છંદોલય આથમી ગયો

હજી તો જલનસાહેબના મૃત્યુની કળ વળે એ પહેલાં બીજો આઘાત આવી પડ્યો.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા


ગુજરાતી સાહિત્યના માઇલસ્ટોન કવિ નિરંજન ભગતે ૯૨ વર્ષની વયે શ્વાસના છંદોલયને વિરામ આપ્યો.    

ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે સન્માન પ્રસંગે પ્રવચનમાં તેમણે એક રસપ્રદ વાત કહી હતી. ૧૯૭૫માં નિરંજન ભગત મુંબઈમાં એક કાર્યક્રમમાં ગયા હતા. સાથી કવિ મંગેશ પાડગાંવકરે તેમને પૂછ્યું, ‘તેં તારું છેલ્લું કાવ્ય ક્યારે લખ્યું?’

નિરંજન ભગતે ઉત્તર વાળ્યો, ૧૯૫૮માં. ત્યારે મંગેશ પાડગાંવકરે કરુણ વ્યંગ સાથે કહ્યું, ‘અમારા મહારાષ્ટ્રમાં કોઈ કવિ આટલાં વર્ષ કાવ્ય ન કરેને તો કોઈ તેને યાદ પણ ન કરે.’ નસીબજોગે નિરંજન ભગતને તેમના ભાવકોએ નિરંતર ચાહ્યા છે. તેમની વિદ્વત્તાનો જેમને પણ પરિચય થયો છે તે તેમના આશિક બન્યા છે.  

આ કૉલમ ગઝલની છે, પણ આજે છૂટ લઈ આ મહાન કવિની પંક્તિઓથી તેમને નિરંજનાંજલિ આપવી છે.  

જન્મ મૃત્યુ કૌંસ બે

વચ્ચે વહે આ જિંદગી


કુમાર સુવર્ણચંદ્રક, નર્મદ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, પ્રેમચંદ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી પુરસ્કાર, સચ્ચિદાનંદ સન્માન, નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત આ સર્જકે સંખ્યાની દૃષ્ટિએ ઓછું; પણ આયુષ્યની દૃષ્ટિએ ર્દીઘકાલીન સર્જન આપ્યું છે. ૧૯૫૦થી ૧૯૮૬ સુધી અમદાવાદની વિવિધ આર્ટ્સ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ તરીકે કામ કર્યું. ટાગોર, નરસિંહ મહેતા કે મીરા વિશે તેઓ વાત કરતાં ત્યારે અનેરી ભાવસૃષ્ટિ તાદૃશ થતી.

ભીતર કોલાહલ કોરે

ને બંધ બ્હારના કાન

માટીમાં જે મન મોરે

તે કરશે અમૃત પાન?


આમ તો અમદાવાદની માટી સાથે તેમનો વિશેષ નાતો રહ્યો છતાં મુંબઈના સહવાસે અનેક કાવ્યો સર્જવા તેમને મજબૂર કર્યા. મુંબઈ વિશેનાં કાવ્યોનો ગુચ્છ પ્રવાલદ્વીપના નામે પ્રગટ થયો હતો.

બે પાય ધરવા જેટલી

મારે જગા બસ જોઈએ

એથી વધારે તો હજી

ક્યારેય તે રોકી નથીને કોઈએ!


મુંબઈ નગરીને તેમણે પુચ્છ વિનાની મગરી ઓળખાવી જે લગભગ રૂઢિપ્રયોગની જેમ રૂઢ થઈ ગઈ છે. આજથી પાંચ-છ દાયકા પહેલાં ઈરાની હોટેલમાં કે કોઈ કૅફેમાં સર્જકો નિયમિત કે સમયાંતરે મળતા અને સર્જનાત્મક આપલે કરતા. એ અંતરંગ અને ઇન્ફૉર્મલ ગોષ્ઠિઓ હવે ઓગળી ગઈ છે. કૅફેમાં કાવ્ય એ અરસાને આલેખે છે. 

કાફેમહીં મંદ પ્રવેશતી, યથા

સમુદ્રનાં રુદ્ર તૂફાન સૌ સહી

કો ભગ્ન નૌકા તટ નાંગરી રહી

કૉફી નહીં, ત્યાં કપમાં હતી વ્યથા


કોઈ પણ સર્જકને પોતાની આંતરવ્યથા હોવાની. આ વ્યથા અવલોકનમાંથી આવે છે અને સંવેદનાથી રસાય છે. સર્જકીય કે સામાજિક સંવેદનાના વિશ્વમાં જ્યારે ઊણપ વર્તાઈ હશે ત્યારે કદાચ નિરંજન ભગતે આવું લખ્યું હશે.

ક્યાં તુજ જોસ્સો કેફ, ક્યાં આ જંતુ માણહાં?

માથા પરની રેફ, નર્મદ, સ્હેજ ખસી ગઈ


પ્રત્યેક સર્જક પોતાની પુરોગામી પેઢીથી રળિયાત હોય છે. તેમના ખભા પર બેસીને કેટલીક ઊંચાઈ તો આપોઆપ મળી જ જાય. વાત છે આ વારસાગત ઊંચાઈમાં પોતાનું સ્વત્વ ઉમેરવાની. જો એ સ્વત્વ ન મળે તો ટોળામાં થતું સર્જન સંખ્યામાં ઉમેરો કરી શકે છે, શાશ્વતીમાં નહીં. ટોળાના સંદર્ભમાં લખેલા એક કાવ્યની પંક્તિ કવિની ચિંતા દર્શાવે છે:

સ્વત્વ નહીં, વ્યક્તિત્વ નહીં, નહીં નામ અને નહીં રૂપ

હાથ કોઈને આવે નહીં, શું હોય હવામાં ધૂપ


કવિએ ઊર્મિને પણ સુરેખ રીતે ગાઈ છે. કેટકેટલી પંક્તિઓ હૃદયમાં પ્રિન્ટ કરીને રાખવાનું મન થાય. એક નાનકડી સફર કરીએ. પ્રિયાની કીકીમાં પ્રતિછવિત મારી જ પ્રતિમા!... એવું કોણ રે હસી જાય? જાણે ચાંદમુખીનો વાદળઘેરો ઘૂંઘટ ખસી જાય!... એના શ્વાસે શ્વાસે વાગે મલયાનિલની વાંસળીઓ... રે આ પ્રથમ મિલનની ભૂમિ, પલાશપિયુને પ્રથમ અહીં રે મલયલહર ગૈ ચૂમી!... હરિવર મુજને હરી ગયો! મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો... સાંભળું તારો સૂર, સાંવરિયા, એટલો રહેજે દૂર!... પદમણી, હળવેથી પગલું મેલ! આજ તારું હૈયું છલકે કે હેલ?... સખી, તવ સ્નેહની રે સ્મૃતિ, આયુષ્યનાં એકાંતોની એ તો અલંકૃતિ... કહું? કહું તો લાજું! એક નદીનાં વ્હેણ વહે બે બાજુ!... તારો પાર ન પામું પ્રીત! મારે અધર મૌન છાયું, એણે ગાયું ગીત!... પરિપૂર્ણ પ્રણયની એક ઘડી, જાણે મધુર મિલનની ધ્રુપદ કડી... ચીપી ચીપી, પત્રે લખી જો, પ્રિય, પ્રેમની લિપિ!...

અન્ય એક ગીતમાં કવિ પ્રેમની અવઢવને સુંદર રીતે આલેખે છે:

નોટબુકના પાને પાને લેખ

પ્રેમનો તમે લખી છો નાખ્યો

ક્યાંક સુધારા, ક્યાંક વધારા કાજ

અગર જો હોય હાંસિયો રાખ્યો!


આપણે એક પછી એક બળુકા સાહિત્યકારોને ગુમાવી રહ્યા છીએ ત્યારે કેટલીક વાર હાંસિયામાં ધકેલાઈ ગયા હોઈએ એવું લાગે. ભાવક તરીકે આપણને આ ખાલીપો વાગે, પણ આ સર્જકે તો ઉદારદિલે સત્યને સ્વીકારી લીધું હતું.   

હે મૃત્યુ, મારી પ્રેયસીના વેષમાં

તું આવ, તો ધારું તનેયે

એ જ આ આશ્લેષમાં!

ક્યા બાત હૈ


નવા આંક

એકડે એકો

પરમેશ્વરને નામે પ્હેલો મેલો મોટો છેકો!

બગડે બેય

પ્રેય જે જે લાગે તેને માની લેવું શ્રેય!

ત્રગડે ત્રણ

કીડીને તો મણ આપો, હાથીને દો કણ!

ચોગડે ચાર

ફૂલનું શું મૂલ? હવે પથ્થરને તાર!

પાંચડે પાંચ

સાચનેયે આંચ, એથી ભલી મારી લાંચ!

છગડે છય

ગાડી ગિર્વાણની ને જોડી દેવો હય!

સાતડે સાત

બોબડા ને તોતડાની નવી કરો નાત!

આઠડે આઠ

ત્રણ છોડો ત્યારે નવી તેર બાંધો ગાંઠ!

નવડે નવ

આટઆટલું કરીને અહીં ગુજારો જો ભવ-

એકડે મીંડે દસ

દાનવ ન માનવથી થશે તોયે વશ?

 - નિરંજન ભગત

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK