નાણેઘાટ : જગ્યા ભલે ઓછી જાણીતી હોય, પણ ઐતિહાસિક દૃષ્ટિએ એનું મહત્વ અત્યંત છે

‘ચંદ્રહાસભાઈ, આ આવડો મોટો પથ્થરનો ઘડો અહીં શું કરે છે?’

ghat1

અતુલ્ય ભારત - ચંદ્રહાસ હાલાઈ

‘ચંદ્રહાસભાઈ, આ આવડો મોટો પથ્થરનો ઘડો અહીં શું કરે છે?’

સાહસિક સફરના શોખીન મારા મિત્ર અશોક ભાનુશાલીએ મને પૂછ્યું.

‘અશોકભાઈ, આ એક ૨૨૦૦ વર્ષ જૂનો વ્યાપારિક મહામાર્ગ છે, જે ડક્કન પઠારના જુન્નરને (પુણે જિલ્લો) સમુદ્ર સપાટી પરના ઉત્તર કોંકણના કલ્યાણ શહેર સાથે જોડે છે. નાણેઘાટ (મુંબઈથી ૧૬૦ કિલોમીટર પૂર્વમાં અને પુણેથી ૧૨૦ કિલોમીટર ઉત્તરે) આ વ્યાપારિક મહામાર્ગ પર જકાતનાકું હતું.

આવતા-જતા વેપારીઓ કર ચૂકવવા માટે આ પથ્થરમાંથી કંડારેલા ઘડામાં ચાંદીના સિક્કાઓ નાખતા હતા એટલે જ તો આ ઘાટનું નામ નાણેઘાટ પડ્યું હતું. આજે સ્થાનિક લોકો આ ઘડાને જકાતી ચા રંજન કહે છે. કલ્યાણ થઈને વહેતી ઉલ્હાસ નદી પર ત્યાં એક પ્રાચીન બંદર છે.

ઉલ્હાસ નદીનું મુખ સુપારા (આજનું નાલાસોપારા) પાસે છે. સુપારા હજારો વર્ષો જૂનું પ્રાચીન બંદર છે, જ્યાંથી સમુદ્ર માર્ગે પશ્ચિમના દેશો જોડે વ્યાપાર થતો હતો.’

નાણેઘાટ એ એક બહુ ઓછી જાણીતી જગ્યા છે. એમાં પણ બહુ જૂજ લોકો એનું ઐતિહાસિક મહત્વ જાણે છે. એટલે જ ગયા ચોમાસાના એક દિવસે જ્યારે અશોકભાઈએ મને જણાવ્યું કે આવતા રવિવારે આપણું ટ્રેકિંગ ગ્રુપ નાણેઘાટ જવાનું છે ત્યારે હું ખૂબ ઉત્સાહિત થઈ ગયો હતો.

નક્કી કર્યા મુજબ રવિવારે વહેલી સવારે અમારું ટ્રેકિંગ ગ્રુપ અશોકભાઈની ગાડીમાં નાણેઘાટ જવા ઊપડ્યું. કલ્યાણ પહોંચી અમે અહમદનગરનો રસ્તો પકડ્યો. થોડો વખત રહીને અમે ઉલ્હાસ નદી પરના પુલને ઓળંગ્યો ત્યારે મને નીચે નદીમાં તરતી નૌકાઓ નજરે ચડી. તરત મારા મનમાં વિચાર આવ્યો કે બે હજાર વર્ષ પહેલાં પણ વેપારીઓ જહાજમાં આ રીતે સામાન લાદીને અહીંથી દૂર દેશોમાં મોકલતા હતા. પળવારમાં જાણે કે હજારો વર્ષોની સફર ખેડીને આવ્યો હોઉં એવી અનુભૂતિ થઈ. 

મુરબાડની દિશામાં આગળ વધતા રસ્તાની આજુબાજુ લીલોતરી વધતી ગઈ. મોસમ ખુશનુમા થતી ગઈ. વચ્ચે ક્યારેક ઝરમર વરસાદ વરસતો હતો. મુરબાડ વટાવ્યા પછી લીલોતરી અને વનરાજી વધુ ગીચ થતી ગઈ. અમને દૂરથી માલશેજ ઘાટ અને નાણેઘાટની સુંદર ટેકરીઓ દેખાવા લાગી. રસ્તાની બન્ને બાજુએ ખળખળ કરતાં ઝરણાં વહેતાં હતાં. સુંદર નઝારો માણતાં થોડી વારમાં અમે વૈશાખરે ગામ પહોંચી ગયા. અહીંથી માલશેજ ઘાટ શરૂ થાય છે. થોડા જ સમયમાં અમે નાણેઘાટની તળેટીએ પહોંચી ગયા. અહીં એક મોટા પાટિયા પર સૂચના લખેલી છે કે આ ૨૨૦૦ વર્ષ જૂનો વ્યાપારિક માર્ગ છે.

ghat\

અહીંથી શરૂ થયો અમારો નાણેઘાટનો ટ્રેક. ગીચ વનરાજીમાંથી પસાર થતી પગદંડી પર અમે ચાલતા ગયા. થોડોક હળવો વરસાદ પડતો હતો. અહીંની પ્રદૂષણરહિત હવા અમે માણતા હતા. રસ્તામાં આવતાં બે-ત્રણ ખળખળ વહેતાં નાનાં ઝરણાં અમે ઓળંગ્યાં. થોડું અંતર કાપ્યા પછી રસ્તામાં થોડોક ચડાવ આવ્યો. આ ચડાવ પછી અમે એક પઠાર પર પહોંચ્યા. અહીંથી અમને નાણેઘાટની ટેકરીનાં ખૂબ સુંદર દર્શન થયાં. આ પઠાર પરથી નાણેઘાટની ટેકરી ચડવા માટે પગથિયાંઓ બનાવેલાં છે. આ પગથિયાંઓ તમને ટોચ સુધી લઈ જશે. નીચેની ખાઈનો સુંદર નઝારો માણતાં અમે દાદરો ચડતા ગયા. યાત્રીઓની તરસને સંતોષવા અહીં ટોચની થોડીક નીચે ૨૦૦૦ વર્ષ પહેલાં સાતવાહન વંશના રાજપરિવારના સદસ્યોએ પાણીની ટાંકીઓ બનાવેલી. ટાંકી પાસે થોડો આરામ કરી અમે ફરી ઉપર ચડવા લાગ્યા. થોડી વારે અમે ટોચ પર પહોંચી ગયા. અહીંથી ખૂબ દૂર સુધી નીચેની ખાઈનો ખૂબ જ સુંદર નઝારો તમને જોવા મળશે.

અહીં ટોચ પર અમે પથ્થરને ચીરીને, કંડારીને બનાવેલી ગુફાઓ જોઈ. અહીં એક મુખ્ય ગુફા છે. યાત્રીઓને બારેમાસ પાણી મળી રહે એને માટે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકે એવી ટાંકીઓ પણ કંડારેલી છે. અમે મુખ્ય ગુફાની અંદર ગયા. મુખ્ય ગુફાની દીવાલો પર શિલાલેખો છે.

મારા મિત્ર મંગલ ભાનુશાલીએ મને પૂછ્યું, ‘ભાઈ, આ શિલાલેખ કઈ ભાષામાં લખેલો છે?’

મંગલભાઈ સમાજસેવક અને ઘાટકોપરના ભૂતપૂર્વ નગરસેવક છે.

‘મંગલભાઈ, આ બ્રાહ્મી લિપિમાં સંસ્કૃત ભાષા છે.’

પર્વતારોહણની તાલીમ આપનાર મારાં મિત્ર પુષ્પા પટેલે મને પૂછ્યું, ‘ચંદ્રહાસ, અહીં શું લખેલું છે?’

‘પુષ્પાબહેન, અહીં આપણા દેશના ઇતિહાસની અતિ મહત્વની માહિતી કંડારેલી છે.’

મારા મિત્રોએ મને આને વિશે સવિસ્તર વાત કરવાનું કહ્યું,

‘ઘાટને પસાર કરીને તેની પેલી પાર ચા-નાસ્તો કરતી વખતે માંડીને આની વાત કરું છું.’

અહીં પથ્થરને ચીરીને એક રસ્તો બનાવ્યો છે. આ રસ્તો પાર કરીને અમે ડક્કન પઠાર પર પહોંચી ગયા. અહીં અમને આ લેખની શરૂઆતમાં જણાવ્યું છે એ પથ્થરનો ઘડો દેખાય છે. ખુશનુમા વાતાવરણવાળી બહુ સુંદર જગ્યા છે. અહીંથી બેત્રણ કિલોમીટર દૂર અમને એક સુંદર ટેકરી નજરે ચડે છે. આ ટેકરીની ટોચે જીવધન કિલ્લો છે. એક નાનકડી હોટેલમાં અમે ચા અને નાસ્તા માટે બેઠાં.

‘ચંદ્રહાસ, હવે અમને શિલાલેખની વાત કહે.’ પુષ્પાબહેને મને વિનંતી કરી.

મૌર્ય વંશની સત્તાનું પતન થતાં મધ્ય ભારતમાં સાતવાહન વંશના રાજનો ઉદય થાય છે. લગભગ ઈસવી સન પૂર્વે બીજી સદીથી લઈને ત્રીજી સદી ઈસવી સુધી મધ્ય ભારતમાં (આજનાં મહારાષ્ટ્ર, તેલંગણ, આંધ્ર પ્રદેશ, ઉત્તર કર્ણાટક, દક્ષિણ મધ્ય પ્રદેશ અને દક્ષિણ ગુજરાત) રાજ હતું. પુરાણોમાં સાતવાહન રાજાઓને આંધ્ર ભૃત્ય (એટલે કે આંધ્ર દેશના સેવક) તરીકે ઓળખાવ્યા છે. આજના આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યનો પાયો સાતવાહન વંશે મૂક્યો હતો.

આપણા દેશમાં જ્યારે વિવાહ થાય છે ત્યારે ફક્ત બે વ્યક્તિનું મિલન નથી થતું, પણ બે પરિવાર સાથે આવે છે અને એકબીજાનાં સુખ-દુ:ખમાં સહભાગી થાય છે. પ્રાચીન કાળમાં જ્યારે બે રાજ પરિવાર વિવાહના બંધનમાં બંધાતા ત્યારે બે રાજ્યો એકમેક સાથે જોડાતાં. આવા જ એક વિવાહના બંધને ફક્ત બે રાજ્યો નહીં, પણ પૂરા દેશનો ઉદ્ધાર કરી નાખ્યો હતો.

લગભગ ૨૧૦૦ વર્ષ પહેલાં આજના ઉત્તર મહારાષ્ટ્રમાં મહારથી કુળનું રાજ હતું. મહારથી એટલે રથ પર સવાર થઈને લડતા મહાન યોદ્ધા. મહારથી શબ્દના અપભ્રંશથી આપણને મરાઠી શબ્દ મળ્યો છે. મહારથી લોકોની ભાષા પ્રાકૃત હતી. જૂની મરાઠી ભાષાની ઉત્ક્રાન્તિ પ્રાકૃતમાંથી થઈ છે. મહારથી રાજ્યના નાગરિકો પોતાને મહારાષ્ટ્રી કહેવડાવતા. આમાંથી આપણા રાજ્યનું અર્વાચીન નામ મહારાષ્ટ્ર પડ્યું.

સાતવાહન રાજા સાતકર્ણી I (પહેલો) (રાજ્યકાળ - ઈસવી પૂર્વે ૭૦-૬૦) મહારથી કુળના રાજા ત્રણકાયિરાની સુપુત્રી રાજકુમારી નાગનિકાદેવીને પરણ્યો હતો. આ વિવાહના બંધનથી સાતવાહનો વધુ બળવાન થયા અને તેમના રાજ્યની સીમાઓ ચહુ દિશાઓમાં ફેલાઈ. સાતવાહન વંશની શરૂઆતના કાળની રાજધાની પ્રતિષ્ઠાન (આજનું પૈઠણ, જિલ્લો ઔરંગાબાદ) શહેર હતું. પછી તેમણે પોતાની રાજધાની અમરાવતી (આજના આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લામાં) ખસેડી હતી.

સાતવાહન વંશે મધ્ય ભારતમાં ૩૦૦ વર્ષ સુધી રાજનૈતિક સ્થિરતા પ્રદાન કરી હતી. આ રાજનૈતિક સ્થિરતા અને સુરક્ષાએ વેપાર અને ધંધાને પ્રોત્સાહન આપ્યું હતું. પ્રજાજન અને નાગરિકોને સંપન્ન અને સમૃદ્ધ કર્યા હતા. આથી કલા, સાહિત્ય અને સંસ્કૃતિનો વિકાસ થયો. વિદેશોમાં ભારતીય ચીજોની, માલસામાનની, રેશમ, કાપડ, મરી-મસાલાની અને કલાકૃતિઓની માગ વધતી ગઈ. પહેલી સદી ઈસવીના રોમન સામ્રાજ્યના વિચારક, પ્રકૃતિપ્રેમી, સેનાનાયક પ્લાયનીએ લખ્યું છે કે રોમન સામ્રાજ્યમાં ભારતીય ચીજોની એટલી માંગ છે કે એને ખરીદવા રોમનો પોતાનું તમામ સોનું અને ચાંદી ખર્ચી નાખે છે. આને લીધે તેમને સિક્કાઓ પાડવા ટંકશાળમાં સોના અને ચાંદીની સખત ખેંચ પડતી હતી. આ કારણસર જ ભારત દેશને સોને કી ચીડિયા કહેવામાં આવતો હતો.

બીજી સદી ઈસવીમાં ટોલેમી નામનો ગ્રીક ભૂગોળવેત્તા, જે રોમન સામ્રાજ્યનો નાગરિક હતો, તેણે ભારતનો પ્રવાસ કર્યો હતો અને તેનાં લખાણોમાંથી આપણને સાતવાહન રાજ્યની ખૂબ માહિતી મળે છે. ટોલેમી નાણેઘાટ પણ આવ્યો હતો. તે કહે છે કે પથ્થરના આ ઘડામાં ચાંદીના એટલાબધા સિક્કા નાખવામાં આવ્યા હતા કે એમાંથી સિક્કાઓ ઊભરાઈને છલકાઈ ગયા. જાણે કે ચાંદીની કોઈ નદી વહેતી હોય.

રાણી નાગનિકા દેવીએ યાત્રી અને વેપારીઓના આરામ માટે અહીં ગુફાઓ કોતરાવી અને પાણીની ટાંકીઓ બનાવી હતી. અહીંના શિલાલેખમાંથી આપણને સાતવાહન વંશની અતિ મહત્વની માહિતી મળે છે. આ શિલાલેખમાં રાજ દંપતીએ - રાજા સાતકર્ણી અને રાણી નાગનિકા દેવીએ કરેલા યજ્ઞોની (જેમ કે અશ્વમેધ, રાજસૂય વગેરે) અને યજ્ઞો વખતે કરેલાં દાન અને ભેટની સૂચિઓ મળે છે. મુખ્ય ગુફાની એક દીવાલ પર રાજ પરિવારના સદસ્યોની મૂર્તિઓ કંડારેલી હતી, જે હવે નક્ટ થઈ ગઈ છે. અહીંની ગુફાઓમાં ૧૫૦ વર્ષ પહેલાં ચાંદીના બે પ્રાચીન સિક્કાઓ પણ મળી આવ્યા હતા. આ બે સિક્કાઓ નાગનિકા દેવીના નામે પાડવામાં આવ્યા હતા. રાણીના નામે સિક્કા પડાવ્યા હોય એવું આખા વિશ્વમાં આ પહેલું દૃક્ટાંત છે.

આ શિલાલેખનું હજી એક અતિ મહત્વનું પાસું છે. એક એવી મહત્વની શોધ; જેણે વિજ્ઞાનમાં, એન્જિનિયરિંગમાં, સ્થાપત્યમાં, વ્યાપાર-વાણિજ્ય વગેરેમાં ક્રાન્તિ લાવી દીધી એનો સૌથી જૂનો પુરાતãત્વક પુરાવો છે. અને એ શોધ છે ભારત દેશની આખા વિશ્વને બહુમૂલ ભેટ - દશાંશ સંખ્યા પદ્ધતિ. શિલાલેખમાં દાન અને ભેટમાં આપેલી વસ્તુઓની સંખ્યા બ્રાહ્મી સંખ્યાઓમાં આલેખી છે. દશાંશ ગણતરી પદ્ધતિની ઉત્ક્રાન્તિનો આ એક સૌથી જૂનો પુરાતãત્વક પુરાવો છે.

જુન્નરથી તમે તમારું વાહન નાણેઘાટની ટેકરીની કિનાર સુધી લઈ જઈ શકો છો.

મુંબઈ નજીકની આ જગ્યા ભલે ઓછી જાણીતી હોય, પણ ઐતિહાસિક દૃષ્ટિએ એનું મહત્વ અત્યંત છે.

- તસવીરો : ચંદ્રહાસ હાલાઈ

(આ વિભાગ દર ૧૫દિવસે પ્રગટ થાય છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK