કૅન્સરને આંગણે લઈ જનારો રંગીન શોખ

ડેવિલ્સ ડિક્શનરીમાં હૅબિટ-વ્યસન વિશે લખ્યું છે કે હૅબિટ ઇઝ અ શૅકલ ફૉર ધ ફ્રી મૅન અર્થાત કોઈ પણ વ્યસન મુક્ત માનવી માટે એક સાંકળની કડી-કેદી જેવું થઈ જાય છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

ગુજરાતમાં પાન-સોપારીનું વ્યસન ઘણાને હોય છે. ૨૩-૭-૨૦૧૭ના સમાચાર છે કે મહારાષ્ટ્ર સરકારે સેન્ટેડ-સોપારી (સુંગધિત-કૃત્રિમ કેમિકલવાળી) પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે, પાન-સોપારી તો ગુજરાતીઓ અને ખાસ તો કાઠિયાવાડના લોકોના જીવન સાથે જડાઈ ગયેલાં છે.

હું મહુવા હતો ત્યારે બચપણમાં મહુવાના મોતી ચોકમાં પાનની દુકાને ગિરદી થતી. જમ્યા પછી કે ચા પીધા પછી ઓડકાર ખાઈને તમામને ગલોફે પાન ભરાઈ જતું. મહુવામાં મોતી ચોકની એક દુકાનમાં જ્યાં સુગંધિત કે સાદું તમાકુવાળું પાન કે મસાલાવાળું પાન કે અનેક જાતનાં પાન મળતાં. જુદી-જુદી જાતનાં પાન આવતાં. બંગલા પાનથી માંડીને સાદા પાન આવતાં. પાન ચૂનો-કાથો અને મસાલાથી શણગારેલું બનાવવામાં આવતું. અમારા વડીલો સોપારી અને પાનનો ડબરો સાથે લઈને બેસતા. જે ડબરો ન રાખે તે પાનની દુકાને ગિરદી કરતા. અમુક વૈદો જાગ્યા હતા જે પાન-તમાકુનું વ્યસન છોડાવતા. લોકોની શણગારેલી દીવાલોને પાન ખાનારા બગાડતા એથી ઘણા બોર્ડ લાગતાં કે પાન ખાઈને અહીં થૂંકવું નહી, પરંતુ પાન એટલું જીવન સાથે જડાઈ ગયું છે કે લગ્નમાં વરરાજા વરઘોડે ચડે ત્યારે સૌપ્રથમ વરરાજાને ગલોફે પાન ચડેલું હોય. મારા પિતા અને વડીલો કહેતા કે પાન-સોપારી તો જીવન સાથે જડાઈ ગયાં છે અને ખરેખર તો પાન જીવવા માટેનું એક જબ્બર બહાનું આપે છે, પરંતુ આ જીવવા માટેનું બહાનું એક ગંદી ટેવ છે અને એ આખરે કૅન્સર તરફ લઈ જાય છે જે ભાગ્યે જ કોઈ સ્વીકારતું.

મહારાષ્ટ્રમાં ઠેર-ઠેર સેન્ટેડ-સુપારીવાળા પાનની દુકાનો છે. પાનના વ્યસનને (તમાકુવાળા) ધિક્કારનારાનું મંડળ પણ ઊભું થયેલું છે. સુગંધિત સુપારીવાળા પાન પર મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધ લાદેલો, પણ

૨૩-૭-’૧૭ના સમાચાર છે કે મહારાષ્ટ્ર સરકારે સેન્ટેડ સોપારી પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે.  આજે કરોડો રૂપિયાનાં પાન-સોપારી ખવાય છે. તમાકુ પર પ્રતિબંધ હોય તો પણ પાનના ગલ્લાવાળા સંતાડેલી તમાકુથી પાનના શોખીનોના શોખને પૂરા કરે છે. ઘણા લોકો શોખને ભૂલી શકતા નથી. બ્રાહ્મણોના ચૂરમાના લાડુના જમણ પછી કે જન્ક ફૂડ ખાધા પછી પાન ખાવું અનિવાર્ય બની જાય છે. કવિ ગેટેએ કહેલું કે આપણે ફાલતુ વસ્તુથી ટેવાઈ જઈએ છીએ. ફાલતુ ચીજ તમને કૅન્સર કરી શકે છે. ઘણા પત્રકારોનાં જડબાં પાનથી ખરાબ થઈ ગયાં હોય છે. મેં ઘણા પત્રકારોને જીભનાં કૅન્સર થયેલાં જોયાં છે. તમાકુવાળું પાન કે મસાલાવાળું પાન એ ફાલતુ ચીજ નથી, પણ ખૂબ મોંઘી-મારક અને મૃત્યુના દ્વાર સુધી પહોંચાડનારી ચીજ છે!

ફિલ્મસ્ટાર દેવ આનંદ એક ફિલ્મમાં ગાય છે...

મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા

હર ફિક્ર કો ધુએેં મેં ઉડાતા ચલા ગયા

દેવ આનંદસાહેબ! ગાયનમાં તો ગાવું સારું લાગે છે, પણ પાનના ગલોફા સાથે સિગારેટનો ધુમાડો ભળતાં એ મોતનો સો ટકા મસાલો  બને છે અને એની ફિકર ધુઆંમાં ઉડાડી શકાતી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK