૨૦૨૫ સુધીમાં ભારતને બનાવી શકાશે ટીબીમુક્ત?

હાલમાં સરકારે હાથમાં લીધેલા આ મિશનને મેડિકલજગતના નિષ્ણાતો અશક્ય જ માને છે તો કેટલાક એવા પણ છે જેઓ કહે છે કે સંપૂર્ણ રીતે ટીબીમુક્ત ન બનીએ તો કંઈ નહીં, આ મિશનને કારણે જો ટીબીના વ્યાપમાં ઘટાડો થયો તો પણ ઘણું કહેવાશે. દર વર્ષે પાંચ લાખ ભારતીયોનાં મૃત્યુનું કારણ બનતા આ રોગને જો જડમૂળથી ઉખેળવો હોય તો કયા પ્રકારનું કામ કરવું જરૂરી છે એ આજે સમજીએ

TB

જિગીષા જૈન

ગયા મંગળવારે રાજધાની દિલ્હીમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીબી-ફ્રી ઇન્ડિયાનું કૅમ્પેન શરૂ કર્યું હતું જે અંતર્ગત ૨૦૨૫ સુધીમાં ભારતમાંથી ટીબીને નાબૂદ કરવા માટે ભારત પ્રતિબદ્ધ બન્યું છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અનુસાર સમગ્ર દુનિયામાંથી ૨૦૩૦ સુધીમાં ટીબીને નેસ્તનાબૂદ કરવાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો હતો. આખી દુનિયામાં ભારત ટીબીનું એક મોટું સેન્ટર માનવામાં આવે છે જ્યાં ટીબી ઘણો જ વ્યાપક રીતે ફેલાયેલો છે. ભારતમાંથી આ રોગ દૂર થાય નહીં તો ગ્લોબલ ટાર્ગેટ આમ પણ અચીવ થઈ શકે નહીં. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને જ્યારે ૨૦૩૦નો ટાર્ગેટ રાખ્યો હતો ત્યારે જ દુનિયાભરના નિષ્ણાતો એવો દાવો કરી રહ્યા હતા કે આ ટાર્ગેટ રિયલિસ્ટિક નથી. આટલો જલદી ટીબીને નાબૂદ કરવો અઘરું છે. ત્યાં તો એનાથી પણ પાંચ વર્ષ આગળનો ટાર્ગેટ ભારતે સેટ કર્યો છે. આ ટાર્ગેટ અચીવ કરવો શક્ય છે કે નહીં એ બાબતે વિશ્વભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. મોટા ભાગના હેલ્થ-પ્રોફેશનલ ચોખ્ખી ના પાડે છે કે આ ટાર્ગેટ ૨૦૨૫ સુધીમાં પૂરો થવો અશક્ય છે તો અમુક લોકો એવા પણ છે જેઓ એની હકારાત્મક બાજુ જુએ છે અને માને છે કે ટાર્ગેટ ભલે પૂરો ન થાય પરંતુ જો એના વ્યાપને ઘટાડી શક્યા તો પણ ઘણું સારું ગણાશે. ગઈ કાલે ઉજવાયેલા વર્લ્ડ ટીબી ડે નિમિત્તે ટીબી રોગ સાથે જોડાયેલા હેલ્થ-પ્રોફેશનલ્સ, કાઉન્સેલર્સ અને સોશ્યલ વર્કર્સ જોડે વાત કરીને ટીબીને થોડો વધુ જાણવાની કોશિશ કરીએ, તાગ મેળવીએ કે ટીબીની વ્યાપકતા કેટલી છે અને ૨૦૨૫નો ટાર્ગેટ પૂરો કરવા માટે આપણે કઈ બાબતો પર કામ કરવાની જરૂર છે.

મોટી ઉંમરે પણ ક્યૉર શક્ય

ભારતે આ પહેલાં પણ લેપ્રસી, પોલિયો અને ણ્ત્સ્ જેવા રોગો વિરુદ્ધ મોટા પાયે કામ કર્યું છે. એમાં પોલિયોને તો આપણે જડથી દૂર કરી શક્યા છીએ. લેપ્રસીને પણ આપણે સંપૂર્ણ દૂર કરી શક્યા હતા જે આજકાલ પાછો આવતો જણાય છે. લેપ્રસી પર જાગૃતિ ફેલાવવાનું સઘન કામ કરનારા ઇન્ડિયન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન નામના NGOના પ્રણેતા ડૉ. એ. આર. કે. પિલ્લે હાલમાં ૯૦ વર્ષના છે અને તેમને ૮૭ વર્ષની ઉંમરે ફેફસાંનો ટીબી થયો હતો જે આટલી મોટી ઉંમરે પણ ક્યૉર થયો હતો. ૫૦,૦૦૦ વર્ષ પહેલાં જે અશ્મિઓ મળે છે એમાં પણ ટીબીના જંતુઓ મળ્યા છે. આ રોગ એટલો જૂનો છે. જોકે મેડિકલ સાયન્સમાં ૬૦થી ૭૦ વર્ષ પહેલાં જ એ વ્યાખ્યાયિત થયો છે. ઍન્ટિ-બાયોટિકની શોધ થઈ પછીથી ટીબીનો ઇલાજ શક્ય બન્યો છે. આમ આ રોગ જૂનો છે, પરંતુ એનો સંપૂર્ણ ઇલાજ શોધાયાને હજી વધુ સમય થયો નથી. જોકે આજની તારીખમાં આપણી પાસે ઘણી સારી દવાઓ છે જેને લીધે એને સંપૂર્ણ રીતે ક્યૉર કરવો શક્ય છે. ટીબી વિશે વાત કરતાં સમાજસેવક ડૉ. એ. આર. કે. પિલ્લે કહે છે, ‘જો ૮૭ વર્ષે પણ વ્યક્તિનો ટીબી ક્યૉર થઈ શકે એનો અર્થ એ છે કે દરેક વ્યક્તિનો ટીબી ક્યૉર થઈ શકે. શરત ફક્ત એટલી છે કે સમયસર એનું નિદાન થાય. ટીબીનું નિદાન ત્યારે સમયસર થઈ શકે જ્યારે એ બાબતે જાગૃતિ ફેલાયેલી હોય. લેપ્રસીને નાબૂદ કરવા માટે જાગૃતિ એક મોટું શસ્ત્ર હતું જે અમે અપનાવ્યું હતું. ટીબી માટે પણ અમે એ જ કરી રહ્યા છીએ.’

જાગૃતિની જરૂર

ઇન્ડિયન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આખા વર્ષ દરમ્યાન ટીબી વિશે જાગૃતિ ફેલાવવા માટે સ્કૂલો, કૉલેજો, ઑફિસો જેવી જુદી-જુદી જગ્યાએ કાર્યક્રમો ચાલતા હોય છે. એમનો ટાર્ગેટ હોય છે કે સમગ્ર ભારતમાં એક વર્ષ દરમ્યાન તેઓ ૨૦,૦૦૦થી વધુ લોકોને ટીબી વિશેની જાણકારી આપે અને આ બાબતે તેમને સતર્ક કરે. શેરીનાટકો, પપેટ-શો, મૅરથૉન, રૅલીઓ, એક્ઝિબિશન કે એસે રાઇટિંગ સ્પર્ધા દ્વારા ટીબી વિશે જાગૃતિ ફેલાવવાનું કામ તેઓ કરતા હોય છે. આ NGOના CEO ડૉ. નારાયણ ઐયર જેમણે વિલેજ ડેવલપમેન્ટ જેવા વિષયમાં ભ્hD કર્યું છે અને છેલ્લાં ૨૭ વર્ષથી સોશ્યલ વર્ક કરી રહ્યા છે તેઓ ટીબીનાબૂદીના ૨૦૨૫ના ટાર્ગેટ વિશે વાત કરતાં કહે છે, ‘મને ખરેખર લાગે છે કે આ ટાર્ગેટ શક્ય છે. જ્યાં સુધી એમ માનીશું નહીં ત્યાં સુધી કામ ઝડપભેર નહીં કરી શકાય. એક હકારાત્મક અભિગમ સાથે સઘન પ્રયત્નો વડે કામ કરીએ તો એ શક્ય છે. અમને લાગે છે કે લોકોમાં ટીબી બાબતે ખાસ જાગૃતિ જ નથી. હોય તો પણ લોકો આ રોગનાં લક્ષણોને ગંભીરતાથી લેતા નથી. આ માટે ઘણું કામ થયું છે અને હજી ઘણું કરવાનું છે. સમાજનો દરેક વર્ગ પોતાની ક્ષમતા પ્રમાણે આ મિશનમાં જોડાશે તો ચોક્કસ આ ટાર્ગેટ અચીવ કરી શકાશે. જો લેપ્રસી અને પોલિયોથી મુક્તિ મળે તો ટીબીથી કેમ નહીં?’

ડૉક્ટરોને ટ્રેઇનિંગ અને રીહૅબની જરૂર


સામાન્ય લોકોને ટીબી વિશે જાગૃત કરવાની સાથે-સાથે એવા બીજા કયા મુદ્દા છે જેના પર ધ્યાન દેવા જેવું છે એ વિશે વિચારીએ તો સમજાશે કે ટીબી એક એવો રોગ છે જેની થોડા-થોડા સમયમાં નવી દવાઓ અને નવો ઇલાજ શોધાયા કરે છે. જેમ કે પહેલાં ફક્ત ટીબી હતો, પરંતુ હવે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી નામની નવી સમસ્યા આપણી સામે છે. એ એવો રોગ છે જેમાં ટીબીની પ્રચલિત દવાઓ કામ કરતી નથી. એના માટે જુદા પ્રકારની દવાઓની જરૂર રહે છે. આ નવા-નવા બદલાવ વિશે સતત મેડિકલજગત પણ જાગૃત રહે એ જરૂરી છે. આ કામ ટીબી અસોસિએશન ઑફ ઇન્ડિયા નામનું નૅશનલ લેવલનું ટ્રસ્ટ કરે છે. ધ મહારાષ્ટ્ર સ્ટેટ ઍન્ટિ-ટ્યુબરક્યુલોસિસ અસોસિએશન જે એનું સ્ટેટ ચૅપ્ટર છે એના ઑનરરી સેક્રેટરી અને ટેક્નિકલ ઍડ્વાઇઝર તથા ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. યતીન ધોળકિયા કહે છે, ‘અમે ડૉક્ટરો અને પૅરામેડિકલ સ્ટાફ માટે ટ્રેઇનિંગ પ્રોગ્રામ ગોઠવીએ છીએ. ટીબીના દરદીઓનો કઈ રીતે સંપૂર્ણ ઇલાજ કરવો એની ટ્રેઇનિંગ અમે આપીએ છીએ. અમારું ટ્રસ્ટ ડોનેશન પર ચાલે છે. લોકોમાં જાગૃતિ માટે પણ અમે કાર્યરત છીએ. એ માટે અમે એક્ઝિબિશન કરીએ છીએ. સાંતાક્રુઝની વી. એન. દેસાઈ હૉસ્પિટલમાં અમે એક ઑડિયો-વિડિયો ડિસ્પ્લે પણ ગોઠવ્યું છે. આ બધામાં મહત્વનું કામ જે અમે કરીએ છીએ એ છે સેવરી હૉસ્પિટલની બહાર અમે એક પલ્મનરી રીહૅબ સેન્ટર ચલાવીએ છીએ. ટીબીનો ઇલાજ થઈ ગયા બાદ ટીબી તો જતો રહે છે, પરંતુ ટીબીને કારણે ફેફસાંમાં જે ડૅમેજ થયું હોય છે એને કારણે શ્વાસની અમુક તકલીફ રહી જાય છે જેના માટે ઇલાજની જરૂર પડે છે. આ રીહૅબ સેન્ટરમાં આ દરદીઓનો ઇલાજ ફ્રીમાં કરવામાં આવે છે. સપ્ટેમ્બર-૨૦૧૬માં આ સેન્ટર શરૂ થયું હતું. અત્યાર સુધીમાં અમે ૭૮ દરદીઓનો ઇલાજ કરી ચૂક્યા છીએ. અમે માનીએ છીએ કે જ્યારે ટીબીની વાત કરતા હોઈએ ત્યારે એના સંપૂર્ણ ઇલાજ પર ભાર આપવો જરૂરી છે.’

દરદીને તરછોડતો પરિવાર

થોડા સમય પહેલાં એક અખબારમાં રિપોર્ટ આવ્યો હતો જે મુજબ એશિયાની ટીબી માટે સૌથી મોટી હૉસ્પિટલ ગણાતી સેવરી ટીબી હૉસ્પિટલમાં આશા નામની સ્ત્રીને તેના ઘરના લોકો છોડીને જતા રહ્યા હતા. આ સ્ત્રીને ટીબી હતો. આવું થવાને લીધે આ સ્ત્રીની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેણે બોલવાનું જ બંધ કરી દીધું. તે લગભગ પથારીવશ અવસ્થામાં જ હૉસ્પિટલના સ્ટાફની દયા પર જીવતી હતી. તેને એન્જઝી નામની સમાજસેવા કરતી સંસ્થાનાં ટ્રસ્ટી સેજલ શાહે જોઈ અને તે તેમની મદદે આવ્યાં. સેજલ શાહ તેને અઠવાડિયામાં બે વાર દરરોજ મળતાં, તેની જોડે વાત કરવાની કોશિશ કરતાં, તેને ખવડાવતાં. સેજલ શાહના પ્રયત્નોથી તેની માનસિક હાલત થોડી સુધરી અને ટેસ્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે આશા ટીબીમુક્ત છે, પરંતુ હજીયે તે કોઈની જોડે વાત કરતી જ નથી. છેલ્લાં પાંચ વર્ષથી આ સ્ત્રી સેવરીની હૉસ્પિટલમાં પથારીવશ અવસ્થામાં જ છે. તે બેસી શકતી પણ નથી અને ઊભી પણ નથી રહી શકતી. હૉસ્પિટલના પ્રયત્નોથી તેને ઘરડાઘરમાં મોકલવાની વ્યવસ્થા થઈ રહી છે. સપ્ટેમ્બર-૨૦૧૭માં સેજલ શાહ આશાને મળ્યાં હતાં. આ વિશે સેજલ શાહ કહે છે, ‘આ સ્ત્રીને ટીબી હતો એટલે જ કદાચ તેના ઘરના લોકો તેને અહીં હૉસ્પિટલમાં છોડીને ચાલ્યા ગયા હશે એમ લાગે છે. ટીબી એક ચેપી રોગ છે એટલે જે લોકો આ બાબતે જાગૃત નથી તેમને એનાથી ભરપૂર ડર લાગે છે. દરદીથી તેઓ દૂર ભાગતા હોય છે. દરદી માટે ટીબીની પીડાની સાથે સ્વજનોથી દૂર રહેવાની પીડા વધુ નાસૂર બની જતી હોય છે. આમ પણ ગરીબ વર્ગની વાત કરીએ તો તેમની પાસે એટલી તકલીફો છે કે ચાહીને કે ન ચાહીને આ પ્રકારનું પગલું લેવાઈ જતું હોય છે. ટીબીના દરદીઓને એકાંતવાસમાં રહેવું પડે છે એ વાત સાચી, પરંતુ તેમને સાવ આમ ત્યજી દેવા એ આપણા સમાજનું એક વરવું સ્વરૂપ દર્શાવે છે.’

પરિવાર કે સમાજના સાથનો અભાવ

ટીબીના દરદીઓને ટીબી સિવાય પણ ઘણી યાતનાઓમાંથી પસાર થવું પડે છે. ગુજરાતના એક ગામનો જ કિસ્સો લઈ લો જેમાં દીકરીને હાડકાંનો ટીબી હોવાને કારણે તેનો ઇલાજ ચાલતો હતો અને એ જાણકારી મળ્યા બાદ છોકરાવાળાએ લગ્ન તોડી નાખ્યાં હતાં. ટીબી જેનો સંપૂર્ણ ઇલાજ આપણી પાસે ઉપલબ્ધ છે, એને ક્યૉર કરી શકાય છે એ સાબિત થયેલું છે છતાં લોકો આ રોગ પ્રત્યે એક ગ્રંથિ બાંધીને બેઠા હોય છે. ખાસ કરીને આ રોગ ચેપી છે એટલે આ પ્રકારની માનસિકતા વધુ ફેલાય છે. એ વિશે વાત કરતાં ટીબીના દરદીઓનું કાઉન્સેલિંગ કરતાં ર્ફોટીસ રાહેજા હૉસ્પિટલનાં સાઇકોલૉજિસ્ટ તન્વી સરદેસાઈ કહે છે, ‘ટીબીથી લોકો ઘણા ગભરાય છે. દરદી પોતે અને તેના ઘરના લોકો પણ. ચેપ ફેલાઈ જશે એ ડર તેમને ભયંકર સતાવે છે. દરેક પ્રકારનો ટીબી ચેપી નથી હોતો. એ જ રીતે દરેક દરદીને એકાંતવાસ દેવો પડે એ પણ જરૂરી નથી. જોકે જે દરદીને આ રીતે એકલા રહેવું પડે છે તેની તકલીફ ઘણી વધારે હોય છે. કોઈ પણ લાંબા ગાળાના રોગમાં દરદીને પરિવારનો સાથ જોઈતો હોય છે. જો એ ન મળે તો દરદી ઇમોશનલી ભાંગી પડે છે. બીજી તરફ એવા પણ દરદીઓ છે જેઓ ખુદ ખૂબ ગભરાયેલા હોય છે. મારા એક દરદીને બે વર્ષનું બાળક હતું. તે સ્ત્રીને ટીબી હોવાને કારણે પોતાના બાળકને આ રોગ ન થઈ જાય એનો તેને ભયંકર ડર લાગતો હતો. એને કારણે તેને તેના બાળકથી દૂર રહેવું પડી રહ્યું હતું જે તેના માટે ઘણું મુશ્કેલ હતું. ટીબીના ઘણા દરદીઓ ખાસ કરીને જેમને લાંબો સમય હૉસ્પિટલમાં રહેવું પડે છે તેઓ ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીનાં લક્ષણો ધરાવતા હોય છે. ટીબીના દરેક દરદીને અને સાથે તેના પરિવારને પણ નિદાન થાય એ સાથે જ કાઉન્સેલિંગ મળવું જ જોઈએ. અફસોસની વાત એ છે કે દરેક દરદીને આ પ્રકારનું કાઉન્સેલિંગ નથી મળતું.’

ટીબીમુક્ત ભારત બનાવવા માટે કયા પ્રકારના પ્રયત્નો અનિવાર્ય છે?

ડૉ. યતીન ધોળકિયા, ચેસ્ટ ફિઝિશ્યન, સેવરી હૉસ્પિટલ


૨૦૨૫ સુધીમાં ટીબીમુક્ત ભારત શક્ય છે? : પ્રૅક્ટિકલી જોવા જઈએ તો શક્ય તો નથી જ. આ એક પૉલિટિકલ વિલ છે. જોકે જ્યાં સુધી આ બાબતે ઇચ્છા નહીં કરીએ કે આ ટાર્ગેટને પૂરો કરવા માટે દબાણ નહીં લાવીએ ત્યાં સુધી ટીબી વિશે જરૂરી કામ નહીં કરી શકાય.

શું કરવું જોઈએ? : બાળકોને ટીબીથી બચાવવા માટે જે BCGની રસી આપવામાં આવે છે એ બાળકો પર બિલકુલ અસરકારક રહી નથી. એ આપવા છતાં પણ ટીબી તો બાળકોને થાય જ છે. જોકે રસી આપવાથી એની ગંભીરતા ઘટે છે. આપણને એક નવી અને અસરકારક રસી જોઈશે જે બાળકોને આ રોગથી સંપૂર્ણ સુરક્ષા આપી શકે. આ સિવાય ટીબીની સંપૂર્ણ ટ્રીટમેન્ટ પર ભાર મૂકવામાં આવે એ પણ જરૂરી છે. લોકો ટ્રીટમેન્ટ અધૂરી છોડી દે છે જેનાથી રેઝિસ્ટન્ટ ટીબી ઉદ્ભવે છે અને તકલીફ વધે છે. દરેક વ્યક્તિને ફરજિયાત પૂરી ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે. એક વ્યક્તિની ભૂલ નહીંતર આખા સમાજને ભોગવવી પડે છે.

લૅન્સલોટ પિન્ટો, કન્સલ્ટન્ટ રેસ્પરોલૉજિસ્ટ, પી. ડી. હિન્દુજા હૉસ્પિટલ

૨૦૨૫ સુધીમાં ટીબીમુક્ત ભારત શક્ય છે? : શક્ય જ નથી. ભારતમાં ટીબીનો વ્યાપ ઘણો વધારે છે. એને ૨૦૨૫ સુધીમાં સમેટવો શક્ય જ નથી. ગમે એટલી જાગૃતિ વધારીએ, પરંતુ ટીબી જોડે સંકળાયેલા પ્રૉબ્લેમ્સને સરળતાથી દૂર કરી શકાય એમ નથી.

શું કરવું જોઈએ? : આમ તો ટીબી માટે ઘણું-ઘણું કામ અનિવાર્ય છે. એમાં જલદી નિદાન કરવું અત્યંત જરૂરી છે. જલદી નિદાન માટે ફક્ત જાગૃતિ ફેલાવવાથી કામ નથી ચાલવાનું. આ માટે ઍક્ટિવ કેસ-ફાઇન્ડિંગ કરવું જરૂરી છે. એટલે કે આપણે ત્યાં એવા લોકો છે જેમને પ્રૉબ્લેમ હોય તો પણ એ સહન કરશે અને ઘરે બેઠા રહેશે. ચાર-પાંચ મહિને જ્યારે પ્રૉબ્લેમ અતિ વધી જશે પછી ડૉક્ટર પાસે જશે. આવા લોકોને ઘરે-ઘરે જઈને શોધવા પડશે. ફક્ત જાગૃતિથી કામ નહીં ચાલે. ઘરે-ઘરે જઈને જે સંદિગ્ધ લાગતા હોય એવા લોકોની ટેસ્ટ કરીને ટીબીનું નિદાન કરવું પડશે અને તેમનો ઇલાજ ચાલુ કરાવવો પડશે. ત્યારે જ આ ટાર્ગેટ પૂરો થઇ શકશે.

અમિતા દોશી નેને, હેડ ઑફ ચેસ્ટ ડિપાર્ટમેન્ટ, બૉમ્બે હૉસ્પિટલ


૨૦૨૫ સુધીમાં ટીબીમુક્ત ભારત શક્ય છે? : સંપૂર્ણ અશક્ય છે. ભારતમાં આજે ટીબીની જે હાલત છે એ ઘણી જ વકરેલી છે. આ ૨૦૨૫ના મિશનથી ઊલટો ડર એ છે કે ટીબી વધુ વકરી ન જાય. એને સંપૂર્ણ રીતે ખતમ કરવાની ઉતાવળમાં એ વધુ પેચીદો અને વ્યાપક બની જશે એ ભય મોટા ભાગના મેડિકલ ફીલ્ડના જાણકાર લોકોને લાગે છે.

શું કરવું જોઈએ? : ટીબી જનરલ રોગ નથી. દરેકને એક જ પ્રકારની ગોળીઓ અને એક જ પ્રકારની ટ્રીટમેન્ટ આપવાથી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીનો ભય વધે છે. આજે કોઈ પણ ટીબીનો દરદી આવે તો પહેલાં તેની ટીબીની નૉર્મલ દવાઓ ચાલુ કરી દેવામાં આવે છે. પાંચ-છ મહિના સુધી જો તેને એ દવા અસર ન કરે તો ટેસ્ટ કરાવવામાં આવે છે અને પછી તેને ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીની દવા આપવામાં આવે છે. ત્યાં સુધીમાં તેનો ટીબી વકરી જાય છે. મુંબઈમાં આપણને ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીનો ઘણો મોટો ભય છે. આવામાં દરેક વ્યક્તિની અમુક જરૂરી ટેસ્ટ પહેલી વારમાં જ કરાવી લેવી જોઈએ જેથી ખબર પડે કે વ્યક્તિ પર કઈ દવા કામ લાગશે અને તેને એ જ દવા આપવામાં આવે તો જ ટીબી જડથી ખતમ થશે. નહીં તો આ રીતે દવાઓ આપ્યા કરીશું તો એ ખૂબ વકરશે. ટીબીનો ઇલાજ સાવર્જશનિક ન હોઈ શકે. એ વ્યક્તિગત કરવો જ પડશે.

આંકડાઓ


દુનિયાભરમાં નોંધાતા ટીબીના કેસમાંથી ૨૪ ટકા ટીબીના કેસ ફક્ત ભારતમાં જોવા મળે છે. ટીબીને કારણે ૪,૮૦,૦૦૦થી લઈને ૫,૦૦,૦૦૦ જેટલા લોકો દર વર્ષે મરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન મુજબ ઇન્ફેક્શન ફેલાવતા રોગોમાં ટીબી સૌથી મોખરે છે જેને કારણે દુનિયામાં દરરોજ ૫૦૦૦ લોકો મરી રહ્યા છે. દુનિયામાં મૃત્યુનાં કારણોમાં મોખરે હોય એવાં પહેલાં દસ કારણોમાં ટીબીનો સમાવેશ છે. દસથી પંદર ટકા ટીબીના દરદીઓ ૧૪ વર્ષથી નીચેનાં બાળકો છે. ભારતમાં લગભગ દર વર્ષે ૮૨,૦૦૦ બાળકો આ રોગનો ભોગ બને છે.

મુંબઈના પ્રજા ફાઉન્ડેશન દ્વારા કરાયેલી રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ હેઠળની અરજી મુજબ ૨૦૧૬-’૧૭માં કુલ ૬૪૭૨ લોકો ટીબીને કારણે મૃત્યુ પામ્યા હતા જેનો અર્થ એ થયો કે મુંબઈમાં દરરોજ ૧૮ લોકો ટીબીને કારણે મૃત્યુ પામે છે. ૨૦૧૨-’૧૩માં ૫૦,૦૦૧ લોકો ટીબીને કારણે મૃત્યુ પામ્યા હતા. આમ ટીબીના મૃત્યુઆંકમાં ૩૭ ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ આંકડાઓ મુજબ ૨૦૧૨માં ૩૦,૮૨૮ લોકોએ ડૉટ્સ જેને ટીબીનો સ્ટાન્ડર્ડ ઇલાજ માનવામાં આવે છે એ લીધો હતો, જ્યારે એની સંખ્યા ૨૦૧૬માં ૧૫,૭૬૭ થઈ ગઈ હતી. આમ ઇલાજમાં પણ પચાસ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.

શેરીનાટક દ્વારા ફેલાવવામાં આવતી જાગૃતિ

ટીબી વિરુદ્ધ લડવું હોય તો જરૂરી છે કે સમાજની દરેક વ્યક્તિએ આગળ આવવું પડશે. એમાં યુવાનોનો સહભાગ અત્યંત જરૂરી છે. ખાસ કરીને લોકોને જાગૃત કરવામાં તેમનો ફાળો મહત્વનો હોઈ શકે છે. દરેક કૉલેજમાં NSS (નૅશનલ સર્વિસ સ્કીમ) ચાલે છે જે અંતર્ગત યુવાનો જુદી-જુદી પ્રવૃત્તિમાં ભાગ લેતા હોય છે. હાલમાં વિવેક કૉલેજ ઑફ કૉમર્સ, ગોરેગામના ફ્લ્લ્ના વિદ્યાર્થીઓએ ટીબી માટે લોકો જાગૃત થાય એ માટે એક શેરીનાટક બનાવ્યું છે. અભિષેક સાલવનકર અને કે. ગોકુલ નામના બન્ને વિદ્યાર્થીઓએ આ નાટક લખીને તૈયાર કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. માર્ચ મહિનાથી એ જુદા-જુદા વિસ્તારોમાં ભજવાઈ રહ્યું છે. હાલમાં તેમની પરીક્ષાઓ ચાલુ હોવાથી એ લોકો રોકાઈ ગયા છે. જેવી પરીક્ષાઓ પતે એ પછી ફરીથી શરૂ કરશે. દસ દિવસ પહેલાં કાંદિવલીની ૫૧ જુદી-જુદી સોસાયટીઓમાં તેઓ આ શેરીનાટક ભજવી ચૂક્યા છે. આ બાબતે વાત કરતાં અભિષેક સાલવનકર કહે છે, ‘લોકોમાં જાગૃતિ ફેલાય એ જરૂરી છે અને શેરીનાટકથી વધુ સારી રીત આ બાબતે કોઈ બીજી નથી. અમને ખુશી છે કે આ રીતે અમે દેશ માટે કામ કરીએ છીએ.’

૫૦,૦૦૦ વર્ષ પહેલાં જે અશ્મિઓ મળે છે એમાં પણ ટીબીના જંતુઓ મળ્યા છે. આ રોગ એટલો જૂનો છે. જોકે મેડિકલ સાયન્સમાં ૬૦થી ૭૦ વર્ષ પહેલાં જ એ વ્યાખ્યાયિત થયો છે

- ડૉ. એ.આર.કે. પિલ્લે, ઍક્ટિવિસ્ટ

અમને લાગે છે કે લોકોમાં ટીબી બાબતે ખાસ જાગૃતિ જ નથી. હોય તો પણ લોકો આ રોગનાં લક્ષણોને ગંભીરતાથી લેતા નથી. આ માટે ઘણું કામ થયું છે અને હજી ઘણું કરવાનું છે

- ડૉ. નારાયણ ઐયર, ઍક્ટિવિસ્ટ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK