નવા વર્ષનો જલસો પ્રકૃતિની ગોદમાં

મુંબઈમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી થતી હોવા છતાં મુંબઈગરાઓ શહેરથી દૂર રળિયામણા સ્થળે જવાનું પસંદ કરે છે. એમાંય આ વર્ષે રવિવારની રજા આવતાં સોનામાં સુગંધ ભળી હોય એવો તાલ જોવા મળ્યો છે

nature1

વર્ષા ચિતલિયા

છેલ્લાં થોડાં વષોર્માં શહેરથી દૂર જઈ તહેવારોની ઉજવણી કરવાનો ટ્રેન્ડ વધી ગયો છે. એમાંય નવા વર્ષની ઉજવણીમાં તો લોકો ગાડરિયા પ્રવાહની જેમ બહારગામનો પ્રોગ્રામ બનાવે છે. મુંબઈથી નજીક આવેલાં અલીબાગ, લોનાવલા, મહાબળેશ્વર, માથેરાન, નાશિક વગેરે સ્થળોએ તો વીક-એન્ડમાં કાયમ ભીડ રહે છે. બે-ત્રણ દિવસની રજા મળી નથી કે શહેરથી દૂર અંતરિયાળ વિસ્તારમાં ઊપડી જવું મુંબઈના ગુજરાતીઓને માફક આવી ગયું છે. ૩૧ ડિસેમ્બરે મુંબઈમાં અનેક સ્થળે જબરદસ્ત પ્રોગ્રામ થાય છે. ડાન્સ અને ખાણીપીણીનો આવો જલસો મૂકીને ગુજરાતીઓ દૂરના સ્થળની પસંદગી કરવા લાગ્યા છે એનાં કારણો શું છે? આ વર્ષે મુંબઈગરાઓએ નવા વર્ષનો જલસો કરવા કયાં સ્થળો પસંદ કર્યાં છે અને આ સ્થળોની વિશેષતા શું છે જાણીએ તેમની પાસેથી.

નવું વર્ષ મુંબઈમાં કેમ નહીં? વિલે પાર્લેમાં રહેતાં મેઘના અને ગૌતમ મોદી કહે છે, ‘પહેલાં અમે અહીં જ સેલિબ્રેશન કરતાં હતાં, પરંતુ મુંબઈમાં હવે જોઈએ એવી મજા નથી આવતી. અહીંની નાઇટ-લાઇફ એટલી મોંઘી પડે છે કે વાત ન પૂછો. એમાંય નવા વર્ર્ષે તો બધી જગ્યાએ રેટ્સ વધારે હોય છે. હોટેલમાં જમવા જાઓ કે કોઈ પાર્ટીમાં, બધે જ ભીડ હોય છે અને પૈસા ખર્ચીને પણ જોઈએ એવો આનંદ અને સંતોષ થતો નથી. હોટેલો દ્વારા આયોજિત પાર્ટીનો ટાઇમ પણ એવો હોય છે કે સમયસર પહોંચી ન શકાય. અહીં સાંજે સાત વાગ્યે પાર્ટી શરૂ થઈ જાય. હવે પુરુષો ઑફિસમાંથી ઘરે આવે ત્યાં જ સાંજ પડી જાય, કારણ કે ૩૧ ડિસેમ્બરની કંઈ રજા નથી હોતી. પાર્ટીમાં જવા કદાચ વહેલા આવે તો પણ મુંબઈના ટ્રાફિકમાં એવા ફસાઈ જઈએ કે પહોંચતાં સહેજે નવ વાગી જાય અને પ્રોગ્રામ સાડાબાર વાગ્યે તો પતી જાય તો તમને શું મજા આવે? પૈસા પડી ગયા જેવી ફીલિંગ આવે. બે-ત્રણ કલાકના પ્રોગ્રામ માટે આટલોબધો ખર્ચ વ્યર્થ લાગે છે.’

મેઘનાબહેનની વાતમાં તથ્ય છે. અંધેરીમાં રહેતાં કિન્નરી અને અમિત દોશી કહે છે, ‘ખરેખર મુંબઈની પાર્ટી મોંઘી પડે છે. થોડા વધુ પૈસા ખર્ચીને બીજી જગ્યાએ વધારે આનંદ કરી શકો છો અને એ પણ બે-ત્રણ દિવસ સુધી. અમે આ વર્ષે સાપુતારા જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. ક્રિસમસ વેકેશનમાં બાળકો હંમેશાં બહાર ફરવા લઈ જવા માટે જીદ કરતાં હોય છે, પરંતુ પુરુષોને રજા ન હોય એટલે નછૂટકે મુંબઈમાં જ એક દિવસની પાર્ટીથી ચલાવી લેવું પડે છે. જોકે હોટેલની પાર્ટીઓમાં જવાનું તો બે-ત્રણ વર્ષથી બંધ જ કરી દીધું છે, ઘરમાં જ મિત્રો સાથે ઉજવણી કરીએ છીએ. આ વખતે શનિ-રવિની રજા આવે છે એટલે મસ્ત પ્રોગ્રામ સેટ થઈ ગયો.’

સાપુતારા જ કેમ? કિન્નરીબહેન કહે છે, ‘સાપુતારા રમણીય હિલ-સ્ટેશન છે અને બજેટમાં બેસી જાય એવું સુંદર સ્થળ છે. એમાંય ઠંડીમાં બહુ મજા પડે એવી જગ્યા છે. અમે ચાર ફૅમિલીએ ત્રણ દિવસનો પ્રોગ્રામ બનાવ્યો છે. આપણે ગુજરાતીઓ ફૂડી છીએ અને સાપુતારામાં ખાવાપીવાનું એટલું સરસ મળે છે કે જલસો પડી જાય. બીજું, ત્યાં બીજી ઘણીબધી એવી ઍક્ટિવિટી છે કે બાળકોને બહુ ગમે. રોપ-વે, બોટિંગ અને પૅરાગ્લાઇડિંગ જેવી ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટીને ધ્યાનમાં રાખીને અમે સાપુતારાની પસંદગી કરી છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં બધી જ પ્રવૃત્તિઓ આવરી લેવાય એ રીતે પ્લાનિંગ કર્યું છે.’

હિલ-સ્ટેશનની વાત નીકળી એટલે ચેમ્બુરમાં રહેતાં વિરલ અને દીપ્તિ ગાંધીના ચહેરા પર આછું સ્મિત આવી ગયું. તેઓ કહે છે, ‘નવા વર્ષની વધામણી તો પ્રકૃતિની ગોદમાં જ થવી જોઈએ. અમે પણ એટલે જ લોનાવલાની પસંદગી કરી છે. આ વર્ષે ત્રણ દિવસની રજા આવી ગઈ એટલે ઉત્સાહમાં વધારો થયો છે. બાકી રજા ન હોય તો ફરજિયાત મુંબઈમાં જ રહેવું પડે ને અહીં બહાર જવા જેવું હોતું જ નથી. બધે ક્રાઉડ અને ડ્રિન્ક્સની પાર્ટી હોય, ડાન્સ-પાર્ટીમાં પણ ફૅમિલી સાથે જવા જેવું હોતું નથી. મારી દીકરીને લઈને આવી પાર્ટીઓમાં જવું મને સારું પણ નથી લાગતું. આવી ઢંગધડા વગરની પાર્ટીઓમાં જઈને નવું વર્ષ ઊજવવું એના કરતાં ઘરમાં બેસી રહેવું વધુ સારું. આ વર્ષે ૩૧ ડિસેમ્બરે રવિવાર આવી ગયો અને લોનાવલા નજીક પણ છે તેથી ફૅમિલી સાથે નવું વર્ષ ઊજવવાની તક ઝડપી લીધી. કોઈ પણ તહેવાર ફૅમિલી વગર અધૂરો છે.’

વિરલભાઈની વાત સાથે સહમત થતાં કિન્નરીબહેન કહે છે, ‘સાચે મુંબઈની પાર્ટીઓ ફૅમિલી સાથે જવા જેવી હોતી નથી. અહીં હોટેલો દ્વારા આયોજિત કરવામાં આવતી પાર્ટીઓમાં નૉનવેજ ફૂડ અને દારૂ હોય એટલે આપણને બિલકુલ ન ચાલે. ઉપરથી ઘોંઘાટ અને કિકિયારીઓ પાડતા લોકો સાથે આપણને ગમે નહીં. આટલોબધો દેકારો થતો હોય એમાં શું આનંદ મળે, એના કરતાં દૂર કુદરતી વાતાવરણમાં શાંતિથી ફૅમિલી સાથે નવા વર્ષને વધાવીએ તો આખું વર્ષ સુખદાયી નીવડે. નવા વર્ષની ઉજવણીમાં પરિવાર અને મિત્રોનો સાથ ભળે એનાથી વિશેષ શું જોઈએ.’

પાર્ટીમાં થતો ઘોંઘાટ મુંબઈના ગુજરાતીઓને પસંદ નથી એ ચર્નીરોડમાં રહેતાં ધૃતિ અને આશિત મોદી પણ સ્વીકારે છે. તેઓ કહે છે, ‘અહીં એટલું ક્રાઉડ હોય છે કે તહેવારની ખરી મજા આવતી નથી. બીજું, મુંબઈની પાર્ટીઓમાં બાળકોને લઈ જવાની પરમિશન હોતી નથી. હવે બાળકોને મૂકીને આપણને ક્યાંય જવું ગમે? તેમને આનંદ ન કરવો હોય? જે જગ્યાએ ફૅમિલી સાથે આનંદ કરવા ન મળે ત્યાં નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરી શકાય? એટલે જ અમે પણ મહાબળેશ્વરનો પ્રોગ્રામ બનાવ્યો છે. અમે શક્ય હોય ત્યાં સુધી દર વર્ષે બહાર જવાનું રાખીએ કારણ કે બાળકોને સ્કૂલમાં વેકેશન હોય અને હસબન્ડને પણ અનુકૂળતા હોય છે. અહીં હોઈએ તો વધીને એક દિવસ બહાર જઈએ, પરંતુ બહારગામ જઈએ તો ત્રણ-ચાર દિવસ ફૅમિલી સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકીએ. અમે રિસૉર્ટમાં બુકિંગ કરાવી લીધું છે. બાળકો રમતાં હોય ત્યારે અમને પણ એકબીજાનો સહવાસ મળે તો રિલૅક્સ ફીલ થાય.’

આ વર્ષે તમે ક્યાં જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે અને કેટલા જણ જવાના છો? મેઘનાબહેન કહે છે, ‘અમે પંચગનીનો પ્રોગ્રામ બનાવ્યો છે. મારી ફૅમિલી, મારી નણંદની ફૅમિલી અને બિલ્ડિંગના ફ્રેન્ડ્સ મળીને કુલ વીસ જણ સાથે જવાના છીએ. અમે બધું જ પ્લાનિંગ એક મહિના અગાઉ કરી લીધું છે જેથી છેલ્લી ઘડીએ ભાગદોડ ન થાય. ત્યાં પહેલેથી જ બધું બુકિંગ કરી લીધું છે અને હોટેલના હૉલમાં પાર્ટી રાખી છે. કેક અને ડિઝર્ટ અમે મુંબઈથી લઈ જવાના છીએ. બાળકોને ગમે એવા મ્યુઝિકની વ્યવસ્થા કરાવી લીધી છે એટલે તેમને ડાન્સ કરવાની મજા આવે. અમે ત્રણ દિવસ રોકાવાના છીએ એટલે ફૅમિલી સાથે રમી શકાય એવી ગેમ્સ અને બીજી ઍક્ટિવિટીની તૈયારી પણ પહેલેથી કરી લીધી છે. પંચગની રમણીય સ્થળ છે અને પ્રકૃતિની ગોદમાં નવા વર્ષને વધાવવા અમે બધા આતુર છીએ.’

નવા વર્ષની ઉજવણી પરિવાર અને મિત્રો સાથે થવી જોઈએ એમ બધાનું કહેવું છે. મુંબઈના ઘોંઘાટિયા વાતાવરણથી દૂર પ્રાકૃતિક સૌંદર્ય માણતાં-માણતાં નવા વર્ષને વધાવીએ તો આવનારું વર્ષ સારું જાય એ વાતમાં કોઈ શંકા નથી. આ બધા પરિવારો બાય રોડ જવાના છે એ વાત જાણ્યા બાદ વિરલભાઈ કહે છે, ‘અમે પણ પહેલાં કારમાં જ જવાનો પ્લાન કર્યો હતો, પરંતુ ટ્રાફિકની સમસ્યાને કારણે હવે દાદરથી ટ્રેનમાં જવાના છીએ. વીક-એન્ડમાં બહુ ટ્રાફિક હોય છે અને છ-છ કલાક સુધી ટ્રાફિકમાં અટવાઈ જવાય એનાકરતાં બીજો વિકલ્પ શોધી લેવો હિતાવહ છે.’

મોટા ભાગના લોકોએ મુંબઈથી નજીકના સ્થળ પર પસંદગી ઉતારી હતી તો કેટલાક પરિવાર એવા ઉત્સાહી છે જે શહેરથી બહાર નહીં, પરંતુ દેશની બહાર જઈને ઉજવણી કરવાના છે. કાંદિવલીમાં રહેતાં પૂજા અને બ્રિજેશ વડગામા નવા વર્ષની ઉજવણી કરવા દુબઈ જવાનાં છે. તેઓ કહે છે, ‘આ સમયે અમે ડબલ સેલિબ્રેશન કરીએ છીએ. મારી દીકરીનો બર્થ-ડે બીજી જાન્યુઆરીના દિવસે આવે છે એટલે અમે જબરદસ્ત પ્લાનિંગ કરીએ. દર વર્ષે તો નજીકના સ્થળે જ જઈએ છીએ, પરંતુ આ વર્ષે દીકરી અને ફૅમિલીને સરપ્રાઇઝ આપવી હતી એટલે વિદેશ જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે.’

nature

દુબઈ શા માટે? પૂજાબહેન કહે છે, ‘મારાં સાસુ-સસરા ક્યારેય ફૉરેન ફરવા ગયાં નથી અને તેઓ હંમેશાં કહેતાં હોય છે કે જો લાઇફમાં ક્યારેય જવાનું થાય તો સૌથી પહેલાં દુબઈ જવું છે. બીજું, ત્યાં જે રીતે નવા વર્ષની ઉજવણી થાય છે એ અલગ જ છે. લાઇટિંગ અને ડેકોરેશન ખૂબ જ આકર્ષક હોય છે. દુબઈની ઊંચી ઇમારતોમાં ડિફરન્ટ કલર્સના લાઇટિંગની જે ગોઠવણી કરવામાં આવે છે એ જોવાલાયક હોય છે. આતિશબાજીમાં પણ દુબઈ અવ્વલ નંબરે છે એમ કહી શકાય. નવા વર્ષની ઉજવણીમાં પરિવારના તમામ વયના સભ્યો સાથે હોય અને વિદેશની ધરતી પર પહેલી વાર જતા હોઈએ તો કેટલો ઉત્સાહ હોય. પહેલાં તો અમારી ફૅમિલી જ જવાની હતી, હવે મારી બહેનની ફૅમિલી અને મમ્મી-પપ્પા પણ સાથે જોડાઈ ગયાં છે. સાત દિવસની આ ટૂરમાં  અમે ૧૫ જણ સાથે જવાના છીએ. નવા વર્ષને વધાવવા જો ફૉરેન જવું હોય તો દુબઈ પર્ફેક્ટ ડેસ્ટિનેશન છે.’

નવા વર્ષની ઉજવણી માટે જો ફૉરેન જવાનો પ્લાન કરો તો દુબઈ પર્ફેક્ટ ડેસ્ટિનેશન છે. અહીંની ઊંચી ઇમારતોમાં ગોઠવવામાં આવેલું રંગબેરંગી લાઇટિંગ અને આતશબાજી આખી દુનિયાના લોકોને આકર્ષે છે

- પૂજા અને બ્રિજેશ વડગામા


આ વર્ષે રવિવારની રજા આવી ગઈ એટલે નવા વર્ષની ઉજવણીનો ઉત્સાહ વધી ગયો છે. લોનાવલા મુંબઈથી નજીક છે એટલે વધારે સમય ન વેડફાય. પરિવાર સાથે ફરવા જવાનું ગમે એવું સુંદર સ્થળ છે

- વિરલ અને દીપ્તિ ગાંધી

આપણે ગુજરાતીઓ બહુ ફૂડી છીએ અને સાપુતારામાં ખાવાપીવાનું એટલું સરસ મળે છે કે જલસો પડી જાય. અહીં ઍડ્વેન્ચરસ ઍક્ટિવીટી પણ એટલીબધી છે કે બાળકોને મજા પડી જાય

- કિન્નરી અને અમિત દોશી


મહાબળેશ્વરમાં આવેલા રિસૉર્ટમાં બાળકોને બહુ મજા આવે. નવા વર્ષને વધાવવા અહીં હોટેલમાં જ ફૅમિલી સાથે એન્જૉય કરી શકાય એવી સરસ મજાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે

- ધૃતિ અને આશિત મોદી

પંચગની શાંત અને રળિયામણું સ્થળ છે. પ્રકૃતિની ગોદમાં નવા વર્ષની ઉજવણી કરવાના હેતુથી જ અમે આ સ્થળ પસંદ કર્યું છે, જ્યારે મુંબઈમાં એટલોબધો ઘોંઘાટ હોય છે કે નવા વર્ષમાં મજા નથી આવતી

- મેઘના અને ગૌતમ મોદી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK