કૅન્સર એટલે કૅન્સલ? ના... કૅન્સરને જ કૅન્સલ કરીને જીવનને ફરી પામી શકાય છે

આધુનિક ટેસ્ટ અને ટ્રીટમેન્ટ તો ફક્ત હથિયાર છે, પરંતુ કૅન્સર સામે લડવા માટે જેની જરૂર છે એ છે માણસનું આત્મબળ. જીવવાની જિજીવિષા જ્યારે પ્રબળ હોય, પોતાનામાં અને પોતાના ડૉક્ટરમાં વિશ્વાસ હોય, પરિણામ માટે સંપૂર્ણ તાકાત લગાડ્યા પછી પણ પરિણામ મેળવવાની ધીરજ હોય એ વ્યક્તિ કૅન્સર સામેનો જંગ જીતીજતી હોય છે. આ ફક્ત પોકળ વાતો નહીં, હકીકત છે એવું ત્યારે સમજાશે જ્યારે આપણે આ કૅન્સરને માતદેનારા લોકોના જીવનમાં ડોકિયું કરીશું. આજે વર્લ્ડ કૅન્સર ડે નિમિત્તે જાણીએ કેટલાક વિરલાઓની યશગાથા

cancer

જિગીષા જૈન

ભારતી શાહ, ૭૩ વર્ષ

આજથી ૧૦ વર્ષ પહેલાં ભારતીબહેનનાં એક બહેનપણી ખૂબ ગભરાયેલી હાલતમાં ભારતીબહેન પાસે આવ્યાં. તેમને કહ્યું કે ડૉક્ટરે તેમને સ્તન-કૅન્સર છે કે નહીં એ ચેક કરાવવા માટે મૅમોગ્રાફીની સલાહ આપી છે. તેમને મૅમોગ્રાફી કરાવવામાં ખૂબ બીક લાગતી હતી. ભારતીબહેને તેમને હિંમત આપી અને કહ્યું કે હું તારી સાથે આવીશ. ચિંતા કર મા. ભારતીબહેનને લાગ્યું કે આ મૅમોગ્રાફી કરાવે જ છે તો લાવ, હું પણ કરાવી લઉં. તેમણે પણ ટેસ્ટ કરાવી અને નિદાનમાં તેમની બહેનપણીને કંઈ ન નીકળ્યું, પરંતુ તેમને રાઈના દાણાથી પણ નાની એવી કૅન્સરની ગાંઠ આવી. એ સમયને યાદ કરતાં ભારતીબહેન કહે છે, ‘જોગાનુજોગ એ સમયે મારી પાસે અહીં કોઈ હતું નહીં. મારા ત્રણેય દીકરાઓ અમેરિકા હતા અને મારા પતિ પણ ઇન્ડિયાની બહાર એક ખાસ મીટિંગ માટે ગયા હતા. જો તેમને કહેત કે આવું કંઈ આવ્યું છે તો તે તેમની ખૂબ જરૂરી મીટિંગ છોડીને સીધા મારી પાસે આવી જાત, જે હું નહોતી ઇચ્છતી. સાથે-સાથે હું એ પણ નહોતી ઇચ્છતી કે તે આવે ત્યાં સુધી રાહ જોઉં. કોઈ જાતનું મોડું નહોતું થવા દેવું મારે. એટલે મેં મારા એક દીકરાને અમેરિકાથી બોલાવી લીધો. ઑપરેશન નક્કી થયું એ દિવસે સવારે મેં મારા પતિને ફોન પર કહ્યું કે આવું છે અને આજે મારું ઑપરેશન છે.’

૨૦૦૮માં તેમની પહેલી સર્જરી થઈ, જેમાં ફક્ત ગાંઠનો ભાગ દૂર કરવામાં આવ્યો હતો. એ પછી કીમો લેવાની હતી. આ સમય ખૂબ કઠિન હતો એવું જણાવતાં ભારતીબહેન કહે છે, ‘કીમો અને એની સાઇડ-ઇફેક્ટ વિશે એટલું સાંભળ્યું હતું કે હું ખૂબ જ ગભરાયેલી હતી. કઈ રીતે સહન કરીશ આ બધું એ સમજાતું નહોતું. આ સમયે તમને ઘણી હિંમતની જરૂર હોય છે. એ હિંમત તમને તમારા ડૉક્ટર આપે છે. મને ડૉ. બોમન ધાબરે ઘણી રિલૅક્સ કરી હતી. ચિંતાઓને હટાવીને તાકાતથી આ પરિસ્થિતિનો સામનો કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દવાઓ એની મેળે કામ નહીં કરે. તમે મનથી દૃઢ થાઓ કે મારે ઠીક થવું જ છે તો દવાઓ પણ કામ કરશે અને ઇલાજ લેખે લાગશે. ચિંતા અને હતાશા રાખશો તો હું ગમે તેટલો સારો ઇલાજ કરીશ, પણ તમે ઠીક નહીં થઈ શકો. આ શબ્દોએ જાણે કે મારા પર ગજબ અસર કરી અને મને થયું હતું કે બસ, હવે લડી લઈએ.’

૨૦૧૦માં ફરીથી રેગ્યુલર ચેકઅપમાં એ જ જગ્યાએ કૅન્સરની ગતિવિધિઓ શરૂ થયેલી દેખાઈ. એટલે ભારતીબહેનને ફરીથી સર્જરી કરાવવી પડી. એ સર્જરી પછીથી એ સંપૂર્ણ ઠીક થયાં છે. તેમને કોઈ જ તકલીફ નથી. છેલ્લાં ૮ વર્ષથી તે સતત કાર્યશીલ છે, આખી દુનિયામાં ટ્રાવેલ કરે છે અને જીવન સુખેથી જીવે છે.

આ કૅન્સર સામેની લડતે ભારતીબહેનને ઘણું શીખવ્યું અને પોતાના અનુભવના બળ પર તેમને થયું કે બીજા અઢળક દરદીઓને મારે મદદ કરવી જ જોઈએ. એમ. કે. ધાબર કૅન્સર ફાઉન્ડેશન નામના NGOમાં તેઓ જોડાયાં છે. ફક્ત આર્થિક રીતે જ નહીં, શારીરિક અને માનસિક રીતે પણ તેઓ આ ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. જેટલા પણ કૅન્સરના દરદીઓ છે તેમનામાં કૅન્સર સામે લડવાનો વિશ્વાસ જગાવવાનું કામ ભારતીબહેને પોતાના હાથમાં લીધું છે. ભારતીબહેન કહે છે, ‘હું લોકોને મળું છું અને કહું છું, જુઓ મને. હું ખુદ જીવતું જાગતું ઉદાહરણ છું જે બતાવે છે કે કૅન્સર પછી પણ જીવન શક્ય છે. એટલે નિરાશ ન થાઓ. હિંમત રાખો તો ફતેહ મળશે.’

ગૌરવ સરવૈયા, ૨૪ વર્ષ


ગૌરવ જ્યારે ૧૬-૧૭ વર્ષનો હતો ત્યારે તે સતત ફરિયાદ કરતો હતો કે તેને પેટમાં દુખે છે. ઘણી તપાસ કરાવી, ઇલાજ ચાલ્યા. થોડા દિવસ ઠીક રહે, પછી તબિયત બગડે. આમ ને આમ વીસમા વર્ષ સુધી ચાલ્યું. ૨૦ વર્ષે તેને સખત તાવ આવી જતો. ૧૦૩-૧૦૪ ડિગ્રી સુધીનો તાવ, પેટમાં ખૂબ દુખે અને વજન સાવ ઘટતું જ જાય. ડૉક્ટર્સને પહેલાં લાગ્યું કે ટીબી હોઈ શકે છે. એક મહિનો ટીબીની ટેસ્ટ અને દવાઓ બધું ચાલ્યું, પણ કંઈ ફરક જ ન પડ્યો. આ હાલતમાં ત્રણેક વાર તેને હૉસ્પિટલમાં દાખલ પણ થવું પડ્યું. શરૂઆતમાં કોઈ ડૉક્ટરને લાગ્યું નહીં કે કૅન્સર હોઈ શકે, કારણ કે ગૌરવની ઉંમર ઘણી નાની હતી અને તેના પરિવારમાં કોઈને જ કૅન્સર જેવો રોગ થયો નહોતો. બીજી શક્યતાઓ બધી તપાસી લીધા પછી ડૉક્ટરની આખી પૅનલ હતી જેમણે એ નિર્ણય લીધો કે છેલ્લે સ્કૅન જ કરાવવું પડશે. સ્કૅન કરાવ્યું એમાં ખબર પડી કે ગૌરવને પેટમાં કૅન્સર હતું. નાભિની આજુબાજુ લિવરની નજીક ૧૦-૧૨ નાની-નાની ગાંઠ હતી. પેટના કૅન્સરનું નામ પડતાં જ લોકોના હાંજા ગગડી જાય છે, કારણ કે આ એક એવું કૅન્સર છે જે સરળતાથી જતું નથી. વળી ગૌરવને ૧૦-૧૨ નાની ગાંઠ હતી, જેને સર્જરીથી હટાવી શકાય એમ નહોતી. ઘણા ડૉક્ટરે ગૌરવના પેરન્ટ્સને જણાવ્યું કે બચે એવું લાગતું નથી. પછી જોઈએ. ઇલાજ શરૂ કરો.

સર્જરી કરી શકાય એમ નહોતી એટલે ગૌરવને કીમોથેરપી આપવાનું શરૂ થયું. એ વિશે વાત કરતાં ગૌરવ કહે છે, ‘જીવનની શરૂઆતમાં આવા દિવસો જોવા પડશે એ નહોતું વિચાર્યું, પરંતુ એક વસ્તુ મગજમાં હતી કે જે કંઈ થયું છે એને હવે મારે સ્વીકારીને આગળ વધવાનું છે. મારો પરિવાર મારી શક્તિ બનીને મારી સાથે હતો. મને એ એક પણ મિનિટ કોઈ એકલું ન મૂકતું. આ સમયે એ ખૂબ જ જરૂરી છે. જો એમ લાગે કે આ તકલીફમાં આપણે એકલા છીએ તો એ સહન કરવું અઘરું બની જતું હોય છે. વળી એકલા પડવાથી નકારાત્મક વિચારો આવ્યા કરે છે. સારા લોકો જો આસપાસ જ રહે તો એ ન થાય. ડૉ. નિર્મલ રાઉત જેવા કાબિલ ડૉક્ટરનો સાથ હતો. તેમણે બાંહેધરી આપી હતી કે ગભરાવાની જરૂર નથી. આપણે પૂરી કોશિશ કરીશું. હવે મારે જ હિંમત રાખવાની હતી. મારા પરિવારની હિંમત હું તૂટવા ન દઈ શકું એમ વિચારીને જ હું કીમો માટે તૈયાર થયો હતો.’

ગૌરવની કીમોમાં ઘણી તકલીફો આવી. તેની નસો સુકાઈ જતી અને એને કારણે દવા એમાંથી પસાર ન થતી. આ પ્રૉબ્લેમ દૂર કરવા માટે જ્યારે કીમો પોર્ટ લગાવ્યો ત્યારે એમાં ઇન્ફેક્શન થઈ જતું હતું. ઇન્ફેક્શન થાય એટલે તાવ આવી જાય અને તાવ આવે ત્યારે કીમો ન અપાય. આમ ૭ મહિનાની કીમો ૯ મહિના સુધી ચાલી. ગૌરવનો પરિવાર વિરારમાં રહે છે અને ઇલાજ ઘાટકોપરમાં ચાલ્યો. લાંબું ટ્રાવેલિંગ, વારંવાર ન જવું પડે એટલે સગાંવહાલાંઓના ઘરે રોકાવાનું એ બધું પણ કક્ટ હતું; પણ હેમખેમ એમાંથી પાર ઊતર્યા.

આજે ૪ વર્ષ પછી ગૌરવ સંપૂર્ણ સ્વસ્થ છે. કીમો વખતે ૩૨ કિલો વજન થઈ ગયું હતું એ આજે ૬૨ કિલો છે. કીમો પછી તેણે તેનું ભણવાનું પૂરું કર્યું અને આજે પિતા પરેશ સરવૈયાના ઑટોમોબાઇલ એજન્સીના બિઝનેસમાં જોડાઈ ગયો છે. દરરોજ ઑફિસ જાય છે અને કામ કરે છે. તેને જોઈને કોઈ નથી કહી શકતું કે ગૌરવ એક સમયે કેટલી મોટી તકલીફમાં હતો. આજે ગૌરવ માને છે કે કૅન્સરે તેને નબળાઈ નથી આપી ઊલટો વધુ સ્ટ્રૉન્ગ બનાવ્યો છે. નાની ઉંમરમાં જીવનમાં મળેલા આ અનુભવે તેને વધુ સહનશીલતા શીખવી છે અને મોટામાં મોટી તકલીફ સામે લડવાનું સાહસ પણ આપ્યું છે.

દીપક પારેખ, ૫૩ વર્ષ

એક માનસિક અને શારીરિક રીતે નબળી વ્યક્તિ તરીકે દીપકભાઈનું ભરણપોષણ પરિવારના ભરોસે ચાલી રહ્યું હતું. દીપકભાઈનાં ફેફસાં નબળાં હતાં અને એમાં પાણી ભરાવાનો પ્રૉબ્લેમ હતો, જેનો ઇલાજ વર્ષોથી ચાલતો હતો. દીપકભાઈનાં પત્ની છે, જે સાંભળી શકતાં નથી. તેમનો એક પુત્ર પણ છે, જે હાલમાં હૅન્ડિકેપની સ્કૂલમાંથી SSC પાસ કરીને કામધંધે લાગ્યો છે; કારણ કે તે પણ માનસિક રીતે થોડો નબળો છે. આવા પરિવારમાં જ્યાં દરેક પરિસ્થિતિ સંઘર્ષપૂર્ણ જ રહી હોય ત્યાં કૅન્સરનું આવવું એ કુદરતનો કોપ જ ગણાય. પરંતુ ત્રણ વર્ષ પહેલાં એ કોપ વરસ્યો અને કૅન્સર આવ્યું.

દીપકભાઈને સોપારી ખાવાની આદત હતી અને એને કારણે તેમના દાંત ખરાબ થઈ રહ્યા હતા. દાંતના ડૉક્ટરને બતાવવા ગયા ત્યારે ડૉક્ટરે તપાસીને કહ્યું કે તેમના ગાલમાં કોઈ તકલીફ દેખાઈ રહી છે. તમે તપાસ કરાવો. બાયોપ્સી કરાવી ત્યારે ખબર પડી કે મોઢાનું કૅન્સર થયું છે. આ પરિસ્થિતિમાં દીપકભાઈને ઇલાજ માટે સર્જરી કરાવવી પડે એમ હતી. જ્યારે સર્જરી માટે તેમને ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવતા હતા ત્યારે ઑલરેડી તેમનાં ફેફસાં નબળાં હોવાને કારણે રિસ્ક ઘણું વધારે હતું. ડૉક્ટરે કહ્યું હતું કે તેમના બચવાની શક્યતા ૫૦ ટકા છે. મૃત્યુનું રિસ્ક પણ એની સાથે સમજાય એમ ૫૦ ટકા જેટલું હતું. પરંતુ અંતે જીવનની શક્યતા જીતી.

દીપકભાઈના ભાઈ શૈલેશભાઈ, જેઓ દીપકભાઈની અને તેમના પરિવારની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે તેઓ આ સમયને યાદ કરીને કહે છે, ‘ખૂબ અઘરું હતું એ ફૉર્મ પર સાઇન કરવાનું જેના પર લખ્યું હતું કે મારા ભાઈના બચવાની શક્યતા ૫૦ ટકા જેટલી જ છે. પરંતુ ડૉ. મેઘલ સંઘવીએ તેને બચાવી લીધો. આજના સમયમાં જ્યાં ડૉક્ટર્સ પાસે સમય નથી હોતો ત્યાં તેમણે દીપકની ઓછું સાંભળતી પત્નીને સમય કાઢીને ધીરજપૂવર્ક  સમજાવ્યું કે દીપકનું ઑપરેશન કેમ જરૂરી છે. અમારી પાસે પૈસા નહોતા તો અમને રેડિયેશન સસ્તામાં થાય એવી જગ્યાએ મોકલ્યા. ઇલાજ પછી આજે દીપક સ્વસ્થ છે. ખાઈ-પી શકે છે. હસી શકે છે. તેઓ પોતાના અનોખા સંસારમાં ઘણા ખુશ છે.’

દીપકભાઈને ક્યારેક તમાકુ અને સોપારીની આદત હતી. તેમના પિતાજીને તમાકુની ખૂબ આદત હતી. શૈલેશભાઈ કહે છે, ‘પિતાજીને તમાકુ છોડાવવા માટે અમે ખૂબ લડ્યા છીએ, પરંતુ તેમને તમાકુએ હાનિ ન પહોંચાડી. જોકે વ્યસન કોઈને છોડતું નથી, તેમને નહીં તો તેમના દીકરાને ભરખી ગયું. મારા ભાઈને તો ક્યારેક જ ખાવાની આદત હતી, પરંતુ શરીરથી સાવ નબળો એટલે વધુ અસર કરી ગયું હશે. કૅન્સર એક એવી તકલીફ છે જે કોઈને ન આવે ત્યાં સુધી સારું, પણ જો આવે તો એની સામે લડ્યે પાર. જોકે આ લડત સહેલી નથી. ઘણા લોકો કહે છે કે તમે આ સમયમાં તમારા ભાઈ માટે કેમ આટલું કરો છો? પણ મને લાગે છે કે મારે કરવું જોઈએ. જ્યાં સુધી કરી શકીશ ચોક્કસ કરીશ.’

આ બાબતે દીપકભાઈ કહે છે, ‘મને એ એહસાસ છે કે મારી કેટલી જવાબદારીઓ મારા પરિવાર પર આવી પડી છે. એટલી સમજણ તો આવી છે હવે કે તમાકુને હાથ ન જ લગાડવો. એને કારણે મને કૅન્સર થયું કે નહીં એ તો નથી જાણતો, પરંતુ હવે વધુ તકલીફ નથી ભોગવવા ઇચ્છતો કે નથી મારા પરિવારને આપવા માગતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK