ક્યાંક જીવનભરની સજા ન બની જાય એક રાતની મજા

થર્ટીફર્સ્ટની ઉજવણી કરો, મસ્તીમજા કરો; પણ સહેજ સંભાળીને. એક જ ન્યુ યર પાર્ટીએ સંતાનો અને તેમનાં માતા-પિતાઓ માટે જીવનભરનું દોજખ ઊભું કર્યું હોય એવી ઘટનાઓ વધી રહી છે

party

રુચિતા શાહ

તમારી યાદશક્તિ સારી હશે તો તમને યાદ હશે કે ૨૦૧૭ની પહેલી તારીખે હૅપી ન્યુ યર સાથે એક કમનસીબ ઘટનાના સમાચારે ટીવી-ચૅનલો અને અખબારોના માધ્યમે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. બૅન્ગલોરમાં એક ન્યુ યર ગૅધરિંગમાં અનેક યુવતીઓ મૅસિવ મૉલેસ્ટેશનનો ભોગ બની હતી. હજારોની સંખ્યામાં લોકો નવા વર્ષને વધાવવા માટે ભેગા થયા હતા અને એ જનમેદનીને ધ્યાનમાં રાખીને લગભગ ૧૫૦૦થી વધુ પોલીસ-કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. તેમના નાક નીચે આ ઘટનાઓ ઘટી અને તેઓ કંઈ જ ન કરી શક્યા, કારણ કે ભીડનો લાભ લઈને કેટલાક વિકૃત લોકોએ પોતાની મેલી મુરાદો પૂરી કરી હતી. આ મૉલેસ્ટેશનનો ભોગ બનેલી ૧૯ વર્ષર્ની એક યુવતીએ શૅર કરેલું સ્ટેટમેન્ટ કંઈક નીચે મુજબનું હતું.

હું પહેલી વાર ન્યુ યર પાર્ટી માટે બહાર નીકળી હતી. અમે લોકો સાત ફ્રેન્ડ્સ હતા. અમારી પાસે દારૂ વગેરે પણ નહોતાં અને કપડાં પણ અમે ખૂબ ડીસન્ટ પહેરેલાં જેથી કોઈ ખોટી મુસીબતમાં ન પડીએ. અમે નક્કી કરેલું કે ભીડમાં ધક્કામુક્કી થશે એટલે એવી જગ્યાએ રહીએ જ્યાં ઓછું ક્રાઉડ હોય. જોકે એ પછી પણ અમે ફ્રેન્ડ્સ મ્યુઝિક પર ડાન્સ કરતા હતા ત્યાં સાઇડમાંથી એક છોકરાએ આવીને મારી છાતીનો સ્પર્શ કરવા માંડ્યો. હું એકદમ ડઘાઈ ગઈ અને રિફ્લેક્સ ઍક્શન તરીકે મારા હાથમાં રહેલા કોકાકોલાનો ગ્લાસ મેં તેના પર ફેંક્યો. હજી તો હું કંઈ બૂમબરાડા પાડું કે અકળામણ જતાવું એ પહેલાં જ તે ભીડમાં અદૃશ્ય થઈ ગયો. હું સહેજ ગભરાયેલી હતી અને મારા ફ્રેન્ડ્સ પણ આ બનાવથી ગુસ્સે ભરાયા હતા, પણ મારે બધાનું ન્યુ યર નહોતું બગાડવું એટલે આ ઘટના પછી પણ અમે એ સ્થળે રહ્યા. આ વખતે મારા મિત્રો અને મારા બૉયફ્રેન્ડે મને વચ્ચે રાખી હતી જેથી કોઈ બહારની વ્યક્તિ એ ચેઇન તોડીને હાથચાલાકી ન કરી શકે. જોકે એ પછી પણ દારૂના નશામાં ચૂર થયેલો એક માણસ પાછળથી આવીને ગંદો સ્પર્શ કરવા માંડ્યો. તેના ચહેરા પર વિકૃત હાસ્ય હતું. તેને જોઈને હું રડવા માંડી એટલે બીજા મિત્રોનું મારા પર ધ્યાન ગયું. જોકે કોઈ કંઈ કરે એ પહેલાં તે પણ ભીડમાં ખોવાઈ ગયો. મારા જીવનનો આ સૌથી વધુ ટૉર્ચરિંગ કિસ્સો છે જેમાં મારા નિકટના લોકો મારી સાથે હતા, પોલીસ-બંદોબસ્ત હતો અને અમે પૂરતી સાવધાની રાખી હતી છતાં...

આ વર્ષના પહેલા જ દિવસે બનેલા આ બનાવ બદલ દેશભરમાં ઘોર વિરોધ થયો હતો. ભોગ બનેલી યુવતીના શબ્દો સાચા ગણીએ તો એવું પણ માનવું પડે કે તમારી તમામ સાવધાનીઓ પછી પણ ભીડનો લાભ લઈને નશામાં ચૂર લોકો પોતાની ગંદી હરકતોને અંજામ આપી જ દેતા હોય છે. છેલ્લા કેટલાક અરસામાં આપણે ત્યાં યંગસ્ટર્સમાં થર્ટીફર્સ્ટ નાઇટનું સેલિબ્રેશન બહુ મોટા મહોત્સવ સમાન ગણવામાં આવે છે. આજે સ્થિતિ એ છે કે હજારો રૂપિયા ખર્ચીને આ એક રાત્રિને રંગીન બનાવવા માટે યુવાવર્ગ કોઈ પણ કક્ષાએ જવા તૈયાર થઈ જતો હોય છે. ફ્રેન્ડ્સ સાથે એન્જૉય કરવાનો આ એક જ દિવસ છે. પાર્ટીમાં નાચગાન અને દારૂશારૂ સાથે નવા વર્ષનું સ્વાગત કરવાનો આ કેવો શિરસ્તો છે એ તો એ જ લોકો જાણે. એની ટીકા કરવામાં તમે વેદિયા સાબિત થાઓ એવી પૂરી સંભાવના છે. ખેર, માની પણ લઈએ કે સેલિબ્રેશન વ્યક્તિની નિજી પસંદનો મામલો છે. કોઈકને દારૂ પીને એન્જૉયમેન્ટ મળતું હોય તો એમાં આડા ફાટવાનો આપણને કોઈ અધિકાર નથી. એના નફા-નુકસાનની વાતો કરીને આપણું મોટાપણું સાબિત કરવાના પ્રયત્નો પણ ન કરવા જોઈએ. જોકે ન્યુ યર પાર્ટીના નામે આજે દેશભરમાં જે પ્રકારનો માહોલ ઊભો થયો છે અને આંકડાકીય રીતે પણ એનાં ગંભીર પરિણામો દેખાઈ રહ્યાં છે એની ચર્ચા તો થવી જ જોઈએ. આ એક પાર્ટી ઘણા યુવાનોને પર્મનન્ટ બરબાદી તરફ વાળી દે એવા પણ સેંકડો કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ ન્યુ યર નાઇટ દરમ્યાન ડ્રન્કન ડ્રાઇવિંગના કિસ્સાઓમાં લગભગ ૭૮ ટકાનો વધારો હોય છે. ટ્રાફિક-પોલીસે દર્શાવેલા આંકડા મુજબ ડ્રન્કન ડ્રાઇવિંગના ૭૦૦થી વધુ કેસ નોંધાયા હતા. માત્ર એક રાતના આ આંકડા છે. ગયા વર્ષે ન્યુ યર પાર્ટીમાં હાજરી આપવા ગયેલો ૪૨ વર્ષનો ગૌતમ ગુપ્તા નામનો બિઝનેસમૅન વસોર્વાની પાર્ટીમાં બૂરી તરહથી પિટાયો હતો તેમ જ તેની પાસે રહેલી તમામ કીમતી વસ્તુઓ ચોરી લેવામાં આવી હતી. આ મુદ્દો છાપે ચડ્યો હતો, પણ પાર્ટીમાં દારૂ પીને દંગલ મચાવનારા આરોપીઓને પકડવામાં કોઈ સફળતા પોલીસને મળી નહોતી. ગયા વર્ષની ન્યુ યર પાર્ટીમાં ચેન્નઈમાં લગભગ ૯૦૦ જેટલા રોડ-ઍક્સિડન્ટના કિસ્સાઓ નોંધાયા હતા, જેમાં સાત લોકોએ જાન ગુમાવ્યો હતો અને બાકીનામાંથી ૧૨૦ લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. આ આંકડા રાત્રે બારથી સવારે આઠ વાગ્યા સુધીના છે. ન્યુ યર ઈવની આસપાસના સમયગાળામાં ડ્રગ્સની મોટી ઉચાપત થતી હોય છે અને સેંકડો વાર પોલીસે રેઇડ દ્વારા આવો માલ પકડ્યો છે. દારૂ, ડ્રગ્સ અને મોજમજાની તીવþ ઉત્કંઠાએ આજે અરબોનો બિઝનેસ બન્યો છે જેમાં સાચા-ખોટાનું ભાન ભૂલીને લોકો પૈસા કમાવાની લાલચમાં ગમે તે હદ વટાવી રહ્યા છે ત્યારે એક રાતની પાર્ટીનું સેલિબ્રેશન તમને અકલ્પનીય કીચડમાં ધકેલી શકે છે અને તમારા જીવનનું, તમારા ભવિષ્યનું કે તમારા પરિવારનું નિકંદન ન કાઢી નાખે એટલી સતર્કતા અને સાવધાની રાખવી પડશે.

આ એક રાત ખૂબ ભારી

ભૂતપૂર્વ પોલીસ-અધિકારી અને હવે સામાજિક કાયોર્માં સક્રિય એવા વસંત ઢોબળેને ન્યુ યર પાર્ટીમાં ચાલતાં કુકર્મોનો ફર્સ્ટ હૅન્ડ અનુભવ છે. અત્યાર સુધી અઢળક રેવ પાર્ટીમાં રેઇડ પાડીને ગુનેગારોને રંગે હાથ પકડી ચૂકેલા આ પોલીસ-અધિકારી હાથ જોડીને કહે છે કે તમારાં સંતાનોનું હિત ચાહતા હો તો તેમને ન્યુ યરની આ એક પાર્ટીમાં બહાર ન જવા દો, યેન-કેન પ્રકારેણ આ એક રાત તેમને રોકી લો. એનાં સજ્જડ કારણ આપતાં તે કહે છે, ‘ન્યુ યરની મોટા ભાગની પાર્ટીમાં હાર્ડ ડ્રિન્ક્સ અને ડ્રગ્સની અવેલેબિલિટી હોય જ છે. નવાસવા યંગસ્ટર્સને ભોળવીને પીવડાવવાની ફિલ્મી લાગતી પરંપરા આજે પણ યુવાનોના ગ્રુપમાં જોવા મળી રહી છે. લેટ નાઇટ પાર્ટીમાં રહેતી છોકરીઓને તેમની સહમતી હોય કે ન હોય પણ ફિઝિકલી અબ્યુઝ કરવાના, થોડાક ટાઇમ માટે કિડનૅપ કરીને રેપ કરવાના કિસ્સાઓ પણ આ પાર્ટીઓ દરમ્યાન પુષ્કળ બનતા હોય છે. જોકે સમાજના ડરથી ઘણા કિસ્સાઓ પોલીસ-સ્ટેશન સુધી નથી પહોંચતા. ડ્રન્કન ડ્રાઇવિંગને કારણે રોડ-ઍક્સિડન્ટના કિસ્સાઓ ખૂબ બને છે. દારૂનું બ્લૅક-માર્કેટિંગ થાય છે તેમ જ એની તીવþ ડિમાન્ડને કારણે નકલી દારૂનું વેચાણ પણ ભરપૂર થાય છે. છેલ્લાં દસ વર્ષના રેકૉર્ડ ચેક કરશો તો ખબર પડશે કે બનાવટી દારૂને કારણે સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે. આ દારૂને સ્ટ્રૉન્ગ બનાવવા માટે ટર્પેન્ટાઇલ જેવી પેટ્રોલિયમ પ્રોડક્ટ એમાં ઉમેરવામાં આવે છે જેના અતિસેવનથી લોકોનાં મૃત્યુ નીપજ્યાના કિસ્સાઓ મેં મારી સગી આંખે જોયા છે. આવી ઘણી પાર્ટી પર મેં જાતે રેઇડ પાડી છે અને મેં જોયું છે કે અમારા પહોંચ્યા પછી પણ ટીનેજરો પોતાની જ મસ્તીમાં મસ્ત હોય છે. તેમને બોલવાના હોશકોશ હોતા નથી. પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે પોતાના પગ પર ઊભા રહેવાની તેમની ત્રેવડ નથી હોતી. લથડાતી-અથડાતી તેમની ચાલને કારણે સ્વાભાવિક રીતે તેમનો ગેરલાભ લેનારા લોકોને સામે ચાલીને તક મળી જાય છે. આજે આ પાર્ટીને આખી રાતની પરમિશન મળી છે, પરંતુ એ પરમિશનની સાથે પણ કેટલાક કોડ ઍન્ડ કન્કડક્ટ તેમણે પાળવાના હોય છે જેના તરફ તેમનું કોઈ ધ્યાન નથી હોતું. નિયમોનું બેફામ ઉલ્લંઘન થતું હોય છે.’

આ પ્રકારની રેવ પાર્ટી અને પબ પાર્ટી સસ્તી નથી હોતી. હજારો રૂપિયા હોય ત્યારે તમે અંદર એન્ટ્રી લઈ શકતા હો છો અને આ જગ્યાઓએ નિયમિત ધોરણે પણ ડ્રગ્સ વગેરે ઉપલબ્ધ થઈ જતા હોય છે, પણ થર્ટીફર્સ્ટની નાઇટ તો જાણે આ બધી જ બાબતો માટે લાઇસન્સવાળી રાત હોય એમ છૂટા દોરે એનો ઉપયોગ થાય છે. ડ્રગ્સ અને આલ્કોહૉલના બંધાણીઓને છેલ્લાં ૩૦ વર્ષથી રીહૅબિલિટેટ કરવામાં સક્રિય એવા જિતેશ શાહ પાસે એવા અઢળક કિસ્સાઓ છે, જેમાં માત્ર એક જ રાતની ડ્રગ્સની લતે યુવાનોની જિંદગી બરબાદ કરી નાખી હોય. એનું વર્ણન કરતાં જિતેશભાઈ કહે છે, ‘ત્રણ વર્ષ પહેલાંની વાત છે. એક છોકરો જેણે ક્યારેય દારૂ નથી પીધો તેણે એક વાર બિઅર ચાખેલો, પણ સ્વાદ ન ગમતાં તેણે ક્યારેય એના પર હાથ ન અજમાવ્યો. એ સમયે લગભગ તેર વર્ષનો હતો અને ફ્રેન્ડ્સની દેખાદેખીમાં એક ડિસ્કોમાં થર્ટીફર્સ્ટની પાર્ટીમાં ગયો. ત્યાં તેણે મ્યાઉં-મ્યાઉં નામના ટીનેજરોમાં ખૂબ પૉપ્યુલર એવા ડ્રગ્સની એક ટૅબ્લેટ બધાના આગ્રહથી અને માત્ર એક વાર ટ્રાય કરવાથી શું થાય એવું વિચારીને પોતાના કોલ્ડ-ડ્રિન્કમાં ઉમેરીને પી લીધી. એક ટૅબ્લેટમાં કંઈ ન થયું એટલે તેણે ફરી ટ્રાય કરી. લગભગ ત્રણ ડ્રગ્સની ટૅબ્લેટ તેના પેટમાં ગઈ અને તેની તબિયત લથડી. ડ્રગ્સમાં એવું બને કે એક ટૅબ્લેટથી જ યંગસ્ટર્સમાં ભરપૂર એનર્જી આવી જાય છે એટલે આખી રાત પાર્ટીમાં ડાન્સ કરવાનો હોય તો તેઓ થાકતા નથી. આજે આવી પાર્ટીઓમાં કોકેન, ક્રિસ્ટલ મેથ, એમડી એટલે કે મ્યાઉં-મ્યાઉં, ચરસ-ગાંજા જેવાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. પાર્ટીઓમાં મોટે ભાગે થોડાકથી કંઈ ન થાય અથવા તો એક વાર ટ્રાય કરવામાં વાંધો નથી એવું વિચારીને સારા ઘરના છોકરાઓ પણ આ લતના સરળતાથી બંધાણી થઈ જતા હોય છે. ન્યુ યર ઈવ આ પ્રકારના એક્સપરિમેન્ટ માટે ખૂબ પૉપ્યુલર છે, કારણ કે આ પાર્ટીમાં વધુમાં વધુ લોકો આ પ્રકારની ઉત્તેજનાત્મક હરકતોમાં રચ્યાપચ્યા હોય છે. મ્યાઉં-મ્યાઉં જેવાં ડ્રગ્સ તો હાર્ડ્લી વીસ-પચીસ રૂપિયામાં અવેલેબલ હોય છે એટલે યંગસ્ટર્સ એને અફૉર્ડ પણ કરી શકે છે, જેને કારણે પણ એ યુથમાં ખૂબ પૉપ્યુલર બન્યાં છે.’

એ વાત સાવ સાચી છે કે ન્યુ યર ઈવના નામે દારૂના અને ડ્રગ્સના અતિરેકમાં યંગસ્ટર્સ પોતાની લાઇફને દાવ પર મૂકી રહ્યા છે. સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘પાગલપનની માત્ર એક જ રાત ન હોય, પણ થોડું-થોડું પાગલપન રોજ હોવું જોઈએ આ વાત યંગસ્ટર્સને સમજાય એવા પ્રયત્નો કરવા જોઈએ. દારૂથી હાઈ થશો તો લાઇફ હાય- હાય થઈ જશે. એના કરતાં દોસ્તીથી હાઈ થાઓ એ જરૂરી છે. ઇટ્સ કૂલ નૉટ ટુ ડ્રિન્ક એ વાતનો હવે પ્રચાર યુવાનોમાં થવો જોઈએ. પીધા વિના પણ તમે એન્જૉય કરી શકો, ડાન્સ કરી શકો, પાર્ટી કરી શકો. યાદ રહે; તમારું શરીર, મન અને આત્મા સેફ રહે એ રીતે ન્યુ યરનું સેલિબ્રેશન થાય એ જરૂરી છે.’

તમે શું કરશો? - સેજલ મહેતા, કાઉન્સેલર


મા-બાપ માટે ટિપ્સ

૧. જ્યારે પણ તમારું બાળક તમારી પાસે પાર્ટીની પરમિશન માટે આવે તો ઊભા-ઊભા વાત કરવાને બદલે પહેલાં બેસાડીને વાત કરો.

૨. અધવચ્ચે રોક્યા વિના તેની પૂરેપૂરી વાત સાંભળો. દલીલોનું ગમે તેટલું મન થાય તો પણ તેની વાત પૂરી થવા દો. સામેવાળાની વાત સાંભળ્યા વિનાની તમારી દલીલો કોઈ પરિણામ નહીં લાવે.   

૩. હવે તેને પેન અને પેપર આપીને તે જે જગ્યાએ જવાનું કહે છે એનું એક્ઝેક્ટ પોસ્ટલ ઍડ્રેસ, કોણ-કોણ તેની સાથે છે તેમના બધાનાં નામ અને ફોન-નંબર પણ નોંધાવી લો. સાથે જ તેઓ કેવી રીતે જશે અને પાછા આવશે એ પણ લખાવી લો.

૪. ડ્રિન્કિંગ, સ્મોકિંગ કે ડ્રગ્સના સેવન માટે તમે આપેલું એક પણ ભાષણ તે કાને ધરવાના નથી. એટલે કોણ-કોણ ડ્રિન્ક કરે છે એ આડકતરી રીતે પૂછી લો. કદાચ બાળક એનો સાચો જવાબ નહીં આપે, પણ એની ચિંતા નહીં કરો.

૫. ડ્રગ્સ, ડ્રિન્ક્સ અને સ્મોકિંગની પ્રોડક્ટમાં કેવાં તત્વો આવતાં હોય છે અને એ શરીર પર શું અસર કરે છે એનું ક્લિનિકલ નૉલેજ આપો બાળકને. ભાષણ નહીં સાંભળે, પણ ક્લિનિકલ લેવલ પર થતી વાત તે સમજશે.

૬. તેના ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સની ફૅમિલીવાળા સાથે પણ પિકઅપ, ડ્રૉપ અને લોકેશન વિશે વાત કરો. શક્ય હોય તો તમારો પોતાનો ડ્રાઇવર પિકઅપ અને ડ્રૉપ કરે એવી અરેન્જમેન્ટ કરો.

યંગસ્ટર્સ માટે ટિપ્સ


૧. કોઈ પણ વસ્તુ ટ્રાય કરવાનું વિચારતા હો તો પહેલાં એની પૂરેપૂરી વિગતો મેળવી લો. કોઈના આગ્રહમાં આવીને ગમે તે મોઢામાં નાખવાનું જોખમ ક્યારેય ન લો.

૨. જો તમે ક્યારેય આલ્કોહૉલ ટેસ્ટ નથી કર્યો તો એ ટ્રાય કરતાં પહેલાં તમારા પેરન્ટ્સ સાથે અથવા કોઈ તમારાથી મોટું નજીકનું ફૅમિલી-મેમ્બર હોય તેની સાથે આ વિચાર શૅર કરો અને શક્ય હોય તો પાર્ટીના એક વીક પહેલાં એને ટ્રાય કરીને એના માટેના તમારા સેન્સેશનને એક વાર મહસૂસ કરો અને તમારા એ મેન્ટર, ફ્રેન્ડ અથવા ફૅમિલીને બધી જ વાત કહી દો.

૩. તમારી નજર સામે ન બન્યું હોય એવું નૉન-આલ્કોહૉલિક પણ એકેય ડ્રિન્ક ક્યારેય ન પીઓ. ક્યારેય એટલે ક્યારેય નહીં. જૂસ કે કોલ્ડ-ડ્રિન્ક પણ તમારી આંખ સામે ખાલી ગ્લાસમાં ભરાય એ પછી જ એ ગ્લાસને હાથ લગાડો.

૪. તમારા ફોનમાં બે ઇમર્જન્સી નંબર રાખો જે તમારો ફોન લૉક હોય તો પણ તરત જ લગાડી શકાતા હોય.

૫. કંઈક પીધા પછી તમને જો અનઈઝી લાગે તો તાત્કાલિક બરફના ટુકડા તમારા આખા મોઢા પર, હાથ પર, ચહેરા પર ઝડપથી ઘસો અને એકદમ ચિલ્ડ પાણી પીઓ.

કેટલાક ચોંકાવનારા સાવ સાચા કિસ્સા


એક કૉર્પોરેટ કંપનીમાં કામ કરતી ૩૦ વર્ષની યુવતી તેના હસબન્ડ સાથે તેના બૉસના ઘરે યોજાયેલી ન્યુ યર પાર્ટીમાં ગઈ. પાર્ટીમાં બધા જ દારૂના નશામાં ચૂર થયેલા હતા. સવારે જ્યારે ભાન આવ્યું તો પેલી પરિણીત યુવતીને ખબર પડી કે પોતાના હસબન્ડના બૉસના બેડરૂમમાં તે અશોભનીય અવસ્થામાં હતી. વાતની બધાને ખબર પડી અને હાહાકાર મચી ગયો. પતિની નોકરી ગઈ અને પતિ-પત્નીના ડિવૉર્સ થઈ ગયા.

એક અપરિણીત કપલ ન્યુ યર પાર્ટીમાં ગયું. બન્ને જણે સારીએવી માત્રામાં દારૂ પીધો હતો. બાઇક પર પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત નડ્યો. અકસ્માત સ્થળે જ યુવકનું મૃત્યુ થઈ ગયું અને યુવતી છેલ્લાં ત્રણ વર્ષથી મનોચિકિત્સક પાસે ડિપ્રેશનની સારવાર લઈ રહી છે.

ગયા વર્ષે હાઈ પ્રોફેશનલ સ્ટેટસ ધરાવતું એક કપલ ન્યુ યર પાર્ટી માટે બાંદરાની એક હોટેલમાં હતું. બન્ને જણને બધાએ ભેગા થઈને એટલો દારૂ પીવડાવ્યો કે તેઓ ભાન ભૂલીને કઢંગી હાલતમાં પડ્યાં રહ્યાં. સવાર સુધી તેઓ ત્યાંથી ખસ્યાં નહીં એટલે હોટેલના મૅનેજમેન્ટે તેમને કાઢવા માટે પોલીસ બોલાવવી પડી.

એક ૧૯ વર્ષની યુવતી પોતાના બીજા નવ ફ્રેન્ડ્સ સાથે ન્યુ યર પાર્ટી માટે પવઈ ગઈ. રાતે તેને ઘરે મૂકવા તેના મેલ ફ્રેન્ડ આવી જશે એવું તેણે ઘરે કહી દીધેલું, પણ પાર્ટીમાં બીજા બધા ફ્રેન્ડ્સે એટલો દારૂ પીધો કે તેમના બોલવાના હોશકોશ નહોતા. પરિણામે સવારે ચાર વાગ્યે પવઈથી પાર્લા તેણે તેની બીજી એક ફ્રેન્ડ સાથે એકલા ટ્રાવેલ કરવું પડેલું. એ વખતે રિક્ષામાં તેમની સાથે કંઈક અઘટિત બની ગયું હોત તો એ વિચારથી આજે પણ તે ધ્રૂજી ઊઠે છે.

ગયા અઠવાડિયે ક્રિસમસની પાર્ટીમાં ૧૭ વર્ષના એક વિદ્યાર્થીએ તેના મિત્રો સાથે પહેલી વાર ડ્રગ્સ ટ્રાય કરવાના ચક્કરમાં ઓવરડોઝ લઈ લીધો. અતિશય ડ્રિન્કિંગ અને ડ્રગ્સના વધુપડતા સેવનથી લિવર પર અસર થઈ. હજી પણ તે ઇમર્જન્સી વૉર્ડમાં સારવાર લઈ રહ્યો છે.

ગયા વર્ષની વાત છે. ૧૫ વર્ષની એક ટીનેજ ગર્લ પોતાના પેરન્ટ્સ સાથે ઝઘડીને પહેલી વાર ન્યુ યર પાર્ટીમાં ગઈ. પહેલી વાર તેણે ડ્રિન્ક કર્યું. તેનું બ્લડ-શુગર ખૂબ વધી ગયું અને તે ચક્કર ખાઈને પડી ગઈ. તેને તેના ફ્રેન્ડના ઘરે લઈ જવામાં આવી. બીજા દિવસે સવારે ખબર પડી કે તે ગૅન્ગ-રેપનો ભોગ બની હતી.

પાર્ટીમાં ગયેલું તમારું બાળક પાછું આવ્યા પછી કેવી રીતે બિહેવ કરે છે એ ખાસ ઑબ્ઝર્વ કરો. મોટા ભાગના ડ્રગ્સની સૌથી પહેલી અસર વ્યક્તિના બિહેવિયર પર થાય છે. કાં તો તેનો અવાજ લથડાય, ખૂબ શાંત બાળક હોય અને ડ્રગ્સ લીધા પછી અગ્રેસિવ હોય અથવા ઓવરઍક્ટિવ હોય. આ પ્રકારના સંજોગો હોય ત્યારે સમજવું કે કંઈક ખોટું થયું છે. જો તમે આ સમજશો તો જ તમે કોઈક ઉચિત પગલાં લઈ શકશો. ધારો કે તે પાર્ટીમાં જાય તો પણ સમયસર પાછા ફરે એ માટેનો ટ્રૅક તમારે કમ્પલ્સરી રાખવો પડશે

- જિતેશ શાહ, ડ્રગ્સ રીહૅબિલિટેશનના નિષ્ણાત


બનાવટી દારૂથી લઈને ડ્રગ્સ, સેક્સ અને ઍક્સિડન્ટ્સ વગેરેની શક્યતાઓ થર્ટીફર્સ્ટની રાતે દસગણી વધી જાય છે. આ એક રાત એવી હોય છે જ્યારે બધી જ વસ્તુઓની ડિમાન્ડ સર્વાધિક હોય છે અને એટલે જ દરેક બાબતમાં સર્વાધિક મિલાવટવાળી વસ્તુઓ મળતી હોય છે. જીવલેણ એવા પેટ્રોલિયમ પદાર્થો ધરાવતો બનાવટી દારૂ પીવાથી કેટલાય લોકોએ જીવથી હાથ ધોયા છે.

દારૂના નશામાં રહેલાં યુવક-યુવતીઓ એકબીજાની સહમતી કે બળજબરીથી પણ શારીરિક શોષણ કરી લેતાં હોય છે. મારી દૃષ્ટિએ પાર્ટીનો બહારનો માહોલ એટલો ખરાબ હોય છે કે પોતાનાં સંતાનોની સુરક્ષા ઇચ્છતાં મા-બાપોએ તેમને બહાર ન જવા દેવામાં જ શાણપણ છે.

- વસંત ઢોબળે, ભૂતપૂર્વ પોલીસ-અધિકારી


પાર્ટીમાં જવાની પરવાનગી માગવા આવે તો અમારે શું કરવું એવી મૂંઝવણ લઈને છેલ્લા એક વીકમાં ઘણા પેરન્ટ્સ મારી પાસે આવી ચૂક્યા છે. દરેકને મારી એક જ સલાહ છે કે ચોખ્ખી ના પાડો. એકદમ સત્તાશાહી અંદાજથી તમે પાડેલી નાનું ઉલ્લંઘન નહીં કરી શકે. તમે પૈસા નહીં આપો અને તમારી નામંજૂરીની ઉપરવટ બાળક નહીં જાય. એવું ત્યારે જ થાય છે જ્યારે મા-બાપ ઢીલાં પડે. બીજું, બાળકને પાર્ટી કરવી જ છે તો તમે તેને એવું સુરક્ષિત વાતાવરણ આપો જ્યાં તેના ફ્રેન્ડ્સ પણ આવી શકે અને તેઓ પોતાની રીતે એન્જૉય કરી શકે. બસ, ત્યાં દારૂ નહીં હોય એ વાત તમારે મક્કમતા સાથે પાળવી પડશે

- ડૉ. હરીશ શેટ્ટી, સાઇકિયાટ્રિસ્ટ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK