અમર શાહ, અકબર જોશી અને ઍન્થની ચોથાણી; આ પ્રકારનાં નામ તમે ક્યારેય સાંભળ્યાં છે?

મોટા ભાઈ તરીકે રાજેશભાઈ નાનકા ભાઈ તુષારને વહાલથી મારે ત્યારે આંગળીના ટેરવે પાકી દોસ્તીનો નાતો બંધાઈ જાય.

tushar1

જીવન ડાયરી - રાજેશ જોશી રાઇટર, ડિરેક્ટર, ઍક્ટર

સેજલ પોન્દા - પ્રકરણ ૨


બેસ્ટ ફ્રેન્ડ જેવા આ બે ભાઈઓની કપડાં પહેરવાની સ્ટાઇલ એકસરખી જ. રવિવારે સવારે પોણાસાત વાગ્યે બન્ને ભાઈઓ આઝાદ મેદાન પર મિત્રો સાથે ક્રિકેટ રમવાની મજા માણે ત્યારે જોડિયા ભાઈ જેવા જ લાગે.

નાનકાનો નકશો

રાજેશભાઈ કહે છે, ‘તુષાર (નાનકો) રમતગમત, ભોજન કે પાડોશના ઘરે ભજન હોય; મારો પીછો જરૂર કરે. ભજનમાં તે તાળી વગાડવાનો ને હું તાલીમ વગર હામોર્નિયમ-તબલાં વગાડવાનો ગર્વ લેતો. એક વાર અમારા ભરતમામા અમદાવાદથી મુંબઈ આવ્યા તો તુષાર મને લીધા વગર બહુ હોંશે-હોંશે મામાને મુંબઈ દર્શન કરવા લઈ ગયો. વળતી વેળા તુષારને ઘરે જવાનો રસ્તો જ ન જડે. મામા બધાને પૂછતાં-પૂછતાં માંડ ઘરે પહોંચ્યા.  રસ્તામાં તુષારને મામાની કેટલીયે વઢ અને ટપલીઓ પડી હશે એ તો તુષાર જ જાણે.’

ઓ માડી રે!


રાજેશભાઈ કહે છે, ‘મોટા ભાઈનાં લગ્ન વખતે મારાં અને તુષારનાં કપડાં સરખાં હતાં. તેમનાં લગ્નમાં મારી અને તુષારની જનોઈવિધિ સંપન્ન થઈ. મોટા ભાઈ લગ્ન કરી રાજકોટ સ્થાયી થયા ત્યારે દિવાળીમાં મોટા ભાઈની ઊણપ ખાસ વર્તાતી. મોટા ભાઈ અહીં હતા નહીં એટલે ફટાકડામાં મારા અને તુષારના એમ બે ભાગ પડતા. દિવાળી માટે મમ્મીએ ચાલીસ રૂપિયાનું ફટાકડાનું બજેટ રાખ્યું હોય. તારામંડળ, ફુવારા, ચકરી, ટેટા છેક બેસતા વર્ષ સુધી અમે સાચવી-સાચવીને ફોડતા. મેં એક દિવાળીએ સાપની ગોળીઓ હાથમાં રાખી પેટાવી અને મારી હથેળી બળવા લાગી. મેં જોરથી ચીસ પાડી. મમ્મીએ જલદીથી બર્નોલની આખી ટ્યુબ મારી હથેળીએ ચોપડી દીધી. માનો હૂંફાળો સ્પર્શ અને હાથના ફોલ્લામાંથી કોણ જીતે એ કહેવાની જરૂર ખરી?’

શગન, બદામપૂરી ને પેપરમિન્ટ

બાળપણની નવા વર્ષની ઉજવણી રાજેશભાઈ વાગોળે છે, ‘બેસતું વર્ષ મારું અતિ પ્રિય. આ દિવસે સવારે ચાર વાગ્યે મમ્મી ઉઠાડી દે. ‘દિવાળીનાં શગન લ્યો’ એવી બૂમ અમને બાળમિત્રોને ‘દિવાળીના છગન’ નામે સંભળાતી. સવારે નાહીને નવાં કપડાં પહેરી અમે મમ્મી-પપ્પા સાથે માધવબાગમાં દર્શન કરવા જતા. બેસતા વર્ષના દિવસ માટે મમ્મી ખાસ મારા અને તુષાર માટે ટશિયા ફૂટે એવી ઇસ્ત્રીવાળું પૅન્ટ અને શર્ટ લાવી હોય. એ પહેરીને મને શ્રીમંતોના ઠાઠ જેવી અનુભૂતિ થતી. આ દિવસે સવારે અગાસીમાં ફટાકડા ફોડી અમે મિત્રો ઘરે-ઘરે સાલમુબારક કરવા જતા. એમાંય જે ઘરમાં બદામપૂરી કે પેપરમિન્ટ હોય ત્યાં અમે રિપીટ ટેલિકાસ્ટની જેમ ૩-૪ વાર જઈ નવા વર્ષનું પગે લાગતા અને મનગમતી મીઠાઈ આરોગતા.’

તારું મારું સહિયારું

ચાલી સિસ્ટમની એકતા અને સહિયારાપણાની વાત રાજેશભાઈ કરે છે, ‘ચાલીમાં દરેક ઘર પોતીકાં જ લાગતાં. કોઈ રોકટોક નહીં. જમવાના સમયે આવકાર ન મળે તો જ નવાઈ! હું અને અજિત ક્યારેક એક જ થાળીમાં જમતા. ચાલીની સામે ચંદાવાડીમાં તુષારનો ફ્રેન્ડ પ્રકાશ કાપડિયા (અત્યારે તે પ્રખ્યાત લેખક છે) રહેતો. તેનાં મમ્મી અલગ-અલગ પ્રકારનું મહારાષ્ટ્રિયન સ્ટાઇલનું જમવાનું બનાવતાં. તેમના હાથનંા ગ્રીન, વાઇટ, લાલ ગ્રેવીનું શાક અમને બહુ ભાવતું. પ્રકાશના ઘરે જતાં જ હીંચકે હીંચકવાનું, કૅરમ રમવાનું અને ભરપેટ જમવાનું. મજા જ મજા.’

આવું કરાય?

એક અણસમજુ ઍડ્વેન્ચરની વાત રાજેશભાઈ શૅર કરે છે, ‘અમે ચાલીના મિત્રો અગાસીમાં ક્રિકેટ રમતા. બૉલ નીચે પડે તો પાઇપથી નીચે ઊતરતા. એ વખતે ખ્યાલ નહોતો કે એ પગલું કેટલું જોખમી હતું. અમે થપ્પો રમતી વખતે નળિયા પકડીને છુપાઈ જતા. જો હાથ છૂટે તો સીધા નીચે રસ્તા પર ફેંકાઈ જવાની શક્યતા હતી. એ અમારી અણસમજુ બેફિકરાઈ હતી. ઉત્તરાયણમાં અમે ત્રીજા માળની પાળ પર ચડી પતંગ પકડતા. પડવાના કે આકસ્મિક ઘટનાના ભયની અમને કલ્પના જ નહોતી. આજે એ દિવસો યાદ કરું છું તો થથરી જાઉં છું. બાળકોએ આવાં ડેન્જરસ ઍડ્વેન્ચર ક્યારેય ન કરવાં જોઈએ.’

tushar

બાઈ કબીબાઈ

એ વખતે અગિયારમું ધોરણ સ્કૂલમાં પતાવી બારમા ધોરણથી કૉલેજમાં જઈ શકાય એવી પ્રણાલી હતી. આઇડિયલ હાઈ સ્કૂલમાં અગિયારમું ધોરણ નહોતું એટલે રાજેશભાઈએ SSC પછી ઍડ્મિશન લીધું બાઈ કબીબાઈ જેવી હાયર સ્ટાન્ડર્ડની સ્કૂલમાં. રાજેશભાઈ કહે છે, ‘કબીબાઈનું ઉચ્ચ શૈક્ષણિક સ્તર મારા ભણતર સાથે મૅચ નહોતું થતું. અંગ્રેજીમાં જવાબ આપવાના હોય તો હું નહોતો આપી શકતો અને મને સતત લઘુતાગ્રંથિ થતી. પણ મેં એ ચૅલેન્જ સ્વીકારી અને મહેનત કરતાં-કરતાં પાસ થઈ ગયો. બારમા ધોરણમાં મેં ઍડ્મિશન લીધું સિદ્ધાર્થ કૉલેજમાં.’

અમર, અકબર, ઍન્થની


રાજેશભાઈ કૉલેજના પ્રથમ દિવસનો યાદગાર કિસ્સો શૅર કરે છે, ‘સિદ્ધાર્થ કૉલેજમાં ક્લાસમાં પહેલા જ દિવસે મને ધર્મસુખ ચોથાણી (ધર્મેશ) અને ઉમેશ શાહ મળ્યા. અમે ત્રણેય સૌથી છેલ્લી બેન્ચ પર સાથે બેઠા હતા. પ્રોફેસરે ક્લાસના બાવન સ્ટુડન્ટને પોતપોતાની ઓળખ આપવા કહ્યું. હવે આટલાબધા સ્ટુડન્ટનાં નામ તો પ્રોફેસરને કેમ યાદ રહે? છેલ્લી બેન્ચ પર બેસી અમે વિચારતા હતા કે અમે એવું શું કહીએ કે પ્રોફેસરને અમારાં નામ હંમેશ માટે યાદ રહી જાય. અમારો વારો આવ્યો. ઉમેશને નામ પૂછતાં તેણે કહ્યું : અમર શાહ. મને નામ પૂછતાં મેં કહ્યું : અકબર જોશી. અને ધર્મેશને પૂછતાં તેણે કહ્યું : ઍન્થની ચોથાણી. અચંબિત પ્રોફેસરની સાથે આખો ક્લાસ હસવા લાગ્યો. પ્રોફેસરને અમારા અતરંગી નામની મસ્તી અને ચહેરા સદાય યાદ રહી ગયાં.’ 

ધર્મેશ, ઉમેશ, રાજેશ

કૉલેજની મસ્તી યાદ કરતાં રાજેશભાઈ કહે છે, ‘અમારા ગ્રુપમાં વર્ગમાં ભણતી લતા અને હેમાંગિની પણ જોડાઈ. અમે બધાં વર્ગમાં સાથે જ બેસતાં. ધર્મેશના દાંત આગળ એટલે તે નૉર્મલ બેઠો હોય તોય હસતો હોય એવું જ લાગે. દર વખતે પ્રોફેસર તેને ટોકે અને અમને મજા પડે. એક વખતે અંગ્રેજીના પ્રોફેસર બોલ્યા : આઇ વૉઝ સ્ટાર્ટેડ ફ્રૉમ ટુમૉરો. અમને થયું, આમાં તો અમને જે આવડતું હશે એ પણ ભૂલી જઈશું. એટલે સૌથી પહેલાં ઉમેશ મને બુક પકડાવી ચાલતો થયો. પ્રોફેસરે પૂછ્યું તો ઉમેશે ચોખ્ખું કહી દીધું કે તે ફિલ્મ જોવા જાય છે. થોડી વાર પછી ધર્મેશે એમ કહી ચાલતી પકડી કે તે ઉમેશ સાથે જાય છે. પછી લતા નીકળી. અને પછી મેં જવાનો ઇશારો કર્યો તો પ્રોફેસરે કહ્યું : નો પ્રૉબ્લેમ, ગો.

એક નવો ચહેરો

રાજેશભાઈ કહે છે, ‘હું અને ધર્મેશ અકાઉન્ટનાં લેક્ચર બંક કરી ઇન્ટરકૉલેજિએટ ડ્રામા જોવા નીકળી પડતા. લતેશ શાહ, પરેશ રાવલ, દર્શન જરીવાલાનાં નાટકો જોવાની મજા પડતી. મનેય મારી કૉલેજમાં ઇન્ટરકૉલેજિએટ ડ્રામા કરવાની ઇચ્છા થઈ. અને મેં ગ્રુપ બનાવ્યું. ડિરેક્શન માટે હું મારા ફૅમિલી-ફ્રેન્ડ અશોક ઠક્કરને લઈ આવ્યો. હું મેઇન વિલનનો રોલ કરતો. અમને ફીમેલ ઍક્ટ્રેસની જરૂર હતી. મેં નોટિસ બોર્ડ પર નોટિસ મૂકી કે ડ્રામા માટે એક ફીમેલ આર્ટિસ્ટની જરૂર છે. અને અમને એક નામ મળ્યું સુરાલી ઢેબર.’

મિલે સુર મેરા તુમ્હારા

રાજેશભાઈ પોતાની જ કૉલેજમાં ભણતી અને પોતાનાથી જુનિયર સુરાલી ઢેબરને મળવા ગયા એ વાત યાદ કરતાં કહે છે, ‘સુરાલીએ ત્યારે ગ્રીન કલરનું પઠાણી પહેર્યું હતું. આંખે મોટાં ચશ્માં હતાં. મેં તેની સાથે વાતચીત કરી અને બપોરે નાટકની ચર્ચા માટે અમે બધાં ભેગાં થયાં. રિહર્સલ શરૂ થયાં. સુરાલી તો વન્ડરફુલ ડાન્સર. હું તેને ઍક્ટિંગના પાઠ શીખવતો. રિહર્સલ દરમ્યાન મારી અને સુરાલીની સારી મૈત્રી થઈ ગઈ. સ્ક્રિપ્ટ ન જામતાં અમે નાટક તો પડતું મૂક્યું, પણ અહીંથી મારી અને સુરાલી વચ્ચે લાઇકિંગનો શુભારંભ થયો’.

મંગલસૂત્ર

રાજેશ જોશી અને સુરાલી ઢેબરની દોસ્તી આગળ વધી રહી હતી. ચા-કૉફીની ચૂસકી લેતાં- લેતાં બન્ને ભવિષ્યનાં સપનાં જોવા લાગ્યાં હતાં. રાજેશભાઈ કહે છે, ‘અમે બન્ને સાથે લાઇબ્રેરીમાં બેસતાં, ફરવા જતાં, સાથે વડાપાંઉ ખાતાં. અમે પહેલી વાર સાથે ફિલ્મ જોવા ગયાં. નામ હતું ‘મંગલસૂત્ર’. ફિલ્મ શરૂ થઈ પછી ખબર પડી કે હૉરર ફિલ્મ છે, પણ શું થાય!’

અણગમો નહીં, પણ આત્મીયતા

રાજેશભાઈ કહે છે, ‘મારું થર્ડ યર પૂરું થતાં મારા અને સુરાલીના કૉલેજમાં મળવાના દિવસો પૂરા થયા. અમે સવારે દસ વાગ્યે ચર્નીરોડ પર મળવાનો સમય નક્કી કર્યો હોય ત્યારે હું ઘરે સૂતો હોઉં. સુરાલી ચર્નીરોડ સ્ટેશનથી મને ફોન કરતી. એમાંય મારા ઘરે તો ફોન નહીં. પાડોશનાં માસી ફોન આવે કે મને બોલાવવા આવે અને હું ફટાફટ નાહીને તૈયાર થઈ ભાગતો. સુરાલી કલાકથી વેઇટ કરતી હોય, પણ હું પહોંચું ત્યારે કોઈ ફરિયાદ કે અણગમો તેના વર્તનમાં વર્તાય નહીં. એક દિવસ મેં સુરાલીને ઘરે બોલાવી મમ્મી સાથે ઓળખાણ કરાવી. મારા મિત્રોએ મમ્મીના કાનમાં અમારા બન્નેની આત્મીયતાની વાત નાખી દીધેલી. સુરાલી ઘરે આવતી-જતી થઈ એટલે મમ્મી સાથે તેનો ઘરોબો બંધાતો ગયો. પણ અમે બન્નેએ ઑફિશ્યલી અમારા પ્રેમને જાહેર કર્યો નહોતો.’

સુરાલીનો તાર

થર્ડ યરમાં ૫૪ ટકા આવતાં રાજેશભાઈને CAની આર્ટિકલશિપ માટે યોગ્યતા મળી ગઈ. વિનોદ આર. મોમૈયા કંપનીમાં તેમની આર્ટિકલશિપ શરૂ થઈ. મહિનાનો સાઠ રૂપિયા પગાર મળતો. રાજેશભાઈ કહે છે, ‘નોકરીમાંથી મને ઑડિટ માટે હુબલી મોકલવામાં આવ્યો અને ત્યાં જ સુરાલીનો તાર આવ્યો કે તેનાં મમ્મી-પપ્પા મને મળવા માગે છે. સુરાલીના તારે મારા પ્રેમના તારને ઝણઝણાવી દીધા. સુરાલીના પેરન્ટ્સને મળવાના ઉત્સાહ અને ઉચાટ બન્ને હતા. હુબલીથી આવ્યા બાદ હું ઉમેશને લઈ પહોંચ્યો સુરાલીના ઘરે.’

સપોર્ટ-સિસ્ટમ જેવો મિત્ર નિર્દોષ અપરિપક્વતાને કારણે ભોપાળું વાળે ત્યારે કેવા હાલ થાય! સુરાલી ઢેબરના ઘરે પહોંચતાં એવી એક ગરબડ રાજેશભાઈના મિત્ર ઉમેશે કરી એની વાત આવતા રવિવારે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK