું, ‘અરે ભાઈદાસ હૉલ જવાનું શું લઈશ?’

‘ઓહ ઓકે ઓકે, ત્યાં જવાના ૫૦ રૂપિયા થશે.’

‘પચાસ? પાંચડે મીંડે પચાસ? બહુ કહેવાય. આખું પારલા નથી ફરવાનું. ચાલીસમાં લઈ જા...’

‘ચાલીસમાં? ચોગડે મીંડે ચાલીસ? કોણ લઈ જાય?’ તે બોલવામાં મારા જ પગલે ચાલ્યો.

‘હું શૉર્ટકટથી લઈ જઈશ, તું પાછળ બેસ.’ અને ચમત્કાર થયો. તે મારામાં વિશ્વાસ મૂકીને બેસી પણ ગયો, ‘લઈ જાઓ.’

મેં રિક્ષા સ્ટાર્ટ કરી અને થોડી વારમાં ઢર્ર્ર્ કરતી રિક્ષાએ ટેકઅપ થતા વિમાનની ગતિએ સ્પીડ પકડી લીધી. પાંચ-દસ સેકન્ડમાં તો મદારી બીન વગાડે અને નાગ ડોલે એમ રિક્ષા ડોલવા લાગી. થોડી સેકન્ડ એ જ ભૂલી ગયા કે રિક્ષામાં બેઠા છીએ કે નાવડીમાં. તેની ઑટોરિક્ષામાં ઑટોમૅટિક ભજન ચાલુ થયું, ‘આ રે કાયા રે હંસા ડોલવાને લાગી’ અને પછીની ૧૦ સેકન્ડમાં ધડાક ધૂમ ઢીચિંગ ધડામ ધૂમ ઢરરર જેવા અલગ-અલગ વિચિત્ર અવાજોનો શુભારંભ થયો. ધીરે-ધીરે એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર વાંદરો જમ્પ મારે એમ રિક્ષા કૂદકા મારવા લાગી અને પાછળથી રિક્ષાવાળાના મુખમાં ગગનભેદી ચિચિયારી નીકળી, ‘મરી ગયો, બાપરે, મરી ગયો.’ 

‘તમે આવી બૂમ પાડીને મારું ધ્યાન બીજે ન વાળો. તમે એક વાર કીધું કે મરી ગયો તો તમારા મુખમાંથી બીજી વાર મરી ગયો એવી બૂમ નીકળી કઈ રીતે? જવાબ આપો.’ 

રિક્ષાવાળાની બૉડી ૮૦ ટકા વાઇબ્રેટર મોડ પર આવી ગયેલી. ‘અરે ભાઈ આપણે ભાઈદાસ જઈ રહ્યા છીએ, સ્મશાન નંઈ. રિક્ષા ધીરી પાડો.’ રિક્ષા થોડી ધીરી પડતાં પેલું ભજન આગળ ચાલ્યું, ‘ઊડી ગયો હંસ મોયલું રેખું તો રહ્યું, મારો હંસલો...’

‘આઇ નો બકા, મેં કીધું’, ‘જેમ જીવન ભલે આપણું હોય, પણ એને ઈશ્વર ચલાવે છે એમ રિક્ષા ભલે તારી હોય, પણ ચલાવું છું હું એટલે મંઝિલ મને ખબર છે, સમજ્યો? ભાઈદાસ જવાનું મારે છે તું તો માત્ર નિમિત્ત બનીશ ત્યાં પહોંચાડવામાં. અત્યારે તો મહાભારતમાં પેલા અજુર્નને વૃક્ષ પર જેમ વીંધી નાખવા માટે પંખીની આંખ દેખાતી હતી એમ મને નજર સામે માત્ર ને માત્ર ભાઈદાસ જ દેખાય છે.’

‘તમને ભલે ભાઈદાસ દેખાય કે બાઈદાસ, મને સામે યમરાજ દેખાય છે એનું શું?’

‘તો તારી આંખોનો દોષ હશે વહાલા, તારી આંખોમાં મોતિયો હોઈ શકે.’

‘અરે તમે રિક્ષા ધીરી પાડો. હું ઈશ્વરને નંઈ, ઘરે કહીને આવ્યો છું કે પાછો આવીશ. પ્લીઝ, તમે કયા જનમનો બદલો લઈ રહ્યા છો. હે પ્રભુ, આ કોણ છે એની ખબર નથી, પણ હું કોણ છું એની તો તને ખબર છેને? પ્લીઝ, બચાવી લે. હવેનું શેષ આયુષ્ય રિક્ષા ચલાવનારા માલિકના હાથમાં છે.’

‘ડોન્ટ ટેલ લાઇ. મારા હાથમાં માત્ર તારી રિક્ષાનાં બે હૅન્ડલ છે. તને ભૂતનાં સપનાં આવશે.’

‘અરે ભૂતનાં સપનાં નંઈ, હું પોતે જ ભૂત બની... આઇ મીન ભૂતકાળ બની જઈશ. રિક્ષા ધીરી પાડો...’

‘ન પડે. આવડા મોટા બાબા રામદેવના અંદર ખેંચેલા પેટ જેવા ખાડા નથી દેખાતા. ગિરનારની ટેકરી જેવા કે ઊંધા તગારા જેવા ટેકરા નથી દેખાતા? સ્પીડબ્રેકર પણ કેટલાં ને કેવડાં મોટાં? આમાં તો હું જ ચલાવી શકું. તું ચલાવી તો જો. આ રિક્ષા આપણી પરીક્ષા લે છે.’

‘હમણાં તમે સ્પીડ પર બ્રેક મારો. ભગવાનને ખાતર કંઈ ન બોલો.’

‘અરે રિક્ષા તારી હોય તો તારે ખાતર ન બોલું. ભગવાનને ખાતર શું કામ? બકા આવડાં મોટાં સ્પીડબ્રેકર મેં ક્યારેય સપનામાં પણ જોયાં નથી. સ્પીડબ્રેકર ન બદલાય તો સરકાર બદલી નાખો.’

‘અરે સરકાર ગઈ તેલ લેવા. હમણાં આખો રસ્તો બદલાઈ ગયો છે. સ્પીડબ્રેકર છે જ નઈ તો તંબુરામાંથી દેખાય. હે પ્રભુ મારી રિક્ષાની રક્ષા કર. રિક્ષા મ્યુઝિયમમાં મૂકવી પડશે. તમે કબ્રસ્તાનમાંથી રિક્ષા લઈ રહ્યા છો અને આ સ્પીડબ્રેકર નથી, બધી કબર છે.’ ડ્રાઇવરનો ચહેરો ગોબાવાળી રિક્ષા જેવો થઈ ગયો.

‘અરે બાપરે, તો બોલતો કેમ નથી? મને ક્યારનું થતું હતું આજે ટ્રાફિક કેમ નથી, ઇટ્સ ઇમ્પૉસિબલ. કબર જોઈ બેફામ યાદ આવ્યા, કબર જોઈને દુ:ખ એ જ થાય છે બેફામ કે તમારે મરવું પડ્યું આટલી જગ્યા માટે? છટ્.’

‘અરે તમે બેફામ રિક્ષા ચલાવી, હવે બેફામ બોલો છો. મને તમારામાં થોડી વાર યમરાજ દેખાયો.’

‘તમે બોલવામાં કન્ટ્રોલ રાખો...’

‘તમે રિક્ષા ચલાવવા પર કન્ટ્રોલ રાખો.’ રિક્ષાવાળાને દમના રોગીની જેમ શ્વાસ ઊપડ્યો. થોડી વારમાં ગરમ દૂધના ઊભરા બેચાર વાર ઉપર આવીને નીચે બેસી જાય એવી છાતી ફુલાઈને સંકોચાવા લાગી. અઢી બાલદી પાણી પીવડાવ્યું અને પૂછ્યું, ‘હવે થોડું સારું લાગે છે? હવે આપણી મંઝિલ ભાઈદાસે પહોંચ્યા...’ એટલું બોલીને મેં પાકીટમાંથી વીસ રૂપિયાની નોટ કાઢીને ડ્રાઇવરના હાથમાં મૂકી તો ચમક્યો, ‘ભાઈ, આપણે ચાલીસની વાત થઈ હતી.’ 

‘ચોક્કસ, ઍગ્રી, કબૂલ. યુ આર ૧૦૦ ટકા રાઇટ, પણ તારા વીસ નંઈ ગણવાના? અરે આપણો ભેટો ન થયો હોત તો તું આટલું ફરત. વીસ તારા ને વીસ મારા. હિસાબ સરભર.’

‘અરે મારા સાહેબ, આ વીસ પણ રાખો, મારી ઘાત ગઈ અને હું બચ્યો એ મારું મોટું ભાડું જ છે. હમણાં ટપકી પડ્યો હોત તો એ જ રિક્ષા ઍમ્બ્યુલન્સ...’

‘નારાયણ નારાયણ, આવું અશુભ ન બોલ. જે ટપકી પડ્યું હોત એ તારું શરીર, તારું નામ, તું નંઈ; અરે પાગલ, આપણે નથી જનમતા કે નથી મૃત્યુ પામતા. એમ વિચારે તો આપણા જીવનની રિક્ષા એ જ ચલાવે છે અને ગીતામાં કીધું છે શરીર તો જૂનાં વસ્ત્રો ત્યાગીને નવાં ધારણ કરે છે...’

‘હા પણ મારાં તો હાલમાં પહેરેલાં વસ્ત્રો જ જૂનાં છે અને એ પણ ભાડાનાં. એનું ભાડું ચૂકવવા માટેય પૈસા નથી.’

‘એનો આધાર પણ ઈશ્વર જ છે. તે ગમે ત્યારે ગમે તેને અચાનક બોલાવી લે. ઈશ્વર પણ ફિલ્મોનો શોખીન છે. યુ નો?’ મેં કીધું, ‘ઈશ્વરે હમણાં-હમણાં પહેલાં શશી કપૂર, વિનોદ ખન્ના પછી ઓમ પુરી, પછી રીમા લાગુ અને હવે શ્રીદેવી. સૅલ્યુટ ઈશ્વર સૅલ્યુટ. આટલો બધો ફિલ્મોનો રસ ને તેં બધાને બોલાવ્યા, પણ પ્રિય પ્રભુ, એક વિનંતી કે થોડો રાજકારણમાં પણ રસ લે. એમાંથી પણ થોડા ઉઠાવ... કે તું પણ બીએ છે તેમનાથી?’

વાચક તું હસ નંઈ, તું પણ આવું જ ઇચ્છે છે. તો પ્રાર્થના કરો, શ્રીદેવીને અચાનક ઉઠાવી એટલે મેં તો કીધું ગુજરાતીની માનીતી મૂળ દેવી, ભૂલચૂક લેવીદેવી.

‘અમારે તો દેવી જ નહોતી, છતાં છીનવી લીધી અમારી શ્રીદેવી.’ રિક્ષાવાળો પણ મારી સાથે ઍગ્રી થયો. તમે?

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK