સલામ કરો, નમન કરો જપાનના માણસોને

તમે કોઈ ઍડ્રેસ પૂછો તો પોતાનું કામ પડતું મૂકીને, ક્યાંક જતા હોય તો દિશા બદલીને પણ તમને મદદ કરે

japan1

ઑફબીટ ટ્રાવેલર - કવિતા વખારિયા-થાવાણી

શું છે જપાનનો આત્મા ?

ગયા રવિવારે આ સવાલ સાથે આપણે છૂટા પડેલા.

જપાનનો આત્મા છે એના માણસો. યસ, ત્યાંના લોકો. જપાનના માણસો ડિફરન્ટ છે, કઈ રીતે ડિફરન્ટ છે એ જોવા-જાણવા તમારે જાતઅનુભવ કરવો પડે.

જપાનના માણસો વિશે આવો અભિપ્રાય આપનારી હું કંઈ પહેલી નથી. જપાનના માણસો કેટલા પ્રામાણિક છે, બાળકો કેટલાં નમ્ર અને શિષ્ટ છે તથા મોટા થઈને પારંપરિક અને નૈતિક મૂલ્યોની કેવી જાળવણી કરે છે એના વિશે ઘણુંબધું લખાયું છે.

જોકે જપાનના લોકો વિશે તમે ભલે જેટલું પણ વાંચ્યું હોય કે સાંભળ્યું હોય... તમે ત્યાં જાઓ અને તમને જે રિયલ અનુભવો થાય એની તોલે કંઈ ન આવે.

હું માનું છું કે જપાનમાં સૌથી સુંદર જે છે, અથવા એમ કહો કે જપાનને જે સુંદર બનાવે છે એ છે ત્યાં ડગલ ને પગલે ધબકતી માણસાઈ. રસ્તા પર, મેટ્રો ટ્રેનમાં, મૉલમાં - પછી એ બિઝી ટોક્યો હોય કે સેન્ટ્રલ જપાનના અંતરિયાળ વિસ્તારનું કોઈ નગર - દરેક વ્યક્તિ મદદગાર છે, તમને હેલ્પ કરવા તત્પર હોય છે.

દાખલા તરીકે જપાનમાં તમને લૅન્ગ્વેજનો પ્રૉબ્લેમ આવે છે, કેટલાક લોકો ઇંગ્લિશ બોલે છે, અને એ પણ ટોક્યોમાં. બીજાં શહેરોમાં આ સંખ્યા ઘટતી જાય. જોકે અમારા ૧૩ દિવસના પ્રવાસમાં અમે મોબાઇલમાં ડાઉનલોડ કરી રાખેલી ગૂગલ ટ્રાન્સલેટ ઍપ વાપરવાની એકેય વાર જરૂર ન પડી, એનું કારણ એ છે કે તમારે મદદ માટે રસ્તે ચાલતી કોઈ પણ જૅપનીઝ વ્યક્તિને બસ ઊભી જ રાખવાની હોય છે. જો તે તમારા ચહેરા પર મોટો ક્વેન-માર્ક જોશે તો પોતાનું બધું કામ છોડીને, પોતે જ્યાં જતી હોય એ દિશા બદલીને તમને મદદ કરવા આવી જાય.

એક ઉદાહરણ આપું. ટોક્યોના હારાજુકા નામના સબર્બમાં હાઈ-એન્ડ શૂઝનો એક સ્ટોર છે. હું એમાં શૂઝ જોવા ગઈ અને પછી એક અટેન્ડન્ટને એવી કોઈ દુકાન સજેસ્ટ કરવાનું કહ્યું જ્યાં વાજબી ભાવે શૂઝ મળતાં હોય. પોતાનો બિઝનેસ જતો હોવા છતાં આ સવાલ સાંભળીને તેની આંખોમાં ચમક આવી ગઈ. તેણે ઉત્સાહિત થઈને મને જૅપનીઝ ભાષા અને સાઇન લૅન્ગ્વેજના મિશ્રણ દ્વારા ક્યાં જવું એ સમજાવવાની કોશિશ કરી. મને સમજાયું કે તે તાકેશિતા સ્ટ્રીટની વાત કરી રહી છે જે ટીનેજ ફૅશનની ક્રેઝી સ્ટ્રીટ ગણાય છે. જોકે મને એ ન સમજાયું કે ત્યાં કેવી રીતે જવાય. એ છોકરી દુકાનમાં સૌથી સિનિયર હતી છતાં કાઉન્ટર છોડીને મને રસ્તો દેખાડવા આવી અને દૂરથી તાકેશિતા સ્ટ્રીટ દેખાય નહીં ત્યાં સુધી મારી સાથે આવી.

આવું કોણ કરે?


આ તો એક જ ઉદાહરણ છે. મદદગાર લોકોના, આઉટ ઑફ ધ વે જઈને હેલ્પ કરનારા લોકોના બીજા ઘણા અનુભવો અમને થયા.

ક્યોટોની એ વરસાદી રાત ક્યોટોમાં એક રાતે જે ઘટના બની એ પછી તો જપાનીઓને નમન કરવાનું મન થઈ આવ્યું.

અમારો અપાર્ટમેન્ટ ક્યોટોના એક સબર્બમાં હતો. એક રાતે અમે બસમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થઈ ગયો. ન અમારી પાસે છત્રી કે ન કોઈ રેઇનવેઅર. બસમાંથી ઊતર્યા ત્યારે તો વરસાદ વધી ગયો અને વીજળીના કડાકાભડાકા થવા લાગ્યા, પવન પણ ઝડપથી ફૂંકાવા લાગ્યો.

અમે બસમાંથી ઊતરીને તરત જ એક બંધ દુકાનના શેડ નીચે આશરો લીધો. અમારી સાથે જ બસમાંથી ઊતરેલા એક દાદા પણ ત્યાં ઊભા હતા. રાતના સાડાદસ વાગેલા. અમારો અપાર્ટમેન્ટ જોકે પાંચ જ મિનિટના અંતર પર હતો, પણ વરસાદ અને ઠંડી એટલાં જોરદાર હતાં કે દોડીને પહોંચાય એવું નહોતું. હવામાનમાં અચાનક આવેલા પલટાને જોઈને અમને ચિંતા થઈ કે જપાન જેના માટે કુખ્યાત છે એવું આ કોઈ વાવાઝોડું તો નથીને.

અમારી સાથે શેડની નીચે ઊભેલા દાદાએ અમારી સામે જોયું અને સ્માઇલ કરી. તેમણે અમારી સાથે જૅપનીઝમાં થોડીક વાત કરી જે સ્વાભાવિક રીતે બમ્પર ગઈ. ભલે સમજાયું કંઈ નહીં, પણ અમે સામે જવાબ આપ્યો કે હા ઠંડી બહુ છે. તેમણે અમને પૂછ્યું કે અમારો અપાર્ટમેન્ટ ક્યાં છે? અમે કહ્યું કે નજીકમાં છે, પણ તેઓ કદાચ સમજ્યા નહીં અને કદાચ એવું સમજ્યા કે થોડો દૂર છે. થોડી વારમાં તેઓ પોતાના ફોન પર વાત કરવામાં બિઝી થઈ ગયા અને અમે વરસાદ પોરો ખાય એવી પ્રાર્થના કરવામાં લાગી ગયા.

થોડી વાર પછી અમે વિચાર્યું કે આ વરસાદ તો થમે એવું લાગતું નથી તો એક શેડથી બીજા શેડ નીચે આશરો લેતાં-લેતાં દોટ મૂકીએ ઘર તરફ.

અમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે એ જાણે પકડી લીધું હોય એમ તૂટીફૂટી ઇંગ્લિશમાં દાદા બોલ્યા: યુ વેઇટ, નો ગો. પછી પોતાનો ફોન દેખાડીને બોલ્યા, માય વાઇફ કમિંગ.

થોડી જ વારમાં કારમાં તેમનાં પત્ની તેમને લેવા આવ્યાં - સાથે ત્રણ છત્રી પણ લઈ આવ્યાં, અમારા ત્રણેય માટે.

અમારાં મોઢાં ખુલ્લાં જ રહી ગયાં. દાદા ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે કદાચ પત્નીને અમારા વિશે જણાવી રહ્યા હતા.

અમે આર્યાઘાતમાંથી બહાર આવીને તેમને પૂછયું - આ છત્રીઓ અમે પાછી કઈ રીતે આપીશું, ઍડ્રેસ તો આપો?

આ સવાલ સાંભળીને સ્વીટેસ્ટ દાદાએ કહ્યું : ઇટ્સ ગિફટ, નો રિટર્ન.

વિદેશી ધરતી પર, એક કડકડતી રાતે અમને રીતસરના દેવદૂતોનો ભેટો થયો. 

અતિથી દેવો ભવનો મંત્ર આપણે ભારતમાં બોલીએ છીએ, પણ એનો ખરેખરો અર્થ જપાનમાં સમજાયો.

વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો એટલે એ દંપતી ઝડપથી કારમાં બેસીને જતું રહ્યું અને અમારી ત્રણ જણની ફૅમિલીને જીવનભર યાદ રહે એવો અનુભવ કરાવતું ગયું.

સ્વાભાવિક છે કે એ ત્રણ છત્રીઓ અમારા માટે અમૂલ્ય સંભારણું બની ગઈ. ક્યોટો પછી અમે જપાનમાં ખૂબબધું ફર્યા, પણ એ છત્રીઓ બધે લઈ ગયા અને છેલ્લે ભારત પણ લઈ આવ્યા. આ છત્રીઓ એ વાતની યાદ અપાવે છે કે માણસાઈ વ્યક્ત કરવા કોઈ ભાષાની જરૂર નથી હોતી અને મદદ હંમેશાં માગવામાં આવે એય જરૂરી નથી. માગ્યા વગર પણ મદદ કરી જ શકાય છે.

સૌથી વધુ ખુશી મને એ વાતની છે કે અમારી આઠ વર્ષની દીકરી આ ઘટનાની સાક્ષી બની. આ અનુભવે તેના પર ઊંડી છાપ છોડી છે. તે પહેલેથી જ લાગણીશીલ બાળક રહી છે, પણ માનવતાના આ અપ્રતિમ ઉદાહરણથી તેનામાં મૂલ્યોનો મજબૂત પાયો નખાયો છે.

japan

રિયલ જેન્ટલમૅન

અને હા, આ જેન્ટલમૅનને તો અમે કઈ રીતે ભૂલી શકીએ. તેઓ મળ્યા અમને એકદમ ક્રાઉડેડ વિસ્તાર શિન્જુકુમાં. અમે રોબો રેસ્ટોરાં શોધવાની કોશિશ કરી રહ્યા હતા અને આ જેન્ટલમૅનને અમે ત્યાં કેવી રીતે જવું એ પૂછ્યું. કોઈક કારણસર ગૂગલ મૅપ્સ ઍપ અમને બે જુદી-જુદી લેનમાં બે લોકેશન દેખાડી રહી હતી. કૉર્પોરેટ ડ્રેસિંગવાïળા પેલા જેન્ટલમૅને અમને તેમની સાથે ચાલવાનું કહ્યું. અમે વિચાર્યું કે આ તો આપણે જ્યાં જવું હતું  ત્યાં જ આ ભાઈ જઈ રહ્યા છે એટલે કેટલું સારું.

હકીકત એ હતી કે તેઓ જે દિશામાં જઈ રહ્યા હતા ત્યાંથી વળીને અમારી સાથે ઊંધી દિશામાં ચાલવા લાગેલા. તેઓ અમને રોબો રેસ્ટોરાં સુધી મૂકવા આવી રહ્યા છે એ અમને સમજાઈ ગયું. આટલું ઓછું હોય એમ એ માણસની મહાનતા જુઓ કે અમે રોબો રેસ્ટોરાં જઈએ એ પહેલાં શિન્જુકુની એક ખાસિયત જોઈએ એવી તેમની ઇચ્છા હતી. તેઓ અમને એક મલ્ટિપ્લેક્સ-કમ-મૉલ પાસે લઈ ગયા જેના રૂફટૉપ પર એક જાયન્ટ ગૉડ્ઝિલા મુકાયેલો હતો, એની ખાસિયત એ છે કે દર કલાકે એ ગૉડ્ઝિલાના મોઢામાંથી આગનો ગોળો નીકળે છે. લોકો આ નજારો જોવા ખાસ નીચે ઊભા હોય છે. પેલા જેન્ટલમૅનની ઇચ્છા હતી કે રોબો રેસ્ટોરાંથી આ નજારો નજીક હતો એટલે અમે એ પણ જોઈએ. બન્ને લોકેશન દેખાડ્યા પછી એ ભાઈ ઝડપથી અદૃશ્ય થઈ ગયા. પોતાનું બધું કામ પડતું મૂકીને ૩૦ મિનિટ અમને આપી ગયા.

લોકોનાં બે અંતિમ

જપાન અને એના લોકો ખરેખર અચંબિત કરી મૂકે એવાં છે. આ એક એવો દેશ છે જ્યાં સમયની એટલી શિસ્ત છે કે બુલેટ ટ્રેન સ્ટેશન પર પહોંચવામાં કે સ્ટેશનથી ઊપડવામાં એક ક્ષણ પણ આઘીપાછી ન થાય. ત્યાંના લોકો એટલા ઑર્ગેનાઇઝ્ડ, સમયના પાબંદ અને પોતાના કામથી કામ રાખનારા છે કે ન પૂછો વાત.

એ છતાં કોઈ મૂંઝાયેલા ટૂરિસ્ટ તેમની મદદ માગશે તો તેઓ ઊંધી દિશામાં તમારી સાથે આવીને તમને હેલ્પ કરશે.

કઈ રીતે કરી શકે છે તેઓ આવું? તેમના અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી કઈ રીતે તેઓ આવો ટાઇમ કાઢી શકે છે? આવું કરીને તેઓ જ્યાં જઈ રહ્યા હોય ત્યાં મોડા નહીં પડતા હોય? અને એ પણ હકીકત છે કે તેઓ જ્યાં જતા હોય ત્યાં સમયસર જ પહોંચે છે, તો શું તેઓ ઘરેથી એટલે વહેલા નીકળતા હશે કે કોઈને મદદ કરી શકાય? અમને જ્યારે-જ્યારે કોઈએ મદદ કરી ત્યારે દરેક વખતે મેં આ સવાલ પોતાને પૂછ્યો છે.

આપણે એવા દેશના છીએ જ્યાંના લોકો હૂંફાળા, હૅપી અને લાગણીશીલ કહેવાય છે એટલે બીજા દેશના લોકો હેલ્પફુલ હોય એ જોઈને આપણને આર્ય ન થવું જોઈએ.

પણ જપાન કંઈ કોઈ પણ દેશ નથી.

આ એ જગ્યા છે જેણે ભીષણ પરમાણુપ્રલય જોયો છે. દુનિયા પ્રત્યે અતિશય આક્રોશ અનુભવાય એ માટે જપાન પૂરતાં કારણો છે. ખાસ કરીને અમેરિકા માટે. એ છતાં સ્થાનિક લોકોમાં મને અમેરિકન્સ કે અન્ય કોઈ પ્રત્યે અનફ્રેન્ડ્લી વર્તણૂક જણાઈ નહીં.  કદાચ થોડુંક અતડાપણું હશે, પરંતુ ઉદાસીનતા કે અનફ્રેન્ડ્લીનેસ નહીં.

આટલું ઓછું હોય એમ આ દેશ પર કુદરત દ્વારા અનેક ભયાનક આફતો આવતી રહે છે. એ પણ અવારનવાર. વિશ્વના અન્ય કોઈ પણ દેશ કરતાં આ દેશ પર અનેક વાર કુદરતનો પ્રકોપ તૂટ્યો છે અને બધું તહસનહસ થયું છે. ભૂકંપ, સુનામી, આંધી અને ચક્રવાતો... એમ આ દેશે એકવીસમી સદીમાં જ દુનિયામાં સૌથી ભયાવહ કહેવાય એવી દસ કુદરતી હોનારતો જોઈ છે. ૨૦૧૧ની કુદરતી હોનારત સૌથી તાજી છે.

એ છતાં, જ્યારે પણ કોઈ હોનારત પછી બધું હતું-નહોતું થઈ જાય એ પછી પણ જપાનના લોકો ફરીથી પોતાના દેશને બેઠો કરવામાં લાગી પડે છે. મનમાં કોઈ જ દ્વેષ વિના. આફત પછી તેઓ વધુ મજબૂત થઈને ઊભરી આવે છે.

તેઓ ભાવનાશૂન્ય નથી બનતા, તેઓ સહેલાઈથી પરાજય નથી સ્વીકારી લેતા, તેઓ વધુ લચીલા બને છે, ધીરજ ધરે છે અને વધુ નાવીન્યપૂર્ણ બને છે.

કદી હાર નહીં માનવાનો તેમનો અભિગમ અને હંમેશાં કંઈક નવું કરવાની તેમની ફિતરતને કારણે તેઓ ગમેએવી અડચણોને ઍડ્વાન્ટેજમાં ફેરવીને એને જ પોતાના જીવનનો ભાગ બનાવી દે છે.

દુર્ઘટનાઓ અને આફતોને પહોંચી વળવા માટેની તેમની નવી-નવી અજમાઈશને કારણે તેઓ પારાવાર હાનિ પછી પણ પુનરુદ્ધાર કરે છે અને કદાચ એમાંથી જ તેમનો હેલ્પફુલ નેચર ખીલ્યો છે. એનું કારણ એ છે કે તેઓ એક ટીમ તરીકે જીવવા અને પ્રગતિ કરવાનું શીખ્યા છે. ટગ-ઑફ-વૉરની ગેમની જેમ એકસૂત્રતા સાથે હોકારો કરીને પૂÊરું જોર લગાવવાનું તેઓ શીખી ગયા છે જે તેમને વિજેતા બનાવે છે. તેઓ માત્ર પોતાનું વિચારવાને બદલે એક યુનિટ તરીકે વિચાર કરે છે. આ જ ભાવથી તેઓ તેમના દેશમાં આવતા પ્રવાસીઓને પણ આવકારે છે.

જૅપનીઝ દ્વારા ટૂરિસ્ટોને અદ્વિતીય વૉલન્ટરી સર્વિસ અપાય છે. અહીં સિસ્ટમાઇઝ્ડ ગુડવિલ ગાઇડ ગુþપ્સ છે જે આખા જપાનમાં કાર્યરત છે અને વિવિધ પ્રકારની સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ કરે છે. વિદેશી ભાષાઓ જાણતા સામાન્ય આમઆદમીઓ ફૉરેન ટૂરિસ્ટોને ફ્રી ગાઇડન્સ અને લોકલ ગાઇડ સર્વિસ આપે છે.

તમને કમ્ફર્ટેબલ બનાવવા આ હદે પોતાની જાતને ખેંચતા લોકો ક્યાંય જોયા છે તમે?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK