જંગલનો જીવ

પેટે ઘસડાઈને ચાલતાં પ્રાણીઓની વીસ નવી પ્રજાતિઓ શોધનાર યુવાન નેચર-સાયન્ટિસ્ટ વરદ ગિરિને મળો. જર્મન એક્સપર્ટે સાપની એક પ્રજાતિને આ યુવાનનું જ નામ આપ્યું છે

પલ્લવી આચાર્ય

સાપ, ગરોળી, દેડકા અને કાચિંડાઓની ૨૦ નવી પ્રજાતિઓને શોધી કાઢનારા સાયન્ટિસ્ટ વરદ ગિરિ ૧૨૯ વર્ષથી કુદરતનું સંરક્ષણ, સંવર્ધન અને સંશોધન કરતી બિનસરકારી સંસ્થા બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટી (બીએનએચએસ)ના ડેપ્યુટી ડિરેક્ટર અને ક્યુરેટર છે. ઝૂઓલૉજીમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી ૧૯૯૯માં બીએનએચએસ સાથે જોડાયા પછી તેમને કુદરતના બહોળા વિશ્વનો પરિચય થયો એની વાત કરતાં વરદ ગિરિ Sunday સરતાજને કહે છે, ‘બીએનએચએસ જૉઇન કર્યા પછી મારું ટ્રાન્સફૉર્મેશન થયું. મારા રસના વિષયમાં મને લિમિટેડ જ્ઞાન હતું પણ અહીં આવ્યા પછી મોટા વિશ્વનો પરિચય થયો. અહીં ભરપૂર કામ કરવા મળ્યું. મેં પુષ્કળ ફીલ્ડવર્ક કર્યું. મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, ઓડિસા, તામિલનાડુ, કેરળ, મિઝોરમ, અરુણાચલ સહિત ભારતનાં અનેક જંગલોમાં હું ફર્યો. સાપ, ગરોળી, કાચિંડા જેવાં પેટે ઘસડાઈને ચાલતાં પ્રાણીઓને ખૂણેખાંચરેથી શોધી એના વિશેની જાણકારી અને ફોટોગ્રાફ્સ હું લેતો હતો. મારો મુખ્ય રસ આવાં પ્રાણીઓને આઇડેન્ટિફાય કરવાનો છે.’

વરદ ગિરિએ જે ૨૦ નવી પ્રજાતિઓને શોધી કાઢી છે એમાં ૧૩ જેટલા દેડકા, પાંચ ગરોળીઓ અને બે સાપ છે. ઠંડી, તાપ, તડકો કે વરસાદ જોયા વિના તેઓ જંગલો ખૂંદે છે. તેમના આ કામમાં તેમને કેવી-કેવી તકલીફો આવી? વરદ ગિરિ કહે છે, ‘તકલીફ વળી શાની? મારા માટે તો આ એકેએક મોમેન્ટ અવિસ્મરણીય છે. સાપ વગેરે ઝેરી જાનવરના નેચરને જાણતો હોવાથી મને કોઈ પ્રૉબ્લેમ નથી આવ્યો. આ પ્રાણીઓને રિસ્પેક્ટ આપવો પડે. જો તમે ન આપો તો તમને નુકસાન પહોંચાડે. ગમે એવો ઝેરી સાપ ભલે કેમ ન હોય તમે એને છંછેડો નહીં તો એ ન કરડે. અમારી આ શોધખોળમાં કદી અમે લિમિટ ક્રૉસ નથી કરી.’

૨૦૦૯માં સ્નેક ટૅક્સૉનોમી (સાપની જુદી-જુદી પ્રજાતિઓને શોધવી)ના એક્સપર્ટ ડૉ. ગેર્નોટ વોગેલ સાપની એક પ્રજાતિના અભ્યાસ માટે બીએનએચએસમાં આવ્યા હતા. વરદ ગિરિએ તેમને બીએનએચએસના મ્યુઝિયમ ઉપરાંત આંબોલી, ગોવા અને કૅસલ રૉક (કર્ણાટક)ના સાપના કેટલાક નમૂના બતાવ્યા. ડેન્ડ્રેલાફિસ નામની સાપની એક પ્રજાતિ હજી આઇડેન્ટિફાય નહોતી થઈ. ડૉ. વોગેલે એ આઇડેન્ટિફાય કરી એટલું જ નહીં, ટૅક્સૉનોમીમાં વરદ ગિરિના યોગદાનને નવાજવા તેમણે આઇડેન્ટિફાય કરેલા ડેન્ડ્રેલાફિસને વરદ ગિરિનું નામ આપ્યું ‘ડેન્ડ્રેલાફિસ ગિરિ’. તેમણે સબમિટ કરેલા સાયન્ટિફિક પેપર્સમાં લખ્યું કે આ પ્રજાતિને અમે બીએનએચએસના હર્પેટોલૉજી (સર્પશાસ્ત્ર) વિભાગના ક્યુરેટર વરદ ગિરિને ડેડિકેટ કરી છે, કારણ કે ભારતના રેપ્ટાઇલ્સ વિશેની માહિતી એકઠી કરવામાં અને બીજા રિસર્ચરો માટે એ માહિતીને ઈઝીલી અવેલેબલ બનાવવામાં બહુ મોટું યોગદાન તેમણે આપ્યું છે.

ગુજરાતમાંથી શોધી કાઢેલી એક ગરોળીને એમ તો વરદ ગિરિએ ગુજરાત નામ આપ્યું છે.

કર્ણાટકના બેલગામ જિલ્લાના અંકલી નામના નાનકડા ગામમાં તેમનો જન્મ. સાયન્સ તો શું સામાન્ય ભણતર પણ ગામમાં બહુ ઓછું. પૂજાપાઠનું કામ કરતા તેમના પિતા ભગવાન ગિરિ ત્રણ ચોપડી અને માતા સુભદ્રા બે ચોપડી જ ભણ્યાં હતાં, પણ તેમને તેમના એકના એક દીકરાને ડૉક્ટર બનાવવો હતો. સાતમાથી પિતાએ તેમને સાંગલી (મહારાષ્ટ્ર)માં ભણવા મૂક્યા. ટેન્થમાં ૪૮ ટકા આવ્યા એટલું જ નહીં, ટ્વેલ્થમાં પણ બાવન ટકા જ આવ્યા એથી તેમના પેરન્ટ્સનું તેમને ડૉક્ટર બનાવવાનું સપનું તો રોળાઈ ગયું. સારી જૉબ મળે અને જૉબ-સિક્યૉરિટી મળે માટે તેમણે કેમિસ્ટ્રી સાથે સાયન્સ ગ્રૅજ્યુએટ થવાનું નક્કી કર્યું અને કરાડની સાયન્સ કૉલેજમાં દાખલ થયા. એ સમયની વાત કરતાં વરદ ગિરિ કહે છે કે કેમિસ્ટ્રીમાં ગ્રૅજ્યુએટ થઈ જૉબ શોધવા લાગ્યો પણ ન મળી એથી ઝૂઓલૉજી (પ્રાણીશાસ્ત્ર)માં માસ્ટર્સ કરવા વિચાર્યું, કારણ કે મને એમાં રસ હતો.

માસ્ટર્સ માટે કોલ્હાપુરની રાજારામ કૉલેજમાં ઍડ્મિશન લીધું. આ ઍડ્મિશન ટફ હતું કારણ કે શિવાજી યુનિવર્સિટીમાં સાંગલી, સાતારા, સોલાપુર અને કોલ્હાપુર એ ચાર કૉલેજના મળીને માત્ર ૩૫ વિદ્યાર્થીને માસ્ટર્સ માટે સિલેક્ટ કરવામાં આવતા હતા. ૧૯૯૫માં તેમણે ૭૬ ટકા સાથે માસ્ટર્સ ડિગ્રી મેળવી. આ અભ્યાસ દરમ્યાન સાપ પકડતા એક મિત્રને કંપની આપવા તે જતા અને નેચરનો શોખ હોવાથી વાઇલ્ડલાઇફના ફોટો પાડતા. તેમના પિતાએ તેમને એ માટેનો મોંઘો કૅમેરા પણ લાવી આપ્યો હતો. માસ્ટર્સના અભ્યાસમાં પણ તેમણે ભણતરની સાથે પુષ્કળ ફીલ્ડવર્ક કર્યું. જીવોને આઇડેન્ટિફાય કરવામાં તેમને રસ પડવા લાગ્યો, તેમણે બીએનએચએસ જૉઇન કર્યું.

બીએનએચએસ સાથે જોડાતાં જ તેમણે નૉર્થ-વેસ્ટર્ન ઘાટનાં ઍમ્ફિબિઅન (જમીન અને પાણી પર ચાલતાં) પ્રાણી અને રેપ્ટાઇલ્સના ડૉક્યુમેન્ટેશનનું કામ શરૂ કર્યું. વરદ ગિરિ કહે છે, ‘આમાં મને બહુ શીખવા મળ્યું, એક્સપર્ટને મળવા મળ્યું, આખા દેશનાં લગભગ તમામ જંગલોમાં હું ફર્યો. મારો મુખ્ય રસ આ પ્રાણીઓને આઇડેન્ટિફાય કરવાનો હતો.’

તેમના આ કામથી શો ફાયદો થાય? વરદ ગિરિ કહે છે, ‘એનાથી જાણી શકાય કે હજી કેટલી પ્રજાતિઓ જે-તે પ્રાણીઓની છે. કયા એરિયામાં કયા જાનવરો કેટલી સંખ્યામાં છે એ જાણી શકાય એના પરથી એ એરિયાની વૅલ્યુ (અફર્કોસ એ પ્રાણીઓને જાળવવા માટે) ખબર પડે, તેમને પ્રોટેક્ટ કરવાં પડે.’

આ ફીલ્ડની વરદ ગિરિની કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને ૨૦૧૦-’૧૧નો સ્ટેટ લેવલનો નિસર્ગમિત્ર અવૉર્ડ આપવામાં આવ્યો એટલું જ નહીં, તેમનું પોટેન્શ્યલ જોઈને લંડનના નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમે તેમને લંડન બોલાવ્યા અને ૪૦ દિવસ રાખી ટ્રેઇનિંગ આપી તથા અભ્યાસ કરવાનો મોકો આપ્યો. વરદ ગિરિના મતે હર્પેટોલૉજીમાં હજી તો ઘણું કામ છે અને હર્પેટોલૉજિસ્ટ બહુ ઓછા, આખા ભારતના મળીને માંડ ૨૦થી ૨૫ છે. ગુજરાતમાં માત્ર એક જ છે ડૉ. રાજુ વ્યાસ. તેમણે પણ વરદ ગિરિને ઘણી મદદ કરી હતી.

નો મની-મેકિંગ

બીજાં ફીલ્ડની જેમ અહીં હાઇલી પેઇડ જૉબ નથી, બૅન્કબૅલેન્સ ન થાય. સંસ્થા પાસે ફન્ડ પણ એટલું બધું નથી હોતું. આ કામમાં સારા કૅમેરા અને બીજાં સાધનોની જરૂર પડે. આખા ભારતમાં ભ્રમણ કરવું પડે. નાનાં જાનવરો માટે વધુ ફન્ડની જોગવાઈ નહીં હોવાથી કામમાં અવરોધ લાગે. ગાંઠનું ગોપીચંદન ઘસીને ઘણી વાર કામ કરવું પડે. વરદ ગિરિ કહે છે, ‘જોકે એ માટે પણ મારી પાસે સગવડ નહોતી ત્યારે મારા મિત્રોએ મને ફાઇનૅન્શિયલી અને ઇમોશનલી મદદ કરી છે, કારણ કે મુંબઈમાં રહેવું પણ મારા માટે મુશ્કેલ છે.’

જે થાય એ, તેમને ઇન્ડિયા માટે જ કામ કરવું છે એટલું જ નહીં; વિદેશી એક્સપટ્સર્‍ને પણ ઇન્ડિયામાં લઈ આવવા છે.

અંગત સંગત

૪૦ વર્ષના વરદ ગિરિએ ગયા વરસે મેમાં બીએનએચએસના હર્પેટોલૉજી ડિપાર્ટમેન્ટમાં કામ કરતી ક્ષમતા ગાયકવાડ સાથે લગ્ન કર્યા છે. તેઓ અંબરનાથમાં રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK