સંબંધોની સીમા તૂટી

અમેરિકાએ ઈરાન-ઇરાક યુદ્ધમાં અને અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે જેટલા સૈનિકો ગુમાવ્યા એના કરતાં વધારે સૈનિકો ભારતે નક્સલવાદીઓ અને કાશ્મીરના જંગમાં  ગુમાવ્યા છે.
અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

અર્થ એટલો કે ઘરના લોકો જ ઘર ખાવા બેઠા છે. છત્તીસગઢના સુકમા વિસ્તારમાં નક્સલવાદીઓએ પચીસ જવાનોની હત્યા કરી. રસ્તાનું બાંધકામ કરી રહેલા મજૂરોના સંરક્ષણ માટે તહેનાત કરાયેલા બહાદુર જવાનોની શહાદતથી માટી લાલ થઈ ગઈ. દેશ માટે જાનની બાજી લગાવનાર એક જવાનનું મૃત્યુ એટલે આપણા નાગરિકત્વની હત્યા.   

સવાર મારી હત્યાથી લૂંટાઈ જાતી

મેં પણ બંધાવ્યું છે છાપું હમણાં હમણાં

મુકેશ જોષીની આ પંક્તિનો એહસાસ વાચકોએ કર્યો હશે. પહેલે પાને મોટા ફોન્ટમાં સૈનિકોની હત્યાના સમાચાર વાંચીને એક આંખમાં આંસુ આવે ને બીજી આખમાં ક્રોધ. ક્યાં સુધી ચાલશે આવું? આ સવાલ બાર રાજ્યોમાં પથરાયેલા નક્સલવાદીઓના સંદર્ભે દાયકાઓથી ભોંકાતો રહ્યો છે. વિદ્રોહની આશકા લઈને જન્મેલી નક્સલવાદી ઝુંબેશ હવે વિકાર અને વિનાશનો દૈત્ય બની ચૂકી છે. સુરેન ઠાકર ‘મેહુલ’ કહે છે એમ હવે લડાઈ સામસામી નહીં, પણ આરપારની કક્ષાએ પહોંચે એ સમય ક્યારનો થઈ ગયો છે.

આમ જુઓ તો શ્વાસ નિરંતર

આમ જુઓ તો ધીરજ ખૂટી

શ્વાસ મૂક્યાનું એક બહાનું

સંબંધોની સીમા તૂટી

નક્સલો દ્વારા શ્રેણીબદ્ધ સંહારના કિસ્સાઓ સમયાંતરે બનતા જ રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં આ ગ્રાફ નીચે આવ્યો છે, પણ ઓછો નથી થયો. હજી તો સ્થિતિ કાબૂમાં આવ્યાના આછા અણસાર મળતા હોય ત્યાં એવી ગોઝારી ઘટના બની જાય કે કર્યા-કારવ્યા ઉપર લોહી ફરી વળે. અશોક જાની ‘આનંદ’ના શેરની જેમ કળ વળવાની સ્થિતિ આવે એ પહેલાં નવા વળ ચડી જાય. 

સહેજ આનંદ હાથ આવે ત્યાં

કોઈ લૂંટ આદરે છે ધીમેથી

આ કોઈ છે તે પાછા ઘરના જ છે. ગામવાળાઓએ નક્સલીઓને વ્યૂહ ઘડવામાં મદદ કરી. શક્ય છે કે બંદૂકની અણીએ આ કામ કરાવવામાં આવ્યું હોય. કાશ્મીરમાં સ્કૂલના છોકરાઓ તો ઠીક છોકરીઓ પણ પથ્થરફેંકમાં જોડાઈ ગઈ એ હકીકત આશ્ચર્ય કરતાં આઘાતજનક વધારે છે. પાકિસ્તાને રણનીતિ બદલી છે. એ આતંકવાદીઓ સાથે હવે પ્રચારકો-ઉપદેશકો પણ ઘુસાડે છે, જેનું મુખ્ય કામ નવી પેઢીનું બ્રેઇનવૉશ કરવાનું છે. આવા આતંકીઓ વાઇટ કૉલર છે, જેમને ઓળખવા મુશ્કેલ છે. શસ્ત્ર ઉપરાંત શાસ્ત્રો દ્વારા લોકોને ભરમાવવાનો પેઇડ બિઝનેસ ફૂલ્યોફાલ્યો છે. પથ્થર ફેંકનારા તો દેખાઈ જાય, પણ જે તેમના હાથમાં પથ્થર અને પૈસા થમાવે છે એ આકાઓ અદૃશ્ય જ રહે. નક્સલીઓ ગાઢ જંગલોમાં વિખરાઈને ઓઝલ થઈ જાય છે. તેમની પાસે આધુનિક હથિયારો ક્યાંથી આવે છે એ પણ રહસ્ય છે. દેશ હમણાં ભીતરના દુશ્મનોથી જ એટલો ખદબદે છે કે બહારવાળાઓએ આક્રમણ કરવાની જરૂર ન પડે. ઝનૂન સાથે આર્થિક સમીકરણો જોડાયાં છે અને દેશદ્રોહ સાથે ચાલાકી પણ ઉમેરાઈ છે. ભરત ભટ્ટ ‘પવન’ની વાત શતપ્રતિશત સાચી છે...                           

છે પવન ચાલાક, રંગેહાથ પકડાશે નહીં

કેમ કે એ ફૂલ નહીં ખુશ્બૂને ચૂંટી જાય છે

આપણો દેશ મેઘા પાટકરો, અરુંધતી રૉયો, યેચુરીઓ, મમતા બૅનરજીઓ, અરવિંદ કેજરીવાલો, કન્હૈયાઓ, અવૉર્ડ વાપસી કરનારા નરમદિલ સાહિત્યકારોથી ત્રસ્ત થયેલો છે. એક દલિતની હત્યા સામે છડેચોક જુવાળ ઊભો કરી શકતા આ લોકો એક સૈનિકના મોત માટે છાનાં આંસુ પણ નહીં સારે. કાશ્મીરમાં જવાનને તોફાનીઓ ટોળટપ્પા કરી અપમાનિત ને લિજ્જત કરે એનું કંઈ નહીં, પણ લશ્કર એક પથ્થરબાજને જીપ પર બેસાડીને ફેરવે તો ઓમર અબ્દુલ્લાનો માનવતાથી ફાટ-ફાટ કરુણામય જીવ દ્રવી-દ્રવી જાય. વિરોધાભાસ મારા દોસ્ત, તારું બીજું નામ ભારત દેશ છે! ગુણવંત ઉપાધ્યાયનો આ શેર સમજો તો અપશબ્દથી પણ વધારે છાતીમાં ભોંકાશે.

વ્યથા, આંસુ, આહો લૂંટાયા પછી,

હું બાકી વધેલો સદાચાર છું

ઇઝરાયલમાં નાગરિક માટે મિલિટરી ટ્રેઇનિંગ ફરજિયાત છે અને લશ્કરમાં બે વર્ષ સેવા આપવી પડે છે. દુશ્મન દેશોથી ઘેરાયેલો આ દેશ પોતાના

લશ્કર કરતાંય વિશેષ દેશદાઝને કારણે ટકેલો છે. આશા રાખીએ કે ઇઝરાયલી આત્મા આપણામાં પ્રવેશે અને આપણી અર્જુનવૃત્તિને ભસ્મ કરી નાખે. તો કદાચ દાનવોનો સંહાર માટેનું સુદર્શન ચક્ર ઍક્ટિવેટ થાય. ત્યાં સુધી દીપક બારડોલીકરનો આ શેર તત્કાલ ધોરણે સાચો પડે એવી કામના કરી જાતને આશ્વાસન આપીએ.

તિરસ્કાર આંખોમાં, દિલમાં, જિગરમાં

તમારી આ ફૂંફા ફક્ત ચાર દિવસ

તમે શેરી-શેરી, બજારોય લૂંટો

આ ગલ્લા, આ ડલ્લા ફક્ત ચાર દિવસ

ક્યા બાત હૈ

ચલો, હંસા! દૂર દેશમાં, મલક ભયો પરાયો!

નીર સુકાયાં, મોતી ખૂટ્યાં, સમય હવે બદલાયો!

આણી કોર છે રણની કંકર

ઓલી કોર હરિયાળી,

અહીં મળે છે ખરતાં પર્ણો

ત્યાં વાસંતી ડાળી!

કશુંય ન લાગ્યું હાથ, નાહક અમથો શોર મચાયો!

અવસર મળે પરપોટા જેવા

જાય પલકમાં ફૂટી,

શમણાનું રજવાડું મારું

કોણ ગયું છે લૂંટી? 

ચાંદો ભાળી રમવા નીકળ્યા, નડી ગયો પડછાયો!

- લાલજી કાનપરિયા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK