ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૫૨

‘સિંહ, જૂનાગઢને બદલે આ બસ લેવાનું કારણ...’

નવલકથા - રશ્મિન શાહ

‘નાના અંતરની બેચાર બસ બદલાવીને પછી ગીરમાં ઊતરી જાય રવજીભાઈ, બાકી તમારાં સગલાં એકઝાટકે આંબી જશે ને જો એ આંબી ગ્યા તો હું ને તમે બેય...’ ભૂપતે ખભા પર નનામી પકડતો હોય એવી અદાકારી સાથે કહ્યું, ‘રામનામ સત્ય છે...’

વાત સાચી પણ હતી. રવજી અને ભૂપતસિંહ બસ-સ્ટૅન્ડ પહોંચી રાજકોટથી રવાના થયા ત્યારે રાજકોટના પોલીસ-કર્મચારીઓ રવજીના ઘરનો દરવાજો ખખડાવતા હતા. દસમી મિનિટે તેમને ખબર પડી ગઈ કે રવજી ઘરેથી નીકળી ગયો છે અને પંદરમી મિનિટે આ જ સમાચાર અંગ્રેજ સરકાર સુધી પણ પહોંચી ગયા હતા. રાજકોટના પોલીસ-કમિશનરે નવેસરથી નાકાબંધી પણ જાહેર કરી દીધી હતી. આ નાકાબંધી થઈ એ સમયે ભૂપતસિંહની બસ કોટડા સાંગાણી પહોંચી ગઈ હતી અને ત્યાં બસમાંથી ઊતરીને ભૂપતસિંહે અમરેલી જતી બસ પકડી લીધી હતી.

વહેલી સવાર સુધી આ ગડમથલ

ચાલી અને રવજી-ભૂપત પણ બસ બદલાવતાં-બદલાવતાં ગીરના જંગલમાં ઊતરી ગયા હતા. ક્ષેમકુશળ રીતે કામ પાર પાડીને પાછા આવેલા ભૂપતની વાટ જોતો કાળુ પણ ગીરના જંગલના પહેલા નેસમાં જ બેઠો હતો. ભૂપત અને રવજીને જોઈને કાળુએ પણ સામી ડાંફ ભરી અને તે બન્ને પાસે પહોંચી ગયો હતો. ભૂપતને પહેલાં તો એ ગળે મળ્યો અને પછી તેણે રવજીને સાથે લઈ આવવાનું કારણ પણ પૂછી લીધું.

‘ભાઈ જરાક ઉત્સાહમાં આવીને બહાર બકી ગયા કે હું રાજકોટમાં હતો.’

‘તો સીધો કરવાનો છે એમ કહેને?’

‘અરે, ના હવે. કંઈ થયું નથી. આ તો જો રાજકોટમાં જ રહ્યો હોત તો તેને ઠોલાઓએ હેરાન કર્યો હોત એટલે જરાક હવાફેર માટે સાથે લઈ લીધો.’ ભૂપતે ચોખવટ કરી, ‘બાકી, માણસમાં જરાય ખોટ નથી. ચિંતા કર માં.’

કાળુએ જ્યારે સીધો કરવાની વાત કરી ત્યારે તો રવજી પોતે હૃદયના બેચાર ધબકારા ચૂકી ગયો હતો, પણ જેવો

ભૂપતે પક્ષ લીધો કે તરત જ તેને હાશકારો થયો હતો.

રવજી ત્રણેક દિવસ રોકાયો. આ ત્રણ દિવસ દરમ્યાન તેના ઘરે તપાસ કરવા માટે પોલીસ આવતી રહી અને પોલીસને એક જ જવાબ મળતો રહ્યો કે રવજી કામસર બૉમ્બે ગયો છે. એ સમયે આજનું આ મુંબઈ બૉમ્બે તરીકે જ ઓળખાતું. ભૂપતે પણ એ વાતની તકેદારી રાખી હતી કે ઘરના સૌકોઈને વધારે પજવણી ન થાય. પજવણી અટકતી ન હોય એવું તેને લાગ્યું એટલે ભૂપતે જૂનાગઢ જઈને ગવર્નર આલ્બર્ટને ફોન કર્યો હતો અને આલ્બર્ટને કહ્યું હતું, ‘વાત આગળ વધે એવું ઇચ્છતા હો તો વાંધો નથી, બાકી એકેય જાતની જાતીય દુશ્મની આપણી વચ્ચે છે નહીં તો પણ શું કામ આ બધાની તપાસ ચાલુ છે?’

‘આઇ ડોન્ટ નો ઍનીથિંગ મિસ્ટર ભૂપત...’

આલ્બર્ટ વધારે કંઈ કહે એ પહેલાં જ ભૂપતે તેને ટોક્યો હતો.

‘ધેન ગો ઍન્ડ ફર્સ્ટ ગેટ ઇન્ફર્મેશન મિસ્ટર આલ્બર્ટ. અત્યારે તમારા ગામમાં રહેતા એક નિદોર્ષ માણસના ઘરનાઓને હેરાન કરવામાં આવે છે. પછી લેજો તમારાં વાઇફને, તેને એકેય જાતની તકલીફ પડવા દીધી છે.’

‘મને વાતની પૂરી માહિતી આપો તો હું તપાસ કરી લઈશ ઍન્ડ સેકન્ડ્લી...’ આલ્બર્ટે દૃઢતા સાથે કહ્યું, ‘આપની સામે એક નહીં, અનેક ગુનાઓ છે તો નૅચરલી એની તપાસ કરવા માટે આપના કોઈ આમંત્રણની જરૂર ન જ હોય એટલે એવું માનવાની જરૂર નથી કે તમારા વિરુદ્ધ તપાસ કેમ થઈ રહી છે. જો...’

‘હું જે કાંય કહું છું એ...’

‘મિસ્ટર ભૂપત, મારી વાત હજી પૂરી નથી થઈ.’ આલ્બર્ટના અવાજની દૃઢતાએ ભૂપતના શરીરમાં આછીસરખી ઘ્રુજારી ફેલાવી દીધી, ‘ફર્સ્ટ લિસન મી કૅરફુલી. તપાસ ચાલુ હોય તો એમાં હું કશું ન કરી શકું. જો તપાસ ન ચાલતી હોય તો મારે મારા અધિકારીઓને બોલાવવા પડે અને તપાસ કરવી પડે કે એ લોકો તપાસ કેમ નથી કરતા. બરાબર? વાત રહી, તમારા અને મારા વચ્ચે જે ડીલ થઈ હતી. ડીલ, આઇ મીન, પેલું શું કહેવાય, હા... સોદાબાજી. આપણી વચ્ચે જેકોઈ સોદાબાજી હતી એ સોદાબાજીમાં તમે તમારું કામ કર્યું અને મેં મારું કામ કર્યું. ડીલ પૂરી થઈ ગઈ. એની કોઈ કમ્પ્લેઇન થઈ નથી અને હું કરવાનો પણ નથી. ધેર વૉઝ માય મિસ્ટેક. જે માણસને તમારી સાથે કોઈ સંબંધ નથી એ માણસને પકડવાની જરૂર નહોતી, પણ લીવ ઇટ. વાત પૂરી થઈ ગઈ. તમારા સુધી પહોંચવા માટે મારે હવે કયાં સ્ટેપ લેવાં એ હું જોઈ લઈશ, પણ મિસ્ટર ભૂપત, એવું ધારવું જરૂરી નથી કે હવે તપાસ નહીં થાય. એ કેસની નહીં થાય, પણ બીજા બધા કેસની તપાસ થઈ શકે છે અને એમાં પેલા માણસની જો સંડોવણી હશે; શું નામ હતું એનું, હા... રવજી, રવજીની જો કોઈ સંડોવણી હશે તો એની સામે પણ તપાસ થશે. તપાસ થવી જ જોઈએ, તમારી અરેસ્ટ પણ થવી જોઈએ અને હું પ્રયાસ કરીશ કે જ્યાં સુધી હું ડ્યુટી પર છું ત્યાં સુધીમાં જ તમારી અરેસ્ટ થઈ જાય.’

ભૂપતના ચહેરા પર સ્મિત આવી ગયું.

મનમાં તો જવાબ પણ આવી ગયો હતો,

- તું શું, તારો બાપ આવે તો પણ કાંય બગાડી નથી લેવાનો મારું.

- પણ જવાબ આપવાનું તેણે ટાળ્યું હતું. જ્યાં સુધી સામેની વ્યક્તિ સભ્યતા છોડે નહીં અને અસભ્યતાના રસ્તે ચાલે નહીં ત્યાં સુધી વાતને ખોટો વળ ચડાવવો ન જોઈએ. ભૂપતે પણ સંયમ અકબંધ રાખ્યો.

‘તમે બોલી લીધું હોય તો હવે જરાક મને સાંભળી લ્યો.’ ભૂપતે દાંત કચકચાવ્યા, ‘તપાસથી ક્યારેય બીક રાખી નથી ને રાખવાનો નથી. વાત ખાલી ખીમજી આતાવાળી વાતની છે અને એને લીધે જે તમારે ને મારે લપ થઈ એની છે. હું નથી ઇચ્છતો કે એ વાતમાં રવજીના ઘરનાઓને હેરાન કરવામાં આવે. બસ, આટલીઅમસ્તી વાત છે. બાકી તો તમે તમારા ધણી ને હું મારી મરજીનો માલિક. ચાલુ રાખવું હોય તો ચાલુ રાખો ને વાત પૂરી કરવી હોય તો કઈ દ્યો કે રવજીના ઘરનાને હેરાન કરવાનું બંધ કરી દ્યે, બાકી તમનેય ક્યાં નથી ખબર, બધાયને ઘરના સભ્યો હોય જ છે અને હેરાનગતિ તો એ બધાને પણ થઈ જ શકે છે.’

‘ધમકી કહેવાય આને.’

‘ના, ચેતવણી કહેવાય આને અને સાયબ, જે માણસ ચેતવણી આપે એનાથી સાવચેત રહેવું જોઈએ. કારણ જે ચેતવણી આપી શકે એ માણસ હુમલો કરવામાં પાછો પણ ક્યારેય પડે નહીં.’

‘હંઅઅઅ... નાઇસ ટુ હિયર ઇટ મિસ્ટર ભૂપત, પણ જે વૉર્નિંગ નથી આપતો એને ક્યારેય ઇગ્નોર કરવાની ભૂલ પણ ન કરવી જોઈએ. મેં એક વખત આ ભૂલ કરી લીધી અને એ ભૂલને કારણે મળેલું લેશન પણ લઈ લીધું.’

આલ્બર્ટની આંખ સામે જેનિફર ગુમ થઈ એ જ કિસ્સો હતો અને તે જ્યારે બોલતો હતો ત્યારે ભૂપતની આંખ સામે પણ એ જ ઘટના આવી ગઈ હતી. એ ઘટનામાં તેણે કોઈ ચેતવણી આપી નહોતી અને સીધાં જ પગલાં લીધાં હતાં.

‘હવે તું આવી ભૂલ નહીં કરે એવી આશા રાખું છું.’ આલ્બર્ટના અવાજમાં મક્કમતા ભારોભાર હતી, ‘બાકી, ધારું તો અત્યારે પણ કહી શકું કે જૂનાગઢના કાળવા ચોકની પાછળના ભાગમાં આવેલી નવાબની દૂધની ડેરીમાંથી તેં આ ફોન કર્યો છે અને આ ફોન કરવા માટે ખાસ તું જૂનાગઢ આવ્યો છો. ફોન પૂરો કરીને તું સીધો તારા ઘરે જશે. બંધ ઘરે. ત્યાં થોડી વાર રહ્યા પછી તું પાછો જંગલમાં ઊતરી જઈશ. જંગલમાં કયા રસ્તે જશે એ પણ તને સાંભળવું હોય તો કહી દઉં કે મેંદરડાની સીમમાંથી તું જંગલમાં જઈશ.’

ભૂપત અવાક્ રહી ગયો.

આલ્બર્ટે જેકંઈ કહ્યું હતું એ અક્ષરશ: સાચું હતું અને એ પણ એટલું જ સાચું હતું કે તે અહીંથી તાઈને ત્યાં જવાનું જ વિચારતો હતો.

‘માણસને ઓછા ઊતરતા માનવા કે ઓછા આંકવાની ભૂલ ક્યારેય કરવી નહીં.’ આલ્બર્ટની વાત હજી ચાલુ જ હતી, ‘ખાસ કરીને એવા સમયે જે સમયે જીવ જોખમમાં મૂકીને તમે જીવતા હો.’

‘માની ગ્યો સાહેબ તમને.’ ભૂપતે ઝિંદાદિલી સાથે કહ્યું, ‘ગમ્યું, તમારી સાથે વાત કરીને ગમ્યું અને મજા તો એ આવી કે દેખાઓ છો એટલા સીધા તમે નથી.’

‘થૅન્કસ ફોર કૉમ્પ્લીમેન્ટ્સ મિસ્ટર ભૂપત.’ આલ્બર્ટના ચહેરા પર પણ સ્મિત હતું, ‘તમને પણ મળવાની ઇચ્છા છે.’

‘એમનેમ મળવાની ઇચ્છા હોય તો બોલી નાખો, ઇચ્છા પૂરી કરી દઈશ,

પણ જો પકડીને મળવાની ઇચ્છા હોય તો માફી સાયબ, આ ઇચ્છા જિંદગીભર અધૂરી રહી જાશે.’

‘જોઈએ, કોની ઇચ્છા પૂરી થાય છે અને કોણ કોને મળવા આવે છે.’ આલ્બર્ટે પણ પ્રેમપૂર્વક શરત સ્વીકારી લીધી, ‘હું આવું કે પછી તમે મળવા માટે આવો છો.’

એ દરમ્યાન આલ્બર્ટને મળવા માટે કોઈક આવ્યું એટલે આલ્બર્ટે વાત બે ઘડી માટે અટકાવી. આ બે ઘડી ભૂપતને આકરી લાગી હતી. આકરી લાગવા માટે કારણ પણ હતું જ. થોડી વાર પહેલાં જ આલ્બર્ટે ભૂપત અત્યારે ક્યાં છે એનું પૂરું સરનામું બોલી નાખ્યું હતું.

‘હેલો...’

આલ્બર્ટનો જેવો અવાજ સંભળાયો કે તરત ભૂપતે ટોણો પણ માર્યો,

‘સૂચના આપવાની હતી તેને આપી દીધીને?’

‘જો સૂચના આપવી હોત તો તમને સાવચેત ન કર્યા હોત મિસ્ટર ચૌહાણ.’ આલ્બર્ટ નવેસરથી નવરાશ સાથે વાત કરતો હતો, ‘એક માગ્યા વિનાની સલાહ આપી દઉં. શંકાશીલ સ્વભાવ રાખવો પડે એ સમજી શકાય, પણ શંકાશીલ સ્વભાવનો ઉપયોગ કોની સામે કરવો એ પણ શીખી લેવું જોઈએ. ખોટી વ્યક્તિ પર થયેલી શંકા ક્યારેક એ વ્યક્તિને ઉશ્કેરવાનું કામ કરતી હોય છે.’

‘સલાહ યાદ રાખીશ. હવે ક્યારે મળવું છે એ કઈ દ્યો તમે એટલે આ હિસાબ પણ ચૂકતે થઈ જાય.’

‘કયો હિસાબ?’

આલ્બર્ટને નવાઈ લાગી, પણ એ નવાઈનું નિરાકરણ પણ ભૂપતે તરત જ કરી દીધું.

‘જે સલાહ આપી એનું ઋણ પણ ચૂકવવું પડશેને?’

વાતો એમ જ ચાલુ રહી હોત પણ ડેરીમાં અજાણ્યા લોકોની અવરજવર વધી એટલે સાવધાની ખાતર ભૂપતે નીકળી જવાનું પસંદ કર્યું પણ નીકળતાં પહેલાં તેણે ફરી વખત મૂળ વાત યાદ દેવડાવી દીધી,

‘યાદ રહે, મને પકડવા માટે જેકોઈ રસ્તા વાપરવા હોય એ વાપરે પણ નાહકના મારા સાથી કે પછી મને નામથી પણ ઓળખતા હોય એવા લોકોના ઘરના સભ્યોને કનડગત ન થવી જોઈએ.’ ભૂપતે હુકમ તો કર્યો પણ હુકમની સાથોસાથ તેણે એટલા જ પ્રેમથી કહ્યું પણ ખરું, ‘માનશો તો ગમશે અને જિંદગીભર યાદ પણ રાખીશ. અમારે ત્યાં ઉપકારનો બદલે હંમેશાં ઉપકારથી જ ચૂકવાય છે તો... આ ઉપકારનો બદલો પણ એવી જ રીતે ચૂકવીશ. બાકી તમારી મરજી પણ હા, ફરજમાં ક્યાંય આડો નહીં આવું એની પણ પૂરી ખાતરી રાખજો.’

ફોન પૂરો થયો અને ભૂપતસિંહ કોઈ જાતની ફિકર વિના જ ડેરીમાંથી પોતાના ઘરે આવ્યો. આ ઘર આમ તો હવે બંધ જ રહેવા માંડ્યું હતું પણ એમ છતાં ભૂપત આવતો ત્યારે એ તાઈનો ઓરડો સાફ કરી લેતો. જો ઇચ્છા થાય તો બહારનું ફળિયું પણ સાફ કરી લેતો અને એ સાફ કરતો ત્યારે બધા તેને જોતા પણ ખરા. કોઈ તો અફસોસ પણ કરતું કે આવો ઘરરખ્ખુ કેવી રીતે બહારવટે ચડી ગયો.

ઘરે જઈને ભૂપતસિંહે પહેલું કામ તો ઘરની સફાઈનું જ કર્યું. આખું ઘર તો તેણે સાફ નહોતું કર્યું પણ બહેનો અને તાઈ જે ઓરડામાં રહેતાં એની સફાઈ કરી અને પછી એ ત્યાં જ બેઠો. થોડી વારમાં જ તેની આંખો સામે ઘરનું એ આખું દૃશ્ય આવી ગયું જે દૃશ્ય હવે તેને માટે પરિકલ્પના સમાન હતું.

‘એય બેય જણી, શાંત રહો, તેને બિચારાને હેરાન ન કરો.’

હુમાતાઈનો અવાજ કાનમાં આવ્યો. જે દિશામાંથી અવાજ આવ્યો હોય એ દિશા તરફ ભૂપતે નજર કરી. નજર ખાલી દીવાલ સાથે અથડાઈને પાછી પડી.

‘ના પાડીને તમને બેયને, જરાક તો શાંતિ આપો તમે તેને. કેટલી રઝળપાટ કરીને આવ્યો છે અત્યારે અહીં.’

હવાની લહેર ભૂપતના માથા પર એવી રીતે પસાર થઈ જાણે તાઈનો હાથ ફરતો હોય, ‘તું એ લોકો તરફ નહીં જો, શાંતિથી સૂઈ જા. થાકી ગ્યો છોને? સુઈ જા ઘડીક, રાહત થાશે.’

ભૂપત જાણે આ જ શબ્દોની રાહ જોતો હોય એમ તેણે એમ જમીન પર જ લંબાવી દીધું. પોતાના હાથનો તકિયો બનાવીને સૂતેલા ભૂપતને હજી પણ હુમાતાઈનો અવાજ અને બન્ને બહેનોની મસ્તી સંભળાઈ રહી હતી. સંભળાઈ રહેલી એ મસ્તીઓ ભૂપતનો થાક ઉતારવાનું કામ કરતી હતી. એકધારી દોડધામ અને એકધારી ભાગદોડ પછી શરીરમાં ભરાયેલો બધો થાક ભૂપતના શરીરમાંથી એવી રીતે ઓસરવા માંડ્યો જાણે તે હુમાતાઈના ખોળામાં માથું રાખીને સૂતો હોય.

ભૂપતની આંખો મીંચાઈ ગઈ.

બહાર ફળિયામાં બાંધેલા ઘોડાને કારણે જેકોઈ ત્યાંથી પસાર થતું હતું એ બધાને ખબર પડતી કે ભૂપત આવ્યો છે, પણ અંદર રહેલા ભૂપતને કોઈ જાતની ફિકર નહોતી, તે તો અંદર આરામથી સૂઈ ગયો હતો.

ભૂપત જાગ્યો ત્યારે મોડી સાંજ થઈ ગઈ હતી અને ઘડિયાળમાં સાત વાગવા આવ્યા હતા. તેની આંખો ખૂલી ત્યારે સ્વાભાવિક રીતે માગશરનો અંધકાર વ્યાપી ગયો હતો. ભૂપતની પહેલાં આંખો ખૂલી અને પછી તે સફાળો બેઠો થઈ ગયો. વાતાવરણમાં આવતાં તેને થોડી ક્ષણો લાગી, પણ વાતાવરણમાં આવ્યા પછી ફરીથી તેને રાહત થઈ ગઈ.

ભૂપત ઊભો થઈને બહાર ગયો અને બહાર જઈને તેણે નજર કરી. આંગણામાં લાંગરેલો ઘોડો છૂટથી ફરતો હતો. ભૂપતે ઘોડા પાસે જઈને એને ઘોડારમાં લઈ જવાનું કામ કર્યું અને ઘોડારમાં લઈ જઈને તેણે એને નીણ આપ્યું. સૂકું ઘાસ ખાવું ભાવતું તો નહોતું પણ ભૂખ લાગી હતી એટલે કોઈ જાતનો વિરોધ કર્યા વિના ફોડાએ ઘાસમાં મોઢું નાખી દીધું. એક જવાબદારી પૂરી થઈ હતી, હવે પોતાના પેટની ચિંતા કરવાની હતી.

ભૂપત ફળિયામાં પાછો આવ્યો. બહાર આવીને તેણે આજુબાજુમાં નજર કરી. નજર કરતાં અનાયાસ તેનું ધ્યાન મીરાના ઘર તરફ ગયું અને તેના પગ ધ્રૂજી ગયા. આ ખાનદાનની બબ્બે દીકરીઓ પોતાને કારણે જીવ ખોઈ બેઠી હતી અને તોય ક્યારેય તેમણે બદદુઆ નહોતી આપી. દીકરીઓને ગુમાવી બેઠેલા મણિશંકરભાઈને મળવાની ભૂપતને બહુ ઇચ્છા થઈ આવી, પણ તેમની પાસે જવાની ત્રેવડ તેનામાં નહોતી એટલે ભૂપત ફરી ઘરમાં આવ્યો અને ઘરનાં બારણાં વાસવાનું તેણે શરૂ કરી દીધું.

ઘરની આશ વચ્ચે જીવી રહેલા ભૂપતને આ બારણાં બંધ કરતી વખતે બાવડા પર જોર પડતું હતું. જોકે એમ છતાં તેણે આ કામ કરવાનું હતું.

- કાળુને કહીશ જો તારી સાથે હોઉં અને મોતને ભેટું તો તું આ ઘરેથી મારી અંતિમયાત્રા કાઢજે.

મનમાં આવેલા વિચારને ભૂપતે ધક્કો મારીને હાંકી કાઢ્યા અને મનને ટપાર્યું પણ ખરું : ‘સાલા, જરાક તો બુદ્ધિ વાપર. તું અહીં સુધી આવે એવું આ લોકો રહેવા દેશે ખરા.’

€ € €

‘તો આપણે તેને મળીને શું કરવાના?’

‘ઈ તો મનેય ક્યાં ખબર છે. ખીમજીદાદાને ત્યાંથી સંદેશો આવ્યો છે કે રતુભાઈ મળવા માગે છે એટલે આપણે હા પડાવીને હવે મળવા રવાના થયા છીએ. જોઈ શું કામ છે તેમને આપણું?’

‘ભૂપત, કોઈ ચાલ તો નથી લાગતીને?’

‘ગાંધીવાદી કોઈ ચાલ રમે એવું તું વિચારે એનાથીયે મને તો હસવું આવે છે કાળુ, પણ તું કહે છે તો હાલ, રસ્તામાં ખીમજીઅદાનું ઘર છે. જરાક નજર કરતા જાઈ. પૂછી પણ લઈશું કે શું કામ પડ્યું આ રતુભાઈ અદાણીને?’

કાળુએ જીપની સ્ટિઅરિંગ ફેરવી અને જીપ ગોંડલ રાજ્યમાં દાખલ થઈ.

€ € €

જીપ સીધી ખીમજીઅદાના ઘર પાસે ઊભી રહી.

ખીમજીઅદા સાથેના સંબંધોની આખી તવારીખ આંખ સામેથી પસાર થઈ ગઈ હતી. એક સમયે ખીમજીઅદાને અંગ્રેજો પાસેથી પાછા લાવવાનું કામ ભૂપતે જ કર્યું હતું અને આજે ખીમજીઅદા પાસેથી જ જાણવાનું હતું કે રતુભાઈ અદાણી તેમને શું કામ મળવા માગે છે.

ગોંડલ રાજ્ય સાથે રહેલો નાતો પણ વાજબી મીઠાશ ધરાવતો હતો એટલે ભૂપતને આ રીતે ખુલ્લા મોઢે ફરવામાં જરા પણ ફિકર નહોતી.

ગામમાં આવ્યા પછી કાળુએ એકાદ જગ્યાએ ખીમજીઅદાનું ઘર પૂછ્યું અને પછી નાની બજારમાંથી પસાર થઈને તેણે જીપ દરબારગઢ વિસ્તારમાં દાખલ કરી. કૉલેજ ચોકમાં નદીકિનારે ખીમજીઅદાનું ઘર હતું. ઘર પાસે જીપ ઊભી રહી કે તરત જ બહાર રમતા છોકરાઓ દોડતા જીપ પાસે ભેગા થઈ ગયા. જોકે જીપમાંથી મોટી અને વાંકળિયાળી મૂછ સાથે ભૂપત જેવો બહાર નીકળ્યો કે બધા છોકરાઓ ભાગીને દૂર ચાલ્યા ગયા.

છોકરાઓ સામે જોઈને ભૂપતે મૂછને તાવ આપ્યો અને પછી તે સીધો ખીમજીઅદાના ઘરમાં ગયો. કાળુ પહેલાં તો અંદર જવા જતો હતો પણ ત્યાં તેણે એક નાના છોકરાના મોઢે સાંભળ્યું, ‘બઉ મોટો ડાકુ છે આ, બધાયને બીવડાવી દે.’

‘કોની વાત કરો છો એ’લાવ.’

છોકરાઓ ભાગવા જતા હતા પણ તેઓ ભાગે એ પહેલાં કાળુએ ભાગવાની દિશાનો રસ્તો રોકી લીધો.

‘કોની વાત કરતા’તા?’ જવાબ આપો પે’લા.’

છોકરાઓ સ્વાભાવિક રીતે ડર્યા પણ કાળુએ વાતાવરણ જાળવી લીધું.

‘હુંયે એટલો જ મોટો છું હોં. હું રાડ પાડુંને એટલે તે સીધો ઊભો થઈને હાલવા માંડે.’

કાળુએ બાળકો સાથે ભાઈબંધી શરૂ કરી દીધી અને અંદર ભૂપતે ખીમજીઅદા પાસેથી નવાબ મોહબ્બતઅલી ખાનનાં કરતૂતો સાંભળવાનું શરૂ કરી દીધું હતું. ઇતિહાસ હવે એવા મુકામ પર પહોંચવાનો હતો જ્યાંથી ભારતની આઝાદીનાં પડઘમ વાગવાનું શરૂ થવાનું હતું અને એની અખંડિતતાના દાખલાઓ આપવાનું શરૂ થવાનું હતું.

(વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK