સરદાર ધ ગેમ-ચેન્જર –પ્રકરણ ૪

લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતા રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ
 ગીતા માણેક

સર, હું તમને લાંબા સમયથી કહી રહ્યો હતો કે દેશી રાજ્યોના પ્રશ્ને વહેલી તકે ધ્યાન આપવું જોઈએ.’ ૧૯૨૦ની સાલથી ઇન્ડિયન સિવિલ સર્વિસમાં કામ કરી રહેલા કૉનરેડ કોરફીલ્ડના અવાજમાં અકળામણ હતી. માઉન્ટબેટન સારી રીતે જાણતા હતા કે પૉલિટિકલ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી કોરફીલ્ડને હિન્દુસ્તાનના ઘણા રાજવીઓ સાથે ઘરોબો હતો. તેઓ આ રાજાઓના હિતમાં જ પગલાં લેવાય એ માટે કટિબદ્ધ હતા. દેશી રાજવીઓ વતી બ્રિટનના રાજા પાસે રજૂઆત કરવા કોરફીલ્ડ ખુદ લંડન પણ આંટો મારી આવ્યા હતા.

‘તમે સતત મને આ વાત યાદ અપાવી રહ્યા હતા કે મારે રાજવીઓના પ્રશ્ન પર ધ્યાન આપવું જોઈએ, પરંતુ વિભાજન અને અન્ય કેટલીક બાબતોમાં હું વ્યસ્ત હતો. ઉપરાંત મને કોઈએ જણાવ્યું જ નહોતું કે રાજવીઓનો પ્રશ્ન આટલો મુશ્કેલ બનશે.’ માઉન્ટબેટને કહ્યું.
‘મારું માનવું છે કે આપણે રાજાઓને ૧૫ ઑગસ્ટ પહેલાં જ ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવું કે સ્વતંત્ર રહેવું એ વિશે નિર્ણય લેવા માટે આગ્રહ ન કરવો જોઈએ. હિઝ મૅજેસ્ટીઝ ગવર્નમેન્ટની પણ એવી જ સૂચના રહી છે કે રાજાઓને અન્યાય ન થવો જોઈએ.’ કોરફીલ્ડે સહેજ તોછડાઈથી કહ્યું. 

‘મિસ્ટર કોરફીલ્ડ, મારી નસોમાં પણ રાજવી ખાનદાનનું જ લોહી વહી રહ્યું છે અને બ્રિટનના રાજખાનદાન સાથે મારે સીધો સંબંધ છે એ કદાચ તમે ભૂલી ગયા લાગો છો. ભારતના રાજાઓની બાદશાહી મહેમાનગતિ અને શૅમ્પેનની મોજ મેં પણ માણી છે. એમાંના ઘણા રાજાઓ મને ડિકી કહીને બોલાવી શકે એટલા ઘનિષ્ઠ સંબંધો મારા તેમની સાથે છે.’ માઉન્ટબેટનના શબ્દોમાં છરીની તેજ ધાર હતી.
‘માફ કરજો સર, દેશી રાજ્યોનું હિત જોવાનું જ મારું કામ છે. મારી નોકરીની ફરજનો હિસ્સો પણ. હું અહીં કંઈ ઇન્ડિયા માટે બધું આસાન કરી આપવા માટે નથી.’

‘અને આઝાદીની તેમ જ સત્તાપલટાની પ્રક્રિયા આસાનીથી થાય એ જોવું મારી ફરજનો હિસ્સો છે મિસ્ટર કોરફીલ્ડ.’

પોતાના આ શબ્દોથી કોરફીલ્ડના અહંકારને ધક્કો વાગ્યો હતો એ માઉન્ટબેટન જોઈ શક્યા. તેમણે કોરફીલ્ડને સમજાવટના સૂરમાં કહ્યું, ‘હિન્દુસ્તાનના રાજાઓ સાથે તમારી મૈત્રીના આવેગમાં તમે એ વાત નજરઅંદાજ કરી રહ્યા છો કે ગાંધીજી, નેહરુ અને પટેલ પણ ઇચ્છે છે કે આપણે આ આખા મામલાથી દૂર રહીએ. મિસ્ટર પટેલનું તો માનવું છે કે બ્રિટિશરોની વિદાય પછી પ્રજા જ મોટા ભાગના રાજાઓની હકાલપટ્ટી કરીને આઝાદ હિન્દમાં જોડાઈ જશે. એક વાર ૧૫ ઑગસ્ટે સત્તાવાર રીતે બ્રિટિશરોએ અહીંથી વિદાય લઈ લીધા પછી આપણે આ રાજાઓને કોઈ પણ પ્રકારની સહાય કરવાની સ્થિતિમાં નહીં રહીએ. હું કોશિશ કરી રહ્યો છું કે રાજાઓનું હિત જળવાય, ભારત સંગઠિત, સ્થિર રહે. ઇન્ડિયા બ્રિટિશ કૉમનવેલ્થમાં જોડાય એવી મિસ્ટર ચર્ચિલ અને પ્રાઇમ મિનિસ્ટર એટલીની પણ ઇચ્છા છે. મને મારી બાજી મારી રીતે રમવા દો.’

€ € €

‘થૅન્ક યુ મિસ્ટર પટેલ ફૉર ઍક્સેપ્ટિંગ માય ઇન્વિટેશન ફૉર અ કપ ઑફ ટી.’ માઉન્ટબેટન સરદારને આવકારવા ખાસ વાઇસરૉય હાઉસના મુખ્ય દ્વાર સુધી ગયા.

‘ઇટ્સ માય ઑનર મિસ્ટર વાઇસરૉય...’ સરદારે સસ્મિત માઉન્ટબેટનના ઉમળકાભર્યા આવકારનો ઉત્તર એટલા જ સન્માનપૂર્વક આપ્યો.

૩૪૦ ઓરડાઓ ધરાવતા આ રાજમહેલ જેવા વાઇસરૉય હાઉસના મુખ્ય હૉલની ડાબી બાજુએ આવેલા એક વિશાળ ઓરડાનો ઉપયોગ માઉન્ટબેટન ખાસ મુલાકાતીઓ સાથેની મીટિંગ માટે કરતા હતા. સરદાર પટેલને તેઓ એ જ ઓરડા તરફ દોરી ગયા. બહાર મે મહિનાનો ધોમધખતો તાપ માનવીની ત્વચા પર અંગારની જેમ વરસતો હતો, પરંતુ વાઇસરૉયના આ ભવ્યાતિભવ્ય નિવાસસ્થાનની પથ્થરની દીવાલો જાણે સ્વયં પહેરેદાર હોય એમ ગ્રીષ્મના એ તાપને ભીતર પ્રવેશવા નહોતી દેતી. ઓરડામાં પ્રવેશતાં જ ત્રણ બેઠકનો એક સોફા, એની સામે બે બેઠકનો સોફા હતો અને વચ્ચે એક મોટી ખુરસી હતી. સરદાર પટેલ ત્રણ બેઠકવાળા સોફા પર ગોઠવાયા. સિંહાસન જેવી ખુરસી પર બેસવાનું ટાળીને માઉન્ટબેટન સરદાર બેઠા હતા એ જ સોફાના બીજા ખૂણે ગોઠવાયા. થોડીક જ ક્ષણોમાં લાલ રંગની પાઘડી પહેરેલો વાઇસરૉય હાઉસનો સિખ નોકર આવીને ચાની ટ્રે મૂકી ગયો.

‘મિસ્ટર પટેલ, મેં તમને ખાસ ઇન્ડિયન પ્રિન્સસ વિશે ચર્ચા કરવા બોલાવ્યા છે.’
કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિના સરદાર ધ્યાનથી માઉન્ટબેટનની વાત સાંભળતા રહ્યા.
‘હું જાણું છું કે આ મામલો બહુ પેચીદો છે, પણ આપણે સાથે મળીને આનો ઉકેલ લાવી શકીશું એવી મને ખાતરી છે. મારી પાસે એ માટે એક પ્રસ્તાવ છે.’ માઉન્ટબેટન બોલી રહ્યા હતા ત્યારે સરદાર તેમના તરફ એકીટશે જોઈ રહ્યા.

સરદાર અને માઉન્ટબેટનની પહેલી મુલાકાત તંગદિલીભરી રહી હતી. એ વખતે માઉન્ટબેટનને સરદાર ખૂબ રુક્ષ લાગ્યા હતા, પણ સમય જતાં તેમને સમજાયું હતું કે હિન્દુસ્તાનના રાજનેતાઓમાં સરદાર કદાચ સૌથી વધુ વ્યવહારુ અને કાર્યદક્ષ છે. એક વાર તેઓ કોઈ બાબત સાથે સંમત થઈ જાય તો પછી એ પાર પાડવા માટે સંપૂર્ણ રીતે સક્રિય થાય છે. માઉન્ટબેટને શરૂઆતમાં હિન્દના રાજવીઓના પ્રશ્નને મહkવ નહોતું આપ્યું, પણ છેલ્લા થોડા દિવસોમાં તેમને સમજાઈ ચૂક્યું હતું કે એ સમસ્યા એટલી આસાન પણ નહોતી.
હિન્દના કેટલાક રાજાઓ સાથે તેમને સીધો પરિચય હતો. તેઓ જાણતા હતા કે કેટલાક રાજકુમારો એવા પણ હતા જેમના પિતાઓને ભલે બ્રિટિશરો સાથે દોસ્તી હોય, પણ આ નવી પેઢીના રાજકુમારો સાથે પનારો પાડવો એ જુદી વાત હતી. એમાંના કેટલાક રાજાઓ આંધળાં સાહસ કરે એવા હતા તો કેટલાક અતિશય અહંકારી તેમ જ દિવાસ્વપ્નોમાં રાચનારા હતા. એમાંના કેટલાક રાજાઓ ઐયાશ, અવ્યવહારુ અને ચક્રમ પણ હતા. આ રાજાઓના રાજમહેલો દોજખમાં ફેરવાઈ જાય અને પ્રજા જ તેમને તગેડી મૂકે તો રાજાઓ ક્યાંયના ન રહે એ બાબત માઉન્ટબેટનના ધ્યાનમાં આવી હતી. બ્રિટિશ અધિકારી કૉનરેડ કોરફીલ્ડ જે ઇચ્છતા હતા એ રસ્તો લેવામાં આવે તો હિન્દના રાજાઓની બૂરી વલે થાય એ હકીકત પણ તેઓ જાણતા હતા.

એ જુદી વાત હતી કે આ રાજાઓની માઉન્ટબેટન પાસે બહુબધી અપેક્ષાઓ હતી અને એમાંના કેટલાક તો એવું પણ માનતા હતા કે માઉન્ટબેટન કોઈ ચમત્કાર સર્જીને તેમનાં રાજપાટ હેમખેમ રાખશે. આ રાજાઓ માટે માઉન્ટબેટનના હૃદયમાં કુમાશ હતી. એમ છતાં તેઓ વાસ્તવવાદી હતા. આ વિરાટ સમસ્યાનો ઉકેલ સરદારની મદદ વિના સંભવ નથી એ વિશે તેમના મનમાં કોઈ આશંકા રહી નહોતી.

બીજી તરફ સરદારે પહેલી જ મુલાકાતમાં માઉન્ટબેટનને પારખી લીધા હતા અને તેમને કહ્યું હતું કે ‘તમે જે કહો એવું જ કરો એવા છો.’ રાજવીઓના પ્રશ્નને ઉકેલવામાં માઉન્ટબેટન મદદરૂપ થઈ શકે એમ છે એવું સરદારને પણ લાગતું હતું. હવે જ્યારે માઉન્ટબેટન જ એ વિશે સામે ચાલીને કોઈ પ્રસ્તાવ આપવા માગતા હતા ત્યારે સરદાર એને ખુલ્લા દિલે સાંભળવા તૈયાર હતા.

‘તમારો પ્રસ્તાવ શું છે?’ સરદારે પૂછ્યું.

‘જો કૉન્ગ્રેસ રાજવીઓને તેમના ખિતાબો, મહેલો, સાલિયાણું, બ્રિટિશ માન-અકરામો અને ધરપકડો જેવી બાબતો વિશેના ખાસ અધિકારો જાળવી રાખવાની મંજૂરી આપે તો એના બદલામાં રાજવીઓને સાવર્‍ભૌમ હિન્દમાં જોડાઈ જવાનું અને સ્વતંત્ર થવાનો તેમનો દાવો પડતો મૂકવાનું સમજાવી શકાશે.’ માઉન્ટબેટને એક-એક શબ્દ ચોકસાઈપૂવર્‍ક ઉચ્ચાર્યો.
સરદારના મનમાં તરત જ ગણતરીઓ થવા માંડી હતી. તેમને એ બાબતનો અંદાજ હતો જ કે રાજવીઓ સાથે પનારો પાડવામાં કૉન્ગ્રેસમાં પણ માઉન્ટબેટન જેવો કાબેલ માણસ નહોતો. આ બાજુ મુસ્લિમ લીગને ખબર હતી કે મોટા ભાગના રાજાઓ હિન્દુસ્તાનમાં જોડાશે અને બહુ જ ઓછાં રાજ્યો પાકિસ્તાનમાં. આ કારણસર તેઓ રાજાઓને હિન્દુસ્તાનમાં જોડાવાને બદલે સ્વતંત્ર રહેવા માટે જ પ્રોત્સાહન આપતા હતા. આ રીતે કૉન્ગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થાય એવો મુસ્લિમ લીગનો કારસો હતો. આ પ્રસ્તાવ નકારવા જેવો નહીં પણ સહર્ષ સ્વીકારવા જેવો હતો.

‘તમારો પ્રસ્તાવ હું એક જ શરતે હું સ્વીકારી શકું.’ સરદારે માઉન્ટબેટન તરફ જોઈને કહ્યું.
‘શરત?’ માઉન્ટબેટન સહેજ વધુ ટટ્ટાર થયા.

‘મને અડધુંપડધું નહીં, બધાં જ જોઈએ.’

‘મતલબ?’
‘જો તમે ઝાડ પરનાં બધાં જ સફરજન ભરેલો ટોપલો લાવો તો હું એ લઈ લઈશ, પણ જો એમાં બધાં સફરજન નહીં હોય તો હું ખરીદીશ નહીં.’ સરદારનો ઇશારો કઈ તરફ છે એ સમજતાં માઉન્ટબેટનને વાર ન લાગી.

‘મિસ્ટર પટેલ, અડધો ડઝન મારા માટે રાખશો?’

‘એ તો બહુ કહેવાય વાઇસરૉય. હું તમને વધુમાં વધુ બે સફરજન રાખવા દઈશ.’

‘પણ એ તો બહુ ઓછાં કહેવાય.’

થોડી મિનિટો સુધી હિન્દના છેલ્લા વાઇસરૉય અને ભારતનાં રાજ્યોના ભાવિ પ્રધાન બે વેપારીઓની જેમ સોદાબાજી કરતા રહ્યા. સરદાર જાણતા હતા કે હિન્દુસ્તાનને બ્રિટિશ કૉમનવેલ્થનું સભ્ય બનાવવું એ માઉન્ટબેટન માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. બ્રિટિશરાજમાં ક્યારેય અસ્ત ન થતો સૂર્ય બીજા વિશ્વયુદ્ધ પછી અસ્તાચલ તરફ જઈ રહ્યો હતો. જગતમાં પોતાની આબરૂ બચાવી રાખવા બ્રિટને બ્રિટિશ કૉમનવેલ્થ સંસ્થાની રચના કરી હતી. બ્રિટનની ગુલામીમાંથી આઝાદ થઈ રહેલા દેશ કમસે કમ કૉમનવેલ્થમાં જોડાયેલા રહે એવા તેમના પ્રયાસો હતા. સરદારે દાવ ખેલ્યો.

‘હિન્દુસ્તાન કૉમનવેલ્થનું સભ્ય બને એ માટેનો પ્રસ્તાવ હું કૉન્ગ્રેસ પાસે મંજૂર કરાવીશ, પણ તમે મને ખાતરી આપો કે બ્રિટન હવે રજવાડાંઓ તરફ નહીં જુએ. એ રાજાઓ સાથે કઈ રીતે કામ પાર પાડવું એ અમે જ જોઈશું. તમારા ઘણાબધા રાજાઓ સાથે અંગત સંબંધો છે. વાઇસરૉય અને હિન્દના હિતેચ્છુ તરીકે રાજાઓને ભારત સાથે જોડવામાં તમે અમને મદદ કરો, પણ બ્રિટિશ સરકાર આમાં દખલ ન કરે.’

છેવટે સોદો પાકો થયો. છ રાજ્યો સિવાયનાં પાંચસો ઓગણસાઠ રાજ્યો ૧૫ ઑગસ્ટ પહેલાં હિન્દુસ્તાનમાં જોડાય એ માટેની બાંયધરી સરદારે વાઇસરૉય લૂઈ માઉન્ટબેટન પાસેથી લઈ લીધી હતી.
(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK