સ્મિતા પાટીલ અને રાજ બબ્બરની મુલાકાત શરૂઆતમાં થોડીક નોંકઝોંક સાથે થઈ હતી

હું સ્મિતા પાટીલને પ્રથમ વખત ઓડિશાના રાઉરકેલામાં મળ્યો હતો, જ્યાં અમે ‘ભીગી પલકેં’ના શૂટિંગ માટે ગયાં હતાં...

smita

કિનારે-કિનારે - સલિલ દલાલ

રાજ બબ્બરે એમ કહીને પ્રથમ પરિચયની વાત પત્રકાર ઓમકાર સિંહને કરેલી હાલ રેકૉર્ડમાં ઉપલબ્ધ છે. બાકી સ્મિતા પાટીલના રાજ બબ્બર સાથેના રિલેશન અને ખાસ તો લગ્નની વિગતો રહસ્યમય રીતે ઑનલાઇન ઉપલબ્ધ રહી નથી. કોઈનો એ સંબંધેનો ઇન્ટરવ્યુ કે અહેવાલ અથવા એ માહિતી કે તે બન્ને કઈ તારીખે, ક્યાં અને કોની હાજરીમાં પરણ્યાં હતાં એ કશું જ અત્યારે દેખાતું નથી. ઈવન વિકીપીડિયામાં કે સ્મિતાજીની બાયોગ્રાફીમાં પણ એ ઉપલબ્ધ નથી. બલકે જીવનકથામાં સ્મિતાજી સાથે સંકળાયેલા ઘણા સેલિબ્રિટીની મુલાકાતો છે, પરંતુ રાજ બબ્બરનો કોઈ ઇન્ટરવ્યુ નથી. ‘ભીગી પલકેં’ ૧૯૮૨માં રિલીઝ થયું અને સ્મિતા પાટીલની પ્રેગ્નન્સી ૧૯૮૬માં બહાર પડી. એટલે ૪ વર્ષના સંવનનકાળમાં ગૉસિપ-કૉલમોમાં કશું ન આવ્યું હોય એ શક્ય નથી. રાજ બબ્બરનાં પત્ની નાદિરાજીનો ઇન્ટરવ્યુ આવ્યો હોવાનું તો બરાબર યાદ છે.

રાજ બબ્બરે ૨૦૦૬માં સ્મિતાજીની વીસમી પુણ્યતિથિ નિમિત્તે આપેલા એ ઇન્ટરવ્યુમાં કહ્યા પ્રમાણે, બેઉની મુલાકાત શરૂઆતમાં થોડીક નોંકઝોંક સાથે થઈ હતી. સૌ જાણે છે એમ કમર્શિયલ ફિલ્મોના સર્જન દરમ્યાન પ્રણયગીતો ગાવાનાં હોઈ તથા રોમૅન્ટિક સીન્સ કરવાના હોવાથી હીરો-હિરોઇનનો વ્યક્તિગત મન-મેળાપ મૂળભૂત આવશ્યકતા હોય છે. એ સમયની પુરુષપ્રધાન ઇન્ડસ્ટ્રીમાં સ્વાભાવિક રીતે જ વધારે મહત્વ અભિનેતાને મળે. પણ અહીં તો ઊંધું થતું લાગ્યું. સ્મિતાએ સેટ પર ઉપસ્થિત ઘણાની હાજરીની નોંધ જ ન લીધી... એમ રાજ બબ્બર કહે છે. એ ઘણામાં હીરોનો પોતાનો પણ સમાવેશ થયો હોવાના ચાન્સ વધારે છે, કેમ કે પ્રથમ દિવસના અંતે રાજ બબ્બરને છાપ એવી પડી કે પોતાની નાયિકા મિજાજવાળી છે. એ દિવસે શૂટિંગ પત્યા પછી સ્મિતા આખા યુનિટને રહેવાની વ્યવસ્થા જ્યાં કરવામાં આવી હતી એ ડાકબંગલામાં પોતાની રૂમમાં જતાં રહ્યાં. તે સાંજે સૌ સાથે ડિનર લેવા આવ્યાં ત્યારે તે પોતાનું વાંચવાનું પુસ્તક સાથે લઈને આવ્યાં અને જમતાં-જમતાં વાંચન ચાલુ રાખ્યું. જમવાની બાબતમાં કશાં નખરાં નહીં. બાફેલા ભીંડા હોય અને બાફેલો ભાત હોય તો પણ તે કશા વાંધા વગર ખાઈ લેતાં હતાં, જે ઈવન યુનિટના વર્કર્સ ખાવા તૈયાર નહોતા.

રાજ બબ્બર કહે છે કે અમે લોકોએ વિવેકપૂવર્કહ પૂછ્યું કે અમારી હાજરી તેમને નડતી હોય તો અમે બધા પાછા જતા રહીએ, જેથી એ શાંતિથી જમી શકે. સ્મિતાએ ચોપડી બંધ કરી, જમી લીધું અને પાછાં પોતાની રૂમમાં જતાં રહ્યાં; જ્યારે આખા યુનિટે તો મધરાત સુધી મોજમસ્તી કરી. બીજા દિવસે સવારે યુનિટના કેટલાકે ગુડ મૉર્નિંગ કહ્યું ત્યારે તેમણે કહ્યું, અચ્છા, તો તમને બધાને એ પણ ખબર છે કે અન્ય લોકોને કેવી રીતે ટ્રીટ કરાય! મેં પૂછ્યું કે રાત્રે બરાબર ઊંઘ આવી હતી? તો મારી એ કમેન્ટનો કશો જવાબ ન આપ્યો. ત્રીજા દિવસે એક કસ્બામાં શૂટિંગ હતું. સ્મિતાજીનો અભિનય જોરદાર હતો. રાજ બબ્બરના કહેવા પ્રમાણે તેમણે ડિરેક્ટર સતીશ મિશ્રાને કહ્યું, યાર, યે કૈસી હિરોઇન હૈ; હર સમય બિલ્લી કી તરહ પંજા મારને કો બૈઠી રહતી હૈ. આમ કહેતી વખતે ઍક્શન પણ કરી અને સ્મિતા પાટીલને સંભળાય એ રીતે મોટેથી કહ્યું, પણ કોઈ પ્રત્યાઘાત ન મળ્યો. એ ઉનાળાના દિવસો હતા અને રાજ બબ્બર એક ઝાડ નીચે આરામ કરતા હતા.

પણ પવનને કારણે વાળ ચહેરા પર આવી જતા હતા અને એ હટાવ્યા કરતા હતા. થોડી વારે સ્મિતા પાટીલ આવ્યાં અને રાજના ખભે હાથ મૂકીને ઉઠાડ્યા. તેમને પોતાની હેરપિન આપીને કહ્યું આ બૉબ-પિન વાળમાં ભરાવી દો. એ પછી જ્યારે શૂટિંગનો સમય થયો અને શૉટ તૈયાર હતો ત્યારે યુનિટનો એક કામદાર રાજ બબ્બર પાસે આવ્યો અને કહ્યું, મૅડમ તેમની હેરપિન પાછી મંગાવે છે. રાજ બબ્બર કહે છે, મેં વાળમાંથી પિન કાઢી અને જોયું તો સ્મિતા સ્માઇલ કરતાં હતાં. જમવાના મામલે પાંચમા દિવસે યુનિટમાં બળવો થઈ ગયો. લાલ ચોખાના ભાત ખાવાની સૌ ના પાડતા હતા, પરંતુ સ્મિતાજીએ કહ્યું પોતે એ ભાત જમશે અને હિરોઇનને વાંધો ન હોય તો બીજા પણ જમી જ લેને? વાત ઠંડી પડી ગઈ. રાજ બબ્બરે કહેલા એ પ્રસંગમાં પ્રોડ્યુસરો પ્રત્યેના સ્મિતા પાટીલના સહાનુભૂતિવાળા સ્વભાવનાં દર્શન થતાં હતાં, જે તેમણે સમાંતર સિનેમાના સર્જકો સાથે એક કરતાં વધુ વખત કરાવ્યાના દાખલા હતા.

જેમ કે ‘ભવની ભવાઈ’ માટે સ્મિતાજીએ કોઈ ફી નહોતી લીધી. (એક અહેવાલ મુજબ તો એ ગુજરાતી ફિલ્મ માટે કોઈ પણ આર્ટિસ્ટે પૈસા નહોતા લીધા.) ‘ભવની ભવાઈ’નું ઘણું શૂટિંગ આપણા ગુજરાતી સર્જક કેતન મહેતાએ અડાલજની વાવ ઉપરાંત નડિયાદ પાસેના વસો ગામમાં પણ કર્યું હતું. ગામની એક હવેલીમાં શૂટિંગ કરવા ઉપરાંત સૌ કલાકારો અને યુનિટના સભ્યો રહેતા પણ એ જ હવેલીમાં (એ કદાચ દરબાર ગોપાળદાસની હવેલી હતી). કેતનભાઈ સાથે સ્મિતાનો પરિચય પુણે ઇન્સ્ટિટ્યૂટના સમયનો. કેતન ત્યાં ડિરેક્શનનો કોર્સ કરતા અને સ્મિતાજી ખોપકરની પેલી ડિપ્લોમા ફિલ્મ ‘તીવ્ર મધ્યમ’ના સર્જન દરમ્યાન ત્યાં આવ્યાં ત્યારની જ ઓળખાણ હતી. છતાં એક કમિટેડ ડિરેક્ટર, જે અસ્પૃશ્યતા પર કૃતિ સર્જી‍ રહ્યા હતા, તેમના ગુજરાતી પિક્ચરમાં કામ કરવા ખુશી-ખુશી સંમત થયાં. સ્મિતા પાટીલ જન્મે મરાઠીભાષી એટલે કલાકારોમાં સિનિયર એવાં અભિનેત્રી દીના પાઠક વસોની એ હવેલીમાં સ્મિતાજીને ગુજરાતી ભાષા શીખવનારાં શિક્ષિકા!

‘ભવની ભવાઈ’માં પણ સ્મિતાનો આખી પીઠ દર્શાવીને ખુલ્લામાં નહાવાનો એક સીન હતો. (તેથી ‘ચક્ર’માં કરાવાયેલું જાહેર સ્નાન પ્રથમ વખતનું નહોતું.) તેમને છુપાઈને ભૂખી નજરે જોઈ રહેલા એક ભૂદેવને છુટ્ટો પથ્થર મારતાં તે કહે છે, મારા રોયા.... બૈરાં નથી જોયાં કે અટાણના પહોરમાં અહીં ગુડાણો સે.....? એ તળપદો સંવાદ સાંભળો અને હિરોઇને સરસ ગુજરાતી શીખ્યાની ખાતરી થાય. એવો જ આનંદ વસોની એ હવેલીમાં ભવાઈ જેવી ગુજરાતી લોકકલાને ભજવતાં સ્મિતાજીને જોતાં થાય. શું દિવસો હતા એ ૧૯૮૦ના વરસના, જ્યારે ‘ભવની ભવાઈ’ રજૂ થયું હતું! ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં પ્રથમ વખત પડદા પર વિશ્વના આગવી શૈલીના નાટ્યકાર જર્મનીના બર્તોલ્ત બ્રેખ્તનું નામ વાંચવા મળ્યું અને એ પણ ભવાઈના આદ્યગુરુ એવા અસિત ઠાકરની સાથે. એ કેતનભાઈની સજ્જતા અને વધારે તો સજ્જનતા કહેવાય કે પોતાની પ્રથમ સિનેકૃતિના સર્જનમાં તેમણે જે બે ફૉર્મેટનો સહારો લીધો હતો એ બન્નેના કુળગુરુઓને ટાઇટલના પ્રારંભે ફિલ્મ અર્પણ કરીને સર્વોપરી ક્રેડિટ આપી હતી એટલું જ નહીં, અસિતભાઈનું નામ બ્રેખ્ત કરતાં પણ પહેલું મૂકીને ગુજરાતની કળાનું અપ્રતિમ બહુમાન કર્યું હતું. ભવાઈના એ વેશમાં ગૌરાંગ વ્યાસના નિર્દેશનમાં ભૂંગળોના નાદે અને તબલાં, નરઘાં, મંજીરાં અને પખાવજના તાલે રંગલી ઉપરાંત અન્ય પાત્રોમાં નાચતાં-ગાતાં સ્મિતા પાટીલને ભાઈ... ભલાના હોંકારે તા થૈયા થૈયા કરતાં વિવિધ સ્વાંગમાં જોવા જેવાં હતાં. એમાં પ્રાણસુખ નાયક દાદા, પી. ખરસાણી દાદા અને નિમેશભાઈ તથા ગોપી દેસાઈ તેમ જ કૈલાસ પંડ્યા સહિતના ઘણા સ્થાનિક રંગકર્મીઓ કેતન મહેતાના આ પ્રોજેક્ટમાં સક્રિય હતાં. સ્વાભાવિક રીતે જ ૧૯૮૦ના એ વરસમાં રિલીઝ થયેલી ફિલ્મોના નૅશનલ અવૉર્ડ્સમાં રાષ્ટ્રીય એકતા પર બનેલી શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નર્ગિસ દત્ત અવૉર્ડ ‘ભવની ભવાઈ’ને મળ્યો હતો. (એ પુરસ્કારની સ્થાપના ૧૯૬૫થી થઈ છે અને ૨૦૧૭ સુધીનાં પચાસ વર્ષો કરતાં વધુના લાંબા ઇતિહાસમાં એ અવૉર્ડ મેળવનારી એ એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે.)

૧૯૮૦માં  સ્મિતા પાટીલ સમાંતર સિનેમાની એક બીજી મહત્વની ફિલ્મ ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યૂં આતા હૈ’માં પણ હતાં અને એ પણ શબાના આઝમી સાથે! એ સાલ સ્મિતાજીનાં એકાદ-બે નહીં, પણ પાંચ પિક્ચર રિલીઝ થયાં હતાં. આલ્બર્ટ પિન્ટોને સઈદ મિરઝાએ અમિતાભ બચ્ચનના આગમન સાથે વિશેષ પ્રકાશમાં આવેલા કમર્શિયલ સિનેમાના લોકપ્રિય થયેલા ઍન્ગ્રી યંગમૅન સામે નસીરુદ્દીન શાહને મુખ્ય ભૂમિકામાં લઈને મધ્યમ વર્ગીય ગુસ્સૈલ ક્રિશ્ચિયન હીરોનું સર્જન કર્યું હતું. તેની પ્રેમિકા (હિરોઇન) સ્ટેલા બન્યાં શબાના આઝમી, જ્યારે સ્મિતાજી આલ્બર્ટની બહેન જોઆન બન્યાં હતાં. જોઆન એક પગે લંઘાતી યુવતી છે અને સાડીના મોટા સ્ટોરમાં સેલ્સગર્લ તરીકે કામ કરે છે. એ પિક્ચરમાં સ્મિતા પાટીલનો કોઈ વ્યક્તિને શારીરિક રીતે સ્પર્શ કર્યા વિના ઠંડકથી ફટકારવાનો અમારો ગમતો એક સીન છે.

એ સીક્વન્સ જ્યાં પણ જરીક દેખાવડી છોકરી જુએ ત્યાં કોઈ પણ બહાને લાળ લબડાવવા આતૂર પુરુષોને તમાચા સમાન હતો. યાદ છેને? સ્લીવલેસ બ્લાઉઝ સાથે હૅન્ડલૂમની સાડીમાં સાદગીથી પોતાની ફરજ બજાવતી જોઆનના સ્ટોરમાં એક છેલબટાઉ જવાનિયો આવીને કહે છે કે મારી બહેન માટે સાડી જોઈએ છે. તે તમારા જેવી સુંદર છે. એટલે સાડી તમારા પર કેવી લાગે છે એ જોવું છે. ઘરાકની આંખોમાં રમતાં સાપોલિયાં લગભગ દરેક સેલ્સગર્લ જોઈ જ શકતી હોય છે. છતાંય હસીને અપાતા જવાબ પાછળ નોકરીની કેવી મજબૂરીઓ હોય છે એનો અંદાજ કેટલાને હોય છે? અહીં જોઆન પોતાના કાઉન્ટર પરથી બહાર નીકળે છે અને લંઘાતા પગે ચાલીને પેલા કસ્ટમરને પૂછે છે, તમારી બહેન પણ આવી જ ખૂબસૂરત છેને? લંગડી! એ ફિલ્મ મિલકામદારોના હક અને હડતાળ જેવા મુદ્દાઓ પરની ડાબેરી ઝોકવાળી હતી. ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી સ્મિતા પાટીલે ડિરેક્ટર સઈદ મિરઝાને એક અંગત પત્ર લખ્યો. 

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK