ઇડિયટ બૉક્સનો સ્માર્ટ અવતાર

જેના પર ચૅનલોની સાથે-સાથે ઇન્ટરનેટ પણ સર્ફ કરી શકાય એવું બુદ્ધિશાળી ટીવી એટલે કે સ્માર્ટ ટીવી આજકાલ વધુ ને વધુ ઘરોમાં પગપેસારો કરી રહ્યું છે

આર્યન મહેતા

બ્રેકિંગ ન્યુઝ : સરકાર એવો કાયદો લાવવા વિશે વિચારી રહી છે જેમાં ટેલિવિઝન સેટ એટલે કે ટીવીને ઇડિયટ બૉક્સ કહીને સંબોધવું એ ગુનાને પાત્ર ક્રિયા બનશે. અરે ના-ના, વી આર જસ્ટ જોકિંગ! અત્યારે તો કોઈ દેશની સરકાર આવો કાયદો લાવવા વિશે વિચારી રહી નથી; પરંતુ હા, જે રીતે દિવસે ને દિવસે ટીવી વધુ ને વધુ સ્માર્ટ બની રહ્યાં છે એ જોતાં સરકાર કહે કે ન કહે પણ આપણે તો ટીવીને ઇડિયટ બૉક્સ કહેવાનું બંધ કરવું જ પડશે! એનું કારણ એના નામમાં જ સમાયેલું છે : સ્માર્ટ ટીવી.

છેલ્લાં થોડાં વર્ષથી ઇન્ટરનેટ ક્ષેત્રે વધુ ને વધુ વિડિયો-સામગ્રી ઉપલબ્ધ કરાવવાની હોડ ચાલી રહી હતી. એનું પરિણામ એ આવ્યું છે કે આજે મોટા ભાગની ટીવી-ચૅનલો પરની વેબસાઇટ્સ પર એના કાર્યક્રમો આપણને મન પડે એ સમયે જોઈ શકાય છે. ન્યુઝ-ચૅનલોની વેબસાઇટ્સ પર તો લાઇવ ટીવી જોવાની પણ સગવડ ઉપલબ્ધ થઈ છે. લટકામાં યુ ટ્યુબ જેવી વેબસાઇટ આવી જેના પર ફિલ્મોથી લઈને લગભગ કોઈ પણ પ્રકારની વિડિયો-સામગ્રી ઉપલબ્ધ હોય છે. પછી તો ઇન્ટરનેટ પર આ પ્રકારની સામગ્રી પેશ કરતી વેબસાઇટ્સનો રાફડો ફાટ્યો. મતલબ કે ઇન્ટરનેટનું ટીવી સાથે મિલન થઈ રહ્યું હતું.

પરંતુ હવે ગંગા જરા અવળી ચાલી છે. અત્યારે ટીવીનું ઇન્ટરનેટ સાથે મિલન થઈ રહ્યું છે. વર્ષોથી ટીવી પર આપણે જુદી-જુદી ચૅનલો જે બતાવે એ જ જોવું પડતું હતું. સ્વતંત્રતા કહો તો એટલી જ કે

અલગ-અલગ ચૅનલ સર્ફ કરીને ક્યાંક આપણી પસંદગીનું કશુંક આવતું હોય તો ત્યાં અટકીને એ પ્રોગ્રામ જોવાનો. બસ, એથી વિશેષ કશું જ નહીં, પરંતુ હવે સ્થિતિ પલટાઈ છે. ઇલેક્ટ્રૉનિક્સની માર્કેટમાં નવાંનક્કોર અવતરણ પામેલાં રૂડાં-રૂપાળાં સ્માર્ટ ટીવીમાં ઇન્ટરનેટ સર્ફિંગ કરવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે. તો ચાલો, સ્માર્ટ ટીવીની દુનિયામાં એક લટાર મારવા...

સ્માર્ટ ટીવી : ઈ વળી શું?

આમ તો ટીવી માટે સ્માર્ટ ટીવી એવો સૌપ્રથમ શબ્દપ્રયોગ દક્ષિણ કોરિયાની સૅમસન્ગ કંપનીએ કરેલો. ત્યાર પછી એલજી કંપનીએ પણ આ શબ્દપ્રયોગ અપનાવ્યો. જ્યારે સોની કંપની એના માટે ઇન્ટરનેટ ટીવી અને ફિલિપ્સ નેટ ટીવી એવા શબ્દો વાપરે છે, પરંતુ આપણે સ્માર્ટ ટીવી શબ્દ વાપરીએ એનો મતલબ એ સમજવાનો કે ચૅનલ-સર્ફિંગની સાથોસાથ ઇન્ટરનેટ-સર્ફિંગ પણ કરી શકાય એવું બુદ્ધિશાળી ટીવી.

આપણે જરૂર ખરી?

તમને ટીવી જોતી વખતે વારેવારે એવું થાય છે કે હાળું, ટીવીમાં આજકાલ કંઈ જોવા જેવું આવતું નથી? તમને અચાનક મન થાય છે કે હૃષીકેશ મુખરજીની ‘બાવર્ચી’, ‘આનંદ’ કે ‘ચુપકે ચુપકે’ જેવી મનપસંદ ફિલ્મો જોવી છે પણ અફસોસ એકેય ચૅનલ પર અત્યારે એવી ક્લાસિક ફિલ્મો આવતી નથી? જો તમે જુવાનડા હો અને ફેસબુક કે ટ્વિટર પર ખાંખાંખોળા કર્યા વિના ખાવાનું પચતું ન હોય, જો તમને ટીવી પર ગેમ્સ રમવાનો શોખ હોય, દેશ-વિદેશમાં રહેતાં તમારાં સગાં સાથે ‘સ્કાઇપ’ પર વાતુંચીતું કરવાની થતી હોય, ટીવી જોતાં-જોતાં અચાનક કોઈ વસ્તુ વિશે સર્ચ કરવાનું મન થાય તો સમજો કે તમારે આ બધાં કામ ચુટકી મેં કરી આપતું સ્માર્ટ ટીવી ખરીદવાની જરૂર છે.

સ્માર્ટ ટીવીની ખૂબિલિટીઓ

અલ્ટ્રા-સ્લિમ, મૉનોલિથિક ડિઝાઇન, ફુલ હાઇ ડેફિનેશન, એલઈડી જેવાં વિશેષણોનાં લટકણિયાં સાથેનાં સ્માર્ટ ટીવી જોવા માટે તમે માર્કેટમાં નીકળશો એટલે ખ્યાલ આવશે કે અત્યારે લગભગ બધી જ કંપનીઓએ આવાં સ્માર્ટ ટીવી માર્કેટમાં મૂકી દીધાં છે. સરેરાશ ચાલીસ ઇંચનું ટીવી બધી જ કંપનીઓમાં તમામ ફૅસિલિટીઓ સાથે આવે છે. એમાંથી એક ટીવી તમે ઘરે લઈ આવો એટલે તમારે એની સ્માર્ટનેસનો ઉપયોગ કરવા માટે જોઈશે એક ઇન્ટરનેટ-કનેક્શન. એ માટે વાયરવાળું (ઇથરનેટ) અત્યંત હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેક્શન હોય તો ક્યા કહેના! જો વાયરની કડાકૂટમાં ન પડવું હોય તો તમારા ઘરને વાઇ-ફાઇ (વાયરલેસ ફિડેલિટી)ની સુવિધાથી સજ્જ કરવું પડશે. બાકી તમારું થ્રી-જીવાળું ટચૂકડું વાયરલેસ બ્રૉડબૅન્ડ યુએસબી ડિવાઇસ આમાં કામ કરશે નહીં. અમુક કંપનીઓના ટીવીને વાઇ-ફાઇથી કનેક્ટ કરવા માટે ત્રણેક હજાર રૂપિયાનું ટચૂકડું પેનડ્રાઇવ જેવું ડૉન્ગલ ખરીદીને ટીવીની પાછળ ભરાવવું પડે છે, જ્યારે અમુક કંપનીઓમાં ટીવીની અંદર જ આ ડૉન્ગલ ફિટ કરેલું આવે છે.

હા, તમારું ઇન્ટરનેટ-કનેક્શન એકદમ હાઇસ્પીડ (ઓછામાં ઓછું ચાર મેગાબાઇટ પ્રતિસેકન્ડ ડેટા ટ્રાન્સફરની સ્પીડવાળું) હોવું જોઈએ. નહીંતર ઇન્ટરનેટ પર વિડિયો પ્લે થવા કરતાં અટક્યે રાખશે (જેને ટેક્નિકલ ભાષામાં બફરિંગ થવું કહે છે) અને મૂડ, મજા, પૈસા તથા પ્રતિષ્ઠાનો કચરો થઈ જશે!

હવે બધી તૈયારીઓ થઈ ગયા પછી ટીવીમાં (તમારા કેબલ-કનેક્શનવાળી અથવા ડીટીએચવાળી) વિવિધ ચૅનલો એ ટીવીનો એક ભાગ બની જશે. એ ન જોવી હોય અને સ્માર્ટ ફૅસિલિટી વાપરવી હોય તો રિમોટ કન્ટ્રોલ પર સ્માર્ટ મેનુ કે સ્માર્ટ હબની સ્વિચ દબાવતાં જ બહુબધા વિકલ્પો ખૂલશે. એક વિકલ્પ છે ઍપ્સ એટલે કે ઍપ્લિકેશન્સ વાપરવાનો. અત્યારે મોબાઇલ અને ઇન્ટરનેટ-જગતમાં લાખોની સંખ્યામાં ઍપ્સ ધૂમ મચાવે છે. ઍપ્સને સાદા શબ્દોમાં કહીએ તો કોઈ ચોક્કસ કામ કરી આપતું શૉર્ટકટ બટન. જેમ કે ફેસબુક, ટ્વિટર, યુ ટ્યુબ, સુડોકુ કે ક્રૉસવર્ડ જેવી ગેમ્સ; તમારી ફેવરિટ ટીવી-ચૅનલો; હવામાન-સમાચાર વગેરેનાં ટચૂકડાં બટન્સ (આઇકન્સ) ઍપ્સના વિભાગમાં તમને મળે જેને રિમોટ કન્ટ્રોલની મદદથી સિલેક્ટ કરીને ક્લિક કરો એટલે સીધું એ કામ શરૂ.

બીજો વિભાગ છે વેબ-બ્રાઉઝરનો, જેના પર ક્લિક કરીને તમે ઇન્ટરનેટ-જગતની કોઈ પણ વેબસાઇટ સર્ફ કરી શકો છો. આની મજાની વાત એ છે કે ટીવીના પ્રોગ્રામ જોવાની સાથોસાથ ટીવી-સ્ક્રીનની એક બાજુએ તમે ફેસબુક, ટ્વિટર, ગૂગલ ટૉકમાં ચૅટિંગ પણ કરી શકો અને કોઈ અખબાર પણ વાંચી શકો; કોઈ ઈ-શૉપિંગ વેબસાઇટ પરથી ખરીદી પણ કરી શકો અને ઇલેક્ટ્રિસિટી કે ટેલિફોનનું બિલ પણ ભરી શકો.

સ્માર્ટ ટીવીના ત્રીજા ભાગમાં તમે જે-તે ટીવીકંપની દ્વારા ઉપલબ્ધ સામગ્રી વાપરી શકો છો; જેમ કે એની સાઇટ પર ઉપલબ્ધ ફિલ્મો, આવનારી ફિલ્મોના પ્રોમો, પ્રોગ્રામ-ગાઇડ વગેરે.

જો તમે ઇન્ટરનેટની મદદથી તમારાં એનઆરઆઇ સગાં સાથે વાતો કરતાં હો તો આ ટીવી ઉપરાંત પાંચેક હજાર રૂપિયાની કિંમતનો સ્કાઇપ કૅમેરા વિથ માઇક્રોફોન લગાવીને સૌ સાથે મળીને ટીવી પર જ આ વાતચીતનો આનંદ લઈ શકો છો.

આ ઉપરાંત તમે પેનડ્રાઇવ વગેરે લગાવીને તમારાં પોતાનાં કન્ટેન્ટ (ફિલ્મો, ગીતો, તસવીરો) વગેરેનો આનંદ સીધો જ તમારા ટીવી પર લઈ શકો.

ત્રીજું પરિમાણ થ્રી-ડી

અત્યારનાં આ સ્માર્ટ ટીવી થ્રી-ડી દૃશ્યો બતાવવાની ક્ષમતા સાથે આવે છે. સ્કીમમાં હોય તો ફ્રીમાં અથવા સાડાત્રણ હજારની એક જોડીના હિસાબે ઘરના સભ્યો માટે ખાસ પ્રકારનાં થ્રી-ડી ચશ્માં ખરીદીને થિયેટરને પણ આંટે એવી થ્રી-ડી ક્વૉલિટીની ફિલ્મો જોઈ શકો છો. ટીવીકંપની પોતે અને ઘણી સાઇટ્સ થ્રી-ડી વિડિયો બતાવે છે. હવે તો કેટલીક ચૅનલો પણ થ્રી-ડીમાં પ્રોગ્રામ બતાવે છે એ ખરેખર રોમાંચક અનુભવ બની રહે છે. આ બધા ટીવીમાં રેગ્યુલર ચૅનલોને થ્રી-ડીમાં કન્વર્ટ કરી આપતી સુવિધા પણ હોય છે, પરંતુ એમાં થ્રી-ડીનો માત્ર આભાસ થાય છે. ખરેખરું (દૃશ્ય ટીવીની બહાર નીકળતું હોય એવું) રિઝલ્ટ મળતું નથી (કારણ કે એનું શૂટિંગ થ્રી-ડી કૅમેરાથી થયેલું હોતું નથી).

લેકિન કિન્તુ પરંતુ

ઇન્ટરનેટ સાથેનાં ટીવી એ હજી નવો કૉન્સેપ્ટ છે અને પ્રારંભિક તબક્કામાં છે એટલે એની ઘણી મર્યાદાઓ પણ છે, જેમ કે અહીં ડાઉનલોડિંગની કે મેમરીની કોઈ સુવિધા છે નહીં. મતલબ કે તમે ઇન્ટરનેટ જોઈ શકો, એમાંથી કશું લઈ શકો નહીં કે એને અપગ્રેડ પણ કરી શકો નહીં. ઇન્ટરનેટની દુનિયા સતત વિકસતી રહે છે. આથી તમે મસમોટી કિંમત ખર્ચીને સ્માર્ટ ટીવી લઈ આવો અને થોડા સમયમાં એ આઉટડેટેડ થઈ જાય એમ પણ બને. વળી સોશ્યલ નેટવર્કિંગ એ અંગત ક્રિયા છે એટલે જાહેરમાં સૌ ટીવી જોતા હોય ત્યારે ટીવીની સ્ક્રીન પર સૌને દેખાય એમ ફેસબુક, ટ્વિટર પર ધુબાકા મારવામાં કોને રસ પડે? એના કરતાં ટીવી જોતાં-જોતાં લૅપટૉપ પર ચૅટિંગ ન કરીએ?! આમ તો સ્માર્ટ ટીવીને મોટા ભાગનાં વિડિયો-ફૉર્મેટ સર્પોટ કરે છે, પરંતુ ઘણી સાઇટ્સ પરના વિડિયો પ્લે ન થાય એવું પણ શક્ય છે જ. એવું જ ફોટો કે તસવીરોમાં પણ છે.

યુ ટ્યુબ તથા અન્ય ઘણી સાઇટ્સ પર પાઇરેટેડ પ્રિન્ટમાં નવી ફિલ્મો ઉપલબ્ધ હોય છે. એને ટીવી પર જોતાં આડકતરી રીતે પાઇરસીને પ્રોત્સાહન પણ મળી શકે છે.

કિંમતો

ઇન્ટરનેટની ફુલ સગવડ સાથેનાં સ્માર્ટ ટીવી સરેરાશ ચાલીસ ઇંચથી શરૂ થાય છે, જે લગભગ એક લાખ રૂપિયામાં પડે છે. બત્રીસ ઇંચનાં સ્માર્ટ ટીવી પણ ઉપલબ્ધ છે, પરંતુ એમાં ઇન્ટરનેટ પરથી અમુક મર્યાદિત સગવડો જ વાપરવા મળે છે. એની કિંમત પંચાવનથી સાઠ હજાર જેટલી થવા જાય છે. જો સ્કીમમાં ન હોય તો આ ઉપરાંત તમારે એચડીએમઆઇ કેબલ, થ્રી-ડી ફિલ્મો જોવા માટે બ્લુ રે પ્લેયર, પરિવારના દરેક સભ્ય માટે થ્રી-ડી ચશ્માં, થિયેટરનો અનુભવ કરાવે એવી હાઇટેક સ્પીકર સિસ્ટમ વગેરે ઍક્સેસરીઝ ખરીદવાની રહે એ અલગ.

તમે ઑલરેડી એલસીડી કે એલઈડી ટીવી ખરીદી લીધું હોય તો તમારા ટીવીને સ્માર્ટ બનાવતું સૅટ-ટૉપ બૉક્સ પણ બારેક હજાર રૂપિયાની કિંમતે મળે છે.

અંતે એક વણમાગી સલાહ. આગળ કહ્યું એમ સ્માર્ટ ટીવીની આ કૅટેગરી અત્યંત નવી છે એટલે એને થોડો સમય વિકસવા દેવી અને ખરીદવામાં થોડી રાહ જોવી. આના બે ફાયદા થશે : એક તો ટીવી વધુ સ્માર્ટ અને ફૅસેલિટી ધરાવતું થશે અને બીજું, એની કિંમતો પણ નીચી આવશે. સો વેઇટ ઍન્ડ વૉચ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK