મુંબઈની ઝૂંપડપટ્ટીઓમાં કોણે કરી છે કલરક્રાન્તિ

અસલ્ફા અને ખારની મોટી ઝૂંપડપટ્ટીઓ અને બીજા કેટલાક વિસ્તારોમાં રંગો ભરીને એને સુંદરતા બક્ષવાનું ‘ચલ રંગ દે’ નામનું અનોખું અભિયાન શરૂ કરનારા મુંબઈના યંગસ્ટર્સ પાસેથી જાણીએ તેમને મળેલી સફળતા પાછળની રસપ્રદ કહાણી

colors2

રુચિતા શાહ

વર્લ્ડ-ફેમસ સ્પૅનિશ પેઇન્ટર પાબ્લો પિકાસોએ કહ્યું છે કે રંગો તમારાં ઇમોશનને બદલવાની તાકાત રાખે છે. કલરથેરપી એટલે જ મૂડ-ડિસઑર્ડરની દુનિયામાં સારુંએવું પરિણામ આપી રહી છે. જોકે કલરથી કેવી કમાલ કરી શકાય એનો ઉત્તમ નમૂનો મુંબઈના કેટલાક યુવાનોએ એક અનોખા અભિયાન દ્વારા પોતાની કેટલાક મહિનાની કામગીરી દ્વારા આપી દીધો છે. ‘ચલ રંગ દે’ અભિયાન અંતર્ગત ડિસેમ્બરથી લઈને આજ સુધીમાં મુંબઈની બે મોટી ઝૂંપડપટ્ટીઓને આકર્ષક રંગો અને ડિઝાઇન દ્વારા શણગારવામાં આવી છે જેણે વિશ્વભરમાં લોકોનું એવું ધ્યાન ખેંચ્યું છે કે હવે મુંબઈની મુલાકાતે આવતા ટૂરિસ્ટ માટે એ મસ્ટ-વિઝિટ પ્લેસના લિસ્ટમાં સામેલ થઈ ચૂકી છે. ડિસેમ્બરમાં અસલ્ફા અને જૂન મહિનામાં ખારની ઝૂંપડપટ્ટી પર થયેલા કાબિલેદાદ પેઇન્ટિંગે ઝૂંપડપટ્ટી તરફ જોવાનો લોકોનો દૃષ્ટિકોણ બદલી દીધો છે. લગભગ હજાર જેટલાં ઘરો, પંદરસોની આસપાસ દીવાલો, ખારમાં ૩૦૦થી વધારે છાપરાંઓ પર ૪૦૦૦ કરતાં વધારે વૉલન્ટિયર્સ અને બસોથી વધુ આર્ટિસ્ટે મળીને રંગોનું સામ્રાજ્ય પાથર્યું છે. કઈ રીતે ઝૂંપડપટ્ટીઓને રંગવાનો વિચાર આવ્યો અને અભિયાનની શરૂઆત કેવી રીતે થઈ એની રંગીન દાસ્તાન વિશે હવે વાત કરીએ.

colors3

આઇડિયા અને અમલ

આપણામાંથી ઘણાને કેટલાક હટકે આઇડિયા આવ્યા હશે જે તમારી જ નહીં પણ અનેકની દુનિયા બદલી શકવાની ક્ષમતા ધરાવતા હોય. જોકે કોણ કરશે અને કેવી રીતે થશેના વિચારમાં એ આઇડિયાનું ક્યાંક હવામાં બાષ્પીભવન પણ થઈ ગયું હશે. જોકે કેટલાક લોકો પોતાના મનમાં આવેલા વિચારને નક્કરતા આપી એ દિશામાં કામ કરવાનું કૌવત રાખે છે અને એનાથી પરિવર્તનની અનોખી સૃષ્ટિનું સર્જન કરી શકે છે. મુંબઈની સ્લમ્સને રંગીને એના દેખાવ પર ચાર ચાંદ લગાડનારું ‘ચલ રંગ દે’ અભિયાન આવા જ એક વિચારમાંથી અવતરેલું બાળક છે. મુંબઈની અસલ્ફાની ઝૂંપડપટ્ટી, અંધેરીના ડી. એન. નગરની દીવાલ, સાકીનાકાનું પોલીસ-સ્ટેશન અને ખારની ઝૂંપડપટ્ટી અત્યારે રંગો અને ચિત્રકામની અનોખી નગરી બની ગઈ છે એનું શ્રેય માર્કેટિંગ કંપની ચલાવતાં ડિડેપ્યા રેડ્ડી અને ટેરેન્સ ફરેરાને જાય છે. ડિડેપ્યા રેડ્ડી ‘મિડ-ડે’ને કહે છે, ‘લગભગ ચાર વર્ષ પહેલાં આવેલો આ વિચાર છે જ્યારે હું મેટ્રોમાં પ્રવાસ કરી રહી હતી અને મેં મેટ્રોમાંથી જ ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર આવેલી આ ઝૂંપડપટ્ટી જોઈ. ટેકરી પર વસેલા ગામનો દેખાવ ખૂબ જ સામાન્ય અને નીરસ હતો. આમ આખો સિમેન્ટનો ગ્રે કલરથી આચ્છાદિત વિસ્તાર, પણ ક્યાંક-ક્યાંક બ્લુ રંગના પ્લાસ્ટિકથી ઢંકાયેલાં છાપરાંઓ હતાં. મને થયું કે આને જો રંગોથી રંગી દેવામાં આવે તો કેટલું સુંદર લાગે. મને ઇટલીનું પોસિટાનો વિલેજ યાદ આવી ગયું જે પણ આમ હાઇટ પર વસેલો કલરફુલ વિસ્તાર છે. જોકે એ પછી હું મારા કામને એસ્ટૅબ્લિશ કરવામાં લાગી ગઈ. અમારી માર્કેટિંગ કંપની શરૂ થઈ ગઈ એ પછી મેં ટેરેન્સ સાથે આ વિચાર શૅર કર્યો અને તેણે આઇડિયાને પકડીને એને અમલમાં મૂકવાની તૈયારીઓ શરૂ કરી દીધી.’

colors4

પડકારો ઘણા

એકને આવેલો વિચાર ચાર વર્ષ પછી અમલમાં મુકાયો. જો એ વિચારને ત્યારે જ અઘરું છે કે અશક્ય છે એમ ગણીને પડતો મૂકવામાં આવ્યો હોત તો કદાચ આવું પરિણામ ન આવત. આપણામાંના મોટા ભાગના લોકો આ જ ભૂલ કરી દેતા હોય છે. ‘ચલ રંગ દે’ની ટીમે સૌથી પહેલાં ફોટોશૉપ દ્વારા ઝૂંપડપટ્ટીને રંગીશું તો કેવી લાગશે એનું એક રફ મૉડલ તૈયાર કર્યું અને પછી ત્યાંના લોકલ લોકોને મળવાનું શરૂ કર્યું. ટેરેન્સ કહે છે, ‘આજકાલ કોઈ પોતાના ફાયદા વિના કંઈ કરતું નથી તો અમને શું રસ છે ત્યાં રહેતા લોકોની ઝૂંપડપટ્ટીને કલર કરવામાં એ બાબતે ત્યાંના લોકલ લોકોમાં ભારે શંકા જન્માવી. શરૂઆતમાં આ જ સૌથી મોટી બાબત અમારા માટે પડકારજનક હતી. કોઈકને એ ડર હતો કે આ કોઈ બિલ્ડરની ચાલ છે તેમની જગ્યા અમારા દ્વારા હડપી લેવાની. પહેલાં તો દરેકે પોતાના દરવાજા અમારા માટે બંધ કરી દીધા હતા. આપકો ક્યા મિલેગાના જવાબમાં જ્યારે અમે કહ્યું કે હમેં ખુશી મિલેગી તો એ વાત કોઈને ડાઇજેસ્ટ જ નહોતી થતી. જોકે અમે ધીમે-ધીમે લોકોને કન્વિન્સ કરીને અમે શું કરવા માગીએ છીએ એના નમૂનાઓ પેશ કરવા માંડ્યા અને લોકોને અમારા પર વિશ્વાસ બેસતો ગયો.’

લોકલ લોકોને કન્વિન્સ કર્યા પછી આ કામ કરવા માટે ‘ચલ રંગ દે’ અભિયાન હેઠળ એક કોર ટીમ બનાવીને મુંબઈના તમામ લોકોને આ અભિયાનમાં જોડાવાની અપીલ સોશ્યલ મીડિયા પર કરવામાં આવી અને ગજબ રિસ્પૉન્સ મYયો. આ અભિયાન સાથે સંકળાયેલા સુમિત્રો સરકાર કહે છે, ‘દોઢ જ દિવસમાં લગભગ બે હજાર લોકોએ પોતાનું નામ રજિસ્ટર કરાવી દીધું હતું. યંગસ્ટર્સથી લઈને નાનાં બાળકો અને સિનિયર સિટિઝન પણ આ અભિયાનનો હિસ્સો બની ગયાં. ઘણા વર્કિંગ પ્રોફેશનલ પણ જોડાયા. જેમણે ક્યારેય જીવનમાં પેઇન્ટિંગ બ્રશ ઉપાડ્યું જ ન હોય એવા લોકોએ પણ આમાં રસ લીધો. સવારે છ વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધી સતત રંગકામ ચાલતું. જુદી-જુદી દીવાલોને કલરથી રંગવાની સાથે અમે કેટલાંક મ્યુરલ આર્ટ બનાવીને એને વધુ આકર્ષક બનાવવા માટે આર્ટિસ્ટને પણ બોલાવ્યા હતા.’

રંગોની અને અન્ય તમામ સામગ્રી માટે આ ટીમને પૂરતા પ્રમાણમાં સ્પૉન્સર્સ મળી ગયા હતા એટલે પૈસાની ચિંતા નહોતી. સામગ્રીની આડઅસર ન થાય એટલા માટે દરેક વૉલન્ટિયર માટે ટી-શર્ટ, કૅપ, હૅન્ડગ્લવ્ઝ અને માસ્કની વ્યવસ્થા હતી. ખાવા-પીવાની વ્યવસ્થા પણ ટીમ દ્વારા કરવામાં આવી હતી જેમાં મોટા ભાગે જે વિસ્તારમાં હોય એ વિસ્તારના લોકલ લોકોને જ કામ સોંપી દેવામાં આવ્યું હતું.

colors5

આર્ટિસ્ટને ઇન્વિટેશન

‘ચલ રંગ દે’માં કેટલાક ફૉરેનર્સ પણ જોડાયા હતા તો કેટલાક આર્ટિસ્ટને બહારના દેશથી બોલાવવામાં આવ્યા હતા. ડિડેપ્યા કહે છે, ‘ઑફિશ્યલી અમે આ કામનું પ્લાનિંગ બે મહિના પહેલાંથી કરી દીધું હતું. ફોટોશૉપ દ્વારા એનાં મૉડલ બનાવવાની સાથે ડિઝાઇનમાં કેવી રીતે ક્રીએટિવ ઍસ્પેક્ટ ઉમેરીશું એ વિશે પણ પ્લાનિંગ કર્યું હતું. અમે એક ખાસ દીવાલ પર પેઇન્ટિંગ માટે જાણીતા આર્ટિસ્ટને નેપાલથી ઇન્વાઇટ કર્યા હતા. અમે શક્ય હોય ત્યાં સુધી અહીં રહેતા લોકોની દુનિયાને આકર્ષક બનાવવા માગતા હતા. ઘણા લોકોએ અમને સજેસ્ટ કર્યું કે તમે સોશ્યલ મેસેજ પેઇન્ટ કરોને. જોકે તમે જ કહો કે તમે તમારા ઘરની દીવાલ પર ક્યારેય સોશ્યલ મેસેજ પેઇન્ટ કરાવશો? અમારે એ આખા ઍટમોસ્ફિયરને લાઇવ બનાવવું હતું. એટલે જ ત્યાંના લોકલ લોકોની લાઇફ-સ્ટાઇલ અને જીવનને ગ્લૉરિફાય કરતાં ચિત્રો અમે દોર્યા હતાં.’

બે વીકેન્ડના ચાર દિવસમાં ‘ચલ રંગ દે’ની ટીમે અસલ્ફાની ઝૂંપડપટ્ટીઓ અને દીવાલોને રંગવાનું કામ પૂરું કરી દીધું હતું. આકર્ષક રંગોની સાથે ત્યાં રહેતા લોકોની પ્રતિકૃતિઓ અને કેટલાક ક્રીએટિવ આઇડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ‘આઓ કભી ખાર મેં’ જેવા વન-લાઇનર હોય કે પછી શાકભાજી અથવા સમોસા વેચતા ત્યાંના લોકોનાં મિનિએચર ચિત્રો હોય. સ્પેસમાં ગયેલા બાળકની તસવીર હોય કે ચહેરા પર સ્મિત પાથરતું કોઈ ફની ક્વોટેબલ ક્વોટ હોય. આ બધાને કારણે અસલ્ફા અને ખારની ઝૂંપડપટ્ટીનો વિસ્તાર એક આર્ટ-ગૅલરી જેવા રૂપમાં કન્વર્ટ થઈ ગયો છે. થોડાક સમય પહેલાં જે સ્થળો નીરસતાથી ભરપૂર હતાં એ આટલાં બોલકાં બની જશે એની કલ્પના ત્યાંના એકેય લોકલ માણસને નહોતી. ટેરેન્સ કહે છે, ‘શરૂઆતમાં જે લોકો અમારી હાજરીથી અકળાઈ ગયા હતા એ લોકોએ જેમ-જેમ તેમની દુનિયામાં રંગો ભરાતા ગયા એમ તેમના અમારી સાથેના વ્યવહારમાં પણ ફેરફાર આવવા માંડ્યા. જેમ કે ભરતડકામાં જ્યારે અમારા વૉલન્ટિયર્સ કલર કરતા હતા ત્યારે ત્યાંના લોકલ લોકો જરૂર પડે તેમને ચા-પાણી પૂછી આવતા. ક્યારેક બહુ થાકી ગયા હોય ત્યારે થોડીક વાર તેમના ઘરે આરામ કરી લેવાની ચિંતા પણ તેમણે દેખાડી હતી. અમે પહેલી વાર ઝૂંપડપટ્ટીમાં વસેલા સારા લોકો સાથે ઘરોબો સાધી રહ્યા હતા.’

colors1

પહેલી વાર અંદરથી ઝૂંપડપટ્ટીને જોઈ

આ કૅમ્પેનમાં જોડાનારો મુંબઈનો એવો વર્ગ હતો જેમના માટે આ અભિયાન પહેલાં સુધી ઝૂંપડપટ્ટી એટલે ગંદો અને પછાત વિસ્તાર હતો. ડિડેપ્યા કહે છે, ‘અમારામાંના મોટા ભાગના લોકોએ ક્યારેય કોઈ ઝૂંપડપટ્ટીને જોઈ જ નહોતી એટલે એમાં રહેતા લોકો સાથે ઘરોબો કરવાની વાત તો દૂર રહી. અમે બધા મીડિયા અને ફિલ્મોમાં પ્રોજેક્ટ થઈ હોય એ જ રીતે ઝૂંપડપટ્ટીઓ ગંદી હોય, એમાં રહેતા લોકો સારા ન હોય એેવી જ કોઈક ધારણા સાથે હતા; પરંતુ જેમ-જેમ આ કામ કરતાં ગયાં એમ-એમ અમારી એ ધારણા ખોટી પડતી ગઈ. ત્યાંના લોકો ખરેખર ખૂબ સારા છે. તેમની જીવનશૈલી ચોખ્ખી છે. તેમને પૂરતા પ્રમાણમાં સગવડ નથી મળતી એટલે અમુક રીતે તેમણે તેમની લાઇફ-સ્ટાઇલ ઢાળી દીધી છે. જેમ કે ખારમાં હતાં ત્યારે ખૂબ મોટો વિસ્તાર અમારે કવર કરવાનો હતો. એ સમયે કેટલાક લોકોના વિરોધ વચ્ચે પણ લોકલ લોકોએ અમને સપોર્ટ કર્યો. ત્યાં એક નાળા જેવો ભાગ હતો જ્યાં લોકો કચરો ફેંકતા હતા. અમે જ્યારે રંગકામ કરી રહ્યાં હતાં એ સમયે ત્યાં લગભગ ત્રીસેક કચરાના ડબ્બા પણ ગોઠવી દીધા હતા તો લોકોએ નાળામાં કચરો નાખવાનું બંધ કરી દીધું. આજે ત્યાંના લોકોએ સ્વેચ્છાએ દીવાલ પર થૂંકવાનું નહીં એ નિયમ બનાવી દીધો છે. તમે માનશો નહીં પણ એ ઝૂંપડપટ્ટીમાં રહેનારા પરિવારનાં બાળકો અમારી સાથે જોડાઈ ગયાં હતાં. કોઈ બહાર કચરો ફેંકશે તો અમે એ લોકોને જોઈ લઈશું એ ઇનિશ્યેટિવ બાળકોએ ઉપાડી લીધો હતો.’

ખારમાં લગભગ દસ દિવસમાં કલરકામ ઉપરાંત ‘ચલ રંગ દે’ની ટીમે ત્યાં રહેતા લોકોનાં ઘરનાં છાપરાંમાં વૉટરપ્રૂફિંગનું કામ પણ કર્યું હતું. ડિડેપ્યા કહે છે, ‘કલર કરીએ, પણ જો ચોમાસામાં ઘરમાં પાણી આવતું હોય તો લોકોેને કરેલા રંગની પણ કોઈ કિંમત નહીં રહે. અમારે એ જગ્યાનું બ્યુટિફિકેશન કરવાની સાથે ત્યાંના લોકોની જીવનશૈલી પણ સુધરે અને તેમની સમસ્યા ઘટે એવા પ્રયત્નો કરવા હતા. એટલે અમે સારામાં સારા વૉટરપ્રૂફિંગનું લેયર તેમના ઘરનાં છાપરાં પર લગાવી આપ્યું. લગભગ ૪૦૦થી વધુ ઘરોનાં છાપરાં પર અમે વૉટરપ્રૂફિંગ કરીને એને પણ આકર્ષક રંગોની ચાદર ઓઢાડી દીધી. ખારની આ સોસાયટી પસંદ કરવાનું મૂળ કારણ એ હતું કે જ્યારે પણ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી કોઈ ફ્લાઇટ ટેક-ઑફ કરે કે લૅન્ડ કરે તો સૌથી પહેલાં ખારની આ ઝૂંપડપટ્ટી દેખાય. હવે જ્યારે છાપરાં સહિત એને કલર થઈ ચૂક્યો છે ત્યારે એનો આખો લુક જ બદલાઈ ગયો છે.’

‘ચલ રંગ દે’ના આ અનોખા કન્સેપ્ટે આખા દેશમાં કલરક્રાન્તિ સર્જી છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન જેવાં ઘણાં રાજ્યોમાં જુદા-જુદા લોકોએ ગ્રુપ બનાવીને આ દિશામાં કામ શરૂ કર્યું છે. મુંબઈના રેલવે-પ્લૅટફૉર્મને સુંદરતા પ્રદાન કરવાની ઍક્ટિવિટી પણ તમે જોઈ ચૂક્યા હશો. વિશ્વના ઘણા દેશોએ ‘ચલ રંગ દે’નો સંપર્ક સાધીને તેમના દેશમાં આ ઍક્ટિવિટી કરવા માટેનું ગાઇડન્સ માગ્યું છે. અઢળક કૉર્પોરેટ કંપનીઓ તેમ જ વિદેશી દાનવીરોએ પણ આ કાર્ય માટે આર્થિક સપોર્ટ આપવાની તૈયારી દેખાડી છે. આ આખા અભિયાનને મળેલી સફળતાથી એક જ વાત ફલિત થાય છે કે માણસ જ્યારે કંઈક કરવાનું નક્કી કરે છે અને પોતાના ઇરાદાઓ સાથે પ્રામાણિકતાથી આગળ વધે છે તો તેને સમાજ દ્વારા દરેક પ્રકારનો સપોર્ટ મળી રહે છે.

અભિયાનમાં સામેલ ગુજરાતી વૉલન્ટિયર્સ સાથે વાતો જીવનનો સૌથી બેસ્ટ અનુભવ : ભવ્ય પટેલ, ડોમ્બિવલી

‘ચલ રંગ દે’માં પહેલી વાર રજિસ્ટ્રેશન કરાવીને નહીં જઈ શકનારા ભવ્ય પટેલ માટે એ સૌથી મોટો અફસોસ છે. ડોમ્બિવલીમાં રહેતો હોવા છતા ખારમાં કલર કરવાના સ્થળે ભવ્ય સવારે છ વાગ્યે પહોંચી જતો. તે કહે છે, ‘એ સમયે મારું વેકેશન ચાલતું હોવાથી મારી પાસે સમય હતો. સોશ્યલ મીડિયા દ્વારા મને આ કૅમ્પેનની ખબર પડી એટલે મેં પહેલી વારમાં જ રજિસ્ટ્રેશન કરાવી દીધું હતું, પણ પહેલી વાર હું અમુક કારણોસર જઈ ન શક્યો. જોકે બીજી વાર ખાર પહોંચી ગયો હતો. મેં ક્યારેય ઇમૅજિન નહોતું કર્યું કે કલર્સથી પણ આવું રેવલ્યુશન થઈ શકે. મારી સાથે ત્રણ ફ્રેન્ડ્સ હતા. મેં પેઇન્ટિંગ પણ કર્યું, કલર્સનું ડિસ્ટ્રિબ્યુશન પર કર્યું. લગભગ ચાર હજાર વૉલન્ટિયર્સ હતા અને બધાને કંઈક કરવું હતું એટલે કોર ટીમે વૉલન્ટિયર્સને ચાર શિફ્ટમાં ડિવાઇડ કરી દીધા હતા. લોકો પોતાને કામ મળે એ માટે સવારે છ વાગ્યે આવીને લાઇનમાં ઊભા રહી જતા હતા. આ બધું જ હિસ્ટોરિકલ હતું કે જેમાં ઝૂંપડપટ્ટીમાં કામ કરવા મળે એ માટે ફ્લૅટ અને બંગલોમાં રહેતા લોકો લાઇનમાં ઊભા હોય. હું ખારમાં લગભગ બધા જ દિવસ આખો-આખો દિવસ ત્યાં જ રહ્યો છું. ભૂખ-તરસ, ગરમી તડકો જેવું કંઈ અમને મહેસૂસ નહોતું થતું.’

એમ લાગ્યું ભગવાને મારું ડ્રીમ પૂરું કરી દીધું : બિનાયશા શુક્લ, મલાડ


મને આર્ટ બહુ ગમે છે અને જ્યારે મને આ ઑપોચ્યુર્નિટી મળી ત્યારે મને ખરેખર એમ જ લાગ્યું જાણે ભગવાને મારું ડ્રીમ પૂરું કર્યું હોય.

મલાડમાં રહેતી અને ટ્વેલ્થ પાસ કરનારી બિનાયશા શુક્લના આ શબ્દો છે. ખાર, ડી. એન. નગર અને સાકીનાકા પોલીસ-સ્ટેશન એમ કુલ ત્રણ પ્રોજેક્ટમાં ‘ચલ રંગ દે’ સાથે ચોવીસ કલાક જોડાયેલી રહેલી બિનાયશાના પેઇન્ટિંગ-પ્રેમને જાણે આ અભિયાનમાં સાર્થકતા મળી છે. તે કહે છે, ‘દરેક એજ-ગ્રુપના લોકો આ અભિયાનમાં જોડાયા હતા. કોઈ એજ-બાર નહીં, કોઈ કમ્યુનિટી-બાર નહીં. ઇન ફૅક્ટ કોઈ દેશનો પણ ભેદ નહોતો. બધા એક થઈને એક ફૅમિલીની જેમ કામ કરતા હતા. હું અને મારી ફ્રેન્ડ બધાને કલર-ડિસ્ટ્રિબ્યુશનનું કામ કરતી. ગરમી બહુ હતી અને તડકો પણ પડતો ત્યારે ત્યાંના લોકલ લોકો જે અમારી ચિંતા કરતા એ જોઈને દિલ ભરાઈ આવતું. જ્યારે ખારનું કામ પૂરું થયું અને લોકોની આંખમાં પ્રાઉડ જોઈને અમારા બધાની આંખમાંથી આંસુ આવવા માંડ્યાં હતાં. મને યાદ છે કે હું ટ્રેનમાં ટ્રાવેલ કરતી હતી ત્યારે ખારમાં એ એરિયામાં રહેતાં એક આન્ટી પોતાને ત્યાં થયેલા કલરકામની તારીફ કરતાં હતાં અને જે પ્રાઉડ્લી એનું વર્ણન કરતાં હતાં ત્યારે ખરેખર અમને પણ જોરદાર સૅટિસ્ફૅક્શનની ફીલિંગ આવી હતી.’

ઉજાગરા કરીને પણ બસ પેઇન્ટિંગ કરતાં રહીએ એવી લગની લાગી હતી : નિશા ગોસ્વામી, વિરાર

‘ચલ રંગ દે’ ટીમની વિરારવાસી ચીફ ડિઝાઇનર નિશા ગોસ્વામીએ આ અભિયાન દરમ્યાન પોતાના ઘરે જવાને બદલે ઑફિસમાં જ રહીને રાત પસાર કરી છે. નિશા કહે છે, ‘કોર ટીમમાં હોવાથી પ્લાનિંગ અને એક્ઝિક્યુશન બન્નેમાં ધ્યાન આપવાનું હતું. હજારોની સંખ્યામાં વૉલન્ટિયર આવે તો કોને શું કામ આપવાનું અને કઈ ડિઝાઇન ક્યાં કરવાની, કયા કલર પૂરવાના જેવી તમામ બાબતોમાં ફોકસ કરવાનું હતું. વૉલન્ટિયર જો નવ વાગ્યે આવવાના હોય ત્યારે અમે સવારે પાંચ વાગ્યે જ પહોંચીને તૈયારીમાં લાગી જતાં. એવામાં ઘરે જઈએ તો ચાલે જ નહીં એટલે ઑફિસમાં જ થોડાક કલાક સૂઈ જવાનું અને સવારે ફ્રેશ થઈને ફીલ્ડ પર પહોંચી જવાનું.’

ઝૂંપડપટ્ટીની પણ પોતાની અલગ દુનિયા છે એનું વર્ણન કરતાં નિશા કહે છે, ‘બધા જ રસ્તાઓ ભૂલભુલૈયાથી ભરેલા હતા. અમને એમ પણ હતું કે બહુ ગંદકી હશે, પણ એવું હતું નહીં. પ્રમાણમાં વધુ ક્લીન સ્લમ છે. લોકલ લોકોએ ખૂબ મદદ કરી. તેમના ઘરે જ આરામ પણ કરી લેતાં અને તેમના ઘરે ફ્રિજ ખોલીને પાણી પણ પી લેતાં. અમને ઠંડું પાણી મળે એટલે આન્ટીઓ પોતાના ફ્રિજમાં જગ્યા કરીને વધારાનું પાણી પણ રાખતી. ક્યાંક બેસીને કલર થઈ શકે એમ હોય ત્યારે એ લોકો અમારા માટે ટેબલ અને ખુરસી પણ લઈ આવતા. એ દિવસોમાં ત્યા સેંકડો લોકો મળીને યુદ્ધના ધોરણે મહેનત કરી રહ્યા હતા અને ત્યાંના લોકલ લોકોએ એની ભરપૂર કદર પણ કરી. આ જીવનનો સૌથી યાદગાર અનુભવ છે.’    

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK