એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિશ્વાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૨૦

દર્શન તૈયાર હતો.

નવલકથા - કાજલ ઓઝા વૈદ્ય

હવે તેણે જાહ્નવીની સાથે સાથે શરણને પણ આરોપી બનાવ્યો હતો. ખૂનના સમયે પોતે હાજર હતો, જાહ્નવીની સાથે તેની રૂમમાં હતો એ વાતની કબૂલાત કરતું સ્ટેટમેન્ટ ગઈ કાલે રાત્રે તેણે શરણ પાસેથી લઈ લીધું હતું. દર્શનને લાગતું હતું કે આ આમ તો ઓપન ઍન્ડ શટ કેસ છે, પરંતુ તેને એ શંકા હતી કે સોહમ કોઈક રીતે જાહ્નવીનું ઇન્ટરોગેશન કે રિમાન્ડ અટકાવી દેશે. જો એવું થાય તો નાના-મોટા પુરાવા સગેવગે કરીને જાહ્નવી આબાદ છૂટી શકે એવી વ્યવસ્થા કરતાં સોહમ અને પ્રણવને વાર નહીં લાગે એ વાતની દર્શનને ખાતરી હતી. આ બન્ને જણનું ઇન્ટરોગેશન આઠ દિવસનું થવું જ જોઈએ એવો દર્શને દૃઢ નિર્ણય કર્યો હતો.

સવારના પહોરમાં તેણે અભિષેક ઝવેરીને ફોન કરીને ફરી એક વાર કેસની ઝીણી-ઝીણી વિગતો સમજાવી હતી. અભિષેક ઝવેરી શહેરના જાણીતા ક્રિમિનલ લૉયર્સમાંનો એક ગણાતો. નાની ઉંમરે તેને ઘણી પ્રસિદ્ધિ મળી હતી. અભિષેક સામાન્ય રીતે ગુનેગારોનો વકીલ ગણાતો. મોટા-મોટા ફ્રૉડ અને અટેમ્પ્ટ ઑફ મર્ડર, મારામારી અને ઍક્સિડન્ટના કેસમાંથી તેણે શહેરના બિલ્ડર્સ, વકીલના દીકરાઓને છોડાવ્યા હતા. આ વખતે પહેલી વાર અભિષેક ઝવેરી સરકાર તરફથી અપીઅર થવાનો હતો.

‘આ અભિષેક વેચાઈ તો નહીં જાયને?’ દર્શને આગલી સાંજે પોતાની શંકા સ્પષ્ટ શબ્દોમાં રઘુવીર સામે વ્યક્ત કરી દીધી હતી.

‘જો દર્શન!’ થોડી દલીલબાજી અને ગરમાગરમી પછી રઘુવીર જરાક ચિડાયેલો હતો, ‘એવું થાય તો આપણે શું કરી શકવાના?’

‘અભિષેકની પ્રતિષ્ઠા તો એ જ છે.’ દર્શને કહ્યું, ‘પૈસા માટે જાત પણ વેચી નાખે એવો છે સાલો.’ એક ક્ષણ ચૂપ રહીને તેણે ઉમેર્યું, ‘મને તો આ આખી ગોઠવણ જ લાગે છે.’

રઘુવીર ચૂપ રહ્યો. દર્શને આગળ કહ્યું, ‘સરકારે પોતે આ માણસને સરકાર તરફથી અપીઅર થવાની વિનંતી કરી, બધું જાણવા છતાં?’

‘તો?’ રઘુવીરે પૂછ્યું.

‘તો શું સર?’ દર્શન અકળાયો. રઘુવીર બધું સમજતો હોવા છતાં અજાણ્યો હોવાનો ડોળ કરી રહ્યો હતો એ જોઈને દર્શનને મનોમન ચીડ ચડી, ‘અભિષેક સરકાર તરફથી અપીઅર થાય એટલે કેસ જ એટલો નબળો બનાવે કે સામેવાળાનો વકીલ જીતી જાય. જાહ્નવી નિર્દોષ છૂટે અને શરણને નુકસાન ન થાય એને માટેની રમત છે આ બધી.’

તેણે જડબાં ભીંસ્યાં, ‘કોઈ નહીં ને તેને જ કેમ પસંદ કર્યો?’

તેણે પૂછ્યું, ‘આજ સુધી તો કોઈ દિવસ સરકારે તેને અપૉઇન્ટ નથી કર્યો. હવે આ જ કેસમાં અચાનક કેમ?’ કહીને જવાબની આશા રાખ્યા વગર જ તે આવતી કાલ માટેનાં કાગળિયાં ભેગાં કરવા લાગ્યો, ‘તેણે બધાં પેપર્સ મંગાવ્યાં છે. હું લઈને જાઉં છું, પણ મને ખાતરી છે કે આ કાગળોની તેને કોઈ કિંમત પણ નથી અને જરૂરત પણ નથી. તે આવતી કાલે સવારે આ બે જણના રિમાન્ડ માટે એટલો નબળો કેસ મૂકશે કે...’

દર્શને અકળામણમાં ટેબલ પર પેપર્સ પછાડ્યાં.

‘બે જણ?’ રઘુવીરે ફરી અજાણ્યા થવાનો ડોળ કર્યો.

‘સર!’ દર્શને જવાબ આપ્યા વગર જ રઘુવીરની સામે જોયું. રઘુવીર સમજી ગયો એટલે કશું બોલ્યા વગર દર્શનની કૅબિનની બહાર નીકળવા લાગ્યો.

‘કાલે સવારે તમે કોર્ટમાં તો આવશોને?’ દર્શને પૂછ્યું.

‘છૂટકો છે?’ રઘુવીરે પણ કંટાળા અને અકળામણ સાથે જવાબ આપ્યો.

‘એક વાત કહું, સર?’ રઘુવીરનો કંટાળો અને અકળામણ સમજ્યા છતાં દર્શને કહ્યું, ‘તમને ગમે તે લાગતું હોય, પણ મને એવું લાગે છે કે હવે સરકાર પણ ઇચ્છે છે...’

તેણે સુધાર્યું, ‘હાઈ કમાન્ડ પણ ઇચ્છે છે કે શરણને સજા થાય.’

તેના ચહેરા પર તોફાની સ્મિત આવી ગયું. તેની જાડી મૂછો નીચે તેના દાંત દેખાઈ ગયા, ‘હવે તો લીલાધર શ્રીવાસ્તવને પાઠ ભણાવવા કટિબદ્ધ હશે શ્રીમતી તેજસ્વિની કૌલ!’

‘તેલ પીવા ગઈ તેજસ્વિની.’ રઘુવીરે કહ્યું, ‘આપણને કઠપૂતળી સમજીને નચાવે છે...’

તેણે અંતે કહી જ નાખ્યું, ‘અભિષેકને પાકી સૂચના હશે કે ઇન્ટરોગેશન મળવું જ જોઈએ.’ તેનો આટલાં વર્ષનો પોલીસ-અનુભવ બોલ્યો, ‘રિમાન્ડમાં તેને પતાવી નાખવાની આપણને સૂચના ન મળે તો સારું.’

તેણે ધીમે રહીને ઉમેર્યું, ‘છેલ્લી ઇન્સ્ટ્રક્શન તો એ જ હતી, જરૂર પડે તો એન્કાઉન્ટર કરી નાખો એવું હોમ મિનિસ્ટરની ઑફિસમાંથી કહેવામાં આવે એનો અર્થ શું?’

‘એનો અર્થ એમ કે આ બધા...’ દર્શન ફરી વ્યંગમાં હસ્યો, ‘ચોક્કસ જગ્યા વગરના લોટા છે. આમ ઢળે કે તેમ...નક્કી નહીં!’

પછી તેણે ઉમેર્યું, ‘એટલે જ સાહેબ, આપણે એ જ કરવાનું જે આપણને યોગ્ય લાગે.’ કહીને તેણે પોતાની દલીલ સાચી હતી એવું પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો, ‘આપણે તેને છોડી દીધો હોત તો આ લોકો જ આપણા માથે માછલાં ધોતાં હોત... ને હવે, ફરી મગજ બદલાશે તો...’

‘મરે બધા!’ રઘુવીરે કહ્યું, ‘હું ઘેર જાઉં છું.’

તેણે હાથ ઊંચા કરીને આળસ મરડી, ‘તું સ્ટેટમેન્ટ તૈયાર કરી લેજે. બાકીના બધા પુરાવાનાં પેપર્સ જોડે રાખજે ને અભિષેક ઇન્ટરોગેશનની અરજી કરે એ જરૂર પડે તો એક વાર વાંચી જજે...’ રઘુવીરસિંહ ઝાલા જ્યારે આ બધી સૂચના આપીને દર્શનની ઑફિસની બહાર નીકળ્યો ત્યારે દર્શને પણ એના ગયા પછી હાથ ઊંચકીને આળસ ખાઈ લીધી.

સવારથી જે કંઈ ચાલતું હતું એ પછી દર્શન પણ થાકેલો અને કંટાળેલો હતો.

બધાં પેપર્સ ભેગાં કરીને તે અભિષેકની ઑફિસે પહોંચ્યો ત્યારે રાત થઈ ગઈ હતી. અભિષેક તેની રાહ જોઈને જ બેઠો હતો. બધી ચર્ચા કરીને દર્શન ઘરે જવા નીકળ્યો ત્યારે તેની ઘડિયાળ સાડાદસનો સમય બતાવતી હતી.

સવારનાં અખબારોએ જાહ્નવીબહેનના કેસ વિશે મરી-મસાલા ભભરાવીને વિગતો છાપી હતી... અમદાવાદ જ નહીં, આખા દેશમાં આ કેસની ચકચાર શરૂ થઈ હતી. પોલીસ આજે સવારે જાહ્નવીને રિમાન્ડ માટે લઈ જવાની છે એ વાત અખબારોમાં છપાયા પછી ભદ્ર કોર્ટમાં સવારથી જ લોકોની ભીડ જામવા લાગી હતી. સૌને જાહ્નવીબહેનને જોવાની અને તેનો કેસ સાંભળવાની તાલાવેલી હતી. પ્રેસ, ટેલિવિઝન, મીડિયા તો ત્યાં એકઠાં થયાં જ સાથે-સાથે શહેરના કેટલાય નવરા લોકો જાહ્નવીબહેનનો કેસ સાંભળવા ભદ્ર કોર્ટ પહોંચી ગયા હતા.

‘અહીં સખત ભીડ ભેગી થઈ છે.’ રઘુવીર ઝાલા અને દર્શન પટેલ પોલીસ-જીપમાં હતા. પાછળ જાળીવાળી વૅનમાં ગુનેગારોની સાથે જાહ્નવી અને શરણને લઈને બન્ને કોર્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે કૉન્સ્ટેબલનો ફોન આવ્યો, ‘સાહેબ! જીપ સીધી અંદર જ લઈ આવજો. જાહ્નવીબહેનને ઉતારીને અંદર લઈ જવાનું બહુ અઘરું પડશે.’

‘આ દેશમાં નવરા લોકોની કમી નથી.’ દર્શને મોઢું બગાડ્યું, ‘એક બાઈએ તેની સાસુને મારી નાખી છે કે નહીં એ જાણવા માટે આખું જગત ભેગું થઈ જાય એ કેટલી નવાઈની વાત છે!’

તેણે ફોન ડિસકનેક્ટ કરીને રઘુવીર સામે જોયું. રઘુવીર પોતાના મોબાઇલની સ્ક્રીન પર ધ્યાનથી કશું જોઈ રહ્યો હતો. બન્ને જણ વચ્ચે તડાફડી થયા પછી રઘુવીરસિંહ ઝાલા ગઈ કાલે સાંજે પોતાને ઘેર ચાલ્યો ગયો હતો.

પહેલાં હોમ મિનિસ્ટરની સૂચના હતી કે શરણ શ્રીવાસ્તવને જરાક પણ ડિસ્ટર્બ ન કરવો... એક જ કલાકમાં સૂચના આવી કે શરણ શ્રીવાસ્તવ સાથે જે કંઈ કરવું હોય એ કરવાની છૂટ છે. રઘુવીરસિંહ ઝાલા સમજી ગયો કે આ રાજકારણની લડાઈ છે. પહેલી સૂચના મળી ત્યારે દર્શને એ સૂચનાનો અમલ કરવાની ના પાડેલી, રઘુવીરસિંહ ઝાલાએ એ વખતે મનોમન ગાંઠ વાળી હતી કે તે દર્શનના આ વર્તનની ફરિયાદ મિનિસ્ટરસાહેબ સુધી પહોંચાડ્યા વગર નહીં રહે. પણ તરત જ જ્યારે હોમ મિનિસ્ટરના સેક્રેટરીનો ફોન આવ્યો ત્યારે રઘુવીરસિંહને પણ ગુસ્સો આવી ગયો. ગઈ કાલે જ્યારે દર્શને તેને કહેલું કે ‘પોલીસને નોકરી મેં એટલા માટે નથી લીધી કે હાઈ કમાન્ડની સૂચનાઓ પ્રમાણે આરોપીઓને પકડતો ને છોડતો રહું.’

દર્શનના અવાજમાં ધાર નીકળી આવી હતી, ‘ઇફ શરણ ઇઝ ગિલ્ટી, શરણ વિલ બી બિહાઇન્ડ ધ બાર્સ.’ તેણે કહ્યું હતું.

રઘુવીરને તેનો જવાબ તીરની જેમ ખૂંચી

ગયો હતો...

દર્શને ધ્યાનથી જોયું. રઘુવીર ફોન પર આજનાં અખબારોની હેડલાઇન્સ તપાસી રહ્યો હતો. દર્શને જે કંઈ કહ્યું એમાં તેનું ધ્યાન નહોતું.

‘સર...’ દર્શને ફરી કહ્યું.

‘હંમ્!’ રઘુવીરે ઊંચું જોયું, ‘આ છાપાવાળા શું લઈ મંડ્યા છે?’

તેણે કહ્યું, ‘આરોપીને હીરો બનાવે છે સાલાઓ. આ જાહ્નવીબહેન કોઈ દીપિકા પાદુકોણ કે કૅટરિના કૈફ છે? છાપાવાળાએ જે ફોટો છાપ્યા છે...’ રઘુવીરથી ગાળ બોલાઈ ગઈ. દર્શનને ચહેરા પર સ્મિત આવ્યું.

‘આ ફોટો ક્યાંથી લાવ્યા હશે?’ રઘુવીરે પૂછ્યું.

‘ફેસબુક સર!’ દર્શને કહ્યું.

રઘુવીરને ઝબકારો થયો. તેણે ડોકું ધુણાવ્યું, ‘યુ આર રાઇટ.’

તેણે કહ્યું, ‘આ ફેસબુક પર મૂર્ખાની જેમ ફોટો અપલોડ કર્યા હશે બાઈએ. જુઓ તો ખરા.’ તેણે આજના ‘ગુજરાત ન્યુઝ’માં છપાયેલાં પ્રણવ અને જાહ્નવીના, શરણ અને જાહ્નવીના ફોટોગ્રાફ્સવાળું પેજ દર્શન તરફ લંબાવ્યું. ‘શરણ શ્રીવાસ્તવ જોડે રોમૅન્ટિક ફોટો છે આ ફટાકડીના!’

દર્શને એ તરફ જોયા વગર કહ્યું, ‘મેં જોઈ લીધા છે.’

પછી ઉમેર્યું, ‘છાપાં તો ઠીક છે સર, કોર્ટમાં આખું મીડિયા ભેગું થયું છે.’

‘એની માને...’ રઘુવીરને ગાળો બોલવાની ખાસી ટેવ હતી. તેણે ઉશ્કેરાટમાં કહી નાખ્યું, ‘શું રહી જાય છે તેમને? ત્યાં આવીને શું જોવાનું છે? સર્કસ.’

‘સાહેબ! અત્યારે તો એ વિચારવાનું છે કે જાહ્નવીબહેનને ઉતારીને અંદર કેવી રીતે લઈ જઈશું.’ દર્શને કહ્યું, ‘ફોટોગ્રાફર્સ, ટેલિવિઝન અને ટોળે વળેલી ભીડની વચ્ચેથી જાહ્નવીને લઈ જવી અઘરી છે...’

તેણે ધીમેથી ઉમેર્યું, ‘શરણને લઈ જવો વધારે અઘરો છે.’ દર્શનનું આ છેલ્લું વાક્ય રઘુવીર બરાબર સમજી ગયો. ગઈ કાલની સૂચના પછી દર્શનનું આ વાક્ય ઘણું સૂચક હતું. પત્રકારો અને ટેલિવિઝનના કૅમેરામેન, રિપોર્ટર્સની ભીડ... ટોળે વળેલા લોકોની ભીડની વચ્ચેથી શરણને લઈ જતી વખતે જો કોઈ ફાયરિંગ કરે તો તેને બચાવવો અઘરો થઈ પડે એ રઘુવીરને સમજાઈ ગયું. આવું થવાની શક્યતા નકારી શકાય એમ નહોતી, કારણ કે  ઑફિસમાંથી આવેલી સૂચના પછી શરણનો જીવ હવે જોખમમાં હતો એ વાત પોલીસ-જીપમાં બેઠેલા આ બન્ને ઑફિસર બરાબર સમજી ગયા હતા.

‘મને લાગે છે...’ રઘુવીરે વાક્ય અધૂરું છોડ્યું.

દર્શને પાછળ જાળીવાળી બ્લુ વૅનમાં બેઠેલા કૉન્સ્ટેબલને ફોન કર્યો, ‘મકવાણા! કોર્ટમાં બહુ ભીડ છે.’

‘જી સાહેબ.’ મકવાણાએ ફોન ઉપાડ્યો, ‘આ લોકોને જીપમાં ટ્રાન્સફર કરી દેવા છે?’ મકવાણા ચાલાક હતો. વીસ વર્ષથી પોલીસની નોકરીમાં રહીને તે ઘણું શીખ્યો હતો.

‘હંમ.’ દર્શને કહ્યું.

મકવાણાએ તરત જ આગળ ગાડી ચલાવી રહેલા ડ્રાઇવરને કહ્યું, ‘આ બે આઇટમને જીપમાં ટ્રાન્સફર કરવી પડશે.’ ડ્રાઇવર ગાડી ચલાવતાં પાછળ જોઈને હસ્યો. મકવાણાએ ઉમેર્યું, ‘આ હિરોઇનને જોવા ત્યાં ભીડ લાગી ગઈ છે.’ જાહ્નવીએ આ સાંભળ્યું. તે કંઈ બોલી નહીં. તેણે પોતાની સામે બેઠેલા શરણ તરફ જોઈને આંખો ઝુકાવી દીધી.

વૅન ઊભી રહી. આગળની પોલીસ-જીપ પણ ઊભી રહી. કૉન્સ્ટેબલે જાહ્નવીને કહ્યું, ‘ચાલો...’ જાહ્નવી ચૂપચાપ વૅનમાંથી નીચે ઊતરી.

‘હવે તમને અલગ ઇન્વિટેશન કાર્ડ આપું?’ કોન્સ્ટેબલે શરણ તરફ જોઈને કહ્યું. શરણ પણ પાછળ નીચે ઊતરી ગયો.

બન્ને જણને લઈને કૉન્સ્ટેબલે પોલીસ-જીપમાં પાછળની તરફ બેસાડી દીધાં. જીપ ચલાવી રહેલા કૉન્સ્ટેબલને પાછળ બેસવાની સૂચના આપીને દર્શન આગળ આવી ગયો. તેણે જીપનું સ્ટિયરિંગ પોતાના હાથમાં લઈ લીધું. ડ્રાઇવર-સીટ પર બેસીને એણે રિઅર વ્યુમાંથી જાહ્નવીના ચહેરા તરફ જોયું. અરીસામાં બન્નેની નજર મળી.

દર્શનને આજે સવારનો પ્રસંગ યાદ આવી ગયો. જાહ્નવીએ જે રીતે પ્રણવને સત્ય કહી દીધું એ પછી અત્યારે કોર્ટમાં શું થશે એ વિશે દર્શનના મનમાં ક્યારની અવઢવ ચાલતી હતી. તેણે રઘુવીરને આ આખાય પ્રસંગ વિશે કશું જ કહ્યું નહોતું. એવી જ રીતે જાહ્નવીએ પણ શરણને કશું કહ્યું નહોતું.

જાહ્નવીની નજર સામે આજે સવારનો પ્રસંગ જાણે ફિલ્મની જેમ દેખાવા લાગ્યો.

‘ચાલો,’ દર્શન પટેલે લૉકઅપમાં બેઠેલી જાહ્નવીને જોરથી કહ્યું. જાહ્નવી ગઈ કાલે પહેરેલાં કપડાં સાથે, વિખરાયેલા વાળ અને નિસ્તેજ ચહેરે બેઠી હતી. તેણે દર્શનનો અવાજ સાંભળીને ઊંચું જોયું.

‘કોર્ટમાં રજૂ કરવાનાં છે તમને.’ દર્શને જરા ખૂંચી જાય એવા અવાજે કહ્યું, ‘તમારા પતિદેવને આજે તમારાં પરાક્રમોની ખબર પડશે.’

જાહ્નવી કશું બોલી નહીં. તેણે દર્શન સામે જોઈને ફરી નજર ઝુકાવી દીધી.

‘તમારા ઘરેથી કપડાં આવ્યાં છે. મોઢું ધોઈને કપડાં બદલવાં હોય તો બદલી લો.’ દર્શને કહ્યું.

જાહ્નવીએ ડોકું ધુણાવીને ના પાડી.

એક પ્લાસ્ટિક બૅગમાં મૂકેલાં કપડાં દર્શને લૉકઅપનો દરવાજો ખોલીને જાહ્નવી તરફ ફેંક્યાં. હાથ લંબાવે તો બૅગ હાથમાં લઈ શકે એવી સ્થિતિમાં હોવા છતાં જાહ્નવી પોતાના બન્ને હાથ વાળેલાં ઘૂંટણની આજુબાજુ લપેટીને બેસી રહી. જાહ્નવીને જોઈને દર્શનને સાચે જ દયા આવી ગઈ. જિંદગીએ કેવો ખેલ ખેલ્યો હતો આ છોકરી સાથે. દર્શનને વિચાર આવ્યો. તેણે ઇચ્છા વિરુદ્ધ પ્રણવ સાથે લગ્ન કરવા પડ્યાં. જેને ચાહતી હતી તેની સાથે પરણી શકી નહીં. એટલું ઓછું હોય એમ હવે તેના પર ખૂનનો આરોપ છે. લૉકઅપના સળિયામાંથી દેખાતી જાહ્નવીના ચહેરા પર તેજ નહોતું, પણ ક્યાંય અપરાધ કે નબળાઈના ભાવ નહોતા! દર્શન ઘડીભર તેની સામે જોઈ રહ્યો, આ બાઈને ડર નહીં લાગતો હોય? તેને વિચાર આવ્યો. તેનું રૂપ અને તેની શાલીનતા જોઈને કોઈ માની ન શકે કે આવી બાઈ ખૂન કરી શકે! દર્શનના મગજમાં ગઈ કાલ રાતથી આ ચકરડાં ફરતાં હતાં. જાહ્નવી અને શરણનો સંબંધ તેને કોઈ રીતે સમજાતો નહોતો. એક તરફથી શરણ તેને મદદ કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતો, બીજી તરફ જાહ્નવી પણ શરણ સાથેની દોસ્તી કે પ્રણયને ખુલ્લા દિલે સ્વીકારતી હતી... પ્રણવને ખબર પડશે તો શું થશે એ વાતનો ભય જાહ્નવીના વર્તનમાં કે વાતમાં ક્યાંય દેખાતો નહોતો... દર્શન હવે સહેજ ગૂંચવાયો હતો.

તેણે જાહ્નવીને કહ્યું, ‘જરા ફ્રેશ થઈ જાઓ. તમને સારું લાગશે.’

જાહ્નવી તેના અવાજમાં આવેલો આ ફેરફાર નોંધી શકી.

‘જી.’ તેણે નજીક પડેલી બૅગ ખેંચીને એમાંથી પોતાનાં કપડાં કાઢ્યાં.

‘આમને મારી કૅબિનનો વૉશરૂમ બતાવો.’

દર્શને લૉકઅપની બહાર ઊભેલી મહિલા કૉન્સ્ટેબલને કહ્યું.

જાહ્નવી મોઢું ધોઈને કપડાં બદલીને વાળ ઓળીને બહાર આવી ત્યારે પ્રમાણમાં ઘણી સ્વસ્થ દેખાતી હતી. દર્શન પોતાની કૅબિનમાં બેસીને ફાઇલો તપાસી રહ્યો હતો.

‘શરણ...’ બાથરૂમમાંથી બહાર આવેલી જાહ્નવી આગળ ન બોલી શકી.

‘તે પણ ફ્રેશ થઈ ગયો છે.’ દર્શને કહ્યું, ‘આજે તમને બન્નેને આરોપી તરીકે રજૂ કરી દઈશ.’ પછી ઉમેર્યું, ‘તેણે સ્ટેટમેન્ટ આપી દીધું છે.’

‘એક વાત કહું?’ જાહ્નવીના અવાજમાં નમ્રતા અને વિનંતી હતાં.

દર્શને સ્મિત સાથે ઊંચું જોયું, ‘હું શરણને આમાંથી બહાર રાખી શકું એમ નથી.’

તેણે ધારી લીધું કે જાહ્નવી શરણને બચાવવાની વિનંતી કરશે.

‘ના, ના.’ જાહ્નવી સહેજ અચકાઈ, પછી તેણે કહ્યું, ‘મારે શરણની વાત નથી કરવી.’

‘તો?’ દર્શનને નવાઈ લાગી.

‘એક વાર પ્રણવ સાથે વાત કરાવશો?’ તેણે પૂછ્યું.

‘અત્યારે?’ દર્શનને નવાઈ લાગી.

‘જી.’ જાહ્નવીએ ડોકું ધુણાવ્યું. તેની આંખોમાં નાના બાળકની ઉત્સુકતા હતી. દર્શન હા જ પાડશે એવી આશા સાથે તેણે હાથ લંબાવ્યો. દર્શન સહેજ ખચકાયો, પછી તેણે કહ્યું, ‘આમ તો મારે તમને ફોન ન આપવો જોઈએ, પણ કોણ જાણે કેમ મને પ્રણવભાઈની બહુ દયા આવે છે. આજે જ્યારે તેમને ખબર પડશે ત્યારે...’

જાહ્નવીએ એની વાત અડધેથી કાપી નાખી, ‘મારે પ્રણવ સાથે એ જ વાત કરવી છે. તેને કોઈ બીજું કહે એ પહેલાં...’

‘હંમ.’ દર્શને ડોકું ધુણાવીને ડ્રૉઅરમાં પડેલો પોતાનો સેલફોન જાહ્નવી તરફ લંબાવી દીધો. પછી ઉમેર્યું, ‘અહીં જ ઊભાં રહીને વાત કરજો, પ્લીઝ.’

જાહ્નવીએ ડોકું ધુણાવીને પ્રણવનો નંબર ડાયલ કર્યો.

‘હલો.’ પ્રણવે પહેલી જ રિંગમાં ફોન ઉપાડી લીધો. તેનામાં દર્શન પટેલનો નંબર સેવ્ડ હતો એટલે તેણે કહ્યું, ‘જી ઇન્સ્પેક્ટર.’

‘હું છું.’ જાહ્નવીએ કહ્યું.

‘જાનુ!’ પ્રણવને ડૂમો ભરાઈ ગયો. જાહ્નવીનો ફોન છે એ સાંભળીને સોહમ પણ પ્રણવની નજીક આવીને ઊભો રહ્યો. ‘કેટલા ફોન કર્યા ગઈ કાલે. અમે તને ખાવાનું આપવા આવવા માગતા હતા, પણ આ...’ પછી પ્રણવે ધીમેથી પૂછ્યું, ‘ફોન સ્પીકર પર નથીને?’

જાહ્નવીએ એકાક્ષરી ઉત્તર આપ્યો, ‘ના.’ પછી તેણે ધીમેથી કહ્યું, ‘પ્રણવ, મારે...મારે તમને કંઈ કહેવું છે.’

‘બોલ...’ પ્રણવે કહ્યું.

‘જે દિવસે માનું ખૂન થયું એ દિવસે રાત્રે...’ જાહ્નવી ચૂપ થઈ ગઈ.

પ્રણવનો શ્વાસ અધ્ધર થઈ ગયો. જાહ્નવી કોણ જાણે શું કહેશે એ વિચારે તેના હૃદયની ધડકન તેજ થઈ ગઈ. તેણે જાહ્નવીને પૂછ્યું, ‘ફોન પર કહેવું પડે એટલું મહત્વનું છે?’ સોહમના કાન સરવા થઈ ગયા.

જાહ્નવી એક ક્ષણ ચૂપ રહી, પછી તેણે કહ્યું, ‘હા. આપણે કોર્ટમાં મળીએ એ પહેલાં મારે તમને આ કહેવું જોઈએ.’

તેણે ઊંડો શ્વાસ લીધો. સામેના ટેબલ પર બેઠેલો દર્શન કાગળો તરફ જોવાનો ડોળ કરતો હતો, પણ તેનું બધું જ ધ્યાન જાહ્નવીની વાતચીતમાં હતું.

જાહ્નવી ચૂપ રહી એટલે પ્રણવે કહ્યું, ‘બોલ, શું કહેવું છે તારે?’

‘આમ તો મારે તમને બહુ પહેલાં કહેવું જોઈતું હતું, પણ સમય જ ન રહ્યો.’ તેણે ફરી પ્રસ્તાવના લંબાવી.

હવે પ્રણવની ધીરજ ખૂટવાની તૈયારીમાં હતી. તેણે જરાક ઉદ્વેગ સાથે પૂછ્યું, ‘શું વાત છે જાનુ ? કહી નાખ. મને બહુ સ્ટ્રેસ થાય છે.’

પ્રણવની બાજુમાં ઊભેલા સોહમે હળવેકથી તેના ખભે હાથ મૂક્યો. પ્રણવે તેની તરફ જોયું, પછી ફોનમાં કહ્યું, ‘શું થયું છે?’

જાહ્નવીએ હતી એટલી હિંમત ભેગી કરીને કહ્યું, ‘જે રાત્રે માનું ખૂન થયું એ રાત્રે શરણ આપણા ઘરમાં હતો.’

દર્શને ટેબલ પર મૂકેલા કાગળોમાંથી નજર ઉઠાવીને જાહ્નવી તરફ જોયું. તેની નજરમાં એક વ્યંગ હતો. જાણે જાહ્નવીને કહેતો હોય કે મૂળ વાત કહેવાની હિંમત છે તારી? દર્શનની નજરનો સામનો ન કરી શકેલી જાહ્નવીએ નજર ઝુકાવી ને પછી ફોનમાં કહ્યું, ‘પ્રણવ, એ રાત્રે શરણ... આપણા ઘરમાં...’

દર્શને ફરી ઊંચું જોયું. હવે જાહ્નવીને લાગ્યું કે આ રમત પૂરી થવી જોઈએ એટલે તેણે એક જ શ્વાસમાં કહી નાખ્યું, ‘તે મારી સાથે હતો, આપણા બેડરૂમમાં.’

પ્રણવ કશું જ બોલ્યો નહીં એટલે જાહ્નવીએ આંખો મીંચીને છેલ્લું વાક્ય કહ્યું, ‘વી...વી સ્લેપ્ટ... હું... હું એ દિવસે તેની સાથે...’ અચાનક જાહ્ન્વીનું ધ્રુસકું છૂટી ગયું, ‘માફી માગવા જેવી ભૂલ નથી મારી.’

તે ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. દર્શનને એક વાર તેની હિંમત પર માન થયું. ઍટ લીસ્ટ સાચું બોલવાની હિંમત તો કરી તેણે. દર્શનને વિચાર આવ્યો. પછી તેના જ મને આ વાતનો જવાબ આપ્યો, આ તો ખબર પડી ગઈ એટલે! બાકી આરામથી ગોલ કરી ગઈ હોત આખી વાતને. બૈરાની જાત જ... તેણે સહેજ તિરસ્કારમાં ડોકું ધુણાવીને ફરી ટેબલ પર મૂકેલા કાગળો તરફ જોવા માંડ્યું. જાહ્નવી રડી રહી હતી. સામેથી શું કહેવાયું હશે એ જાણવાની દર્શનને ઉત્સુકતા થઈ પણ તે નીચું જોઈને વાત સાંભળતો રહ્યો. ત્યાં જાહ્નવીએ જ પૂછ્યું, ‘કંઈ કહો, પ્રણવ. તું ચૂપ રહીશ તો મને...’

દર્શનને સમજાયું કે પ્રણવ કશું બોલ્યો નહોતો. જાહ્નવીએ ફરી કહ્યું, ‘...પ્રણવ!’

જાહ્નવીએ શું કહ્યું હશે એ તો સોહમને સમજાયું નહીં, પણ પ્રણવના ચહેરા પર ઊડી ગયેલો રંગ જોઈને સોહમને એટલી તો ખબર પડી કે જાહ્નવીએ જે કહ્યું એ ભયાનક અને આઘાતજનક હોવું જોઈએ.

સોહમ કંઈ પૂછે એ પહેલાં પ્રણવે કહ્યું, ‘જાનુ, તે આપણા ઘરમાં હતો એની વાત તો થઈ ચૂકી છે. આપણા બેડરૂમમાં હતો...’ પ્રણવે ઊંડો શ્વાસ લીધો પછી કહ્યું, ‘એની મને ખબર નહોતી. સારું થયું તેં કહી દીધું. કોર્ટમાં અચાનક ખબર પડત તો કદાચ...’

પછી તેણે સ્વયં પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો. બને એટલા સ્વસ્થ અવાજે તેણે કહ્યું, ‘એ વાતનું હવે શું થઈ શકે? તમારી વચ્ચે જે કંઈ થયું એ હવે બદલી નહીં શકાય...’

જાહ્નવી સાંભળતી રહી.

પ્રણવે ધીમેથી કહ્યું, ‘હું તને ખોવા નથી માગતો. કોઈ પણ સંજોગોમાં.’

થોડીક ક્ષણો બન્ને તરફ ચુપકીદી છવાયેલી રહી. જાહ્નવીને સમજાયું નહીં કે તેણે શું કહેવું જોઈએ. પ્રણવ પણ સહેજ આઘાતમાં હતો. આ સાંભળીને સોહમ તો ઠરી જ ગયો. પ્રણવના મિત્ર તરીકે વિચારવાને બદલે તેનું મગજ વકીલ તરીકે વિચારવા લાગ્યું. જાહ્નવી અને શરણ એકસાથે હતાં, બેડરૂમમાં હતાં... એ જ સમયે વીરબાળા મજીઠિયાનું ખૂન થયું... આમાં બચવાના ચાન્સ ક્યાં રહ્યા? તેણે પ્રણવ સામે જોયું. તે ફોન કાને ધરીને ઊભો હતો. તેની આંખમાંથી આંસુ વહેતાં હતાં.

‘આઇ ઍમ...’ જાહ્નવીએ રડતાં-રડતાં કહ્યું, ‘સૉરી!’

પ્રણવ કંઈ જ બોલ્યો નહીં. જાહ્નવી વધુ રડવા લાગી. દર્શનને લાગ્યું કે પ્રણવે આ વાત ઉપર મગજ ગુમાવ્યું હશે. ત્યાં તો જાહ્નવી બોલી, ‘આટલા સારા ન થાઓ, પ્રણવ. તમે મને જે કહેવા માગો એ કહી શકો છો.’

સામાન્ય રીતે સંસ્કારી ભાષા બોલતી જાહ્નવીથી કહેવાઈ ગયું, ‘રાંડ... કુલટા કહી શકો છો મને, બેવફા કહી શકો છો.’

‘એનાથી શું થશે? જે થયું એ બદલાશે?’

પ્રણવની વાત સાંભળી રહેલો સોહમ પણ આર્યચકિત હતો.

‘તમે કોર્ટ નહીં આવો તો પણ મને નવાઈ નહીં લાગે.’

જાહ્નવીએ કહ્યું, ‘તમારે મને બચાવવાની કોઈ જરૂર નથી. હું મારી સજા ભોગવી લઈશ.’

‘જાહ્નવી, એ તારી નહીં આપણી સજા હશે.’ પ્રણવનું વાક્ય સાંભળીને સોહમની આંખમાં પણ પાણી આવી ગયાં, ‘જે થવાનું હતું એ બધું જ થઈ ચૂક્યું છે. હું મારી માને ખોઈ બેઠો છું.’

પ્રણવ નાના બાળકની જેમ રડી પડ્યો, ‘હવે તને ખોવાની તૈયારી નથી મારી.’

‘પ્રણવ...’ જાહ્નવી આગળ કંઈ બોલી ન શકી.

‘હું પહોંચું છું. સોહમ તને કંઈ નહીં થવા દે. તું જરાય ડરતી નહીં.’ પ્રણવે કહ્યું.

કશું જ કહ્યા વગર જાહ્નવીએ ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. દર્શનને તેનો ફોન પાછો આપતી વખતે જાહ્નવીએ બે હાથ જોડ્યા. માથું નમાવીને તે ધ્રુસકે-ધ્રુસકે રડતી રહી.

પ્રણવને સત્યની ખબર પડી ગયા પછી હવે તે શું કરશે એ વાત દર્શન માટે મોટું પ્રfનાર્થચિહ્ન બનીને ઊભી રહી હતી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK